સરોવરના સગડ/જયંત કોઠારી: સંકલ્પમાં બાંધછોડ નહીં!: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:49, 7 May 2024
‘જયંત કોઠારી: સંકલ્પમાં બાંધછોડ નહીં!
(જ. તા. ૨૮-૧-૧૯૩૦, અવસાન તા. ૧-૪-૨૦૦૧)‘ઓછોવત્તો ભૂખરો રંગ જ વધુ વાસ્તવિક કહેવાય. મારી વિવેચનામાં એ દેખાતો ન હોય, ને એ કેવલ શ્વેત અને કેવલ શ્યામમાં જ વિભાજિત થઈ જતી જોવા મળતી હોય તો એ એની ખામી. સમતુલા જળવાઈ નથી એમ કહેવાય. આ અંગે અભ્યાસીઓ કહે તે જ ખરું. મારે કંઈ શોધીને બતાવવાનું હોય નહીં.’ (તપસીલ, પૃ.૬૭) ઈરાદાપૂર્વક પૂછાયેલા મારા પ્રશ્નનો ઉત્તર આપતાં અખંડ વ્યાસંગી વિદ્વાન એવા જયંત કોઠારી આમ વદેલા. આ એમને ઉશ્કેરવાની મારી રીત હતી. આમ તો કષાયોને કાપવા જન્મેલા અને તેથી સમ્યક્ભાવને વરેલા, પણ છેલ્લા વાક્યમાં એમનો ભૂખરો રંગ પ્રગટ થઈ ગયેલો. એમનું ખરું વ્યક્તિત્વ અને ખરું ભૂખરાપણું માણવું હોય તો – ‘સ્મરણરેખ’માં, ‘ઉમાશંકર: જેવા મેં જોયા, જાણ્યા, અનુભવ્યા...' અને ‘અપ્રગટ જયંત કોઠારી’માં; 'અમારાં બા’ એ બંને લેખો વાંચી જવા. આ લેખો ઉમાશંકર અને જયંતભાઈનાં બા-ઝબકબા ઉપરાંત ખુદ કોઠારીસાહેબના વ્યક્તિત્વના પણ પરિચાયક બની આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના, ગુજરાતી સાહિત્યકોશ કાર્યાલયમાં સંદર્ભ સહાયક તરીકે મારી નિમણૂક થઈ એ પત્રમાં જણાવ્યા મુજબ, નોકરીમાં હાજર થતાં પહેલાં મુખ્ય સંપાદક શ્રી જયંત કોઠારીને મળવું એવી સૂચના હતી. આ અગાઉ મેં એમનો વિવેચનસંગ્રહ ‘ઉપક્રમ’ વાંચેલો, એમ તો માઉન્ટ આબુની શિબિરમાં, બંને જોશીબહેનો સલોની-કીર્તિદા પાસેથી એમનું નામ ઘણી વાર સાંભળેલું. એ મારા ઇન્ટરવ્યૂમાં પણ બેઠેલા, પરંતુ જયંત કોઠારી એટલે આ એવી ખબર નહોતી. ખાદીનો સફેદ પણ ઇસ્ત્રીવાળો ઝભ્ભો-લેંઘો, દાંત બધા સાબૂત છતાં બંને ગાલમાં ખાડા, એકદમ એકવડિયું શરીર, અવાજ પણ એટલો ધીમો કે પ્રભાવ ઊભો થવા ન દે. વારેઘડીએ ચશ્માં પહેરે અને કાઢે! જનમ ધરીને આ માણસે ઝભ્ભા-લેંઘા સિવાયનું કોઈ વસ્ત્ર ધારણ કર્યું હશે એવી કલ્પના પણ ન આવે. ઠંડી ઋતુ હોય તો ખાદીભવનમાં જ જોવા મળે એવી ચોકલેટિયા રંગની ગરમ બંડી અને શાલ ચડાવી હોય. એમના પગમાં કોલ્હાપુરી ચંપલ જ અરઘે. રજોયણો પકડતાં પકડતાં રહી ગયેલા કોઈ જૈન સાધુ જેવા લાગે. અનૌપચારિક રીતે એમને મળવાનો ઉપક્રમ પણ અદ્ભુત હતો. એચ.કે. કોલેજના પાર્કિંગમાં સાયકલ મૂકીને જમણી બાજુના પહેલા જ રૂમમાં ધડકતા દિલે ધસમસતો હું પહોંચ્યો ત્યારે બે-ચાર જણા કબાટો અને ટેબલો આમથી તેમ ખસેડીને બધું ગોઠવી રહ્યા હતા. લોખંડ અને કોટાસ્ટોનની ચિચિયારીઓ વચ્ચેથી માર્ગ કરીને કોઠારીસાહેબને શોધી કાઢ્યા. એ એક ખૂણાના ટેબલે બેઠા હતા. ચશ્માં બાજુ પર મૂકીને ઝીણી નજરે કશુંક વાંચતા હતા. મેં નોંધ્યું કે આટલા અવાજો વચ્ચેય આ માણસ વાંચી શકે છે! એમની સામે બેસવાની હિંમત તો ક્યાંથી વધે? એટલે ઊભાં ઊભાં જ પૂછ્યું: 'આપ કોઠારીસાહેબ છો?’ 'હા. હું જયંત કોઠારી!’ નહીં ચહેરા પર હાસ્ય, નહીં કોઈ આશ્ચર્ય કે નહીં આવકારનોય ભાવ… અચાનક જ ઊંડા ઊતરી ગયા હોય એવું લાગે.! મેં કહ્યું - ‘હું હર્ષદ!’ ‘ઓળખું છું!' એવું કહેવાના વિકલ્પે સ્થિર નજરે મને તાકી રહ્યા. પછી કહે : ‘બેસો’ કબાટો ગોઠવાઈ રહ્યા ત્યાં સુધી એમણે કશી વાત ન કરી. વાંચતા રહ્યા. દરમિયાન એક માણસ (વિઠ્ઠલ મકવાણા) આવીને પાણીના બે ગ્લાસ મૂકી ગયો. હું પાણી પી રહ્યો એટલે પૂછ્યું: ‘ક્યારથી જોડાવા ઇચ્છો છો? 'સાહેબ! હું તો આ સોમવારે જ જોડાઈ જાઉં, પણ, મારું ભણવાનું બગડે એમ છે. એપ્રિલ મહિના સુધી તો કલાસિસ ચાલશે. આપ કહો તો હું આ છ મહિના સુધી પાર્ટટાઈમની રીતે આવું. કહો તો કેટલુંક કામ ઘેર લઈ જઈને ય પૂરું કરું. પણ મારું એમ.એ.નું છેલ્લું વર્ષ છે એટલે... પરીક્ષા પતે પછી તો આપ કહો એમ!’ એવું તો કેમ ચાલે? તમારે અહીં અગિયારથી સાડા પાંચ તો રહેવું જ પડે! તમે કહો છો એ રીતે તો કોઈ કામ જ ન થાય. આ તો ટીમવર્ક છે. આમાં તો બધાં એકસાથે જ જોઈએ. એ રીતે વિચારવું પડે...’ છેવટે, યુનિવર્સિટીની તુલનાએ, કોશકાર્યમાં મને વધુ શીખવા-જાણવા મળશે. એ પૂર્ણેશ્વરી વચનનો મેં અંગીકાર કર્યો અને રઘુકુળરીતિ અપનાવી. સંશોધનની વિવિધ પદ્ધતિ અને ચોકસાઈ તો કોઈ કોઠારીસાહેબ પાસેથી શીખે! અમને કહે – ‘સંદર્ભ સહાયક તરીકે તમારે લોકોએ પાયાનું કામ કરવાનું છે. એકેએક સામયિક કે પુસ્તક જોઈને પાના નંબર સાથે સંદર્ભ ટાંકવાનો છે. આંખો મીંચીને આ કામ કરવાનું છે! તમે કાર્ડમાં એક પણ સંદર્ભ લેવાનું ચૂકશો કે આળસ કરશો તો એ ફરી ક્યારેય હાથમાં નહીં આવે. કાયમને માટે છટકી જશે! આગળ ઉપર એ સંદર્ભ નકામો નીવડે એવું યે બને, તો તે વખતે છોડી દઈશું! પણ, તમે ચૂક્યા, તો પછી કોઈ ચાવી હાથ નહીં આવે! આ 'ચાવી' શબ્દ એમને પ્રિય. છેલ્લા ઘણા વખતથી, આપણે જોઈ રહ્યા છીએ કે સાહિત્યજગતમાં બધાં પ્રકારનાં તાળાં માટે એક જ પ્રકારની ચાવી વાપરવાનો રિવાજ થતો ચાલ્યો છે. જયંતભાઈ ચાવી ઉપરથી તાળાં શોધતા અને ખોલતા. એ કહેતા કે કોઈ ચાવી નકામી નથી હોતી! એમનાં ‘ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ' તથા મિત્ર નટુભાઈ રાજપરા સાથે કરેલા ‘ભારતીય કાવ્યસિદ્ધાંત' એ બે પુસ્તક સાહિત્યના વિદ્યાર્થીએ તો પોતાના જોખમે જ નહીં વાંચ્યાં હોય! અરે એની ક્યાં માંડો છો? જયંતભાઈથી ય સિનિયર અધ્યાપકો, એ પુસ્તકો વાંચીને ભણાવવા જતા. વિવેચનમાં ભૂખરો રંગ બરોબર, પણ સંશોધન તો બ્લેક એન્ડ વ્હાઈટમાં જ હોય ને? એ ન્યાયે ભોળાભાઈ અને દીપક મહેતાએ નોંધ્યા મુજબ : તેઓ કોદાળીને નિઃસંકોચ કોદાળી કહી શકતા અને ગામ આખું રાજાના વસ્ત્રાભૂષણનાં વખાણ કરતું હોય ત્યારે, રાજાએ તો વસ્ત્રો જ નથી પહેર્યાં એવું કહેવાની બાલસહજ નિર્ભયતાપણ એમનામાં હતી. પોતે જૈન હતા, પણ કટ્ટર જૈન ન હતા. કેમકે નિયમિત રીતે દેરાસર કે ઉપાશ્રય જતા નહોતા કે નહોતા રાખતા ચોવિહાર. એકાસણું ક્યારેક કરતા હશે પણ એ તો સ્વાસ્થ્યલાભ અર્થે જ. અને-કેવળીની પદવી તો એમણે તીર્થંકરો પાસેથી સીધી લીટીના વારસ તરીકે જ મેળવેલી. એટલે એ પછી પીએચ.