સિગ્નેચર પોયમ્સ/એક કાવ્ય – રઘુવીર ચૌધરી
Jump to navigation
Jump to search
રઘુવીર ચૌધરી
સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.
જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી દ્યૂતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.
પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.