સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કવિ નર્મદાશંકરની કવિતા: Difference between revisions
No edit summary |
m (Meghdhanu moved page નવલરામ પંડ્યા/કવિ નર્મદાશંકરની કવિતા to સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કવિ નર્મદાશંકરની કવિતા without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 13:28, 29 June 2024
અગિયાર વરસ થયાં નર્મદાશંકરે કવિતા લખવા માંડી છે તે બધી એકઠી કરી હોય તો સુમારે દયારામકૃત કાવ્ય સંગ્રહના બે ચોપડા જેવડું પુસ્તક થાય ખરું. ઘણા ગુજરાતી કવિઓના આખા જન્મારાના લખાણ જેટલું આ તરુણ કવિની કલમમાંથી આટલી મુદતમાં નીકળ્યું એ વાત એના ઉદ્યોગ અને ચપળ બુદ્ધિની અચૂક નિશાની છે. એ લખાણની છટાએ મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ, કાઠિયાવાડ આદિ ઘણી જગોએ એના નામને પ્રસિદ્ધ કરી મૂક્યું છે. એ લખાણથી દેશમાં ઊંચું રસજ્ઞાન પ્રસરવા માંડ્યું છે, અને કાવ્ય ને પદ્યમાં શો ફેર છે તેની હમણાં જ ગુજરાતી ભાઈઓને કંઈ કંઈ સમજ પડવા લાગી છે. ઘણાખરા અંગ્રેજી ભણેલા તો ગુજરાતી કવિતામાં નર્મદાશંકરનું જ ઊંડું કાવ્ય ભાવથી વાંચે છે; શાસ્ત્રીઓે જે કે સંસ્કૃતમાં જ કવિતા હોય એમ માની બેઠા છે, અને સઘળાં પ્રાકૃત પુસ્તકો તરફ ધિક્કારની નજરથી જુએ છે તે પણ નર્મકવિતા વિષે કહે છે કે પ્રાકૃત પ્રમાણે ઠીક છે; સાધારણ લોકોમાંના સાચા દરદીઓે ટીકા સાથે એમાંના રસિક પદ સાંભળે છે ત્યારે ઘેલે મ્હોંએ ‘ખૂબ’ એમ કહી રસલીન થવાનું પ્રગટ ચિત્ર દર્શાવે છે; અને એ કવિના થોડાક મિત્ર તો દુનિયાના ઉત્તમ કવિઓ સાથે પણ એનો મુકાબલો કરતાં આંચકો ખાતા નથી. પણ તેમજ ઘણા ખરા સાધારણ લોકોને એની કવિતાનો કેવળ અનાદર છે, અને તે કરતાં હલકામાં હલકી ગરબી કે લાવણી વધારે પસંદ કરે છે. બીજા ગુજરાતી કવિઓે વિષે બધાનો વિચાર ઘણું કરીને એકસરખો છે, પણ નર્મકવિતાની ખુશી પિછાણવામાં તો જાણે દેશમાં જે થડાં બંધાઈ ગયાં હોય એમ જણાય છે, અને તે થડાં હંમેશાં એકબીજા સાથે આગ્રહ અને જુસ્સાથી આથડતાં માલમ પડે છે. પણ જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે, અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તોલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત, ડાહી અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગતું નથી. પ્રેમાનંદ અને શામળ સંબંધી થોડા વખત ઉપર જાહેરમાં ચર્ચા ચાલી રહી હતી તે ઉપરથી હજી આપણા વિદ્વાનોમાં પણ કવિતા તોલવાનું કેવું નાનું અને અશાસ્ત્રીય માપ છે તે જણાઈ આવ્યું. તો પછી બીજા લોકોના તો કવિતા સંબંધી વિચારનું પૂછવું જ શું? ઘણા તો સારા રાગમાં વૈદકશાસ્ત્રનું પણ માપવાળું લખાણ હોય તો તેને કવિતા સમજે, અને તેમાં ઝડઝમકના તડાકાભડાકા તથા સસ્સામમ્માવાળા પાંચ સાત શબ્દ જોડે ગૂંથેલા જુએ તો તેને ઉત્તમ કવિતા કહી પોતાના મનમાં નિશ્ચય કરે કે અમારા જેવા કવિતાના પરખુ કોઈ નથી. તેઓના વિચારમાં શબ્દનો ધ્વનિ એ જ કવિતા છે, અર્થની ઝાઝી પરવાહ તેઓ રાખતા નથી. એમ નથી વિચારતા કે ભાષાના શબ્દના ધ્વનિ અને તેને રોડાંની પેઠે મનસ્વી આકારમાં ગોઠવવું એ જ કવિતા હોત તો