ડી. કે એવી કોઈ પદવીની ભાવના એમણે ન કરી. હા, એમના શિષ્યોને પદવીપ્રભાવના જરૂર કરી! પોતે જ એક જગ્યાએ લખ્યું છે : 'હું આદર - ઊંડો આદર અનુભવી શકું પણ ‘ભક્તિ’ભાવ ન અનુભવી શકું! પરંતુ અનિચ્છાએ પણ, એમના અંતેવાસીઓને ભક્તિભાવ સુધી જતાં એ રોકી શક્યા નહોતા! ‘ગુજરાતીનો અધ્યાપકસંઘ'ના મંત્રી તરીકે એમણે અને ચિમનભાઈએ ઘણી અદ્ભુત પરિપાટીઓ ઊભી કરેલી. જે ગણો તે આ એક જ સંઘ હતો. ત્યારે, આપણે આટલો બધો વિકાસ નહોતો કર્યો. અધ્યાપકો પ્રમાણમાં ઘણા નિર્દોષ, એટલે માત્ર અધ્યયન કરતા ને કરાવતા! જિલ્લે જિલ્લે નહોતા અધ્યાપકસંઘ કે નહોતા આટલા બધા સંઘવીઓ! એ.પી.આઈ.નો અર્થ કોઈ જાણતું નહોતું. જયંતભાઈ એટલું જ કહેતા : 'કામ બોલશે, કામ કરો...’ આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિ અને વિજયપ્રદ્યુમ્નસૂરિજી સાથે એમની વધુ નિકટતા. વિદ્યા અને વિચારના વિનિમયાર્થે એ બંનેને મળવા ઘણી વાર જાય. પણ શ્રાવકો જેવું નહીં. નમસ્તે કરે, સમાદર કરે પણ ભાવવિભોર થવાનું કોઠારીના ભાગ્યમાં નહોતું. મેં એમના એકદમ કાળા વાળમાં વાસક્ષેપ થયાનું જાણ્યું નથી. છેલ્લે એ બહુ બીમાર હતા ત્યારે, મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી હૉસ્પિટલમાં એમને જોવા ગયા હતા. પછીથી એ સાધુવરે વિહારમાંથી વાસક્ષેપ મોકલ્યો અને સદ્ભાવનાના પ્રતીક તરીકે એમણે એ માથે પણ ચડાવ્યો હતો. પણ એ તો અપવાદ માત્ર! જૈનભંડારોમાં પોથીબદ્ધ પડેલી અનેક હસ્તપ્રતોને અનાવૃત કરી-કરાવી પ્રાણવાયુ પહોંચાડવાનું જિનકર્મ એમણે કરેલું. લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરથી માંડીને પાટણાદિ અનેકાનેક જૈનભંડારોને તથા મૂળી, વડતાલ, ગઢડા, કાળુપુરાદિ સ્વામિનારાયણ મંદિરના ગ્રંથભંડારો ઉઘડાવવાની ‘ચાવી’ઓ એમની પાસે હતી. દરેક પુસ્તકના સંક્ષેપનામ આપવાનું એમને માટે સહજ હતું. કોઈ અજાણ્યો માણસ કૌશકાર્યાલયમાં આવે અને હવે બેવડા અવતરણમાં લખું છું એ વાક્ય સાંભળે તો એનો શું અર્થ કરે? “લક્ષ્મીવિજય તો એકાધિક છે. મૂળ લક્ષ્મીવિજય પછી પણ એક-બે-ત્રણ- ચાર-સુધી આ લક્ષ્મીવિજયપરંપરા લંબાય છે. મુશ્કેલી એ છે કે ‘હેજૈજ્ઞાસૂચિ:૧'માં છે તે ‘મુપુગૃહસૂચી'માં નથી. ‘ઐસમાળા,૧' અને ‘જૈકાપ્રકાશ' તો વળી સાવ ભળતું જ નોંધે છે! 'ગુસારસ્વતો' અને 'મરાસસાહિત્ય' વચ્ચેય સુમેળ નથી. સામે પક્ષે ‘જૈગૂકવિઓ,૨ અને ૩માં બધા લક્ષ્મીવિજયોનો મા.ઉ.જ છે! વધારામાં કેટલાક ખરતરગચ્છના છે અને એકાદ—બે તપાગચ્છનાં છે. લે.સં. અને ૨.સં.ના કોયડા તો ઠેકઠેકાણે પડ્યા છે. આ બધાની ચાવીઓ શોધવામાં જ અઠવાડિયું જાય!” કંઈ સમજ પડી તમને? ન પડી ને? આ બધું અમને એ વખતે સહજ સમજાતું! આનું ભાષાંતર હું સારી રીતે કરી જ શકું. પણ, આ નિમિત્તે 'ગુજરાતી સાહિત્યકોશ ખંડ :૧'ની મુલાકાત તમે ય લો એવી અપેક્ષા છે. સાવ અમસ્થા તો કંઈ ઉમાશંકર જોશી કોશની કાર્યકરમંડળીને હેમચંદ્રાચાર્યની વિદ્વમંડળી સાથે ન સરખાવે ને? ખવડાવવા-પીવડાવવા (ચા-પાણી, જોઈએ તો ઉકાળેલું પાણી પણ મળી શકે.)