સરોવરના સગડ/બાપુભાઈ ગઢવી: છાતી ટૂંકી પણ, હામ જરા મોટી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 17:14, 11 May 2024


Center

બાપુભાઈ ગઢવી : છાતી ટૂંકી પણ, હામ જરા મોટી!

(જ. તા. નથી મળી શકી, અવસાન તા. ૧૯-૯-૨૦૧૦)

બાપુભાઈ ગઢવીનું નામ પહેલી વખત સાંભળ્યું તે લઘુસામયિક 'આકૃતિ'ના સંપાદક અને ગઝલકારશ્રી. એસ. એસ. રાહીના શ્રીમુખે. એ વખતે, બાપુભાઈ વારંવાર હળવદ-ધ્રાંગધ્રાની દોટ લગાવતા. હળવદની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં કવિ રમેશ આચાર્ય અને ધ્રાંગધ્રામાં કંસારાબજારે રાહીભાઈ. બાપુભાઈ આવે અને એમને તાજી ગઝલો સંભળાવે. ખરું તો એ કે કવિતા કરવા કરતાં કવિતાની ચર્ચા વધુ કરે. મોટા મોટા કવિ-ગઝલકારોની રચનાઓમાંથી તર્ક અને છંદના દોષો શોધી લેવાનું સુખ લે. કવિતા પદારથ સંદર્ભે એમની ઝીણી નજર ચારેકોર ફરી વળતી. નવોદિતો તો ખરા જ, પણ ક્યારેક એમની હડફેટે અમૃત 'ઘાયલ', ભગવતીકુમાર શર્મા કે મનોજ ખંડેરિયા જેવા દિગ્ગજ પણ ચડી જાય. ચારણના ખોળિયે જીવ એટલે વાણીનું વરદાન તો છઠ્ઠીના લેખ ભેગું જ લઈને આવેલા. નકરી જાત અને નકરા શબ્દને લઈને બાપુભાઈ ગામેગામ ને સાહિત્યનાં થાણેથાણે રૂખડિયાની જેમ ઝળુંબતા. ઘડીમાં જામજોધપુર, ઘડીમાં જૂનાગઢ તો ઘડીમાં અમરેલી. છેક ભૂજ સુધી એમની ખેપ પહોંચે. રાજકોટ તો એમના માટે હાટાશેરી જેવું! ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનો અને જ્ઞાનસત્રોમાં ગમે તેમ કરીનેય આવવાનો જોગ કરે. ક્યારેક તો એમણે મિત્ર મનોજ રાવલ કે ડૉ. નરેશ વેદ જેવા વિદ્વાનની આંગળી તો શું, પણ આખેઆખો પોંચો જ પકડી લીધો હોય. સામે ચાલીને બધાંને મળે. બાપુ એટલે નર્યો ઉમળકો! આમ તો અવતર્યા ત્યારથી જ, સાંકડમાં જીવેલા એટલે અગવડોને તો ગણકારે નહીં, બલકે એનો આક્રમક બનીને મહિમા કરે! મુગ્ધતા તો એવી જતન કરીને જાળવેલી કે બાપુભાઈ ગરીબીનેય પોતાનું આભરણ માને. ગમે ત્યારે, ગમે તેની પાસે પોતાની ગરીબીને અડાણે મૂકી શકે એવી એમની વાણી. એમના જેવી વાંકું બોલવાની ત્રેવડ મેં આજ સુધી બીજા કોઈમાં જોઈ નથી. માણસ ઊભોઊભ જ ખાખ થઈ જાય ને તોય કોઈને ખબરેય ન પડે એવાં એવાં વાગ્બાણ એમના ભાથામાં હોય. એ ગમે ત્યારે તમારાં ઈમાન-આબરૂને પડકારે. બાપુભાઈ એવું માનતા કે પોતે વર્ષમાં બે-ચાર સારી ગઝલો લખે છે એટલે એમને પાળવાપોષવાની જવાબદારી સાહિત્યસમાજની છે. અને એ પવિત્ર ફરજ અદા કરવામાં સમાજ ઊણોઓછો ન ઊતરે એ માટે પોતે ભરપૂર અણિયાળા પ્રયત્નો કરતા. માણસની આંખના દરિયામાં નજરનો એક જ આંકડો નાંખ્યો નથી કે એની ઔકાતના અંદાજની માછલી પકડાઈ નથી! ક્યા સમયે મધ બેસે અને ક્યારે ક્યારે ઊડે એનો પાકો અંદાજ એમને રહેતો. 