ગાતાં ઝરણાં/બે સુયોગો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:58, 15 May 2024


બે સુયોગો

એ હકીકત છે કે ગુજરાતી ગઝલ-પ્રવૃતિ કિંવા ગુજરાતને ગઝલમય કરવાની મુશાઈરહ-ચળવળ હમણાં તેની પચ્ચીસીમાંથી પસાર થઈ રહી છે, તેના કોઈ પણ કાર્યકર કે સંબંધિતનું લક્ષ દોર્યા વિના સરકી જઈ રહી છે. તેથી જ કદાચ, એક આવશ્યક અને કાર્ય-સાધક, ઉપયોગી અને અમલી જુબીલી-ઉજવણી એળે વહી જઈ રહી છે.

પ્રવૃત્તિની પા સદીની કાર્યવાહી અને સેવા, તેણે જગાડેલ રસ અને લક્ષ, કરેલ કામની ખૂબીઓ અને ખામીઓ, કરવા જોઈતા છતાં નહિ કરેલ કામની રૂપ-રેખા, સર્જેલ નવા કાવ્ય-વાતાવરણના ઉપયોગો પ્રયોગોની વિગતો, ગુર્જર કાવ્ય-સૃષ્ટિમાં વહેવડાવેલ નહેરો અને લહેરો તથા પ્રવાહો અને વહનોનાં ફળદાઇ સિંચનોનું નિર્માણ, એ વગયરહની વિચારણા અને તુલનાની, તેના હિસાબ તથા કિતાબની આ ધન-ઘડી છે. જુબિલીની એવી નક્કર ઉજવણી, સંબંધિત શાઈરો અને ગઝલકારોની એક જવાબદારી છે, કે જેથી તેમનાં કાવ્ય–સર્જનમાં ખાહ-મ-ખાહ પ્રવર્તી રહેલી વિચાર અને વાણીની ઉલટફેર તથા અંધાધુધ, સુવ્યવસ્થા અને સુમેળ અને સ્થિરતામાં ફેરવાઈ જાય; કે જેથી તેમની ગઈકાલની મૂડીનું આવતી કાલે ઉત્પાદન ફળે અને મઝદૂરીનું વેતન મળે; કે જેથી જનતા તેમને જેટલી દિલચશ્પી અને દિલ્લગીથી સાંભળે વાંચે છે, તેટલી સમજ અને બુદ્ધિથી તેમની કૃતિઓ અપનાવે પચાવે પણ; કે જેથી જે મૌલિકતા અને નવીનતા તેઓ ગુર્જર સાહિત્યને ઉત્સાહથી આપી રહ્યા છે તે ભાનપૂર્વક પણ અપાય અને તેની એક સંગીન કળા, એક સુંદર મતા પણ બની જાય. કારણ કે એ નક્કી છે કે ગઝલ, ગુર્જર હૃદયોમાં કાયમી કબ્જો પણ જમાવી ચૂકી છે અને ગઝલ-સાહિત્ય, ગુર્જરીનું એક સ્થાયી અંગ પણ બની ગયું છે.

એવી કોઈ આલોચના કે તુલના આ જુબીલી પ્રસંગમાંથી પ્રેરાઈ રહી નથી. તેથી કહો કે ત્યાં સુધી ગની સાહિબના ગઝલ-ગુલિસ્તાનમાંથી વીણી અને વણીને ગૂંથવામાં આવેલી આ કાવ્ય-કુસુમમાળા જ તેનું સ્થાન લઈ લે છે. આપણી ગઝલ-રસિક જનતા માટે તે ઘણે અંશે પ્રસંગસર પણ સાબિત થશે-એ અર્થમાં, કે તે, તેને માટે જે કંઈક નવી અને અનોખી છે એવી આ વસ્તુનું વાતાવરણ આપશે, તેનું કલેવર દેખાડશે; તેની ભાષા, પરિભાષા અને શૈલી-સરણીનો પરિચય કરાવશે. ખરેખર એવા રંજનીય વાંચન દ્વારા મળેલ-આપ મેળે જ મેળવેલ-થોડોક વધુ, થોડો નવો, થોડોક તાઝો આભાસ પણ તેની એ વિષેની સમજદારી તીવ્રતર બનાવી શકે છે.

*

“ગાતાં ઝરણું” એક પકવતર “ગની”ની આગાહી આપે છે. આજનો ગની આવતી કાલના “ગની”ને ઝટઝટ આકાર આપી રહેલો એમાં સાફ સાફ દેખાય છે-એક અસરકારક, આગ્રહી, લાક્ષણિક “ગની”નો આકાર. એમ થઈ રહ્યાનાં સ્પષ્ટ, સુખદ ચિહ્નો હું એ કૌતુકમાં હયરતપૂર્વક નિહાળી રહ્યો છું, કે એ ગુજરાતી સુરતી, પોતાના મહાન ફારસી કાશ્મીરી સમનામીને પથે સ્વયં વિચરી રહ્યો છે. “ગની” કાશ્મીરીનાં અહંભાન અને સ્વમાન “ગની” ગુજરાતીમાં વિચાર અને વાણી, શૈલી અને સરણી, ભાન અને ભાવના, બધાં અંગે ઓછે-વત્તે તરવરી રહ્યાં છે.

ગઝલ ક્ષેત્રનાં સંભવિત ભયો અને દુષણોથી પર અને રક્ષિત રાખનારી આ રહબરી મને ઘણી જ ગમી છે. આપણા ગઝલકારો માટે એવાં અનુસરણ અત્યંત આવશ્યક છે. આપણા “ગની”ને એ તવંગરી રાસ આવી જાય અને તેનાથી તેમની વિચાર-સૃષ્ટિ રવશન થઈ રહે, એવી મ્હારી આશા અને આશિષ છે.

ભાગાતાલાબ,
૧-૮-૫૩
–મુનાદી