માં જયંતભાઈનો આખો પરિવાર ઘણો ઉદાર. ભાગ્યે જ કોઈ તહેવાર એવો હશે જે અમે ‘ઝબક’, ૨૪, સત્યકામમાં નહીં ઊજવ્યો હોય. અનેકવાર અમે જયંતભાઈનાં ધોળામાં ગુલાલ પાડ્યો હશે! જ્યારે જઈએ ત્યારે મંગળાભાભી ખાલી પેટે ન આવવા દે' એ તો જાણે સમજ્યા, પણ ઘેર કૈંક હાંડવો કે ઢોકળાં જેવું સારું બન્યું હોય તો. રિસેસમાં ખાવા અમારા માટે આવ્યું જ હોય! એ સમયે એક સાથે આઠ-દસ ડબ્બા ખૂલે. બધાં સાથે મળીને ખાટું-ગળ્યું, તૂરું, તીખું; અડુંહલો ને આંબલી બધું જ-છએ છ રસ આરોગતા. જયંતભાઈએ કિસમકિસમની ખોપરીઓને જોઈ તપાસીને કોશમાં આણેલી, એટલે કે ખોપરી એટલી કીટલી! ચા, દૂધ, કોફી, બોર્નવિટા અને કોમ્પ્લાન સહિતનું બધું જ હોય. અમારી રિસેસનો સમય ઘણા બધા વિદ્વાનોને બીજી અનેક રીતે પણ આકર્ષતો. ગુજરાતભરના વિદ્વાનો એ સમયને માણવા ખાસ જોગ કરતા. ભગતસાહેબ આવે ત્યારે મજા પડી જાય. ઘરમાં મહેમાનો આવ્યા હોય ને બાળકોને મોકળાશ મળી જાય એવી મજા! ભગતસાહેબ ખાય ઓછું ને બોલે ઝાઝું! દરેક વખતે એમની પાસે નવો મુદ્દો અને આગવો તારસ્વર હોય. રિસેસનો સમય પૂરો થઈ જાય……પણ હમણાં ઊઠું છું... હમણાં ઊઠું છું… આ છેલ્લો મુદ્દો…અને આ છેલ્લી વાત કરતાં કરતાંમાં તો રિસેસ બેવડીત્રેવડી થઈ જાય! ઊભાં ઊભાં ય અડધો કલાક કાઢી નાંખે! તે દિવસે સ્થૂળ અર્થમાં કોશનું કાર્ય વિલંબમાં પડે. પણ કોઠારીસાહેબ કહે કે-‘આ પણ સાહિત્ય અને શિક્ષણનું જ કામ છે ને?' કોશકાર્યમાં ભગતસાહેબ પાસેથી અનૈપચારિક રીતે ય કેટલું બધું માર્ગદર્શન મળી રહેતું! કોશકાળ દરમિયાન જ, પરિષદનું અધિવેશન હૈદરાબાદમાં ભરાયેલું. એમાં હાજર રહેવા અમને બધાંને જયંતભાઈએ ઉશ્કેર્યાં, એટલું જ નહીં એ નિમિત્તે દક્ષિણ ભારતનો એક અઠવાડિયાનો પ્રવાસ પણ ગોઠવી કાઢ્યો. મારા જેવાની તો થોડીક આર્થિક જવાબદારી પણ એમણે ઉપાડેલી. જયંતભાઈ-રમણ સોની અને રમેશ ૨. દવેએ આખું આયોજન વિચાર્યું. એ સમયે ગૂગલદેવીનું અસ્તિત્વ તો હતું જ નહીં! એટલે પ્રવાસન નિગમમાં જઈને ફરફરિયાંરૂપે બધી માહિતી એકઠી કરવી પડતી. હરિહર શુક્લના વડીલબંધુ બલભદ્ર શુક્લ એ વખતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા. એમણે ઓછા નફે બહોળો વેપાર કરવાની રીતે બે લક્ઝરી કાઢી. અમારી બસમાં અમે અઠ્ઠાવન જેટલાં રસિક-વિદ્વદજનો હતાં. બીજી બસમાં જ્ઞાનગાંભીર્ય સિવાય બીજા કશાને અવકાશ નહોતો! જયંતભાઈને જુઓ તો લાગે નહીં કે આ ‘કોશિયા' જયંતભાઈ છે! નહિતર, રઘુવીરભાઈએ તો ભૃગુરાય અને જયંતભાઈને સાથે રાખીને એમ લખ્યું છે કે – ‘બંનેના ચહેરા પર ભાગ્યે જ સ્મિત ફરકે. તો પણ ભૃગુરાય ક્યારેક ખીલે, વાતે ચઢી જાય તો આનંદ આનંદ કરાવી દે, પણ જયંતભાઈના મોં પર મેં ક્યારેય સ્મિત જોયું નથી.' પણ આ આખા પ્રવાસ દરમિયાન તો અમે એમને હસતા-હસાવતા અને આનંદ કરતા, અંત્યાક્ષરીમાં ગીતો યાદ અપાવનારા પ્રેમાળ મુરબ્બી તરીકે જ જોયા છે. આખા પ્રવાસના અનુભવ પછી, નરોતમ પલાણે એમના વિશે જે લખ્યું છે તે ગાંઠે બાંધવા જેવું છે: ‘…હું જોઈ શક્યો કે એમનું ભાવવિશ્વ સહેજ પણ સાંકડું નથી. બધી જ કળાઓ વિશે અને ગૌર કપાળમાં મોટો ચાંદલો મંગળાબહેનને કેવો શોભે છે તેની સપ્રસન્ન વાતો કરી શકતા.’ જયંતભાઈને આંકડાનો જરા પણ છોછ નહીં. એમનું ગણિત પાકું. પણ અત્યારના વાણિજ્યવિસ્તારના સાહિત્યકાર ભાઈબહેનો જેટલું પાકું નહીં! એમણે ક્યારેય ઇન્કમટેક્સનાં રિટર્ન ભરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર નહોતી પડી એટલું જ નહીં, કેટલાક સાથી અધ્યાપકોને પણ આ બાબતે તેઓ નિચિંત કરી શકતા. એમને ત્યાં ટેલિફોન વપરાતો નહીં એટલું બિલ આવતું. તો પોતે એકેએક ફોનની નોંધ રાખી અને વીસ રૂપિયા જેવી નાની અમથી રકમ માટે પણ કોર્ટના દરવાજા સુધી ગયા. બિલની રકમ કરતાં અનેકગણો ખર્ચ થયો. પણ ટેલિફોનખાતાને મીણ ભણાવીને જ છોડ્યું! ભાસ્કર તન્ના જેવા મોટા વકીલ, એક દાખલો બેસાડવા માટે જ કોઠારીસાહેબનો કેસ લડેલા, જયંતભાઈનો સ્વભાવ જ એવો કે જો એ તમારી સાથે હોય તો તમારે કોઈ વાતે વ્યાધિ કરવાનો રહે નહીં. પ્રવાસનો બધો હિસાબ પણ પોતે રાખતા. છેલ્લે દરેકના ખાતામાં અમુક રકમ વધતી હતી. જયંતભાઈએ બધાંની સંમતિ લઈને કાયમી યાદગીરી રહે એવી વસ્તુ લેવાનું વિચાર્યું. ખરીદીનો નિર્ણય જયંતભાઈ પોતે જ કરે એવી સહુની લાગણી હતી. રસ્તામાં સોલાપુર આવ્યું. જયંતભાઈએ આખી બસ ચાદરોની મિલ તરફ વળાવી. જાતે અંદર ગયા. બરાબર થોકની રીતે ભાવતાલ કરાવ્યો. બધી એક જ રંગની અને એકસરખી ક્વોલિટીની આવવી જોઈએ એવો આગ્રહ રાખ્યો. ડ્રાઈવર- કંડકટર સહિત બધાંને જીવતેજીવ, એમણે ચાદર ઓઢાડી. મારે ત્યાં તો હજી પણ એ કેસરિયાચાદર સચવાઈ છે અને ઉપયોગમાં પણ આવે છે! આ ઘટના વર્ણવીને પલાણે લખ્યું: 'જયંતભાઈની દૃષ્ટિ, જીવનના સ્થૂળ વહેવારમાં પણ ઊણી ઊતરે એવી નો'તી! બહુ ઓછા મિત્રોને અનુભવ હશે કે જયંતભાઈ ઓરડો ભરાઈ જાય તેવું ખડખડાટ હસી શકતા!’ કોશના કામ માટે અમુક હસ્તપ્રતો અને પુસ્તકો રૂબરૂ જઈને જોવાં જ પડે એવી સ્થિતિ હતી. આ માટે જયંતભાઈ પાટણ, ભૂજ, વડતાલ અને મુંબઈ પણ ગયેલા. દરેક વખતે હું અને કીર્તિદા જોશી એમની સાથે હોઈએ. મુંબઈની બધી જ કોલેજોએ સહકાર આપેલો. અમે મહાવીર જૈન વિદ્યાલયના ગેસ્ટહાઉસમાં ઊતરેલાં. કોરાસાહેબ (કાંતિલાલ) અને રમણલાલ ચી. શાહ અમારાં આગોતરાં આયોજનોમાં મદદ કરે અને પન્નાલાલભાઈ શાહ ખડેપગે સરભરામાં રહે. આખો દિવસ ભટકીએ અને રાત્રે આવીએ ત્યારે લોથ જેવાં થઈ ગયાં હોઈએ. એકવાર તો મેં પરાણે જયંતભાઈના પગ દબાવી આપેલા. ઘણી વાર પછી એમનો સંકોચ થોડો દૂર થયેલો. જયંતભાઈએ એ વખતે પિતાથી ય વિશેષ અમારી કાળજી લીધેલી. હેગિંગ ગાર્ડન અને એલિફન્ટા જોવા પણ લઈ ગયેલા. દરિયાને તો એમણે, ઢીંચણ સુધી લેંઘો ઊંચો કરીને માત્ર પાદપ્રક્ષાલન કરવાની તક આપી હતી. જો કે અમને મુક્ત રીતે નહાવા દીધાં હતાં. હીરાબહેન પાઠકનો એવો આગ્રહ કે- ‘ભાઈ જયંત! મારે