નીરખ ને/શબ્દોની કરકસર કે દુર્વ્યય?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ પુસ્તક સામાન્ય ખ્રિસ્તી મતાગ્રહથી (ડૉગ્મા) જુદું ફંટાયું છે. એ વાત ઘણી સાચી છે. એ બીજા બધા સ્થાપિત ડૉગ્માઓથી પણ પછી એ ધાર્મિક, તાત્ત્વિક કે રાજકીય કેમ ન હોય એથી જુદું ફંટાયું છે. શા માટે કોઈ પણ ડૉગ્મા આટલો પવિત્ર અને આખરી હોય? સત્ શું ક્યારેય આ ને આ જ શબ્દોમાં સમાઈ શકે અને બીજામાં નહીં? સત્ શું એકમાર્ગી છે? આમાં જ મારા પુસ્તકનું મહત્ત્વ છે; હસ્તીના શાશ્વત પ્રશ્નો પ્રત્યેના નવા અભિગમોને એ ખુલ્લા મૂકે છે. એ માત્ર કોઈ જાણીતા પંથનું કે કોઈ વિચાર-પદ્ધતિનું સમર્થન કે એથી થોડુંક ભિન્ન એટલું જ હોત તો મને લખવા માટે ન પ્રેરત. આ પુસ્તક ઘડાયું છે અને લખાયું છે અંગ્રેજીમાં, પણ પુસ્તક માત્ર અંગ્રેજી બોલનારાઓ માટે નથી. કોઈ પણ પંથના અનુયાયીઓને આઘાત પહોંચાડવા કે ભડકાવવા માટે પણ લખ્યું નથી; પણ માનવજાત જે ધિક્કાર, કલહ અને અરાજકતાવાળા મતાગ્રહ-પ્રમાદથી મૂર્છાગ્રસ્ત છે એને હલબલાવી નાખવાનો ઉદ્દેશ આ પુસ્તક પાછળ છે.

મિખેઈલ નૈમી



શબ્દોની કરકસર કે દુર્વ્યય?

ઘણીવાર મને વિચાર આવ્યો છે કે જ્યારે પણ હું ગાંધીજીને વાંચું છું ત્યારે એમનું લખાણ મને હમેશાં તાજગીસભર કેમ લાગતું હોય છે? આમ તો વિચારોને સ્તરે ઘણી બધી જગ્યાએ મારો એમની સાથે એકમેળ ખાતો નથી – તો પણ એમની વાણી અને વ્યક્તિત્વથી એકદમ પ્રભાવિત થઈ જાઉં છું. મને હલાવી દે છે એમ કહું તો ચાલે. અહીં ગાંધીજી પોતાના લખાણ વિશે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડશે. ગાંધીજી લખે છે, “...પણ આવી શરમાળ પ્રકૃતિથી મારી ફજેતી થવા ઉપરાંત મને નુકસાન થયું નથી, ફાયદો થયો છે, એમ હવે જોઈ શકું છું. બોલવાનો સંકોચ મને પ્રથમ દુઃખકર હતો તે હવે સુખકર છે. મોટો ફાયદો તો એ થયો કે હું શબ્દોની કરકસર શીખ્યો, મારા વિચારો ઉપર કાબૂ મેળવવાની ટેવ સહેજ પડી. મને હું એવું પ્રમાણપત્ર સહેજે આપી શકું કે મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઈ શબ્દ નીકળે છે. મારાં ભાષણ કે લખાણમાંના કોઈ ભાગને સારુ મને શરમ કે પશ્ચાત્તાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી, અનેક ભયોમાંથી હું બચી ગયો છું, ને મારો ઘણો વખત બચી ગયો છે એ વળી અદકો લાભ.” ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના લખાણ માટે શું કહે છે એ પણ આ સંદર્ભે જાણવા જેવું છે. ગાંધીજી લખે છે, “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી. જોયું.” સ્પષ્ટ જ છે ને કે સ્વયં ગાંધીજીનાં લખાણોને આ વાત લાગુ પડે છે. આને અંતિમે સામે પક્ષે શબ્દોની કરકસર તો દૂર રહી, એનો દુર્વ્યય કેટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે એનો અનુભવ આપણને રોજ ને રોજ છાપાંઓ-સામયિકોમાં આવતાં લખાણોથી થતો રહે છે. એક નવી જાતની અભિવ્યક્તિ આજકાલ વખતોવખત દેખા દે છે – આડંબરી આક્રોશ, પોતાને ઊંચા મંચ ઉપર મૂકી બીજાઓ ઉપર ન્યાય તોળતી ભાષા, બેશરમ બડાશભરી નિર્ભયતા અને વક્ર તર્ક જે સાચા મુદ્દાઓને પણ વિકૃત બનાવી એક અવાસ્તવિક આભાસી પરિવેશ ઊભો કરે છે. આ સંદર્ભમાં થોડા વખત પહેલા શ્રી અનિલ જોશીના સમકાલીનમાં છપાયેલા ‘પ્રેમાનંદની છુટ્ટી ચોટલીનું ડાઇંગ ડિક્લરેશન’ મથાળાવાળા ત્રણ લેખો જોઈ જવા જેવા છે. આખા લેખો તપાસવાનો અહીં ઉપક્રમ નથી. માત્ર એમાંથી બે-ત્રણ વાતો લેવા ધારી છે. લેખની શરૂઆતમાં જ લગભગ લેખક જાહેર કરે છે કે એમને સોનાની એલર્જી છે. સુવર્ણચંદ્રકોની વાત નીકળતાં જ એમને નોશિયા અને લો બ્લડપ્રેશર થઈ જાય છે. આ વાંચતાં જ આપણને તરત જ વહેમ પડે છે કે હવે સોનાના લાલચુઓની વાત આવવાની. કોણ છે આ લાલચુઓ? એ લાલચુઓ છે શું શા પૈસા ચારવાળા ગુજરાતીના સર્જકો જે રણજિતરામના સુવર્ણમૃગ પાછળ જાય છે. શું શા પૈસા ચારવાળી ગુજરાતી ભાષા અહીં શા માટે કહ્યું હશે? અનિલભાઈને એમ અભિપ્રેત હશે કે બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષા અવિકસિત તબક્કામાં જ છે? એક તો શું શા પૈસા ચારવાળી ભાષા, એના વળી સર્જકો અને એ વળી પાછા રણજિતરામ સુવર્ણચંદ્રક પાછળ. આ કહેતા કહેતા એમને સુરેશ જોષી યાદ આવી જાય છે. અને લખે છે, “મને હસવું એ વાતનું આવે છે કે સુરેશ જોષી જેવા અત્યંત મેઘાવી સર્જક એક બાજુથી એમ લખે છે કે સુવર્ણચંદ્રકોને ઓગાળી નાખવા જોઈએ અને બીજી બાજુથી એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળે ત્યારે કોઈ પણ જાતના પ્રતિકાર વિના ચૂપચાપ સ્વીકારી લે.” વાત સાચી છે પણ એમને હસવું આવે છે એટલે આપણે થોડા relaxed થઈ જઈએ છીએ. છતાં આપણને પ્રશ્ન તો થાય કે સુરેશ જોષીએ સુવર્ણપ્રેમ ખાતર રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકાર્યો હશે? અથવા નિરંજન