ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/સમાજવિદ્યા-વિજ્ઞાન-પ્રકીર્ણ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:04, 8 June 2024
શ્રી વિઠ્ઠલદાસ કોઠારીની ‘અર્થશાસ્ત્ર પ્રવેશિકા' જેવી કૃતિઓ આપણે ત્યાં અર્થશાસ્ત્રના વિષયમાં સારી પેઠે જાણીતી થઈ છે. અન્ય અધ્યાપકોની એ વિષયને લગતી-વિદ્યાર્થીઓ માટે લખાયેલી-કૃતિઓનો કોઈ પાર નથી, એટલે એ સર્વની નોંધ ઉચિત ગણી નથી. અનુવાદરૂપે 'આર્થિક વિચારની પ્રવેશિકા' (અનુ. યશવંત દોશી), ‘નવી દુનિયામાં નવું અર્થશાસ્ત્ર' (અનુ. વાડીલાલ ડગલી), 'માનવીની આર્થિક સંપત્તિ' (અનુ. બદરીપ્રસાદ ભટ્ટ)- પ્રગટ થયેલી આવી કૃતિઓ આ વિષયમાં રસ ધરાવનારને વિશેષ ઉપયોગી થશે. રાજ્યશાસ્ત્રના વિષયમાં પણ અધ્યાપકોએ 'ગુજરાતીકરણ' કરેલાં પુસ્તકો સુપ્રાપ્ય છે. એની યાદી આપવાને બદલે આ વિષયમાં કંઈક તત્ત્વપ્રદાન કરનાર કેટલીક કૃતિઓનો નિર્દેશ કરીએ. ‘સામ્યવાદનાં મૂળ તત્ત્વો', (દિનકર મહેતા), 'ભારતનાં રાજ્યોની રચના’ (સોપાન), ‘રશિયાની કાયાપલટ’ (ભોગીલાલ ગાંધી) તેમ જ 'ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત'ના પાંચ. ભાગ અને 'દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન' (ચંદુલાલ ભ. દલાલ), 'મહાગુજરાતનો જંગ' (યશપાલ પરીખ), ‘મુંબઈ ગુજરાતનું જ છે (અમૃત પંડ્યા)-આ અને આવી કૃતિઓ ઘરઆંગણાના, ભારતના રાજકીય બનાવો, રાજકીય વિચારસરણી, ઐતિહાસિક રીતે મહત્ત્વની ઘટનાઓનો પરિચય આપે છે. ગાંધીજીની લડત અંગેનાં પુસ્તકો લડતનું સ્વરૂપ અને તેની પાછળના સિદ્ધાંતો, કડીબદ્ધ માહિતીને આધારે, સમજાવે છે. ‘સ્વપ્નોની સુવર્ણભૂમિ', 'પડકાર' જેવી અનુવાદિત કૃતિઓ યુરોપના રાજકીય બનાવો વિશેનું દૃષ્ટિબિન્દુ પણ રજૂ કરે છે. 'સર્વોદય વિજ્ઞાન' (સં. ભોગીલાલ ગાંધી)માં રાજકારણ, અર્થકારણ જેવા વિષયો અંગે વિદ્વાનોના દૃષ્ટિકોણોની ચર્ચા છે. 'ભૂદાન યજ્ઞ' અને 'ભૂદાનગંગા'માં ભૂદાનવિષયક સમજ આપતાં અને ધર્મશાસ્ત્રઓનાં દૃષ્ટાંતોથી ઉજ્જવળ બનતાં વિનેબાજીનાં વ્યાખ્યાનો સંકલિત થયાં છે, અને શ્રી ચુનીભાઈ વૈદ્ય એ ગુજરાતીમાં સુલભ કરી આપ્યાં છે. શ્રી નારાયણ દેસાઈનું 'સર્વોદય વિચાર' સર્વોદયની સારી છણાવટ કરે છે. ‘શાંતિસેના'ના વ્યાખ્યાનમાં શાંતિસેનાના આદર્શની ચર્ચા છે. વિજ્ઞાનવિષયક પુસ્તકોમાં શ્રી ક્રાન્તિલાલ પંડ્યાના 'વિજ્ઞાનમંદિર'માં અર્વાચીન વિજ્ઞાનવિષયક સિદ્ધિઓનો ૫રિચય છે. ખગોળ અને ભૂગોળ, ભૂસ્તર અને રસાયનવિદ્યા, આહાર અને હોરમોન