ત્યાં જમ્યા વિના અમદાવાદ પાછા જવાનું નથી! સાથે પેલાં છોકરાંઓને ય લેતાં આવજો.' અમે ચોપાટી પાસે, ચાર નંબરના ઓર્ફનેજ બિલ્ડિંગમાં ગયાં ત્યારે હીરાબહેને, જાતે બનાવેલાં બત્રીસ ભાતનાં ભોજનનો અન્નકૂટ તૈયાર રાખેલો. માત્ર પૂરી અને પાપડ તળવાનું બાકી રાખેલું. કીર્તિદાબહેનને, પાપડ તળવા પૂરતી કીર્તિ માંડ માંડ એમણે આપી! મેં જોયું કે પાઠકસાહેબને ગયાને તો વરસો થઈ ગયેલાં, છતાં હીરાબહેન રાતે ચૂડલે ને રાતે ચાંદલે હજી એમનાં સાંન્નિધ્યમાં જ જીવતાં હતાં. પાઠકસાહેબને આ ભાવે ને તે ભાવે! એમનું નાક બહુ ગંધીલું. સુગંધ પરથી જ વાનગીનો સ્વાદ વરતી લે અને….લીલી ચટણી તો દીઠી મૂકે નહીં! એવું એવું બોલતાં જાય ને આગ્રહ કરી કરીને અમને પીરસતાં જાય! મા અન્નપૂર્ણા અને સરસ્વતીનું સાક્ષાત્ રૂપ આ હીરાબહેનથી જુદું હોઈ શકે? સાથોસાથ એમ પણ સમજાયું કે આ માડી જ, 'પરલોકે પત્ર' લખીને પાઠકસાહેબને સ્વૈરવિહાર કરાવી શકે! જયંત કોઠારી પોતાને હમેશાં સાહિત્યના વિદ્યાર્થી-શિક્ષક ગણાવતા હતા. સમજવું અને સમજાય એ રીતે લખવું અને ન સમજ્યા હોય એવું કશું જ ન લખવું એ એમના વિવેચનનો પહેલો પાઠ. વિશદતા અને સરળતાના બળે આપમેળે સધાતી આવતી પ્રત્યાયનક્ષમતાનો ગુણ જયંત કોઠારી પછીના વિવેચકોમાં ઓછો જોવા મળે છે. કોઠારીસાહેબ 'ના મૂલમ્ લિખ્યતે કિંચિત્'ની પરંપરાના વિવેચક હતા. તલસ્પર્શી તપાસને અંતે કંઈ ઊભરી આવે તેને કશા જ છોછ કે ગ્રહ વિના મૂકી આપે. જયંતભાઈ કદી સુષ્ઠુસુષ્ઠુ ન લખે. જરૂર જણાય ત્યાં આક્રોશ પણ વ્યક્ત કરે, તંતોતંત દલીલ કરે, પણ વિવેચનનું ગૌરવ જાળવીને. એમણે કવિ કલાપીના અભ્યાસી ડૉ. રમેશ મ. શુક્લને, પોતાના અલગઅલગ બે લેખમાં પ્રશ્નો કરેલા : ‘ખેલપટુતા- કલાપીની અને કોની કોની?' 'ખેલપટુતા-વાજસૂરવાળાની પણ?’ જેની ટીકા કરતા હોય એનેય એમની વાત ગળે ઊતરે એવી એમની શૈલી. ગળે ઊતર્યા પછીય મતભેદ રહે તે જુદી વાત! મતભેદનેય આવકારે પણ કેન્દ્રમાં સાહિત્ય હોવાની શરતે. સ્પષ્ટતા એ જ એમનું વ્યક્તિત્વ. ‘વાંકદેખાં વિવેચનો’માં બધા લેખો કંઈ ખોડખાંપણ દેખાડવા જ લખાયા નથી. અનેક ઠેકાણે ગુણદર્શન પણ જોઈ શકાય. એ પુસ્તકને અઠ્ઠાણુંનો સાહિત્ય અકાદેમી એવોર્ડ જાહેર થયો ત્યારે એમણે તેનો અસ્વીકાર કરેલો. આમ કહીને- ‘મારી સાહિત્યસેવાઓની આ રીતે નોંધ લેવાય એનો આનંદ જરૂર છે. આ એક આકસ્મિકતા છે, જે કામચલાઉ હોય છે. એવોર્ડ મળવાને કારણે ફરક પડતો નથી. મારો સંકલ્પ છે કે કોઈ સ્પર્ધાત્મક અને પસંદગીપૂર્વક અપાતાં માન-સન્માન ન સ્વીકારવાં. સંકલ્પમાં બાંધછોડ ન હોય. અન્યથા સંકલ્પનું મૂલ્ય રહેતું નથી… બીજાંઓ માટે દ્વાર ખુલ્લાં રાખવાં એ મારી ભૂમિકા છે અને તેથી આ એવોર્ડ સ્વીકારવાનું શક્ય નથી.' મોહનલાલ દલીચંદ દેશાઈ, રા. વિ. પાઠક, ઉપેન્દ્ર પંડ્યા અને ભૃગુરાય અંજારિયાની પ્રકૃતિના વિદ્વાનો એમના આદર્શ. કોઈને ચીકણા લાગે એટલી હદે ઊંડા ઊતરે. ક્યારેક સ્વકેન્દ્રી અને વધુ પડતું ઝીણું કાંતનારાય લાગે.