વિનોદ જોશીનાં કાવ્યો/સખી! મારો સાયબો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:06, 20 February 2024

સખી! મારો સાયબો...

સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
         હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.

એક તો માઝમ રાતની રજાઈ
         ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
         પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
         હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.

એમ તો સરોવરમાં બોળી ચાંચ
         ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
         એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
         હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.