કાલિદાસને યુરોપખંડમાં વખાણાવાનો દહાડો ક્યાંથી આવત? અને હોમરના તરજૂમામાંથી તેનું નામ દેશેદેશ અવિચળ કીર્તિ કેમ પામત? તરજૂમામાં તો ઝડઝમક અને સઘળું શબ્દચાતુર્ય ઊડી જઈ માત્ર અર્થની જ ખૂબી રહે છે, અને તે અર્થની ખૂબીને માટે જ કાલિદાસ, હોમર, શેક્સપિયર, અને બીજા મોટા કવિઓે દુનિયામાં વખણાય છે. કેટલાક લોકો ભાષાની શુદ્ધતા, સરળતા, અને મીઠાશને જ કવિતાનું માપ ગણે છે. કેટલાક હસાવવું એ જ કવિતાનો મુખ્ય હેતુ સમજે છે. એ હિસાબે તો ભાટ અને તર્કડિયો એ બે જ મોટા કવિરાજ તો! કેટલાક દોઢડાહ્યા પદ્યમાં નીતિનાં ભાષણો હોય તેને જ કવિતા કહે છે. ઉત્તમ કવિતામાં નીતિ તો અલબત્ત હોય જ, પણ તે વ્યંગ્યરૂપે ઇસપની રૂપકોમાં છે તેમ રહેલી હોય છે, નિબંધરૂપ હોતી નથી. વળી કેટલાક રસિક, પણ કાવ્ય શાસ્ત્રના ઊંડા વિચારે રંક પુરુષો, રડાવે તેને જ ઉત્તમ કવિતા કહે છે. એમ હોય તો મિલ્ટનનું અમર કીર્તિપાત્ર ‘પેરેડાઈઝ લોસ્ટ’ નીરસ જ ગણવું જોઈએ, કેમ કે એ ગંભીર કાવ્યમાં કરુણ રસ નથી એમ કહીએ તોપણ ચાલે. ફક્ત લાગણીઓ જ કવિતાનું માપ હોય તો વીર રસ કવિતાને માથે શૃંગાર રસ કવિતાને જ ચઢાવી દેવી પડે, પણ એમ કયો વિદ્વાન કરે છે? આ પ્રમાણે તરેહતરેહવાર કવિતા સંબંધી એકદેશી વિચારો ચાલે છે. શબ્દનો ધ્વનિ એ કવિતા નથી પણ રાગ છે. કવિતા તો અર્થમાં રહેલી છે. જે અર્થ આપણાં મનમાં ચિત્ર પાડી નાના પ્રકારની લાગણીઓ ઉપર અસર કરે છે તે કવિતા, અને એ ચિત્રની સાચાઈ અને સંપૂર્ણતા ઉપરથી કવિતાના ક્રમ બંધાય છે. કુદરત અથવા માયાના સ્વરૂપનું ખરેખરું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા. કુદરતનાં એકાંગી ચિત્ર પણ થાય છે, અને વખતે એવાં અપૂર્ણ ચિત્ર મન ઉપર વધારે અસર કરે છે, તોપણ તે કદી ઉત્તમ કવિતાના નામને યોગ્ય થતાં નથી. આ વિષય વિસ્તારથી લખવાનું આ ઠેકાણું નથી, પણ જો ‘માયાનું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા’ એ વ્યાખ્યા લક્ષમાં રાખી મૂકી હોય તો કવિતાની જાતિ કેટલી, તેમાં ઊંચી કઈ, અને એવી બીજી સઘળી કાવ્યશાસ્ત્રની ગૂંચવણો દૂર થઈ ધોરી રસ્તો નજરે પડશે. આ માપથી તપાસી જોતાં નર્મદાશંકરના લખાણમાં ઊંચી જાતની કવિતા જણાય છે. પ્રેમાનંદ ભટ, શામળ ભટ, દયારામ અને નરસિંહ મહેતા જે ગુજરાતી કવિઓમાં પહેલા વર્ગના ગણાય છે તેમાંથી માત્ર પ્રેમાનંદ જ નર્મદાશંકરની જોડે બેસવાનો કંઈ દાવો કરી શકે એવો છે. નરસિંહ મહેતાના પદમાં અત્યંત ભક્તિ, તે ભક્તિમાં સમી ગયેલું થોડું પણ ઊંડુ બ્રહ્મજ્ઞાન, અને બીજા વર્ગનો શૃંગાર રસ જોવામાં આવે છે. એના શાંત રસમાં જ્ઞાન અને નીતિબોધ છે, વૈરાગ્ય નથી, એટલે જેમ બીજા ઘણાખરા કવિઓ માયાનું જૂઠું-ચલિતરૂપ ઓળખાવી ગાંભીર્યની સાથે સંસાર ઉપર કેટલોક કંટાળો ઉત્પન્ન કરે છે તેમ એના શાંત રસથી થતું નથી, પણ આખા હિંદુસ્તાનમાં સંતદાવે પ્રખ્યાત થયેલા આપણા નરસિંહ મહેતાની ભક્તિ અને હરિવિશ્વાસ ઉપરથી ધારી શકાય તેમજ એમાં આનંદયુક્ત જ્ઞાન છે. એની ભાષા ઘણી શુદ્ધ અને કોમળ છે. પહેલા વર્ગના બીજા ભક્તકવિ દયારામને ભોળા લોકો નરસિંહ મહેતાનો અવતાર ગણે છે, તેમ આપણે પણ બંનેના કવિત્વના સરખાપણાનો વિચાર કરીએ તો કહી શકીએ. માત્ર એ કળિયુગમાં