ગુજરાતી બાળવાર્તા સંપદા/હસતી હવેલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:26, 13 August 2024


હસતી હવેલી

એક કલાકા૨ને પૂતળીઓ બનાવવાનું ઘેલું લાગ્યું હતું. જાતજાતની ને ભાતભાતની પૂતળીઓ બનાવે. એક ગામમાંથી બીજા ગામ ફરે, એક નગરથી બીજા નગરમાં જાય. જ્યાં જાય ત્યાં એની કળાનાં મોંફાટ વખાણ થાય. આખરે કલાકા૨ની આંગળીઓમાં કમાલનો જાદુ હતો. દિન-પ્રતિદિન કલાકાર એમાં ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. કળા ચાહે કોઈ પણ હોય, એમાં ઊંડા ઊતરો એમ-એમ નવું જાણવા મળે. કલાકારને તો ન ખાવાનું ભાન રહે કે ન પીવાનું. જાગવા-ઊંઘવાનું પણ ભાન ભૂલી રાત-દિવસ એની કળામાં વ્યસ્ત રહે. એક સાંજે પોતાની પૂતળીઓને થેલામાં મૂકી એ ચાલતો હતો, ત્યાં થેલામાં કંઈક સળવળાટ સંભળાયો. કલાકા૨ તો કલાકા૨ ! થેલો ખોલીને રસ્તામાં જ બેસી ગયો. કોઈ ન માને પરંતુ એની બનાવેલી પૂતળીઓ વાતો કરતી હતી... હા, સાચ્ચે જ એ બોલતી હતી. કલાકાર તો ફાટી આંખે જોઈ જ રહ્યો. આ વાત માની શકાય જ કેમ ? આ તે સપનું કે સાચું ? કલાકારે પોતાનાં નાક-કાન ખેંચી જોયાં. ના, ભાઈ ના. સપનામાં તો હું જરાય નથી, પણ આ કેવું ? પેલી દોઢ-દોઢ ફૂટની પૂતળીઓ હસતી જાય, રમતી જાય ને ગેલગમ્મત કરતી જાય. કલાકારના રાજીપાનું વર્ણન કેવી રીતે કરી શકું? જીવ હતો કલાકારનો. એકે’ક પૂતળીઓને વહાલથી છાતી સરસી લગાવી વહાલ કરવા લાગ્યો. બધી પૂતળીઓને પોતાની વહાલસોયી દીકરી પેઠે હેત વરસાવવા લાગ્યો. નીકળ્યો હતો નગરમાં... પૂતળીઓને વેચવા, ને પગ વળ્યા પોતાના ઘર ભણી. ઘરના ઝાંપામાં પ્રવેશતાં જ પત્નીને બૂમ પાડીને બોલાવી. કલાકારની પત્ની હરખાણી, પરંતુ સાથે-સાથે વિચારવા લાગી કે હમણાં તો ગયા છે. માંડ બે-ત્રણ કલાક થયા હશે. વળી એ બહાર જાય ત્યારે આવવાનું કોઈ ઠેકાણું નહીં. બે દિવસેય આવે ને બાર દહાડે પણ... ને, આજે આમ અચાનક કેમ ? કલાકારની પત્ની સાથે એની બે વ્હાલસોયી દીકરીઓ પણ દોડી આવી. પપ્પાને વ્હાલથી વળગી પડી. ‘કેમ, એટલામાં જ આવી ગયા?” કલાકારની પત્નીએ પૂછ્યું. ‘અરે... અરે...! હું તમને ત્રણેયને એક જાદુ બતાવું. જુઓ... જુઓ, તમે નહીં માનો પરંતુ આ થેલામાં મારી બનાવેલી પૂતળીઓ છે તે બોલે છે, વાતો કરે છે. હસે છે ને ૨મે છે પણ મજાની !’ ‘ના હોય !’ આશ્ચર્યના ભાવ સાથે કલાકારની પત્ની બોલી ઊઠી. ‘પપ્પા... પપ્પા, સાચ્ચે જ ? હૈં પપ્પા, શું બોલે છે ? કેવું ૨મે છે ? બતાવોને જલદીથી...’ બંને દીકરીઓની અધીરાઈ વધી ગઈ. કલાકારે થેલામાંથી હળવે હાથે પૂતળીઓને બહાર કાઢી. સહુના આશ્ચર્ય વચ્ચે પૂતળીઓ તો હસવા લાગી. એટલું જ નહીં, બંને દીકરીઓને એ પોતાની સાથે ૨મવા બોલાવતી હતી ! ‘આપણે બધાં પકડદાવ રમીએ... તમે રમશો અમારી સાથે ?’ પૂતળીઓના મુખે આવી વાત સાંભળી બધાં રાજીનાં રેડ થઈ ગયાં. વળી કલાકારની દીકરીઓનો આનંદ કંઈ ઝાલ્યો રહે ? એમને તો મજા-મજા પડી ગઈ. બસ, પછી તો પૂછવું શું ? દોડા-દોડીને પકડદાવ. મજાક-મસ્તી ને સંતાકૂકડી. હસા-હસી ને ટપલા-ટપલી કલાકા૨ની પત્ની તો ફાટી આંખે જોઈ જ રહી. ‘તમે... તમે... મહાન કલાકા૨ છો. તમે... તમે... મજાના કલાકાર છો. તમે તો જાણે પૂતળીઓમાં જીવ રોપી દીધો ! શું અદ્‌ભુત તમારી કળા ! તમારી કળાને લાખ-લાખ સલામ ને લાખ-લાખ વંદન પણ ઓછાં પડે...’ કલાકારની પત્ની તો આનંદિત થઈ ગઈ, ને આમ બોલતી જ રહી. ઘર હતું કલાકારનું સતત જીવંત. સદા હસતા-૨મતા ઘ૨માં બબ્બે દીકરીઓનો સતત રણકાર. એમાં ભળી પૂતળીઓ, પછી તો કહેવું જ શું ? કલાકાર અને તેની પત્ની આ કલશોર જોવામાં મગ્ન બની ગયાં. બેઉ દીકરીઓ તો એટલી બધી રાજી રહે કે ના પૂછો વાત ! એમની મસ્તીની, એમની ખુશીની હું વાત શું કરું ? એ બધાયનાં મોં ઉપર મલકાતા હાસ્યની છોળોનાં શાં વખાણ કરું ? પરંતુ એટલું તો ચોક્કસ કહું કે કામકાજ પરવાર્યા ન પરવાર્યા ને એ દંપતી, દીકરીઓ સાથે પૂતળીના ખેલ જોવા બેસી જાય. આમ ને આમ કેટલાય દિવસો પસાર થયા. બેઠા-બેઠા ખાઈએ તો બધુંય ખૂટી જાય. કોઠીમાંનું ધાન ખૂટે, ને સંગ્રહી રાખેલું નાણુંય ખૂટે. કલાકાર તો જાણે પરાણે ઊભો થયો. એની કળામાં પાછો ઊંડો ને ઊંડો ઊતરવા લાગ્યો. એકેએકથી ચઢિયાતી પૂતળીઓ બનાવવા લાગ્યો. નાછૂટકે વેચવા પણ નીકળ્યો. એની બનાવેલી બધીય પૂતળીઓ હવે તો હસે... બોલે... રમે... ને આનંદ કરે. વાત કંઈ છાની રહે ? સૂરજ અને ચાંદાને વાદળો ક્યાં સુધી ઢાંકી રાખે ? ગુલાબની સાથે ઊગેલા કાંટાઓની ક્યાં છે તાકાત ફોરમને વીંધવાની ? તો... પેલા પતંગિયાની ખુશી આડે પવન ભલે ને વાય, એની નાજુક પાંખોને ક્યાં લાગે છે થાક ? આમ જ કલાકારની ખ્યાતિ ચારેકોર