નારીસંપદાઃ વિવેચન/સાહિત્ય અને પત્રકારત્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <big><big>'''૨૭'''</big></big> <center><big><big>'''સાહિત્ય અને પત્રકારત્વ'''</big><br> પ્રીતિ શાહ</big></center> {{Poem2Open}} એક અસરકારક સમૂહ-માધ્યમ તરીકે પત્રકારત્વે સાહિત્ય પર પ્રબળ પ્રભાવ પાડ્યો છે. માત્ર ગુજરાતી સાહિત્યમા...")
(No difference)

Revision as of 00:24, 15 March 2024


૨૭

સાહિત્ય અને પત્રકારત્વ
પ્રીતિ શાહ

એક અસરકારક સમૂહ-માધ્યમ તરીકે પત્રકારત્વે સાહિત્ય પર પ્રબળ પ્રભાવ પાડ્યો છે. માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલ્કે ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા અન્ય દેશોના સાહિત્યિક પ્રવાહો પર પણ પત્રકારત્વ એક અસરકારક પરિબળ બની રહ્યું છે. આ પત્રકારત્વે સાહિત્યના વિષયવસ્તુ, વિચાર, શૈલી કે ભાષા જેવા કોઈ એક અંગ પર નહિ, પરંતુ સમગ્ર સાહિત્ય પર પ્રભાવ પાડયો છે. પત્રકારત્વે પોતાની જરૂરિયાતમાંથી કેટલાંક નવાં સાહિત્યસ્વરૂપો નિપજાવ્યાં છે, તો સાહિત્યની ભાષાએ પત્રકારત્વની ભાષાને પળોટી છે. ઘણી વાર દૈનિક કે સામયિકનાં પૃષ્ઠો પર પ્રગટ થયેલી રચના પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં એને સાહિત્યકૃતિની મહોર પણ વાગી છે. વળી શિષ્ટ અને સાહિત્યિક સામયિકોએ તત્કાલીન સાહિત્ય તેમજ સાહિત્યિક વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતના પત્રકારત્વે ગુજરાતી સાહિત્ય પર પાડેલા પ્રભાવને જોઈએ તે પહેલાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધની ભૂમિકા જોઈએ. સાહિત્ય અને પત્રકારત્વ એ બંને ક્ષેત્રો ભિન્ન હોવા છતાં ઘણાં નજીક છે. ક્યારેક તો એ બંને વચ્ચેની ભેદરેખા લોપાઈ જાય એવી અભિન્નતા પ્રવર્તતી દેખાય છે. બંનેમાં માનવઅનુભૂતિનું આલેખન હોવાથી એમની વિષયસામગ્રી ઘણી વાર સમાન હોય છે. બંનેમાં ભાષાના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ થયેલી હોય છે અને બંનેનો હેતુ સામે છેડે રહેલા વાચક કે ભાવક સુધી પહોંચવાનો હોય છે, આમ છતાં સાહિત્ય અને પત્રકારત્વમાં મૂળગત તફાવત છે. સાહિત્યકાર માનવચિત્તનાં ઊંડાણોને તાગવાનો પ્રયાસ કરતો હોય છે, જ્યારે પત્રકારની નજર બનાવની આસપાસ ઘૂમતી હોય છે. આ બનાવ કોઈક સ્વરૂપે સાહિત્યમાં પ્રગટ થાય છે, પણ તેનું પ્રાગટ્ય તદ્દન જુદું જ હોય છે. આપણા પ્રસિદ્ધ સાક્ષર શ્રી રામનારાયણ વિ. પાઠક આગળ કેટલાકે ફરિયાદ કરી કે અમારા છોકરાઓ શહેરમાં ગયા પછી નાણાનો ધુમાડો કરે છે અને તેના પરથી ‘મુકુન્દરાય' જેવી ગુજરાતી નવલિકાસાહિત્યની એક મનભર કૃતિનું સર્જન થયું. શ્રી રામનારાયણ પાઠક 'દ્વિરેફ' ‘મારી વાર્તાનું ઘડતર' એ લેખમાં આ નવલિકાના પ્રાદુર્ભાવ વિશે કહે છે :

“એક વાર કોઈ માણસે મને વાત કરી કે અમુક વિદ્યાર્થી ઘેર જઈને મા-બાપને પજવે છે – એ સાંભળીને મને દુઃખ થયું. તે પછી એ રહસ્યની આસપાસ વસ્તુઓ વીંટાવા માંડી અને તેમાંથી 'મુકુન્દરાય'ની વાર્તા લખાઈ. એક નવાઈની વાત એ છે કે જે વિદ્યાર્થી વિશે મેં એ સાંભળેલું તેણે જ મને વાર્તા પ્રસિદ્ધ થયા પછી એક વાર કહ્યું કે પોતે મુકુંદરાયની પેઠે જ ઘરમાં વર્તતો હતો. એ પછી તો મને બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓએ આ કબૂલાત આપી છે."૧[1] આમ, સ્થૂળ કે સામાન્ય ઘટનામાંથી સર્જક 'દ્વિરેફે’ ‘મુકુન્દરાય' જેવી ઉત્તમ નવલિકાનું સર્જન કર્યું. એ નવલિકા વાંચીએ ત્યારે મૂળ ઘટનાનો કોઈ ખ્યાલ આવતો નથી. ક્રૌંચપક્ષીનો વધ થવાથી સ્થૂળ ઘટનાનો શોક શ્લોકમાં પલટાઈ ગયો અને એ રામાયણ જેવી અમર કલાકૃતિનું ઉદ્ભવસ્થાન હશે એવો ખ્યાલ આવે ખરો ? આમ પત્રકારત્વમાં બનાવની જેટલી મહત્તા છે, એટલી મહત્તા સાહિત્યમાં નથી.

પત્રકાર બનાવના તથ્ય (fact) પર નજર રાખે છે. એ તથ્ય વાચકને બરાબર પહોંચે તેમાં જ તેના કર્તવ્યની ઇતિશ્રી માને છે. જ્યારે સાહિત્યકાર બનાવની વિગતો પહોંચાડવાને બદલે ભાવકને સ્વાનુભૂતિ પહોંચાડવા માગે છે, આથી સાહિત્યમાં ઘટના સર્જકપ્રતિભાથી રસાઈને આવતી હોય છે. એમાં પણ એક સમયે ગુજરાતી નવલિકા તો છેક ઘટનાલોપ સુધી પહોંચી ગઈ હતી. સાહિત્યકાર ઘટનાને સર્વસામાન્ય માનવ-અનુભવ કે સંવેદનનું રૂપ આપે છે. કલામાત્રનું લક્ષણ સર્વજનીનતા (universality) છે એટલે સાહિત્યકાર વસ્તુસામગ્રીનું એ સર્વજનીન (universal) અનુભૂતિમાં રૂપાંતર કરે ત્યારે તેનું કલાસ્વરૂપ સિદ્ધ થયું ગણાય. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે આ મહત્ત્વનો ભેદ છે. એ દૃષ્ટિએ પત્રકાર સામગ્રી પીરસે છે ને સાહિત્યકાર તેનું કળામાં રૂપાન્તર કરે છે. પત્રકાર સમર્થ સર્જક પણ હોય તો તે મેઘાણીની જેમ નજરે જોયેલી ચિત્તપ્રભાવક ઘટનાને 'ચારણકન્યા' જેવી કાવ્યકૃતિ રૂપે ઢાળી શકે છે. સાહિત્ય અને પત્રકારત્વ બંનેની અભિવ્યક્તિનું માધ્યમ શબ્દ હોવાથી ઘણી વાર પત્રકારત્વમાંથી સાહિત્યમાં કે સાહિત્યમાંથી પત્રકારત્વમાં સરકવાનું બની આવે છે. સાહિત્ય અને પત્રકારત્વ ઉભયની દરેક સમાજને જરૂર હોય છે. આ સંદર્ભમાં નવલિકાકાર 'ધૂમકેતુ'એ કહ્યું છે : “... તેજસ્વી વર્તમાનપત્રો વિનાનું રાજકીય જીવન પ્રજાને દૃષ્ટિદાન આપી શકે નહિ, તેજસ્વી વર્તમાનપત્રો વિના રાજકીય જીવન શુદ્ધ રહી શકે નહિ; અને તેજસ્વી વર્તમાનપત્રો વિના સાહિત્યનું બળવાન લોક-કલ્યાણકર સ્વરૂપ, વિશાળતાથી પ્રગટી શકે નહિ.” ૨[2] સાહિત્ય અને પત્રકારત્વ બંનેની નજર માનવીના સામુદાયિક જીવન પર હોય છે. પત્રકારત્વ એ વર્તમાનની તવારીખ છે. એમાં વર્તમાન સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક પરિસ્થિતિની આબોહવાનો અનુભવ મળે છે. સાહિત્યકાર પણ વ્યક્તિ અને સમાજની વેદનાઓને પોતાના હૃદયપાત્રમાં ઝીલતો હોય છે. એની સંવેદનશીલતાના તાર પ્રવર્તમાન પરિસ્થિતિથી રણઝણતા હોય છે અને એના સર્જનમાં આગવી રીતે વર્તમાન પરિસ્થિતિ ડોકિયું કરી જતી હોય છે. નર્મદયુગના ગુજરાતી સાહિત્યમાં તત્કાલીન સમાજની સ્થિતિનો કેવો હૃદયવિદારક ચિતાર મળે છે ! ગાંધીયુગના સાહિત્યમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનોને સર્જકોએ મનભર ઝીલ્યાં છે. અનુગાંધીયુગના સાહિત્યમાં સ્વાતંત્ર્ય પછી પ્રજાજીવને અનુભવેલી હતાશા અને નિરાશા પ્રગટ થઈ છે. આમ સાહિત્યકાર પોતાની કલ્પનાસૃષ્ટિના એકદંડિયા મહેલમાં જીવતો નથી. પત્રકારની માફક સમાજની ગતિવિધિની જાણકારી રાખતો હોય છે, પરંતુ એક બાબત નોંધવી જોઈએ કે કોઈ ઘટના બને એટલે પત્રકારને માટે તેનું યથાતથ આલેખન અનિવાર્ય બને છે. સાહિત્યકારને આવી ફરજ પાડી શકાય નહિ. કેટલાક એવો આગ્રહ સેવે છે કે દેશની વર્તમાન સમસ્યાઓ પર સર્જક કેમ કલમ ચલાવતો નથી ? દૂષિત રાજકારણ, ભ્રષ્ટાચારી અમલદારશાહી અથવા તો પ્રજાજીવનની રોજિંદી વેદના વિશે સર્જક કેમ કંઈ કહેતો નથી ? પરંતુ કયા વિષય પર લખવું એ વિશે સ્વાન્તઃસુખાય લખતા સર્જકને પ્રતિબદ્ધ કરી શકાય નહિ. પત્રકાર અને સર્જક ઘટના તરફ ભિન્ન ભિન્ન પ્રતિભાવ પ્રગટ કરતા હોય છે. એ વિશે શ્રી વાડીલાલ ડગલી કહે છે : “જુદી જુદી ઘટનાઓ દ્વારા પત્રકારત્વ સમાજની તસવીર રજૂ કરે છે, સાહિત્યકાર વ્યક્તિ અને સમાજની તસવીર એવી રીતે દોરે છે કે તે કળાકૃતિ બને. આમ, પત્રકાર સમાજનો ફોટોગ્રાફર છે, સાહિત્યકાર સમાજનો ચિત્રકાર છે.” ૩[3] સાહિત્યકાર અને પત્રકાર બંનેની સૃષ્ટિ, કાર્ય અને ધ્યેય જુદાં છે. ઉપરના વિધાનમાં 'પત્રકાર સમાજનો ફોટોગ્રાફર છે' એ મત ચિન્ત્ય લાગે છે. વર્તમાનપત્ર આજે માત્ર સમાચારપત્ર (newspaper) રહ્યું નથી; તે વર્તમાનને દિશાદોર આપતા વિચારપત્ર(viewspaper)ની કામગીરી પણ બજાવે છે. આજનો પત્રકાર માત્ર ફોટોગ્રાફર રહ્યો નથી. અગાઉનો પત્રકાર પણ માત્ર ફોટોગ્રાફર નહોતો. નર્મદ, અમૃતલાલ શેઠ, મહાત્મા ગાંધી, ઝવેરચંદ મેઘાણી, વાસુદેવ મહેતા અને હરીન્દ્ર દવેનાં લખાણો સમાજની યથાતથ છબી આપીને અટકી જતાં નથી, બલકે સમાજને નવી દિશા તરફ પ્રેરે છે. લોકજાગૃતિને પત્રકારનો એક ધર્મ માનવામાં આવે છે. વળી આજના પત્રકારત્વમાં આવતી ઘણી લેખસામગ્રી વ્યક્તિને જીવનનું નવું દર્શન આપે છે. પત્રકારના કથનની ત્રિજ્યા ઘણુંખરું તથ્યમાં ફરતી રહે છે, જ્યારે સાહિત્યકાર દ્રષ્ટા હોવાથી તથ્યની પેલે પાર રહેલા વ્યાપક સત્યને તારવી આપે છે. પત્રકાર ભાર મૂકે છે ઘટના પર, જ્યારે સાહિત્યકારનું લક્ષ આકાર પર કેન્દ્રિત હોય છે. ફીચર જેવા પત્રકારત્વના પ્રકારોમાં થોડા કલ્પનાવિહારની કે સ્વૈરવિહારની એને મોકળાશ હોય છે, પણ પત્રકાર કલ્પનાની થોડી પાંખો ફફડાવવાથી વિશેષ આગળ ભાગ્યે જ વધી શકે. એના પગ તો વાસ્તવિક ધરતી પર ખોડાયેલા હોવા જોઈએ. સાહિત્યકારને એવું કોઈ બંધન નથી. તેની પાસે સત્યને કલાત્મક રીતે પ્રગટ કરવાની ખૂબી અને મોકળાશ બંને હોય છે. આ માટે લક્ષણા, વ્યંજના, અલંકારો, પુરાકલ્પન કે પ્રતીકનાં ઓજારોનો પણ એ ઉપયોગ કરતો હોય છે. આમ, સાહિત્યકૃતિ આકારબદ્ધ કલાસર્જન રૂપે ઊપસે છે. તેનો સંબંધ તત્કાલીનતા કે ઉપયોગિતાને બદલે ચિરકાલીનતા સાથે વિશેષ હોય છે. વર્તમાનપત્રમાં પત્રકારનો મુખ્ય હેતુ એ તત્કાલીન પરિસ્થિતિનું આલેખન કે પ્રતિભાવ આપવાનો હોય છે. જ્યારે કલાકૃતિ સ્વાન્તઃસુખાય રચાય છે. આમ બંનેનાં લક્ષ્ય અને કાર્ય ભિન્ન છે. બંને પોતપોતાના લક્ષ્યને અનુસરીને પ્રવર્તે છે. પત્રકાર સર્જકના ધ્યેયથી કામ ન કરી શકે; ન તો સાહિત્યકાર પત્રકારના ધ્યેયથી. સાહિત્ય અને પત્રકારત્વના આ ભેદ વિશે શ્રી મધુસૂદન પારેખ કહે છે : “એક લેખકે કહ્યું છે તેમ સાહિત્ય એ સન્નિષ્ઠ કસબીની રચના છે. પત્રકારત્વ પણ કસબીની રચના છે, પણ એનામાં સન્નિષ્ઠાનો ઘણી વાર અભાવ વરતાતો હોય છે. કોઈ વર્તમાનપત્રનો લેખક અકસ્માત વિશે લખતો હોય ત્યારે તે પોતાના વિષયથી detach થઈને લખતો હોય છે, ઊલટું, તે એ વિશે રીઢો-બેપરવા બની ગયો હોય છે. એને તો દુર્ઘટનાની વ્યાપકતામાં રસ હોય છે, કારણ, તો જ તેને વધારે આકર્ષક વૃત્તાંત (News- story) મળી શકે. સાહિત્યકાર તો એનાં પાત્રોનાં સુખ-દુઃખનો સહભાગી હોય છે. એનામાં તે ઓતપ્રોત હોય છે અને કેટલીક વાર તો પાત્રો તેને નિયંત્રિત કરે છે.” ૪[4] પત્રકારના લખાણમાં સન્નિષ્ઠાનો અભાવ હોય તો પત્રકારત્વમાં જેને એક અનિવાર્ય શરત માનવામાં આવે છે તે credibility આવતી નથી. પત્રકારને માટે વસ્તુનિષ્ઠતા (objectivity) કે બિનંગતતા એ જ સન્નિષ્ઠા છે. આથી તેનામાં સન્નિષ્ઠાનો અભાવ છે એમ કઈ રીતે કહી શકાય? વળી આજનો પત્રકાર એ માત્ર કલમઆશ્રયી રહ્યો નથી, પણ કાર્યઆશ્રયી થયો છે. એ એનાં લખાણોથી અન્યાયનો વિરોધ કરે છે, પણ એથીયે વિશેષ જરૂર પડ્યે એ અન્યાયનો સામનો કરવા આગેવાની લે છે. વિનીત નારાયણ, નલિની સિંઘ જેવા પત્રકારોની આવી કાર્યશૈલી રહી છે. પત્રકાર એના કાર્ય અને હેતુ વિશે પૂરતો જાગ્રત હોય છે. નર્મદ, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, જેક ઍંડરસન, મસ્કારહન્સ, અરુણ શૌરી જેવા પત્રકારોનાં લખાણમાં ક્યાંય સન્નિષ્ઠાનો અભાવ જોવા મળતો નથી. હકીકતમાં તો આ લખાણોમાં પ્રગટ થતી પત્રકારની નિષ્ઠા મોટાં સામાજિક કે રાજકીય પરિવર્તનોનું નિમિત્ત બની છે. એ જ રીતે પત્રકાર “વિષયથી detach થઈને લખતો હોય છે.” અથવા તો એ વિશે "રીઢો બેપરવા બની ગયો હોય છે.” એ વિધાન સ્વીકારી શકાય ખરું ? પત્રકાર જ્યારે વૃત્તાંતનિવેદન કરે છે ત્યારે એ અંગત ગમા-અણગમાને વચ્ચે લાવ્યા વિના યથાતથ માહિતી આપવા પ્રયાસ કરતો હોય છે; આથી એ રીઢો કે બેપરવા બનવાને બદલે એ ઘટનાઓ તરફ વધુ તટસ્થ રહેતો હોય છે. વળી કૉલમ-લેખનના કેટલાક પ્રકારોમાં તો પત્રકારનો હેતુ માનવહૃદયને સ્પર્શવાનો હોવાથી તે અન્યના સંવેદનમાં સહભાગી થતો નથી એમ શી રીતે કહી શકાય ? આજના પત્રકારત્વમાં અત્યંત પ્રચલિત એવી human interest storyમાં તો પત્રકારને ઘટનામાં ઓતપ્રોત બની જવું પડે છે. બીજી બાજુ દેશ પર આતંકવાદીઓ કોઈ નેતાની નિર્દય હત્યા કરતા હોય, ભારતીય સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોરો ઘૂસી જતા હોય કે કુદરતી આપત્તિને કારણે મોટું સંકટ ઊભું થયું હોય, ત્યારે વર્તમાનપત્રનો તંત્રી અખબારના પહેલે પાને પોતાની વેદનાને વાચા આપતો હોય છે. આ રીતે પત્રકાર પાસે “સન્નિષ્ઠાનો અભાવ” હોય છે તેથી એના લખાણમાં સાહિત્યિક તત્ત્વ આવતું નથી તેમ કહી શકાય નહિ. માત્ર એટલું કહી શકાય કે સાહિત્ય એ કલાની સભાનતા અને ગંભીરતાથી સર્જાતો કસબ છે જ્યારે પત્રકારનું લખાણ એવા કારીગરનો કસબ છે જે ગંભીર અને જાગ્રત હોવા છતાં કલાની સભાનતા દાખવી શકતો નથી. Truth is stranger than fiction એ ઉક્તિ વિશેષ રૂપે પત્રકારના ઘટના-કથનમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. સનસનાટી ઉપજાવે, વાચકને આઘાત સાથે આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી, કલ્પનાને લપડાક દેતી કેટકેટલી સત્ય ઘટનાઓ માણસની સંવેદનાને હચમચાવીને પસાર થઈ જાય છે! પત્રકારની સફળતા એ ઘટનાની કડીઓ શોધી કાર્ય-કારણ-સંબંધો સહિત તેનું સચોટ નિરૂપણ કરવામાં રહેલી છે. જ્યારે સાહિત્યકારનું માનસ અનેક ઘટનાઓ અને પરિબળોનો પ્રભાવ ઝીલતું હોય છે અને તેમાંથી કૃતિ જન્મે છે. પત્રકાર અને સાહિત્યકાર વચ્ચે એક મહત્ત્વનો