હનુમાનલવકુશમિલન/આ, વગેરે વગેરે, ઉષા!: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:53, 26 February 2024
આ, વગેરે વગેરે, ઉષા !
આજે અમારી માઝમ રાત, સૉરી, પરણ્યા પછીની પહેલી રાત છે. ઉષા પલંગની કોરે મોં અધખુલ્લું રાખીને ઊંઘી ગઈ છે. ને એ આખા શરીરે સુગંધ સુગંધ છે. મારા શરીરની રૂંવાટી પર આછો પરસેવો પથરાયેલો છે ને પાસું બદલું છું ત્યારે ચાદરમાં એ શોષાઈ જાય છે. અમે મચ્છરદાની પાડી જ નથી. ઉપર તે ઝળુંબે છે ને તેની ઉપર પંખો ફરે છે. થોડી વાર પહેલાં જ અમે એકબીજા જોડે બચબચી ગયાં હતાં. ઇન્ટરવ્યૂ વખતે ઠાવકાં બનીને બેઠાં હતાં. વાંચેલાં પુસ્તકો, જોયેલાં ચિત્રપ્રદર્શનો, કૉલેજનાં સાહિત્ય-મંડળો, ભાવતી –બનાવતાં આવડતી – વાનીઓ ને ઘરવ્યવસ્થાની વાતો ઊંચાંનીચાં મોં કરીને તર્જનીને બીજી આંગળીઓ જોડે ગૂંચવતાં કે સાડી-બુશર્ટની છેડેની ભાતનો હાથ વતી વીંટો વાળતાં, કરતાં હતાં. ત્યારે બેયની આંખો વડે રાત્રે સામાનું શરીર પોતાનામાં બંધબેસતું થશે કે કેમ અને મોંના દેખાવ પરથી શરીરના હરેક અવયવ પર કૂદતી નજર પર સવાર થયેલી કલ્પના દ્વારા ફોયણાં ફુલાવીને સુંઘાતા એ દરેક અવયવના રંગથી માંડીને ત્રિવલ્લી, છાતીના વાળ અને કટિતટના ગર્ભાગારની વચ્ચે વિરાજેલ શુક્રાસ્થોની ચાંચ મરચાં ફોલ્યાં કરતી, સામાના હોઠ ઉત્તર આપવા ફફડતા હોય ત્યારે એને પ્રયત્નપૂર્વક સાંભળતાં સાંભળતાં સ્તબ્ધ જડ બનવા ખેંચતાણ કરતી હતી. આજે એ આહુતિને પૂર્ણતાની કક્ષાએ પહોંચાડવા માટે અમે બેય એકબીજાની અંદર અડધે સુધી આરપાર ખૂંપી ગયાં હતાં. એને મુક્ત કરવા છેલ્લે મેં એના કેશની રિબન બે હાથ વડે ખેંચીને લગભગ ઉતરડી નાખી ને લટના ગૂંથણમાં મારી આંગળીઓ પહોંચતાં જ એના પર વાવેલાં ફૂલની ગંધબેગંધી પાંખડીઓ પંખામાં ઊડાઊડ કરવા લાગી ને કેશ અમારી ચોમેર— આ ઉષાને સવારે એલાર્મ જગાડશે. મેં કહ્યું છે કે, ‘એલાર્મ વાગે તોયે હું તો સૂતો જ રહું છું.’ એટલે એણે પોતાને માટે એલાર્મ નચિંત મને મૂક્યું છે ને કલાકો પછી વાગવાની ચેતવણીરૂપે હોય તેમ તેનું કાંટાળું યંત્ર કબાટ પર ટીકટીક્યા કરે છે. ઉષા નચિંત મને સૂતી છે. પલંગની કોરે એનું અધખૂલું મોં છે. એ મોંની વચ્ચે હું એની જ લટમાંથી પલંગ પર ખરેલી ગુલાબની પાંદડી મૂકું? હું પગવતી કેવળ ચાદર સહેજ ઉષાના ભાગ તરફથી ખેંચું છું ને એક સળ પાડું છું. આ ઉષાને સવારે એલાર્મ જગાડે તે પહેલાં એ ન જ ઊઠે એવું નથી. શૌચાદિ જતાં, સ્વપ્નમાંથી ભાગતાં, એમ ને એમ જ, કૂતરાં ભસતાં, ચોર કે તેવું કંઈક જોતાં, ઉંદર