ભગત, હરીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, રાજેન્દ્રભાઈ શાહ, સુંદરમ્ વગેરેએ સુવર્ણપ્રેમ ખાતર સુવર્ણચંદ્રક સ્વીકાર્યો હશે? કબૂલ કે સુરેશ જોષીએ પોતે જે વસ્તુનો વિરોધ કર્યો હતો એ જ જ્યારે એમને ફાળે આવ્યું ત્યારે ઊંધું કરી બતાવ્યું. છતાં આ હકીકતને એમને ન્યાય આપવા ખાતર પણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અને સમગ્રતામાં જોવી ઘટે. સુરેશ જોષીનું કાર્યક્ષેત્ર જોતાં સુવર્ણપ્રેમ-ધનપ્રેમ એમના જીવનનું પ્રેરકબળ નહોતું એમ ખાતરીપૂર્વક કહી શકાય. એમને માટે એમને જે સાહિત્યની કલ્પના હતી એ જ મુખ્ય કૉઝ હતો. હા, આપણને જિજ્ઞાસા જરૂર થાય કે રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારવામાં કઈ વસ્તુ એમના ઉપર સવાર થઈ ગઈ હશે? જે હો તે. પણ પ્રમાણભાન ભૂલી એક ઘટનાને વિરાટ સ્વરૂપ આપી સમગ્ર જીવનનો છેદ ઉડાડતી હોય એવી ભાષા ન વપરાવવી જોઈએ. લેખમાં આગળ જતાં એકાદ-બે દાખલા ટાંકી શ્રી અનિલ જોશી નિરીક્ષણ કરે છે : ‘કવિ હોવા ઉપરાંત તમારી પાસે કોઈ સામાજિક મોભો હોય તો જ લપોડશંકરો (એટલે કે સુવર્ણચંદ્રક દેનારા અમદાવાદી લપોડશંકરો) તમારી પાસે પૂંછડી પટપટાવતા આવે છે.” પછી એમના આ નિરીક્ષણને સત્યની વધુ નજીક લઈ જવા માટે એક બીજો પ્રસંગ ટાંકવાની લાલચ એ રોકી શકતા નથી. એ માહિતી આપે છે કે હરીન્દ્ર જેવા સમર્થ સર્જકના ‘હયાતી’ કાવ્યસંગ્રહનું વિમોચન કરવા માટે ઉમાશંકર જોશીને વિનંતી કરવામાં આવી ત્યારે પુસ્તકનું વિમોચન એ સામાજિક ઘટના છે એમ કહીને નિમંત્રણ નકાર્યું. પણ એ જ ઉમાશંકર કલ્લોલિની હઝરત સંપાદિત ‘મારો ગરબો ઘૂમ્યો’ પુસ્તકનું વિમોચન કરવા હોંશે હોંશે મુંબઈ દોડી આવે છે. હરીન્દ્રની ‘હયાતી’ પાછળ નર્યા કવિનો ચહેરો હતો અને કલ્લોલિની હઝરતના ગરબા પાછળ ડૉ. માધુરી શાહનો ચહેરો હતો” અને આ દૃષ્ટાંતની છેવટે દૃઢતાપૂર્વક શ્રી અનિલ જોશી કહે છે, “કવિના નકરા ચહેરા કરતાં ડૉ. માધુરી શાહના સત્તાવાહી ચહેરાનો ઉમાશંકરને વધુ મહિમા હતો. આ નકરું સત્ય છે. સત્યથી વિશેષ કંઈ નથી.!” રાજ્યસભામાં બુલંદ સ્વરે કટોકટીનો વિરોધ કરતા ઉમાશંકરને ડૉ. માધુરી શાહના સત્તાવાહી ચહેરા જેટલી ઇન્દિરાના સત્તાવાહી ચહેરાની અસર ન થઈ? ઉમાશંકર પોતાની ષષ્ટિપૂર્તિ, ૭૫મું વર્ષ ઊજવવાની તથામાં કેમ પડ્યા નહીં? પોતાની પત્ની મુંબઈમાં મરણ પામતાં કશાય પ્રશંસકોના ટોળાની તમા વગર લગભગ એકાકી