યજ્ઞેશ દવેનાં કાવ્યો/ગુચ્છ કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 10:50, 18 February 2024

ગુચ્છ કાવ્યો

ધૂળ


રવિવારે નિરાંતે
ઝાપટીયાથી ધૂળ ઝાપટી
તો ઝપટાઈ ગયા
હસ્તિનાપુર ને મગધ
બેબીલોન અને બુખારા
એથેન્સ એલેક્ઝાન્ડ્રીયા
ન્યૂયૉર્ક બ્રઝિલિયા



ધૂળ પગલાં પાડે છે
ભૂંસે છે પણ!



હે મેઘ!
અલકાનગરીમાં
કુરવક કરેણ કદંબ કુંદ
બકુલ અંબ અર્જુન ભલે હોય,
મારી યક્ષિણી પણ ભલે હોય;
પણ ત્યાં શું
ધૂળ છે?


પવન

પવન લટકતા પાટલૂનના પાયચાને
પગ બનાવે છે
પગને પાયચા બનાવી દે છે



પવને બારણું ખખડાવ્યું.
મેં કહ્યું :
‘તિરાડ તો છે!’
તેણે કહ્યું :
‘મારે ભેટવું છે.’



આજે
સૂસવતા પવનમાં
એક પંખીએ આવીને કહ્યું :
‘ચલ!’



આવી એક લહેરખી
ઉકેલી ગઈ મને.

અવકાશકાવ્યો

દિવસે બધિર આ કાન
રાત્રે સૂણે નક્ષત્રોનાં ગાન.



બારીમાંથી દિવસે દેખાય
સામેનું ઘર
રાતે દૂરસુદૂરના ગ્રહ



દિવસે ગૃહવાસી
પૃથ્વી ગ્રહવાસી
રાતે આકાશવાસી.



માતા તો છે આ પૃથ્વી
રાતે,
‘પિતા!’
ગગનમંડળમાં ધા નાખતો
ફરે છે મારો અવાજ...



પક્ષીઓને પાંખો આપી
આપ્યું આકાશ
આપણને આંખો આપી
આપ્યો અવકાશ...


હાથ

આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે
કોઈ ધાન નહીં વાઢે
કોઈ ઘડો નહીં ઘડે
કોઈ ચિત્ર નહીં દોરે
કોઈ સ્ક્રૂ નહીં ખોલે
કે
નહીં કહો કે કોઈ વેબસાઈટ
આ હાથ...
આજે સ્પર્શશે તને.



હાથ ઝાલે... પકડે
પગ ચાલે ... છોડે.



હું સ્પર્શું છું મારા હાથને.
કાશ,
એ બીજાનો હાથ હોત.


પત્ની

એક અમથા એવા દોરે
એ કામરુ દેશની નારી,
બનાવી દે છે મને
ઘડીકમાં પશુ
તો ઘડીકમાં શિશુ



મેં કહ્યું
‘આજે કાંઈ વંચાયું-લખાયું નહીં
દિવસ આખો નકામો ગયો.
તેં શું કર્યુ?’
તે બોલી
મેં તો બબુનાં બટન ટાંક્યાં
તમને ભાવતું શાક બનાવ્યું,
બગીચામાં વેલ પરનાં પીળાં પાંદડાં ખંખેર્યાં
રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી
પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા
અમથી ઘડીક વાર બેઠી
અને તમારી રાહ જોઈ.’