મોડો જન્મ્યો તેથી એના મન ઉપર માયાનું આવરણ વધારે હતું. બંનેની કવિતા એક જ જાતની, પણ દયારામની વધારે સારી, આત્મપરિતાપ સંબંધી જે દયારામના પદ છે તે તેની સાચાઈ અને ઊભરાતા જુસ્સાથી વલ્લભ સિવાય બીજા બધા ગુજરાતી કવિઓના એવા લખાણથી ઝટ ઓળખાઈ આવે છે. આત્મપરિતાપની જોડે જ કરુણાસિંધુ પરમેશ્વર સાચી ભક્તિ જોઈ સઘળું ક્ષમા કરશે એવો પણ દૃઢ નિશ્ચય બહાર પડતો જોવામાં આવે છે. પણ દયારામ તેના શૃંગારને માટે ઘણો વખણાય છે. એ શૃંગારનો નર્મકવિતા સાથે મુકાબલો કરી શકાય ખરો. દયારામના ‘ભજનમાં’ વિયોગનું દર્દ કેટલી જગોએ સારી રીતે કથેલું છે; અને ઘણા ગુજરાતી ભક્તકવિઓની ચાલુ રીત છોડી કૃષ્ણનું દક્ષનાયક પ્રમાણે વર્ણન કરવાને પ્રયત્ન કીધો છે, તોપણ તેમાં વિલાસવર્ણન વધારે છે, અને શઠનાયકનાં પણ ચિત્રો આવી ગયાં છે. નર્મશૃંગાર દરદથી જ ભરેલો છે, અને તેમાં ઠેકાણે ઠેકાણે અનુકૂળ નાયકનાં પૂર્ણ ચિત્રો, કોઈ ઠેકાણે દક્ષનાયકની છાયા જોવામાં આવે છે. એમાં નાયકનું અને દયારામમાં નાયિકાનું બોલવું વધારે છે. નવે નાવિકા, પરકીયાના ઘણાખરા ભેદ, અને માનાદિ શૃંગારનો સઘળો વિસ્તાર દયાસખીના કાવ્યમાં ઘણો જોવામાં આવે છે. નર્મશૃંગારમાં ઘણું કરીને પૌઢાપ્રોષિતપતિકાજ પોતાના પ્રેમથી મહાલીને રસિક જનોનાં મન હરણ કરે છે. એમાં ધીરાધીરા નાયિકાનું પ્રાધાન્ય રાખ્યું તેથી રંગ વધારે જામે છે. એમાં ઘણે ઠેકાણે સ્વકીયા વર્ણન છે અથવા પરકીયા વર્ણન હોય એવું જણાતું નથી. જારપ્રીતના જુસ્સામાં વેદ અને લોકની લજજા તોડી આગળ ધસતી સાહસ ધીટ, અધીરા પરકીયાનું જ વર્ણન દયારામે તો ઉઘાડે છોગે કીધું છે. દયારામભાઈનું શૃંગારરૂપી રત્ન ખરા પાણીએ ચમકતું, નાયિકાદિભેદ વિસ્તીર્ણ, સુવર્ણ સરખા શબ્દોમાં જડિત, અને તાલસૂરના તેજોમય સિંધમાં તરતું છે, તોપણ ભાષાનાં વાદળાથી અડધા વીંટાયેલા નર્મશૃંગારરૂપી સદા બળતા અને બીજાને બાળતા શુદ્ધ સૂરજની આગળ તે રત્ન અમને તુચ્છ અને રમત સરખું લાગે છે. કવિપંક્તિમાં શામળને દયારામની ઉપર મૂકવામાં આવે છે તે તેના રસને માટે નહિ, પણ તર્કને માટે, સંસાર સંબંધી વાર્તા પોતાની અક્કલથી યોજીને લખવાનો સંપ્રદાય આપણા કવિમંડળમાં હતો જ નહિ. તેથી એમ પ્રથમ કરવાનું માન શામળને ઘટે છે. અને એ કારણને લીધે જ અગર જોકે એને કેટલીક વાર્તાનો આધાર મળેલો ખરો, અને તે આધાર ઉપરથી વિસ્તાર કરવામાં એણે કંઈ ઊંચી જાતનો તર્ક બતાવ્યો નથી, તોપણ પ્રેમાનંદથી ઊતરતું આસન એને આપવામાં આવે છે. બાકી એની વાર્તા યોજવાની શક્તિને તર્ક નહિ પણ ઊડતા તરંગનું નામ શોભે. તર્ક તો વ્યાસ અને વાલ્મીકિનો કે જેમાંથી ગર્જના કરતા પ્રૌઢ ‘ઇતિહાસો’ નીકળ્યા. શામળની બુદ્ધિ (Arabian nights)ના બનાવનારને વધારે મળતી આવે છે. શામળને કવિ નહિ પણ એક (novelist) કહીએ તો ચાલે, ને એ જાતના અંગ્રેજીમાં ગદ્ય લખનારા બુલ્વર લીટન, સ્કોટ આદિ બીજા કુડીબંધ છે તેની આગળ એના કંઈ જ હિસાબ નહિ લાગે. એનામાં ઘણું જ સંસારજ્ઞાન અને કેટલુંક ચાતુર્ય છે. એની કવિતા વ્રજભાષાના કવિઓની છટાને મળતી છે પણ તે ખેલાડીઓ તો છટાની સાથે રસ સારો મૂકી જાણતા હતા, તેમ શામળથી કંઈ ઘણું બની શક્યું નથી. એનો કોઈ રીતે પણ નર્મકવિતા સાથે મુકાબલો થઈ શકતો જ નથી. કદાપિ એણે પણ નીતિબોધ ઘણે અને ઠીક લખ્યો છે એમ કોઈ કહેશે, પણ તેનો જવાબ એટલો જ છે કે નર્મનીતિબોધના ઊંડાણની સામા કોઈપણ જૂના કવિનો નીતિબોધ ક્ષણભર પણ ઊભો રહેવાને લાયક નથી. હા, પ્રેમાનંદ તો એને હંફાવે એવો ખરો. શુદ્ધ અને ઊંડા પ્રેમનો પ્રૌઢ લખનારો પેલો વડોદરાવાળો પ્રેમાનંદ કે જેનું નામ સઘળા રસિકજનોને પ્રેમ અને આનંદ આપી વહાલું થઈ પડ્યું છે, તે જૂના કવિઓમાં રાજપદવી ભોગવે એમાં કાંઈ જ નવાઈ નથી, અને મારા વિચાર પ્રમાણે તો એના તખ્તાનાં પગથિયાં આગળ પણ પહેલા વર્ગના બીજા ત્રણ કવિઓને બેસવા દે છે તે એક એની મોટી મહેરબાની! ખરેખર, પ્રેમાનંદને માટે તો ગુજરાતીઓેએ અભિમાન ધરવું જોઈએ. એને રસની બાબતમાં છેક મારી જાય એવો બીજી કોઈ પણ પ્રાકૃત ભાષામાં તો કવિ નથી. મોરોપંત, વામન અને બીજા મરાઠી પંડિત કવિઓ વિદ્યામાં બેશક બહુ ચઢે, પણ તેમના કાવ્યમાં એના જેટલો રસ નથી. વ્રજભાષાના કેશવદાસ, બિહારીદાસ અને બીજા થોડાક રસિક કવિઓ, અર્થગૌરવમાં, ચાતુર્યમાં અને મસ્ત શૃંગારમાં એને ક્યાંનો ક્યાં પછાડી મૂકી દે, પણ તેમ તેમનાથી એના કરુણ રસને પણ ન પહોંચાય. કરુણ રસ તો પ્રેમાનંદના બાપનો જ. એની કવિતા રસ, અલંકાર, અને ચિત્રથી ભરપૂર છે. એનાં પુસ્તકો ઉપર કેટલાક ભાષાંતરનો દોષ મૂકે છે પણ તે વાજબી નથી. કેટલોક તર્ક ને રંગ તો બિલકુલ એનો જ. નર્મકવિતા અને પ્રેમાનંદનાં પુસ્તકોની તુલના આપણે સમદૃષ્ટિએ કરી શકીએે તેની પહેલાં એ બે કવીશ્વરની વાણીમાં શો ફેર છે તેનો આપણે અવશ્ય નિર્ણય કરવો જોઈએ, કેમ કે ભાષાની મોહિની એવી છે કે ભલભલાને ગુલતાન કરી નાખે છે, અને ઘણાખરાને તો તે જ રસ છે એમ સમજાવી ખરા કવિત્વને ઓળખાવાનો (પરખાવાનો તો ક્યાંથી જ?) દહાડો આવવા દેતી નથી. પ્રેમાનંદની ભાષા ઉત્તમ પ્રતિની છે. કવિચરિત્રના કર્તા કવિપંડિતે એક જગોએ એને દયારામ કરતાં ઊતરતી ગણી છે. પણ મને લાગે છે કે એ અભિપ્રાય ભૂલ ભરેલો છે. એક કુલીન, વિદ્વાન અને સંસારમાં બહુ ફરેલો પુરુષ જેવી વાતચીત કરે તેવી દયારામની વાણી છે; અને કુલીન, અનુભવી, શાસ્ત્રીના લખાણ જેવી પ્રેમાનંદની ભાષા છે. મારા વિચાર પ્રમાણે તો પહેલા વર્ગના ચારે કવિની ભાષા તેમના વિષયને યોગ્ય છે, કોઈમાં કંઈ દોષ કહાડવા સરખું નથી. પ્રેમાનંદની વાણીમાં જે કંઈ એક જાતની પ્રૌઢ મીઠાશ છે તે તેનાં પુસ્તકોને લાયક છે. વ્યવહારમાં અને સંસ્કૃત કાવ્યોમાં ઘણી વાર વપરાયાથી પ્રસિદ્ધિ અને અધિકાર પામેલા શબ્દોથી જ પ્રેમાનંદે પોતાની કવિતા શણગારી છે. એવા શબ્દોને જોતાં જ જાણે તે જૂના મિત્ર હોય તેમ આપણે આનંદથી માન આપીએ છીએ. તે કાન ઉપર પડતાં જ આપણા મનમાં તેવા પ્રસંગનું ચિત્ર પડી રહે છે, અને તે રસમાં મગ્ન થઈ જઈએ છીએ. એક શબ્દથી શ્રોતાઓને જીતવાનું બળ તે આવા કવિઓનું. વળી એવી ભાષાની સાથે ઊંચી જાતનું થોડું ઘણું કવિત્વ, અને પ્રસંગને અનુસરતા રાગની સહાયતા હોય તો પછી તેની અસરમાં શું પૂછવું? વડોદરાને પ્રખ્યાતિ આપતા ભટ પ્રેમાનંદનું નામ ગુજરાતના આ છેડાથી પેલા છેડા લગી ગાજી રહે તેમાં શી નવાઈ? જૂના કવિમંડળમાં તે સૂર્યની માફક પ્રકાશી લોકોમાં આનંદ આનંદ વરસાવી રહે એમાં શું આશ્ચર્ય? એથી ઊલટી નર્મકવિતાની ભાષા જૂની