અર્વાચીન કવિતા/કવિ શિવલાલ ધનેશ્વર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big>'''કવિ શિવલાલ ધનેશ્વર''</big></center>
<center><big>'''કવિ શિવલાલ ધનેશ્વર'''</big></center>


<center><big>'''[૧૮૫૦ – ૧૮૯૯]''</big></center>
<center><big>'''[૧૮૫૦ – ૧૮૯૯]'''</big></center>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 04:18, 9 July 2024

કવિ શિવલાલ ધનેશ્વર
[૧૮૫૦ – ૧૮૯૯]

પ્રસ્તાવિક કાવ્ય, અંક ૧ (૧૮૭૧), ‘રામાયણ’ ભાષાંતર (૧૮૭૫), કચ્છભૂપતિવિવાહવર્ણન (૧૮૮૫), પ્રવાસવર્ણન (૧૮૮૬), ‘મેઘદૂત ભાષાંતર’ (૧૮૯૮). હીરાચંદ પછી બીજી સ્વતંત્ર પ્રતિભાશાળી વ્યક્તિ કવિ શિવલાલ ધનેશ્વર છે. એમને સાચા અર્થમાં કવિ કહી શકીએ તેટલી શક્તિ તેમણે બતાવેલી છે. આ કવિની કાવ્યપ્રતિભાની કદર તેમના સમકાલીનોએ પણ કરેલી છે. કવિ નડિયાદના વતની હતા. ગામઠી નિશાળના પંતુજીપણાથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કરી તે કચ્છમાં ન્યાયાધીશની પદવી લગી પહોંચ્યા હતા. પણ તે કબૂલે છે કે ‘અમલદારીમાં કવિતા ચાલી ગઈ.’ પરંતુ આ અમલદારીને લીધે તેમણે રાજા સાથે કરેલા પ્રવાસમાંથી જ પોતાનું ઉત્તમોત્તમ કાવ્ય આપેલું છે. કવિને સંસ્કૃત, વ્રજ-હિંદી તથા મરાઠી ભાષાઓનો સારો અભ્યાસ હતો. હિંદી ભાષાના અભ્યાસના ફળ રૂપે તેમણે તુલસીકૃત રામાયણનો પદ્યમાં ઉત્તમ અનુવાદ આપ્યો છે*[1] સંસ્કૃતમાંથી તેમણે ‘મેઘદૂત’નો તથા બીજાં કાવ્યોનો અનુવાદ ‘કાવ્યકલાપ’ નામે કરેલો છે. તેમણે દલપતની રીતે કાવ્ય લખવાની શરૂઆત કરી છે. ‘પ્રસ્તાવિક કાવ્ય’માં ભક્તિ-ઉપદેશનાં ગીતોમાં પણ કવિ પોતાની સફાઈદાર શિષ્ટ રચનાશક્તિ બતાવી આપે છે :

મોહ્યો તું તો મન મધુકર રે પ્રપંચનાં પંકજ પેખી,
પ્રભુપદપંકજ અજર ઊંધા તે શું નાખ્ય ઉવેખી.

કવિને ‘પ્રસ્તાવિક કાવ્ય’ નામે કવિતાનું માસિક કાઢવાનો પણ મનોરથ હતો. કવિએ ઘણાં કાવ્યો લખેલાં છે. રામાયણ જેવા મહાગ્રંથના અનુવાદે તેમને કીર્તિ અને અર્થ બંને આપેલાં, પણ તેથી તેમનું મૌલિક લખાણ મંદ થઈ ગયેલું એમ તે નોંધે છે. પછી તો જીવનના વ્યવસાયમાં મચેલા રહેતાં જે કંઈ લખાય તે તેમણે લખ્યું. કવિને કચ્છના રાજાની સાથે કચ્છથી મહાબળેશ્વર સુધીના તથા ઇંગ્લાંડના પ્રવાસે પણ જવાનું થયેલું. તેમાંથી તેમણે પહેલા પ્રવાસને કાવ્યમાં શબ્દબદ્ધ કર્યો છે. ઇંગ્લાંડના પ્રવાસનું પણ ‘રસયુક્ત વર્ણન’ કવિતામાં કરવાની તેમને ઉમેદ હતી પણ તે પૂરી ન થઈ. ‘પ્રવાસવર્ણન’ બીજી આવૃત્તિ (૧૯૧૫)ની પ્રસ્તાવનામાં, ઇંગ્લાંડથી કવિએ લખેલા કેટલાક પત્રો પણ મુકાયા છે. તે પરથી તેમની ગદ્ય લખવાની શક્તિ પણ સારી દેખાય છે. એ પત્રો તે વખતના માનસના ઉદાહરણ રૂપે, તથા આપણા હિંદીઓની ઇંગ્લાંડની લગભગ શરૂઆતની મુસાફરીઓનાં વર્ણન રૂપે વાંચવા જેવાં છે. કચ્છની ભાગોળેથી માંડી મહાબળેશ્વર સુધીના પ્રવાસમાં આવતાં અનેક સ્થળોને કવિએ ‘સૃષ્ટિસૌંદર્ય પર વિવિધ કલ્પનાઓ’ દ્વારા કળામય રીતે વર્ણવ્યાં છે. આખું કાવ્ય સાદ્યંત સુંદર તથા એક જ સરખી ઊંચાઈનું નથી. કેટલીક વાર કવિ દલપતરામની ફિસ્સી સ્થૂલ વિગતોથી ભરેલી વર્ણનપદ્ધતિમાં સરી પડે છે. પણ મોટે ભાગે તે પોતાની લોકોત્તરતા ટકાવી રાખે છે. પ્રાકૃત વિગતોને પણ કવિ અપ્રાકૃત સૌંદર્યથી મઢે છે. આગગાડીને કવિ ‘ધીરે વિચારતો ધીર અગ્નિરથ ઊભો આવી’ કહે છે. કવિ પાસે કલ્પનાનું પુષ્કળ બળ છે. કાવ્ય સંસ્કૃત મહાકાવ્યની પ્રૌઢિથી શરૂ થઈ, ગુજરાતનાં ઐતિહાસિક તથા બીજાં સ્થળો ઉપર અદ્યતન કહેવાય તેવી વિચારપ્રેરક અને કલ્પનાસભર રીતે વિરમતું, તથા તેના રહસ્યને સ્પર્શતું ચાલે છે. ગુજરાત-કાઠિયાવાડની ભૂમિનું, તથા તેનાં નગરોનું આટલું સુંદર વર્ણન આ પહેલું છે. કવિનાં ભાષાસામર્થ્ય, ઉક્તિપ્રૌઢિ, અલંકારબળ, તથા કલ્પનાનું મૌલિકપણું બતાવતી થોડીક પંક્તિઓ જોઈએ. રાજાનું વર્ણન કરતાં કવિ કહે છે :