'ઇસરા પરમેસરા' ઇસરદાનજીના કુળમાં જન્મેલા બાપુભાઈના પિતા શ્રીમંત હતા. એમની પાસે જમીનેય ઘણી હતી. પણ બાપુભાઈના જન્મ પછી, કોણ જાણે શું થયું તે બાએ દીકરાને લઈને તાબડતોબ એ ઘરને તડકે મૂક્યું ને વીરવદરકામાં પિયરવાસ કર્યો. મા પાસે નાનકડા ખોરડા સિવાય ખાસ કશું બચ્યું નહોતું, પણ બાપુભાઈને માનવતાના પાઠ ભણાવવામાં એ જગદંબાનો જોટો જડે એમ નહોતો. માનું નામ મુળાંબા પણ બાપુ એમને મુબા કહેતા. એમની પાસેથી ધાણીફૂટ ભાષાનો વારસો ઝીલનારા બાપુભાઈની જીવનવેલને, અપંગ મામા બનામામાએ વાત્સલ્ય વરસાવીને ઉછેરેલી. માળિયા-મિયાણા પાસેના વીરવદરકા ગામે બાપુભાઈનાં બેસણાં. મા-દીકરો ખેતમજૂરી કરે અને બાકીનું ખૂટતુંકરતું મામા ભરી આપે. આ મામા સાવરકુંડલામાં કોઈના ઓટલે સૂતેલા. ઊંઘમાં જ પડખું ફર્યાં તે પડી ગયા. બ્રેઈન હેમરેજ થયું ને ઘડીના છઠ્ઠા ભાગમાં તો ‘જે માતાજી’ કહેવાય ન રોકાયા. બાપુભાઈ ઝાઝું ભણ્યા નહોતા. માત્ર પાંચ કે છ જ ધોરણ! પણ એમના અક્ષરો મોતીના દાણા જેવા. જોડણીની ભૂલ તો કોઈ કાઢી શકે જ નહીં. હૈયાઉકલત પણ ઘણી, અત્યારના કોઈપણ ભાષાભવનિયા કરતાં વધારે વિદ્યા એમના કોઠે ચડેલી. કવિતાના છંદો, એટલે કે ડિંગળપિંગળની જાણકારી પણ અસાધારણ. એક વાર કોઈ ચારણીછંદને લઈને ચિમનલાલ ત્રિવેદી સાથે પણ અડી પડેલા. બુધસભામાં બાપુભાઈ આવ્યા હોય ત્યારે એક-બે માત્રાઓય આઘીપાછી થવાની હિંમત ન કરે. નોંધવું જોઈએ કે એમનો કાન પહેલેથી પાકો, લયના આધારે લઘુગુરુ ગોઠવે. પણ, શાસ્ત્રીય રીતે છંદના રવાડે ચડાવનારા અને અધ્યયનની શીખ આપનારા તો અધ્યાપકમિત્ર મનોજ રાવલ જ. વધારામાં કવિ અરવિંદ ભટ્ટના મામા અને લેખક એવા શાંતિલાલ જાની પણ એમને હૂંફ આપતા. આપણા સરસ વાર્તાકાર અને ચરિત્રકાર રજનીકુમાર પંડ્યા એક સમયે જૂનાગઢની વિજયા બેંકમાં મેનેજર હતા. એમના એક લેખનો સાર લઈને કહું તો, જીવનના તાપથી તપ્ત થયેલા બાપુભાઈ ક્યારેક ટાઢક લેવા એમની એરકંડિશન્ડ ચેમ્બરમાં આવી બેસતા. રજનીકુમાર પણ જલદી દ્રવી જાય એવા માણસ. વાતમાં વાતે બાપુભાઈએ પોતાની અર્થગાથા શરૂ કરી. ગાયોભેંસો જેવી જ પોતાની સ્થિતિ છે એવું પ્રતિપાદન થવામાં જ હતું. રજનીભાઈને ચારેકોર્યથી કરુણાનો ભાવ આંબી જવામાં જ હતો. પણ, ઈતિસિદ્ધમની ક્ષણે જ. અચાનક 'અંજલિ' અને ‘દૃષ્ટિ’ જેવા સામયિકના સંપાદક અને કલમનવીસ શ્રી પ્ર. રા. નથવાણી અવતારરૂપ ધરીને પ્રગટ થયા! એમની આંખો માણસનો એક્સરે લેવામાં માહિર. ક્ષણવારમાં પામી ગયા. કોઈનેય મદદ ન કરવી એવું એમનું વલણ નહીં, પણ એવું ખરું કે માણસ જાતે જ પોતાના પગ પર ઊભો રહે એમ થવું જોઈએ. રોકડા દેવાને બદલે એને કામ કરવાનો ઉત્સાહ ચડે એવું કરવામાં માને. એટલે કહે કે આના કરતાં તો કંઈક કામધંધો કરો તો સારું. બાપુભાઈનાં હાજરજવાબીપણાંની પરીક્ષા કરવા એમણે યક્ષપ્રશ્ન આદર્યા: ‘ખેતમજૂરી કરો તો..?' ‘રોજના સાઈઠ મળે એમાં મા, મામા ને મારા ઉપરાંત ઢોરઢાંખર અને કૂતરાંબિલાડાંનું ક્યાંથી પૂરું થાય?’ ‘એકાદ હાટડી માંડીને વેપાર કરો તો.?' 'વેપાર લોહીમાં નથી...' ‘ગૃહઉદ્યોગ કરો કાં પશુપાલન કરો તો...?' ‘ગૃહઉદ્યોગ આવડતો નથી ને પશુપાલનમાં તો હરેરી ગ્યો…’ ‘તો, લશ્કરમાં ભરતી થઈ જાવ તો...?' ‘છાતી ટૂંકી પડે છે!’ શિંગડે ઝાલો તો ખાંડું ને પૂંછડે ઝાલો તો બાંડું! રજનીકુમારને સમજતાં વાર ન લાગી! પછી તો –બાપુભાઈ રજનીકુમારની ભલામણથી જ થોડો સમય આર. આર. શેઠની કંપનીમાં નોકરીએ રહ્યા, પણ એમનો જીવ શેઠનો. અને એક મ્યાનમાં બે તલવારના સિદ્ધાંત અનુસાર, એક પેઢીમાં એકસાથે બે શેઠ ન ટકે એ ન્યાયે એમનું નોકરું ઝાઝું ન ટક્યું. આમ તો એ પૂર્વે રાજકોટ પ્રવીણ પ્રકાશનમાંય જઈ આવેલા. બાપુભાઈનું પ્રાવીણ્ય એવું કે એક જ રાતમાં પ્રૂફરિડિંગ શીખી ગયેલા! એમનાં કર્મે સાહ્યબી લખાઈ નહોતી ને નોકરીમાં, ભલે છાતી ટૂંકી, પણ હામ જરા મોટી હતી. બાપુભાઈને કૂતરાં બહુ વહાલાં. સખાવતમાંથીયે કૂતરાંનાં દૂધબિસ્કિટની સોઈ કરે! એક વાર ગાંધીનગર બૃહસ્પતિસભાના મિત્રોને મળવા, ગઝલો સંભળાવવા અને ટહેલ નાંખવા એમ ત્રિવિધ પ્રકારની તરતીબ લઈને આવ્યા. પહેલી બે યોજનાઓ તો સફળ રહી, પણ ત્રીજીમાં મુશ્કેલી પડી. ઉદારતાનો અભાવ નહીં, પણ તે વખતે સહુના પગાર ટૂંકા અને જુમ્મેદારીઓ ઘણી. એટલે જે કંઈ થયું તે બાપુભાઈના બરનું ન થયું. કનૈયાલાલ મ. પંડ્યા વાતવાતમાં બોલી પડ્યા : ‘અમે તો એલ.ટી.સી.માં જઈએ છીએ નહિંતર થોડોઘણોય મેળ પાડત……’ ‘એલ.ટી.સી.માં કેવી રીતે જશો? એની જોગવાઈ તો કરી શકો છો...’ ‘દસ હજારની લોન લઈને જવાનાં...’ ‘તો બાર હજારની લો ને? દેવું જ કરવું છે તો...’ કનૈયાલાલને આ બેઠા મારની કળ વળતાં વાર લાગેલી. મિત્રોએ કહ્યું કે અત્યારે ભૂપતભાઈ વડોદરિયા માહિતી નિયામક છે અને મુખ્યમંત્રી માધવસિંહભાઈ પણ સાહિત્યરસિક છે જો તમે કહો તો વિનંતી કરીએ ને પટાવાળામાં રખાવી દઈએ! બાપુભાઈનો પ્રશ્ન હતો કે, ‘ત્યાં મારે કામ શું કરવાનું?’ ‘સાહેબ બેલ મારે ત્યારે અંદર જવાનું ને જે કહે એ કામ કરવાનું. ફાઈલો લઈ જવાની અને લાવવાની. સાહેબને મળવા કોઈ આવે એમને ચાપાણી પિવડાવવાનાં...!' ‘ઉહુંહુંહું… કૂતર્યાને પઉં પણ માણહના જણ્યાને તો નહીં જ..' બાપુની એક ગઝલનો શે'ર છે : ‘ઇચ્છા પૂરી હો એક પછી ફાંસીએ ચડું; કહો મારા - વીરવદરકા વતનને ખમા, ખમા!’ આ શે'રને ફૂદડી મારીને નીચે લખ્યું છે: 'વીરવદરકા' ગામ એટલે ગામભૂમિ; ગામલોકો નહિ.’ ખબર નહીં કેમ પણ માનવજાતનો એમને માઠો પરિચય જ થયેલો. મને ખબર છે એમને ઘણા ઘણા, ઘણા સારા માણસો મળેલા, એમનું ધ્યાન પણ બહુ રાખેલું. કોઈ એકાદબેનાં નામ લેવામાં આપણે જાણતા ન હોઈએ એવાઓને અન્યાય થાય. પણ, એમના મનમાંનો કાયમી કચવાટ જીવ્યાલગ ઓછો થયો નહોતો એ હકીકત છે! બાપુભાઈ કવિ હતા. પ્રાણીમાત્રને માટે એમના હૃદયમાં પ્રેમ હતો. અંદરથી બહુ ઉદાર હતા. તાણીતૂંસીને મેળવ્યું હોય એમાંથીય