હનુમાનલવકુશમિલન/વાર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:03, 26 February 2024

વાર્તા

દીવાનખાના અને વચલા રૂમની વચ્ચે આવેલા બંધ બારણાની તિરાડમાંથી વચલા રૂમમાં સળગતા ચૂલાનો પ્રકાશ સીધો દીવાનખાનામાં આવી બ્રાહ્મીના કાન પર પ્રકાશની એક પટી રચતો. બ્રાહ્મી બોલતી ત્યારે એના કર્ણો હાલતા અને સોનાનાં કર્ણફૂલો પેલી પ્રકાશપટીના ઝબકતા પ્રદેશની સીમામાં પ્રવેશી જતાં અને પોતાના ચળકાટને, બારમાસી ફૂલના ઢગલા ખેરવતા હાસ્યની જેમ બધે વેરવા મંડી જતા. એની ગૂંથેલી લટો દીવાલ સાથે અથડાતી ને વ્રાહની નજરો એનું અનુસંધાન જાળવીને સિંહગઢ પર ચઢતા તાનાજી માલસુરેની જેમ ઉપર ચડતી ચડતી ઉપરના ગોખલામાં મૂકેલા જૂના પોસ્ટકાર્ડની થપ્પી પર પડતી. પછી તે નીરેન આવ્યો. તીતી, વરુણ આવ્યાં. પછી એક ખોડંગાતો માણસ આવ્યો. એની ઓળખાણ નીરેને બ્રાહ્મીને કરાવી. તીતીએ અંદર જે ચૂલો સળગાવીને બેઠું હતું તેને મીરાંનું ભજન ગાવા માટે તૈયાર રહેવા બૂમ પાડી. સોફાસેટની નીચે એક ઍશ-ટ્રે ઊંધી થઈને પડી હતી. પેલા ખોડંગાતાએ પોતાના એક પગ વતી તેને જકડી, પછી સોફા પર બેઠો, પછી પગ વતી તેને ઊંચકી, હાથમાં લીધી ને સ્વામીત્વના ભાવથી કહ્યું, ‘ભૈ આ ઍશ-ટ્રે કોની છે?’ નીરેન, લુચ્ચો નીરેન બોલ્યો, ‘ઍશ મારી છે!’ પણ એ બધી વાત અહીં અપ્રસ્તુત છે. ગરીબ વિચારો વ્રાહ! તીતી-વરુણ સજોડે આવ્યાં હતાં એટલે સજોડે બેઠાં. એટલે તીતીએ વરુણ પ્રતિ કશું કહેવાનું ન હતું. તીતીએ આથી જ બ્રાહ્મી તરફ નજર કરી. તીતી નીરેનને ઉદ્દેશીને બોલી. નીરેન તીતી અને બ્રાહ્મીને ઉદ્દેશીને બોલ્યો. બ્રાહ્મી માત્ર ગણગણી જ. પણ એવું ગણગણી કે બધાં પર એક આંચકો ફરી વળે અને બધાં તાર પર ટીંગાયેલાં વનવાગોળનાં શબ જેવાં બની રહે. વરુણ વ્યવહારુ માણસ હતો. બધાને સંતોષ આપવા એ બોલ્યો ત્યારે નજર વ્રાહ તરફ રાખી સંબોધન તીતીને કર્યું. પણ એ લાગુ પડતું હતું કાં તો પેલા ખોડંગાતા માણસને કાં તો અંદર ચૂલા પાસે બેઠેલી વ્યક્તિને. પછી બધાં ચૂપ થઈ ગયાં ત્યારે પેલું ઘડિયાળ બોલવા લાગ્યું ...‘ટીક, ટીક.’ હિંમત કરીને એણે પોતાનો અવાજ પછી મોટો બનાવ્યો – ‘ટન્...ટણણણ, ટન-ટણણણ...’ ને રાતના નવના ટકોરા પડ્યાં. ચૂપ હતો માત્ર પેલો ખોડંગાતો માણસ અને ગરીબ બિચારો વ્રાહ. તીતીએ નીરેનને ઉદ્દેશીને કહ્યું, ‘પર્વત પાછળથી કોઈ ગીત વહેતું વહેતું આવે ને તે જ વખતે સૂરજ ત્યાંથી ઊગે એનો અર્થ એ નથી કે સૂરજ ગાતો હતો. મારે ઘરે તું કોઈક વાર કેમ નથી આવતો? મારી બા તને...’ પછી તીતીએ શરમાઈ જવાનો ડોળ કર્યો તે બધાંએ જોયું ને પારખ્યું પણ એના ‘ફ્રૉક’ નીચેનું બ્રેસિયર હાલ્યું એ કોણે જોયું? કોણે પારખ્યું? નીરેનની ઉપરની દીવાલ ઉપર વ્રાહ-બ્રાહ્મીનો સજોડે ફોટો હતો. એની પાછળ ચકલીનો માળો હતો. જો રાતે નવ વાગ્યે ચકલી આવે માળામાં તો એ ફોટો નીચે પડે. પણ મજા તો ત્યાં આવે કે નીરેન પર પેલો માળો પડે. એમાંનાં ઈંડાં એનાં મોં અને નાક પર પડીને ટપ ટપ ફૂટે ને બધો રસ એના ચહેરા અને કપડાં પર રેલાઈ જાય. ફોટો તૂટે તો વ્રાહ-બ્રાહ્મીની મનોદશાને કલ્પી જોવા કોણ તૈયાર છે? પણ એ વાત તો અહીં અપ્રસ્તુત છે. નીરેન તીતી અને બ્રાહ્મીને ઉદ્દેશીને બોલ્યો, ‘યુ બોથ, આઈ મીન...’ તેની નજરો અનુક્રમે બ્રાહ્મી અને તીતી પર, ‘તમે પેલું કબૂતર આપ્યું હતું એણે તો મારા જાજરામાંના ગોખલામાં રહેઠાણ બનાવવા માંડ્યું છે. એની સફેદ હગાર જોઈને ચીતરી ચઢે છે.’ પછી એની નજરોએ અનુક્રમે બ્રાહ્મી અને તીતીનો ક્રમ બદલી તીતી અને બ્રાહ્મીનો ક્રમ ધારણ કર્યો, ‘યુ બોથ, આઈ મીન...’ બ્રાહ્મી માત્ર ગણગણી જ. એના ગણગણાટમાં વેદના સ્વરભાર જેવો કે તાંત્રિક સાધના જેવો અવાજ હતો. બધો અવાજ નાસિકા કેન્દ્રિત હતો. અધૂરામાં પૂરું તે એનાં કર્ણફૂલો ચમક્યાં. છાપાની જૂની પસ્તીની થોકડી ‘રેડિયો-કેસ’ની ઉપર હતી. એમાં કેટલા બધા સમાચારો ઢગ વળીને પડ્યાં હતા? એ થોકડી પર એક ‘ટેબલ લેમ્પ’, ઘુંઘટવાળી સ્ત્રીની જેમ પોતાનું મોં છુપાવીને બેઠો હતો. તેમાંથી એક ‘વાયર’ દ્રુત-વિલંબિત મોજાં જેવા આકારમાં ‘પ્લગ’ તરફ જતો હતો. બ્રાહ્મી ગણગણી પછી બધાં પર એક આંચકો ફરી વળ્યો અને બધાં તાર પર ટીંગાયેલા વનવાગોળના શબ જેવાં બની ગયાં. પણ હિંમત તો કરી વરુણે. વરુણ વ્યવહારુ માણસ હતો. ત્યાં જ અંદરના ચૂલાના આવતા પ્રકાશમાં કોઈનું હલન-ચલન સ્પષ્ટ વર્તાયું. અને પછી અંદરથી છમ્મ્મ્...છમ્મ્મ્ કરતો ભજિયાં તળવાનો અવાજ આવવા લાગ્યો. એ ભજિયાંનો અવાજ, પેલું પડછાયાનું હલન-ચલન અને રાત – બધું બ્રાહ્મીના તાંત્રિક ઉચ્ચારની પશ્ચાદ્ભૂમાં એવું બની ગયું કે ભજિયાંનો અવાજ સ્ત્રીના ઝાંઝર ખખડવા જેવો બની ગયો. પણ વરુણની હિંમત ગજબની હતી. એણે બ્રાહ્મી તરફ નજર નાખીને તીતીને કહ્યું, ‘તીતી, ટાઢ ખૂબ પડે છે. મારું ‘સ્વેટર’ નથી લાવી?’ એ વાક્ય કાં તો પેલા ખોડંગાતા માણસને કાં તો પેલી ચૂલા પાસે બેઠેલી વ્યક્તિને લાગું પડતું હતું – કેમ કે પેલો ખોડંગાતો માણસ પુરુષ હતો અને ચૂલા પાસે બેઠેલી વ્યક્તિ વરુણનું ‘સ્વેટર’ હતી, ‘સ્વેટર’ની અવેજી પૂરી પાડતી હતી. તીતીનું મોં તેથી જ તો કાળી દરાખ જેવું ચપટું ને શ્યામ બની ગયું. બ્રાહ્મીએ પછી ગંજીફો કાઢ્યો. વ્રાહે તે ધીમેકથી પોતાના હાથમાં લીધો. ઘડિયાળની ચાવી ધીમે ધીમે પૂરી થઈ ને અંતિમ ‘ટીક્’ અવાજ કરીને તે અટકી ગયું. માત્ર ગંજીફો ચીપવાનો અવાજ આવતો હતો. પેલો ખોડંગાતો માણસ હતો કોણ? જો પુરુષ હતો તો પછી ઉત્તર હિંદુસ્તાની કેમ હતો? કેમ કે તે બોલવા લાગ્યો, ‘હમ કીછુ ભી નાહીં પાવત.’ એ પુરુષ હતો એટલે બ્રાહ્મીને એના તરફ સહાનુભૂતિ થઈ. તે ધીમેકથી ઊઠીને વ્રાહને ખભે હાથ મૂકીને પૂછવા લાગી, ‘નીરેન શું જોઈએ છે તમારે?’ વ્રાહ ગંજીફો ચીપતો હતો. એને પાનાંના જાદુ સારા આવડતા. તેણે એક હાથમાં પાનાં ધર્યાં ને એ લંબાવ્યો વરુણ તરફ. તીતી બધું જોયા કરતી હતી. ‘આમાંથી એક પત્તું ખેંચો જોઉં.’ નીરેને એક પત્તું ખેંચ્યું. પછી મહેમાનને પાન ખાવાનો આગ્રહ કરતો હોય તેમ વરુણને કહ્યું, ‘તમે પણ લો.’ તો ભાઈ, એમાં એક નવી નવાઈ બની. બંનેનાં પત્તાંની એક બાજુ પર તો સરખાં જ ચિત્રો હતાં. એક ઇંગ્લૅન્ડનું ‘કૉટેજ’ પાડ્યું હતું. એના છાપરા પર બરફ હતો અને પાસે કૂતરા સાથે એક છોકરી ઊભી હતી. પણ બીજી બાજુ પર એકમાં કાળીની રાણી આવી તો બીજાનામાં ફૂલાવરની રાણી. નીરેને વરુણના હાથમાં કાળીની રાણી જોઈને યાદ દેવડાવ્યું, ‘વરુણ, તારું સ્વેટર...’ ‘આહ્હા’, વરુણને યાદ આવ્યું એટલે પાનાને હોઠ પર મૂકીને આશ્ચર્યના ભાવમાં બોલ્યો. નીરેને પોતાના હાથમાંની ફૂલાવરની તીતી જોઈને કહ્યું, ‘આ તો અદ્દલ જાણે ફૂલાવરની રાણી જ લાગે છે.’ ગરીબ બિચારી બ્રાહ્મી! વ્રાહ નામે એક હિંમતવાન માછીમાર કુશલા નદીના તટ પર એક ઉટજ બાંધીને રહેતો હતો. સામે તીરે વેદના ઋષિઓ મંત્રોચ્ચાર કરતા હતા. એક વાર તો તે પોતાની જાળ લઈને નદીકાંઠે ગયો. જાળમાં ઘણી માછલીઓ તરફડતી હતી. એ બધી મરી ન જાય માટે એ ઝડપભેર ઉટજથી નદી તરફ આવ્યો. એણે આખી જાળ નદીમાં મૂકી અને એનો દોર ઢીલો કર્યો. એક પછી એક માછલીને જતી એ જોઈ રહ્યો. પછી એક માછલી રહી ગઈ. ગરીબ બિચારાને ઘણું આશ્ચર્ય થયું ને કશાય કારણ વગર કોણ જાણે એવું કશુંક સ્વયંસ્ફુરિત બન્યું કે વ્રાહ ચમક્યો, ‘અરે, આ તો નીરેન! આપણા બટુભાઈનો મોટો દીકરો.’ નીરેને કહ્યું, ‘એ જાળ તે વ્રાહા.’ વ્રાહા કોણ? વ્રાહની બહેન? તે ક્યાં રહે છે? શું કરે છે? પણ એ વાત તો અહીં અપ્રસ્તુત છે. વ્રાહે નીરેનને પૂછયું, ‘નીરેન, તને એ બધું યાદ છે?’ નીરેન કહ્યું, ‘બ્રાહ્મી, એ બધું મને કેમ યાદ ન હોય?’ અહીં ‘બ્રાહ્મી’ અજાણે જ બોલાઈ ગયું. એના મનમાં તો વ્રાહા સંબોધન હતું. ખોડંગાતો માણસ ત્યાં તો એક જ ‘સોલીડ’ વાક્ય બોલે છે – ‘હમ કીછુ ભી નાહીં પાવત.’ એ તો દુનિયાની સાત અજાયબીઓ જેટલી પ્રખ્યાત વાત છે કે બ્રાહ્મીની એના તરફ સંપૂર્ણ સહાનુભૂતિ છે. આથી જ નીરેને કહ્યું, ‘બ્રાહ્મી, એને પગની જગ્યાએ તું તારો હાથ આપી શકે છે’, પછી હાથ અને પગ બંને શરીરશાસ્ત્રની દૃષ્ટિએ તો એક જ છે એ સાબિત કરવાનું કામ વરુણ ઉપર આવી પડ્યું. કેમ કે કેન્દ્રબિંદુથી એ ઘણો દૂર ફેંકાઈ ગયો હતો. જો આ તક ન ઝડપે તો પછી તીતી સાથે સજોડે ફરવાનો એને શો અધિકાર? ચૂલા પર ભજિયાંનો બીજો ઘાણ ‘છમ્મ્મ્’ બોલ્યો. આ વખતે બ્રાહ્મીના તાંત્રિક સાધના જેવા ગણગણાટની એને પશ્ચાદ્-ભૂ ન હતી. એ ચૂલા પાસે બેઠેલી વ્યક્તિ તે વામનનું ‘સ્વેટર’ હતી એ તો દુનિયાની સાત અજાયબીઓ જેટલી જાણીતી વાત હતી, પણ એ વ્યક્તિ જ વ્રાહા તો નહીં હોય? પણ એ વાત અહીં અપ્રસ્તુત છે. આ બધી વાતને લીધે એક અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ અને પરિણામે બધાંએ બે કે ત્રણના જોડકામાં બોલવા માંડ્યું; જેમ કે, તીતી અને નીરેન, વરુણ અને ઉત્તર હિંદુસ્તાની, ઉ. હિં. અને બ્રાહ્મી, બ્રાહ્મી, વરુણ અને નીરેન. ગરીબ બિચારો વ્રાહ! એ શું મોં લઈને બોલે? એનો બ્રાહ્મી સાથેનો ફોટો તો ચકલીના માળાના પતનની કલ્પનામાં જ ફૂટીને ચૂરેચૂરા થઈ ગયો. ને સોનેરી માછલીને નદીમાં જીવાડવા ગયો તો તે તો નીકળ્યો આપણા બટુભાઈ વરજલાલનો દીકરો નીરેન. એને તો મારી જ નાખવો જોઈએ. પણ આ વાત કાંઈ કપોલકલ્પિત નથી ને એમાંના માણસો કાંઈ બજાણિયા નથી કે નચાવ્યા નાચે ને જોડકામાં ભેગાં બોલે તો બધાનાં મોંમાંથી એકસરખા શબ્દો જ ટપકે. ભલા, એવું તે બને ખરું? તીતી ને નીરેન ભેગાં બોલે તો તીતી બોલે ‘તમે’ તો નીરેન બોલે ‘સ્ટુપીડ’ ને બ્રાહ્મી બોલે ‘વૈતથ્ય’ તો પેલો ઉત્તર હિંદુસ્તાની બોલે ‘ઍશ-ટ્રે.’ એમાં વાક્યો બધાં અસંબદ્ધ બની ગયાં જેમ કે– ‘કૅલેન્ડર પર લગાડેલી જાહેરખબર માળી છે માંથી નીકળતાં જ–’ પણ એવી નકામી વાતનો અહીં અર્થ શો? બહાર ઠંડી હતી. ને દીવાનખાનાને બધા ‘ફાયર પ્લેસ’ સમજી બેઠા હતા. પણ ખરી મઝા તો પેલી ચૂલા પાસે બેઠેલી વ્યક્તિને હતી. એ... ...