અર્વાચીન કવિતા/નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
[૧૮૩૬ – ૧૮૮૮]

મેઘદૂત (૧૮૭૧), બાળલગ્નબત્રીશી (૧૮૭૫), બાળગરબાવળી (૧૮૭૭). આ ગાળામાં સૌથી તેજસ્વી વ્યક્તિ, નવલરામની સાહિત્યપ્રવૃત્તિમાં કવિતાને ગૌણ સ્થાન દેખાય છે, છતાં તે તેને વિષે ઓછા ગંભીર નથી. કેટલીક વાર તો પોતાના અંતરની સાચી દશા એમણે માત્ર કવિતામાં જ વ્યક્ત કરેલી છે. તેમણે બહુ થોડાં કાવ્યો લખ્યાં છે, પણ જેટલાં છે તેટલાંમાં તેમની વિલક્ષણ કાવ્યશક્તિ દેખાઈ આવે છે. નર્મદની અણઘડતા તો તેમનામાં જરાયે નથી, અને દલપતનો સ્થૂલ ચાતુર્યમોહ પણ નથી, છતાં નર્મદ તથા દલપતની શૈલીના બધા ગુણો તેમનાં કાવ્યોમાં છે. તેમનાં મૌલિક કાવ્યોનાં જ બે પુસ્તકો છે : ‘બાળલગ્નબત્રીશી’ અને ‘બાળગરબાવળી’. પણ તેમનાં ’વીરમતી નાટક’ અને ‘બીરબલકાવ્યતરંગ’માં તથા ‘નવલગ્રંથાવલી’માં સંગ્રહાયેલાં છૂટક કાવ્યો પણ છે, તેમજ તેમનો ‘મેઘદૂત’નો અનુવાદ પણ છે. ‘બાળલગ્નબત્રીશી’માં કવિની ઝડપમાં બાળલગ્નની બદી આવે છે. આ વિષયને લગભગ બધા કવિઓએ હાસ્યની રીતે જ છેડ્યો છે. કજોડાનાં દુઃખ પણ કરુણ કરતાં હાસ્યનો વિભાવ જ વિશેષ બન્યો છે. નવલરામે આ વિષયને કરુણનો વિભાવ પણ બનાવ્યો છે, છતાં એમની ખરી શક્તિ હાસ્યમાં જ ખીલે છે, તેમનો હાસ્ય દલપત કરતાં વિશેષ સૂક્ષ્મ છે :

મારો પરણ્યો પારણે પોઢે હાલરડાં તું ગાજે રે,
મારો પરણ્યો જાય નિશાળે જોડે મુકવા જાજે રે,
મારો પરણ્યો રંગે રમે છે શું અલકી દલકી રે.
...મારો પરણ્યો મોટી પાઘડી નાને માથે ઘાલે રે.
ઊંચી એડીના જોડા પહેરી છાતી કાઢી ચાલે રે.

વળી,

‘ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ઘૂમે છે,
બાઈનું તો ચિત્ત ચૂલામાંય,’

એ જાણીતી પંક્તિઓ પણ અહીં જ છે. ‘બાળગરબાવળી’ વરસો લગી બાળકોનું-ખાસ કરીને બાળાઓનું એક માત્ર પુસ્તક રહ્યું છે.* [1] નવલરામે ‘બાલ્યાવસ્થાના રસ અને કલ્પનામાં’ ઊતરીને આ કાવ્યો લખ્યાં છે. આમાંની કેટલીક રચનાઓ ઉપદેશપ્રધાન છે, પણ એ સિવાયની બાકીની કૃતિઓ આ ગાળામાં રચાયેલી કવિતામાં લગભગ સંપૂર્ણ કહેવાય તેવી એકમાત્ર કળાકૃતિઓ છે. આ કાવ્યો બાળજીવન, શાળાજીવન, સામાજિક વિષયો, ઇતિહાસ-ભૂગોળ તથા પ્રકૃતિવર્ણન એવા વિભાગોમાં વહેંચાઈ જાય છે. બાળજીવનનાં કાવ્યોમાં બાળકનાં જીવનનાં કેટલાંક નિકટતમ દૃશ્યો બાળકને ઘટતી હળવાશથી તથા મર્મજ્ઞતાથી મુકાયાં છે. આ નાનકડાં પુસ્તકોની પ્રસ્તાવના પણ તેમાં મુકાયેલા કવિતા વિશેના વિચારો માટે મહત્ત્વની છે. પદબંધના ચાર માત્રાના ગણ-ચોકા પ્રમાણે આપેલાં સાંકેતિક નામ પણ ધ્યાન ખેંચે છે. સામાજિક વિષયોમાં ‘જનાવરની જાન’, ‘ગુણનું કજોડું’ તથા ‘બાળલગ્નનાં તમામ નુકસાન’ને રજૂ કરતી ગરબી મર્માળા હાસ્યથી ભરેલી છે, તો ‘સ્ત્રી સ્વરૂપ’નું ગંભીર સુંદર, તથા ‘લાડીવિદાય’ સુકરુણ દ્રાવક કાવ્ય પણ છે. ગુજરાતને અંગેનાં કાવ્યો તેમની સાદાઈભરી સુંદરતામાં હજી અજોડ રહ્યાં છે. ઇતિહાસ અને ખાસ કરીને ભૂગોળની વિગતો અહીં પહેલી વાર કાવ્ય બનીને મુકાય છે. ‘ઇતિહાસની આરસી’ એ કાવ્ય માત્ર પોચું રુદન નહિ, પણ ઊંડો ભાવાવેશ બની રહે છે. મુસલમાનો સાથેના યુદ્ધ પછી,