જેવા જૂજ સંબંધી-મિત્રો સાથે બધું પતાવી અમદાવાદ ઘર ભેગા કેમ થઈ ગયા? નકરું સત્ય ક્યાં છે? કહ્યોલિની હઝરતના પુસ્તકના વિમોચનમાં કે અહીં? આવી આવી સંદર્ભથી ઉતરડી નાખતી રડીખડી ઘટનાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂક્યા વગર, વ્યક્તિના સમગ્ર જીવનની પશ્ચાદ્ભૂમાં નાણ્યા વગર રજૂ કરવી એ નકરું સત્ય અને સત્યથી વિશેષ કંઈ નહીં એમ કહેવું એમાં કેટલી નિરપેક્ષતા? એક વક્ર તર્ક અને દલીલોના બેહૂદાપણાનો દાખલો પણ જોવા જેવો છે. સુરેશ જોષીને ભાંડવાનો પરવાનો પોતાની પાસે સાબૂત રાખીને એકાએક સુરેશ જોષી ઉપર પ્રીતિ ઊભરાઈ જાય અને સુરેશ જોષીના પટ્ટશિષ્યોએ એમને કેવો દગો દીધો એ વાત આપણને કરવામાં આવે છે. શ્રી અનિલ જોશી લખે છે કે ‘શિરીષ પંચાલ જેવા સુરેશ જોષીના શિષ્યને મુંબઈ સાહિત્ય પરિષદના મંચ ઉપર ભોગીલાલ સાંડેસરા સાથે મોટાભા બનીને બેઠેલા જોયા ત્યારે જ મેં રસિક શાહને મોઢામોઢ કહી દીધું કે સુરેશ જોષીના ખુમારીના દિવસો હવે પૂરા થયા છે.” મન ફાવે ત્યારે ગમે તે વસ્તુનું ગમે તેમ twist કરીને મૂકતા પહેલા આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આમાં પ્રમાણિકતા કેટલી? શબ્દો વાપરતા આપણને આવડતા હોય, ભાષા ઉપર પ્રભુત્વ હોય ત્યારે વ્યક્તિ ઉપર બેવડી જવાબદારી આવી જાય છે કે ભાષાનો દુરુપયોગ તો નથી થતો ને એ જોવાનો. પ્રમાણભાન વીસરીને ગાળો તો ભાંડી શકાય – આજે એ સામાન્ય બની ગયું છે. એમાં કોઈ બહાદુરી નથી જોઈતી. લપોડશંકરો, ગુજરાતી સાહિત્ય પરિષદ જાહેર શૌચાલય વગેરે બધું જ આજે લખી શકાય છે, બોલી શકાય છે. પણ આથી ઊભું થતું વિકૃત ચિત્ર માત્ર મોંમાં બેસ્વાદ મૂકી જાય છે. છેવટે ‘બૂક ઑવ મિરદાદ’માંથી મિરદાદનું અવતરણ ટાંકું છું; આ શ્રી અનિલ જોશીને સંબોધીને નથી; આપણા બધા માટે છે, અને સૌથી વધુ તો મને પોતાને ચેતવવા માટે છે. મને ખૂબ ભાવી ગયું છે અને જરૂરી લાગ્યું છે માટે ટાંકું છું : “Refrain from speaking much. Out of a thousand words uttered there may be one and one only that need in truth be uttered. The rest but cloud the mind, and stuff the ear, and irk the tongue, and blind the heart as well.” પછી મિરદાદ કહે છે, “Out of a thousand words written there may be one, and one only, that need in truth may be written. The rest are wasted ink