દ્વારા કશુંક ખખડતાં, પડખું બદલતાં, મચ્છર કરડતાં, મારું પડખું બદલવાના ધક્કાથી, ઊંઘમાં જો બોલતાં હોય તો મારાં નસકોરાંથી યા તો ઊંઘમાં મારો હાથ કે બીજું કશુંક એને વાગી જાય તો એ જાગીયે જાય. આંખો ખૂલે ત્યારે હું ઊંઘતો હોઉં, જો ઊંઘતો ન હોઉં તો એ જાગતાં તરત ઊંઘવાનો ડોળ કરું, ડોળ કરતાં પહેલાં જ એની નજરે ચડી જાઉં તો – ન જ ચડી જાઉં. હા, તો ઉષા જાગે અને જાગતાં મચ્છર કરડતા હોય તો દૂર ભગાડે. ભગાડે ભગાડે ને પાછા જ આવે એ તો. શૌચ જવું હોય તો અગાશી તરફ જાય ઉષા. ચોર તો એમ આવે જ નહીં એટલે ચોર જેવું જોયું હોય તો જોવાનો ભ્રમ દૂર થાય પણ નસકોરાં બોલતાં હોય મારાં તો? રોજ આમ સાથે સૂઈ જઈએ, રોજ આમ સૂતાં પહેલાં જાગીએ, રોજ એ પહેલી ઊંઘી જાય ને જ્યાં મારું ઊંઘવું શરૂ થાય એટલે એની નીંદ હરામ. રોજ હરામ. આમ તો કેમ પાલવે? અનિદ્રાના રોગમાંથી કબજિયાત – કબજિયાત બધા રોગનું મૂળ. ઉષા બધા રોગને નોતરે તે પહેલાં કાં તો તે નસકોરાં બોલતાં બંધ કરવા મને નાકના ડૉક્ટર પાસે લઈ જાય – ડૉક્ટર સફળ ના થાય તો છૂટાછેડાનો કેસ માંડે. કાં તો રોજ રોજ ઊંઘની અધભૂખી રહીને એક દિવસ મગજ પરનો કાબૂ ગુમાવી બેસી રાતે ગળું દબાવી દે – મારું કે પોતાનું? કે પછી ઉષા ગાંડી થાય અથવા અનિદ્રામાંથી કબજિયાત થતાં. વાતવિકૃતિ, હરસ, મસા, કૃમિ, રુમેટિઝમ, આમ અને અશક્તિ, ચિંતા, ઉદાસ વિષાદગ્રસ્ત સ્વભાવવાળી ઉષા સાથે પોતે— ના, ઉષા! પણ નસકોરાં બોલે છે ખરાં? એમ તો બાજુમાં બા, બાપા, ભાઈ, બહેન, રામો, જીતુ, મામા, ટૉમી બધા કોઈ ને કોઈ વખત સૂતા છે. જોકે બધ્ધાંયે ઘસઘસાટિયાં. પણ હવે તો ઉષા છે – એલાર્મ વાગતાં જ જાગી જાય. એક રાત જતાં જ ખબર પડશે. આ રાત ચાલી. મારી આંખ મીંચાઈ ગઈ. આ ઉષાની આંખ ખૂલી. ખૂલતાં મારા પર ઝૂલી. ઉષા મને ટકટકીને જોયા કરે છે. એનું હરેક રોમ બિડાયેલું કમળ હોય તેમ ખૂલે છે. કમળોની પરાગરજ અને બીસતંતુ મુજ પર પોતાનો પટ પાથરવા આતુર ધસે છે. દરમાં બેઠેલા ઉંદર જેવી મારી કીકીઓ પાંપણના બને એટલા ઊંડાણમાં સલામત જગ્યાએ પહોંચીને ટકટક્યા કરે છે. આ ઉષા મારા શરીર પર આમથી તેમ સરસરાટ કરતી દોડી રહી છે પણ એનું મોં – હોટેલનું મેનૂકાર્ડ એ વાંચતી હોય ત્યારે પણ આવું જ થઈ જાય છે. ઉષા જે તરફ સૂતી છે તે તરફ જ મેં પડખું ફેરવેલું છે. મારા બંને હાથ ઉષા તરફ લંબાયેલા છે. પછી કોણી આગળથી કાટખૂણે ઓશીકા તરફ વળી ગયેલા છે. પગની ગતિ ઓશીકાની દિશામાં થઈને ઘૂંટણ આગળથી વળી જઈ ઉષાના પગ તરફની છે. આ બધા અંગે અચાનક હું સભાન થઈ જાઉં છું.’ આ ઉષા ધીરે રહીને મારી તરફ ધકેલાશે. એના સ્ટ્રો અને છરીકાંટા મારા આ હાથપગને સીધા કરીને પછી પોતાની આસપાસ વીંટળાઈ વળવાની સગવડતા કરી આપશે. મારે ફક્ત આનંદજાગ્રતિ સૂચવવા સહેજ ગૂંગણું-ગૂંગણું બોલીને માથું વીંઝી ઉષાના મોંમાં મોં ખૂપાવી દેવાનું. ઉષા, તું મને જુએ છે ત્યાં હું સ્પન્દું છું. તુયે સ્પન્દે છે કેમ કે ઘણું બધું કલ્પી લઈને આપણે જોવા કરતાં ઘણા આગળ નીકળી જતાં હોઈએ છીએ. પણ માત્ર ‘જોવું’ જ છે તેથી આગળ નીકળી ગયાં નથી એનું ભાન થતાં આપણે સાચેસાચ આગળ નીકળી જવા તત્પર બનીએ છીએ ને વધારે ને વધારે સ્પન્દતાં જઈએ છીએ. પણ ત્યારે પણ આપણે જેટલું આગળ વધ્યાં હોઈએ છીએ તેના કરતાં ઘણું બધું વધુ આગળ વધ્યાં હોઈએ છીએ. પણ આ બધું તને જાત પર ફરજિયાતપણે લદાતું લાગતું નથી? સ્ત્રી-પુરુષ રૂપે આપણે વિદિશાવાસી હોવાને લીધે આમ જ વર્ત્યે જવાની આચારસંહિતા આપણે માટે નિયત કરી આપનાર એ છે કોણ? હું જડ, શાંત, આંખમીંચ્યો પડેલો. મારા સાથ વગર તું સુખ મેળવી ન શકે અહીં. ને તોય મારી સરણી તારે ગળે બાંધનાર હું કોણ? –એ કબૂલવું જ પડે. પેલી સૂતી છે તે ઉષાનું માથું આ તરફ ખસશે. ઓશીકે તેલનો આછો લસરકો પડશે. રાત્રિથીયે રમણીય ગાત્રની પ્રખર સહરાની ગંધવલ્લીઓ દિશાનની સાધુઓના ઝૂંડની અગ્રે બાજતા ઢોલની જેમ મને ઉછાળી-ઘુમાવી રહી છે અને એ ઢોલના ચામડાની જેમ મને સાંદોલ કરી મૂકે છે જે આંદોલન અંદરના પોલાણમાં અથડાઈને ફરી અંદર ને અંદર મારા પર ત્રાટકે છે પણ એ બધું આટલું સહજ, સ્વાભાવિક, રમણીય કદી લાગ્યું ન હતું. હું ઉંબર ઠેકતાં ઉષાના સ્પર્શને જ સર્વસ્વ માનું તો આ બધાયને માણવાનું ગુમાવું છું. એલાર્મો વાગ્યે જાય છે, પણ મારે ઊઠવું નથી. કવચ-કુંડળની વાત કાઢીશ નહીં, કેમ કે હું કર્ણ નથી. ધીમેથી મને વીટંળાઈ જા. મારે જોવું છે કે – અથવા રહે. શા માટે ધીમેથી? તું જે રીતે મને ગ્રહી લેતી હો તે રીતે – ઢબે મારો ગ્રાહ કર. આયુધોની ડિંગળરસી ભટાઉલીનો તાલબદ્ધ નિનાદ મારે પણ્યગૃહોમાં અકબંધ કરવો છે. તું એની ફસલ ઉગાડ. તું ચૂસ્યે રાખ, ચૂસ્યે રાખ, ચૂસ્યે રાખ તું, ઉષા. અહીં ઉષા છે. અધખુલ્લું મોં છે. મીંચેલી આંખો છે. પણ તું કુત્તી છે, ઉષા? ના, ઉષા કુત્તી હોય તો વલુર્યા કરે. લબડતી જીભ નથી – ટપકતી નથી. ના, ઉષા. હોટેલના ડાઈનિંગ ટેબલ પર ઑપરેશન નહીં, મશ્કરી જ થાય – કરનાર, કરાવનાર અને રોગની પણ. બસ, ઉષા... ઉષા ટકટકીને નજીક આવે છે. સગર્વ વિશ્રંભથી અને સ્વામીત્વથી મેળવેલી છત્રછાયા રૂપે પોતાનો બધો ભાર