એ દિવસ પડી જે પોક હજી ઉપર ગાજે,
એ દિવસ દેશિયો શોક કરોને મળી આજે,
એ દિવસ થકી પરતંત્ર થયા, લાગી ખાપણ રે,
એ પહેલાં હતા સ્વતંત્ર ખરેખર આપણ રે.
વધ્યો શોક થંભ્યું મુજ ગાન જ્ઞાન આ એક જ રે.....

આ પુસ્તકનો સૌથી ઉત્તમ ભાગ પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે. પ્રકૃતિનાં આટલાં કોમળ તેમજ પ્રાસાદિક વર્ણનો આપણી કવિતામાં બહુ થોડાં છે. નવા કવિઓ દ્વારા પ્રકૃતિ કલ્પનાના ખરા ઉડ્ડયનથી અહીં જ પ્રથમ વાર નીરખાતી દેખાય છે :

ઊંચો ઊંચો રે ચડ્યો સૌથી ચંડોળ કે વાણેલાં ભલાં વાયાં રે,
ગાતો ગાતો રે રસે ઝાકમઝોળ કે વાણેલાં ભલે વાયાં રે.
...ઓ! ઓ! ઊગ્યો રે! ઝગમગ્યું સંધું કે વાણેલાં ભલે વાયાં રે,
જાણે ઝબકોળી રે કા’ડ્યું જ્યોતિને સિંધુ કે વાણેલાં ભલાં વાયાં રે.
.... .... ...
કોયલો કુક્‌ કુક્‌ કુક્‌ કરી રહી પંચમ સુર અનુસારી,
ઘટ્ટ ઘટામાં પડઘા પડે ને કુંજ કુંજી રહી સારી,
મનોહર કામણગારી.

‘નવલગ્રંથાવલી’માં સંગ્રહાયેલી કવિતા નવલરામે પોતે પ્રસિદ્ધિ યોગ્ય ગણી લાગતી નથી. તેમાં નર્મદનો પ્રેમજુવાળ નવલરામ પણ અનુભવતા લાગે છે :

રંગી નવલ, જ્ઞાની નવલ, નવલપ્રીતમ તલ્લીન,
દરદી નવલ બેબાકુળો નવલ ઉદાસીનશીન.

નવલનું આ ઉદાસીનશીન સ્વરૂપ બહુ ઓછું જાણીતું છે. આ કાવ્યો કેટલીક વાર નર્યા આવેશના અસંયમિત ઉદ્‌ગારો પણ બની ગયાં છે. ‘વીરમતી નાટક’નાં કાવ્યોમાં કેટલીક વાર નવલરામ શબ્દવિવેક ગુમાવતા લાગે છે અને ઝડઝમકને પણ વશ થઈ જાય છે. આ કાવ્યોનો સૌથી ઉત્તમ અંશ સાખીઓ છે. એમાં નવલરામની કલમ ખૂબ તેજસ્વી બને છે. વીરમતી લાલરાજની સામે થાય છે તેનું વર્ણન જુઓ :

સળકે મણિધર જેમ સોય અણી ઉર અડકતાં,
ઉછળે વાઘણ જેમ નિજ અર્ભક પર કર જતાં,
ચમકી છટકી ઝટ્ટ તુટ્યાં બંધન તડતડી,
લોચન લોહી ઝરંત જાણે ચંડી રણચંડી.

