મુકામ/વાર્તાકારનો ‘જાળિયું’થી જુદો ‘મુકામ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center> <big><big>'''વાર્તાકારનો ‘જાળિયું’થી જુદો ‘મુકામ’'''</big></big> <big>'''ભરત મહેતા'''</big></center> {{Poem2Open}} હર્ષદ ત્રિવેદીનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ તો એક કવિ તરીકે થયો. એમને નજીકથી જાણનારાને જ ખબર પડ...")
(No difference)

Revision as of 00:47, 3 May 2024


વાર્તાકારનો ‘જાળિયું’થી જુદો ‘મુકામ’

ભરત મહેતા

હર્ષદ ત્રિવેદીનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ તો એક કવિ તરીકે થયો. એમને નજીકથી જાણનારાને જ ખબર પડે કે સતત હસતા, હસાવતા હર્ષદ ત્રિવેદીએ જિંદગીની દારુણ પીડાઓ છુપાવી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બેઉ સંસ્થાની એમણે યથાશક્તિમતિ સેવા કીધી છે. ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદકના નાતે એક એકથી ચઢિયાતા વિશેષાંકો આપ્યા છે. એકાએક વાર્તા તરફ વળ્યા અને ‘જાળિયું’ જેવો અત્યંત નોંધપાત્ર વાર્તાસંગ્રહ દસમા દાયકામાં લઈને આવ્યા. હવે તો રેખાચિત્ર અને નવલકથા પણ આપી. ‘સોનાની દ્વારિકા’ તાજેતરમાં એક પ્રદેશવિશેષને જીવંત કરી દેતી નવલકથા છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની યાદ આપતી નવલકથા છે. ‘જાળિયું’ પછી મારા જેવા વાર્તારસિકો ઉત્સુકતાથી બીજા સંગ્રહની પ્રતીક્ષામાં હતા. ઘણો લાંબો સમય વહી ગયો, થયું કે હવે હર્ષદભાઈ વાર્તાઓ નહીં લખે. પણ એકાએક પુનઃ ‘મુકામ’ સંગ્રહ લઈને પ્રસ્તુત થયા. આ સંગ્રહ વિશેનું અવલોકન અહીં પ્રસ્તુત છે. સૌથી પહેલો મુદ્દો એ કરીને વાત આગળ વધારું કે આ નવા સંગ્રહનું કથાવિશ્વ પહેલા સંગ્રહથી સર્વથા ભિન્ન છે. મને લાગે છે કે કોઈપણ વાર્તાકાર માટે સૌથી પહેલી સિદ્ધિ આ જ ગણાય. ધૂમકેતુની સેંકડો વાર્તા સામે દ્વિરેફે માંડ રોકડી ચાલીસ વાર્તા લખેલી પણ પ્રયોગશીલતા અને અનુભવજગતના વૈવિધ્યના કારણે બેઉની વાર્તાકળાને તુલનાવીએ તો ધૂમકેતુ પ્રત્યે ભારોભાર આદર હોય તોય કહેવું પડે કે દ્વિરેફની વાર્તાકળા ચઢે! જો વાર્તાકાર અનુભવજગતને સતત ઘૂંટ્યા જ કરે તો કયારેક એમાં એકવિધતા આવવાની પૂરી શક્યતા. સુરેશ જોષીમાં પણ મને આવો અનુભવ થયો છે. હર્ષદ ત્રિવેદીએ ‘જાળિયુ’ ઉમ્મરના જે પડાવે, ગુજરાતી વાર્તા વાતાવરણના જે પડાવે વાર્તાસંગ્રહ આપેલો એ ઉમ્મર અને એ ગદ્યપર્વીય પડાવ આજે નથી. તેથી કહી શકાય કે ‘મુકામ’ વાર્તાસંગ્રહ હર્ષદ ત્રિવેદીની વાર્તાકળાનો