ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ઇતિહાસ
ગુજરાત, ઇતિહાસ-સંશોધન અને નિરૂપણના ક્ષેત્રમાં ઊજળું મોં બતાવી શકે એમ છે, કારણ કે એની પાસે રત્નમણિરાવ જોટે, રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી જેવા ઇતિહાસવિદો છે. રત્નમણિરાવ હવે આપણી સમક્ષ ક્ષરદેહે નથી, તેમ છતાં આ દાયકે એમનો ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ' આ૫ણને પ્રાપ્ત થયો છે. એમના ઇસ્લામ યુગના પુસ્તકના અનુસંધાનમાં ગુજરાતના મુઝફ્ફરશાહ બીજાથી મહમૂદ ત્રીજા સુધીના સમયનો, ચારેક દાયકાનો, ઈતિહાસ એમણે અહીં આલેખ્યો છે. એમાંથી ગુજરાતના સુવર્ણયુગનું વિગતપ્રચુર ચિત્ર ઉઠાવ પામે છે અને ગુજરાતની સલ્તનતના ચડતીપડતીના સમયનું સુરેખ બયાન મળે છે. ‘ઇસ્લામ યુગ' ખંડ ૪ માં એમણે મુઝફ્ફરશાહ ત્રીજાના સમયનો ગુજરાતનો ઇતિહાસ નિરૂપ્યો છે. કૃતિનું નામ નર્યા સાંસ્કૃતિક પ્રવાહોની અપેક્ષા જગાડે એવું છે, પણ લેખકનું લક્ષ તો સાંસ્કૃતિક કરતાં રાજકીય ઇતિહાસના નિરૂપણ તરફ વિશેષ લાગે છે. આ માળાનાં પુસ્તકોમાં ઈતિહાસવિદ્ની સ્વસ્થ અને સંયમભરી દૃષ્ટિનો આ૫ણને સુભગ પરિચય પ્રાપ્ત થાય છે. શ્રી રસિકલાલ પરીખે આપેલ ઠક્કર-વ્યાખ્યાનો, ‘ગુજરાતની રાજધાનીઓ', આ દાયકે ગ્રંથસ્થ થયાં છે. લેખકનો ઉદ્દેશ માનવજાતે સાંસ્કૃતિક વિકાસ સાધી નગરરચનાઓમાં કેવો પુરુષાર્થ દર્શાવ્યો તે સમજાવવાનો છે. એમાં એમણે માનવવર્ગની ત્રણ અવસ્થાઓ, નગરની વ્યાખ્યા અને રાજધાનીઓની સમજ વીગતે આપી છે અને ગુજરાતની વસાહતો અને વડનગર, દ્વારકા એ બે પૌરાણિક રાજધાનીઓનો સાંસ્કૃતિક-ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય કરાવ્યો છે. ગિરિનગર, વલભી, ભિન્નમાલ, અણહિલપુર – એ સર્વના પરિચયમાં લેખકની માર્મિક ઇતિહાસદૃષ્ટિ દેખાય છે. અનેક દૃષ્ટિકોણોથી થયેલી ચર્ચા આપણા આ સમર્થ ઇતિહાસવિદ્દ્ની સૂક્ષ્મ સંશોધનદૃષ્ટિથી પ્રભાવિત કરે છે. શ્રી હરિપ્રસાદ ગં. થાસ્ત્રીએ મૈત્રકકાલના ઈતિહાસ વિશે ‘મૈત્રકકાલીન ગુજરાત' ભા. ૧ અને ભાગ ૨ માં અનુક્રમે રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પ્રગટ કર્યો છે. ડૉ. શાસ્ત્રી આપણા ઉચ્ચ કોટિના ઇતિહાસવિદ્દ્ છે. આ પુસ્તકમાં એમણે વલભીપુરના મૈત્રક રાજવંશના સમયને અનુલક્ષીને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ આપતાં મૈત્રકોની ઉત્પત્તિ, વલભીભંગના સમયનો નિર્ણય, પ્રાચીન લેખવિદ્યાની દૃષ્ટિએ તામ્રશાસનો અને એના લખાણના સ્વરૂપનો અભ્યાસ, વલભીસંવતનો આરંભ વગેરે અનેક સ્થાનોની ઝીણવટભરી વિવેચના કરી છે. દશકાનાં પૂર્વાર્ધનાં ઇતિહાસ-સંશોધનાત્મક પ્રકાશનોમાં આ કૃતિ યોગ્ય રીતે