આમંત્રિત/૩૩. જૅકિ: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હતો. પાનખર ઋતુ બરાબર અધવચ્ચે આવી હોય, અને અમુક જાતનાં વૃક્ષોનાં પાંદડાંએ રીતિસર રંગ બદલી નાખ્યા હોય. જોકે એમાં પણ નસીબદાર થવું પડે. કયા વર્ષે કયા સમયે ઉત્કૃષ્ટ રંગ જોવા મળશે, તે કોઈ કહી નથી શકતું. એ નિર્ણય કુદરત પોતાના હાથમાં જ રાખતી હોય છે. પણ આ વર્ષે ખલિલની ઈચ્છા પૂરી થાય તેવી ઈચ્છા કુદરતની પણ હશે, ને તેથી હડસન નદીના બંને કિનારા પર ઑટમ્નનો રંગોત્સવ ખૂબ સરસ જામ્યો હતો. | સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હતો. પાનખર ઋતુ બરાબર અધવચ્ચે આવી હોય, અને અમુક જાતનાં વૃક્ષોનાં પાંદડાંએ રીતિસર રંગ બદલી નાખ્યા હોય. જોકે એમાં પણ નસીબદાર થવું પડે. કયા વર્ષે કયા સમયે ઉત્કૃષ્ટ રંગ જોવા મળશે, તે કોઈ કહી નથી શકતું. એ નિર્ણય કુદરત પોતાના હાથમાં જ રાખતી હોય છે. પણ આ વર્ષે ખલિલની ઈચ્છા પૂરી થાય તેવી ઈચ્છા કુદરતની પણ હશે, ને તેથી હડસન નદીના બંને કિનારા પર ઑટમ્નનો રંગોત્સવ ખૂબ સરસ જામ્યો હતો. | ||
બધાંને | બધાંને સુંદર સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. આ મહિનામાં ન્યૂયોર્કના એરિયામાં સાડા છ-પોણા સાતમાં સૂર્ય અસ્ત થતો જાય, અને છેલ્લું અજવાળું ધીરે ધીરે વિલાતું જાય. પછી તો બોટ ન્યૂયોર્ક શહેરની નજીક આવતી ગયેલી, એટલે શહેરની ઊંચી ઈમારતોના ઝગારાનું, આંખો અને બુદ્ધિને આંજી દેતું, સૌંદર્ય પણ જોવા મળ્યું. એ જોવા માટે નદીમાં બોટ લઈને ખાસ જવું પડે. ખલિલે બધાં મિત્રોને જાણે એ વિશિષ્ટ દૃશ્યોપહાર આપ્યો હતો. | ||
છૂટાં પડવાનું મન હજી ખલિલને થતું નહતું. એ સચિનની સાથે બેસીને હજી ક્ષણે ક્ષણને યાદ કરવા માગતો હતો. સચિનને જૅકિની સાથે એકલાં સમય ગાળવો હતો. સદ્ભાગ્યે રેહાનાએ જ ઘેર જવાનો આગ્રહ રાખ્યો, એટલે સચિનને કાંઈ કહેવું ના પડ્યું. “કાલે મળીશું”, ખલિલે કહ્યું. સચિને હા કહી તો ખરી, પણ એને તો કાલે પણ જૅકિની સાથે એકલાં જ દિવસ પસાર કરવો હતો. | છૂટાં પડવાનું મન હજી ખલિલને થતું નહતું. એ સચિનની સાથે બેસીને હજી ક્ષણે ક્ષણને યાદ કરવા માગતો હતો. સચિનને જૅકિની સાથે એકલાં સમય ગાળવો હતો. સદ્ભાગ્યે રેહાનાએ જ ઘેર જવાનો આગ્રહ રાખ્યો, એટલે સચિનને કાંઈ કહેવું ના પડ્યું. “કાલે મળીશું”, ખલિલે કહ્યું. સચિને હા કહી તો ખરી, પણ એને તો કાલે પણ જૅકિની સાથે એકલાં જ દિવસ પસાર કરવો હતો. | ||