નવો મુકામ છે. ‘અભિસાર’ જેવું સંસ્કૃત શીર્ષક ધરાવતી વાર્તા હકીકતે તો દંપતીના શરીર સંબંધની વાર્તા છે. આંખે દેખ્યો અહેવાલ આપતો કથક તત્સમ અને તળપદા શબ્દોની સાગમટે ધડબડાટી બોલાવે છે. કથકે તો વાર્તા માંડી છે. સત્યનારાયણની કથાની જેમ, સાગર શાહે આવી વાર્તાનું વાચિકમ્ કરવું જોઈએ. પ્રાચીનના ડૉળિયાનું નાટક કરતા લેખકે સત્યવાનને લગોલગ રાખ્યો હોવા છતાં વાર્તા સાંપ્રત કે કોઈપણ કાળે દંપતીઓ અવરને ફૅન્ટસીમાં કલ્પીને શરીરસુખ માણતાં હોય છે એની જ રોકડી વાર્તા બની રહે છે. કામાવેગની વાર્તા હોઈને ગદ્ય પણ વેગીલી ગતિએ ચાલે છે. વાર્તામાં ભાષા નરી કાર્યસાધક નીવડી છે. જરીક જેવડા કથાબીજને વાર્તાકળામાં શી રીતે રમાડી શકાય તે જાણવાનું દૃષ્ટાંત સર્જકો-ભાવકને આ વાર્તા પૂરું પાડે છે. આવી ભાષાલીલાના જોરે જ, કહેણીનો ભરપૂર લાભ ઉઠાવતી બીજી વાર્તા છે- ‘ગગનપ્રસાદ વૈદ્યનું નિવેદન’. નિવેદન હોઈને પેલી ઔપચારિક વ્યવહાર ભાષાથી વાર્તા શરૂ થાય. અતિધાર્મિક પત્ની હંસા પતિ ગગનપ્રસાદ વિશે એક શંકા કરે છે કે એમના ભાઈબંધની પત્ની વિમળા સાથે એમને સંબંધ છે. એકવાર તો વિમળાને મોઢામોઢ સંભળાવી દીધું તેથી ગગનપ્રસાદને એવું ખોટું લાગ્યું કે ઘર છોડી હરિદ્વાર નાસી ગયા. હરિદ્વારમાં ગગનપ્રસાદને એક તો ભંડારાનું ખાવું ન ભાવે, જેવી હતી તેવી હંસા યાદ આવે તેથી કંટાળીને ફૉન કરે ત્યારે ખબર પડે મિત્રપત્નીને તો ફેફસાનું કેન્સર છે. તેથી આઈ.સી.યુ.માં તાકીદે ગગનપ્રસાદ પાછા આવે, હંસાને વસવસો થાય, મિત્રપત્ની મૃત્યુ પામે અને ગગનપ્રસાદ ઇચ્છે કે એનું મોત આવે ત્યારે નરહરિ અને હંસાના હાથ મારા હાથમાં હોય! આમ, વાર્તા પૂરી થાય છે પણ પૂરી પણ થઈ જાય છે! વાર્તાનો પ્રારંભ જેટલો રસભર રહ્યો તેટલો અંત ન રહ્યો. પ્રશ્ન નિર્વહણ કળાનો નથી, એ તો સર્જકને કલમવગી છે. અંતની કોઈ તીવ્રક્ષણ લેખક ખોળી ન શક્યા. ‘ઉત્સવ’ વાર્તામાં નિવૃત્તિવયે પહોંચેલા કાકુભાઈની વાર્તા છે. ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા અને હવે નિવૃત્ત થતા કાકુભાઈને હોદ્દાનો વટ પાડવો હંમેશા ગમેલો. હવે તો વિધુર છે. જેમની મદદથી ડેપ્યૂટી કલેકટરમાં સારી જગાએ મૂકાયેલા એ રાજકારણી પાંડેની મંછા છે કે છેલ્લે દિવસે કાકુભાઈ આશ્રમવાળી પંદર એકર જમીનને કમર્શિયલ કરી આપે! પણ કાકુભાઈને મૃત પત્નીનાં વાક્યો યાદ આવતાં એ આટલો મોટો ભ્રષ્ટાચાર કરી શકતા નથી! પાંડેનો દબદબો, વળી પાછી લાલચ, બીક, સરકારી અધિકારીઓના વહેવારો, કચેરીનો પરિવેશ વાર્તામાં ધ્યાન