જ શ્રેષ્ઠ ગણાઈને નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા બનેલી. આ જ લેખકનું ‘હડપ્પા ને મોહેંજો-દડો' પણ આ સ્વસ્થ અને સન્નિષ્ટ ઇતિહાસાભ્યાસીનાં શ્રમ અને વિદ્વત્તાનો દ્યોતક અભ્યાસગ્રંથ છે. એમાં એમણે હડપ્પા સંસ્કૃતિ ને એનાં બે મુખ્ય સ્થળ હડપ્પા અને મોહેંજો-દડો, એમની નગરરચના, બાંધકામ, લખાણો-લિપિ, માટી, પથ્થર અને ધાતુકામ, મનુષ્યો, પ્રાણીઓ અને ધર્મ, ધંધારોજગાર, મોજશોખ ને રહેણીકરણી ઉપરાંત એમના સમયનિર્ણય વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. ગ્રંથને અંતે આપેલી પરિભાષાની યાદી ગ્રંથની મૂલ્યવત્તા વધારે છે. આ ઉપરાંત, ‘ઈન્ડોનિશયામાં' પણ આ જ ઇતિહાસકારની તટસ્થતા, ચોકસાઈ અને ઉત્સાહનાં દર્શન કરાવે છે. અત્યંત રસમય રીતે એમણે આ પુસ્તકમાં ઇન્ડોનેશિયાના પ્રાચીન-અર્વાચીન યુગમાં ધર્મ, સાહિત્ય, શિલ્પ અને ભાષા વગેરેનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. સંશોધન વિભાગમાં નિર્દેશેલ ‘વસ્તુપાલ અને તેનું સાહિત્યમંડળ' પણ ઇતિહાસવિષયક અભ્યાસપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. પ્રો. શ્રી ફિરોઝ કા. દાવરનું ‘ઈરાનનો ચેરાગ’ (૧૯૫૦) ઈરાનના આજ સુધીના સમગ્ર સાંસ્કૃતિક ઇતિહાસને આવરી લેતો મૂલ્યવાન ગ્રંથ છે. શ્રી ‘દર્શકે' (મનુભાઈ પંચોળી) ‘આપણો વારસો અને વૈભવ’-૧ નાં ૧૩ પ્રકરણોમાં સમગ્ર પ્રજાજીવનવ્યાપી સંસ્કારને સ્પર્શતો સંસ્કૃતિનો ઇતિહાસ રમણીય રીતે આલેખ્યો છે. વેદપૂર્વેના યુગથી આરંભી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિત્રો એમણે અહીં સાધાર આલેખ્યાં છે. આપણા સાંસ્કૃતિક ઇતિહાસલેખનનો આ અતિ આવકારપાત્ર અને ઉત્તમ કોટિનો ગ્રંથ એમની પાસેથી આ પ્રકારના વધુ ગ્રંથો મળે એવી અભિલાષા જન્માવે છે. શ્રી વીરજી માહેશ્વરકૃત ‘જૂનું મુંબઈ', શ્રી શાંતિલાલ ઠાકરનો 'નડિયાદનો ઇતિહાસ', શ્રી રમણલાલ દેસાઈનું 'ભારતનું ઐતિહાસિક રેખાદર્શન', '૧૮૫૭–આટલું તો જાણજો’ જેવી કેટલીક કૃતિઓ આ વિભાગમાં આવકારપાત્ર છે. શ્રી દર્શનવિજય મુનિએ 'જૈન પરંપરાનો ઇતિહાસ' આપ્યો છે. વડોદરા યુનિવર્સિટી તરફથી 'ગુજરાતની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સાલવારીનો પ્રથમ ગ્રંથ' પ્રગટ થયો છે અને એ પ્રાચીનતમ કાલથી ઈ.સ.૯૪૨ સુધીની સમયાવધિને આવરે છે. શ્રી મણિભાઈ દેસાઈ અનુવાદિત 'જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન'નો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ. વિવિધ સ્થળોનાં નામો વિશે પણ વ્યાખ્યાનમાળાઓ આરંભાઈ છે. એમાંથી ‘વડોદરાનાં સ્થળનામો' વિશે શ્રી રમણલાલ મહેતાનું અર્પણ નોંધપાત્ર છે.