‘બાદશાહબીરબલતરંગ’માં નવલરામ તે વખતની હિંદી તથા મુક્તક શૈલી ઉપર તથા શ્લેષ અને અર્થાલંકારો ઉપર સારો કાબૂ બતાવે છે. ‘મેઘદૂત’ના ભાષાંતરમાં કવિ સંસ્કૃત છંદો ગુજરાતીને પ્રતિકૂળ છે એમ જણાવી ગરબીનો એક નવો મેળ યોજી તે વાપરે છે. સંસ્કૃત છંદો ગુજરાતીને પ્રતિકૂળ છે એ માન્યતામાં નવલરામ કરતાં તે કાળનો જ વિશેષ દોષ છે. વળી મંદાક્રાન્તા અને મેઘછંદમાં ૨૭ માત્રા આવે છે એમ જણાવી બંને છંદોનું છંદસ્તત્ત્વ પણ સરખું છે એમ વિધાન કરવું તે પણ છંદસ્તત્ત્વની બહુ અલ્પ સમજણ બતાવે છે. પરંતુ કેટલાક સમજે છે તે મુજબ આ ભાષાંતર એકંદરે જોતાં તદ્દન નિઃસાર નથી. એમાં કેટલીક ગદ્યાળુ પંક્તિઓ આવે છે, કેટલાક અયુક્ત લાગે તેવા ફારસી શબ્દો આવે છે, ક્યાંય અર્થ-કિલષ્ટતા પણ છે, તેમ છતાં માત્ર ગુજરાતી રચના તરીકે જોતાં તેમાં ઘણાં સારાં તત્ત્વો છે. એક તો આ ગેય છંદ છતાં તેમાં નવલરામને હાથે ઘણું-ખરુંં મૂળની પંક્તિના અર્થને વાક્ય રૂપે જાળવવાની નેમથી પંક્તિને અંતેના યતિનો ત્યાગ થયો છે. અને એ રીતે અર્વાચીન કવિતામાં પછીથી સાભિપ્રાય પ્રચલિત થયેલી પ્રવાહી છંદોરચનાની કદાચ અજાણ્યે બનેલી છતાં આ પહેલી નોંધપાત્ર હકીકત છે. જેણે સંસ્કૃતમાં મેઘદૂત નથી વાંચ્યું તેવા વાચકને કાવ્યના ઘણા ખંડો સુંદર ચિત્રોથી ભરેલા અને મનોહર લાગશે. મેઘદૂતના લાંબા સમાસિત અર્થને કવિએ જે રીતે પ્રાસાદિક ગુજરાતીમાં ગોઠવ્યો છે તે પણ અભ્યાસ કરવા જેવું છે. નવલરામના આ છંદમાં કવિતાબાનીનું કોઈક નવીન માધુર્ય પણ દેખાય છે. નીચેનું ચિત્ર જુઓ :

સ્વાર પવન પર થઈ તું સંચર્રીશ ત્યારે પથિક પિયુનાર
કેશ ખસેડી કપાળથી તુંને વિરહ વિડારણહાર
ધારી નિરખશે હરખે.

ઘડીભર મંદાક્રાન્તાને ભૂલી આ છંદની લઢણને મનમાં દૃઢ કરતાં તેનું પોતાનું સૌંદર્ય પણ સ્પષ્ટ થયા વગર રહેતું નથી. પૂર્વમેઘ કરતાં ઉત્તરમેઘનો અનુવાદ વધારે સારો થયો છે. શૈલીની પ્રાસાદિકતા, સુરેખતા, કલ્પનાની કુમાશ, શબ્દોનું કળાત્મક રસાયણ, મર્માળો સૂક્ષ્મ વિનોદ તથા ભાવોની આછીઘેરી ફોરમ નવલરામની કવિતાનાં લક્ષણો છે.


  1. * ‘આ સુંદર ગરબીઓ બાળકીઓને અર્થે રચેલી છે, છતાં એમાં નવલરામનું કવિત્વ, રસિકતા, શૈલીની સુઘટ સુંદરતા, જનસમુદાય અને વિશેષ લોકના સ્વભાવાદિકનું સંક્ષિપ્ત શૈલીમાં આલેખન, એમની દેશપ્રીતિ, ધાર્મિકતા ઇત્યાદિ અનેક લક્ષણોનું સચોટ દર્શન થાય છે.’
    નરસિંહરાવ, ‘મનોમુકુર’ ભાગ ૧, પૃ. ૩૦૪