હનુમાનલવકુશમિલન/કર્તા-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:55, 25 February 2024

હનુમાનલવકુશમિલન ભૂપેશ અધ્વર્યુ

જન્મ ૫મી મે, ૧૯૫૦ ગણદેવીમાં. કિશોરવયે જ સર્જકતા કોળેલી. બીલીમોરામાંથી પ્રથમ વર્ગ સાથે બી. એ. થઈ ૧૯૭૦માં અનુસ્નાતકના અભ્યાસ માટે અમદાવાદમાં. કૉલેજકાળથી જ તેજસ્વી વિદ્યાર્થી કારકિર્દી ઉપરાંત કવિતા-વાર્તાસર્જનથી ને વિવેચનલેખોથી ધ્યાનપાત્ર બનેલો. એમ. એ. થઈ ચારેક વર્ષ પાલનપુર, બાલાસિનોર ને મોડાસાની કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન. અધ્યાપક તરીકે સન્નિષ્ઠ ને વિદ્યાર્થીપ્રિય. પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને ખરીદી લેવાની ભ્રષ્ટતા ને એથી વ્યવસાયની નિરર્થકતા જણાતાં નોકરી છોડી સ્વતંત્ર સાહિત્યલેખન ને ફિલ્મ-દિગ્દર્શનની દિશામાં અભ્યાસ. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ફિલ્મ-એપ્રિસિયેશનનો કોર્સ કરેલો, ઍનએફડીસીની પટકથાસ્પર્ધામાં ભાગ લીધેલો, ફિલ્મો વિશે લેખો કરેલા. છેલ્લે કલા ને સાહિત્યની સાર્થકતા અંગે એ સાશંક થયેલો. એ વિશે વિગતે લખીને એ સ્પષ્ટ થવા માગતો હતો. એ દરમ્યાનમાં જ ગણદેવીની નદીમાં ડૂબી જવાના અકસ્માતથી અવસાન - ૨૧ મે, ૧૯૮૨. તેજસ્વી સર્જક-વિવેચક ઉપરાંત વધુ નોંધપાત્રપણે તો એ નિર્ભીક ને તત્ત્વદર્શી વિચારક ને મૌલિક ચિંતક હતો. સમગ્રના સંદર્ભે જીવનને સમજવા-પામવા એ મથેલો. પહેલાં નોકરી ને પછી કલાપ્રવૃત્તિ છોડ્યાં એ પણ એની વિશદ ને તર્કકઠોર વિચારણામાંથી નિપજેલા નિર્ણયો હતા. અત્યંત સાદગીયુક્ત ને લગભગ સ્વાવલંબી જીવનને સ્વીકારનાર ભૂપેશ પર ગાંધીજીના ને વિશેષે કૃષ્ણમૂર્તિના વિચારોનો પણ પ્રભાવ હતો. સર્જકપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ દર્શાવતી વાર્તાઓના આ સંગ્રહ ઉપરાંત હવે પછી એનાં કાવ્યો, સાહિત્યવિવેચન ને ફિલ્મવિવેચનના સંગ્રહો ને એના પત્રોનો સંચય પ્રકાશિત થવાનાં છે.