કોઈને મદદ કરનારા હતા. ભોગજોગે કંઈક આશ્ચર્યકારક સંયોજનો એમના સ્વભાવમાં થયેલાં. માનવસ્વભાવની વિલક્ષણતા એમનામાં સોળેય કળાએ ધરબાયેલી રહી. આંતરવિરોધોને ગણકારે તે બાપુભાઈ નહીં. એકદમ મનસ્વી. હંમેશા બુદ્ધિ કરતાં હૃદયની ભાવનાઓને વધુ પ્રાધાન્ય આપે. અત્યંત લાગણીશીલ પણ કોઈ દી' ચઈતર ચડ્યો નહીં ને વૈશાખ ઊતર્યો નહીં! અનેક વાર એમના હાથમાં કલમને બદલે દાતરડાં, પાવડા, ત્રિકમ અને છોરિયાં આવતાં રહ્યાં. એ હંમેશાં દાડી અને મજૂરી વચ્ચે અટવાતા રહ્યા. માણસ જ બાળોતિયાંનો બળેલો! કોઈ કરી કરીનેય કેટલું કરે? લોકો બધુંય બદલી શકે પણ કોઈના હાથની રેખાઓ ન બદલી શકે એ વાત બાપુભાઈનું ફિલસૂફ મન જાણતું હતું. ક્યારેક અમે સહજ ભાવે પૂછી વળીએ: ‘બાપુડિયા, કેવા હાલચાલ છે?' તો કહે કે - 'લૂગડાંને તો થીગડુંય દેઈ! પણ આ માંહ્યલાને ચ્યમ ટેભા ભરવા?’ અમે મિત્રો બાપુભાઈને અનેક નામે બોલાવતા. બાપુ, બાપુભાઈ, બાપુડો, બાપુડિયો, ગઢવી કંઈ પણ કહીએ. જેવો મૂડ અને જેવી વાત! સાવ અજાણ્યું અને પહેલીવાર જ બોલાતું નામ વાપરીએ તોય બાપુ સમજી જાય કે આ મને ઉદ્દેશીને જ કહે છે! પોતે જાણતા કે આ સંબોધનોમાં પ્રેમ જરાય ઓછો નથી. સામે એ પણ ઓછા ન ઊતરે. જ્ઞાતિવાચક નામો અને મીઠી લાગે એવી કડવીવખ ગાળો એમના હોઠે ને હૈયે. એક ઉનાળાની રાતે જીવરાજપાર્કની મારી રૂમના ધાબે જગદીશ વ્યાસ, હરીશ ધોબી, દિલીપ વ્યાસ અને હું સૂતાં હતા. કદાચ વડોદરાથી હાસ્યલેખક રાજેન્દ્ર જોશી પણ આવ્યો હતો. મચ્છરોનો ત્રાસ ઘણો ને મચ્છરદાની લેવાના વાંધા એટલે બધા પડ્યા પડ્યા આખા સાહિત્યજગતમાં ફરી વળે એવી વાતો કરતા હતા. અચાનક જગદીશે પૂછ્યું: ‘હેં બાપુભાઈ! આ મચ્છરો કાન પાસે આવીને જ કેમ ગણગણ કરતાં હશે?’ બાપુભાઈએ હાથમાંની ત્રીસ નંબર બીડીને રમાડતાં રમાડતાં એમની તળપદી તમતમાવી. એમણે વાપરેલો એક શબ્દ બદલીને કહું તો- ‘ઈ પૂંઠેય ગણગણે પણ ન્યાં હાંભળે કુણ? તારી મા?’ ગઝલનું તરન્નુમ કરવું અને ગીતો ગાવાં એ એમનો શોખ. ફિલ્મીગીતો પણ ગાય. અવાજેય સારો. રાગરાગિણીની પ્રાથમિક સમજ પણ ખરી. હાથમાં બાક્સનું ખોખું હોય એના ઉપર આંગળીના નખથી તાલ દેતા જાય ને ગાતા જાય ઘણી વાર ગાતાં ગાતાં એમનો અવાજ ભીંજાઈ જાય અથવા કફને કારણે તરડાઈ જાય.... અને વાતાવરણ સ્તબ્ધ પણ થઈ જાય. બાપુભાઈની એક રચના એમણે જ આપેલી તરજ પ્રમાણે મનહર ઉધાસે, પછી પુરુષોત્તમ ઉપાધ્યાયે અને હંસાબહેન દવેએ પોતાની રીતે ગાઈ છે : 'તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી?’ એ ઘણા લોકોએ સાંભળી છે ને ખાસ્સી લોકપ્રિય પણ થઈ છે. એક તબક્કો એવો હતો કે બાપુભાઈ રમેશ પારેખ સિવાયના કોઈને ભાગ્યે જ કવિ ગણે. ચોવીસેય કલાક ને સાંઠોય દિ' એ રમેશની રચનાઓના કેફમાં રહેતા. ‘ગઢને હોંકારો તો કાંગરાંય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે?’ એ અને 'એક ફેરા હું નદીએ ના'વા ગઈ તેદુની ગઈ, ત્યારથી મારા ઘેર હું પાછી કોઈ દિ’. આવી નહીં!' એ બધી રચનાઓ ઊલટથી ગાતા. રમેશ પારેખ વિશેની કિંવદંતી ફેલાવવામાં એમનું યોગદાન પણ ઓછું નહીં. બાપુભાઈનો મિજાજ નખશિખ કવિનો મિજાજ હતો. કોઈનેય ગાંઠે નહીં ને દરેક બાબતમાં એમને કશુંક મૌલિક ઉમેરવાનું હોય. એમની મૌલિકતા એકદમ દેશી અને મૂળગામી રહેતી. હેવમોરમાં લાભશંકર ઠાકર સાથે ઘણી વાર મળવાનું થતું. એક વાર બાપુભાઈ કહે કે -‘તમે કવિ સાચા પણ વૈદ્ય નહીં!' લા.ઠા.ની કમાન હજી તંગ થઈ નથી એ સમજાયું એટલે બાપુભાઈએ બીજું તીર છોડ્યું: ‘તમે પગની કપાસી મટાડવા માટે પાણી સાથે નળિયું ઘસવાનો પ્રયોગ લખ્યો છે પણ ઈ હાવ ખોટો છે… મેં ઘસ્યું તો મટવાને બદલે વધારે વકર્યું!’ લા.ઠા.ને અસલ મૂડમાં લાવવામાં એ સફળ થઈ ગયા! ઠાકરસાહેબ અવાજ ઊંચો કર્યાં વિના, એકેએક શબ્દ છુટ્ટો પાડીને બોલ્યા: ‘ઘસવું જોઈએ ત્યાં નહીં ઘસ્યું હોય! નક્કી કોઈ સુંવાળી જગ્યાએ ઘસ્યું હશે... પછી તો વકરે જ ને?’ પરણવાની ઉંમરે બાપુભાઈને કોઈએ કન્યા ન આપી. એમની કવિતા ઉપરેય કોઈ રૂપસુંદરી વારી ગઈ નહીં! એક દિવસ અમને કહે કે – ‘તમ્યે આટલા બધા ભાઈબંધો છો પણ બધાય નકામા… કોઈ ક્યાંકથી, ભલે મહોતા જેવી તો મહોતા જેવીય પણ વઉ ગોતી દ્યો ને!’ એમને જોઈને કૂતરાં ‘વઉકારા' કરતાં પણ એમનો મેળ પડતો નહોતો. ઘણી વાર એવું યે કહે કે – 'મારા હાટુ નહીં તો મુબા હાટુ ય ગોતી દ્યો... આ બાપુને પરણેલો જોશે તાંણે ઇના જીવને હખ થાશ્યે !’ પછી તો, એ મોટી ઉંમરે પરણ્યાય ખરા. મુબાએ વહુદીકરાનું મોઢું જોયુંયે ખરું. બાપુભાઈનાં પત્ની મહારાષ્ટ્રનાં હતાં. એમનું નામ પાર્વતી. બે દીકરાય થયા. મોટો કબીર અને નાનો જન્મ્યો ત્યારે તાળવું લઈને નહોતો આવ્યો એટલે એનું નામ પાડ્યું અરૂપ. એક વાર અરૂપની તબિયત ખરેખર ગંભીર થઈ ગઈ ને બાપુભાઈના ખિસ્સામાં દરજી નીચેની સિલાઈ મારવાનું ભૂલી ગયેલો! ભાડું આપીને વીરવદરકા મોકલ્યા ને કહ્યું કે બધાંને લઈને સીધા ગાંધીનગર જ આવો. ડોક્ટર અનિલ વેદને બતાવીએ. આવ્યા. વેદસાહેબે અરૂપને બેઠો કરી દીધો. ફીનું પૂછ્યું તો કહે કે - કવિ પાસેથી ફી ન લેવાય!’ દુકાળના વરસમાં બાપુભાઈ ઘણા વખતે અમદાવાદમાં દેખાયા. આવ્યા ત્યારે વળી એક નવી યોજના લઈને આવ્યા હતા. વીસ મિત્રો બબ્બે હજાર આપે તો એમનાં ઢોરાં દુકાળ પાર ઊતરી જાય! ગુજરાતી સાહિત્ય પરિષદમાં જઈને રમેશ ૨. દવેને આ યોજના કહી. જેવી વાત પૂરી કરી કે ક્ષણનાય વિલંબ વિના રમેશભાઈ બોલી ઊઠયા: - તો તમારા મિત્રોની યાદીમાં મારું નામ નહીં!' એ જ યોજના લઈને બાપુપુરાનરેશ પાસે ગયા. બધું સાંભળીને રઘુવીરભાઈ કહે કે - ‘એટલા બધા તો ન આપી શકું, પણ જોઈએ તો બસો-પાંચસો કરી આપું!’ ‘ઊંહુંહુંહું… આપો તો બે હજાર પૂરા આપો... બસો-પાંચસો તો તમને જોંયેતો હું આપું! એમણે આ રીતે, રઘુવીરભાઈને એક મરકલું વેરવાની ફરજ પાડી હતી! આવું આવું ને એના જેવું સાંભળ્યા પછીય બાપુભાઈ માઠું ન લગાડે! માનવનિયતિના ખેલને એક ઓલિયાની આંખે જોયા કરે. હિંમત ન હારે..…. આટઆટલી પીડાઓ વચ્ચે, કદાચ એ પીડાને કારણે જ એ ગઝલો લખતા રહેતા… એમનો હાથ, કવિનો હાથ હતો એટલે કે મીણનો હતો અને એનાં ટેરવે ટેરવે ગઝલના દીવા બળતા રહેતા.... એક વખત બાપુભાઈને અચાનક એક હજારની જરૂર પડી. મિત્રોને વાત કરી. આ બાપુભાઈ પહેલેથી જ હરીશને કડકો માને. મજાકમાં કહે પણ ખરા, હાળા ધોબી! તારે કારણે તો રામ અને સીતાને વિજોગ થયેલો! હરીશ પારકાં કપડાંને ઈસ્ત્રી કરી કરીનેય એમને નાનીમોટી મદદ કરે તોય બાપુની માન્યતામાં ફેર ન પડે. એ બે એકલા હોય ત્યારે હરીશને વડાપાઉં બાપુ ખવડાવે. લકીની ચા બાપુ પીવડાવે. બાપુ એમ સમજે કે હરીશ મારા કરતાંય વધારે ભીડમાં છે એટલે ક્યારેય એને પૈસા ચૂકવવા ન દે. આ વખતેય હરીશ પાસે પૈસા ન માગ્યા. પણ હરીશ એવો સંવેદનશીલ કે બાપુભાઈની પીડા જોઈ ન શકે. ખાંડણિયામાં માથું મૂકવા તૈયાર થયો. છેવટે, હજારનો મેળ થયો, પણ હરીશને પોતાને ગેસના બાટલા માટે ત્રણસોની જરૂર હતી એટલે હજારને ને ઠેકાણે સાતસો આપવા એમ ઠરાવીને બાપુભાઈને બોલાવ્યા. પૈસા ગણી આપ્યા. એ પછી કલાકેક રહીને હરીશ મહેતા રેસ્ટોરન્ટમાં ચિનુભાઈ આદિને મળવા ગયો તો જોયું કે બાપુડિયો પોતે જમે છે ને અન્ય કોઈને પણ જમાડે છે! એક વખત બાપુભાઈએ કિરીટ દૂધાતને અને કૌશિક બ્રહ્મભટ્ટને બરોબરના પડકાર્યા. કહે કે - 'તમારા જેવા ખડતલ ભાઈબંધો હોય ને મારે…' કિરીટ અને કૌશિક બંને એ વખતે ભલે નાની, પણ નોકરી કરતા. એમના ઉપરેય જવાબદારીઓ હતી. આ બંને મિત્રોને જોગ કરવામાં ચાર-પાંચ દિવસ તો ગયા જ. કવિ આવે એ પહેલાં એવું પણ નક્કી કર્યું કે આ બાપુડિયાને થોડો ઉપદેશ પણ આપીએ કે, ‘ભાઈ, જરા સરખી રીતે જીવ તો તકલીફ ઓછી પડે!' એમણે બાપુભાઈના હાથમાં રકમ મૂકી અને કહેવા જેવું, આવડે એવી સારી ભાષામાં કહેવાનું શરૂ કર્યું. બાપુભાઈ બે ત્રણ વાક્યોના ઘૂંટડા તો ગળી ગયા. પણ પછી, એમનું ચારણશોણિત ઊછળ્યું! કહે કે – ‘બે વસ્તુ એક સાથે નહીં બને! કાં પૈસા આપો કાં સલ્લાહ! જોઈએ તો લઈ લો આ પૈસા પાછા...’ કૌશિકનો વર્ણ ગૌર અને નાક ભારતભૂષણ જેવું લાંબુ. આ સાંભળીને નાક ઉપર કરચલીઓ અને ચહેરા ઉપર લાલાશ ઊપસી આવી! બંનેને બાપુભાઈનો આ શે'ર યાદ આવી ગયો હશે, કદાચ. ‘પાછો એનો એ ખેલ ખેલ્યો છે, એક પથ્થર પલળવા મેલ્યો છે!’ ફરી એક વાર રજનીકુમારની અને બીજા એક અધિકારીની ભલામણથી એક અર્ધસરકારી કચેરીમાં વર્ગ ચારની નોકરી મળી. એ વખતે બાપુભાઈ દિવસે નોકરી કરે ને રાત્રે, ગુર્જરવાળા મનુભાઈ શાહના સદ્ભાવને કારણે શારદા મુદ્રણાલયમાં, ગાંધી રોડ ઉપર રહે અને પ્રૂફ વાંચે. બહારનું જે મળે તે ખાઈને જીવન ગુજારે. ક્યારેક તો પ્લાસ્ટિકની કોથળીમાં ચા લઈ આવે ને બિસ્કિટના ટેકે રાત ટૂંકી કરે. વીર માંગડાવાળાની જેમ એમનું સામ્રાજ્ય રાતનું! એક વાર સાંજે હું કામ પતાવીને, ચંદ્રિકા પ્રિન્ટરીમાંથી નીકળ્યો ને શારદાના ડેલામાં બાપુભાઈને મળવા ગયો. એવડા મંદિરમાં બાપુભાઈ એકલા હતા. એકલો ટુવાલ પહેરેલો અને નાહવાધોવા જતા હતા. કપડાંમાં એવું કે આજનાં કાલ ને કાલનાં પરમદી એમ ચાલે. એકદમ ચીણું હાડ અને પોષણના અભાવે કૃશ એવું એમનું શરીર. મોટેભાગે ખાખી ને એવા જાડાં કપડાં પહેરે. માથું તો જીવનના તાપ ખમીખમીને અકાળે જ ધોળું થઈ ગયેલું. બાપુભાઈના મોટા કપાળે એક રૂપેરી લટ સરી આવતી. એમ સમજોને કે એમને જોયા ત્યારથી ધોળા વાળમાં જ જોયેલા. એ નાહી રહ્યા એટલે મને કહે: 'આ બાજુ કાં ચરણ ઉપડ્યા કાં મને યાદ કીધો?' એ સમયે અમે બધા મિત્રો હાલતાંચાલતાંય વિવિધ છંદોમાં વાતો કરતા. મેં પણ ફટકારી : ‘તારી પાસે કશુંક જડશે એ જ આશે હું આવ્યો!’- અને બાપુભાઈએ છંદનું પડીકું વાળીને નાંખ્યું ઓલ્યા ખૂણામાં. અસલ રંગમાં આવી ગયા: ‘હાળા ભામટાં જાણે જોવો તાંણે ભૂખ્યાં ને ભૂખ્યાં!' (પ્રિય વાચક! ખોટી કસરત ન કરીશ. આ પંક્તિ છંદમાં નથી!). 'બોલ શું ખાવું છે?' મેં કહ્યું કે થોડી વાર બેસીએ, વાતો કરીએ પછી જતી વખતે કંઈક ખાઈને છુટ્ટા પડીએ. કલાકેક વાતો કરી હશે… પછી બાપુ કહે કે- ‘હાલ્ય! હવેં તો મને ય લાગી સે...' શારદાની સાંકડી લાંબી અંધારી ગલીમાંથી જેવા ગાંધી રોડે બહાર મોઢું કાઢવા જઈએ છીએ ત્યાં જ ખબર પડી કે બહાર તો કરફ્યૂ પડી ગયો છે! હવે શું કરવું? પાછા અંદર આવ્યા. ખાવાનું તો કંઈ હતું જ નહીં! અચાનક બાપુને વિચાર આવ્યો. મને કહે: 'કરફયૂની તો…’એ આગળ ને હું પાછળ શારદાના પાછલા દરવાજેથી સાવ નાની નાની ગલીઓમાંથી નીકળતાં નીકળતાં કોઈ એક પોળના ઘર પાસે આવી ને ઊભા રહ્યા. બાપુડિયાને જોયો એટલે મોટી ઉંમરનાં એક માજી બહાર આવ્યાં. ત્યાંથી અમે થેપલાં ને સૂકી ભાજી લઈ આવ્યા. ચૂપચાપ આવીને મા શારદાને ખોળે બેસી ગયા. એ રાત મારે ત્યાં જ રહેવું પડ્યું. સવારે આઠ વાગ્યે કરફ્યૂ છૂટ્યો ને હું સીધો જ લાલ દરવાજા ભણી… એ રાતે ફરી એક વાર અમે દુનિયા આખીની 'કૂથલી' કરી હતી! એક ગઝલકાર તરીકે બાપુભાઈ ઘણા સજ્જ હતા. એમની ગઝલોમાં રદિફ-કાફિયાની અને ભાષાની ચુસ્તી જબ્બર. ‘- કે નદી વચ્ચે છીએ?’ એ એમનો એક માત્ર સંગ્રહ. રૂમાલગઝલો તો લગભગ એક લસરકે જ લખેલી. સંયમ પણ ઘણો. બાપુભાઈ રોજ ઈંડું દેનારા મરઘીકવિ નહોતા. શબ્દના અર્થને અને એનાં અર્થવલયોને બરાબર જાણે ધાર્યું હોત તો થોકબંધ લખી શક્યા હોત. પણ પોતીકા શબ્દનો એમનો આગ્રહ એવી છૂટ ન લે. એટલું નસીબ સારું કે રોહિતભાઈ, મનુભાઈ અને મારા આગ્રહને કારણે બાપુભાઈની હયાતીમાં જ ગઝલસંગ્રહ પ્રગટ થઈ શકેલો. બાપુભાઈ એ જોઈને ગયા એનો અમસરીખા મિત્રોને સંતોષ છે. બાપુભાઈ પરિવારને બહુ ચાહતા. જીવ આપી