સંજુ વાળાનાં કાવ્યો/ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા: Difference between revisions
(Created page with "{{SetTitle}] {{Heading| ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા}} {{Poem2Open}} ડિસેમ્બર ૧૦, ૧૯૪૮ના રોજ કવિ ટી. એસ. એલિયટે સ્ટોકહોમ ખાતે સાહિત્યનો નોબેલ પારિતોષિક જીત્યા પછી આપેલા વક્તવ્યમાં કહેલું કે – ‘..we must remember, that...") |
(No difference)
|
Revision as of 02:19, 28 May 2024
{{SetTitle}]
ડિસેમ્બર ૧૦, ૧૯૪૮ના રોજ કવિ ટી. એસ. એલિયટે સ્ટોકહોમ ખાતે સાહિત્યનો નોબેલ પારિતોષિક જીત્યા પછી આપેલા વક્તવ્યમાં કહેલું કે – ‘..we must remember, that white language constitutes a barrier, poetry itself gives us a reason for trying to overcome the barrier.’ કવિતા ભાષાનાં અવરોધોને ઓળંગવાનો પ્રયાસ કરે છે એટલું જ નહીં પરંતુ ક્યારેક તો ભાષાને જ ઓળંગી પોતાની નોખી અર્થચ્છાયા નીપજાવવાનો અને નિભાવવાનો સઘન પ્રયત્ન કરે છે. કારણ કે કવિને જે કહેવું છે એ જો એવું કશુંક છે જે ભાષાની મર્યાદામાં, એના પરિઘમાં કે પરિધિમાં ન સમાઈ શકે, તો એ સતત ભાષાનાં વાતાવરણમાં રહીને પણ ભાષાની બહાર નીકળવાની મથામણ કરતી વેળા પોતાના સંવેદન માટે અર્થાવકાશની શોધખોળમાં રચ્યોપચ્યો રહે છે. અને એટલે એ સમજવું આવશ્યક છે કે કવિતા પોતાની અંદર કોઈ ચોક્કસ અનુભવની સ્મૃતિને વહન કરે છે. જેનાથી પરિચિત થવાનો અર્થ એ છે કે તેમાં છુપાયેલી ચોક્કસ લાગણી, તેની સાથે સંકળાયેલા તમામ વિચારો અને ચિંતનાત્મક પ્રવાહો સાથે પણ પરિચિત થવું. આપણે કવિતા સાથે પરિચિત થયા પછી તેની સાથે સંકળાયેલા વૈચારિક પ્રવાહો – સંદર્ભો – અર્થો – લાગણીઓ તરફ આગળ વધતા હોઈએ છીએ અને એ દિશામાં ગતિશીલ રહેતા હોઈએ છીએ, કે ક્યાંક ને ક્યાંક કવિએ સર્જેલા ભાવવિશ્વ સાથે આપણું ભાવકચિત્ત એક સેતુ રચી શકે. એક પ્રકારે સમસંવેદન અનુભવી શકે અને કવિએ રચેલી એ સમષ્ટિમાં વ્યક્તિગત જગતના તત્ત્વ ને સત્ત્વની ખોજ જાણ્યે-અજાણ્યે કરી શકે. આવું હંમેશા થાય જ એવું જરૂરી નથી, ન જ હોય. પણ જ્યારે આવો સંયોગ રચાતો હોય છે ત્યારે આપણે એ કવિતા સાથે પોતાની જાતને સાંકળી શકતા હોઈએ છીએ. ને એક ભાવક તરીકે આપણને તે કવિતા પ્રીતિકર લાગવા લાગે છે. પણ એવું બનવું શક્ય છે કે કોઈ ઉત્કૃષ્ટ કૃતિ સાથે આપણે એવો કોઈ યોગ, એવું કોઈ સંધાન ન રચી શકીએ અને એટલે એ કૃતિ ઉત્તમ હોવા છતાં પણ આપણા હૃદયકુંજમાં સ્થાન ન પામી શકે. કવિ સંજુ વાળાના સર્જનની યાત્રા કરતી વખતે, અને ખાસ કરીને જ્યારે સમાંતરે બાગમાંથી ખોબોક ફૂલો ચૂંટવાની જવાબદારી પણ મળી હોય એવે વખતે, મેં એવો પ્રયત્ન કર્યો છે કે કૃતિને પસંદગી તેનાં સ્વરૂપ-છંદ-લય-બાહ્યાવતાર – એમાં દાખવેલા શબ્દકસબ કે ભાષાકીય કલાપક્ષને ધ્યાને રાખીને તો કરવામાં આવે જ, તદુપરાંત તેની સાથે ભાવકચિત્તના રચાતા સંયોગ, તેનાં અર્થનિરૂપણની પ્રતીતિ, તેની રચનારીતિનું આંતરિક કલેવર, તેનાં અર્થકર્મ અને તેની અભિવ્યક્તિમાં સમાવાયેલા, ને ક્યારેક સંતાડેલા પણ, એવા વિશિષ્ટ એસ્થેટીક્સના આધારે એની પસંદગી કરવામાં આવે. કવિ સંજુ વાળા એમણે અર્જિત કરેલી મબલખ શબ્દસંપદાનાં વિનિયોગ દ્વારા પોતાના મનોવ્યાપારને કે ભાવતરંગોને લયાન્વિત કરે છે ને એ રીતે કાવ્યના રસ અને રસાયણ બંનેની માત્રાને પોતાની આગવી શૈલીથી સંતુલિત કરી જાણે છે અને એમ કરતી વેળાએ એ નાવીન્ય પ્રત્યે વિશેષ આગ્રહ દાખવે છે. એમની કવિતા એ દૃષ્ટિએ ‘નવી કવિતા’ છે. હવે આપણે જ્યારે એમ કહીએ કે કવિ સંજુ વાળાની કવિતા ‘નવી કવિતા’ના દાયરામાં આવે છે ત્યારે એ સંદર્ભે એનાં કેટલાંક લક્ષણો પણ તપાસવાં રહ્યાં. ૦ યથાર્થવાદીઅહંવાદ – આ કવિ વાસ્તવિકતાનો સમગ્રપણે સ્વીકાર કરે છે, તેનાં સમાસમાં માને છે. કવિ પોતાના અસ્તિત્વને તે વાસ્તવિકતાનો એક ભાગ માને છે અને તેના પ્રત્યે સભાન અભિવ્યક્તિ આપે છે.
ગરવી ગઝલના જાણે બે રસ છલકતા મિસરા
પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા
૦ વ્યક્તિ-અભિવ્યક્તિની સ્વતંત્રતા – આત્માનુભૂતિથી તમામ સંવેદનાઓને કોઈપણ આગ્રહ વગર રાખવાનો પ્રયાસ આ કવિમાં જોવા મળે છે. મનોજ ખંડેરિયા કહેતા – અહીં આપણે આપણા શબ્દ ગાવા/ જમાનો તો બીજું ય માગ્યા કરે છે. અને ક્યારેક તો એવું લાગે કે જમાનો તો બીજું જ માગ્યા કરે છે. એવા સમયે પોતીકો સ્વર જાળવીને, પોતીકી ભાત પાડવી એ પણ આ કવિનું જમાપાસું છે – વિદ્યુતસેર ચમકતી ઊતરી આવે કીકીમાં/ તાજી જન્મેલ/ રતુંબલ/ ઝાંય ઝીલતી/ કન્યાની છાતીમાં ઊછળે અગાધ/ સ્થિર થયેલો/ દેવાલયની/સ્થંભકિન્નરી રૂપે ૦ ધ ફિલોસોફી ઓફ સ્મોલનેસ – નવી કવિતામાં, વ્યક્તિના સ્વત્વ અને અસ્તિત્વના પ્રશ્નને સામાન્ય માણસની સંવેદનાના સ્તરે આંકવામાં આવ્યો છે. તેને લઘુતાનું દર્શન અથવા ધ ફિલોસોફી ઓફ સ્મોલનેસ પણ કહી શકાય. નવી કવિતામાં ક્ષણનું મહત્ત્વ અને નાના માનવીની પ્રતિષ્ઠા જીવન પ્રત્યેના જોડાણ અને સ્વીકૃતિની ભાવનાથી પ્રેરિત છે –
પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?
૦ સમકાલીન સહૃદયતા – રસ રોમાંચની સાથે સાથે આધુનિકતા અને સમકાલીનતા તેની સમગ્રતામાં વ્યક્ત કરવામાં આવે અને એનું સાધારીકરણ કરવામાં આવે એ પણ કવિ સંજુ વાળાનું અનેરું લક્ષણ છે. કવિ માત્ર ને માત્ર કલ્પનાવિહારમાં રચ્યાપચ્યા નથી રહેતા, પોતાની આસપાસ પોતાની દૃષ્ટિના પરિમાણોમાં જે કંઈ ઝીલાય તેને નાણવા, પ્રમાણવાનો પ્રામાણિક પ્રયત્ન કરવા તૈયાર રહે છે –
વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું’ને
ભણકારે આંચકા વછૂટતા...ફટાક ફટ્
૦ છબિત્વ – કવિ ક્યારેક પોતીકી કે લોકજીવનની જટિલ અનુભૂતિઓ અને સંવેદનાઓને એક ઇમેજ દ્વારા ધ્વનિત કરે છે. ઇમેજીઝ્મ કે છબીવાદ સાથે ઘરોબો કેળવવો એ પણ કુનેહ માગી લે તેવું કામ છે અને આ કવિ એ પ્રવૃત્તિ બહુ આસાન લાગે એ રીતે કરી શકે છે –
જે ર.પા.ના ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી
અહીં મહત્ત્વની નોંધ એ પણ લેવી રહી કે રમેશ પારેખના આકાશી પ્રભાવથી બચીને જે કેટલાંક જૂજ કવિઓ (ખાસ તો ગીત કવિતાના સંદર્ભમાં) પોતાનો નોખો ચીલો ચાતરી શક્યા તેમાંના એક સંજુ વાળા પણ છે. ૦ વ્યંગાત્મક દૃષ્ટિ – આધુનિક વાસ્તવિકતા દ્વારા પ્રવાહી-જીવનની કડવાશ અને અસમાનતાઓ પ્રત્યે કવિની વ્યંગાત્મક લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે –
એમાં શું કરવી ચત-બઠ
તું પણ શઠ ’ને હું પણ શઠ
૦ ભાષાકર્મ – આ કવિતાઓની ભાષા ક્યાંક અરૂઢ છે તો ક્યાંક વ્યવહારુ ભાષા છે. આ કવિએ સમાજમાં પ્રચલિત તમામ પ્રકારના શબ્દોનો ઉપયોગ તેમની ભાષામાં કર્યો છે. તેમની ભાષામાં તત્સમ, તદ્ભવ, તળપદા, અંગ્રેજી વગેરે જેવા તમામ પ્રકારના શબ્દો જોવા મળે છે. તેનું કારણ એ છે કે તે શબ્દો સમાજમાં પ્રચલિત છે અને કાવ્યપ્રવાહિતાને સહેજપણ અડચણ પહોંચાડ્યા વગર તે તેમનું સ્થાન ગ્રહણ કરી લે છે.
છો હીરા-માણેકનું હો, કિન્તુ એ બાજાર હૈ ના?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી તો
તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
ઘણી ગઝલોમાં અપ્રચલિત કાફિયા પણ જોવા મળે છે, જેમ કે – રસલ્હાણ -કચ્ચરઘાણ-પરિત્રાણ, મનચંગા-અભંગા-સરવંગા, મુઠ્ઠમુઠ્ઠા-ત્રુઠા, વગેરે. તો સામે પક્ષે ગીતોમાં પણ કહેણીનો નવોન્મેષ પ્રગટતો જોવા મળે છે. ૦ વિષય વૈવિધ્ય – આ કવિ દર્શાવે છે કે તેમની કવિતાનો વિષય વિસ્તાર એટલો વિશાળ છે કે તેમાં રજકણથી લઈને હિમાલય સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. તેમના માટે કંઈ વ્યર્થ નથી.
પરમપ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટૂ ચિપકાવી લ્હાવો લે છે
પ્રેમની કાવ્યાત્મક અભિવ્યક્તિનાં કેટલાંક સુંદર અને અનોખા ઉદાહરણ પણ આ કવિમાં મળી આવે છે.
ચંપા – ચમેલી જેમ તારી વેણીએ મહેકી –
કરમાઈ જાશું તે છતાં ગમશું તને રાણી!
તો બીજી તરફ સંબંધોના સમીકરણોને તાગતી અને તેની આંટીઘૂંટીઓને આલેખતી રચનાઓ પણ તેમણે સહજ લખી છે. ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા, આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાંપણે એક ઊંચી દીવાલ અને આપણે આ કવિતાઓ ઉડાઉ વાચનની કવિતાઓ નથી. આ કવિના શબ્દ સુધી પહોંચવા માટે સંયમ, ધીરજ અને શુદ્ધ કાવ્યપિપાસા આવશ્યક છે. એવા વાચકને પોતાના ભાવકચિત્તને સમૃદ્ધ, જાગૃત અને તૃપ્ત રાખવા માટે આ કવિ પાસેથી ઘણું ખનીજ મળે છે. ઉત્તમ કવિતામાં ‘શું કહેવાયું છે’ની સાથે સાથે ‘કેવી રીતે કહેવાયું છે’નું પણ ખૂબ મહત્ત્વ હોય છે. આ સંપાદન લેખનો હેતુ કવિના વિશેષ તરફ ઇંગિતમાત્ર કરીને કવિના શબ્દને ભાવકના હવાલે કરવાનો છે. એમાં આસ્વાદલેખ જેવી મોકળાશ ન જ હોય. કોઈએ ખૂબ જ પ્રખ્યાત ચીની કવિ યાંગ વાંગ-લીને પૂછ્યું : ‘તો કવિતા શું છે?’ તેમણે કહ્યું, ‘જો તમે કહો કે તે ફક્ત શબ્દોની વાત છે, તો હું કહીશ કે એક સારો કવિ શબ્દોથી નિજાત પામે છે. જો તમે કહો કે તે ફક્ત અર્થની બાબત છે, તો હું કહીશ કે એક સારો કવિ અર્થથી નિજાત પામે છે. ‘પણ’ તમે પૂછો ‘શબ્દો વિના અને અર્થ વગર, કવિતા ક્યાં છે?’ આનો હું જવાબ આપું છું : શબ્દોથી નિજાત પામો અને અર્થથી નિજાત પામો અને તેમ છતાં ત્યાં કવિતા છે.’ ખરેખર તો ત્યાં જ કવિતા છે. જ્યારે શબ્દો ત્યાં નથી, જ્યારે અર્થ ત્યાં નથી, ત્યારે અચાનક કવિતા ફૂટે છે, વિસ્ફોટ થાય છે. કવિતા અસ્તિત્વનું ફૂલ છે. કવિ સંજુ વાળા એમની કેફિયત આપતા જણાવે છે, ‘કવિનો કવિતા સાથેનો સંબંધ આધ્યાત્મિક સંબંધ છે. એટલે જ તો કવિને બીજા કશા સાથે ન હોય એટલો લગાવ કવિતા સાથે હોય છે. કવિતા જ કવિનું સત્ય અને સાધના પણ.’
ગઝલપુરુષજી! કહો : આપનાં હૃદયે કેવી હામ વસે છે?
એ સ્થાનેથી શરૂ કરો છો જેમાં પૂર્ણવિરામ વસે છે
કવિના મને ખૂબ ગમતા આ શેર સાથે આ સંપાદિત કાવ્યો હવે આપની તરસને નામે. – મિલિન્દ ગઢવી