મુકામ/ગૂંથણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:56, 3 May 2024


ગૂંથણી

‘આ તારા બાપાએ કંઈ કર્યું નંઈ ને દી’ આખો ચોપડામાં માથું ઘાલીન પડ્યા રિયા. આખેઆખો રઈવાર બગાડ્યો. ઈમ નંઈ કે ઘરે શીં તે હાલો એકબે કામમાં હાથ દઈં! ચ્યેટલા દી’થી પગલૂછણિયાના લીરા ઊડી જ્યા સે… આજ બજારેથી લિયાવા હોત તો?’ શારદાબહેન બોલ્યે જતાં હતાં ને મનસુખલાલ સાંભળ્યે જતા હતા. નામાના ચોપડામાં જ માથું રાખીને બોલ્યા, ‘તું આવીને આવી લપ લઈન શું કામ લમણાઝીંક કરેસ? પગલૂછણિયા વિના શું અટકી પડ્યું સે?’ શારદાબહેન મોઢું ચડાવીને રસોડામાં ચાલ્યા ગયાં. મનસુખલાલ વિચારે ચડ્યા. મારે પગલૂછણિયું બજારેથી લાવવાની શી જરૂર? એકાદ કિલો કાથી જડી જાય તો કલાકમાં તો હાઈકલાસ ગૂંથી દઉં… કદાચ એને યાદેય નહીં હોય કે આવાં કાથીકામમાં મારો હાથ કેવો બેઠેલો છે! મનસુખલાલે એક નિસાસો મૂક્યો ને એમની નજર એમણે ગૂંથેલા છીંકા ઉપર ગઈ. કાળાં-પીળાં મોતી ગૂંથીને એક છીંકુ બનાવ્યું ત્યારે શારદાબહેન અડોશપડોશમાં બધે દેખાડી આવેલાં. બાજુવાળાએ તો કીધુંય ખરું, ‘મનસુખભાઈને ક્યો ને અમારા હાટુ ય આવું એક ગૂંથી દે!’ ‘ઈમને ચ્યાં ટેમ જ હોય સે! આ તો વળી બાર વરહે બાવો બોલ્યા જેવું થયું. બાકી ઈ તો ઈમની નોકરી ભલી ને ઈમના ચોપડા ભલા!’ એમ કહીને ગર્વભેર છીંકુ લઈને ઘરમાં આવતાં રહેલાં. એ દિવસે એમને મનસુખલાલ માટે માનભર્યા પ્રેમનો ઉમળકો આવી ગયેલો. મનસુખલાલે છીંકા પરથી નજર હટાવીને ચોપડીમાં પરોવી. ‘હવે તો જાણે ઈ શારદી જ રહી નથી…’ એ કંઈક વિચારે ત્યાં તો અંદર રસોડામાં સાસુ-વહુની ચડભડ સંભળાઈ. એમનો ગુસ્સો આસમાને પહોંચ્યો. જ્યારે ને ત્યારે હાળાં બેય જણાં બાઝબાઝ જ કરતાં હોય છે… એ મોટા અવાજે તાડુક્યા, ‘હાંમે શેરીમાં કૂતરાં સે ઈય હંપીને રે સે... તમે તો હાવ ઈમાંથીય જ્યાં… ઓલ્યા ભવનાં વેરી આ વખતે બરોબરનાં ભટકાણાં સો… નો ફાવતું હોય તો બેયને નોખાં કરી દઈ અટલ્યે કાયમની શાંતિ... આ હું રોજની રામા’ણ!’ અંદરથી વહુ બોલી, ‘તે બાપા કાલ્ય કરતા હો તો આજ જ કરી દ્યો ને... અમેય હખ્ખે રોટલો ખાઈં બે ટેમ…’ મનસુખલાલનું મગજ ફાટ્યું, ‘તું ચ્યાં તારા બાપના ઘરેથી ગાડું ભરીને લાવી સું તે નોખાં કરી દઈ… ને નોખાં કરું તોય શીના જોરે? મારા એક પગારમાં આટલું હાલે સે ઈ ઓસું સે? ને તારો વર રોજ સું લાવીન દે સે ઈ તું ચ્યાં નથ્ય જાણતી? સું ચોળીન ખાશ્યો?’ વહુએ જાણે માઝા મૂકી હતી. રાતી-પીળી થાતી રસોડામાંથી બહાર આવી. એનો અવાજ ફાટી ગયો… ‘તે તમારા ગગાને નો’તો પયણાવવોને! ખબર્ય તો હતી કે નથ્ય કમાતો… આવાં ને તો મા’જનવાડે જ મેલાય… માંડવામાં નો બેહાડાય.....’ મનસુખલાલ પરસેવે રેબઝેબ થઈ ગયા. એમના હાથપગ આક્રોશથી ધ્રૂજવા લાગ્યા. મુઠ્ઠીઓ વળી ગઈ. શારદાબહેન વચ્ચે ન પડ્યાં હોત તો કદાચ વહુ ઉપર હાથેય ઊપડી ગયો હોત! તોય મા-સમાણી ગાળ દીધા વિના ન રહ્યા ને ઉમેર્યું ય ખરું, ‘હું ચ્યાં તારા બાપને પગે લાગવા આઈવો’તો? દીવા જેવું ચોખ્ખું તો કીધું’તું કે આ તમારો બાપ કમાતો નથી… તાંણે તો હંધાય મંડ્યા’તા... અમારે લાગવગુંનો પાર નથી, ભણેલો સે અટલ્યે બઉ થઈ જ્યું… ગમે ન્યાંથી નોકરી ગોતી કાઢશું… ફલાણો મિનિસ્ટર ઓળખે સે ને પૂનમભૈ ધારાસભ્ય હાર્યે તો ઘર જેવો શબંધ… હવે બધું ચ્યાં જતું રિયું? દિન્યાને નોકરી નો મળે તો ચ્યાં ખાતર પાડવા જાય?’ એ જ વખતે નજીકમાં જ રહેતા મનસુખલાલના સાઢુ બળદેવભાઈ કાં સું હાલે સે..…?’ કરતા આવી ચડ્યા. શારદાબહેને વહુના મોઢે હાથ દઈ દીધો ને ‘જીવના હમ’ દીધા ત્યારે માંડ એની લૂલી મોઢામાં રહી. બળદેવભાઈ સમય પારખી ગયા હોય કે ગમે તેમ, પણ છાપું લઈને આવ્યા હતા એમ જ ચાલ્યા ગયા. ‘આના કરતાં તો ઘર મેલીને જતાં રહેવું સારું……’ મનસુખલાલ બોલી ઊઠ્યા ને શારદાબહેને ઉધડો લીધો..… ‘તે જતા રો ને કુણે તમને બાંધી મેલ્યા સે?… પણ જાતાં પે’લાં આ બધું પાર પાડીને જાજ્યો. મારાથી નથ્ય વેંઢારાતું… કાં ઈ નંઈ ને કાં હું નંઈ.. ‘ એમ કહેતાં શારદાબહેને પોક મૂકી ને ધબ્બ દઈ ભોંય પર ફસડાઈ પડ્યાં. એમના ધબાકે ઘોડિયામાં સૂતેલી સોનકી જાગી ગઈ. ‘ઊંવા...ઊંવા...’ મોટા અવાજે રડવા લાગી. સાસુ-વહુ કોઈએ એના પર ધ્યાન ન આપ્યું. છોકરી હીબકે ચડી ગઈ... હવે મનસુખલાલથી રહેવાયું નહીં. ‘આ તમારી મા રોવે સે ઈને કો’ક તો લ્યો…!’ કહેતાં પોતે જ ઘોડિયા પાસે ગયા ને દીકરીને બહાર કાઢી વહાલ કરવા લાગ્યા... ‘અરે... અરે... માલા નાનકુડા દીકલા, સોનકાને સું થ્યું……’ બોલતાં એની ડોક સાથે નાક ઘસતાં ઘસતાં પાણિયારે ગયા. દીકરીના શરીરની દૂધગુલાબી સુગંધે એમને કંઈક કૂણા પાડ્યા. બુઝારું પછડાય એમ બાજુના ગોળાના ઢાંકણ પર મૂક્યું. છોકરીને પાણી પાયું.... ‘તમારાં પાપે મારી સોનકીની ઊંઘ ઉડાડી દીધી’ એમ કહેતાં ડેલી બહાર જવા પગ ઉપાડે ત્યાં તો વહુએ રાડ પાડી… ‘એ બાપા… ઈને બા’ર નો લઈ જાતા... પેટ ભરાવ્વાનું સે… પાસા તમ્યે તો ટીકડિયું ને એવું બધું નો ખવરાવ્યાનું ય ખવરાવશો… ઈને સરદી થઈ જઈ સે...’ ‘તેં નવઈની સોડી ભાળી સે… અમે તો આવાં એક હજ્જાર સોકરાં મોટાં કર્યાં કોઈ સરદીમાં મરી જ્યું નંઈ ને આ તારી મરી જાશ્યે ઈમ?’ મનસુખલાલે સોનકીને વહુના ખોળામાં પડતી મૂકી ને પોતે ઘરની બહાર નીકળી ગયા. જતાં જતાં તૂટેલું પગલૂછણિયું પગમાં અટવાયું તે પડતાં પડતાં રહી ગયા એનેય ગણકાર્યું નહીં! કાલુપુર સ્ટેશને બહુ ભીડ હતી. ટિકિટો માટે લાગેલી મોટી મોટી લાઈનો. ગાડીઓનાં એનાઉન્સમેન્ટ ઉપર એનાઉન્સમેન્ટ ને માણસોનો ગોકીરો. મનસુખલાલને કંઈ સૂઝ્યું નહીં. શું કરવું? લાઈનમાં ઊભાં રહેવું તો કઈ લાઈનમાં? ક્યાંની ટિકિટ લેવી? પાકીટમાં જોયું તો ઘણા દિવસથી સાચવી રાખેલી એક સોની નોટ ને ઉપરના ખિસ્સામાં થોડાક બીજા. પૂરા દોઢસો નહીં. આટલામાં તો ક્યાં પહોંચાય? પણ બધું જ છોડીને નીકળેલાને શું? જે થાય તે. એમ વિચારીને સ્ટેશનમાં ઘૂસ્યા. મનમાં થયું કે આ પૈસાનો ય ભાર શીદ રાખવો? છે એટલા વપરાઈ જાય પછી નિરાંત… કોઈ લગવાડ નહીં! નહીં માન નહીં અપમાન... બધું ભગવાન ભરોંસે… એ જે ઝાંપામાંથી ઘૂસ્યા તેના પહેલા પ્લેટફોર્મ ઉપરથી ગાડી ઊપડું ઊપડું થઈ રહી હતી. મનસુખલાલના પગમાં અચાનક જોર આવી ગયું. છેક છેલ્લે જનરલ ડબ્બા હતા. માંડ પહોંચ્યા. ગાડીએ વ્હિસલ મારી ને ધીરે ધીરે પ્લેટફોર્મ છૂટી ગયું. પાકીટ ને પૈસા બધું જ ચાલતી ગાડીએ ફેંકી દેવાનું મન થયું... અહીં અમદાવાદ સાથે જ બધું પૂરું થઈ જાય... પણ જીવ ચાલ્યો નહીં.... હવે મનસુખલાલે જગ્યા શોધવાનો પ્રયત્ન કર્યો. ડબ્બામાં ખાસ્સી ભીડ હતી. ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં બારી પાસે નાનો છોકરો બેઠો હતો. એને સહેજ અંદર ખસેડીને એક બાજુનો ભાગ ટેકવાય એમ ઉભડક બેસી ગયા. થોડી વારમાં આંખો ઘેરાવા લાગી. પણ, બેસવાની જ મુશ્કેલી હતી ત્યાં વળી ઊંઘવું કેવી રીતે? લગભગ આખો ડબ્બો શાંત હતો, એમાં ભંગાણ પાડ્યું ફેરિયાઓએ. બોટલ ઉપર ઓપનર ઘસતો ઘસતો થમ્સઅપ લિમ્કાવાળો ફરી વળ્યો. ચણાની દાળવાળાએ તો ખાસ્સો દેકારો મચાવ્યો. કેટલાકે દાળ લીધી પણ ખરી. મનસુખલાલને આ તળેલી દાળ, ડુંગળી ને લીંબુ ખૂબ ભાવે પણ એમણે મન ઉપર કાબૂ કેળવવાની જાણે અહીંથી શરૂઆત કરી. આટલી અમથી ચણાની દાળ ન છોડી શકાય તો વળી સંસાર શું છૂટવાનો? મનસુખલાલ બીજી દિશામાં જોવા લાગ્યા. ગાડી એક આંચકા સાથે ઊભી રહી. કોઈ સ્ટેશન નહોતું, એમ જ ઊભી રહી ગઈ. મનસુખલાલની સીટમાંથી એક ભાઈ ઊઠીને સંડાસ બાજુ ગયા. ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એ સરખી રીતે બેસી શક્યા. અચાનક બારીમાંથી બહાર નજર ગઈ. કઈ ગાડી હશે આ? કોઈને પૂછવું તોય શી રીતે? કંઈક દિશા પકડાય તો અંદાજ આવે... પોતે ટિકિટ નથી લીધી એ યાદ આવતાં થોડી ગભરામણ થઈ આવી. એમને વિચાર આવ્યો, સ્ટેશન સુધી આવ્યો તો પછી ટિકિટ લેવામાં શું વાંધો હતો? વાંધો તો કંઈ નહીં, પણ ટિકિટ કપાવીએ તો સ્થળ નકી કરવું પડે. ચોક્કસ ગાડી પકડવી પડે. ઘેરથી ભાગનાર માટે તો પહેલી શરત જ એ છે કે એ ક્યાં જઈ રહ્યો છે એની પોતાને પણ ખબર ન હોવી જોઈએ! આ વિચારે મનસુખલાલના ચહેરા પર હાસ્ય લાવી દીધું. પણ ઊંડે ઊંડે થયું કે ગાડી ઉત્તર ભારત તરફ જતી હોય તો સારું... મન હવે તો હિમાલય તરફ! કોઈક ચોપડીમાં આ મતલબનું વાંચ્યાનું સ્મરણ થયું કે આ દેશમાં કોઈને પણ વૈરાગ્ય ચડે એટલે સીધો હિમાલય જ દેખાય. મનસુખલાલ અધ્યાત્મને રવાડે ચડી ગયા. હવે તો ઘેર જવાનું નામ જ નથી લેવું. થોડો સમય સહુ શોધખોળ કરશે, પછી વાસ્તવિકતા સ્વીકારી લેશે. એમ વિચારીને જીવ ઉપર એક ગાંઠ વાળી… કે તરત જ એમની સામે એમનો બદલાયેલો ચહેરો ઊપસી આવ્યો. ગૂંચળાં ગૂંચળાં વાળની લાંબી જટા, નાભિ સુધી આવતી દાઢી. ઉઘાડું શરીર એકલી કૌપીનને સહારે શોભી રહ્યું છે, ડોકમાં રુદ્રાક્ષની માળા ને બેય હાથમાં બેરખા, બાજુમાં પડેલું કમંડળ, જમીનમાં ખોડી રાખેલાં ત્રિશૂળ-ચિપિયો, મનઃસુખનાથ મા’રાજને વ્યાઘ્રચર્મનાં તો આસન! ગંગા ને યમુના જેના ચરણ પખાળે, અને બસ્તી લાવે દૂધ-ભાત! યોગીઓના ય યોગીનાં પદ તો એમની ઝોળીમાં...! મનસુખલાલ બરાબરના ઝોકે ચડેલા… એમની સમાધિ તોડી એક પામર ભિખારી ભજનગાયકે! આંગળી ને અંગૂઠા વચ્ચે છીપરના બે ટુકડાના તાલે એ ભજન લલકારતો હતો: ‘એવા આતમાને ઓળખ્યા વિના રે ભવના ફેરા ક્યાંથી મટે રે જી! એવી ભ્રમણાને ભાંગ્યા વિના રે...’ હજી સુધી કોઈનીય સાથે એક શબ્દ પણ બોલ્યા નહોતા એ મનસુખલાલે વિચાર્યું કે મૂંગા થઈ જવામાં માલ છે. ટિકિટચેકર આવે ત્યારે તો ખરું જ પણ આ બધાં પેસેન્જરો સાથે ય તે નાનો સરખો, વાતચીતનો ય સંબંધ શીદ ઊભો કરવો? એમાંથી જ લાગણી ઉત્પન્ન થાય… ને પોતે રહ્યા પાછા લાગણીશીલ! ના…ના... હવે કોઈ વળગણ નો ખપે! કોઈને પૂછી જોવાનું મન થયું કે ગાડી કઈ તરફ જાય છે? પણ એમાંય પાછી બીજી લપ ક્યાં ઓછી છે? કોણ છો? કઈ નાતે? તમારું મૂળ ગામ કયું? ના, પ્રભુ ના! મારે એવાં બંધનમાં નથી પડવું. મનસુખલાલને જાણે હિમાલયદર્શનનું વેણ ઉપડ્યું હતું. એ આંખો બંધ કરીને બેસી રહ્યા. થોડી વારમાં તો ફેરિયાઓએ ડબ્બો ગજવી દીધો... એક છોકરો સામેની બાજુથી કચરો કાઢતો કાઢતો આવી રહ્યો હતો. આ બાજુથી પેલી બાજુ ને પેલી બાજુથી આ બાજુ એનો એ જ કચરો! પાછો હમણાં બધા પાસેથી પૈસા માગશે... આ શું? ગાડી ઊભી રહી કે? બારીમાંથી જોયું તો મહેસાણાનું સ્ટેશન! ખાતરી થઈ ગઈ કે દિલ્હી જતી ટ્રેન છે. વાહ મારા પ્રભુ! મનસુખલાલ મનોમન બોલી ઊઠ્યા…પેલો છોકરો ને એનો બાપ ઊભા થઈ ગયા, વોટરબેગ ભૂલીને! મનસુખલાલથી રહેવાયું નહીં, લાગલા જ ઊભા થઈ ગયા ને પેલાના હાથમાં વોટરબેગ પકડાવી દીધી! હવે એમને બારી પાસે જગ્યા મળી ગઈ. બારી પાસે બેઠા ત્યારે ખબર પડી કે અત્યાર સુધી એ બારી ઝંખતા હતા. બેસાય એટલા પહોળા થઈને બેઠા.

*

કોઈકનું બાળક રડતું હતું. ઊંવાં…… ઊંવાં... મનસુખલાલ આંખો ઉઘાડ્યા વિના જ બબડ્યા. ‘એ આ સોનકીને કોઈ લ્યો તો ખરાં... ક્યારુની રોવે સે..… મરી જાયે તો ય કોઈ નહીં લ્યે…’ બાળકનું રડવું બંધ ન થયું પણ મનસુખલાલ ઊંઘમાં જ ઊભા થઈ ગયા. ધડામ દઈને માથું ઉપરના પાટિયા સાથે અથડાયું! એક સિસકારો નીકળી ગયો ને એ સીટ પર બેસી પડ્યા. કોઈએ એમની નોંધ પણ લીધી નહીં. સોનકી એકદમ સાંભરી આવી. વિસ્ફારિત કહેવાય એવી મોટી મોટી આંખો, ગુલાબના ગોટા જેવા સુંવાળા ગાલ, ડગુમગુ માથું ને ડોક પાસેથી આવતી સ્હેજસ્હાજ ખાટી પણ એકદમ મીઠી લાગે એવી સુગંધે મનસુખલાલની આંખોમાં આંસુ લાવી દીધાં. એક નાનકડી બચ્ચી કરવા એમનું મન વ્યાકુળ બની ગયું. હિમાલય ઝાંખો થતો ગયો ને સોનકીનું હાસ્ય વિલાસી રહ્યું! જીવ ઉપર જેવી બીજી ગાંઠ લગાવી કે પહેલી તરત જ ઢીલી થઈ ગઈ..… બારીમાંથી બહાર જોઈ રહ્યા. ચારે બાજુ નાના-મોટા પર્વતો દોડી રહ્યા હતા. શિખરો ઉપરથી કોઈ ચલમ ફૂંકતું હોય એવાં નર્યા ધૂમાડિયાં વાદળો ગાડીની વિપરિત દિશામાં વિખેરાઈ રહ્યાં હતાં. મનસુખલાલને આ પર્વતો જોઈ હિમાલયનાં ઉત્તુંગ શિખરોની ઈચ્છા થઈ આવી, એમાંથી પેલું વેન ગાયબ થઈ ગયું હતું. સોનકીની આંખનાં આંસુમાં અધ્યાત્મ ધીરે ધીરે ઓગળી રહ્યું. મનસુખલાલ હવે રાહ જોઈ રહ્યા હતા જે પહેલું સ્ટેશન આવે એની. થયું કે ઊતરી જ જાવું ને વળતી ગાડી જે પહેલી મળે ઈમાં ઘર ભેગા…! મારા પ્રભુની ઈચ્છા હશે તો ક્યારેક હિમાલય પણ જોશું... બિચારી શારદાનો શું વાંકગનો? અવતાર ધરીને એણે તો સુખ જોયું જ નથી. આટલો પગાર તો હવે થ્યો, બાકી સોકરાં નાનાં હતાં તાંણે પારકાં