ભેદ એ છે કે પત્રકારને અખબારની ઝડપ અને સમયની મર્યાદા સાથે તાલ મેળવવાનો હોય છે. આથી જ અખબારી લેખન વિશે એમ કહેવામાં આવે છે કે એનું ખૂબ ઝડપી ઉત્પાદન થતું હોય છે. પત્રકાર પર સમયનો તકાદો હોય છે. એની પાસે સાહિત્યકાર જેટલી નિરાંતે લખવાની અનુકૂળતા હોતી નથી. જોકે આ અંગે સિક્કાની બીજી બાજુ જોઈએ તો એમ પણ લાગે કે ઝડપથી લખવું એ કોઈ આસાન બાબત નથી. આ માટે લખનાર પાસે વિષયનું વૈવિધ્ય અને શૈલી પાસેથી ધાર્યું કામ કઢાવવાની આવડત હોવી જોઈએ. ઝડપી લખાણ માટે સતત અભ્યાસ અને સખત પરિશ્રમની જરૂર રહે છે. બીજી બાજુ છાપાનું લખાણ ત્વરિત ગતિએ અને પુખ્ત વિચારને અવકાશ આપ્યા વિના લખાયેલું હોય છે એવી દલીલનો જવાબ આપતાં શ્રી રમેશનાથ ગૌતમ કહે છે : “નર્યા સાહિત્યકારોમાંના ઘણાનાં સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલાં હોય છે. શ્રી ક. મા. મુનશી જેવા કેટલાય સાહિત્યકારોનાં કેટલાંક ખૂબ પ્રશંસા પામેલાં પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય ત્યારે તેને પહોંચી વળવા માટે ઝડપથી લખાયેલાં હોય છે. કોઈક વાર ટ્રેઇનમાં, કોઈ વાર કૉર્ટમાં– જ્યાં બે મિનિટ મળી ત્યાં પાનાં બે પાનાં લખાયાં; એ રીતે એમનાં સમર્થ સર્જનો પ્રકટેલાં છે. આજના યંત્રને, ગ્રાહકને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ પડે છે. શ્રી રમણલાલ વ. દેસાઈનાં 'સયાજીવિજય'ની ભેટ રૂપે પ્રગટ થયેલાં લોકપ્રિય પુસ્તકો પાંચ-પાંચ કે દસ-દસ વર્ષની હળવી ધીમી વિચારણા કે હળવા ધીમા લેખનમાંથી નથી જન્મ્યાં! શ્રી રમણલાલની એકાવનમી વર્ષગાંઠ પ્રસંગે તેમના કેટલાક મિત્રો તરફથી પ્રસિદ્ધ થયેલા “અભિનંદન ગ્રંથ” ઉપર નજર ફેરવી જનારને ખ્યાલ આવશે કે કેવા મારમારના સંજોગોમાં, કેવા દબાણ અને અધીરી ઉતાવળની ધમાલમાં એમનાં પુસ્તકો લખાયાં છે.”૫[5] આમ પત્રકારત્વનું લખાણ એ ઉતાવળે લખાયેલું હોવાથી એનો સાવ છેદ ઉડાડી દેવો એ બરાબર નથી. સાહિત્યમાં જેટલી અભિવ્યક્તિની મોકળાશ, પસંદગીનું વૈવિધ્ય અને પ્રયોગશીલતાને અવકાશ હોય છે, તેટલો પત્રકારત્વમાં હોતો નથી, કારણ કે પત્રકારને સતત ‘બજારની માગ'નો ખ્યાલ રાખવો પડે છે. પત્રકારનું સીધું નિશાન એ તેનો તે દિવસનો – રોજેરોજનો - વાચક-સમુદાય છે. પત્રકારનો હેતુ માહિતી પહોંચાડવાનો છે તો સાહિત્યકારનો હેતુ અનુભવ પહોંચાડવાનો છે. આથી જ સાહિત્યકાર સર્જે છે અને પત્રકાર નિવેદન કરે છે. આમ છતાં આપણે જોયું તેમ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે એટલું બધું આદાનપ્રદાન થતું હોય છે કે એ બંનેના સીમાડા સતત લોપાતા રહ્યા છે. આ બંનેનો ભેદ દર્શાવતાં શ્રી યશવંત શુક્લે યોગ્ય જ કહ્યું છે : ‘પોતાનું વ્યવસાયગત કર્તવ્ય નિયત સમયમાં સ્ફૂર્તિથી આટોપવા જતાં શબ્દનું શબ્દ તરીકે ગૌરવ કરવા પત્રકાર થોભી શકતો નથી. આત્મનિર્ભર સૌંદર્યનિષ્ઠ અભિવ્યક્તિ નહિ, પણ અનુકૂળ અર્થબોધ, એ તેનું નિયત કર્મ હોવાથી સાહિત્યથી પત્રકારત્વનો અભિગમ જુદો પડે એ સ્વાભાવિક છે. છતાં સર્જનના આનંદની ક્ષણો વારંવાર મળી આવે એવો અવકાશ પત્રકારત્વમાં પણ રહેલો છે. સાહિત્ય અને પત્રકારત્વ ઉભય પ્રજાના વાઙ્મય ચૈતન્યનાં જ પ્રકટીકરણો છે.” ૬[6] પત્રકારત્વ અને સાહિત્યના ભેદને જોયા પછી એ બંનેના સંબંધ વિશે પ્રવર્તતા બે તદ્દન જુદા અભિપ્રાયો જોઈએ. એક અભિપ્રાય એવો છે કે પત્રકારત્વ એ સાહિત્યનો જ પ્રકાર છે જ્યારે સામે પક્ષે બીજો અભિપ્રાય એવો છે કે સાહિત્યિક લખાણ કરતાં પત્રકારત્વનું લખાણ ઊતરતી કક્ષાનું છે. પત્રકારત્વ સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે સામયિક સાહિત્યિક દૃષ્ટિએ વધુ રોચક વાચન પૂરું પાડે તે ઊંચી કોટિનું સામયિક ગણાય તેમ અત્યારે પણ માનવામાં આવે છે. આથી ઘણી વાર એવું બને છે કે સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં એ સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો સતત પ્રયત્ન થતો હોય છે. ‘નવચેતન'ના તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદેશીને સાહિત્ય અને પત્રકારત્વના સંબંધ અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે આવો ઉત્તર આપ્યો હતો : “ખરું જોતાં તો પત્રકારત્વ એ પણ સાહિત્યનો જ એક પ્રકાર છે. પણ એ પ્રકાર એક રીતે પ્રાસંગિક અને અલ્પજીવી હોઈને સાહિત્યના અન્યોન્ય પ્રકારો જેટલું મહત્ત્વ એને ન અપાય એ સ્વાભાવિક છે. સાહિત્યનું આયુષ્ય જેટલું વધારે એટલું અદકું એનું મૂલ્ય. એટલે જ આપણે સામાન્યતઃ પત્રકારત્વને સાહિત્ય લેખતા નથી. સાહિત્યનો મૂળ અર્થ છે 'સાધન'. એ મૂળ અર્થાનુસાર પત્રકારત્વ પણ જનતાને સાંપ્રત પ્રવાહોથી પરિચિત રાખવાનું સાધન છે. પણ પ્રત્યેક અંક ઝડપભેર તૈયાર કરવાનો હોઈને એ તૈયાર કરતી વેળા સાહિત્યની ચિરંજીવતાની દૃષ્ટિ રાખવી પાલવતી નથી, આમ છતાં હવે વર્તમાનપત્રો પણ સાહિત્યનો યોગ સાધતાં થયાં છે. પત્રકારને સાહિત્યનો જેટલો વધુ સ્પર્શ તેટલે અંશે એ વધારે સારી રીતે રજૂઆત કરી શકે એમ હું માનું છું. સાહિત્યના લેશમાત્ર સ્પર્શ વિનાનું પત્રકારત્વ મીઠા વિનાના ભોજન જેવું લેખાય.” ૭[7] પત્રકારત્વને સાહિત્યનો એક પ્રકાર ન ગણીએ તોપણ એણે સાહિત્યિક રુચિ પોષવામાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. સાહિત્ય માટે સામાન્ય વાચક આજે વર્તમાનપત્રો પર આધાર રાખતો થયો છે અને તેથી વર્તમાનપત્રને શિરે સાહિત્યિક રુચિને પોષનારાં લખાણો પ્રગટ કરવાની જવાબદારી પણ આવી છે. ઇંગ્લૅન્ડનું અખબાર 'ધ ટાઇમ્સ' દર અઠવાડિયે લિટરરી સપ્લિમેન્ટ આપે છે. ભારતના 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”, ‘ધ હિંદુ’, ‘ધ સ્ટેટ્સમેન', 'હિન્દુસ્તાન ટાઇમ્સ' કે 'ઇન્ડિયન એક્સપ્રેસ' જેવાં અખબારો દર અઠવાડિયે સાહિત્યવિષયક લખાણોનું એક આખું પાનું આપે છે. એ રીતે જોઈએ તો ઝવેરચંદ મેઘાણીનું 'કલમ અને કિતાબ', ચુ. વ. શાહનું 'સાહિત્યવૃત્તિ' કે કૃષ્ણવીર દીક્ષિતની સાહિત્યવિષયક કૉલમોએ સામાન્ય વાચકની સાહિત્યરુચિ ઘડવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આ ઉપરાંત અખબારોમાં આવતાં કવિતાના આસ્વાદ, ધારાવાહી નવલકથા, નવલિકા કે લલિત તથા હળવા નિબંધો જેવી કૉલમો અને સામયિકોની સાહિત્યસામગ્રીનો પણ આમાં સમાવેશ થઈ શકે. એ દૃષ્ટિએ પત્રકારત્વે વ્યાપક જનસમૂહની સાહિત્યિક રુચિ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જોકે હાલ આ વહેણ મંદ પડ્યું છે. પત્રકારત્વ અને સાહિત્યની નિકટતાનો વિચાર કર્યો, પરંતુ એની સામે બીજો એક મત એવો પણ છે કે જે પત્રકારનાં લખાણોને અપરિપક્વ, ઉતાવળે