પાછાં જતાં રૉલ્ફ અને કૅમિલે ખાસ કહ્યું, કે દિવસ બહુ સરસ ગયો, સચિનનું પ્લાનિન્ગ પર્ફેક્ટ હતું, ને “આપણે જલદી પાછાં મળીએ, બરાબર?” જૅકિ સોમવારે રૉલ્ફને તો ઑફીસમાં મળવાની. કૅમિલ કહે, “હું પણ લંચમાં આવી જઈશ.” સચિન મનમાં કહે, ‘હા, પણ અત્યારે તો છોડો જૅકિને!’ | પાછાં જતાં રૉલ્ફ અને કૅમિલે ખાસ કહ્યું, કે દિવસ બહુ સરસ ગયો, સચિનનું પ્લાનિન્ગ પર્ફેક્ટ હતું, ને “આપણે જલદી પાછાં મળીએ, બરાબર?” જૅકિ સોમવારે રૉલ્ફને તો ઑફીસમાં મળવાની. કૅમિલ કહે, “હું પણ લંચમાં આવી જઈશ.” સચિન મનમાં કહે, ‘હા, પણ અત્યારે તો છોડો જૅકિને!’ |
Latest revision as of 02:11, 29 July 2024
૩૩. જૅકિ
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હતો. પાનખર ઋતુ બરાબર અધવચ્ચે આવી હોય, અને અમુક જાતનાં વૃક્ષોનાં પાંદડાંએ રીતિસર રંગ બદલી નાખ્યા હોય. જોકે એમાં પણ નસીબદાર થવું પડે. કયા વર્ષે કયા સમયે ઉત્કૃષ્ટ રંગ જોવા મળશે, તે કોઈ કહી નથી શકતું. એ નિર્ણય કુદરત પોતાના હાથમાં જ રાખતી હોય છે. પણ આ વર્ષે ખલિલની ઈચ્છા પૂરી થાય તેવી ઈચ્છા કુદરતની પણ હશે, ને તેથી હડસન નદીના બંને કિનારા પર ઑટમ્નનો રંગોત્સવ ખૂબ સરસ જામ્યો હતો. બધાંને સુંદર સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. આ મહિનામાં ન્યૂયોર્કના એરિયામાં સાડા છ-પોણા સાતમાં સૂર્ય અસ્ત થતો જાય, અને છેલ્લું અજવાળું ધીરે ધીરે વિલાતું જાય. પછી તો બોટ ન્યૂયોર્ક શહેરની નજીક આવતી ગયેલી, એટલે શહેરની ઊંચી ઈમારતોના ઝગારાનું, આંખો અને બુદ્ધિને આંજી દેતું, સૌંદર્ય પણ જોવા મળ્યું. એ જોવા માટે નદીમાં બોટ લઈને ખાસ જવું પડે. ખલિલે બધાં મિત્રોને જાણે એ વિશિષ્ટ દૃશ્યોપહાર આપ્યો હતો. છૂટાં પડવાનું મન હજી ખલિલને થતું નહતું. એ સચિનની સાથે બેસીને હજી ક્ષણે ક્ષણને યાદ કરવા માગતો હતો. સચિનને જૅકિની સાથે એકલાં સમય ગાળવો હતો. સદ્ભાગ્યે રેહાનાએ જ ઘેર જવાનો આગ્રહ રાખ્યો, એટલે સચિનને કાંઈ કહેવું ના પડ્યું. “કાલે મળીશું”, ખલિલે કહ્યું. સચિને હા કહી તો ખરી, પણ એને તો કાલે પણ જૅકિની સાથે એકલાં જ દિવસ પસાર કરવો હતો. પાછાં જતાં રૉલ્ફ અને કૅમિલે ખાસ કહ્યું, કે દિવસ બહુ સરસ ગયો, સચિનનું પ્લાનિન્ગ પર્ફેક્ટ હતું, ને “આપણે જલદી પાછાં મળીએ, બરાબર?” જૅકિ સોમવારે રૉલ્ફને તો ઑફીસમાં મળવાની. કૅમિલ કહે, “હું પણ લંચમાં આવી જઈશ.” સચિન મનમાં કહે, ‘હા, પણ અત્યારે તો છોડો જૅકિને!’ અપાર્ટમેન્ટમાં જઈને સચિને જૅકિને ગોળ ફરવી ફરવીને ફરીથી જોઈ, ફરીથી એનાં વખાણ કર્યાં, પછી એનો હાથ પકડીને બેઠો, અને પૂછ્યું, “લગ્ન માટે કયો દિવસ પસંદ છે તને?” “મારે એક જુદો જ દિવસ રાખવો છે એને માટે. કોઈની વર્ષગાંઠ કે બીજા કોઈ પ્રસંગ સાથે જોડવો નથી. આપણે માટે એક નવો જ તહેવાર બનાવવો છે મારે.” પહેલો બરફ પડે એ દિવસ નક્કી કરવો બંનેને બહુ ગમ્યો હોત. પણ કયા વર્ષે ક્યારે પડશે - એ પણ કુદરતના હાથમાં જ હોય. તેથી આશરે જ એમણે ડિસેમ્બરની સાતમી તારિખ પસંદ કરી. એ સવારે સિટી હૉલ પર જઈને લગ્ન રજિસ્ટર કરાવવાનું અને સર્ટિફિકેટ લઈ લેવાનું. સાક્ષી તરીકે ખલિલ તો ખરો જ, ને જૅકિ તરફથી કૅમિલ. બસ, બે જ જણ. અંજલિ અને પાપાને પણ પછીથી ઘેર જઈને મળવાનું, એમ નક્કી થયું. વચમાં સવા બે મહિના હતા. એ દરમ્યાન ઘણું કરવાનું હતું. સચિન હંમેશાં પાપાનો વિચાર કરતો રહેતો હતો. હમણાં અંજલિ અને માર્શલ એમની સાથે છે, પણ એ બંનેને ક્યાંક બીજે જવાનું થાય તો? તેથી સચિને વિચારેલું કે એ ત્રણ બેડરૂમનો અપાર્ટમેન્ટ શોધશે, જેથી પાપાને એક રૂમ મળે, અને એને ને જૅકિને પૂરતી જગ્યા પણ મળે. જૅકિએ તો કહેલું કે આ બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં પાપાને રાખી શકાશે, પણ સચિનને જૅકિ સાથે થોડી વધારે પ્રાઇવસી જોઈતી હતી. તેથી અંજલિની સાથે આ બાબતે એ ધીરેથી વાત કરી લેવાનો હતો. આ સિવાય, જૅકિનાં પૅરન્ટ્સને લગ્ન વિષે કહેવાનું, અને ઈન્ડિયા જવા માટે ટિકિટો લેવાની, હોટેલોનાં બૂકિન્ગ કરવાનાં. સચિન જૅકિને લઈને પોન્ડિચેરી જવા માગતો જ હતો. પૅરન્ટ્સને પણ ત્યાં મળવાનું કહેવાનું. આશ્રમમાં સાથે જવાનું. ને બને તો સિન્યૉરા મધરની સમાધિને, ફરી એક વાર, ફૂલોથી શણગારવા પણ પામે. સચિન પાપાને પણ કહેવાનો જ હતો, પણ એ હમણાં જ ઈન્ડિયા જઈને આવ્યા હશે, એટલે ફરી કદાચ નહીં જ આવે. અમુક મિત્રોને કાલથી જ કહેવા માંડવું પડશે. ખલિલ તો કહેશે, કે “હું તો જાણતો જ હતો!”, પણ એને જો સૌથી પહેલાં ના કહો તો એ ખોટું લગાડવાનો! અરે, ખોટું લાગ્યું છે એવો દેખાવ તો કરવાનો જ. પાપાને તો ખલિલની પણ પહેલાં કહ્યું હોત, પણ એ શર્માજી, લોકેશ અને શીલાની સાથે ઈન્ડિયા પહોંચી ગયા હતા. ફોનથી વાત થઈ હતી, કે એ મઝામાં હતા. પણ લગ્નના ખબર સચિન ફોનથી આપવા નહતો માગતો. સચિન અને જૅકિ સિટી હૉલમાં લગ્નની સહી કરવાનાં હતાં, એ જાણીને પાપા ખુશ જ થવાના. ખોટા અને ફક્ત દેખાવ માટેના ખર્ચા પ્રત્યે બાપ-દીકરાના મત સરખા જ હતા. જેમકે, સુજીતને ઈન્ડિયા માટે સચિને પૈસા આપવા માંડેલા, પણ એમણે