ગુજરાતીના અભ્યાસીને તથા સાધારણ લોકોને લાગે છે. સાધારણ લોકો તો બરાબર સમજતા નથી, કેમ કે એમાં કેટલાક અપ્રસિદ્ધ અને અપૂર્ણાર્થ સૂચક શબ્દો આવેલા છે, અને વાક્યરચના ક્લિષ્ટ થઈ ગયેલી જણાય છે. એમાં ફારસી અને સંસ્કૃત શબ્દો સામસામા ઘૂરકતા ઊભેલા માલમ પડે છે. વિષયને નહિ શોભે એવા બોલ પણ વચમાં કોઈ ઠેકાણે આવીને રસભંગ કરે છે, આટલી સખ્ત ટીકા એ કવિના શરૂ આત લખાણને લાગુ પડે છે. ચાર પાંચ વરસ થયાં તો એની ભાષા ઘણી સુધરી ગઈ છે, અને ‘હિંદુસ્તાનની પડતી’ તથા આશરે તે વખત પછીની લખાયેલી સઘળી કવિતાની ભાષા ક્લિષ્ટ નથી પણ પાણીના રેલાની પેઠે વહેતી છે. તોપણ જૂના સારા કવિઓથી તો ઊતરતી જ, અથવા વાસ્તવિક રીતે બોલીએ તો નર્મકવિતાની બાની જ જુદી છે, કેમ કે જરા એ પણ વિચાર કરવાની વાત છે કે નર્મદાશંકરના પદ્યની ભાષા શા માટે ઊતરતી હોવી જોઈએ. એનું ગદ્ય શુદ્ધ, રસિક, ફાંકડું, અને ભાષામાં સર્વોપરી છે એ તો સહુ કોઈને માલમ જ છે. ગદ્યનો લખનાર તો એ એક્કો ગણાય જ છે, ને એની બોલવાની ભાષા વિષે મારો તો એ જ અભિપ્રાય છે કે આ સમયના કુલીન વિદ્વાન ગુજરાતીએ કેમ બોલવું જોઈએ તેનો નમૂનો (ideal) છે, અથવા એટલું તો ખરું જ કે એના જેવો બોલનાર ગુજરાતમાં હાલ તો નથી જ. હું વાચાળતાની વાત નથી કરતો, પણ શુદ્ધ, રસિક, મર્માળી અને તેની સાથે સરળ ભાષાની. ત્યારે જે માણસનું ગદ્ય સર્વોપરી, સંભાષણ ઉત્કૃષ્ટ, અને જે માણસ ગુજરાતી કોષ અને વ્યાકરણ વિદ્વત્તાથી લખે છે, તે માણસના કાવ્યની ભાષા કેમ નઠારી લાગે છે? હા, તે માણસમાં કવિત્વ નહિ હોય તો તેમ કદાપિ થાય ખરું, પણ રસિક નર્મદને વિષે તો એમ કોઈથી કહેવાતું જ નથી. એના કટ્ટામાં કટ્ટા દુશ્મનો પણ માત્ર મોટામાં મોટી દોષ ભાષાનો જ કહાડી શકે છે. ત્યારે એનું કારણ શું? ઘણો વિચાર કરી ઊંડું જોતાં મને તો આમ લાગે છે : ગુજરાતી અને તેમજ બીજી બધી હિંદુસ્તાનમાં બોલાતી ભાષાઓ હાલ મોટા વમળમાં પડી છે. દલપતરામકવિ કહે છે કે નરસિંહ મહેતાના સમયથી તે દયારામભાઈના વખત સુધીની પાંચશે વરસની મુદતમાં ગુજરાતી ભાષામાં ફેર પડ્યો નથી. એ કેટલેક દરજ્જે ખરું છે. તોપણ એ પાંચશે વરસમાં જેટલો ફેરફાર થયો છે તેથી સોગણો ફેર આવતાં પચાસ વરસમાં પડનાર છે એ નિશ્ચય જાણવું. સમય બદલાય તેમ ભાષા પણ બદલાય છે. આજકાલ ભણેલા જુવાનિયાની ભાષા શું જૂના લોકો કરતાં જુદી નથી? જૂના જમાનામાંના કેટલા થોડા ન્યુસપેપર વાંચી બરાબર સમજી શકે છે? ઘણા મહાવરાથી તેમાંના થોડાએક સમજવાને શક્તિમાન થયેલા જોવામાં આવે છે. મુંબઈમાં વધારે સમજે છે તેનું કારણ એ જ કે તેઓને મહાવરો વધારે છે, અને મુંબઈના સઘળા લોકોની કેવી ભાષા થઈ ગઈ છે તે જ જુઓેને. સભાઓમાં ભાષણ વંચાય છે અને પછી જે ચર્ચા ચાલે છે તેમાં શું જૂના લોકોને બરાબર સમજણ પડે છે? હાલના ગદ્યની મણિરત્નમાળાની ટીકાની, અને વચનામૃત આદિ જૂના ગદ્યની ભાષામાં શું આસમાન ને જમીનનો ફેર નથી માલમ પડતો? વચનામૃત લખાયાને તો ઘણી મુદત પણ નથી થઈ. એ ફેરફાર નિરંતર આપણી નજર તળે થયા કરે છે તે આપણા લક્ષમાં નથી રહેતો, પણ ભાષા બદલાઈ અને બદલાય છે એમાં તો કંઈ શક નહિ. ત્યારે એ બદલાયેલી ભાષા નર્મદાશંકરના હાથથી કેટલોક સંસ્કાર પામી એની કવિતામાં