દેવા તૈયાર થાય એવી એમની તીવ્રતા – અને સુવિદિત છે એમ એમનો પરિવાર નાનો નહોતો. પ્રકૃતિનાં તમામ તત્ત્વો એમના પરિવારની વ્યાખ્યામાં આવે. એ કાયમ કહેતા કે 'કામના વાદ થાય, કરમના નહીં!' મહાવ્યાધિ થવાને હજી વાર હતી, પણ બાપુભાઈ જ્યારે બહુ માંદા પડ્યા ત્યારે એમની દવા અને ખોરાક માટે મિત્રોએ આપેલા રૂપિયાને એ જાતે જ મહાજનફંડમાં ફેરવી નાંખતા અચકાતા નહીં. શારદા મુદ્રણાલયે એમને ઘણો લાંબો સમય એટલે કે જીવ્યા ત્યાં સુધી નિભાવ્યા. ગમે તેમ કરીને પણ દર અઠવાડિયે વીરવદરકા જવાનું એટલે જવાનું જ. અને ખાલી હાથે ઘેર જવાનો એમનો સ્વભાવ નહોતો. એટલે દર અઠવાડિયે રોહિત કોઠારી સાથે એમને માથાકૂટ થાય જ. ક્યારેક અકળાઈને બોલી ઊઠે: ‘આ વાણિયાનો દીકરો… દમડી નહીં છોડે!' રોહિતભાઈ એમનું ભલું ઈચ્છે એટલે એડવાન્સનો હાથ જલદી ખુલ્લો ન કરે. બાપુભાઈને ચાહવાની એમની પદ્ધતિ સાવ જુદી જ હતી. પત્નીને વાઈનું દરદ હતું. ઘણી દવા કરાવી પણ કોઈ રીતેય એમને સારું ન થયું. બે છોકરાને અને મુબાને બાપુભાઈના હવાલે મૂકીને એમણે ગામતરું કર્યું. એ પછી તો મુબા પણ હાલી નીકળ્યાં. ધીમે ધીમે કરતાં ઢોરઢાંખરેય પોતાનો મારગ કર્યો. વીરવદરકામાં એકલી લૂ વાતી હતી પણ બાપુભાઈ ભરીપીનારા હતા. એમણે કુદરતના અસહકાર સામે મોરચો માંડેલો જ રાખ્યો. પોતે બાપ મટીને મા બન્યાં અને બંને દીકરાઓના ઉછેરમાં લાગી ગયા. છોકરાઓને જુએ ને એમની આંખમાં અમી ઉભરાય. જગતભરની કડવાશનું રૂપાંતર મધુરતામાં થાય. દીકરા કબીરને શાળાના નિયમિત શિક્ષણ ઉપરાંત એમણે સપ્તકમાં તબલાં શીખવા મૂકેલો. એમની એવી ઇચ્છા કે દીકરો ભણીગણીને બાજંદો થાય અને ભવિષ્યમાં એ ભારતખ્યાત કળાકારોને સંગત આપે. પોતે ખાધું ન હોય પણ કબીરને જુદી જુદી જગ્યાએ લઈ જઈને ભાવતું જમાડે. દીકરો પૂછે તો ખોટા ખોટા ખાલીપેટના ઓડકારા કરે ને કહે કે - 'મેં તો ભાણું ભરીને ઑફિસમાં ખાધું છે તું તારે ટટકાર્યને!’ વિદ્યાનગર હાઈસ્કૂલમાં કબીરના ક્લાસ ચાલે. બાપુભાઈ એના ક્લાસ ચાલે ત્યાં સુધી દરવાજે બેઠા રહે. બીડીઓ પીધે રાખે. ચાના ટીપાને બત્રીસ ભાતનું ભોજન માને. એ પછી તો એમને કેન્સરનો મહાવ્યાધિ લાગુ પડ્યો. એકબાજુનું જડબું કઢાવી નાંખવું પડ્યું. મોઢામાંથી લાળ પડે તો, ગઝલમાં રોમાંચ અને પ્રેમના પ્રતીક તરીકે વાપરેલો એ લાલ રૂમાલ આડો ધરે. હું એમની ખબર કાઢવા પંચવટીવાળા શારદા મુદ્રણાલયે ગયો. પરાણે હાથ પકડીને નાકા ઉપર ચા પીવા લઈ ગયા. મેં ખિસ્સામાં હાથ નાંખ્યો તો ચાવાળો બોલ્યો: ‘રહેવા દો! એમના પૈસા તો અહીં જમા હોય !' અને એક દિવસ સમાચાર આવ્યા કે બાપુભાઈ હવે નથી! કેટલીક ગઝલો જમા કરાવીને એ ચાલ્યા ગયા. હજીય કોઈ કોઈ વાર વિદ્યાનગર હાઈસ્કૂલ પાસેથી પસાર થતી વેળાએ નજર બાપુભાઈને શોધવા વ્યાકુળ થઈ જાય છે… એમ લાગે કે આટલામાં જ ક્યાંક ખોંખારા ખાતા બેઠા હશે...