ઠાલવી મારા શરીરને સીધું કરીને ઉપર પોતાને સ્થાપે છે અને આખીયે બાજી ઉલટાવી નાખી મૃદુ આક્રમકતાથી મને પોતાની પર સ્થપાઈ જવાનું આહ્વાન કરે છે. હું જો હવે સુષુપ્તિને જાળવી રાખું તો ભીરુ ઠરું. એટલે આંખો ઉઘાડીને આનંદમગ્ન મુખે એના તરફ તાક્યે રાખું છું. એ તરત જ એનું મોં મારા ગળા પાસે થઈને કાન તરફના પાછલા ભાગ તરફ લઈ જાય છે ને એના ગાલનો આખાયે પ્રવાહ મારા હોઠની સપાટી પર થઈને દદડી જાય છે. પુરુષ એટલે આ – એ મગદળ ઊંચું રાખીને ઊભો છે ને હું એનો સાક્ષાત્કાર કરું છું. ઉષાના પગ મારા પગની અંદર ને બહાર, અંદર ને બહાર ઝડપથી ફંગોળાવા માંડે છે. એણે એના પગને પ્રયત્નપૂર્વક આપેલી વાચાનો ઉત્તર ન મળતાં મારી ડોકની પાછળથી ટટ્ટાર ઉન્નત ડોકે એ મારી તરફ જોઈ રહી છે. એ મને સ્પષ્ટ અનુભવાય છે. પણ કર્ણ બનવા જતાં મને પ્રથમ વાર મહાપ્રયત્ને લાધેલું હું તને શેં આપું દ્રૌપદી, ષડ્યંત્રકારી. તું, દ્રૌપદી? નહીં ઉષા... મારા દેહ પરથી વિદાઈ લઈ રહેલી તારા દેહની દરેક કિંકીણીની આશ્ચર્યમૂઢતા મારા નિઃશ્વાસ વડે રસાતી જાય છે. અરે ઓ ઉષા, આપણામાંના વિદિશાવાસીઓને અંદર અંદર રમાડીને હું તું કેવળ એ રમતને આપણામાં ભરવાનું જ કામ કરીએ તો? ચાલ ને અરે, ઓ... પણ તું ઉષા .... ઉષા બસ આમ જ સૂતી હશે. મીંચાયેલી આંખો હશે. હશે મોં પર વધારાનો એક ફુંગરાટ. એનું અધખૂલું મોં પણ બસ આમ જ ભગ્નતાને સૂચવતું ખુલ્લું હશે. એ ઉષા સવારે ઊઠશે. એની મને જાણ પણ નહીં થાય. પણ મને ઉઠાડશે ત્યારે હું મુક્તિના અનુભવમાં મગ્ન હોઈશ. આખો દિવસ પૈસાના સૂંડલા ભરવામાં કે પેનથી શાહી રગડવામાં, કદમબોસીથી માંડી તાજ ધારણ કરવાની વિધિમાં તાલ મેળવવામાં વણબોલ્યે ફંગોળાયા કરવામાંથી રાતની અવનવીન ગતિસ્થિતિ મારો પહેલો વિજય છે એ કોને ખબર છે? પેલી ઉષા મારી સાથે એકાક્ષરી શબ્દોમાં વાત કરે છે. એની મને દયા આવે છે પણ પોતાની જાતે જ એ પોતાના પગ પર કુહાડો મારી રહી છે. ઉપાય શો? એની આંખમાં રોષ છે કે વિષાદ એનો તાગ હું ચા પીતાં પીતાં મેળવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ત્યાં ચામાં તરતી રહેલી ચાની એક કાળી પત્તી હું આંગળી વતી બહાર કાઢી ફેંકી દઉં છું એ બહાનું એને મળી જાય છે અને ચામાં માખી ન પડે એની પોતે કાળજી રાખી જ છે એની સ્પષ્ટતા કરતું વ્યાખ્યાન આપી દે છે. પ્રથમ રાત્રિના પ્રથમ અનુભવની કૂંપળનો સહારો એણે આજ સુધી જાળવી રાખ્યો હતો. પણ આજે રાતે એ મારી પાસે રડી પડી. બીભત્સ ગાળો એ શીખી ન હતી કે એ મતલબના પ્રત્યાઘાતો બીજી