છોળ/છળ: Difference between revisions
Jump to navigation
Jump to search
છળ
(+1) |
(No difference)
|
Revision as of 00:26, 29 April 2024
કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ!
હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા
ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ!
કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…
‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના
જળમાં જ્યાં ઢળી રહી ઝાંય,
કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને
અંગઅંગ ચોળીને ના’ય
જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો
ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’
કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…
હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં
ચૂંદલડી ઝાંયમાં ઝબોળી,
ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે
રોમરોમ પ્રગટી છે હોળી!
ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી
કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ!
કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…
૧૯૫૯