નૃપલોચન રવિશશિ નિરખી તનમન કમળકુમુદ,
એક સમે વિકસિત ઉભય, ખરું અદ્‌ભુત એ ખુદ.

ભોગાવામાં પાણી નથી રહેતું તેનું કારણ દંતકથા પ્રમાણે રાણકનો શાપ છે, પરંતુ કવિ એક બીજી જ અનુપમ ઉત્પ્રેક્ષા કરે છે. નદી કહે છે :

અદાપ*[2] તેના અતિ પતિથી છેટું પડ્યાના
સુર્ણી હું ગઈ સમાઈ રેર્તી રણમાં કરુણાના,
સતિ ઉરનાં આંસુએ પૂર્ણ થઈ પછી પ્રવાહે,
એ તો જળ ઊલટું દેખતાં જગને દાહે.
નિરુપાયે કઠણ નજર કરી બળતી જોઈ મેં બાયડી,
ધિક નામ અમારું તરંગિણી વર્ધી ઓલર્વી ન ચિતા વડી.

કાવ્યમાં શિવાજીને લગતો ભાગ પણ સારો છે :

જે ઝરૂખે મહારાજ શિવાજી સાયુધ બેસી સચેત,
રિપુ આગમન ચિકિત્સા જોતા શૂરા સાથ સમેત,
આજ તેહ ઝરૂખે બેસી ભટ કો યજમાનની કોડે,
જુએ દક્ષણાશાએ દિલભર વાટ સદાય વિરોધે.

આવી રીતે સુંદર વિરોધોથી તે કાળ અને આજની ઘણી સરખામણી કવિએ કરી છે :

તોપ પ્રકોપ કરી રિપુદળ પર એક સમે છોડેલી,
તે ઊંધી પડી ટપલા ખાયે, જમીનમાં દાટેલી.

કાવ્યમાં બધે જ કલ્પનાનું ઔચિત્ય કે અલંકારની ઉત્કૃષ્ટતા જળવાયાં નથી, અંગ્રેજોનાં વર્ણનોમાં વધારે પડતો અહોભાવ છે, ઇતિહાસની પણ કેટલીક ભૂલો છે, છતાં કાવ્યના કેટલાક ભાગો, જેને છૂટાં સ્વતંત્ર કાવ્યો તરીકે વાંચી શકાય તેમ છે, ઊંચા ઊર્મિકાવ્ય તરીકે સ્થાન લઈ શકે તેવા છે. ‘કચ્છભૂપતિવિવાહવર્ણન’માં કવિનાં ભાષા-અલંકાર તથા કલ્પનાને કેવળ ભાટનું જ કામ કરવું પડ્યું છે અને ‘અમલદારી’ કવિતાની પોષક નથી એ કવિનો એકરાર ત્યાં સાચો પડતો લાગે છે. ‘મેઘદૂત’ના ભાષાંતરમાં તેમણે વૃત્તભેદ કરેલો છે. એમાં વાપરેલો પૃથ્વી છંદ ખાસ ધ્યાન ખેંચે છે. પૃથ્વી ઉપરાંત સ્રગ્ધરા વૃત્ત પણ તેમણે આમાં વિશેષ વાપર્યું છે. છંદ બદલાવા છતાં વિષયનો વેગ જળવાઈ રહ્યો છે અને સંસ્કૃતના જેવી રમણીયતા આવી શકી છે.


  1. * ‘રામાયણની પ્રસિદ્ધિથી આ કવિની ઉચ્ચ વર્ગના કવિમાં શાબાશીની સાથે ગણના થાય છે,’ નવલરામ લ. પંડ્યા.
  2. * દુઃખ