કામ કરીને ય ઈ ટેકો કરતી..... હવે ચ્યમ ભૂલી જવાય? પોતે ‘નોકરીયે જઉં…’ કરીને સવારના નીકળી ગયા છે ને અટાણે છો સાડા છો જેવું થ્થું હશે એમ વિચારતાં જ એમનો ડાબો હાથ ઊંચો થઈ ગયો પણ તરત જ ખ્યાલ આવ્યો કે ઉતાવળમાં ઘડિયાળ તો ઘરે જ રહી ગઈ છે. પોતે ઘરમાં પહેરવાનો લફડફફંડ લેંઘો ને બુસકોટ પહેરીને નીકળી પડ્યા તોય ઘરનાં કોઈને ય કંઈ ખબર પડી? એટલું વળી સૂઝ્યું તે પાકીટ, રૂમાલ ને થોડાક છૂટ્ટા જે હતું એ લઈ લીધું… ચશ્માં ય ભૂલી ગયા. છાપું વાંચવું હોય તોય કંઈ દેખાય નહીં. મનસુખલાલને પેશાબ કરવાની ઈચ્છા થઈ. ઊભા થયા. બે ડગલાં ચાલીને પાછા આવ્યા. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સીટ ઉપર મૂક્યો ને સંડાસ બાજુ ગયા. ડાબી બાજુનું બારણું ઉઘાડ્યું એવું જ બંધ કરી દીધું. કોઈ અંદર હતું ને સ્ટોપર નહોતી લગાવી. જમણી બાજુના બારણે ધક્કો માર્યો પણ એ બંધ હતું એટલે ત્યાં જ ઊભા રહ્યા. બાજુમાં વોશબેઝિન હતું…… અરીસો હશે એવી કલ્પનાએ ત્યાં ગયા. અરીસો તો હતો જ પણ વચ્ચે ગોળ ત્રાંસી તિરાડ ને ઉપરના ભાગનો ઢોળ ઉખાડી ગયેલો. એમાં પોતાનો ચહેરો જોયો. દાઢી ઉપર હાથ ફેરવ્યો ત્યારે યાદ આવ્યું કે ઘર છોડવાની લ્હાયમાં દાઢી કરવાનુંય રહી ગયેલું. જમણી બાજુનું સંડાસ ઊઘડ્યું અને એ અંદર ગયા. ઊભાં ઊભાં એમની નજર અરીસામાં ગઈ. આ અરીસો ચોખ્ખો હતો. પોતે મૂંગા થઈને રહે તોય કંઈ માગણ-ભિખારી કે બાવા-સાધુ જેવા તો નથી જ લાગતા. સાધારણ કુટુંબના વડીલ જેવા જ લાગે છે એવી ખાતરી થતાં હરહરી ગયા. જો ટિકિટચેકર આવ્યો તો માર્યા ઠાર! દંડ લીધા વિના નહીં છોડે! એમનો હાથ ખિસ્સામાં ગયો. આટલામાં દંડ તો શું કંઈ ન ભરાય. કોઈકે બારણાને ધક્કો માર્યો એટલે ઉઘાડીને મનસુખલાલ બહાર આવ્યા. એક બાજુએ ખસવા ગયા એવો જ લેંઘો ઢીંચણમાંથી કાટખૂણે ચીરાયો. અડધા માથાવાળી બહાર ઉપસી આવેલી ખીલીએ ચામડી ઉપર પણ જરાક ઉઝરડો પાડ્યો હતો. મનસુખલાલનો ચહેરો તંગ થઈ ગયો. પોતાની જગ્યાએ જાય છે ત્યાં વચ્ચે એક માણસ ઊભેલો. પહેલાં તો ખ્યાલ ન આવ્યો પણ, સાદા ડ્રેસમાં એ ટિકિટચેકર જ હતો. સામેની બધી સીટની ટિકિટ જોઈ વળેલો. મનસુખલાલ અચાનક જ બોલવા માંડ્યા, ‘આ જોવો તમારી રેલવેએ મને ફાયદો કરાવ્યો.. લેંઘો ચીરી નાંખ્યો.’ કહીને પગ ઊંચો કર્યો તો એમાંથી ઢીંચણ બહાર ધસી આવ્યો. દયામણું મોં કરીને એ પોતાની જગ્યાએ બેઠા. કોણ જાણે કેમ પણ એણે કંઈ પૂછ્યું નહીં ને હસતો હસતો ચાલ્યો ગયો. મનસુખલાલને હાશ થઈ. ઊંઘ તો નહોતી આવતી પણ ઊંઘવાનો ડોળ કરીને એમણે આંખો મીંચી દીધી. ઘણી વાર આંખો બંધ કરવાથી ધારેલું દૂર નથી જતું પણ વધારે નજીક આવે છે એમ મનસુખલાલને ઘર ઘેરી વળ્યું. થયું કે અત્યારે બધાં રાહ જોતાં હશે. ‘અટાણ થયું તોય ચ્યમ નો આવ્યા?’ કહેતાં શારદા આઘીપાછી થતી હશ્યે ને સોનકીની નજર ચકળવકળ થતી હશે દાદાને ગોતતી… થોડી વાર રાહ જોઈને શારદા દિનેશને કહેશે... ‘જા તો તારા બાપા ચ્યમ હજીય નો આવ્યા... દુકાન હુધી આંટો મારી આવ્ય ને…’ દિનેશ વડચકું ભરતાં કહેશે, ‘આવશે હમણાં... કો’કની હાર્યો ચા-પાણી પીવા બેહી ગ્યા હશે.... ઈ કંઈ નાનું સોકરું સે તે ગોતવા જાવાના હોય!’ ભલા હશે તો રમીલા ને બળદેવેય આવી ચડ્યાં હશ્યે. બળદેવ સવારે ચડભડ સાંભળીને ગ્યા સે તે બેય જણા જોવા-જાણવા ય આવ્યાં હોય. રોજના ટાઈમ પ્રમાણે તો આ મોડું કહેવાય. હવે જ બધાં ઘાંઘાં થશ્યે. શારદાને તો એકેય વિચાર સારો નહીં આવે. ‘ભાગી જાવાનું કે’તા’તા તે જતા તો નંઈ રિયા હોય?’ સૌથી પહેલો વિચાર શારદાને જ આવશ્યે... ડબ્બામાં ચહલપહલ વધી ગઈ. બધાં સામાન ઠીક કરવા લાગ્યાં, એટલે થયું કે નજીકમાં કોઈ સ્ટેશન હોવું જોઈએ. હવે કોઈને પૂછવામાં વાંધો નહોતો, સામે બેઠેલા ભાઈને હિન્દીમાં પૂછ્યું, ‘અભી કુન્સાં સ્ટેશન આયેગા?’ ‘આબુ રોડ’ કહીને એ મનસુખલાલ સામે તાકી રહ્યો. મનસુખલાલને થયું કે આ કંઇક પૂછશે, એટલે એ પહેલાં આબુ રોડ ઊતરી જવાના સંકલ્પ સાથે એમણે બારીમાંથી ડોકું બહાર કાઢ્યું. વાતાવરણ એકદમ ઠંડું થઈ ગયું હતું. તરત જ પાછા હતા એમ બેસી ગયા. પણ, ઝાઝી વાર ન બેસાયું. ઊભાં થઈ ડબ્બાના બારણા પાસે આવ્યા. બારણામાં કોઈ હતું નહીં તે વચ્ચે બેસીને પગ લટકાવ્યા, બેય હાથે હેન્ડલ પકડીને માંડ્યા હવા ખાવા. સ્ટેશન હજી તો દૂર હોય એમ લાગ્યું. ફૂલા પાસે કંઈક સળવળાટ થયો ને એ ઝબક્યા. જેવા ઝબક્યા કે તરત જ પગમાંથી ચંપલ નીચે પડી ગયું. મનસુખલાલનો થડકારો બેસે એ પહેલાં જ એમણે બીજું ચંપલેય ફેંકી દીધું. એક તો ગયું જ હતું… કો’ક બિચારાને આખી જોડ મળે ને? મનસુખલાલને પોતાની ત્વરિત નિર્ણયશક્તિ માટે માન થઈ આવ્યું. આબુ સ્ટેશને ઊતર્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફાટેલા લેંઘામાંથી ઠંડી હવા આખા શરીરમાં ધ્રુજારી ફેલાવતી હતી. બધાં નીકળી ગયાં પછી આ લઘરવઘર મનસુખલાલને કોઈ રોકનારું હતું નહીં. સામે જ અંબાજી જતી બસ... થયું કે, ‘અહીં સુધી આવ્યો છું તો માતાજીનાં દર્શનેય કરતો જઉં ને રાતેય ત્યાં નીકળી જશે.’ ધક્કામુક્કી કરતાં બસમાં ચડ્યા. બેસવાની જગ્યા તો મળવાની નહોતી. ઊભાં ઊભાં જ વિચારે ચડ્યા. અંબાજીમાં રાત ક્યાં રે’વું? ત્યાં જ યાદ આવ્યું, ‘આપણી લિમ્બાચિયા ધરમશાળા છે ને…કોઈ ને કોઈ જ્ઞાતિબંધુ મળી રહેશે. કંડક્ટરે ટિકિટનું પૂછ્યું ને લેંઘામાં હાથ ગયો ત્યારે ખબર પડી કે કો’ક પાકીટ મારી ગયું છે. ક્યારે લઈ ગયો હશે? આબુ રોડ ઊતર્યા ત્યારે તો નિરાંતે… તો પછી? આ બસમાં ચડતી વેળાએ જ…! એટલું વળી સારું કે થોડાક રૂપિયા બુસ્કોટના ખિસ્સામાં હતા. ચાલી ગયું. અંબાજી ઊતરીને પૂછતાં પૂછતાં લિમ્બાચિયા ધરમશાળામાં પહોંચ્યા. મેનેજર તરીકે એક કાકા હતા. વાતવાતમાંથી જાણ્યું કે એ કનીજના છે. ગાંધીનગર સચિવાલયની નોકરીમાંથી રિટાયર્ડ થયા પછી અહીં મેનેજરમાં રહેલા. ખાવું-પીવું-રહેવું ને ઉપરથી પગાર. સવાર-સાંજ માતાજીનાં દર્શન થાય ને શાંતિ કેટલી? મનસુખલાલને કાકાની ઇર્ષ્યા થઈ આવી. પણ, પછી એમની સાથે પેટછુટ્ટી વાત કરી. રાત રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ. ધરમશાળામાં કાયમી રસોડું ચાલતું નહોતું તે બસસ્ટેન્ડ પાસે જઈને ભાજીપાંઉ ખાઈ આવ્યા. પૈસા બધા પૂરા!

