ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/પુષ્કર પ્રભાશંકર ચંદરવાકર: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 12:16, 9 June 2024
પુષ્કર પ્રભાશંકર ચંદરવાકર
[૬-૬-૧૯૨૦]
શ્રી પુષ્કર ચંદરવાકરનો જન્મ છઠ્ઠી જૂન ૧૯૨૦ ને દિવસે વતન ચંદરવામાં થયો હતો. એમના માતાનું નામ દુર્ગાબેન અને પિતાનું નામ પ્રભાશંકર માધવજી ત્રિવેદી. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. ઈ.૧૯૪૨માં શ્રી શશીકલાબેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. શ્રી પુષ્કરભાઈએ પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગામ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં લીધેલ. ૧૯૩૯માં લીંબડીની જશવંતસિંહજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પસાર કરી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં બી. એ. સુધી અભ્યાસ કર્યો અને એમ. એ. માટે ગુજરાત વિદ્યાસભામાં જોડાયા. એમ. એ. દરમ્યાન વિદ્યાસભા તરફથી શિષ્યવૃત્તિ મેળવેલી. વચ્ચે ૧૯૪૨ ની લડતમાં જોડાયા ત્યારે અભ્યાસ છોડી દીધો હતો. ૧૯૪૬માં એમ. એ. થઈ અધ્યાપનક્ષેત્રે પોતાની સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને યુવકોને લગતી તમામ પ્રવૃત્તિમાં પુષ્કરભાઈને રસ છે. એમણે શ્રમશિબિરોનું સંચાલન કર્યું ત્યારે દરિયાકાંઠાના ભાલમાં જવાનું થયું તો તેમાંથી 'ભવની કમાણી' નવલકથા લખાઈ. પઢારોના પ્રદેશમાં દુકાળસમયે કામ કરવા ગયા તેમાંથી 'બાવડાને બળે' લખાઈ. લોકસંસ્કૃતિ અને લોકગીતોના સંશોધન માટે આવી પ્રવૃત્તિઓ અને પરિચયો અતિ ઉપયોગી પુરવાર થાય છે. આમ, એમની પ્રિય પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ એમના સર્જનમાં સહજભાવે પડ્યું છે. અંગ્રેજ નવલકથાકાર ટોમસ હાર્ડીની નવલકથાઓમાંથી 'જ્યુડ ધ ઑબસ્ક્યોર', 'ટેસ ઑફ ડ્યુબરવિલ' અને 'અન્ડર ધ ગ્રીનવુડ ટ્રી' એ પુસ્તકોએ પુષ્કરભાઈના જીવન પર પ્રબળ છાપ પાડી છે, આઇરિશ નાટ્યકાર સિન્જનાં એકાંકીઓએ પણ અસર કરી છે. આ બંને લેખકોની કૃતિઓનો પરિચય એમને અભ્યાસકાળ દરમ્યાન થયેલો. અધ્યયન અને અધ્યાપનમાં રત આ લેખકે જીવનમાં અનેક પ્રલોભનોને ઠુકરાવ્યાં છે. ગુજરાત બહાર મળતી સારી સારી નોકરીઓને એમણે નકારેલી. ૧૯૪૩માં દિલ્હી રેડિયો સ્ટેશનની નોકરી જતી કરી, ૧૯૪૮માં વહીવટીતંત્રમાં મળતી નોકરી ન લીધી તેમ જ એ જ વર્ષમાં અમેરિકા જવાની તક મળી તેને માટે પણ વિચાર માંડી વાળ્યો તેથી ‘ઘરખૂણે બેસીને ઊંડાણથી અભ્યાસ કરવાની તકો મળી' તે એમને મન મહત્ત્વની હતી. એમના પ્રિય લેખકો છે સોફોકિલસ, શેક્સપિયર અને ટોમસ હાર્ડી તેમ જ ટાગોર, પ્રેમચંદ અને ગોવર્ધનરામ. એમને મતે આ તમામ લેખકો માનવને છતો કરે છે. કૃતિઓમાં એમને 'હેમ્લેટ', 'ઇડીપસ ધ કિંગ:, 'ટેસ ઑફ ડ્યુબરવિલ' અને 'રાઈડર્સ ટુ ધ સી' પ્રિય છે. કલાની દૃષ્ટિએ તેઓનું ગમે તે મૂલ્ય હોય પણ માનવના મનના અગોચર ખૂણાનાં દર્શન આ કૃતિઓ કરાવી જાય છે તે એમને મન મોટી વાત છે. શ્રી ચંદરવાકરે લેખનપ્રવૃત્તિનો આરંભ વતન ચંદરવામાં ‘વિદ્યાર્થી’ નામનું હસ્તલિખિત કાઢીને કરેલ. લીંબડી ઔદિચ્ય બ્રાહ્મણ છાત્રાલયના સામયિકનું સહતંત્રીપદ તેમ જ લીંબડી હાઈસ્કૂલના સામયિકનું તંત્રીપદ સંભાળી સર્જનક્ષેત્રે પાપા પગલી પાડી. એમનો પહેલો લેખ પ્રગટ થયો ઈ.સ.૧૯૩૯માં. એમના સાહિત્યસર્જનમાં વતનભૂમિ ચંદરવા, એના લોકભાઈઓ અને બહેનો તેમ જ ગામની નાનકડી નદીએ પ્રેરણાભર્યો ભાગ ભજવ્યો છે. એમની પ્રથમ નવલકથા 'રાંકનાં રતન' ઈ.સ.૧૯૪૬માં પ્રગટ થઈ ત્યારનો એમને થયેલ વિશિષ્ટ અનુભવ એમના જ શબ્દોમાં વાંચીએ: ‘મારા મુ. સ્નેહી શ્રી ઉમાશંકર જોશીને ('રાંકના રતન'ની) હસ્તપ્રત વાંચવા આપી. તેમણે શ્રી ભૂખણવાળાને પદ્મ પબ્લિકેશન્સને છાપવા આપી અને બીજી નકલ નહીં હોવાથી શ્રી રાજેન્દ્ર શાહ અને શ્રી નિરંજન ભગતે નકલ કરીને બારેબાર શ્રી ભૂખણવાળાને સોંપી દીધી. આ ત્રણે સન્મિત્રોનો મીઠો અનુભવ યાદ કરું છું ત્યારે મારી આ નવલકથા માટે ધન્યતા અનુભવી તેની યાદ તાજી કરું છું કે કેવી જબરી આયાઓ નવનવી કૃતિને મળી!’ એમને ‘પિયરનો પડોશી' નામની એકાંકી નાટિકા માટે ઈ.સ.૧૯૪૫નો ‘કુમાર ચન્દ્રક' મળ્યો હતો. એમનો સૌથી પ્રિય સાહિત્યપ્રકાર છે એકાંકી; પછી વાર્તા અને છેલ્લે નવલકથા. આ પક્ષપાતના કારણમાં તેઓ નિખાલસપણે જણાવે છે કે એ ત્રણે પ્રકારોએ એમને થોડીકે આબરૂ અપાવી છે અને પૈસાની ભીડ પડે છે ત્યારે પૈસા લાવી આપે છે. મનની મોજ તો ખરી જ. એમને મન એકાંકી નાટક કવિતાની સવિશેષ નજીક છે, અને છતાંય માનવને છતો કરાવે છે. એમનાં આગામી પ્રકાશનોમાં નવલકથાઓ, વાર્તાસંગ્રહો, એકાંકીસંગ્રહો, લોકગીતોના સંગ્રહો. 'બૅલેડના સંગ્રહો, લોકસાહિત્યની સમાલોચના અને વિવેચનના સંગ્રહો, એક સંગ્રહ થાય એટલા પ્રવાસલેખો, રેખાચિત્રોનો એક સંગ્રહ, બાળનાટકો અને બાળવાર્તાઓનો એક સંગ્રહ, ગુજરાતની લોકસંસ્કૃતિ અને જાતિઓનો એક સંગ્રહ, ઈતિહાસ, પુરાતત્ત્વ, સમાજવિજ્ઞાન, લોકબોલીઓ પરના લેખો, પરદેશી સાહિત્યકારોના પરિચયલેખો તેમજ અન્ય લેખો મળીને બીજા બે એક સંગ્રહો; ઉપરાંત અંગ્રેજી તેમ જ હિંદી લેખોનો એક એક સંગ્રહ છે. વચમાં ન્યૂયોર્કના ‘હેરલ્ડ ટ્રિબ્યૂન' અખબારે હિંદમાં ટૂંકી વાર્તાની હરીફાઈઓ ચલાવેલી તેમાં શ્રી ચંદરવાકરને એકાદ ઇનામ મળેલ, પરંતુ ત્યારે એમને જે અનુભવ થયો એથી તેઓ એવા ઠંડા થઈ ગયા કે પછી એવી હરીફાઈમાં ન પડવું એવું ગુરુજ્ઞાન એમને લાધ્યુ. તેથી એમની છપાયેલ ચોપડીને કે લેખ, વાર્તા કે નાટકને કોઈ 'કયૂ'માં ખડાં ન રાખવાં એવો નિર્ણય એમણે લીધો છે. શ્રી ચંદરવાકરે એકાંકી, નવલકથા અને નવલિકાક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી છે અને આપી રહ્યા છે. ગામડાના લોકજીવન અને લોકબોલીનો પ્રત્યક્ષ પરિચય ધરાવતા આ લેખકે એમની કૃતિઓમાં એ વસ્તુસામગ્રીનો અચ્છો વિનિયોગ કર્યો છે. માનવહૈયામાંની કુટિલતા અને દંભને વ્યક્ત કરવાની એમની પાસે સારી ફાવટ છે. ગુજરાતની પછાત કોમોના જીવનનાં ચિત્રો આપતી એમની કૃતિઓએ સારું આકર્ષણ જમાવ્યું છે. ઉપરાંત, લોકસાહિત્યના સંશોધન અંગેની એમની કામગીરી પણ પ્રશસ્ય છે. અત્યંત શ્રમ લઈને ઉત્સાહ અને ધીરજપૂર્વક એમણે એકત્રિત કરેલું લોકસાહિત્ય એ ક્ષેત્રમાંની એમની ઊંડી સૂઝનું નિદર્શક છે. કલકત્તાની ફોકલોર સોસાયટી ઓફ ઇન્ડિયાના તેઓ પ્રમુખ છે અને અલ્હાબાદની અખિલ ભારતીય લોકસંસ્કૃતિના તેમ જ ગુજરાત રાજ્યની લોકસાહિત્ય સમિતિના