વનાંચલ/પ્રકરણ ૮: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''(૮)'''</big></big></big></center> {{Poem2Open}} દેશી રાજ્ય, વેઠ-જુલમ ભારે; પ્રજા અતિશય ગરીબ – સ્વભાવે ને પૈસેટકે; જીવનસંઘર્ષ આકરો. લોકો શરીર તોડીને રાતદિવસ મહેનત-મજૂરી કરે ત્યારે ટંકનો રોટલો કાઢ...") |
(No difference)
|
Revision as of 14:57, 15 February 2024
દેશી રાજ્ય, વેઠ-જુલમ ભારે; પ્રજા અતિશય ગરીબ – સ્વભાવે ને પૈસેટકે; જીવનસંઘર્ષ આકરો. લોકો શરીર તોડીને રાતદિવસ મહેનત-મજૂરી કરે ત્યારે ટંકનો રોટલો કાઢે. જમીનમાં કસ ઓછો — પથરાળ, ડુંગરાળ ધરતી. આદિવાસીઓ ટેકરીઓના ઢોળાવ ખેડે ને મકાઈ પકવે; ઘણાંની પાસે તો પોતાની જમીન પણ નહિ. બીજાની ભાગે કે ઉધેડે ખેડે; બાર મહિનાના દાણા પણ ભાગ્યે જ કોઠીમાં પડે. વાણિયાનાં દેવાં ચડતાં જાય ને આખરે ઢોર કે ખેતર ખંડી આપવાં પડે. હાંગરાના (બંટી અને બાવટી ભેગો દળે તેના લોટના) રોટલાય માંડ પામનાર આ પ્રજામાં આટલો જીવનરસ, આનંદોલ્લાસ ક્યાંથી?! એ મરવા વાંકે જ જીવતી હોત તો તો આપણે એને પામર જિજીવિષા કહેત, પણ અહીં તો ઉત્સવો છે; લગ્ન, મેળો કે બીજા ધાર્મિક પ્રસંગે પ્રજાનો ઉત્સાહ-ઉમંગ માતો નથી. આકરા જીવનસંઘર્ષની વચ્ચે લોકો ગાય છે, નાચે છે. આપણે સુધરેલા, આખા જગતના દુઃખનો, હતાશાનો, સાંસ્કૃતિક કટોકટીનો ભાર લઈને ફરનારા આ ઉલ્લાસનું કારણ એમના અજ્ઞાનમાં જોઈએ. પણ એ જ એકમાત્ર કારણ છે એમ માનવાનું મન થતું નથી.
હોળીનો તહેવાર અહીંની પ્રજામાં મોટો તહેવાર ગણાય. ગોઠ ગામને ઝાંપે વડ આગળ હોળી થાય. એની વ્યવસ્થા સરકાર તરફથી થતી. થાણદાર પૂજામાં બેસે ને મારા બાપુ હોળીપૂજન કરાવે. તે દિવસે ગામલોકો સવારમાં ગાડાં જોડી પાસેના માલગુણ(જંગલ)માં જાય ને પડી ગયેલાં તોતિંગ ઝાડ લઈ આવે. એવાં ઝાડની જંગલમાં ખોટ નહિ, એટલે અમારી હોળી મોટી થાય. એક આખું સૂકું ઝાડ ઊભું કરવામાં આવે ને એને ટેકે મોટાં લાકડાં ગોઠવાય. વચ્ચે ઊંચા વાંસ ઉપર એક ધજા બંધાય. હોળી આવતાં પહેલાં છોકરાંએ તૈયાર કરેલાં ગોળ, પૂરી જેવડાં ને વચ્ચે કાણાવાળાં છાણનાં હોળૈયાંના હારડા કરી હોળીમાતાને ચડાવવામાં આવે. નગારું જોરથી વાગે. હાથમાં સળગતા પૂળા લઈને પ્રદક્ષિણા કરી હોળી પ્રગટાવવામાં આવે. પાવાગઢના ડુંગર ઉપર હોળી પ્રગટે, એનું અજવાળું અમારે ગામથી દેખાય. એનાં દર્શન કરીને પછી સેવ જમવાની.