and paper, and minutes given feet of lead, instead of wings of light.” કેટલાક સાહિત્યિક મુદ્દાઓ : જોસેફ મેકવાન સાથે થોડા વખત પહેલાં થોડીક સામાન્ય સાહિત્ય માટે વાતો થતાં એવી છાપ પડી કે સીધા અનુભવ વગર સારું સાહિત્ય રચાય નહીં એવી કંઈક એમની માન્યતા છે અને અભાનપણે કે સભાનપણે દલિત-અનુભવ એ શ્રેષ્ઠ માનવા લાગ્યા. સર્જનપ્રક્રિયામાં કલ્પના કેટલો મોટો ભાગ ભજવે છે એ તથ્ય એમને કેટલું સ્પર્શે છે એ એમની સાથેની અછડતી વાતોમાંથી હું પ્રાપ્ત કરી શકી નહીં. તે વખતે તો મને એમને કહેવાનું સૂઝ્યું નહીં, પણ જો સીધા અનુભવ વગર સાહિત્ય રચાતું જ ન હોય તો પુરુષલેખકો સ્ત્રીપાત્રો સરજે છે કેવી રીતે? કેટલીક વાર તો છક થઈ જાય એવી રીતે ઉત્તમ પુરુષસર્જકો સ્ત્રીના મનોભાવો પકડે છે. અનુભવ તો માણસ જન્મ્યો એટલે એને થયા જ કરે, પછી એ ઉચ્ચ વર્ણનો હોય કે નીચલા વર્ણનો. એ અનુભવો સુખના, દુઃખના, આનંદના – કોઈ પણ હોઈ શકે. શરત એટલી કે સાહિત્યસર્જનમાં એમનું કલાકીય રૂપાંતર થવું જોઈએ. પ્રતિબદ્ધ સાહિત્યમાં માનનારા સારા સર્જકો પણ એટલું તો સ્વીકારે જ છે કે કોઈ પણ કળાકૃતિ કળાના નિયમો વડે જ મૂલવાવી જોઈએ. મને કંઈક એવી છાપ પડી છે કે સારા દલિત સર્જકો પણ ખુલ્લા મનથી આપણા નીવડેલા સર્જકોનું ભાષાની દૃષ્ટિએ અભ્યાસ કરવાનું અને એમાંથી મેળવવાનું વલણ ખાસ દાખવતા નથી. એવું કંઈક કોઈક સૂચન એમને કરે છે તો એ લોકો પોતાના વિશિષ્ટ અનુભવો અને પોતાની યાતનાઓને સામે પક્ષે મૂકતા હોય છે. કહેવાની જરૂર નથી કે આ કહેવાનું એટલા માટે પ્રાપ્ત થાય છે કે દલિત સાહિત્ય પાસેથી ઉત્તમ સાહિત્યકૃતિઓ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે. આપણા પરિવેશમાંથી બહાર આવી બાહ્ય પ્રવાહમાંથી ઉત્તમ પ્રાપ્ત કરવાનું ખુલ્લાપણું દાખવવામાં વધુ જાગૃતિની અને ચેતનાની જરૂર છે. કાળે કરીને એ એમનામાં આવી રહેશે એવો વિશ્વાસ અને આશા છે. આજનાં આપણાં સર્જકો કેમ સહૃદય ભાવકો મેળવવા કરતા વધુ ને વધુ વિવેચકોના પ્રતિભાવો-આધારિત થઈ ગયા છે? કોણ જાણે એવી લઢણ થઈ ગઈ છે કે ચોક્કસ વિવેચકોનાં નામો લીધા વગર સદૃષ્ટાંત લખાણ કરવાને બદલે આડેધડ વિવેચકો ઉપર આક્ષેપો કરતા રહેવાના. આવાં લખાણોથી કોઈને કશું પ્રાપ્ત થતું નથી. શ્રી મણિલાલ પટેલે એક આવો પત્ર સપ્ટેમ્બર-ઑક્ટોબર, ‘વિ’ના અંકમાં લખ્યો છે. આઠમા દાયકાની કવિતા વિવેચનથી ઉપેક્ષિત રહી છે