દર્શન આપે છે તેથી આપણે આશ્ચર્ય શા માટે પામવું જોઈએ? જો એ વિકૃતિ આપણી ભાષાનું દૂષણ છે, તો એ દૂષણ લગાડ્યાનો ચાંલ્લો કોઈ એકને શિર નથી, પણ આ સમયને એટલે આ સમયે સઘળા વિદ્વાન લખનારા અને બોલનારાને શિર છે. હમણાં આપણી ભાષા શા કારણથી અને શી રીતે વિકૃતિ પામે છે તેનો જો વિચાર કરીશું તો એ દૂષણ છે એમ કહેવાનું આપણને સ્વપ્ને પણ નહિ સૂઝે. જ્યારે મુસલમાનોનું પ્રબળ હિંદુસ્તાનમાં ઘણું વધ્યું અને તેઓની સાથે રોજ સહવાસ થવા લાગ્યો, ત્યારે આ દેશની સઘળી બોલીઓમાં દેખાદેખી ફારસી ભાષાના શબ્દોનો પ્રવેશ થવા લાગ્યો. તેમાંના ઘણાખરા શબ્દોનો કાંઈ ખપ તે બોલીઓમાં હતો નહિ તેથી તે સમયની વિકૃતિને દૂષણ કહીએ તો ચાલે. પણ હાલની તો રીત જ જુદી છે. અંગ્રેજીમાંના થોડા જ શબ્દો આપણી ભાષામાં આવ્યા હશે. વાક્ય રચનામાં તે ભાષાની રૂઢિનો કંઈક બેમાલૂમ અંશ કોઈ વખત આવી જાય છે ખરો, પણ જે ભાષામાં મૂળ સારું ગદ્ય જ નહિ ત્યાં બીજો ઇલાજ શો? ત્યારે આપણી ભાષા વિદ્વાનોને હાથે જ વિકૃતિ હમણાં શા માટે પામે છે? કારણ ખુલ્લું જ છે. અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારોને તથા નવી લાગણીઓેને જન્મ આપ્યો છે. તેમનો સમાવેશ સાંકડી ગુજરાતીમાં થઈ શકતો નથી, તેથી તે નિરૂપાય થઈ સંસ્કૃત અને ફારસી ભાષાના અણહદ મેદાનમાં જઈ વિશ્રામઠામની યાચના કરે છે. વખતે એમ બને છે ખરું કે પોતાની બાલ્યાવસ્થાની ઉદ્ધતાઈ અને અધીર ચપળતાથી સાંકડી પણ થોડી ઘણી વસ્તીવાળી ગુજરાતીમાં અને વસ્તીથી તરવરી રહેલી સંસ્કૃતમાં તેમને અનુકૂળ આવે એવા વાસ હોય છે તોપણ તેની ખોળ ન કરતાં નવાં બેડોળ મકાન બાંધી તેમાં સાંકડેમોકળે નિવાસ કરે છે; પણ એક તો જાતે તે મુલકના વતની નહિ, બીજું તે ભાષાજ્ઞાનરૂપી ભોમિયો તેઓને પૂરો સ્વાધીન નહિ, અને ત્રીજું જેઓને એ ભોમિયો સ્વાધીન છે તેમની સાથે ગમે તે કરતાં પણ દિલોજાન દોસ્તી થતી જ નથી, તેથી એ બિચારાનો કાંઈ ઝાઝો વાંક નથી. જેમ જેમ સમજણ આવતી જાય છે અને આસપાસનો ખરો અનુભવ થતો જાય છે તેમ તેમ ઉતાવળમાં પસંદ કરેલા ઘરની ખોડખાંપણ સૂઝતી જાય છે અને વખતે ઉચાળો ભરી જૂનાં મકાનોમાંથી એક અનુકૂળ જોઈ તેમાં ઠરીઠામ રહે છે. વખતે નવું ઘર અયોગ્ય છતાં જોઈએ તેવું સહ્યું તો ત્યાં જ અઠેદ્વારકા કરે છે. આ બે વિધિએ આપણી ભાષા હમણાં વિકૃતિ પામે છે. તેમાં બીજી વિધિએ એને સુધારવાને નર્મદાશંકરે જે પરિશ્રમ કીધો છે તેને માટે આપણે એનો ઘણો જ આભાર માનવો જોઈએ. એનું ગદ્ય વખણાય છે તે આ કારણને માટે જ; હાલની નવી બાનીએથી પદભ્રષ્ટ કરેલા ઘણા ગુજરાતી શબ્દોને પાછો એણે અધિકાર અપાવ્યો છે, સંસ્કૃતમાં વપરાતા ઘણા પૂર્ણાર્થસૂચક શબ્દોને શોધી નવા વિચારોની સેવા કીધી છે, અને કેટલાક નવા શબ્દો પોતાની મેળે જોડી કહાડ્યા છે તેમાં પણ રસિક પંડિતાઈ બતાવી છે. કોઈ વખત એનાથી પહેલી વિધિએે વરતાઈ ગયું હશે, પણ એક માણસથી જેટલું ગુજરાતી ભાષાના લાભમાં બને તેટલું એણે કરવામાં કસર રાખી નથી. નવા પ્રૌઢ વિચારોની ઓળખાણ અને તે વિચારોને શું શું અગવડ પડે છે તેની પૂરી કદર ન હોવાથી જે લોકોને આ ભાષાની વિકૃતિ જોઈ ખેદ ઉત્પન્ન થાય છે તે લોકો તો અલબત્ત દોષ જ કહાડશે. પણ ભાષામાં જે ફેરફાર ચાલી