ખેંચે છે. નિવૃત્તિક્ષણને ઉત્સવની જેમ મનાવવાની બે પુત્રોની ઈચ્છાથી શરૂ થયેલી વાર્તામાં એ પ્રસંગ તો બાજુ પર જ હડસેલાઈ જાય અને કાકુભાઈના સદ્કાર્યનો ઉત્સવ બની રહે છે. ગાંધીનગરના રહેવાસી લેખક હોઈને આ બધા વહેવારોના પરિવેશના જાણતલ છે જેનો વાર્તા વાંચતા અનુભવ થાય. વયે પહોંચેલા નિવૃત્ત માણસોનું ઘટક પણ આ વાર્તામાં છે. ‘મુકામ’ની પ્રત્યેક વાર્તાના કેન્દ્રમાં દંપતી છે. દામ્પત્યની વિવિધ છબીઓ આ વાર્તાઓમાં છે. ‘ભ્રમણા’ પણ એમાંની જ એક. ‘ભ્રમણા’માં તો આખી વાર્તા જ સ્વપ્નમાં ચાલી છે. વત્સલા સાથે દામ્પત્ય જીવતાં હર્ષદરાયને સ્વપ્ન આવ્યું કે જેમાં પોતે હવે વિધુર છે. સંતાનો સાચવે તોય જરામાં જરા કેવા અવગણાય છે. બન્યું છે કંઈ નહીં ને બને છે ઘણું. વૃદ્ધ થતાં જતાં માણસો પ્રત્યેનો નવી પેઢીનો પ્રતિભાવ, વૃદ્ધ માણસોનો મિજાજ બધું જ અહીં છડેચોક નહીં પણ મનોમન સંઘર્ષ રચી આપે છે. વળી, વાર્તા સ્વપ્નમાં ચાલે છે એ સ્ફોટ છેલ્લે થાય છે તેથી વાર્તાને રસપ્રદ પરિમાણ પ્રાપ્ત થાય છે. ‘વિઝા’માં મા-બાપ વિનાના વિજયને ગઢીમાએ મોટો કર્યો. ગઢીમા તો ખર્યું પાન. વિજય તો આઈ.ટી.આઈ. કરી, લાઈટના કામો કરે ને રોડવે. નિશાળનો એક ભાઈબંધ એને અંબેરિકા બોલાવે. વિજયને થાય કે ગઢીમા ને સાચવું કે ભાઈબંધની સાથે ઉજળું ભાવિ બનાવું. પણ પહેલીવાર વિઝા ન મળ્યો. ગઢીમાને થાય કે મારા વિજયાને વિઝા મળી જાય તો સારું. ગામના ઘણાંય બાધા રાખે. તોય બીજીવાર વિઝા નથી મળતો. ગઢીમા દુ:ખી ન થાય એ માટે વિજય અર્ધસત્ય ઉચ્ચારે છે આ વખતે વિઝાનો કોટા જ નહોતો હવે તો ઘેર જ વિઝા પોગાડશે. વિજયને વિઝા મળ્યાની ખુશીમાં જ ગઢીમા તો જાણે મોટું કામ પૂરું થયું હોય તેમ ફાની દુનિયા છોડી દે છે! એમના વિઝા પાસ થઈ ગયા! વાર્તામાં ગઢીમાનું રેખાચિત્ર સરસ રચાયું છે તંગ વાર્તાક્ષણ નથી તેથી વાર્તા સબળ પ્રસંગ આલેખનમાં સમેટાઈ જાય છે. ‘દેવપૂજા’ વાર્તામાં પ્રારંભે બ્રાહ્મણોના ઘેરઘેર ચાલતી સવારની દેવપૂજાનું વિગતપ્રચુર ચિત્ર છે. જે એક વીતી ગયેલા જમાનામાં ભાવકને લઈ જાય છે. દેવપૂજા ફરતી ફરતી નવી પેઢી પાસે આવે પણ હવે તો નવી પેઢી નગરવાસી. વિભક્ત પરિવારવાળી વાર્તાનો એક ખંડ અહીં પૂરો થાય છે. વાર્તાના બીજા ખંડમાં ત્રણભાઈઓનું વેકેશનમાં આવવું, એનો ઉત્સાહ, પટારો ખૂલવો. એનું કૂતુહલ ત્રણ ભાઈઓ, એમનો પરિવાર, બાળકો, બા-બાપુજી વગેરેના ભર્યા ભાદર્યા સમૂહજીવનની છબિ આલેખે છે. વાર્તાનાયક જેને ‘ધડાકો’ કહે છે તે ત્રીજો ખંડ, નાયક અને એના ભાઈઓનો પરિવાર વતનથી નીકળવાના થાય છે ત્યારે- “બાપુજીએ એકાએક ‘ધડાકો’ કરેલો અમે ત્રણેય ભાઈઓ અને ઘરનાં બધાં જ બેઠાં હતાં. એમણે માથા પરની ઢીલી થઈ ગયેલી ચોટલી ખોલી નાંખી અને ફરી વાર વ્યવસ્થિત ગાંઠ લગાવતાં કહે કે- ‘એલા છોકરાંવ હવે શાંત થઈ જાવ! મારે એક અગત્યની વાત કરવી છે.’ વાતાવરણ એકદમ ભારઝલ્લું થઈ ગયું. ધીમેથી મહેન્દ્ર સામે જોઈને કહે કે – ‘જુઓ, હવે મારી ને તારી બાની ઉંમર થઈ. ખડ્યું પાન કહેવાઈએ.... મારી ઈચ્છા છે કે અમારી હયાતીમાં જ મઝિયારો વહેંચી દઈએ. કાલ ઊઠીને તમારાં કોઈનાં મનમાં દુઃખ ન રહે.’ પરંતુ મોટાભાઈની નામરજીના કારણે મઝિયારો વહેંચવાનું બંધ રહ્યું જેનું રહસ્ય વાર્તાને અંતે ખૂલે છે. વાર્તાનો ચોથો ખંડ બાયપાસ થયું તે. મોટાભાઈએ સત્તા સંભાળી બહેન ને ટાળી વગેરે. નાયકે બધું બહેનને આપી દીધું પોતાના ભાગે આવેલું. વાર્તામાં ચપટી વગાડતામાં પરિવેશ રચાઈ ગયો છે, હુંના કથનકેન્દ્ર. હમણાં જ ભૂંસાઈ ગયેલું જીવન અહીં ઝિલાયું છે. અતીતરાગને આલેખવાનો મોહ છે. મઝિયારામાંથી મળેલ બહેનને આપી દેતો વચેટ (વાર્તા નાયક) પ્રસાદરૂપે દેવપૂજા લઈ જાય છે. જે દેવપૂજા હકીકતે એક રૂઢક્રિયા છે પરંતુ પટારામાં સચવાયેલા પેઢી દર પેઢીનાં વસ્ત્રોના પોટલા જેવી પણ છે. એમની માની, પિતાની સ્મૃતિ છે. એ સૂચન/સંકેત અહીં ભાસી શકાય અથવા માને આશ્વાસિત કરવા આ રમતિયાળ નાયક આવું રમતિયાળ બોલ્યો હોય. છતાં તીવ્ર વાર્તાક્ષણની ગેરહાજરી છે. તેથી વાર્તા કરતાં સ્મૃતિકથા વિશેષ બને. ‘અભિસાર’ની ભાષાનું સંસ્કૃતપ્રચુર તત્સમમાં હોવું કે ‘વાત જાણે એમ સે’માં તળપદી જોમમાં વહેતી વાર્તા હોય, વાર્તાની ભાષા વાર્તાના વસ્તુ, પાત્ર, પરિવેશને ન્યાય આપતી રહે છે. વાર્તાનો પ્રભાવક પ્રારંભ રમતાં રમતાં કરી જાણે છે એ નવા વાર્તાકારોએ શીખવા જેવું છે. સંગ્રહની અંતિમ વાર્તાનો પ્રારંભ જુઓ– એમનું નામ પૂછ્યું, તો કહે: ‘નામ મોડાભાઈ, પણ, ગામ આખું મને મોડો જ કે’ સે...’ ‘એવું કેવું નામ?’ હાથમાં હતી. એ બેગને ખભે ઊંચકતાં કહે કે - ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે હું જલમવામાં જ મોડો પડ્યો’તો... બેય હુયાણિયું લગભગ હેમ્મત હારી જિયેલી... તાંણે આપડે પરગટ થયેલા અટ્લ્યે ગામે નામ પાડી દીધું મોડો!’ ‘પણ, એ તો હુલામણું નામ કહેવાય! સાચું નામ શું?’ ‘હાચું ય ઈ ને ખોટું ય ઈ. વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે મને નિહાર્યે બેહાર્યો તાંણે માસ્તરે પુઈસું જ નંઈ ને પાધરું. બસ લખી જ નાંઈખું... મોડાભાઈ.’ ‘તે ઈ તો તરત સુધરાવી લેવાયને ભલા માણસ! મોડાભાઈ તે કંઈ નામ કે’વાય?’ ‘તે ઈમાં મારા બાપા મોડા પડ્યા! પસેં તો માસ્તર ક્યે કે હવે કંઈ નો થાય! તાંણનું રિયું ઈ રિયું... આમેય મોડા ને તેમેય મોડા!’ ‘હું’ ના કથનકેન્દ્રમાં કહેવાયેલી વાર્તા છે. ગામડામાં એક નવજુવાન તલાટી જોડાઈને હાજર થાય છે ત્યાંથી શરૂ થાય છે. એને રસ્તામાં જ તલાટીઓનું નાનું મોટું કામ કરતા મોડાભાઈનો પરિચય થાય છે. આ મોડાભાઈએ અસ્તિત્વ ટકાવવા આવનાર તલાટીઓ દ્વારા થતું શારીરિક શોષણ પણ ખમી ખાધું છે. એનું સતત બોલવું એ એની આ લાચારીનું પ્રગટ સ્વરૂપ પણ છે. નવો તલાટી આવે ત્યારે આવો ઓથાર એના માથે તોળાતો જ હોય. જ્યારે વાર્તાનાયક આ પરિસ્થિતિ જાણી ગયો છે અને એ મોડાભાઈને આવી કોઈ રીતે હેરાન કર્યા વિના એક માણસ તરીકે માન આપે છે, ટીવીનું એન્ટેના ગોઠવતા અકસ્માત થતાં ઘાયલ મોડાભાઈની સેવા પણ કરે છે. આ જ વાર્તાનાયકને જયારે મામલતદારની નોકરી મળતાં ગામ છોડવું પડે ત્યારે પુનઃ પેલા ઓથારને મોડાભાઈ અનુભવે છે. વાર્તાનાયકનું ચાલ્યા જવું એમને પીડે છે. જો કે, અહીં પણ મોડાભાઈનું રેખાચિત્ર જ વાર્તા રોકે છે. હર્ષદ ત્રિવેદીની પ્રકૃતિમાં, વળી ઝાલાવાડી હોવાનો ઉમેરો થતાં વ્યંગરમૂજ-કટાક્ષના કાકુવાળી વાણીતો હોવાની જ. એની વાર્તાનાયકોમાં હાજરી વરતાય છે તેથી વાર્તામાં એક પ્રકારની હળવાશ રહ્યા કરે છે. ‘ગૂંથણી’ વાર્તામાં નામું લખતા મનસુખભાઈ કાથીકામમાં પારંગત. પગલૂછણિયું, છીંકુ એવું મોજ પડે ત્યારે બનાવે. છોકરો નોકરી કરતો નથી અને વહુ પણ માથાની મળી છે. સાસુ-વહુને જામ્યાં જ કરે. મનસુખભાઈ કંઈ કહે તો એમને પણ વડચકું ભરી લે! પૌત્રીને રમાડે તો ય બોલ્યા કરે- ‘…એ બાપા... ઈને બા’ર નો લઈ જાતા… પેટ ભરાવ્વાનું સે… પાસા તમ્યે તો ટીકડિયું ને એવું બધું નો ખવરાવ્વાનું ય ખવરાવશો… ઈને સરદી થઈ જઈ સે...’ ‘તેં નવઈની સોડી ભાળી સે.. અમે તો આવાં એક હજજાર સોકરાં મોટાં કર્યાં કોઈ સરદીમાં મરી જ્યું નંઈ ને આ તારી મરી જ્શ્યે ઈમ?’ મનસુખલાલે સોનકીને વહુના ખોળામાં પડતી મૂકી ને પોતે ઘરની બહાર નીકળી ગયા. જતાં જતાં તૂટેલું પગલૂછણિયું પગમાં અટવાયું પડતાં પડતાં એનેય ગણકાર્યું નહીં!’ મનસુખલાલને થાય કે શારદી અને આ વહુ નિરાંતે જીવવા નહીં દે તે કાલપુર સ્ટેશનથી નીકળી પડે છે. પણ ગાડીમાં કોઈનુંય બાળક રડે તોય સોનકી યાદ આવે! સોનકી યાદ આવે ને હિમાલય ઝાંખો પડી જાય! સાદા કપડાંમાં જ નીકળી ગયેલાં, ચશ્માંય ઘેર! એમાં લેંઘો પણ ભરાયો તે ફાટી ગયો! બારણાં પાસે ઊભેલા ને ચપ્પલ પડી ગયું તે ગુસ્સામાં બીજુંય ફેંકી દીધું! પાકીટ પણ કોઈ મારી ગયું. બધી માયા છૂટી ગઈ. આબુ રોડ ઊતરી નાતની ધર્મશાળામાં અંબાજી રોકાયા. દર્શન કરી મોં લૂંછ્યું તો લાલલાલ. હાથ લાંબો કરે તો ચાર- આઠ આના મળી રહે એવો વેશ થઈ ગયો! ભીખ માંગવાના બદલે એક દુકાનવાળા પાસેથી દોરી માંગી પગલૂછણિયું બનાવી આપ્યું. પછી કહ્યું પૈસા આપો અમદાવાદ જવું છે. પેલાએ સોની નોટ આપીને કહ્યું મનીઓર્ડર કરી દેજો. ઘેર આવ્યા ત્યારે શોધાશોધ ચાલે પણ પગલૂછણિયાને જોઈને જ શારદાબહેન બોલી ઊઠ્યાં- ‘આ ગૂંથણી’ તો એમની જ’ સામાન્ય માણસને થતા બળાપામાંથી પણ ક્ષણ શોધી વાર્તાકાર વાર્તા ગૂંથી કાઢે છે. બાવા બનવા જતાં પાછા આવનારની આપણે ઠેકડી ઉડાવી હતી. આ વાર્તાકાર એને પુનઃસંસારમાં સ્થાપી આમઆદમીનું ગૌરવ કરે છે. ‘વલોપાત’માં મહિપતરામે પત્ની નિરંજનાનો દુઃખતો દાંત ખેંચી કાઢ્યો અને દાઢનું કૅન્સર નીકળ્યું. કદરરૂપાં થઈ ગયાં નિરંજનાબહેન. એ અપરાધબોધ નાયકને પીડ્યા કરે એની વાર્તા છે. ‘ભેટો’માં નસીમ-મહેબૂબની પડોશમાં સંજય રહેવા આવેલો ત્યારની એક ક્ષણની વાર્તા છે. નસીમથી એકવાર બાથરૂમનું બારણું ખૂલે જ નહીં અને મહેબૂબ ઘેર નહીં એણે સંજયભૈ, સંજયભૈ બૂમો પાડી. સંજયે લાત મારી બારણું તોડેલું પણ સાથોસાથ જ એય અંદર પડ્યો નસીમબાનુ પર. ઘણે વખતે સંજયને મળતાં નસીમને એ ઘટના યાદ આવે છે. આમ પણ રહેવા આવ્યા પછી, મહેબૂબની મૈત્રી પછી એક આકર્ષણ નસીમે અનુભવેલું. સંજય મનમાં ઊંડો ઊતરી ગયેલો તેથી હવે સાથે નથી રહેતા ત્યારે પણ યાદ આવે છે. વર્ષો પછી જૂના પડોશીનો રસ્તામાં થઈ ગયેલો. ‘ભેટો’ પેલી ભેટની યાદ આપે છે! ‘મુકામ’ વાર્તામાં સરકારી ઑફિસનું વાતાવરણ છે. ધોળા વાળ આવ્યા ત્યાં લગી ન પરણેલાં મંજુબહેન હમણાં હમણાંથી સજીધજી આવે છે. સાથી કર્મચારીઓને આ રાતોરાત ફૂટેલી જવાનીનું રહસ્ય જાણવાની ચળ જાગે છે. ઑફિસની બીજી મહિલા સરોજબહેનનેય પણ આશ્ચર્ય તો થયેલું જ એટલે એમણે તો પૂછી જ લીધેલું – ‘અલા મંજુલાબહેન તમારો તો વટ પડે છે કંઈ..…. નવા જૂની છે કે શું? કાળા વાળ કેટલા ફાઇન લાગે છે તમને! ભલાં માણસ અત્યાર સુધી નકામા ધોળા રાખ્યા! માંડ પચ્ચીસ-છવીસનાં લાગો છો....’ એટલું કહીને એમણે આંખનો ઉલાળો કર્યો. સરોજબહેનના અવાજ અને લહેકામાં જાણે પોતાનું રાણીપદ ઑફિસમાંથી ખસી જતું હોય એવું લાગ્યું. મંજુલાબહેન જાણે આ ક્ષણની જ રાહ જોતાં હોય એમ થોડું હસ્યાં ને બોલ્યાં, નવા… જૂની તો છે પણ હમણાં નહીં કહું. તમે પાછાં ગામ આખામાં ફૂંકી મારશો...! નહીં કહું કોઈ નેય..