ના પાડી હતી. કહે, કે “શર્માજી અને લોકેશે ખાસ કહ્યું છે કે મારે કાંઈ આપવાનું નથી. બધું એમની સાથે જ ગણાઈ જશે.” તોયે સુજીતે નક્કી જ કરેલું કે ટિકિટના પૈસા તો એ પોતે જ આપશે. “મારી પાસે એટલા પૈસા તો છે, બાબા. તારે કશું આપવાની જરૂર નથી”, એમણે સચિનને ભારપૂર્વક કહેલું. સવારે નિરાંતે ઊઠીને જૅકિએ થોડી ચીઝ-સૅન્ડવિચ બનાવી, સચિને કૉફી ભરીને થર્મૉસ તૈયાર કરી, અને બંને રિવરસાઇડ પાર્કમાં જવા નીકળી ગયાં. રંગીન બનેલી ઋતુના સંગમાં, હડસન નદીના સન્નિધ્યમાં, પ્રાચીન વૃક્ષોની સાક્ષીમાં એ બંને પોતાના આવનારા જીવનની ઉજવણીની શરૂઆત કરવા માગતાં હતાં. શનિવારની એ સવારે ખાસ કોઈ હતું જ નહીં પાર્કમાં. જાણે એ બંનેને માટે કોઈ ખાસ અંગત વ્યવસ્થા કરી આપી હતી ન્યૂયોર્ક શહેરે. બંને ખુશ-ખામોશ હતાં. કહેવાનું એટલું હતું કે જાણે કશું કહી નહતાં શકતાં. બંને સામસામે જોતાં હતાં, અને આંખોથી હસતાં હતાં. ચાલતાં ચાલતાં જૅકિ મેપલનાં વૃક્ષોનાં ખરીને જમીન પર જાજમ બનાવતાં રંગીન પાંદડાં ઉપાડતી ગઈ. એકદમ સરસ ઘેરા રંગો પસંદ કરતાં કરતાં એક મોટો ગુચ્છ બની ગયો. ઘેર જઈને કાચના એક મોટા વાડકામાં એણે એ પાંદડાં શોભા માટે મૂક્યાં. બાલ્કનિમાંથી જે શોભા દેખાતી હતી તે હવે ઘરની અંદર પણ આવી ગઈ. થોડી વારમાં જ ખલિલનો ફોન આવ્યો, “ક્યારે મળે છે, દોસ્ત?” “તારી રેહાના સાથે બેસને આજનો દિવસ”, સચિને મજાક કરી. પણ પછી જૅકિએ એ બંનેને પોતાને ત્યાં જ બોલાવ્યાં. આવતાંની સાથે ખલિલ કહેવા માંડ્યો, “દોસ્ત, તેં ગજબની પાર્ટી પ્લાન કરી હતી. આજે કેટલા ફોન આવ્યા મારા પર, ખબર છે? સારું, હવે મને કહે કે આ ચેક મેં લખ્યો છે, તે બરાબર છેને? તને પહેલેથી થોડા આપી જ રાખવાના હતા. સૉરિ —” “અરે, બસ. આવી કશી જરૂર નથી. આ પાર્ટી બીલકુલ મારા તરફથી હતી. મારે તને ઍક્સ્ટ્રાઑર્ડિનરી ગિફ્ટ આપવી હતી. બોલ, બીજા કોઈ પાસેથી તને મળી છે આવી ગિફ્ટ?” રેહાનાની આંખમાંથી તરત આંસુ સરવા લાગ્યાં હતાં. એ કાંઈ બોલી ના શકી, આવીને સચિનને વળગી પડી. ને ખલિલ? ક્યારેય ચૂપ ના રહી શકતો ખલિલ? એના બે હાથ એના મોઢા પર જતા રહ્યા હતા. એ જાણે કશુંક ગળે ઉતારવા જતો હતો. એણે પણ સચિનને જોરથી પકડ્યો, ને કહ્યું - માંડ માંડ અવાજ નીકળ્યો એનો - કે “ના, ના, આવું ના હોય.” “અરે, તું સાંભળ તો ખરો. અમારે તને એક સમાચાર આપવાના છે”, સચિને પાર્ટીના ખર્ચાની વાત ઉડાવી દેતાં કહ્યું. લગ્નના નિર્ણય અને તારિખ વિષે સાંભળ્યું કે તરત ખલિલ બોલ્યો, “હું