વગેરે અનેક વિષયોની એમાં ચર્ચા છે. શ્રી નરસિંહ મૂ. શાહનું 'માનવજીવનમાં વિજ્ઞાન' તથા રસાયણવિજ્ઞાનના સિદ્ધાંતો ચર્ચતાં પાઠયપુસ્તકો, શ્રી બંસીધર હી. ગાંધીની અણુશક્તિ વિશેની વૈજ્ઞાનિક સમજ આપતું 'અણુ અને પરમાણુનું વિજ્ઞાન' જેવી કૃતિઓ નોંધપાત્ર છે. ‘ઘઉં’ કે ‘કોલસો' જેવી કૃતિઓ પણ અહીં જ ઉલ્લેખવી જોઈએ. ગૃહવિજ્ઞાનના ક્ષેત્રમાં 'ગૃહવિજ્ઞાન પ્રવેશિકા' તેમ જ ડૉ. લીલાબહેન શાહની ‘ગૃહસંચાલન' જેવી કૃતિઓ આવકારદાયક છે. બીજી કૃતિમાં ગૃહજીવનનાં અનેક પાસાં વિશે વિચાર કરી લેખિકાએ વ્યવહારુ માર્ગદર્શન પણ આપ્યું છે. શ્રી ધનમાય અંકલેસરિયાની ભરત ગૂંથણ અને સીવણકળાને લગતી પણ કેટલીક કૃતિઓ પ્રકટ થઈ છે. આપણા વિશ્વવિદ્યાલયોમાં 'હોમસાયન્સ’-ગૃહવિજ્ઞાનના વિષયનું અધ્યયન આરંભાતાં અને માતૃભાષા એનું માધ્યમ હોવાથી બીજી અનેક કૃતિઓ પણ આપણને થોડા સમયમાં પ્રાપ્ત થશે. ખગેાળ વિભાગમાં શ્રી છોટુભાઈ સુથારનાં 'અવકાશનું રહસ્ય', 'અનંતની ભીતરમાં”, 'આપણું વિશ્વ', 'આકાશદર્શન' જેવી કૃતિઓ આપણા આ વિષયનાં કિંમતી પ્રકાશનો છે. ‘આપણું વિશ્વ'માં શ્રી સુથારે સૂર્ય, સૂર્યમંડળ, આકાશગંગા, નિહારિકા, ઋતુ ઋતુના તારા, વેધશાળા વગેરે અંગે શાસ્ત્રીય રીતે માહિતી આપી છે. ‘મનોવિજ્ઞાનના મૂળાક્ષર' '(ચંદુભાઈ ભટ્ટ) તેમ 'માનસદર્શન’ અને ‘સ્વભાવદર્શન’ (હર્ષિદા પંડિત) જેવી કૃતિઓ મનોવિજ્ઞાનશાસ્ત્રને આપણી ભાષામાં નિરૂપવાના પ્રારંભિક પ્રયત્નો તરીકે ઉલ્લેખપાત્ર છે. વિજ્ઞાન, સમાજવિદ્યા જેવાં અનેક વિષયોનાં પાઠયપુસ્તકો, ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતી માધ્યમની ભાષા તરીકે અપનાવાતાં, પ્રગટ થઈ રહ્યાં છે. આ પ્રકારના અનેક વિષયોમાં પરિભાષા હજી સ્થિર થઈ નથી. વિવિધ લેખકો, ખાસ કરીને તે તે વિષયના અધ્યાપકો, વ્યક્તિગત રીતે કે (મોટે ભાગે) સામૂહિક રીતે, મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં લખાયેલાં પુસ્તકોને આધારે તેમ જ પોતાના અધ્યાપનના ફળરૂપે (એવાં પુસ્તકો તો હજી વિરલ જ છે) પોતપોતાના વિષયોનાં પુસ્તકો ગુજરાતીમાં પ્રકટ કરી રહ્યા છે. ગુજરાતના પ્રકાશકો ૫ણ આવી મળેલી અર્થ પ્રાપ્તિની આ તકનો પૂરતો લાભ ઉઠાવીને દરેક વિષયમાં થોકબંધ પુસ્તકો પ્રગટ કરી રહ્યા છે. ઘણખરાં પુસ્તકો કઢંગા અનુવાદો અને તે તે વિષયની 'માર્ગદર્શિકાઓ' હોય એવી છાપ પ્રથમ નજરે તો પડે છે. પરંતુ આવા અનેકાનેક પ્રયત્નોને અંતે ગુજરાતમાં મૌલિક પુસ્તકો સર્જાશે અને આપણા અધ્યાપકો અને તે તે