કોઈ રીતે વ્યક્ત કરતાં એને આવડતા ન હતા. એનું જ આ રુદન રૂપાંતર હશે એવું કશુંક લાગતાં કે બીજા કારણે પણ મારી આંખ પર પણ આછાં અશ્રુબિંદુઓ બાઝી ગયાં. મેં એ લૂછવા હથેળી આગળ કરી ને એના મોં પર જે તગતગવો જોઈતો હતો તે રોષને બદલે ભય તગતગી ઉઠ્યો. આ સ્ત્રી આમ ભયભીત થાય, તે પછી તે શું કરે? ધીક્, પરપીડનમાં આનંદની ચરમટોચ અને મુક્તિનો અનુભવ તને? અલમ્. એવું ક્યાં છે? કયાં છે એવું? ઉષા શાક લેવા જાય છે, કાપડ લેવા જાય છે, એના જૂના કૉલેજમિત્રોને ત્યાં જાય છે, ટેલિફોન કરે છે, ફિલ્મ જાતે પસંદ કરી – જાતે બુકિંગ કરાવી એકલી જુએ છે, નાટકોમાં ભાગ લે છે, રૅકેટ ફેરવે છે, સિગારેટ પીતી નથી પણ એના મોટા વર્તુળને માટે પોતાની પાસે કાયમ રાખે છે ને ઑફર કરે છે. પણ ના, ઉષા અતલ છે. એનો આટલો આવો અંત આવે એમ કહેતાં ઉષાને ઉષા ન કહેવા જેવું જ થાય. હાલ વિચારું છું તે મુજબ જ સૂતેલી આ ઉષાની આંખ ખૂલે તો હું ઉષાને કઈ રીતે આવકારી શકું? ને કદાચ આવકારું તો એમાં આવકારનો કશોય મહિમા શોધ્યો ન જડે એવો બધો વ્યવહાર બની રહે. એ રડી પડતાં જ સકરુણ અવાજે હું એને બોલાવીશ — ‘ઉષી, બેસ.’ પણ મારી વાત? મારી વાત તો પાગલખાના જેવી છે ને, બધી? મારી વાતનું પાગલખાનું એના વાળને પીંખી નાખશે. એક દિવસ ઘરનાં બધાંયને માટે એ વનભોજનની વાનીઓ બનાવશે. પોતે સાધ્વી થઈને બેસી રહેશે ને મને ‘તમારે તમારી ફાઈલો’ કરીને બેસાડી રાખશે. બાકીના બધા ‘ટૂર’ પર જશે. બેલ વાગતાં – એ તો હશે એનો મિત્ર. ટેનિસ-કુશળ છે. ઓળખાણ. વાતોમાં એક વાત એમ આવે છે કે એ મિત્ર ડૉકટર પણ છે. ને પછીથી મારા રોગોની યાદી રજૂ થશે. રોગો સાદા ક્ષુલ્લક હોય છે, પણ ડૉકટરો કાં તો એને મોટા બનાવીને કાં તો એને માટેની દવાનો કોર્સ લાંબો ચલાવીને દર્દીને લૂંટતા હોય છે, એટલે ઓળખીતા વિશ્વાસુ આવા માણસને બતાવ્યું હોય તો સારું : બધી ચોખ્ખી સીધી વાત. પણ એ ડૉક્ટરની તપાસ નસકોરાં બોલતાં હોવાના વહેમવાળા નાક કે હાર્ટના ધબકારાની નિયમિત ગતિ કે પેટના પાચનથી આગળ વધીને મારા મસ્તિષ્ક કે ગુહ્યાંગો તરફ જવા કોશિશ કરી રહ્યાનું લાગતાં હું હલબલી નહીં ઊઠું? મને પુછાતા પ્રશ્નોમાં મને માનસશાસ્ત્રની ચિકિત્સાનો વહેમ ઊભો થતાં ષડ્યંત્ર ખુલ્લું નહીં થઈ જાય? હું કોઈને ધુત્કારવા કરતાં જાતે જ રૂમ બહાર ચાલ્યા જવાનું પસંદ નહીં કરું? દ્રૌપદી, ષડ્યંત્રકારી!...પણ...પણ બંધ કર જબાન...શું સમજે છે મને તું? મને તું ચસકેલ માને છે. તું શું ગણે છે મને? મને તું...તું...તું...ગણનામાં...