અથવા એની જોઈએ એવી કદર નથી થઈ એમ લાગતું હોય તો એ ગાળાના વિવેચકો શું ઊભા જ નથી થયા? તો એમ કેમ? ક્યાં સુધી જૂના વિવેચકો પ્રત્યે બધી જ વસ્તુઓ માટે આંગળી ચીંધ્યા કરવાની? ગાંધીયુગમાં બીજું સારું હોય કે ન હોય લેખકોનો વિવેચક-વર્ગ કરતા સીધો સંપર્ક રસિક વાચકવર્ગ સાથે હતો. આજે ઉદ્યોગીકરણ અને તંત્રવિજ્ઞાનના અકલ્પ્ય વિકાસની સાથે સાહિત્યક્ષેત્રે પણ નવી સંવેદનશીલતા ઊભી થઈ. સંકુલ પરિસ્થિતિને અભિવ્યક્ત કરવા માટે જૂનાં પરંપરિત સાહિત્યસ્વરૂપો અપર્યાપ્ત ઠર્યાં; સ્વરૂપકક્ષાએ નવા નવા સાહિત્યપ્રયોગોએ દેખા દેવા માંડી. એક દલીલ એવી છે કે કલા હવે આમ તોર ઉપર રસિક ભાવકો માટે નહીં, પણ કલા-વિશેષજ્ઞોની બની ગઈ છે એટલે કોઈ પણ ભાવકને એ પામવા માટે વિજ્ઞાની એના વિષયમાં જેટલી સજ્જતા કેળવે એટલી એને કેળવવી રહી. આનો અર્થ એ થાય કે સાહિત્ય-સર્જન જે માણસના આનંદ માટે છે એને બદલે માણસે સાહિત્ય માટે જીવવું જોઈએ. રોષે ભરાઈને કહેવાનું મન થઈ જાય કે ખાડામાં જાય આવું સાહિત્ય. પણ થોભો. ઉદ્યોગીકરણ – તંત્રવિજ્ઞાનના જબરદસ્ત વિકાસની સાથે જીવનરીતિમાં જે આમૂલ ફેરફારો થયા અને સંકુલ પરિસ્થિતિ ઊભી થઈ છે એથી શું ભાવકોની સંવેદનશીલતા વંચિત રહી જાય? સર્જકોની જેમ એ પણ આની અસર તળે આવે ને? લિયોં ટ્રૉટ્સ્કીએ આ બાબતે સચોટ વિધાન કર્યું છે તે જોઈએ. ટ્રૉટ્સ્કી કહે છે, “કલાનું સ્વરૂપ મહદ્અંશે સ્વાયત્ત છે, પણ કલાકાર જે આકાર સર્જે છે અને ભાવક એમાંથી જે આનંદ મેળવે છે એ ખાલી ખોખાંઓ નથી – એક આકાર સર્જવા માટે અને બીજા એની કદર કરવા માટે. એ લોકો જીવતાજાગતા ચોક્કસ માનસ ધરાવતા એક પ્રકારની એકતા ભોગવતા માણસો છે – ભલે એ એકતા સમાન કક્ષાની ન હોય. આ માનસ સામાજિક પરિસ્થિતિને કારણે ઊભું થયું છે. કલાસ્વરૂપોનું સર્જન અને એનો બોધ એ આ માનસનું કાર્ય છે. અને સ્વરૂપવાદીઓ ગમે તેટલા સમજદાર કેમ ન હોય પણ એ લોકો સામાજિક માણસની – જે સર્જે છે અને જે માણે છે એની માનસિક એકતાને અવગણે છે.” ખરી જરૂર પ્રજાના રસિક ભાવકવર્ગને આધુનિક સાહિત્ય સન્મુખ કરવાની છે. એક બહોળો રસિક વર્ગ જો ઊભો થાય તો તમને વિવેચનની એટલી ચિંતા નહીં રહે. આધુનિક સાહિત્ય જો બહોળા સ્તરે આવકારપાત્ર ન બનતું હોય તો માત્ર લોકોની સજ્જતાનો અભાવ માનતા પહેલાં પોતાના પક્ષે પણ પોતાના સર્જનમાં તો કશું ઊણું ઊતરતું નથી એ તપાસવું જરૂરી બને.

[નવે., ૧૯૮૯