રહ્યો છે તે કોઈના હાથમાં નથી, અને એ જ ફેરફાર થતી ભાષા આગળ પ્રસાર પામવાની છે, પછી એને મીઠી ગણો કે કડવી ગણો, શુદ્ધ ગણો કે અશુદ્ધ ગણો. જેમ જેમ દેશમાં નવા વિચારો દાખલ થતા જવાના તેમ તેમ નવા શબ્દો ભાષામાં પ્રવેશ કરતા જવાના, અને જૂના શબ્દોનું જોર વત્તુઓછું થઈ જવાનું. વ્યાકરણયુક્ત અન્વય થઈ શકે એવાં અને અર્થગૌરવ, ચાતુર્ય, વાદ અને રસનો સંક્ષેપમાં સમાવેશ થઈ શકે એવાં યુક્તિથી રચેલાં વાક્યો હવેના વિદ્વાનોના લખાણમાં માલમ પડવાનાં – પછી ‘તે ગયો, તું આવ્યો, હું ખુશી થયો,’ એવી તૂટક દેશીઓના વાંચનારથી તે ન સમજાઓ તો ન સમજાઓ અને કિલષ્ટ કહો તો કહો. આ રીતે વિચાર કરતાં તો નર્મપદ્યની ભાષાનાં કેટલાંક દૂષણો ભૂષણ રૂપ થઈ જાય છે, અને એમ મનમાં સહજ ખ્યાલ ઊઠે છે કે તે જે વાતને માટે હમણાં એ બહુ નિંદાય છે તેને માટે જ આવતા જમાનામાં કદી એની ઘણી તારીફ થાય, માટે એની બાની જ જુદી છે એમ ગણી એની કવિતાની તુલના કરવામાં તેનો વિચાર દૂર રાખવાની હું જૂજ ભલામણ કરું છું તે કોઈ પણ રીતે ખોટી છે એવું તો દુરાગ્રહી સિવાય કોઈ કહી શકનાર નથી. જ્યારે બાની જ જુદી અને તે બાની પણ છેક દોષરહિત નહિ, ત્યારે તે બાની જૂની બાનીના શોકીનને અપ્રિય લાગે એમાં કોઈ અચરત સરખું નથી, પરંતુ તેઓનો એ ધર્મ છે કે એ વિષય પર તેઓએ શાંત રીતે ખરા કવિત્વનો વિચાર કરવો. નર્મદાશંકરની ભાષા વિષે મેં મારો તો અભિપ્રાય ઉપર જણાવ્યો જ છે. પણ વાદને અર્થે તેઓ ધારે છે તેથી પણ ઘણી જ નઠારી છે એમ ગણીએ, તો યે માત્ર ભાષા ઊતરતી હોવાથી શું થઈ ગયું? ગુણીજનો ઠીકરાના વાસણમાંથી પણ અમૃતનો જ સ્વીકાર કરે, અને રત્નજડિત કંચનના પાત્રમાં દૂધ હોય તે તરફ લોભાઈ જાય નહિ. માટે ભાષાનો વિચાર દૂર કરી એ બે કવિઓને સરખાવી જોઈએ. કરુણ રસમાં પ્રેમાનંદ બેશક ચઢે, અને હાસ્યરસ પણ એણે લખ્યો છે તે સારો અને એ કવિને શોભે તેવો છે. નર્મદાશંકરે કવિતામાં હાસ્યરસ લખવાનું હજી માથે લીધું જ નથી, અને ગદ્યમાં હસાવવાનું જોર એનું જબરું જણાય છે. તેથી એ પ્રેમાનંદથી એ રસમાં ઊતરે એમ કહેવું એ ખરો ન્યાય તો નહિ, તોપણ કવિતામાં નથી એટલા જ કારણથી એક બે આની ઓછી આપીએે તો ચાલે. પ્રેમાનંદનો શૃંગાર નિશ્ચય ઉત્તમ જાતિનો છે, પણ નર્મદાશંકરનો એવા જ ઊંચા પાણીનો અને ઘણો છે. પ્રેમાનંદે છૂટક ગીતકવિતા પણ ઘણી લખી છે એમ એકનું કહેવું છે તે ખરું પડે તો બહુ સારું, અને તે ખરું પાડવાની ખોળમાં ઉદ્યોગી વિદ્વાનોએ રહેવું જોઈએ, કેમ કે તેમાં બેશક શૃંગાર બહુ હશે, અને તેથી આ બાબત ખરો ન્યાય કરવાનાં સાધન આપણે હાથ લાગશે. તોપણ જ્યાં લગી એમ નથી થયું ત્યાં લગી તો નર્મદાશંકર કરતાં એનો શૃંગાર ઓછો એમ કહેવાની ફરજ પડે છે. વળી પ્રેમાનંદના શૃંગારથી ચિત્ર પડે છે, પણ નર્મ શૃંગારમાં ઘણાં ઊંચી જાતનાં અને પૂર્ણ ચિત્ર છે. અફસોસ છે કે આપણામાં ચિત્રકળાની કળી સુધારાના સૂરજને ન ગણકારતાં હજી બિડાયેલી જ ઊભી છે; બાકી કોઈ ચતુર ચિતારો નર્મકવિતામાંનાં તાર્કિક ચિત્રોને રસિક સ્ત્રીપુરુષોની દૃષ્ટિ આગળ મૂર્તિમાન મૂકી તેના મનોહર રૂપથી સાનંદાશ્ચર્યમાં સ્તબ્ધ કરી મૂકત. પ્રેમાનંદમાં વીરરસ ઘણો છે, પણ કલ્પિત શસ્ત્રો વડે કીધેલાં અસંભિવત પરાક્રમોના