કોળીધારાળા તે દિવસે ને ત્યાર પછી ચારપાંચ દિવસ સુધી દાંડિયા રમે. જુવાનો સાથે મોટેરા પણ જોડાય. દાંડિયા એકસાથે બરાબર તાલમાં પડે ને ઉમંગ વધતાં જુવાનો ઊંચા ઠેકડા ભરે ને ફુદરડી લે ત્યારે પણ તાલ ન ચૂકે. સાથે ગીત હોય, ઘણુંખરું શૃંગારી ને ઉલ્લાસનાં. આ સોમા ખુશાલ ગીત ઉપાડે છે :
કેસરિયા રે વડલો સોહેલો
ત્યાં તો મોટા મોટા મોતીહાર રે
વાલ્યમ નાંનેરા.
મારો વાલ્યમ વ્હોરે રે બંગડીઓ
એની પ્હેરનારી પરદેશ રે
વાલ્યમ નાંનેરા.
મારો વાલ્યમ વ્હોરે રે ઝોટડીઓ
એની દો’નારી પરદેશ રે
વાલ્યમ નાંનેરા.
‘ઝોટડીઓ’ એટલે ભેંસો. વાલમને ઘેર નહિ આવેલી પ્રિયતમા માટે જાતભાતની ચીજો વહોરતો મૂકીને છગુ ટપાલીનું ગીત સાંભળીએ :
સોરી શોળે, સોરી શોળે
સોરી શણગુલી.
(છોરી સોળે શણગારથી સજ્જ.) આ જુવાન મડિયો વળી પ્રેમમાં દાખવેલી મરદાનગીનું ગીત લઈ આવે છે :
આઈ રે ગાંમની ઘાંચણ
પાંણીલાં ભરી ભરી રે ભાઈ ભાઈ.
એક ઘડો મરધે ચડાયો રે ભાઈ ભાઈ.
બીજે દિવસે કોળીની સ્ત્રીઓ બેડાં લઈને નીકળે. ગાતી ગાતી નદીએથી બેડાં ભરી લાવી હોળી ઠારે. બેત્રણ દિવસ પછી નાયકાઓ નીકળે. તહેવારના ઉમંગની ને દારૂના નશાની બેવડી અસરથી ઉન્મત્ત સ્ત્રીપુરુષો ગાતાં-નાચતાં ‘હોળી’ માગે છે. પુરુષો લગભગ ઉઘાડે શરીરે હોય, હાથમાં લાકડીઓ હોય. એમાંનો એક ‘બાવો’ બન્યો હોય. એણે કેડે બળદની ડોકે બાંધવાના ઘૂઘરા બાંધ્યા હોય, માથે સુગરીના માળાનો ટોપો મેલ્યો હોય, હાથમાં તીરકામઠું હોય. પસાયતામાં હોળી આગળ આવે ને રાખમાં આળોટે, પછી ગામમાં પ્રવેશે. અમને બહુ બીક લાગે. ઓટલે ચડી જાય ને ‘હાક, હાક’ બોલે, કિલકારીઓ કરે, તીરકામઠું તાકે. બા કહે: ‘અલ્યા આઘો રહે. આ છોકરાં બીએ છે’, એટલે એ વળી અમારા તરફ ધસે ને હસતો હસતો તીરકામઠું તાકે. અમે ભાગીને બાની પાછળ ભરાઈ જઈએ. બે આના આપીએ તો લેવાની ના પાડે; બૈરાં ગાય : ‘પાયલાની (ચાર આનાની) આશા રાખીએ મોટા ભાઈ’; ચાર આના આપીએ તો ‘અડધાની આશા રાખીએ’ને આઠ આના આપીએ તો ‘રૂપિયાની આશા રાખીએ મોટા ભાઈ’ ગાય. આખરે રૂપિયો લઈ ટોળું ગાતું-નાચતું આગળ વધે.
