ગુજરાતી બાળવાર્તા સંપદા/બે રૂપિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Revision as of 16:46, 11 August 2024


વિનોદિની નીલકંઠ

બે રૂપિયા

“બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે, માટે બધાં એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણીનું પવાલું સાથે લેતાં આવજો. આગગાડીમાં જવાનું છે.” શાળાનાં મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં જ બેઠી ન હતી. છોકરીઓનો અવાજ શમ્યા પછી મોટાં બહેન બોલ્યા : “દરેક જણ બે રૂપિયા લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ - એટલે મંગળવાર અને બુધવારના દિવસે - રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે.” બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે બે આના પણ ભાગ્યે જ વધારાના રહેતા, તો બે રૂપિયાની વાત જ શી કરવી ? આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા, પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા અને એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદીની બા કદીક ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી. એના પછી તારામતી અને કપિલા, અને તે પછી બે નાના ભાઈઓ હતા. તેમાં બાબુ બે વર્ષનો અને બચુ છ મહિનાનો જ હતો. બા બિચારી ગાજ-બટન કરતી. ગાદલાંની કે ઓશીકાંની ખોળો સીવતી; ગલેફ, ઝભલાં કે ચણિયા જેવાં સહેલાં કપડાં સીવતી; પણ આવી મોંઘવારીમાં પાંચ છોકરાં અને માબાપ મળી સાત જણનું પૂરું કરવું એ કાંઈ રમત વાત હતી ? આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી-દાક્તરનું દવાખાનું હતું. ત્યાં આનંદી રોજ સવારે કચરો વાળી, પાણી ભરતી. એના એને મહિને બે રૂપિયા મળતા, તે તો વપરાઈ પણ ગયા હતા. બીજા બે રૂપિયા તો હજી પાંચમી તારીખે મળવાના; તેને તો હજી ઘણી વાર હતી. ભારે હૈયે આનંદી ઘેર ગઈ. બાએ પૂછ્યું : “કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે ?” પણ આનંદીએ કહ્યું : “કાંઈ નહિ, બા.” એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે. “હશે, ઉજાણીમાં નહિ જવાય, તો શું થયું ? બે દિવસ રજા પડશે તો ઘેર બેઠાં ગમ્મત કરશું.” એણે પોતાના નિરાશ બનેલા ચિત્તને ફોસલાવવા માંડ્યું. આનંદીને ઊંઘ ન આવી : ‘આ કેવો અન્યાય ! અમે કેમ ગરીબ ?’ આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. ‘આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બધી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે ! બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણાં છે, ત્યાં બધાં મજા કરશે. હું જ કમનસીબ છું.’ - ઊનાં ઊનાં આંસુથી આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું. પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર થયો : ‘ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ, તો અણીને વખતે તે ભક્તની વહારે ધાય છે.’ પછી તો આનંદી પથારીમાં બેઠી થઈ. એણે મોઢું ધોઈ, પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં બારના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયાં હતાં. ચારેકોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું આછું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી : “હે દીનાનાથ, દીનદયાળ ! હું ગરીબડી છોકરી છું. ધનદોલત, હાથીઘોડા, હીરામોતી કે હવેલીમહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત બે રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે ? બે રૂપિયા ગમે તે રીતે અપાવે, તો હે પ્રભુ ! તારો ઉપકાર નહિ ભૂલું.” પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને ઊંઘી ગઈ. સવારે ઊઠીને એ પહેલાં લેડી ડૉક્ટરનું દવાખાનું વાળવા ગઈ. ડૉક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજીરાજી થઈ ગઈ. ‘નક્કી આ નોટ ભગવાને જ મૂકી છે.’ - એણે મનમાં વિચાર કર્યો. નોટ ખીસામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા એ નળ ઉપર ગઈ, ત્યારે આનંદીના પિતા ત્યાં દાતણ કરતા હતા. તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંત ચિત્તથી એ વિચારવા લાગી : ‘ભગવાને નોટ મોકલી એમ હું કહું છું. પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે ! ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી એ કેમ લેવાય ? ઉજાણીએ જવાનું ન હોત, તો હું કદી આ નોટ ખીસામાં મૂકત ખરી ? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ? ભગવાન કદી ચોરી કરાવે ખરો ? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય !’ ‘હશે, ઉજાણીએ નહિ જવાય તો કાંઈ નહિ...’ આનંદીના મગજમાં ગડમથલ ચાલી. માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું, પણ એને ભાન જ નહિ. છેવટે ભાન આવતાં, એ ડૉક્ટરને દવાખાને ગઈ. પાણિયારા ઉપર માટલું મૂક્યું ત્યાં ડૉક્ટરે પૂછ્યું : “આનંદી ! પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને એ જડી છે, આનંદી ? મંગુ બિચારી ગરીબ છે. એણે માંડ બે રૂપિયા ઊભા કર્યા હતા, કોણ જાણે એ જૂઠુંયે બોલતી હોય...” આનંદીએ ખીસામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયાં. તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી. એમણે પૂછ્યું : “કેમ રડે છે, આનંદી ?’ આનંદીથી ન રહેવાયું. એણે અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ડૉક્ટરબાઈ બહુ દયાળુ હતાં. એમણે પોતાની પર્સ ખોલી આનંદીને બે રૂપિયા કાઢી આપ્યા : “તું સાચું બોલી એનું ઇનામ !” આનંદીને પગે પાંખો આવી. દોડતી દોડતી એ નિશાળે ગઈ. સૌથી પહેલી જઈને એ ઉજાણીના બે રૂપિયા મોટાં બહેનને આપી આવી. મોટાં બહેન કહે : “કેમ આજે ખૂબ ખુશાલીમાં છે ?” આનંદીએ બધી આપવીતી ત્યાં પણ કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટાં બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી-વિદ્યાર્થિની તરીકે દાખલ કર્યું, અને ચોપડીઓ, નોટબુકો વગેરે પોતાને ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમ્મત પડી. પણ ભગવાને જેને બે રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો ?