ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/સાહિત્ય-ઇતિહાસ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:16, 8 June 2024
આ દાયકે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના કેટલાક પ્રયત્નો થયા છે, પરંતુ મોટાભાગના પ્રયત્નો જાણે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જ થયા હોય એવી છાપ પડે છે. પરિણામે નરી અભ્યાસદૃષ્ટિથી પ્રેરાઈને લખાયેલા સ્વાધ્યાયના સુફલરૂપ ઇતિહાસની આપણી આકાંક્ષા વણસંતોષાયેલી જ રહે છે. આપણે ત્યાં વિદ્યાસંસ્થાઓ છે, ત્રણ ત્રણ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ખાસ વિભાગો છે, અને છતાં ગુજરાતી સાહિત્યનો સુસંકલિત પ્રમાણભૂત ઇતિહાસ હજી પ્રકટ થયો નથી એ આપણી કમનસીબી છે. વિવેચનવિભાગમાં ઉલ્લેખ્યું છે તેમ સાહિત્યવિવેચનના સિદ્ધાંતોનું સળંગ પુસ્તક હજી આપણે ત્યાં લખાયું નથી એ જેમ દુઃખદ હકીકત છે તેમ એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓનો સહકાર મેળવીને પણ કોઈ સંસ્થા ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખન માટે કટિબદ્ધ થઈ નથી એ આપણી મોટી કરુણતા છે. અત્યારે તો જે પ્રયત્નો થયા છે એથી જ સંતોષ માનવાનો રહે છે.
ગયે દાયકે ‘અર્વાચીન કવિતા’ અને ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા' એ બે જ ગ્રંથો એ વિભાગની સમૃદ્ધિ દર્શાવવા પૂરતા હતા. આ દાયકે ઇતિહાસલેખનના દસેક જેટલા પ્રયત્નો થયા છે એમાં પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસ વિશે આપણે કંઈક ઊજળું મોઢું રાખી શકીએ એમ છીએ.
‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' ખંડ ૧ (શ્રી કેશવરામ કા. શાસ્ત્રી) એ હેમયુગ, રાસયુગ, આદિભક્તિયુગ અને આખ્યાનયુગ-એમ લેખકની ૧૮ પ્રકરણોની યોજનામાંનાં ૮ પ્રકરણો અહીં સાહિત્યસ્વરૂપ પ્રમાણે નામકરણ પામીને પ્રસિદ્ધ થાય છે. પુસ્તકની વિશેષતા એની કેટલીક પ્રથમવાર અહીં રજૂ થતી સામગ્રીમાં છે. ‘ગુજરાતી સાહિત્ય' (મધ્યકાલીન-શ્રી અનંતરાય રાવળ) હેમચંદ્રથી દયારામ સુધીના ઇતિહાસકથનનો એક સુભગ પ્રયત્ન છે. સાહિત્યનો ઇતિહાસ જે રીતે વાંચવો, શીખવો અને શીખવવો જોઈએ એ દૃષ્ટિ અને પદ્ધતિને કેન્દ્રમાં રાખીને લેખકે મધ્યકાળની રાજકીય-સામાજિક પશ્ચાદ્ભૂ, એ સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ, એનાં વિવિધ સાહિત્યસ્વરૂપો વગેરેની ચાર પ્રકરણોમાં ચર્ચા કરીને પછીનાં આઠ પ્રકરણમાં શતકવાર અને વ્યક્તિલક્ષી સાહિત્ય પરિચય કરાવ્યો છે. એનાં સંકલના અને નિરૂપણ શાસ્ત્રીય છે, અને લેખકે મધ્યકાળના સાહિત્યને જાતે વાંચીને પોતાના અભિપ્રાયો આપ્યા છે. પરંતુ પૃષ્ઠમર્યાદા એમની કલમને બંધનમાં જકડી રાખતી હોવાથી શૈલી પણ જાણે પ્રાસાદિક રહેતી નથી અને ક્યાંક ક્યાંક તો કર્તા કે કૃતિની યાદીઓવાળી વાક્યાવલીઓથી શુષ્કતાનું વાતાવરણ જન્મે છે.
આ સિવાય શ્રી ઈશ્વરલાલ ૨. દવેએ 'ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' ભા. ૧ અને ૨, શ્રી મનસુખલાલ ઝવેરી અને શ્રી રમણલાલ શાહે 'ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન', શ્રી રામપ્રસાદ શુકલ અને શ્રી બિપિન ઝવેરીએ ‘આપણું સાહિત્ય' ભા. ૨ ('આપણું સાહિત્ય ભા. ૧ બિપિન ઝવેરી, શ્રી ધીરુભાઈ ઠાકરે 'ગુજરાતી સાહિત્યની વિકાસરેખા' ભા. ૧ અને ભા. ૨, શ્રી દિલાવરસિંહ જાડેજાએ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન'-એ સર્વમાં આ૫ણને મધ્યકાલીન-અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય આપવાનો યત્ન કર્યો છે. ૫રંતુ આગળ કહ્યું તેમ, આમાંના ઘણાખરા પ્રયત્નો, વિદ્યાર્થીઓની જરૂરિયાતને જ સંતોષવાની મનોવૃત્તિવાળા છે, એમાંના કેટલાકમાં તારીખો અને વિગતોની અક્ષમ્ય ભૂલો પણ છે અને મોટેભાગે સ્વતંત્ર અભિપ્રાયદર્શનને સ્થાને પોપટિયા અભિપ્રાયોનું ઉચ્ચારણ છે. તેમ છતાં આ સર્વ પ્રયત્નો મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને અને સામાન્ય વ્યક્તિઓને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવવામાં એક ત્યા બીજી રીતે સહાયભૂત થાય તેવા છે. એમાં કોઈએ વચ્ચે વચ્ચે વિવિધ સ્વરૂપોને કેન્દ્રમાં રાખીને આપેલો વિકાસ, કોઈએ ગુજરાતી સાહિત્યકૃતિઓનું કરાવેલું આચમન કે કોઈકની આકર્ષક નિરૂપણછટા-તે તે પુસ્તકોની આગવી વિશેષતાઓ છે. ‘આપણાં સ્ત્રીકવિઓ' (શ્રી કુલીન વોરા) તેમ જ ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ-૧' (શ્રી હીરાલાલ કાપડિયા) અને ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો 'ઇતિહાસ' (ધનસુખલાલ મહેતા) વગેરે તે તે વિષયનાં આવકારપાત્ર પુસ્તકો છે.
વિવેચન વિભાગમાં નિર્દેશેલાં કેટલાંક પુસ્તકોમાં, ખાસ કરીને સાહિત્યસ્વરૂપ વિષયક ચર્ચા કરતાં પુસ્તકોમાં, પણ ઇતિહાસલક્ષી નિરૂપણ થયું છે. શ્રી ધનવંત ઓઝાએ પણ રસિક રીતે 'સાહિત્યકથા’ આલેખી છે. અને શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ જોશી જેવાએ 'ઊડતી નજરે' અત્યંત સંક્ષેપમાં આપણા સાહિત્યનો લેખરૂપે મધુર પરિચય કરાવ્યો છે. સ્વરૂપવિષયક વિકાસ દર્શાવતા પણ કેટલાક સ્વતંત્ર લેખો સામયિકોમાં પ્રકટ થયેલા છે.
ગુજરાતી સાહિત્યના મધ્યકાળ અને અર્વાચીન કાળ-એ બંનેનો સવિસ્તર શાસ્ત્રીય અને નવાં મૂલ્યાંકનો યુક્ત ઇતિહાસ આપણા કોઈ વિદ્વાન આપે અને એ શક્ય ન હોય તો અનેકોના સહકારથી એ સત્વરે લખાય એ દિવસની આપણે પ્રતીક્ષા કરીએ.