ઈ ને ભજિયાં તળાતાં જાય ને તિરાડોમાંથી સોડમ વહેતી જાય ને સુંદર ગરમી વાતી જાય. એ ગરમી પચાવેલી વ્યક્તિ વરુણનું ‘સ્વેટર’ ન બની શકે? ગરીબ બિચારી તીતી! ત્યાં જ એક અકલ્પ્ય વસ્તુ બની. મૂંગા ચૂપ બેઠેલા વ્રાહને અચાનક મોઢે ફીણ આવવા લાગ્યાં. ગંજીફો ઊડીને બ્રાહ્મીના ખોળામાં વેરાઈ ગયો. પણ બ્રાહ્મીને ભલા એની શી કદર હોય? વ્રાહના હાથ-પગ હાલવા લાગ્યા ને ખુરશીમાંથી ઊછળીને તે લાલ અને પીળા રંગનાં ક્રમિક પત્તાઓવાળી શેતરંજી પર ઊથલી પડ્યો. વરુણે ઝડપથી બારણાની ‘સ્ટૉપર’ દૂર કરી ને બહાર વરંડામાં જઈને બૂમો પાડવા લાગ્યો. નીરેન તે જ વખતે ચોપાટીની રેતમાં બેઠો બેઠો આંગળી વતી લિસોટા પાડવા લાગ્યો. ઉપરની રેતી સૂકી હતી, નીચેની ભીની હતી. દરિયા નજીકની રેતીમાં ઝીણાં દરિયાઈ અળસિયાં ફરતાં હતા. એમાંના એકને એણે ઊંચકી લીધું. જરી વારમાં તે મૃત શંખ જેવું બની ગયું. નીરેનના ખભા પર પાછળથી આવીને વ્રાહાએ હાથ મૂક્યો. એક માત્ર વરુણ બુમાટા પર બુમાટા પાડી ચાલીના માણસોને જગાડતો હતો. ખોળામાં વેરાઈને પડેલા ગંજીફાની બ્રાહ્મીને દરકાર નહોતી. ‘મ્યુઝિયમ’ના સંચાલકની ઑફિસ, હસ્તપ્રતનો વિભાગ પૂરો થયા પછી આવતી હતી. એણે એ વિભાગ આખો રસપૂર્વક જોયો ને પછી ગંજીફો ભેટ આપવા સંચાલકની ઑફિસના ‘સ્પ્રિંગ ડોર’ આગળ ઊભી રહી. ઉત્તર હિંદુસ્તાનીએ હથેળીમાં તમાકુ મસળ્યો. બ્રાહ્મીના મોંમાં હજુ ફીણ આવ્યા કરતું હતું. તાણ વધતી જતી હતી. હથેળીમાંની તમાકુ તે બ્રાહ્મીના નાક પાસે લઈ ગયો, પણ એમ કરવા જતાં તેણે જેમતેમ પોતાના પગનું સમતોલપણું સાચવ્યું. બ્રાહ્મીનો હાથ જ એના પગની અવેજીમાં ચાલી શકે તેમ હતો. વરુણ ડૉકટરને ટેલિફોન કરવા માટે પાડોશીની ‘રૂમ’માં ગયો. પણ એ વખતે તીતી ક્યાં હતી? શું એને કશું જ થતું ન હતું? દુઃખ-સુખ કશું નહીં? પણ એ વાત તો અહીં અપ્રસ્તુત છે. ગરીબ વિચારો વ્રાહ! નીરેન નામના માછલાને એણે મરતો બચાવ્યો હતો. તે ચોપાટીની રેતીમાં જઈ બેઠો. બ્રાહ્મીને નાકે ધીમે ધીમે એક પછી એક છીંક આવવા લાગી પણ ઉત્તર હિન્દુસ્તાની જેમતેમ પોતાનું સમતોલપણું સાચવતો હતો અને હાથમાં ‘ઍશ-ટ્રે’ હતી. એક ઉધરસ ખાઈને બ્રાહ્મીએ આંખો ખોલી. ‘મને ટાઢ વાગે છે’, એણે કહ્યું. પેલો ઉ. હિં. બિચારો થાક્યો હતો. જીવ પર તેણે કોઈ જીવને બચાવ્યો હતો. એના પગ ડગમગ્યા અને તે બ્રાહ્મી ઉપર ફસડાઈ પડ્યો. નીરેન અને વ્રાહા બંને કમાડનાં બારણાં જેમ એકબીજાં સાથે બિડાઈ ગયાં. લાગે છે કે વચલા રૂમમાં ચૂલા પાસે બેઠેલી વ્યક્તિ વ્રાહા નહીં હોય. કેમ કે એ જ વખતે ‘રૂમ’ની તિરાડમાંથી, ભજિયાંના છમ્મ્મ્ અવાજની સાથે ચૂલાના પ્રકાશની પાતળી પટીની સાથે સાથે મીરાંના એક જાણીતા ભજનના શબ્દો પણ કતરાઈ કતરાઈને આવવા લાગ્યા.