લખાયેલાં અને ક્ષણજીવી માને છે. ગુજરાતમાં પણ સામાન્ય રીતે અખબારી લખાણ એટલે સાહિત્યથી હલકું લખાણ એવો પૂર્વગ્રહ જોવા મળે છે. આ લખાણની શૈલીને ‘છાપાળવી શૈલી’ કહીને ઉતારી પાડવામાં આવે છે. એ સાચું છે કે સમયની મર્યાદાને કારણે ઝડપથી પ્રગટ થતાં અખબારોમાં નકશીદાર શૈલી કે જોડણીની શુદ્ધિ વિશે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી, પરંતુ માત્ર આ દોષને ધ્યાનમાં રાખીને અખબારમાં પ્રગટ થતાં લખાણોને ઉતારી પાડવાં એ યોગ્ય નહિ ગણાય. અમુક પ્રકારે જ પ્રગટ થતાં અખબારી લખાણો વિશે હેન્રી વૉર્ડ બીચરે એમ કહ્યું હતું કે, Newspapers are the schoolmasters of the common people- એટલે કે વર્તમાનપત્રો એ સામાન્ય જનતાના શિક્ષકો છે. વર્તમાનપત્રો સામાજિક જાણકારી ઉપરાંત ભાષાના પ્રયોગોથી પણ સામાન્ય લોકોને વાકેફ કરે છે. તે દૃષ્ટિએ પણ તે કદાચ એમના શિક્ષક કહેવાય. પણ ઉપરના કથન દ્વારા લેખક એમ સિદ્ધ કરતા લાગે છે કે નિશાળના બહુ ઓછા શિક્ષકોમાં લેખકની પ્રતિભા હોય છે એ જ રીતે પત્રકારત્વ જવલ્લે જ સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ સ્થાન પામી શકે છે. પત્રકારત્વના લખાણની તુચ્છતા બતાવવા માટે એમ કહેવાય છે કે આ લખાણમાં કશું ચિરંજીવ તત્ત્વ હોતું નથી. આવી માન્યતાને આધારે જ ચોવીસ કલાકમાં જ જે વાસી થઈ જાય તેનો પોતાને ખપ નથી એવું એમર્સને અખબારોની સામગ્રી વિશે કહ્યું હતું. આજનું છાપું આવતી કાલે પસ્તી બની જાય છે તેમ માનવામાં આવે છે તો સવાલ એ જાગે કે વર્તમાનપત્રમાં આવતી કેટલીક સામગ્રી જ્યારે ગ્રંથસ્થ થાય છે ત્યારે તેની સાહજિકતા પ્રમાણવામાં કેમ આવતી હશે? જો સાહિત્યમાંથી પત્રકારત્વની સામગ્રીની જ બાદબાકી કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યમાંથી નર્મદના નિબંધો, મુનશીની નવલકથાઓ, ગાંધીજીની આત્મકથા અને સુરેશ જોશીના ઘણા નિબંધોની બાદબાકી કરવી પડે. જોકે સામે પક્ષે એમ પણ કોઈ પૂછે કે અહીં ઉલ્લેખેલ નિબંધ, નવલકથા, આત્મકથા ઇત્યાદિ પત્રકારત્વનાં ક્યાં લક્ષણ ધરાવે છે ? પત્રકારત્વને સત્ત્વ અર્પવા કે તેના સુશોભન અર્થે ઉછીની લીધેલી સાહિત્યિક સામગ્રી ન ગણાય ? એક પ્રશ્ન એ પણ છે કે સાહિત્ય રૂપે પ્રગટ થતી બધી જ કૃતિઓ શું ચિરંજીવી મૂલ્ય ધરાવતી હોય છે ? આથી એમ કહી શકાય કે સાહિત્યકાર હોય કે પત્રકાર પણ એની પ્રતિભા જ મુખ્ય બાબત છે. પ્રતિભાવાન સાહિત્યકારનું પત્રકારત્વ પણ લાંબા કાળ સુધી ટકનારું હોય છે. ઝવેરચંદ મેઘાણી કે હરીન્દ્ર દવેનું મોટા ભાગનું સર્જન પત્રકારત્વની પ્રવૃત્તિના ભાગ રૂપે જ થયું હતું. તેમ છતાં આજે પણ એનું સાહિત્યિક મૂલ્ય એટલું જ રહ્યું છે. આથી લેખક ઓછું લખે છે કે ઢગલાબંધ લખે છે, એ ઉતાવળે લખે છે કે નિરાંતે લખે છે એનું મહત્ત્વ નથી. ખરેખર તો એમાં પ્રગટતી લેખકની પ્રતિભા મહત્ત્વની છે. આથી પ્રતિભાવાન વ્યક્તિના હાથમાં સાહિત્ય હોય કે પત્રકારત્વ હોય – એ બંને સજીવ બની જાય છે. એમર્સનને ભલે અખબારોનો ખપ ન હોય, પરંતુ આજનાં સમૂહ-માધ્યમોના જમાનામાં અખબારની ઉપેક્ષા કરીને જીવી શકાય એટલે કે જાગતિક ચૈતન્યપ્રવાહમાં વહી શકાય તેવું રહ્યું નથી. વળી અખબારની ઘટના બીજે દિવસે વાસી થઈ જતી હશે, પરંતુ તેનો સંસ્કાર વાસી થતો નથી. આ પત્રકારત્વ દ્વારા અટપટું ઘટનાજગત માનવીને બારણે આવીને ઊભું રહે છે. પરિણામે પત્રકારત્વની જે ઉપકારકતા છે તે પણ ભૂલવા જેવી નથી. બીજી બાજુ આજના સમયમાં એની સામે આંખમીંચામણાં થઈ શકે તેવુંય નથી. એ સાચું છે કે આપણું રોજિંદું પત્રકારત્વ સાહિત્યથી ઘણી વાર દૂર જતું હોય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની નિખાલસ કબૂલાતોમાં આનું માર્મિક ચિત્ર મળે છે. 'વેરાનમાં' લેખસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : “આજનું આપણું રોજિંદું પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે તે તો એના સંચાલકો, માલિકોની ટૂંકી દૃષ્ટિને પ્રતાપે. તેઓ 'આજ'માં રમે છે, 'આવતી કાલ'ની નવરચનામાં નહિ. તેઓ માનતા જણાય છે કે રાજ્યદ્વારી છમકલાં છાપવાથી અને લીંબરડી પીપળડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે કે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને એક શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે." ૮[8] ઝવેરચંદ મેઘાણીના આ શબ્દોમાં દૈનિક પત્રકારત્વનાં ભયસ્થાનો છતાં થાય છે. પત્રકારત્વમાં ધોધમાર ઝડપે લખવાનું હોય છે અને લખાણો ખૂબ ખપે તે માટે પોતાની શૈલીને બહોળા વાચકવર્ગને રુચે એવી લોકભોગ્ય, રંગદાર અને ધમકીભરી બનાવવી પડે છે. પરંતુ લેખનના વિષયો ક્ષણિક કે પ્રાસંગિક હોવાને કારણે એ સમય જતાં એટલા તાજા રહેતા નથી. શુદ્ધ સાહિત્યિક દૃષ્ટિએ એનું સ્થાયી મૂલ્ય લગભગ શૂન્યવત્ નહિ તોપણ એકંદરે અત્યંત અલ્પ બની રહે છે. 'વડવાંગડું’માં પત્રકારત્વનો ઝવેરચંદ મેઘાણી દ્વારા આલેખાયેલો આખોય સંવાદ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના વિરોધને હૂબહૂ પ્રગટ કરે છે એના કેટલાક અંશ જોઈએ, જેમાં અખબાર કહે છે : “સ્વસ્થ ! 'અમો' સ્વસ્થ ? 'અમો'ને અને સ્વસ્થતાને શો સંબંધ? અમો સ્વસ્થ થશું તો જગતનું શું થશે ?” “તો છો ને કૂદાકૂદ કરો. ફરમાવો, અત્યારે આપને સર્વને કંદોઈની, ગાંધીની, ભઠીઆરાની, ઇત્યાદિ દુકાનોની સુખશય્યા છોડીને શા માટે મુજ રંક ગૃહે ઊતરવું પડ્યું છે?” “૧૯૩૦૦૦૦ના વાઙ્મયમાં તે અમોને કેમ નથી સંભાર્યાં?” “પણ મુરબ્બીઓ ! તમારે ને વાઙ્મયને શું લાગેવળગે ?” એક ડાઘિયા જેવું છાપું બોલી ઊઠ્યું : “ચીંથરા જેવી ચાર પાનાંની બાઇન્ડિંગ કરેલ ચોપડી તે વાઙ્મય, અમારાં લખાણોમાંથી ઊઠીને પુસ્તકકારે પ્રગટ થનાર કચરાપટ્ટી થોથું તે વાઙ્મય, ને અમો શું રોજના અધશેરીઆં થોથાં લખી લખી જખ મારીએ છીએ ?” (પૃષ્ઠ ૧૫૮) અહીં પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચેનો એક પ્રકારે સંવાદ બતાવ્યો છે. એ સંવાદ આગળ ચાલતાં સાહિત્ય પૂછે છે : “તું વાઙ્મય સર્જે છે ?" “એ તો નથી જાણતો હું. પણ રોજેરોજ, પળે પળે, વિશ્વના નવવિચારો ને નવઆંદોલનોના મારા મેજ પર ખડકાતા ઢગલાને ગુજરાતી ભાષામાં ઉતારવા જતાં મારા માથાની ખોપરી ફાટતી મેં અનુભવી છે. રસ્તે ચાલતું માનવી ઝટ ઝટ સમજીને વાંચી લ્યે એવું ભાષા-ઘડતર કરતાં કરતાં મારા પેટમાં લાખો બીડીઓ ને હજારો ચાહના પ્યાલા રેડાયા છે. કોઈ કોઈ વાર ઉજાગરે બળતા આ ક્લેવરને ટકાવવા મેં પ્યાલી બે પ્યાલી-"

	“વારુ ! વારુ !” મેં સુગાઈને વચ્ચે પૂછ્યું : “તેં આટલું બધું ક્ષણજીવી જ શા માટે લખ્યા કર્યું ?”

