સિગ્નેચર પોયમ્સ/બોલ વાલમના – મણિલાલ દેસાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
બોલ વાલમના
(+1) |
(No difference)
|
Revision as of 03:00, 20 April 2024
મણિલાલ દેસાઈ
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના,
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ,
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.