અનુનય/પાછો વળું…: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:48, 26 April 2024

પાછો વળું...

આટલે દૂરથી સંભળાય છે તે તો
મધરાતના જંગલની
અંધારી ત્રાડનો અવાજ–

આટલે દૂરથી દેખાય છે તે તો
આદિવાસી કન્યાના
જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી
વાંકીચૂકી વગડાની કેડીઓ–

આટલે દૂરથી અડકી જાય છે તે તો
મારી નાનકડી નદીની
પવનસુંવાળી ઓઢણી–

આટલે દૂરથી સોડાય છે તે તો
મારા સીમખેતરના
લીલા લીલા મગફળીના છોડ–

આટલે દૂરથી ચખાય છે તે તો
મારી ગામની વાડીનાં
ખાટાંમીઠાં ગજવે ભરેલાં બોર–

તો પછી
પાંચેપાંચ ઇન્દ્રિયોને પાછળ મૂકીને
નીકળેલો હું
હજીય…આટલેથી…પાછો વળું તો...
૨૪-૧-’૭૫