બેસતા વર્ષનો દિવસ તે ‘ઝાયણી’નો દિવસ. ઠેરઠેર રાવણાં થાય. માતાના થાનકે કે ખેતરપાળના – ઘણુંખરું ગામને ઝાંપે ઝાડ નીચે ઊભેલા પાળિયાના થાનકે બપોર પછી લોકો પહોંચી જાય; ત્યાં જ રાંધે ને ખાય, મરઘાં-બકરાંનો ભોગ ધરાવાય ને રાંધેલા આખા ઘઉં જેને ‘ઠોઠા’ કહે તે ગોળની સાથે પરસાદ તરીકે ખવાય; ખીર પણ રંધાય. મૃદંગ ને કાંસીજોડા વાગે ને મંડળી ભજનો લલકારે, સ્ત્રીઓ ગીતો ગાય. દૂર દૂર અંધકારમાંથી ચળાઈને આવતો મૃદંગનો અવાજ ખાટલામાં પડ્યાં પડ્યાં સંભળાય. કયા ગામમાં મૃદંગ વાગે છે તે દાદા કળી જાય ને કહે. નાનપણમાં મૃદંગનો અવાજ ભય પ્રેરતો એવું યાદ છે. મંગળવારે કે રવિવારે ગામલોકો ઉજાણીએ જાય. ગામથી આઘે દેવના થાનકમાં જઈ ચૂલો માંડે, જમે ને ગીતભજનની ધૂન મચાવે – એમનું આનંદપર્યટન. પિકનિક!
ક્યારેક માત્ર આનંદને ખાતર રાતે કોઈને ત્યાં ભજન બેસાડવામાં આવે. અમારે ઘેર પણ ભજન બેસાડે. સામેથી ગણપતરામ પાઠક તંબૂરો-મંજીરા લઈને આવે. કોળી ફળિયામાંથી છગુ ટપાલી, મથુરભાઈ, નાનભાઈ, મડિયો, સોમા ખુશાલ ને એમના દીકરાઓ શબુરભાઈ, રામલો ને જામલો – દસબાર જણા ભેગા થાય. ગણપતભાઈને સરસ ભજનો આવડે. એમનો અવાજ પણ કોમળ ને મીઠો; તંબૂરો-મંજીરા વગાડવામાં એક્કા; રાતે વાળુ કર્યા પછી ઓટલે જાજમ પથરાય; એક બાજુ નાળિયેર ફોલાતાં હોય, ભજનને અંતે સૌને ‘શેષ’ વહેંચવા. ગણપતભાઈ આરંભ કરે :
એ ગુરુ ગોવિંદ દોનો ખડે
કીનકું લાગું પાયજી;
બલિહારી ગુરુ દેવ કી
ગુરુને ગોવિંદ બતાયજી.
પછી એમનું માનીતું ભજન ઉપાડે :
એ જલ બીચ કમલ, કમલ બીચ કલિયાં
ભ્રમર વાસના લેતાજી
જલ બીચ કમલા હાં...
તંબૂરાના રણકારમાં હાં... નો સૂર એકાકાર થઈ જાય. કોઈ બીજું ગીત ઉપાડે :
એ હાડ જલે જેમ લાકડાં ને
બાલ જલે જેમ ઘાસ જી;
કંચનવરણી તારી કાયા જલશે
કોઈ નહિ આવે પાસ,
કર મન ભજનનો વેપાર જી.