વિષયના નિષ્ણાતો પોતાની વૈચારિક સંપત્તિને આપણી ભાષામાં રજૂ કરશે એવી આશા અત્યારે રાખીએ તો તે વધુ પડતી નથી. ગુજરાતી ભાષાએ પોતાની ક્ષમતા તો સિદ્ધ કરી આપી છે જ; આપણે તેજસ્વી વર્ગ ઉત્તમ ભાષાઓમાંનો જ્ઞાનરાશિ પચાવી એના રસકસ આપણી ભાષાની નાડીઓમાં વહેતા કરી પોતાનું ઉત્તમોત્તમ હીર દર્શાવશે તે દિવસે ગુજરાતી ભાષા ધન્યતા અનુભવશે. અત્યારે તો અળશિયાની જેમ ઊભરાતાં અનેક વિષયોનાં 'ખાનગી સાહસ' સમાં પાઠ્યપુસ્તકો આપણા આ યુગના વિદ્યાર્થી માટે નિર્માયાં છે. આવાં સર્વ પુસ્તકોની યાદી કરવી શક્ય નથી. ગુજરાત યુનિવર્સિટી તે તે વિષયનાં અન્ય ભાષાનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદો નિષ્ણાતો પાસે તૈયાર કરાવી રહી છે એ માહિતી, અલબત્ત, આનંદપ્રદ છે. ઉત્તમ ગ્રંથો અનુવાદરૂપે પણ આપણી ભાષામાં સુલભ હોય એ ઘટનાનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. આપણે ત્યાં લખાતી કૃતિઓ સમક્ષ એ માનદંડ તરીકે રહે એ પણ ઇષ્ટ છે.
*
ઈમારત બાંધકામશાસ્ત્રનો પરિચય કરાવતું એ નામનું શ્રી મૂળચંદભાઈ મહેતાનું પુસ્તક, કૃષિવિદ્યામાં “કૃષ્ણપટીની કાયાપલટ'માં કૃષિવિદ્યાજ્ઞાનનું મહત્ત્વ સમજાવી ખેતીનાં સામાન્ય ઓજારોનો ૫રિચય આપતી કૃતિ, 'બાગાયત' નામની એ વિષયની શ્રી કૃષિકાર ઈશ્વરભાઈની અને ‘ઘઉં’ નામની માર્તંડ પંડ્યાની ખેતીવાડી દૃષ્ટિએ માહિતી આપતી અને ‘ઢોરસુધારણા અને દુગ્ધદોહન' (ડૉ. લક્ષ્મી પ્રસાદ ઝાલા) જેવા વિષયો ચર્ચાતી કૃતિઓ, પશુપંખી સૃષ્ટિનો પરિચય કરાવતી શ્રી વિજયગુપ્ત મૌર્ય (‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ), મનુભાઈ જોધાણી ('પાદરના' તેમ જ 'આંગણાનાં પંખી') અને વસંત જોધાણી ('છપ્પરપગાં' અને 'પેટે ચાલનારાં પ્રાણીઓ')ની પુસ્તિકાઓ, ગામડાંની વનસ્પતિનો ખ્યાલ આપતી રસિકલાલ વૈદ્ય ('સાબરકાંઠાની વનસ્પતિઓ'), ગોકુળદાસ ખીમજી ('વનસ્પતિસૃષ્ટિ) તેમ જ શ્રી જોધાણીની કૃતિઓ, ‘સહકારી ક્ષેત્રે ગુજરાત' (શ્રી ધી. ધ. શાહ), 'સહકારી ને બીજા કાયદાઓ' જેવી સહકાર વિષયની કૃતિઓ, જુદા જુદા કાયદાઓનો પરિચય આપતી 'ઢોર અતિક્રમણ ધારો', 'મૃત્યુવેરો', 'વારસાવેરા' જેવી તેમ જ મુંબઈ સરકારનાં પ્રકાશનખાતાની પુસ્તિકાઓ (ઉ. ત. ‘ગણોતી ધારાનાં લક્ષણો' વગેરે) અને ગુજરાત સરકારના માહિતીખાતાની એની વિવિધ યોજનાપ્રવૃત્તિનો પરિચય આપતી ‘ઉકાઈ બંધ યોજના' 'કાકરાપાર આડબંધ અને નહેરો', અને નર્મદા, શેત્રુંજી, હાથમતી વગેરેની યોજનાઓવાળી પુસ્તિકાઓ, શ્રી હરસુખલાલ ત્રિવેદીની 