ન કહું! “તમે રહો જ નહીં ને!" પછી એમણે કહ્યું પાંચ વાગે એક વ્યક્તિ આવશે તમને બતાવીશ. આ દરમિયાન વાર્તામાં સરકારી કર્મચારીઓની મજાકો વાતાવરણને હળવું રાખે છે. અશોક ચાલુ નોકરીએ શાક લેવા જાય અને બધા ઉડાવે છે તો કહે છે કે ચાલુ નોકરીનો પગાર, ચાલુ નોકરીએ જ વાપરવો પડે. સાંજે બીજું કોઈ આવે તોય મંજુબહેનને ધ્રાસ્કો પડે. પણ ખરેખાત એ વ્યકિત આવે છે. જીન્સનું વ્હાઈટ પેન્ટ, મોરપીંછ શર્ટ, સફેદ શૂઝ મંજુલાબહેનનું મકાન રિનોવેટ કરવાવાળો કંટ્રાટી હતો. એ મંજુબહેનના મનમાં વસી ગયેલો. પેલાંને તો મનમાંય નહીં પણ નાનામોટાં કામ કરી આપેલા એટલે મંજુબહેનને એમ કે મન મળી ગયું છે. એમને થાય કે હું એની સાથે નવા ઘરમાં પ્રવેશ કરીશ. પેલો કહે છે કે મારે તો તાત્કાલિક ભાવનગર જવાનું છે. વાત શુક્રવાર સુધી લંબાય છે. પેલો તો આવીને કહે છે કે મંજુબહેન હવે તમે એકલાં જજો. મારે થોડાં કામ છે. ભાવનગર બધાએ મારું નક્કી કરી નાંખેલું ખાલી ફૉર્માલિટી જ બાકી હતી! મંજુબહેનને થાય કે કાલથી સાડીઓ તો જૂની પહેરીશ પણ આ વાળનું શું? આપણે ત્યાં ઑફિસ પરિવેશ/સંસ્કૃતિ (Office-Cult)ની વાર્તાઓનું પ્રમાણ નહિવત્ છે એ સંદર્ભે પણ આ વાતને જોઈ શકાય. ‘ચોકિયાત’માં નાયક દીકરી સાથે ભાણીબાનેય વળાવવા માંગે છે પણ હાલ થઈ શકે તેમ નથી. બહેન-બનેવી જાતરાએ ગયેલા ને હોડી ઊંધી વળેલી એટલે અ-નાથ ભાણી મામા-મામી પાસે જ ઊછરી છે. એકને વળાવે અને બીજી નહીં એ માટે દિલ માનતું નથી. મોર-ઢેલ-કબૂતરથી રૂપકાત્મક રીતે કેન્દ્રસ્થ ગૂંચને પ્રગટ કરી છે. "નંદાબાએ પરસાળ ઉપર જુવારના દાણા નાંખ્યા ને સામેના લીંબડે બેઠેલો મોર મોટા ફફડાટ સાથે નળિયાં ઉપર આવ્યો. છકછક અવાજ કરતો મોભારેથી નેવે અને એક નાનકડી ઉડાન સાથે સીધો જ પરસાળ ઉપર. ચાંચ નાંખે ને દાણા ફેલાતા જાય. થોડી વારમાં આખું ફળિયું દાણા દાણા થઈ ગયું. ડેલીમાંથી લપાતીછુપાતી આવતી હોય એમ બે ઢેલ આવી. મોરની કલગી ઉપર-નીચે આમતેમ થવા લાગી. ચપોચપ દાણા ઊપડવા લાગ્યા ને મોરના પગથી જમીન ઉપર ભાર રચાવા લાગી. નંદાબા તો દાણા નાંખીને સીધાં ખોડિયારમાના ઓરડે પૂજા કરવા ચાલ્યાં ગયાં. ભાણીબા મોર અને ઢેલને જોઈ રહ્યાં. એક ઢેલ મોરની નજીક આવી, એની પાંખમાં મોરે ચાંચ નાંખી કે તરત જ બીજી ઢેલે ડચ્ચ ડચ્ચ એવો અવાજ કર્યો અને મોર પીઠ ફેરવી ગયો, ચુપચાપ દાણા ચણવા લાગ્યો. દાણા ચણતાં ચણતાં એ વચ્ચે વચ્ચે ડોક આમતેમ કરી લેતો. પળ વાર થંભીને ઊંચે જુએ… થોડી વાર પીંછાં થથરાવે ને વળી પાછો ચણવા લાગી જાય."

