અનુનય/દીકરીના લગ્ન પછી ઘરમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો :
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠવે છે :
થાળી, વાડકા, ગ્લાસ, ડીશ –
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી –
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં?’

૨૫-૧-’૭૬