'ગ્રામપંચાયત', શ્રી શિવાભાઈ પટેલની 'કાંતણવિદ્યા' અને 'વણાટ પ્રવેશ', તેમ પુરાતન બૂચની 'કાંતણપ્રવેશ' જેવી કૃતિઓ, પંચવર્ષીય યોજનાઓ અંગેની (ઉ. ત. વાડીલાલ ડગલીની), અમદાવાદના વ્યાપાર ઉદ્યોગો વિશેની, ‘વૈદિક સંગીત અને અન્ય લેખો' (વિભુકુમાર દેસાઈ), 'હિંદી સંગીત' (દેસાઈ) જેવી સંગીતવિદ્યાનો સુંદર પરિચય કરાવતી તેમ જ વર્તમાન યુગમાં અનેક વિષયોનું સામાન્યજ્ઞાન પૂરું પાડવા ભિન્ન ભિન્ન અધિકારી વ્યક્તિઓ પાસે તૈયાર કરાવી, 'પરિચય ટ્રસ્ટ' તરફથી મહિનામાં પ્રકાશિત થતી જતી બબ્બે પુસ્તિકાઓ (સં. વાડીલાલ ડગલી-પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ-જોડણી, સિનેમા, ક્ષયરોગ, વિવિધ પ્રાંતનાં સાહિત્ય, પ્લાસ્ટિક, લોથલ, લશ્કર વગેરે જેવા સામાન્યજ્ઞાનના અનેકવિધ વિષયો)ના પ્રકાશનથી આપણું વિવિધ પ્રકારનું વાકમય સમૃદ્ધ થયું છે. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની જેમ જ્ઞાનકૌશલ્ય પ્રકાશન શ્રેણી અને હંસ પ્રકાશનની પુસ્તિકાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. લગ્ન, ગૃહજીવન, ગ્રામજીવન વગેરે અંગે પણ કેટલાંક પ્રકીર્ણ પુસ્તકપુસ્તિકાઓ પ્રગટ થયેલ છે; અને કેટલાંક વિવિધ વિષયોની માહિતી આપતાં કે સંરકારઘડતર કરતાં પ્રકાશનો પણ પ્રગટ થયાં છે. ‘લગ્નમંગલ' (ભૂપત વડોદરિયા), ‘માતા થનારને’ (દેસાઈભાઈ પટેલ), 'ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન' (સરોજિની મહેતા), 'સંયમ અને સંતતિનિયમન' (ગાંધીજી), ‘ગામડાંનું વાસ્તવદર્શન' (ભાઈલાલભાઈ પટેલ), ‘જિંદગીનું ભાથું’, 'અવનવી માહિતી' જેવાં અનેક પ્રકાશનો નોંધવા જઈએ તો પણ અતિ વિસ્તાર થવાનો સંભવ હોવાથી અહીં જ અટકીએ. 'નટની તાલીમ' એ રશિયન દિગ્દર્શક સ્તાનિસ્લાવસ્કીના રંગભૂમિને લગતું મૂલ્યવાન માર્ગદર્શન આપતા પુસ્તકનો અનુવાદ તેમ જ 'આંખ વિના મેં દીઠી દુનિયા' એ શ્રી વેદ મહેતાના અમેરિકી મિત્રોના સહવાસમાં થયેલા અનુભવોનો આલેખ આપતો શ્રીકાંત ત્રિવેદીનો અનુવાદ પણ અહીં સ્મરી લઈએ. પર્લ પબ્લિકેશન અને રાજકમલ પબ્લિકેશન તરફથી ગુજરાતીમાં અનુવાદિત થયેલાં 'પથ્થરના દેવ’, ‘માનવ અધિકારો ને રાજ્યતંત્ર', 'શાંતિની નવી પરિસીમાઓ', 'શસ્ત્રસંન્યાસ', 'પ્રકાશમાં તિમિર', 'મોસ્કોમાં ત્રણ વર્ષ' ઉપરાંત યુનાઈટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ તરફથી પ્રગટ થયેલાં 'નિર્ભયતાની તસવીરો', ‘કેનેડી, જોન ફ્રિટ્ઝેરાલ્ડ' જેવાં પ્રકાશનો વિપુલ પ્રમાણુમાં પ્રગટ થયાં છે.