તો જાણતો જ હતો, કે હવે તું વધારે રાહ નથી જોઈ શકવાનો. અભિનંદન, દોસ્ત.” જૅકિની સામે જોઈને સચિન હસ્યો, “મેં કહ્યું’તું ને કે ખલિલ આવું જ કહેશે.” “તો ચાલો, આપણે ‘લા માસેરિયા’માં જમવા જઈએ. ઉજવણી મારા તરફથી”, ખલિલે કહ્યું. “આ બે છોકરીઓ નહીં ગઈ હોય. ત્યાંનું ઈટાલિયન ખાવાનું આપણે એમને ખવડાવીએ તો ખરા.” એક વાર આઇડિયા આવ્યો પછી કાંઈ ખલિલ હા-ના માને? પાછી રૅસ્ટૉરાઁ હતી સચિન અને ખલિલની ફેવરિટ. પહેલાં તો ટાઇમ સ્ક્વૅરમાં ઊભાં રહીને ચોતરફની લાઇટો, ઝગઝગાટ બિલબૉર્ડ, અને લોકોની મેદની જોવી જ પડે. ન્યૂયોર્ક શહેરની સામૂહિક ઉર્જાથી એ રીતે સ્પર્શાયા પછી ‘લા માસેરિયા’ના સોફિસ્ટિકેટેડ વાતાવરણમાં જમવા બેસવાનો પ્રસંગ ખરેખર વિશિષ્ટ બન્યો. પછી તો જેને સમાચાર આપે તે બધાં તરત કોઈ ઉજવણીનો પ્લાન કરી નાખે. સોમવારે જૅકિ ઑફીસે ગઈ, રૉલ્ફને એ ખૂબ ખુશ લાગી, ને કૅમિલ તો જૅકિના ચહેરા પરની ચમક જોઈને સમજી જ ગઈ, કે કશું બહુ સ્પેશિયલ બન્યું છે. વાત સાંભળી એટલે રૉલ્ફે બ્રૉડવે પર એક નાટક જોવા જવાનો પ્લાન કરી દીધો. તે પણ બુધવારે રાતે જ. એ કહે, “‘ ધ વિઝિટ ઑફ ધ બૅન્ડ’ નામનું નાટક બહુ વખણાય છે. એની ટિકિટ ઑફીસ તરફથી આપણને સહેલાઈથી મળી જશે.” જૅકિએ સચિનને ફોન કરીને પૂછી લીધું. સચિને હા તો પાડી, પણ એને થયું કે હજી લગ્ન થાય તે પહેલાં રૉલ્ફે આવી ખર્ચાળ ભેટ ના આપવી જોઈએ. પછી એણે છાપાંમાં એ નાટક વિષે જોયું, તો એનાં ઘણાં વખાણ વાંચ્યાં. મૂળ ઈઝરાયેલની એક ફિલ્મ પરથી આ ગીત-નાટક અમેરિકાના મંચ માટે તૈયાર કરવામાં આવેલું. એ ખૂબ પોપ્યુલર બન્યું, અને ઘણાં પારિતોષિક સંગીત, દિગ્દર્શન, અભિનય વગેરે માટે એને મળ્યાં. સચિને એ પણ જોયું કે આ છેલ્લું જ અઠવાડિયું હતું. છસોથી પણ વધારે રજુઆત ન્યૂયોર્કના બ્રૉડવે-મંચ પર કર્યા પછી હવે આ નાટક બંધ થવાનું હતું. ‘તો તો એ જોઈ લેવાય તો સારું’, એણે વિચાર્યું. નાટકમાં વાત આમ છે - એક ઈજિપ્શિયન બૅન્ડ ઈઝરાયેલના એક ગામે જવાને બદલે, એના નામના ખોટા ઉચ્ચારને લીધે ખોટી બસ લઈને, નાગેવ રણમાંના કોઈ સાવ નાના, ઊંઘરેટા ગામે પહોંચી જાય છે. ‘પેતાહ તિક્વાહ’નો ઈજિપ્શિયનથી કરાતો ઉચ્ચાર ઈઝરાયેલીના કાનમાં ‘બેત હાતિક્વા’ બન્યો હોય છે. બંને તરફનાં મુખ્ય પાત્રોનાં સાવ સાધારણ જીવનની વિગતો ખૂબ નાજુક અને હ્દયસ્પર્શી રીતે ઊઘડતી જાય છે. એ ચારેયને આ ‘ધ વિઝિટ ઑફ ધ બૅન્ડ’ નાટક બહુ જ ગમ્યું, અને બહુ જ અર્થપૂર્ણ લાગ્યું. જૅકિ અને સચિને તો પછી એને