ગાતાં ઝરણાં/પડઘા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:49, 13 February 2024


પડઘા


પૂરવ-પશ્ચિમ આભમાં લાગે દવ રે... સાંજ સવારે!
                   ભડકે બળતો પૃથ્વી-પાલવ રે....સાંજ સવારે!

જઈને કાલ મેં ઉપવનમાં પુષ્પને પૂછ્યું :
હે કોમલાંગ! જીવનમાં મળ્યો અનુભવ શું?
કપાળ પરથી એ પ્રસ્વેદ લૂછતાં બોલ્યું :
ક્ષણિક જીવનમાં ગમે છે મને હસી લેવું,
                      કાને પડતો કાળનો ૫ગરવ રે...સાંજ સવારે!

સમીર ત્યાં જ હતો એ સુણી ગયો વાતો,
કહે, ફરું છું હું ચારે દિશામહીં વાતો,
અસહ્ય થાય છે જ્યારે હૃદયને આઘાતો,
તો દોડી આવું છું ઉદ્યાનમાંહે વળ ખાતો,
                          મારે માટે જંપ અસંભવ રે...સાંજ સવારે!

વસંત એટલી અળખામણી મને લાગી,
હજી એ રક્તની લાલી રહી હતી માગી,
ન જાણે ભૂખ કયા જન્મની હશે જાગી !
છતાં એ કાળમાં જીવી રહ્યો હું સદ્ભાગી!
                       મોંઘા મુજને થાય અનુભવ રે...સાંજ સવારે!

આ પાનખર ને વસંતો હૃદયના પડઘા છે,
વિષય ગગન છે, સિતારા વિષયના પડઘા છે,
કવનમાં દર્દ અને દિલ, ઉભયના પડઘા છે,
નથી વિચાર આ મારા, સમયના પડઘા છે,
                       દિલમાં, થાયે દર્દનો ઉદ્ભવ રે…સાંજ સવારે!

                     ૧૭-૭-૧૯૫૨