“જગતના ચિરંજીવી પ્રવાહને વહેતો રાખવા માટે." “વાહ! આવું સૂત્રમય વાક્ય તું બોલી શકે છે !” મને વિસ્મય થયું. "તારું નામ ?” “મારે નામ છે જ નહિ, એકાદ તંત્રીના નામની નિત્ય જલતી જ્વાલામાં મારાં અનેક નામો ખાક થયાં છે.” “ત્યારે તો 'ગ્રંથ અને ગ્રંથકાર'ના કોઈ જ ખંડમાં તું અમર નહિ બનવાનો. એ તો ઠીક, પણ તું હંમેશાં ગરમાગરમ થઈને શા સારુ લખે છે ?" “માલિક કહે છે કે છાપું ખપતું નથી. વેચાણ કમતી થશે તો સ્ટાફ ઓછો કરશું. તે માટે.” (પૃષ્ઠ ૧૬૦) આમ પત્રકારને રોજિંદી ઘટનાઓ પર ઘણો આધાર રાખવાનો હોય છે. આથી એમાં તત્કાલીનતા ઘણી હોય છે. પરંતુ એ પત્રકારનું કાર્ય સાહિત્યમાં સ્થાન પામે ખરું ? એ વિશે ઝવેરચંદ મેઘાણીના આ જ લેખમાં સાહિત્ય પત્રકારત્વને કહે છે : “તારી છપાઈની જોડણી તો જરી જો ! તારાં લખાણોની છાતી પર ચડતી જાહેરખબરો તો નિહાળ, તારા તરજુમા ને તારા અહેવાલોની કઢંગાઈ તો તપાસ." “વિવેચક !” એ માનવીએ ખાંસીનો એક બડખો થૂંકી પછી સિગારેટની એક ઘૂંટનાં ધૂમ્ર-ગૂંચળાં ચઢાવતાં હસીને કહ્યું : “ભાષા, વિચારો, રૂપ, રંગ, ઉઠાવ વગેરે માટે મેં આજે એક સૈકાથી જે કર્યું છે તેનો ઇતિહાસ એક દિવસ લખાશે. તે દિવસે તમે એને વાઙ્મયનો ગ્રંથ કહી અવલોકજો ને મેં શું કર્યું છે તેનું માપ કાઢજો. અત્યારે તો માલિકના મોંયે 'સાહિત્ય-વાયડો' ગણાઈ હાંસી પામતો ને સાક્ષરોની પરિષદોમાં ‘લેભાગુ' લેખાઈ હડધૂત થતો પશુ ને પક્ષીની વચ્ચે વડવાંગડા જેવો હું મારા લોહીનું પાણી કરું છું. તમારી વાર્ષિક આલોચનામાં મારું નામનિશાન છો ન આવતું, હું તો જાગું છું ને જાગ્યા કરીશ. મારી સ્ત્રીના ને મારા બાલકના પેટને ખાતર." “યંત્રોની કીકીઆરી બોલી, માનવીએ લખવા માંડ્યું અને એ એકમાંથી મને સેંકડો હાડપિંજરો નીકળતાં, લથડિયાં લેતાં નજરે પડ્યાં. હું જાગ્યો ને વિચારમાં પડ્યો. વર્તમાનપત્રોનો ફાળો વાઙ્મયમાં ખરો કે નહિ ? આ તંત્રીઓ-ઉપતંત્રીઓએ ભાષાનું ઘડતર ને વિચારઘડતર કર્યું કહેવાય કે નહિ ?” (પૃષ્ઠ ૧૬૨) આમ મેઘાણીએ પત્રકારના વ્યવસાયની સત્યકથા કહી એમાં રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ હોય છે તેમ કહ્યું છે. એ પત્રકારત્વ પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખીને કેવળ ક્ષણિક આવેશોનો ભડકો બની રહે છે. સમતોલ વિચાર કે અભિપ્રાયમાં ઊતરવાને બદલે તેનો લેખક ઉત્તેજનાની જ રમણલીલામાં એને રાચતું બનાવે છે, આમ છતાં રોજિંદા પત્રકારત્વના આ દોષોનું નિવારણ થઈ શકે તેવું છે. તેઓ કહે છે કે સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વમાં આવતાં તેની ચોટ અને માર્મિકતાને નવી ધાર ચડશે અને આ રીતે “સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ” આવતાં પત્રકારત્વનો અનેક દુર્ગુણોમાંથી છુટકારો સંભવિત થશે. ખુદ ઝવેરચંદ મેઘાણીના સાહિત્યસર્જનમાં પણ એમનું પત્રકાર-જીવન કેટલું બધું પ્રેરક અને પોષક નીવડ્યું છે ! આ પત્રોની માંગને કારણે જ એમણે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપો પર પ્રયોગ રૂપે પોતાની કલમ અજમાવી અને ધીરે ધીરે હથોટી બેસી જતાં એમાં સફળ ખેડાણ કર્યું. ‘ચિતાના અંગારા'ના નિવેદનમાં તેઓ કબૂલ કરે છે કે, “ઘણા વખતથી ‘સૌરાષ્ટ્ર'ના તંત્રીમંડળનો મનોરથ હતો કે મારે ટૂંકી કથાઓ લખવી” અને તેથી મેઘાણીએ નવલિકાઓ લખવા માંડી. એવી જ રીતે “એમની છાતી પર ઊભેલા એક શનિવારની" પત્રકારી કામગીરીને પહોંચી વળવા માટે એમણે નવલકથાલેખન શરૂ કર્યું અને એમના નવલકથાલેખનનું પ્રેરક નિમિત્ત આ પત્રકારી જીવન બની રહ્યું. અરે ! એમણે વિવેચનમાં જે ચંચુપાત કર્યો તે પણ 'જન્મભૂમિ'નું સાહિત્યપૃષ્ઠ 'કલમકિતાબ'ને પરિણામે. એ રીતે જોઈએ તો પત્રકારત્વ એ મેઘાણીના સાહિત્ય-જીવનને પોષનારું જ નહિ બલ્કે એમની પ્રયોગશીલતાને ખીલવનારું પરિબળ બની રહ્યું. જો એમણે પત્રકારત્વ અપનાવ્યું ન હોત અથવા તો 'જન્મભૂમિ' અને 'ફૂલછાબ' આદિની માગ ન હોત તો મેઘાણી કદી નવલકથાકાર બની શક્યા હોત ખરા ? શ્રી વિશ્વનાથ ભટ્ટે યોગ્ય જ કહ્યું છે : “પત્રકારજીવનને રા. મેઘાણી ભલેને ગમે તેટલું નિન્દે, પણ એમની સકળ લેખનપ્રવૃત્તિના મૂળમાં એ પત્રકારજીવન જ રહેલું છે એટલું જ નહિ પણ એમની શુદ્ધ સાહિત્યની કૃતિઓ પણ પત્રકારી રંગોથી રંગાયા વિનાની રહી નથી. સાહિત્યક્ષેત્રમાં એમને પ્રવેશ કરાવ્યો તે એમના પત્રકારજીવને જ, અને પ્રારંભમાં 'ચોરોનો પોકાર' જેવા કેવળ છૂટા છૂટા લેખો જ લખવાની તાકાતવાળા રા. મેઘાણીને ક્રમે ક્રમે લોકસાહિત્ય, નવલિકા, નવલકથા, આદિ સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રકારો ભણી દોરી ગયો તે પણ એમનો ચત્રકારી વ્યવસાય જ.” ૯[9] આ રીતે મેઘાણીનું પત્રકારત્વ એમની સાહિત્યપ્રવૃત્તિ સાથે ગાઢપણે સંકળાયેલું છે, અથવા એમ પણ કહી શકાય કે એમનું પત્રકારત્વ એક ક્ષણ માટે પણ સાહિત્યથી અલગ પડ્યું નથી. એમણે જ કહ્યું હતું તેમ તેઓ “પત્રકારત્વના literary toneના-સાહિત્યરંગી તોરના - પુરસ્કર્તા હતા.”૧૦[10] એમની પત્રકારત્વની ભાવનાઓનો પ્રતિઘોષ એમના સાહિત્યમાં સંભળાય છે. વસુંધરાનાં વહાલાં તેમજ દવલાં - સૌ પ્રત્યે સમભાવ રાખી શકે તે જ સાચો પત્રકાર એ બાબત એમના સાહિત્યમાં વિવિધ પાત્રો દ્વારા પ્રગટ થાય છે. માનવજીવનનાં કલ્યાણકારી શાશ્વત ધારકતત્ત્વો આલેખવા પર એમનું લક્ષ છે અને એ જ એમના પત્રકારત્વ અને સાહિત્ય બંનેમાં જોવા મળે છે. આમ મેઘાણીએ પત્રકારત્વમાં સાહિત્યદૃષ્ટિ આવતાં પત્રકારત્વ એના ઘણા દોષોમાંથી મુક્ત થઈ શકે તેમ છે એમ બતાવ્યું અને તે દ્વારા બંનેના સમન્વયના શક્યતારૂપ સંબંધની જિકર કરી. સાહિત્યનો સંપર્ક અખબારની ભાષાને સંમાર્જિત કરવામાં ઉપયોગી થાય છે. પત્રકારત્વે સાહિત્ય પાસે નવા નવા શબ્દો અને નોખી નોખી અભિવ્યક્તિની તરાહો મેળવીને ભાષા તથા અભિવ્યક્તિની તાજગી જાળવવી જોઈએ. પત્રકાર વર્તમાનને આલેખે છે. સાહિત્ય પાસેથી એ પોતાના સમયના મનુષ્યોની ગડમથલ અને મથામણ જાણી શકે છે અને તેથી પત્રકારને માટે સર્જાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂરી બને છે. પત્રકારનો ધર્મ વાચક સુધી પોતાની માહિતી કે ભાવનાઓ પહોંચાડવાનો છે અને તે પ્રત્યાયનનો ધર્મ બજાવવામાં એને સાહિત્ય સહાયભૂત થઈ શકે. આને લક્ષમાં રાખીને જ આજના પત્રકારત્વે માત્ર સમાચાર આપીને બેસી રહેવાને