વિષે ઘણા વખત સુધી વાતો કર્યા કરી. એમાં કેવું સરળ હાસ્ય હતું, ને જે ધાર્યું હતું તેવું જીવનમાં ના થયું એની કરુણતા હતી. એક જણ પ્રેમિકાના ફોનની રાહ રોજ રાતે મહિનાઓ સુધી જોતો હતો, તો પુત્રે કરેલા આપઘાતનો ભાર બીજા જણના જીવ પર છુપી રીતે, પણ સતત હતો. ઈજિપ્ત અને ઈઝરાયેલ - દુશ્મન ગણાતા દેશોનાં સામાન્ય નાગરિક એકબીજાં સાથે કેવાં સહજ મિત્ર બની શકે છે, તે હકીકત એ સચિન અને જૅકિને હંમેશાં આર્દ્ર કરતી રહેલી. લગ્નના સમાચાર પાપાને ફોનથી નહતા આપવા. એ ઈન્ડિયાથી પાછા આવે એની રાહ જોવાની હતી. અંજલિને ફોન પર કહ્યું ખરું, પણ એને અને માર્શલને એક સાંજે મળવાની વાત થઈ હતી. સચિને વામા અને રૉબર્ટને જણાવવા માટે ફોન કર્યો, તો એમણે તરત શનિવારે ઘેર જમવા આવવા આમંત્રણ આપ્યું. સચિને ક્લિફર્ડને ફોન કર્યો તો એ પણ ખૂબ ખુશ થઈ ગયો, અને એણે જૅકિ અને સચિનની સાથે રવિવારે મળવાનું ગોઠવ્યું. “આપણે સાથે કંઇક સરસ કરીશું. તમારા આ ખાસ ખબર ખાસ રીતે ઊજવવા પડશે ને?” જરાક અટકીને પછી કહે, “આપણે ‘બર્ડલૅન્ડ’માં જાઝનું કૉન્સર્ટ સાંભળવા જઈએ તો કેવું? મને ખ્યાલ છે ત્યાં સુધી એ દિવસે ત્યાં જાઝ-આર્ટીસ્ટનું લાઇન-અપ સરસ છે.” મિત્રોના આવા સ્નેહથી સચિન અને જૅકિને આનંદ તો થતો જ હતો, પણ એમણે વિચાર્યું કે તો પછી હમણાં હવે બીજાં કોઈને નથી કહેવું. આ આખું અઠવાડિયું તો આમ જ પસાર થવાનું છે, તો હવે થોડા દિવસ પછી બીજાં મિત્રોને કહીશું. “બરાબર છેને, જૅકિ?”, સચિનને જૅકિનો મત તો જાણવો જ હતો. “બુધવારે તો નાટક જોયું. શનિવારે વામાઆન્ટીને ત્યાં, અને રવિવારે ક્લિફર્ડની સાથે જવાનું છે. તો કાલે ગુરુવારે સાંજે આપણે બે જણ શહેરની ઊંચી ‘હાઈ-લાઈન’ પર ફરવા જઈએ, ને શુક્રવારે રૉકફેલર પાર્કમાં નદી-કિનારે ચાલવા જઈશું”, જૅકિએ કહ્યું. “બાકીનાંને ધીરે ધીરે જણાવતાં રહીશું, ઓ કે, સચિન?” પણ બીજે જ દિવસે, એટલેકે ગુરુવારે બપોરે અંજલિએ સચિનને ઑફીસે ફોન કર્યો. કોઈ કારણે એ બહુ જ અપસેટ લાગતી હતી. “ભાઈ, હમણાં ક્યાં છે તું? ઘેર ક્યારે જઈશ? જલદી ઘેર પહોંચી શકે છે?”, અંજલિનો અવાજ ધ્રૂજતો લાગ્યો. “શું થયું છે, સિસ? તું તો બરાબર —” “હા, ભાઈ, હું બરાબર છું, પણ આપણે જેમ બને તેમ જલદી મળવું પડે એમ છે. દોલાએ મને આજે બપોરે એક પૅકૅટ આપ્યું છે. એણે કહ્યું, કે મૉમે મોકલાવ્યું છે, અને કહેવડાવ્યું છે કે આપણે બેએ સાથે મળીને એ ખોલવું. મને બહુ જ ગભરાટ થાય છે, ભાઈ. કહેને તું કેટલો જલદી ઘેર પહોંચી શકીશ?”