એટલે શું ગણે છે મને? ‘કાયર, નામર્દ, નપુંસક’ જેવા શબ્દો જીભ સુધી આવી આવીને બોલાયા વિના જ પાછા અંદર ધકેલાઈ જઈ મને વધારે ને વધારે સળગાવતા જશે. જાગે છે. હું મારે માટે નહોતો બોલી શકતો એ શબ્દો એ સ્પષ્ટ બોલી બતાવે છે. એકવડી કાયામાંથી શબ્દો આગના બંબાની ગતિએ આગના સ્નાનની પ્રતીતિ કરાવે એ રીતે નીકળ્યે જ જાય છે. હોર્મોન્સનાં ઇન્જેક્શેનની એ ગાળ આપે છે. આજ છે એ ખુદ ઉષા. એ બેગ તૈયાર કરે છે. મારે માટે બધું અસહ્ય છે. ઘરની સામે જ બસસ્ટૅન્ડ છે. ભલે ઉષા! વિષાદમાં હું બેસી જાઉં છું. ઉષા દુઃખી છે. એ જશે. એ સાડી બદલવા નથી રોકાવાની. પણ ચંપલ તો પહેરશે. હું અસહાય રીતે બોલું છું – ‘ઉ-’. જાણે કહેતો ન હોઉં – બોલ હું તારી શી સેવા કરી શકું, પરસ્પરની સેવા અર્થે જ તો આપણે સર્જાયાં છીએ. પણ પંખી ઊડી ગયા પછી પડી રહેલા ઈંડાના વિખરાયેલા કોચલા જેવો ‘ઉ’ જેવો નાનો શો સ્વર તે શું વહી જઈ શકવાનો હતો! હું જો ઊઠું ને કશું કરે-સમજે તે પહેલાં એને બાથમાં કચડી નાખી, ચૂમી વળુ, એને બોલવા જ ન દઉં, ‘ચૂપ, ચૂપ, ચૂપ’ એમ બોલ્યે રાખું અને હરેક ‘ચૂપ’ની સાથે એના હોઠ પર મારા હોઠના ઘા ઝીંક્યે રાખું તો એને નવાવતાર મળે. એ જ તો છે સુખની પરાકાષ્ઠા. એના સુખે હું સુખી. ‘સુખી હું તેથી કોને શું?’ પણ ઉષાને ખરું. ઉષા એવી ક્ષુલ્લક નથી. મારા કસમયના આવેગથી મારા સારાયે પૂર્વવર્તાવ અંગે એની શંકા દૃઢ બનશે. મને એ પરપુરુષના બળાત્કારથી બચવાના પ્રયત્નરૂપે હડસેલો મારશે. તો પછી શું? ઉષાનો સાથ બસ આટલે સુધી જ? પછી હું સૂઈ જઈશ. ઉષા મારા પહેલાં પલંગ પર સૂઈ ગઈ હશે. અધખૂલા મોં ને બીડેલી પાંપણવાળી, રોળાયાનો થાક લાગતાં કરચલીયાળી બની ગયેલી સાડીવાળી – બરાબર આમ જ. ઉષાની આંખ ખૂલે ને મને આમ વિષાદ-ગંભીર ચહેરે બેઠેલો જુએ તો શું કહે? કાં તો કશી અશુભની શંકાથી પાસે સરી આવી આતુર ચિંતાતુર નજરે પૂછપરછ કરે કાં તો ફક્ક દઈને હસી પડે – ‘અડધી રાતે લ્યો આ તમને ચોરી કરતાં પકડ્યા.’ પણ એમ પકડાઉં તો હું ‘હું’ શાનો! ઉષાની બંધ આંખ ખૂલે એ વચ્ચેના ગાળામાં જ એનો વર્તી ઝટપટ સૂઈ જઈ આંખો મીંચી દેવા જેટલી ચકોર ઝડપ મારામાં છે. પછી ઉષા જાગે. જાગીને મારી તરફ મારા અધખૂલા મોંમાં ગુલાબની પાંદડી મૂકવાની કલ્પના કરે. પછી કેવળ પગ વતી મારા ભાગ તરફની ચાદર ખેંચીને એક સળ પાડી અટકી જાય. પછી વિચારે – આ જે બાજુમાં સૂતો છે એ જો જાગે ને મારા ઊંઘમાં પડેલા શરીર પર સરસરાટ કરતો સરી આવે તો...તો...તો... ઊઠતાં સ્પંદનો... તે માત્ર સ્પંદનો...? વાહ ઉષા!