વર્ણનથી હાલના અગ્નિરથ અને વિજળીયંત્રના કુદરતી ચમત્કારથી ચમકી રહેલા ઓગણીસમા સૈકાના વિદ્વાનો રસમગ્ન થઈ જાય એ તો મુશ્કેલ જ તો. અદ્ભુુત સાથે વીરરસ ઊડી ગયો – એ બંને વચ્ચે આત્મા ને શ્વાસનો સંબંધ છે. નર્મકવિતામાં શિક્ષારૂપ જે વીરરસ લખ્યો છે તે ઘણો જુસ્સાવાળો અને અસર કરતો છે. પ્રેમાનંદે શાંતરસ તો લખ્યો જ નથી, અને નર્મદાશંકરે લખ્યો છે તે ઘણો જ સરસ છે. નીતિબોધકવિતા તો ગુજરાતીમાં નર્મદાશંકરની જ. એનો લખેલો વૈરાગ્ય ઊંડો અને ઉત્તમ પંક્તિનો છે – એટલો ઊંડો કે વિદ્વાન નહિ હોય તો દુઃખીયારાથી પણ નહિ સમજાય, અને દુઃખી વિદ્વાનને એવો વૈરાગ્ય ગુજરાતી ભાષામાં તો શું પણ બીજી ખેડાયેલી ભાષામાં પણ મળવો મુશ્કેલ. સૃષ્ટિસૌંદર્ય સમજવાની શક્તિ તો સંસ્કૃત ભાષાના લયની સાથે અથવા તેની પણ પૂર્વે આપણામાં કરમાઈ ગઈ હતી તે જાણે પાછી નર્મકવિના મનમાં પ્રફુલ્લિત થઈ હોય એમ જણાય છે. પ્રાતઃકાળનાં, સાંયકાળનાં, મધ્યરાત્રિનાં, ઋતુઓનાં – કાળ વર્ણન પાછળ કવિઓે થોડું ઘણું કરી જાણતા હતા, પણ વનવર્ણન કરવામાં તો કેવળ અજ્ઞાની હતા એમ કહીએ તો તે કંઈ ખોટું નહિ કહેવાય – એલચીની જોડે આમલી ને એરંડાનાં નામ મૂકી ‘અયા’ મેળવ્યા એટલે વનવર્ણન કીધું એમ કંઈ નહિ કહેવાય. બીજું જૂના કવિઓની કવિતા સ્વાભાવિક અને નર્મદાશંકરની શાસ્ત્રીય છે. જૂની ઉત્તમ કવિતા છેક શાસ્ત્રરહિત એમ હું નથી કહેતો. કાંઈ પણ શાસ્ત્ર વગર તો સારી કવિતા થાય જ નહિ. શામળનું કવિપ્રિયા, દયારામનું રસમંજરી, અને પ્રેમાનંદનું સઘળા સંસ્કૃત રસશાસ્ત્રનું સ્વબુદ્ધિએ શોધેલું સત્ત્વ તે શાસ્ત્ર એમ તેઓનાં પુસ્તકો ઉપરથી જણાઈ આવે છે. તોપણ તેમાંના કોઈની બાની શાસ્ત્રીય નથી. તેઓનાં પુસ્તકો પાઠશાળામાં શીખવવા લાયક નથી, પણ માત્ર રાગમાં ગવાતાં સાંભળી આનંદ પામવાનાં છે. શામળની કંઈ એક હિંદુસ્તાનની ઢબની શાસ્ત્રીય બાની છે ખરી, અને હું ધારું છું કે દલપતરામ એ જ કારણને માટે એને વખાણતા હશે. વાક્ય તો બોલે બોલ પ્રયોજનવાળાં – તેમાંથી એક પણ કહાડી નાખીએ અથવા બદલીએ તો અર્થના ચિત્રનું અંગ ખંડિત થાય, ને શબ્દના ક્રમમાં ફેર કરીએ તો રસમાં ઘટાડો થાય – ઝડઝમકનાં ભૂષણ ધરેલાં તથાપિ તે અંગના જ અવયવ હોય એમ જણાય, નિરર્થક વિસ્તાર નહીં કીધેલો પણ ચતુરને માત્ર ચેતવણી હોય, સંક્ષેપમાં લખેલું પણ વિદ્વાનને એક શબ્દ પણ ઉમેરવો ન ગમે, જેમાં પિંગળશાસ્ત્રનો પણ એક નિયમ ખસેલો નહિ – એવી અર્થગૌરવ અને વ્યંજનાયુક્ત કવિતા આપણી ભાષામાં નથી જ. એ ખૂબી તો સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યમાં જ રહેલી છે. એવી જાતની શાસ્ત્રીય કવિતાનો નર્મદાશંકરે આપણી ભાષામાં પ્રારંભ કીધો છે. આ બધી વાતનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એમ જ લાગે છે કે પ્રેમાનંદ સુધ્ધાં સઘળા ગુજરાતી કવિઓ કરતાં નર્મકાવ્ય ઘણી ઊંચી જાતનું છે, અને અગર જો નિત્યના સહવાસથી નર્મદાશંકરના કવિત્વની ખૂબીનો પૂરેપૂરો ખ્યાલ આપણા મનમાં આવી શકતો નથી, તોપણ આવતા જમાનામાં એ કવીશ્વર હમણાં કરતાં ઘણું જ વધારે માન પામશે, અને કદાપિ તે વખતના વિદ્વાનોને અમૃત સરખું પણ લાગશે કે આવા જૂના કવિઓ સાથે એનો મુકાબલો જ શા માટે કીધો હશે.
૧૮૬૭