બદલે પોતાની વસ્તુસામગ્રીમાં વધુ સાહિત્યિક ફોરમ અને જુદી જુદી અભિવ્યક્તિ છટા લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે, 'આજની વાત' જેવા સંવાદના કૉલમમાં નાટકના સાહિત્યસ્વરૂપમાં પ્રયોજાતા સંવાદને અખબારે પોતાના ઉપયોગમાં લીધો છે. કટાક્ષલેખો, કટાક્ષિકાઓ, ટૂંકી વાર્તા, નિબંધો, લઘુકથા જેવાં સાહિત્યસ્વરૂપોને પત્રકારત્વે પોતાની જરૂરિયાત મુજબ કામે લગાડ્યાં છે. ક્યારેક પત્રકારત્વ એ સાહિત્યસ્વરૂપને ચુસ્ત રીતે વળગી રહેવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે કેટલાક મૌલિક ઉમેરો પણ કરે છે. જેમ કે, સાહિત્યમાંથી નવલિકાનો કલાપ્રચાર એણે લીધો અને એ સ્વરૂપનો ઉપયોગ એણે સત્યકથા, સમાજકથા કે માનવરસકથા (Human Interest Story) આપવા આગ્રહ કર્યો. એવી જ રીતે મધ્યકાલીન સમયના આખ્યાન કે છપ્પાના પદ્યસ્વરૂપનો જુદા જ હેતુ માટે વર્તમાનપત્રે ઉપયોગ કર્યો. સ્વ. રમણલાલ ભટ્ટ 'નારદ' જેવાએ આખ્યાનના સ્વરૂપનો ઢાળ એનો એ જ રાખ્યો, પરંતુ આખ્યાનના ઢાળમાં વર્તમાન રાજકારણની ચર્ચા આલેખી. આમ પત્રકારત્વે એનું પદ્યસ્વરૂપ તો બદલ્યું જ પણ એથીયે વિશેષ એમાં વર્તમાનપત્ર રેડ્યું છે. આથી જ શ્રી વેણીભાઈ પુરોહિત એમ કહેવા પ્રેરાયા હશે કે, “સાહિત્યકાર પત્રકાર ન હોય તો ચાલે, પણ પત્રકારમાં તો ઓછેવત્તે અંશે સાહિત્યિક ગુણો જરૂર હોવા જોઈએ, પત્રકાર જે સર્જે એમાં માહિતી ઉપરાંત સર્જકતાનો સ્પર્શ પણ હોવો જોઈએ. એ વિના પત્રકારત્વ રંગીન તથા રોચક બની શકે નહિ.” ૧૧[11]૧૨[12] પત્રકારત્વની સમૃદ્ધિમાં સાહિત્યકાર એક જુદી રીતે પણ ઉમેરો કરતો હોય છે. કોઈ પણ શકવર્તી ઘટના બને ત્યારે તે અંગે સાહિત્યકાર પ્રસંગની ચોટને તત્કાળ વ્યક્ત કરવા માટે અખબારનો આશરો લે છે. જેમ કે, ઈ. સ. ૧૯૬૯માં ગાંધીશતાબ્દીના વર્ષમાં જ કોમી રમખાણ થયાં ત્યારે શ્રી કરસનદાસ માણેકે “શતાબ્દીનો જલસો જુઓ ઝળહળે છે” એવું કાવ્ય આપ્યું હતું. આવી જ રીતે ઝવેરચંદ મેઘાણીના અવસાન સમયે ઈ. સ. ૧૯૪૮માં ‘ફૂલછાબ'માં શ્રી હરીન્દ્ર દવેએ કાવ્ય લખ્યું હતું. પત્રકારત્વ સાહિત્યને ઉપકારક થઈ શકે તેવું બીજું કામ પણ કરે છે. ક્યારેક એ સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડે છે. વર્તમાનપત્રોનું અનુભવવિશ્વ અસીમ છે. આ વર્તમાનપત્રે સામાજિક બનાવો, રાજકીય પરિસ્થિતિ, ન્યૂઝ સ્ટૉરી કે દેશવિદેશમાં બનતા બનાવોને પોતાના વ્યાપમાં લીધાં છે. પરિણામે એનાથી સાહિત્ય પણ અળગું રહ્યું નથી. કેટલીક નવલકથાઓનાં કથાવસ્તુ, પાત્રો, સમાજચિત્રો અને એનું વાતાવરણ - આમાંની કેટલીક સામગ્રી વર્તમાનપત્રમાંથી પરોક્ષ રીતે મળી હોય તેમ લાગે છે. પત્રકારત્વે ઘણા સમર્થ સાહિત્યકારો આપ્યા છે. ઘણી વાર આજનું અખબારી લખાણ આવતી કાલનું સાહિત્ય બનતું હોય છે, જેમ કે, સુભાષબાબુ અટકાયતમાંથી નાસી છૂટ્યા અને એમણે જાપાન-જર્મનીનો સંપર્ક સાધ્યો ત્યારે અંગ્રેજ સરકારે એમના પર જાપાન-જર્મનીના ભાડૂતી પ્રચારક તરીકે આક્ષેપો કર્યા. આ સમયે સ્વ. અમૃતલાલ શેઠે સાચી માહિતી મેળવીને તે વૃત્તાંત રૂપે પ્રગટ કરી પરંતુ તેમાં સાહિત્યિકતાના અંશો હતા અને તેથી જ આ માહિતી પરથી વિસ્તૃત રૂપે એમણે લખેલું ‘જયહિંદ' પુસ્તક સાહિત્યમાં સ્થાન પામ્યું. રામનારાયણ પાઠકના 'સ્વૈરવિહાર'ના લેખ કે ગગનવિહારી મહેતાની 'અવળવાણી'ના લેખ પત્રકારત્વની નીપજ છે, તે આજે આપણા નિબંધસાહિત્યની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. ગાંધીજી, કાકા કાલેલકર કે કિશોરલાલના લેખો પહેલાં વર્તમાનપત્રના પૃષ્ઠ પર પ્રગટ થયા અને પુસ્તકાકારે પ્રગટ થતાં તે સાહિત્યમાં સ્થાન પામ્યા. આ જ રીતે વર્તમાન સમયમાં ઘણી નવલકથાઓ અને અન્ય સાહિત્યિક સામગ્રી પ્રથમ અખબારનાં પાનાં પર આલેખાય છે. શ્રી મહાદેવભાઈ દેસાઈ નોંધે છે, “આગ્રા જેલમાં બેસીને ૧૯૨૨માં ગાંધીજીની ઉપર અમદાવાદમાં ચાલેલા મુકદ્દમાનું જે વર્ણન મેં ‘માન્ચેસ્ટર ગાર્ડિયન'માં વાંચેલું તેનું હજી સ્મરણ રહ્યું છે, તે ફરી વાંચતાં હું થાકું નહિ. એને હું સાહિત્ય જ કહું.” ૧૩[13] ચાર્લ્સ ડિકન્સની વિખ્યાત નવલકથા 'A Tale of Two Cities' પહેલાં 'All the Year Round' નામના સામયિકમાં પ્રગટ થઈ જેને વખત જતાં સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવી. ‘ટાઈમ' સામયિકમાં પ્રગટ થયેલું જૉન હર્સીનું હિરોશીમા અંગેનું રિપૉર્ટિંગ એના અંક પૂરતું મર્યાદિત ન રહેતાં સર્વકાલીન મહત્ત્વની સાહિત્યકૃતિ બની ગયું. સાહિત્ય માટેનું પુલિત્ઝર પારિતોષિક મેળવનાર અમેરિકન નવલકથાકાર નોર્મન મેઇલરે દેહાંતદંડ પામેલા માણસની અને તેના કુટુંબીજનોની રૂબરૂ મુલાકાત લઈને એક હજાર પાનાંની નવલકથા લખી. આને નવલકથા કહેવાય કે દસ્તાવેજી કથાસાહિત્ય કહેવાય એ વિશે વિવાદ થયા પણ અંતે તેને સાહિત્યકૃતિ તરીકે સ્વીકારવામાં આવી. રૉબર્ટ લિન્ડ 'ન્યૂ સ્ટેટ્સમેન' અને 'નેશન' જેવા અખબારમાં ‘Y.Y.'ને નામે લખતા હતા, જે નિબંધો મહત્ત્વની સાહિત્યકૃતિ ગણાયા. ૧૮મા સૈકાના નાટ્યકારોની કૃતિની બાબતમાં પણ આમ જ બન્યું છે. વળી પત્રકારત્વ પાસેથી લેખકોને એક પ્રકારની લેખનશિસ્ત મળે છે. એમાંથી સાંપડેલા આત્મવિશ્વાસને પરિણામે કેટલાક લેખકોએ નોંધપાત્ર સાહિત્યસર્જન કર્યું છે. છેલ્લા બે સૈકામાં ઇંગ્લૅન્ડમાં ઘણા કુશળ પત્રકારોએ ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કર્યું છે. આમાં ડેનિયલ ડીફો, જોસેફ એડિસન, રિચાર્ડ સ્ટીલ, જોનાથન સ્વિફ્ટ, ચાર્લ્સ ડિકન્સ, રુડ્યાર્ડ કિપ્લિંગ, આર્નોલ્ડ બેનેટ, જૉન ગાલ્સવર્ધી, જી. કે. ચેસ્ટરટન, એચ. જી. વેલ્સ, જ્યૉર્જ બર્નાર્ડ શૉ, આર્થર કિ્વલર કૂચ, આનાતોલ ફ્રાંસ, સર હ્યુ વોલ પોલ, જે. બી. પ્રિસ્ટલે, રેબેકા વેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકામાં પણ ઍલેક્ઝાન્ડર હેમિલ્ટન, વિલિયમ બ્રાન્ટ, હેરિયટ સ્ટોવ, માર્ક ટ્વેઇન, અર્નેસ્ટ હેમિંગ્વે અને જૉન સ્ટાઈનબૅક જેવા સમર્થ સાહિત્યસર્જકોએ પોતાના લેખનનો પ્રારંભ અખબારી લખાણથી કર્યો હતો. આમ જોતાં મર્યાદિત સંદર્ભમાં બર્નાર્ડ શૉએ કહેલું All literature is journalism એ વિધાન સાચું લાગે છે. જોકે બર્નાર્ડ શૉનો હેતુ તો સાહિત્ય અને પત્રકારત્વ પ્રચારનો જે સમાન ધર્મ બજાવે છે તે જ દર્શાવવાનો હતો. તેથી બર્નાર્ડ શૉએ બતાવેલા આ સાધર્મ્યમાંથી એથી વિશેષ અર્થ તારવી શકાય નહિ. આ રીતે પત્રકારત્વે સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે પણ એની સાથોસાથ પત્રકારત્વની તાલીમ પણ સાહિત્યકારને માટે વ્યાયામશાળા કે તાલીમશાળા થઈ શકે. એનાથી સાહિત્યકારની દૃષ્ટિનો વ્યાપ વધે. 