-અને એમનો અહમ્ પણ નાનો નહીં! પણ, પરિણામ જોઈએ ત્યારે લાગે કે આ બધું જરૂરી હતું. કોઈનેય ન જાય ત્યાં જયંતભાઈને શંકા જાય. અમને પણ શંકા કરવાનું શીખવે. એ તાલીમને કારણે, ગુણાંકન કરનારા તત્ત્વચિંતકોને જે સમજવામાં વાર લાગે છે તે અમે ‘કોશિયા’ઓ આજે પણ કેટલુંક, બહુ વહેલું સૂંઘી લેતા હોઈએ છીએ. મને લાગે છે કે આ બાબતે હાસ્યભટ્ટજીને પણ વાંધો હોવો ન જોઈએ! ગુજરાતી જોડણી સુધારાના એટલે કે એક ઈ-ઉના અભિયાનમાં પટેલત્રયી (રામજીભાઈ, સોમાભાઈ, અને ઉત્તમભાઈ)ની સાથે એ પણ અગ્રેસર થયા હતા. ઉંઝાની ગોળમેજી પછી એમણે એ પ્રમાણે લખવાનું શરુ કરેલું. મને લેખ મોકલે એમાં ય આદતવશ એમણે વિદ્યાપીઠિય પ્રચલિત જોડણી કરી દીધી હોય અને પછી સુધાર્યું હોય એવું એક કાગળમાં સાતઆઠ વાર થયાનું જોયું એટલે મેં ફોન પર એમને કહ્યું : 'સાહેબ! ખોટું લખવાનુંય કેટલું અઘરું છે નહીં?' ‘ધીમે ધીમે ટેવાઈ જવાશે' એમ કહીને હસી પડ્યા એટલે મેં થોડો વધારે અવિવેક કર્યોઃ 'સાહેબ! ઊંઝાનું જીરું લેવાય, જોડણી નહીં! તમે ક્યાં આ રવાડે ચડ્યા? એમ કહીને એક દોહો સંભળાવ્યો: ‘કરતાં હો સો કીજિયે અવર ન કરીએ કગ્ગ માથું રહે શેવાળમાં ને ઉપર રહે બે પગ્ગ!’ અને એ તો જે ભડક્યા!-તો તમે મારો લેખ ન છાપો ને! કોણ તમને આગ્રહ કરે છે? અને તમે મને શું કાગડો ગણો છો? એમના અવાજમાં ભારેપ્રકારની તીખાશ આવી ગઈ. મેં કહ્યું કે, ‘અમે તો વિદ્યાપીઠ મુજબ જ છાપીએ. આપને વાંધો ન હોવો જોઈએ!' એ વાત તો ત્યાં પતી. ‘શબ્દસૃષ્ટિ'માં એ પછી પણ એમના અનેક અને લાંબા લેખો માન્ય જોડણીમાં છપાયા. પણ, અમારા સંબંધોમાં ક્યાંય કડવાશ ન આવી. ઊલટું, હું માગું ત્યારે મારા કોઈ પણ કામમાં એમનું યોગદાન તો ખરું જ, વધારામાં માર્ગદર્શન પણ મળતું. જયંતભાઈ વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પણ પરિવારના માણસ હતા. જોડાયેલા રહેવું એમને ગમતું. એમની ઓળખાણમાં જે કોઈ આવે એ ધીમે ધીમે કરતાં પરિવારમાં ભળી જાય. જયંતભાઈના એક પિતરાઈ ભાઈ, કે જેમને ઝબકબાએ ઉછેરીને મોટા કરેલા. જયંતભાઈનો વિવેક એ કે - માતાના મૃત્યુના સમાચાર સૌથી પહેલાં એ ભાઈને પહોંચાડેલા. એમને આવવામાં વાર લાગે એમ હતું. કોઈએ ઉતાવળ કરવા કહ્યું તો જયંતભાઈ બોલ્યા: ‘નેવું વર્ષની રાત્રિઓ માએ પસાર કરી તો એક રાત વધારે. જે વ્યક્તિએ માતાને અમારા કરતાં વધારે ચાહી છે તેની હાજરી વિના આ ઘરમાંથી માને જવા નહીં દેવાય! પછી દુદૈંવ તો એવું કે -એમનાં સંતાનો સાવ સોનાનાં હોવા છતાં, કોણ જાણે કેમ પણ એમને ભાગે વેઠવાનું જ આવ્યું. અકાળ મૃત્યુ, માંદગી, બંધન, વિચ્છેદ અને બીજી પીડાઓ પણ ભોગવવી પડી. કોઠારીસાહેબ કેટલુંક જોવા ન રોકાયા એ એમનું વ્યક્તિગત સદ્ભાગ્ય. અન્યથા, જીરવવા-જોગવવાની બાબતે એમની ભારે કસોટી થઈ હોત! એમની માનવીયસંવેદનાઓ કેટલી તો વ્યાપક હતી તેની વાત એમના મોટા પુત્ર પીયૂષભાઈએ આ શબ્દોમાં કરી છે: ‘લાતુર ધરતીકંપ પછી, ઘરમાં ચર્ચા ચાલતી હતી કે, ફંડફાળાની રકમ અસરગ્રસ્તો સુધી પૂરેપૂરી પહોંચતી નથી. સૌની શંકા એવી હતી કે આપણા સોમાંથી માંડ પચાસ રૂપિયા પહોંચતા હશે. અંતે ભાઈએ કહ્યું, ‘જો બધાં આવું વિચારીને મદદ ન કરે તો? સહાયની જરૂર તો છે જ. જો તમારે સો રૂપિયા પહોંચાડવા હોય તો બસો મોકલવા જોઈએ. ‘આની સામે અમારી પાસે કોઈ દલીલ નહોતી.’ મૃત્યુને એમણે ઘણીવાર હંફાવ્યુંહરાવ્યું હતું. બાણુંની સાલમાં એમને નાના પ્રકારના વ્યાધિઓની સાથે મહાવ્યાધિરૂપ જળોદરનો રોગ લાગુ પડ્યો. હાથપગ દોયડી ને પેટ ગાગયડી! ખાય-પીએ એનું લોહી ન બને અને પેટમાં પાણી ભરાય. સમજોને કે એલોપથીની તમામ સારવાર નિષ્ફળ ગઈ અને ડોકટરે હાથ ધોઈ નાંખ્યા. માથે લીધેલાં ને કરવા ધારેલાં કેટલાંય કામો બાકી હતાં ને જયંતભાઈ તો મૃત્યુની નિકટ ને નિકટ ધકેલાતા જતા હતા. છેવટે, લા.ઠા.ની આજ્ઞા માનીને, કુદરતી ઉપચાર કરવાનું નક્કી થયું. કનુભાઈ જાનીએ ડૉક્ટર પ્રવીણભાઈ ઓઝાનો સંપર્ક કરાવી આપ્યો. પ્રવીણભાઈની દલીલ એવી કે માંદા પડવા, ડોક્ટરની જરૂર નથી પડતી તો સાજા થવા ડોક્ટર શા માટે? એમણે આહારવિહાર એવા ગોઠવી આપ્યા કે જયંતભાઈની કમર સત્યાશીની થઈ ગઈ હતી એમાંથી ધીરે ધીરે કરતાં બત્રીસે આવી. જયંતભાઈ બેઠા થયા. એટલું જ નહીં દસેક વર્ષ જીવ્યા અને મહત્ત્વના પ્રકલ્પો પાર પાડ્યા! ગુજરાતી સાહિત્યકોશના ત્રણેય ખંડો એમના સંપાદનમાં જ પૂરા થયા હોત તો, સ્વાભાવિકપણે જ ચિત્ર જુદું હોત. પણ, પરિષદના તે વખતના સત્તાધૂરીણો અને એમની વચ્ચે એકબે નહીં, અસંખ્ય બાબતે મતભેદો પડ્યા હતા. શબ્દફેરે વિશ્વાસની જ કટોકટી ખડી થઈ ગયેલી. કોઈ આરોવારો ન રહેતાં, જ.કો.એ પોતે જ એ કામ અધવચ્ચેથી છોડ્યું. સાહિત્યજગતની એ એક અવાંછિત ઘટના હતી. કોનું શું કર્તૃત્વ અને કોનું શું સારું કે હીણું યોગદાન એની ખાતાવહીમાં ન પડીએ તો પણ, એમ લાગે છે કે ‘વિશ્વશાંતિ'યજ્ઞ કરાવવામાં આપણું સામૂહિક શાણપણ પાછું પડેલું. આપણી સાહિત્યિક પ્રતિબદ્ધતામાં પડેલું એ સૌથી મોટું ગાબડું હતું. સમિષ્ટનાં હિત નાનાં થયાં હતાં ને વ્યક્તિઓના અહમ્ મોટ્ટા થઈ ગયા હતા. કહો કે એક અમંગળ બિના બની ગઈ હતી. કોઠારી જિદ્દી અને મમતીલા છે એવું ભાયાણીસાહેબ, નગીનદાસ પારેખ અને થોડેક અંશે ચિમનભાઈ પણ માનતા થયા. હતા. જોકે એમની આવી માન્યતાને કારણે, કોઠારીની વિદ્વત્તા કે પાત્રતા ઓછી થતી નથી એવું તો તે બધા પણ સ્વીકારતા હતા. હતા તો એક હતા, ચી. ના. પટેલ! કે જેઓ કોઠારીને મર્યા પહેલાં મરવા દેવાના મતના નહોતા. એ સાંગોપાંગ સાથે રહેલા. કોઠારીસાહેબના મિત્ર અને કોશસાથી જયંત ગાડીતના આ શબ્દોમાં બંને જયંતનાં હૃદયની પીડા ઊભરાઈ આવી છે : ‘સાહિત્યકોશનું કામ જયંતભાઈને જીવથીય વધારે વહાલું હતું. એને છોડવું પડ્યું એની અપાર વેદના એમના હૃદયમાં હતી. ‘કોઈ મારી ચામડી ઉતરડી લેતું હોય એમ મને લાગે છે.' બેત્રણ વખત આ વાક્ય તેઓ મારી પાસે બોલેલા. મૌન સિવાય આશ્વાસનના બીજા શબ્દો મારી પાસે ન હતા.' -એમ લાગે છે કે અત્યારે મારી પણ વાચા હણાઈ ગઈ છે!!