સિગ્નેચર પોયમ્સ/સાંભળ રે તું સજની – દયારામ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 16:41, 17 April 2024
દયારામ
‘સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવી જી?
પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભીંજાણી?
સાચું બોલો જી!’
‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી;
પરસેવો મને ત્યાં વળ્યો મારી ભમ્મર ત્યાં ભીંજાણી,
સાંભળ સજની જી!’
‘કાલ મેં તારી વેણ ગૂંથી’તી છૂટી ક્યાં વિખરાણી જી?
એવડી ઉતાવળ શી પડી છે કે ઝૂલડી નવ બંધાણી?
સાચું બોલો જી!’
‘કાળો તે ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી,
જ્યમત્યમ કરીને બાંધતાં વચમાંથી નાડી તૂટી,
સાંભળ સજની જી!’
‘આ ચોળી અતલસની પહેરી, સહિયરે વખાણી જી;
ચોળીની કસ ક્યાં તૂટી? તું આવડી ક્યાં ચોળાણી?
સાચું બોલો જી!’
‘હૈયું મારું દુખવા આવ્યું, વાએ કરીને કાપ્યું જી,
પીડા ટાળવા કારણે મેં કળે કરીને દાબ્યું.
સાંભળ સજની જી!’
‘આવડાં પુષ્પ ક્યાંથી વાટે તુજને કોણે આપ્યાં જી?
એવો રંગરસિયો કોણ મળિયો? પ્રેમે કરીને થાપ્યાં.
સાચું બોલો જી!’
‘સૂરજકળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી,
સમ ખાઈને મુને તેણે આપ્યાંં, તેની પ્રતિજ્ઞા પાળી.
સાંભળ સજની જી!’
‘અવળો ચણિયો કેમ પહેર્યો છે? જેમતેમ વીંટી સાડી જી,
સજક થઈને સુંદરી! હાવાં વસ્ત્ર પહેરોની વાળી.
સાચું બોલો જી!’
‘સાથ ના સહિયરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી,
અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પહેરીશું વાળી.
સાંભળ સજની જી!’
‘નીકળી હતી તું સૌથી પહેલી સાથ અમારો મેલી જી,
પછવાડેથી ક્યાંથી વહેલી જઈને તું બેઠી?
સાચું બોલો જી!’
‘નીકળી હતી હું સૌથી પહેલી સાથ સહિયરનો મેલી જી,
વાટે હું ભૂલી પડી ગઈ, ત્યહાં જઈ બેઠી વ્હેલી.
સાંભળ સજની જી!’
‘કસ્તૂરી અંગે બ્હેકે છે, આ વનમાં કોણ આવે જી?
સર્વ શરીરે તારે વ્યાપી રહી છે તે ક્યમ જાયે ઢાંકી?
સાચું બોલો જી!’
‘મૃગશલ્યાએ મૃગલો બેઠો તેને મેં જઈ ઝાલ્યો જી,
તેની વાસના મારા અંતરમાં પેઠી, તે નથી રહેતી ઢાંકી.
સાંભળ સજની જી!’
‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી,
તારુણી! તારા તનડામાં પેસી કામબાણ ક્યાં વાગ્યાં?
સાચું બોલો જી!’
‘મધુરા વાયક પોપટ બોલ્યો, તેને મેં જઈ ઝાલ્યો જી,
ચંચલ ચાંચ ભરીને નાઠો, તત્ક્ષણ ત્યાંથી છૂટ્યો.
સાંભળ સજની જી!’
‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે તે અંગે તું પસરાઈ જી,
જે જે પૂછું તેના ઉત્તર આપે એ બધી તુજ ચતુરાઈ!
સાચું બોલો જી!’
‘જે વાટે હરિ મળિયા હોય તે વાટે નવ જાઉં જી,
આ વાટે હરિ મળિયા હોય તો કહો તેવા સમ ખાઉં.
સાંભળ સજની જી!’
‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપ જી,
દાસ દયાના સ્વામીને ભજતાં ભવની ભાવટ જાય.
સાંભળ સજની જી.’