'સર્જકની આંતરકથા'માં કવિ-નવલકથાકાર શ્રી હરીન્દ્ર દવેએ પત્રકારત્વ પાસેથી એમનું શું મળ્યું તેની કેફિયત આપતાં કહ્યું છે, “પત્રકારત્વે મને ગદ્ય લખતાં શીખવ્યું... ભારતીય વિદ્યાભવનના ગુજરાતી મુખપત્ર 'સમર્પણ'ના તંત્રી તરીકે મુનશીજીના 'કૃષ્ણાવતાર'નો અનુવાદ કરવાની તક મળી... આથી નવલકથાના લેખનની દીક્ષા મળી. મારી પ્રથમ નવલકથા મુનશીજી પાસે થોડા મહિનાઓ ગાળ્યા પછી જ મારાથી લખાઈ. પત્રકારત્વે મને વ્યાપ આપ્યો છે, ગદ્યલેખનનો વ્યાયામ આપ્યો છે, જે કંઈ લખું છું તે પૂર્ણ નથી. તેનું માપ આપ્યું છે, છકી જતાં અટકાવ્યો છે.” ૧૩ આ રીતે પત્રકારત્વ સર્જન-પરોઢ સમયે ઉપયોગી સિદ્ધ થઈ શકે. આથી તો વિખ્યાત અમેરિકન નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે એમ માનતા હતા કે કોઈ પણ નવલકથાકારે ઓછામાં ઓછા છ મહિના તો પત્રકારત્વની તાલીમ લેવી જોઈએ. આ વિષયમાં સાહિત્યકાર અને પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માનો અભિગમ જુદો છે. તેઓ એક વ્યક્તિમાં આ બંને પ્રવૃત્તિ ઉપકારક થતી હોય તેમ માનતા નથી. આથી એમણે ઈ. સ. ૧૯૮૭ની ૧૯મી સપ્ટેમ્બરે રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વેળાએ એમ કહ્યું કે એમણે “અખબારી લેખન અને સાહિત્યસર્જનને અલગ અલગ ટાપુઓ પર ઉછેરવાની કાળજી” સતત રાખી છે. દૈનિક પત્રકારત્વ અને સાહિત્ય એ બંને એમને માટે તદ્દન ભિન્ન પ્રવૃત્તિ છે. એથીયે વિશેષ એની ભિન્નતા જાળવવા એમણે સભાન પ્રયત્ન કર્યો છે. પત્રકારત્વ સાહિત્યસર્જનને માટે કેવી રીતે અવરોધક બની રહે તે અંગે પોતાની કેફિયત આપતાં એમણે કહ્યું કે, “મારે માટે અંગત રીતે - વખારી અખબારી લેખનની પડછે મારા સાહિત્યના શબ્દને કલમમાં ઉતારવાનું, તેમાં યત્કિંચિત્ સત્ત્વનું સિંચન કરવાનું, તેને સંમાર્જિત કરવાનું, તેને કલાકીય ઘાટ આપવાનું, તેને ટકાવવાનું, ઘાસના અનંત બીડ કે થૉરના અરણ્ય વચ્ચે મોગરાના થોડાક છોડ કે જૂઈની નમણી વેલને ઉછેરવા જેવું વિકટ” કાર્ય છે. શ્રી ભગવતીકુમાર શર્માએ પત્રકારચર્યામાં મુખ્યત્વે શાસનતંત્રોની અને સત્તાપરસ્ત રાજદ્વારી આલોચના કરવાનું, પ્રજાકીય હતાશાને વાચા આપવાનું તેમજ લોકશાહી, સ્વતંત્રતા, ન્યાય, અર્થ-સામાજિક સમાનતા વગેરે મૂલ્યોનો પુરસ્કાર કરવાનું વલણ રાખ્યું. જ્યારે બીજી બાજુ સાહિત્યસર્જનમાં વૈયક્તિક સંવેદનના ચૈતસિક ભાવ-પ્રતિભાવોના આલેખન પ્રત્યેનો એમનો પક્ષપાત વધતો રહ્યો. આમ ભગવતીકુમાર શર્માએ સાહિત્યમાંથી પત્રકારત્વમાં અને પત્રકારત્વમાંથી સાહિત્યમાં બંનેને અલગ અલગ રાખીને જે ગતિ કરી તે વિરલ કહેવાય. તેઓ પોતાનો લેખનરિયાઝ અવિરતપણે ચાલુ રહ્યો એટલે અંશે જ પત્રકારત્વની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. પ્રારંભની એકાદ-બે નવલકથાઓ બાદ કરતાં વહેતા જતા જીવનના કે રાજકીય ઘટનાઓના તાણાવાણાને અખબારી પ્રવાહી કલમે ગૂંથવાના પ્રલોભનથી તેઓ મુક્ત રહ્યા. પત્રકારત્વમાં થતા શબ્દવ્યય અને સાહિત્યકારની શબ્દખેવના વિશે ભગવતીકુમાર શર્મા કહે છે : “પત્રકારચર્યા દરમિયાન મેં શબ્દનો વ્યય થતો એટલી નિકટતાથી અને ઘનિષ્ઠતાથી જોયો અને કર્યો પણ ખરો કે એવો વ્યય સાહિત્યના શબ્દ પરત્વે ન થાય તે જોવાની મારી સતત ખેવના રહી. પરિણામે મારી સાહિત્યકૃતિઓની સંખ્યા ઘટતી ગઈ છે, પણ મને તેની ચિંતા કે વસવસો નથી. મને અવિરત ખેવના ગુણવત્તાની રહી છે. સાહિત્યનો શબ્દ માંડતી અને પાડતી વખતે સર્જકે તેની આંતરચેતનાને સાત ગળણે ગાળતા રહેવું જોઈએ એવો અભિગ્રહ કહો તો અભિગ્રહ અને આગ્રહ કહો તો આગ્રહ મારા સર્જકચિત્તમાં ઘડાતો, બંધાતો, પુષ્ટ થતો ગયો છે.” આ સંદર્ભમાં એક બીજા છેડાથી જોવાનો પ્રયાસ ગુજરાતના પીઢ પત્રકાર અને વિચારક વાસુદેવ મહેતાએ કર્યો છે. એમણે આ વ્યાખ્યાનના પ્રતિભાવ રૂપે પોતાના 'અલ્પવિરામ' કૉલમમાં જણાવ્યું કે સાહિત્યકારને પત્રકારત્વ અપનાવવાથી એના સર્જનને હાનિ થાય છે એવી જ રીતે એને કારણે પત્રકારત્વને પણ હાનિ થતી હોય છે. પત્રકારત્વનાં દિશા, ધર્મ અને ધ્યેય તદ્દન જુદાં છે. એણે તો અન્યાય, અસત્, દંભ વગેરે સામે માથું મૂકીને જુસ્સાભેર લડત આપવાની હોય છે. સમાજને સ્વસ્થ રાખતા 'સર્જન' જેવો પત્રકાર છે. પણ સાહિત્યકાર પત્રકારનો આ ધર્મ અદા કરી શકે છે ખરો ? વાસુદેવ મહેતા આ અંગે એક મૌલિક વિચાર આપતાં નોંધે છે : “સાહિત્યકાર પત્રકારને વર્ગ તરીકે લઈએ તો એમના થકી પત્રકારત્વ પણ ઘણું ગુમાવે છે. જેહાદી વૃત્તિના અભાવે, પડકારને ઝીલી લેવાના થનગનાટને અભાવે સાહિત્યસર્જકો સાચા પત્રકાર બની શકતા નથી. તેઓ છાપાની ભાષાને અને અભિવ્યક્તિની રીતને સુધારે છે; છાપામાં સાહિત્યિક કૃતિઓ મૂકીને શણગારે છે, વાચનમાં વિકલ્પ આપે છે પરંતુ તેઓ, અમુક હદથી આગળ જઈને, પત્રકારત્વને ખોટા રવાડે ચઢાવે છે; એનો અસલી ધર્મ ચુકાવે છે. લડવું, વેઠવું, ખુવાર થવું વગેરે વૃત્તિઓ એના લોહીમાં હોતી નથી તેથી એવા પ્રસંગોને તંત્રી કે પત્રકાર તરીકે ધીમા પાડી દે છે અથવા ટાળે છે. તેથી ભાષા, અભિવ્યક્તિના સરસ પ્રયોગો વગેરેથી જે લાભ પત્રકારત્વને થાય છે એનાથી અનેકગણો ગેરલાભ પત્રકારત્વના ધર્મના સ્ખલનથી સમાજને થાય છે.” (‘સંદેશ' તા. ૩૦-૯-૮૭) સાહિત્યકાર અને પત્રકાર તરીકેનું ઝવેરચંદ મેઘાણી અને જયંતિ દલાલે જે સાહિત્યસર્જન કર્યું તે વાસુદેવ મહેતાને વધુ 'ખણખણતું' લાગે છે. આનું કારણ એ છે કે આમાં સર્જક તટસ્થ રહેવાને બદલે ચોખ્ખો પક્ષપાતી બને છે. વળી એક ભયસ્થાન તરફ અંગુલિનિર્દેશ કરતાં તેઓ કહે છે : “સાહિત્યસર્જકો દૈનિક છાપાના પત્રકારત્વને ગંદું ગણીને દૂર રહ્યા છે. તેઓ સર્જનશક્તિને સાચવી શક્યા છે, પરંતુ સમાજથી – જીવનના મહાનદથી - અલગ થઈને અટૂલા પડી ગયા છે... સાહિત્યકારોએ વર્તમાન જીવનના પ્રશ્નોમાં, પ્રવાહોમાં સક્રિય બનવાનું બંધ કર્યાથી સમાજને એમનામાં શો રસ હોય ! પત્રકારત્વ જેનો અતિરેક કરીને બગાડી મૂકે છે તેનો સાહિત્યકારો સદંતર નિષેધ કરીને ટાપુ સમાન બની બેસે છે.” સાઘન એક, સાધ્ય જુદાં : પત્રકાર અને સાહિત્યકાર બંનેની