*

આખી રાત મટકુંય માર્યું નહોતું. મન સતત ઉધામા કરતું રહ્યું. ઘડીમાં બધું છોડી દીધું છે એ જ બરાબર… અંતકાળે તો જાવું જીવને એકલું.-તો વળતી ક્ષણે ચારેકોરથી ઘરનાં બધાં વળગ્યાં દિનેશને નોકરી મળે એ માટે પોતે પંડ્યાસાહેબને ખાનગીમાં પાંચ હજાર દીધા છે એ ય યાદ આવ્યું. રાગ ને ત્યાગની વચ્ચે ઝોલાં ખાતા મનસુખલાલ ઉપર સંસારનો વિજય થયો હતો. સવારે ઊઠ્યા ત્યારે મેનેજર સવારની આરતીમાં જઈને આવી રહ્યા હતા. મનસુખલાલ નાહ્ય શું ને નિચોવે શું? હાથ-પગ ધોયા ને નીકળી પડ્યા. મંદિરે જઈને દર્શન કર્યાં. કંકુનો ચાંદલો કર્યો. જેવા મંદિરમાંથી બહાર આવ્યા ત્યાંતો વરસાદ તડમઝીંક! મનસુખલાલનું મોઢું રાતુંચોળ ને લેંઘો ગારોગારો… રૂમાલથી મોઢું મોં લૂછ્યું તો ઊલટું વધુ બગડ્યું! ક્યાંય પણ હાથ લાંબો કરી દે તો ચાર-આઠ આના મળી રહે એવાં એમનાં દરહણ... વરસાદ બંધ થયો ત્યાં સુધી એક છાપરા નીચે ઊભા રહ્યા. ચાના હરડ બંધાણી એવા મનસુખલાલે કાલની ચા ભાળી નહોતી ને પાછો આખી રાતનો ઉજાગરો. માથું ચસકા નાંખવા માંડ્યું. પોતે ઊભેલા ત્યાં પડખામાં એક દુકાન. પાટલી-વેલણ-કાથી-સાવરણી ને એવી બધી ઘરવખરી. કાથી જોઈને મનસુખલાલને વિચાર આવ્યો કે થોડીક કાથી મળી જાય તો અબ્બીહાલ એક-બે પગલૂછણિયાં ગૂંથી લઉં! હાથનો હુન્નર ને નસીબમાં હોય તો વેચાઈ પણ જાય… ભીખ માંગવા કરતાં તો આ ઠીક પડે... દુકાનદારનો દાણો ડાબી જોયો. એણે અહીં જ ઊભા રહેવાની શરતે કાથીનો એક લચ્છો કાઢી આપ્યો. મનસુખલાલ કહે, ‘આટલી બધી તો નહીં, આની અડધી આપો.’ પેલાએ અડધો લચ્છો કરવાની ના પાડી, એટલે પરાણે પરાણે આખો લીધો. આમાંથી તો સરખાં મોટાં કરો તોય બે-ત્રણ પગલૂછણિયાં થઈ રહે. મનસુખલાલ ઊભાં ઊભાં ગૂંથ્યે રાખે ને રસ્તે જતાં-આવતાં માણસોને જોણું થાય. કેટલાક તો જાણે બીજું કંઈ કામ જ ન હોય એમ ઊભા રહી ગયા. પાંચ-છ જાણ તો સાવ સ્થિર થઈ ગયા. મનસુખલાલને આ બધા અડચણરૂપ લાગ્યા. જાણે પોતાની મસ્તીથી નહીં, પણ આવડત દેખાડવા ગૂંથતા હોય એવું લાગ્યું ને એમના હાથ અટકી ગયા. પછી ઊંચું જોઈને એક જણને કહે, ‘આંય શું દાટ્યું સે? જાવ આઘા, કંઈ કામધંધો નથી?’ બધા એમની હાંસી ઉડાવતા હોય એમ એક પછી એક કરતાં ખસી ગયા. કાથી થોડી પલળેલી હતી એટલે હાથ જલદી હાલતા નહોતા પણ કામ સારુ થતું હતું. મનસુખલાલને થયું આ ગૂંથણીનું બીજું નામ જ સંસાર નહીં? ક્યારેક નીચેથી ઉપર આવવાનું, ક્યારેક ગાંઠ વાળવાની, ગોળગોળ ફરવાનું, બે દોરીને આંટી મારવાની ને છેલ્લે કટકો કરીને..… દુકાનવાળો તો મનસુખલાલની કારીગરી જોઈને દંગ થઈ ગયો. કંઈક અહોભાવથી બોલ્યો, ‘ક્યાં રે’વું?’ મનસુખલાલ એક ક્ષણ રોકાઈ ગયા ને પછી કહે, ‘અમદાવાદ!’ કાથીકામ જ કરો છો કે ‘બીજું કંઈ?’ ‘હું તો એક પેઢીમાં નોકરી કરું છું. નામાંના ચોપડા લખવાની. આવાં કામ તો નાનપણથી જ આવડે. ભરતગૂંથણ, ચિત્રકામ, માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ! તમે નહીં માનો પણ સાવરણીના બૂચકાની સળિયુંમાંથી મેં વોલપીસ બનાવ્યું સે તમે તો જોઈ જ રો! આ તો પાકીટ કપાઈ ગ્યું તે થ્યું કે આમાંથી થોડાક રૂપિયા મળી જાય તો ઘરભેગો થઈ જઉં!’ મનસુખલાલ બોલતા હતા સાચું પણ સાવ ખોટું બોલતા હોય એવો એમનો વેશ... અમદાવાદ બોલ્યા ને એમને ઘર સાંભરી આવ્યું. હાથ વળી પાછા અટકી ગયા. દિનેશ અત્યારે સાયકલ ઉપર આંટા મારતો હશે. પહેલાં તો પેઢીએ જઈ આવ્યો હશે. જેવી ખબર પડી હશે કે બાપા તો કાલ્યના નથી આવ્યા. કેવો ધ્રાસકો પડ્યો હશે? ઘેર જઈને શારદાને જાણ કરી હશે. બેય જણાએ આકાશ-પાતાળએક કર્યા હશે… કદાચ પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હશે. સગાં-વહાલાં, ઓળખીતાં-પારખીતાં… શું નહીં કર્યું હોય? છેવટે બિનવારસી લાશોય જોઈ આવ્યાં હશે… વિચારોની ગતિ વધી પડી. હાથ ઝડપથી ચાલવા લાગ્યા. વાહ મનસુખલાલ! તમે તો ભારે કરી! આના કરતાં તો હેમાળે પહોંચી ગયા હોત તો? કંઈ દખ રે’ત? છેલ્લી ગાંઠ લગાવીને દુકાનદાર પાસે છરી માગી... ઘણા સમયે આવું કામ હાથમાં લીધેલું તે આંગળીઓ ય છોલાઈ ગઈ હતી. એક હાથથી બીજા હાથને પસવારતાં, શારદાબહેન યાદ આવી ગયાં. મનસુખલાલને હસવું કે રડવું એની સમજ પડી નહીં. બીજું પગલૂછણિયું શરૂ કર્યું. શરૂઆતનો ગોળ ભાગ બરાબર થયો ને હાથ થંભી ગયા. વેપારીને સીધું જ પૂછી વળ્યા, ‘આ પગલૂછણિયું તમે રાખી લો! મને મજૂરીના કેટલા રૂપિયા આપશો?’ વેપારી ક્યારનો એમને જોયા કરતો હતો. મનસુખલાલના એકેએક વિચારને વગર કહ્યું એ જાણી ગયો હોય એમ, હસતાં હસતાં બોલ્યો, ‘અમદાવાદ પહોંચી જાવ એટલા…!’ એમ કહી એણે ગલ્લામાંથી એક સો રૂપિયાની નોટ કાઢી દીધી. પછી પૂછ્યું, ‘થઈ રહેશે ને? મનસુખલાલે હકારમાં ડોકું ધુણાવ્યું એટલે કહે, ‘તમારે હૈયે માતાજી વસે તો આ સરનામે મનીઆડર કરી દેજો!’ એમ કહી એણે બાજુવાળા કંકુ-પ્રસાદના વેપારીનું કાર્ડ આપ્યું, પછી ઉમેર્યું, ‘મને મળી જાશે!’ મનસુખલાલે પોતાનું નામ-સરનામું આપવા એક કાગળ માગ્યો તો વેપારીએ ના કહી, ‘લખેલું હોય તો ક્યારેકેય કાગળ જોઈને થાય કે આ ભૈ.ઈને પૈસા આપ્યા છે… એ કરતાં તો…’ મનસુખલાલે જઈને તરત મનીઓર્ડર કરી દેવાના સંકલ્પ સાથે નોટ ઉપરના ખિસ્સામાં મૂકી. કાથીનો દડો ને અડધું ગૂંથેલું લૂછણિયું લઈને ‘જે અંબે!’ કહીને ચાલવા માંડ્યું...

*

બસમાં બેઠાં બેઠાં એમનાં હાથ ચાલતા હતા. થયું કે બધાં છેડા છૂટ્ટા મૂકીને ચાલી નીકળેલો. પણ, સંસાર બહારેય ટકવા માટે કંઈ ઓછું ગૂંથવું પડે છે? તો પછી અડધું ગૂંથેલું જ શા માટે પૂરું ન કરવું? છેલ્લી આંટી મારીને ગાંઠ લગાવી. પગલૂછણિયું પૂરું ગૂંથાઈ ગયું હતું. અંતે ચાર-પાંચ આંગળ લબડતી દોરી જ કાપવાની હતી ત્યાં બસ ઊભી રહી. ઊતર્યા ત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો હતો. બીજા કે ત્રીજા ડગલે જ પોદળામાં પગ પડ્યો ને લપસી પડ્યા. મનસુખલાલનું નાક, કપાળ ને બંને ઢીંચણ છોલાઈ ગયાં. બેએક જણ એમને ઊભાં કરવા દોડ્યા, પણ એ તો જાતે જ, પોતાને ય ખબર પડે કે પડ્યા છે એ પહેલાં ઊભા થઈ ગયા. લંગડાતી ચાલે રિક્ષાવાળા પાસે પહોંચ્યા. ‘દશરથનગર’ લેવાનું કહેતાં એમણે મીટર જોયું તો રિક્ષાવાળો એમને જોઈ રહ્યો. પછી પૂછ્યું, ‘પૈસા તો છે ને? મનસુખલાલે એની આંખમાં આંખ પરોવીને સહેજ મરકતા મોંએ હકારમાં ચારપાંચ વાર ડોકું ધુણાવ્યું ને શર્ટના ખિસ્સા પર હાથ મૂક્યો. રિક્ષા ઘર પાસે આવીને ઊભી રહી ત્યારે ઘરમાં વસતી વધી ગઈ હતી. દિનેશનાં સાસુ-સસરા, બલદેવ-રમીલા ને અડોશપડોશનાં બધાં ભેગાં થઈ ગયાં હતાં. ‘એ મારા બાપા આવ્યા…!’ કહેતો દિનેશ સૌથી પહેલો દોડ્યો. પૈસા ચૂકવીને બગલમાં પગલૂછણિયું દબાવતા મનસુખલાલ ઓટલે આવ્યા. એટલી વારમાં તો શારદાબહેન પણ સામે આવી ગયાં. બધાં પૂછવા લાગ્યા, ‘ક્યાં હતા મનસુખલાલ?’, ‘ભલા માણહ કઈને નો જવાય?’, ‘આવા વેહ ચ્યમ કરતાં?’, ‘કોઈકે ઠમઠોર્યા લાગે સે……’ પણ, મનસુખલાલ ક્યાં કોઈનું સાંભળતા હતા? શારદાબહેનના હાથમાં પગલૂછણિયું આપીને ઓસરીમાં બેસી ગયા. શારદાબહેને પગલૂછણિયા ઉપર હાથ ફેરવ્યો ને પામી ગયાં, ‘આ ગૂંથણી તો એમની જ!’