ભજનના ભાવમાં ને સંગીતના સૂરોમાં તલ્લીન એવા ભજનિકોનાં માથાં ને શરીર ડોલતાં હોય. ગણપતભાઈ આવેશમાં તંબૂરો હાથમાં અધ્ધર લઈ લે ને ગોઠણભેર અડધા ઊભા થઈ જાય; એમનું અડધું શરીર ડોલે, આંખો બંધ હોય. સામે મંજીરાવાળા પણ એમ જ ડોલતા હોય. મોડી રાત થાય એટલે ‘હાવેળ’ ગવાય. સોમા ખુશાલ જેસલ-તોરલની ‘હાવેળ’ ઉપાડે :
એ પાપ તારાં પરકાશ જાડેજા
ધરમ તારો સંભાળ રે;
બેડલી તારી નૈં બૂડવા દઉં
જાડેજા રે એમ તોરલ કહે છે...
એ હરણ હણ્યાં લખ ચાર
સતીરાણી, હરણ હણ્યાં લખ ચાર રે;
વનના તે માર્યા મોરલા
તોળાંદે રે એમ જેસલ કહે છે...
મોડી રાતે કે વહેલી સવારે ભજન પૂરાં થાય. અમારા દાદા પણ તંબૂરો-મંજીરા રાખે. અમે કોઈ વાર વાર્તા સાંભળવાને બદલે ભજન સાંભળવાની માગણી કરીએ એટલે દાદા ખીંટીએથી તંબૂરો-મંજીરા ઉતારે; ડાબે હાથે મંજીરાની જોડ બાંધે ને જમણે હાથે ખોળામાં ઊભા રાખેલા તંબૂરાના તાર તંગ કરે. તાર ઉપર દાદાની આંગળીઓ ફરે ને મંજીરાના રણકાર સાથે ભજન ઝરે :
એ ગગન-મંડળમાં વરખડી ને
ત્યાં કોણ પાણી ભરે?
કૃષ્ણને કરવું હોય તે કરે.
હોલો હોલી કહે છે રે
પ્રભુજી મારી વ્હારે ચડો...
બચ્ચાં મારાં મારે રે
નીચે આવી પારધી ખડો...
ભજનથી નહિ તેટલાં ઊંઘથી છોકરાં ડોલવા લાગ્યાં છે એમ દાદાને લાગે એટલે ભજન બંધ થાય.
આદિવાસીઓનો ઉમંગ લગ્નપ્રસંગ જોવા જેવો. લગ્નના થોડા દિવસ અગાઉ રોજ રાત્રે નાચગાન ચાલે; ગબુલી વાગે. ગબુલી એટલે નાનું ઢોલ, ઢોલકી; સાથે થાળી વાગે. સુરત જિલ્લામાં દુબળાઓ વગાડે છે તેને મળતું આવે. ગબુલીના તાલે નાયક સ્ત્રીપુરુષો આખી રાત નાચે. વર કે કન્યાને એનો મામો ખભે બેસાડી વચમાં ઘૂમતો હોય ને આસપાસ વર્તુળમાં ગીત સાથે સ્ત્રીપુરુષોનો નાચ ચાલતો હોય. જાન નીકળી હોય, આગળ ગબુલી વાગતી હોય, વચમાં વરરાજા નવું ઘુઘરિયાળાં બટનવાળું ખમીસ, પોતિયું ને માથે ફેંટો બાંધી ચાલતા હોય. ઉનાળાની ધખધખતી ધૂળમાં સ્ત્રીપુરુષો ને બાળકો ફૂલ ઉપર ચાલતાં હોય તેમ ગાતાં ગાતાં ચાલે, દોડે. કોઈ વાર એમની મંડળી થાણા આગળ થઈને ઘોઘંબામાં આવેલી દારૂની દુકાને જતી હોય કે પછી જાન જતી હોય ત્યારે અમલદાર સાહેબને આ ‘ધાંનકાં’ને નચાવવાનું મન થાય, બધાંને થાણામાં હાંકી લાવે. ટોળું અમલદાર કહે ત્યાં સુધી ગબુલી વગાડતાં ને ગીત ગાતાં નાચે. સાહેબ રંગમાં હોય તો વળી રૂપિયોરડો આપી દે, નહિતર ગાળો દઈને વિદાય કરે. આનંદના પ્રસંગે નાચવાનું એ આદિવાસી પ્રજામાં પશ્ચિમની પ્રજા જેટલો જ મહત્ત્વનો રિવાજ ગણાય. બાપુ રમૂજમાં ગોરા સાહેબો ને આદિવાસીઓની સરખામણી કરતાં કહેતાં : ‘બંને અડોઅડ ઘરોમાં નહિ, પણ અલગ આવાસોમાં રહેવાનું પસંદ કરે; ગોરાઓ કૂતરાં પાળે તેમ આ લોકો પણ કૂતરાં પાળે ને કૂતરાં સાથે જ ફરે; ગોરાઓમાં સ્ત્રી ને પુરુષ બંને દારૂ પીએ, તમાકુ પીએ ને નાચે. આદિવાસીઓમાં પણ એવું જ.’ છેલ્લે બાપુ હસતા હસતા ઉમેરે : ‘ગોરાઓ ચાહ પીએ ત્યારે આ લોકો છાહ(છાશ) પીએ!’