અભિવ્યક્તિનું માધ્યમ શબ્દ હોવાથી બંને ભાષા પરત્વે સભાનતા ધરાવે છે, બંનેની અભિવ્યક્તિના હેતુ જુદા હોવા છતાં બંનેની મથામણ સરખી હોય છે. પત્રકારને માટે ભાષા એ સાધન છે જ્યારે સાહિત્યકારને માટે ભાષા એ સાધન અને સાધ્ય બંને બનતી હોય છે. એક રીતે જોઈએ તો સાહિત્યકાર અને પત્રકાર બંને સતત શબ્દની શોધ કરતા હોય છે, જ્યારે પત્રકાર એની સામે રોજેરોજ ઊભી થતી નવી નવી પરિસ્થિતિઓ વાચક સુધી પહોંચાડવા માટે સતત એક પડકારનો અનુભવ કરતો હોય છે. સાહિત્યકાર સાહિત્યમાં જુદી જુદી રીતે ઘટનાનું નિરૂપણ કરે છે તે જ રીતે પત્રકારને પણ જુદી જુદી પરિસ્થિતિ આલેખવા માટે તૈયાર રહેવું પડે છે. શ્રી કનૈયાલાલ મુનશીરચિત 'પૌરાણિક નાટકો'માં 'તર્પણ' નાટકમાં ઔર્વના આદેશથી સગર સુકન્યાની હત્યા કરે છે. પરંતુ પત્રકારને તો વખતોવખત જુદા જુદા પ્રકારની હત્યાના હેવાલો લખવાના હોય છે. એને મહાત્મા ગાંધીજી, શેખ મુજીબુર રહેમાન, ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીની હત્યાના બનાવો વિશે લખતી વખતે જુદી જુદી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. કેટલાક બનાવો પત્રકારની શબ્દની શોધની અગ્નિપરીક્ષા કરતા હોય છે. માનવી આકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઊતર્યો એ ઘટના કે રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દસામર્થ્ય કસોટીએ ચડે છે. સાહિત્યકાર પાસે કલ્પનાશક્તિ અને સર્ગશક્તિ હોવાથી એ શબ્દનો ઘડવૈયો બને છે. શબ્દના જુદા જુદા અર્થસંદર્ભો ઊભા કરે છે. શબ્દનો ધ્વનિ, લય કે એનું લાવણ્ય પ્રગટાવી શકે છે. પત્રકાર એની શૈલીને આવું કલામય રૂપ આપી શકતો નથી. લક્ષણા, વ્યંજના, પ્રતીક, પુરાકલ્પન કે પ્રતિરૂપનો પત્રકાર ક્વચિત જ ઉપયોગ કરી શકે છે. આથી પત્રકારે એની નજર લોકસમૂહ સાથે પ્રત્યાયન સાધવા પર રાખવાની હોય છે. પ્રજા પર તત્કાળ અસર કરવા પત્રકારને જોશીલી અને બળકટ ભાષાની વધારે જરૂર પડે છે. શ્રી વિજયરાય વૈદ્યે 'જૂઈ અને કેતકી'માં પોતાની લાક્ષણિક છટાદાર શૈલીથી પત્રકારની ભાષા વિશે કહ્યું છે : “લખાણ તો તેનો પ્રાણ છે. એ કામ તેને મન આહાર, નિદ્રા ને ભય જેવું જ સ્વભાવસિદ્ધ બની રહે છે. શબ્દબ્રહ્મની જ ઉપાસનાથી મોક્ષ થતો હોય તો સૌથી પહેલો ને સંપૂર્ણ મોક્ષ પત્રકારનો થવો જોઈએ, કેમ કે તેને તો ઇચ્છે તોયે દેવનું ૨ટણ અશક્ય છે. શબ્દોના સ્વામી થવાની હોંશમાં તે શરૂઆત કરી છે ને તેનો દાસાનુદાસ થઈને સમાપ્તિ કરે છે. શબ્દશક્તિની વેદી પરનો તે સૌથી કરુણાજનક વધ્ય પશુ છે. એ લખાણોની ભાષા લોકભાષા જ હોવી જોઈએ. લોકસમુદાય પર પ્રભાવ પાડવો ને લોકહૈયાં કબજે કરવાં; લોકમત ઘડવો ને લોકલાગણીના પડઘા પાડવા; આમ લોકજીવન સાથે સમગ્રપણે એકતાર થવાના એ અભિલાષીને, લોકદેવના એ અથાક પૂજારીને, અનન્ય પૂજારીને, બીજી ભાષા ખપે જ કેમ ? એટલે તેનું નિશાન હંમેશાં વાંચનારને વશવર્તી કરવાને જ તકાય છે અને એ હેતુ તે આડંબરી વાક્યવૈભવનાં કે ચમકદાર પદલાલિત્યનાં, સરલ સચોટ વસ્તુકથનનાં અથવા કાચા કે સંસ્કારયુક્ત કટાક્ષનાં -એમ જ્યારે જે શરની જરૂર પડે ત્યારે તે વછોડી પાર પાડે છે.'૧૪[14] વર્તમાનપત્રોની ભાષા વિશે એક બાબત ખટકે છે કે ઘણાં ગુજરાતી વર્તમાનપત્રો ભાષા અંગે પૂરતી ચીવટ રાખતાં નથી. ભાષાની ચીવટની આ તાલીમ એમને સાહિત્યમાંથી મળી શકે ખરી. આ અંગે શ્રી મહેન્દ્ર ન. પંડયાએ યોગ્ય જ ટકોર કરી હતી, “આપણી ભાષાનાં વર્તમાનપત્રો વિશે બોલતાં એમ પણ કહેવાનું મન થાય છે કે તેઓ ભાષાશુદ્ધિ પર ધ્યાન આપે; દીર્ઘ હૃસ્વ પર દૃષ્ટિ ફેરવે, પરભાષાના શબ્દોના ઉચ્ચારો બરાબર ગ્રહણ કરે અને ક્રમશઃ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં, ભાવ અને અર્થ સમજાય એવાં જ ભાષાંતર કરે... જેમ ઉદ્યાનમાં વધુ પુષ્પો અને વનમાં વધુ વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે, તેમ જ ભાષામાં વિવિધ શબ્દો અને શબ્દપ્રયોગોથી સૌંદર્ય વધે છે. વર્તમાનપત્રો ભાષાને વિકસાવવામાં સારો ફાળો આપી શકે છે.”૧૫[15] પત્રકારત્વ અને સાહિત્ય બંને પરસ્પર સહાયરૂપ કે પૂરક બની શકે તેમ છે. દૈનિક પત્રકારત્વમાં પણ સાહિત્યનો સંસ્પર્શ પ્રગટાવી શકાય. સાહિત્યનું સેવન પત્રકારને સંવેદનશીલ અને વિચારવંત રાખી શકે છે તથા એનાં લખાણોને અભિવ્યક્તિ અને ભાષાશૈલી પરત્વે વધુ સમૃદ્ધ બનાવે છે. પત્રકારત્વ સાહિત્યકારને શિસ્ત, સંક્ષિપ્તતા, સોંસરવાપણું અને વિષય-વ્યાપ આપી શકે છે. આમ સાહિત્ય અને પત્રકારત્વ- બંને પરસ્પર ક્યાંક પૂરક બનાવની સાથોસાથ ક્યાંક પરસ્પર અસર કરનારાં પ્રભાવક પરિબળ બન્યાં છે.

સંદર્ભસૂચિ




સમૂહ-માધ્યમો અને સાહિત્ય, પૃ.૭૦-૮૯, ત્રી. આ. ૨૦૧


  1. ૧. ‘સાહિત્યવિર્મશ', લે. રા. વિ. પાઠક, પૃ. ૧૨૮
  2. ૨. 'લોકતંત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય', લે. ધૂમકેતુ, 'ઊર્મિ’, વર્ષ ૧૦, અંક ૧૧, ફેબ્રુઆરી ૧૯૪૧, પૃ. ૭૧૭-૭૧૮
  3. ૩. 'સાહિત્ય અને પત્રકારત્વ', સંપા. કુમારપાળ દેસાઈ, પૃ. ૫
  4. ૪. ‘સંદર્ભ', સંપા. ચિમનલાલ ત્રિવેદી અને જયંત કોઠારી, પૃ. ૧૯-૨૦
  5. ૫. ‘વૃત્તવિવેચન', લે. રમેશનાથ ગૌત્તમ, પૃ. ૩૮૪
  6. ૬. ‘પત્રકારત્વ', લે. યશવંત શુક્લ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૪મા સંમેલનનો હેવાલ, પૃ. ૮૬
  7. ૭. ‘સાહિત્ય અને પત્રકારત્વ', સંપા. કુમારપાળ દેસાઈ, પૃ. ૧૧૩
  8. ૮. ‘વેરાનમાં', લે. ઝવેરચંદ મેઘાણી, પૃ. ૧૪-૧૫
  9. ૯. ‘નિકષરેખા', લે. વિશ્વનાથ મ. ભટ્ટ, પૃ. ૧૬૯
  10. ૧૦. 'સહૃદય દાર્શનિક સમા પત્રકાર', લે: ચુનીલાલ મડિયા, 'ઊર્મિ-નવરચના' અંક ૧, સ્વ. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિઅંક, એપ્રિલ ૧૯૪૭, પૃ. ૭૦
  11. ૧૧. ‘કવિશ્રી વેણીભાઈ પુરોહિત', લે. અભિલાષકુમાર, 'નવચેતન' જાન્યુઆરી, ૧૯૭૦, પૃ. ૩૧૭
  12. ૧૨. ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો', લે. મહાદેવભાઈ દેસાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૨મું સંમેલન, પૃ. ૪
  13. ૧૩. ‘સર્જકની આંતરકથા', સંપા. ઉમાશંકર જોશી, પૃ. ૨૦૧
  14. ૧૪. ‘જૂઈ અને કેતકી', લે. વિજયરાય વૈદ્ય, પૃ. ૧૨૧
  15. ૧૫. ‘પત્રકારત્વ : તેના આદર્શો અને કર્તવ્યો', લે. મહેન્દ્ર ન. પંડ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૮મું સંમેલન