તેઓ સભ્ય છે. કલકત્તાથી પ્રગટ થતા ‘ફોકલોર'ના સહાયક તંત્રી તરીકે તેમ જ 'લોક્યાન'ના પ્રાદેશિક તંત્રી તરીકે તેઓ સેવાઓ આપે છે; અખિલ ભારતીય લોકસંસ્કૃતિ, તૃતીય અધિવેશન, ઉજજૈન-ના લોકસંસ્કૃતિ વિભાગના તેઓ પ્રમુખ હતા. ઉપરાંત લોકસાહિત્યની અભ્યાસક્રમ સમિતિ, અખિલ ભારતીય લોકસંસ્કૃતિ, એન્થ્રોપોલોજી સોસાયટી, ગુજરાત સાહિત્ય સભા, શ્રી મહીકાંઠા કેળવણી મંડળ (કઠાણા) વગેરે અનેક સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે.
કૃતિઓ
૧. રાંકના રતન : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : પદ્મ પ્રકાશન, અમદાવાદ.
૨. પિયરનો પડોશી : મૌલિક, એકાંકી; પ્ર. સાલ ૧૯૪૭.
પ્રકાશક : એન. આઈ. પી. મુંબઈ.
૩. યજ્ઞ : મૌલિક, એકાંકી; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : એલીટ બુક સર્વિસ, અમદાવાદ.
૪. નંદવાયેલાં હૈયાં : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ પ્રા. લિ., અમદાવાદ.
૫. પ્રાણીઘર : મૌલિક, બાળવાર્તાઓ; પ્ર. સાલ ૧૯૫૩.
પ્રકાશક : એલીટ બુક સર્વિસ; અમદાવાદ.
૬. બાવડાના બળે : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૭. બાંધણી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૮. ભવની કમાણી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ.
૯. લીલુડા લેજો : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : પ્રકાશ સાહિત્ય ભંડાર, અમદાવાદ.
૧૦. નવા ચીલે : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૧૧ માનવીનો માળો : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : નવચેનત સાહિત્યમંદિર, અમદાવાદ.
૧૨. શુકનવંતી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : નવચેનત સાહિત્યમંદિર, અમદાવાદ.
૧૩. મહીના ઓવારે : મૌલિક, એકાંકી; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૧૪. નવો હલકો : સંપાદન; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : પોપ્યુલર બુક સ્ટોર, સૂરત.
૧૫. લોકઘડતર માળાની બાર પુસ્તિકાઓ : સંપાદન: પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશન : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૧૬. ખેતરનો ખેડુ : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : નવચેતન સાહિત્યમંદિર, અમદાવાદ.
૧૭. અંતરદીપ : મૌલિક, વાર્તાસંગ્રહ: પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૧૮. રંગલીલા : મૌલિક, નટીશૂન્ય નાટકો; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૧૯. ધરતી ભાર શેં ઝીલશે [ખંડ ૧–૨] : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૨૦. ઝાંઝવાનાં નીર : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૨૧. ચંદર ઊગ્યે ચાલવું : સંપાદન; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
અભ્યાસ સામગ્રી :
(૧) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૪૬ (‘રાંકનાં રતન'), ૧૯૪૯ (‘પિયરનો પડોશી'), ૧૯૫૭ (‘અંતરદીપ').
(૨) ‘સંસ્કૃતિ’ ફેબ્રુઆરી, ૧૯૫૫ ('બાવડાના બળે'). ઉપરાંત, જયહિંદ, નવચેતન વગેરેમાંનાં અવલોકનો.
સરનામું : 'આર્ટસ-કૉમર્સ કૉલેજ, ધ્રાંગધ્રા.