મેળાના દિવસોમાં જોડિયા પાવા વગાડતા ને સમૂહમાં નૃત્ય કરતા આ લોકોમાં આટલો આનંદ ક્યાંથી પ્રભવતો હશે? ઘરે રોટલાનો લોટ નથી, માથે શાહુકારનાં ડુંગર જેવડાં દેવાં ખડકાયાં છે; પહેરવા વસ્ત્ર નથી, રહેવા સારું ઘર નથી – ને તોય આવા પ્રસંગોએ એમની મસ્તી ને આનંદ આપણા કરતાં તો અનેકગણાં વધારે! કોઈ પન્નાલાલે આ આનંદને પિછાણ્યો છે ને ગાયો છે.
ગોઠથી ચારેક ગાઉ દૂર આવેલા ગમાણી ગામમાં આંબળી અગિયારશનો મેળો ભરાય. આદિવાસીઓનો આ મોટો મેળો. એને ‘ચૂલ’ કહેવાય. આઠ-દશ હાથનો એક લાંબો ખાડો ખોદવામાં આવ્યો હોય, એમાં ધગધગતા લાળા ભરેલા હોય. અહીં અગ્નિ ઉપર ચાલવાનો પ્રયોગ થાય. આ પ્રયોગ માત્ર તમાશાનો વિષય નથી, એને ધાર્મિક મહત્ત્વ અપાયું છે. સ્ત્રીઓ ગીતો ગાય છે, પુરુષો કિલકારીઓ કરે છે. ઢોલ વાગે છે. બેત્રણ આદિવાસીઓ પેલી ચૂલને એક છેડે ઊભા છે. એમનામાં જાણે કોઈ દૈવી તત્ત્વે પ્રવેશ કર્યો હોય એમ ધ્રૂજે છે. આંખમાં નશાની ને મોઢા ઉપર ગુલાલની લાલી છે. એમના હાથમાં એક એક કૂકડો છે. અગ્નિમાં ચાલવા તૈયાર થયેલો આદિવાસી પહેલાં ચૂલમાં કૂકડાને ફેંકે છે – અગ્નિદેવને ભોગ ચડાવે છે ને પછી સડસડાટ બળતા અંગારાઓ ઉપરથી સામે પાર ચાલ્યો જાય છે. એક પછી એક બેત્રણ જણ અગ્નિમાં ચાલે છે. એ ક્રિયા વખતે ઢોલ જોરથી વાગે છે, સ્ત્રીઓ ઉત્સાહથી ગાય છે ને પુરુષો મોટેથી કિલકારીઓ કરે છે. અગ્નિ ઉપર ચાલનારને લોકો ચમત્કારી પુરુષો ગણે છે, ભગત ગણે છે, એના તરફ ભક્તિ અને આદરથી જુએ છે.