છોળ/આરત
Jump to navigation
Jump to search
આંબલિયે લચી પડી સાખ
તોયે તે આણીકોર ફરુકી ના હય હજી
પરદેશી સૂડા તારી પાંખ!
દીઠો કે લાગ ફોલી ખાવાને ક્યારનાં
ટાંપી બેઠેલ કંઈ કાગ,
પળનોયે કેમ રહે જીવને ત્યાં જંપ
મારે દા’ડી ને રેણના છે જાગ,
રાખી અબોટી હજી ઓર કોઈ ચૂંથે
ઈ પ્હેલાં તું આવીને ચાખ!
આંબલિયે લચી પડી સાખ…
રોકી રાખે રે તારા મોકળા ઉડાણ
એવી પ્રીત્યુંનાં નહીં વીંટું દોર
જહીં જહીં જાય તહીં રહું તારી જોડ
ઈથી ઓરતો ના ઉરને કો’ ઓર
અમરાઈ આવડી જો ઓછી પડે તો તારા
હર્યાંભર્યાં વંન મુંને દાખ!
આંબલિયે લચી પડી સાખ…
૧૯૫૯