*

“એ વાડીના કૂવે ગયા. એમના પગરવને કારણે એક કબૂતર ફડફડાટ કરતું ઊડ્યું ને સામેની પીંપળ ઉપર જઈને બેઠું. કાકુભાને થયું કે પાછળ ને પાછળ બીજું કબૂતર ઊડશે જ, પણ એમ ન થયું. એ બીજું કબૂતર કૂવામાંના ગોખલામાં જ બેસી રહ્યું.” એક માત્ર આધાર સમી વાડી અનોપચંદ શેઠને વેચી પ્રસંગ રંગેચંગે પાર પાડે છે. પોતાની જ વાડીએ હવે નાયક માત્ર ચોકિયાત બની રહે છે. અહીં ચોકિયાત બીજા અર્થમાં પણ જોઈ શકાય. વાડી પણ ભાણીને જે સુરક્ષા આપવાની હતી એ તો આપી જ. સામંતશાહી સમાજની ખૂબીઓ તરફ આપણું ઝાઝું ધ્યાન નથી ગયું તે અહીં જોઈ શકાય. આજે જ્યારે સાવ જ સ્વકેન્દ્રીય સમાજ તીવ્ર ગતિએ આગળ વધી ગયો છે ત્યારે નિરક્ષર સમાજની સંસ્કારિતા આવી વાર્તા રેખાંકિત કરે છે. ‘તૈમૂરનો માળો’ અત્યંત સાહજિકતાથી ચાલતી મર્મસ્પર્શી વાર્તા છે. વાત તો છે નાયકની સંતાનએષણાની. એને દાદા બનવું છે, એની પત્ની લતાનેય દાદી બનવાના કોડ છે. પુત્ર-પુત્રવધૂ અમેરિકા છે. પુત્રવધૂ ગર્ભવતી તો થયેલી, પણ ગર્ભ ન ટક્યો. એ અરસામાં એ પુનઃ દેશ પાછાં આવે છે. થોડા દિવસ રહીને જાય છે. આ મિલન અને વિદાયની વચ્ચે એક વેંત છેટેથી સુખ છીનવાઈ ગયાનો સહુને વસવસોય છે. લેખકને આ વિષાદ પાસે વાર્તા પૂરી નથી કરવી. નાયક પ્રકૃતિપ્રેમી છે. પશુ, પંખી, વૃક્ષોને નિકટથી સંવેદે છે. એની એકલતામાં આ સહુ એના સાથીદાર છે. એક હોલો લંગડાતો આવેલો પણ મિજાજી તે તૈમૂર નામ રાખેલું. પછી તો હોલી પણ આવી. જે દિવસે નાયકનો પુત્ર-પુત્રવધૂ વિદેશ જવા નીકળે છે ત્યારે હોલીએ માળામાં બે ઈંડા મૂક્યાં છે. એનો હરખ દંપતીમાં માતો નથી! મનુષ્યની વ્યાપકતા શી રીતે દુઃખનું ઓસડ બની જાય છે તેની આ વાર્તા છે. આખી વાર્તામાં નાયકનો પ્રકૃતિપ્રેમ વિવિધ રીતે નક્કર બનેલો હોઈને ચોંટાડેલો લાગતો નથી. હર્ષદ ત્રિવેદીની સર્જકતા અકાદમીનાં કામોના બોજા તળે ઢબૂરાઈ ગઈ હતી અથવા તો કહો કે જુદા જુદા વિશેષાંકોરૂપે મ્હોરી હતી. એ સર્જકતાને નિવૃત્તિ પછી પ્રગટ થવાની મોકળાશ મળી એક પછી એક રચનાઓ મળી. ‘મુકામ’ વાર્તાસંગ્રહ પણ એમાંનો એક. ‘મુકામ’ની વાર્તાઓમાંથી પસાર થતાં એક પરિપકવ વાર્તાકારની વાર્તાઓમાંથી પસાર થવાનો અનુભવ થાય છે. એ પરિપકવતા ગદ્યથી દર્શન લગીની છે. એમની પાસેથી આવનારા દિવસોમાં હજુ સરસ રચનાઓ મળે તેવી શુભેચ્છા સાથે અભિનંદન.

‘ટૂંકી વાર્તા પાસે પણ એ જ અપેક્ષા હોઈ શકે કે અન્ય કલાસ્વરૂપોની જેમ એ આસ્વાદ્ય હોય. આકાર પરત્વે લાઘવ અને પ્રભાવ પરત્વે તીવ્રતાની અપેક્ષા ટૂંકી વાર્તા પાસે સવિશેષ રહે. એની શિલ્પાકૃતિમાં જ ટૂંકી વાર્તાનું સ્થાપત્ય કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. નવલકથાના સ્થાપત્યમાં અનેક શિલ્પાકૃતિઓનું વિભિન્ન સ્થિતિએ સંયોજન જોવા મળે, ટૂંકી વાર્તામાં એનું શિલ્પ એ જ એનું સ્થાપત્ય. જીવન સમગ્રને આશ્લેષમાં બાંધી લેવું ટૂંકી વાર્તાને ઉદ્દિષ્ટ નથી. એ તો સ્પર્શ કરીને છટકી જાય છે, ઝબકારો બનીને ધ્યાન ખેંચે છે. કહેવામાં અતિશયોક્તિ રહેલી છે છતાં કહીએ તો ટૂંકી વાર્તા એ એક ક્ષણનું અંકન છે. અલબત્ત, એ ક્ષણ એવો સંદર્ભ રચે જે સમગ્ર સમયના તંતુઓને સૂક્ષ્મ રીતે જોડી આપે. આ ક્ષણ આજની હોય એવી અપેક્ષા સહજ ભાવે રહે. વાર્તામાં રૂપાંતર પામેલી આજની ક્ષણ પછી તો કાલાતીત બની જાય.’

–રઘુવીર ચૌધરી
(વાર્તાવિશેષ, પૃ.૨૨)