ફરી વળી. વાતવાતમાં એ વાત મોટા શેઠની હવેલીનાં પગથિયાં ચડી ગઈ. શેઠના ચમક્યા કાન ! આવું તે હોય કે ન હોય... એવી તપાસ માટે મોકલી આપ્યા બે સેવકો. શણગારેલી ઘોડાગાડી સાથે ચાબુક પણ ! જાઓ તાબડતોબ અને એ કલાકારને તેડી લાવો... નગરશેઠનું આમંત્રણ છે. વળી સાથે પૂતળીઓ લઈને આવજો. આનાકાની નહીં ને આજની કાલ નહીં. નગરશેઠ બોલી રહ્યા કે ઘોડા છૂટ્યા, એના પગે બાંધેલા ઘૂઘરાનો ઘમકા૨, ડોકે બાંધેલી નાનેરી ઘંટડીઓનો રણકાર... તો વળી ઘોડાગાડીનાં પૈડાં રણઝણ-રણઝણ કરતાં પેલા કલાકા૨ના આંગણે આવી પહોંચ્યાં. આંગણું જ નહીં, આખું ઘર જીવંત હતું. ઘોડાઓના કાન સરવા થયા. પશુ જેવા પશુની આંખમાં પણ અનોખી ચમક વરતાઈ. આપણા નગ૨શેઠનું ઘ૨ હવે જીવંત થશે... એવો રાજીપો એમની આંખોમાં જાણે વ૨તાયો. કલાકા૨ને જોતાં જ પેલા સેવકો બોલી ઊઠ્યા, ‘આપની કલાને વંદન. નગરપતિએ આપને તેડાવ્યા છે. ઘોડાગાડી લઈ અમે લેવા આવ્યા છીએ. આપ તૈયાર થાવ, અમે બહાર બેઠા છીએ.’ ‘અરે... અરે... ભાઈ ! આ ઘર આપનું જ સમજો. બહાર બેસવાની જરૂ૨ શી છે ? તમ તમારે બેસો નિરાંતે. મને આનંદ છે કે નગ૨૫તિનું આમંત્રણ મળ્યું. પણ અમારે કલાકારોએ વળી તૈયાર થવાનું કેવું ? હું તો તૈયાર જ છું. નામદાર ! તમે કહો ત્યારે ચાલીએ.’ કલાકાર બોલી ઊઠ્યો. ‘થોભો... થોભો... આંગણે આવેલા મહેમાન આદ૨-સત્કા૨ વિના જાય એ મને નહીં ગમે. મેં ચા મૂકી દીધી છે.’ કલાકારની પત્નીએ ચા-પાણીથી આદર-સત્કાર કર્યો, પછી સહુને ભાવભરી વિદાય આપી. આજનો દિવસ કંઈક સોનેરી ઊગ્યો છે. કલાની કદર થશે. દામ તો મળવાના જ છે. કામ પણ મળવાનું છે. જે કલાને પારખે છે એ એને લેવાનો જ છે. કલાકાર વિચારતો જ રહ્યો. નગ૨શેઠની હવેલીએ પહોંચ્યા. ઘોડાઓના પગે બાંધેલી ઘૂઘરીઓનો રણકા૨ થંભી ગયો. પૈડાં અને નાની-નાની ઘૂઘરીઓ સાવ મૂંગી બની બેઠી. ઘોડાઓના પગ જાણે સ્તંભ બની ગયા. કલાકારને લાગ્યું કે, આટલી મોટી હવેલી છે કે સ્મશાનઘાટ ? ન કોઈ અવાજ, ન કોઈ કલશોર. ન કોઈ કલબલાટ કે ન કોઈ ચહલ-પહલ. નર્યો સન્નાટો ! આ તો નગરશેઠની હવેલી કે ભૂતિયો બંગલો ? સેવકો કલાકારને લઈ હવેલીએ આવી પહોંચ્યા. નગરશેઠને હાથ જોડી કલાકાર ઊભો રહૃાો. મોટા અવાજે ગરજતાં નગરશેઠ બોલ્યા : ‘જોઈ શું રહ્યા છો ? માનપૂર્વક બેસાડો કલાકારને.’ સેવકો આજ્ઞાંકિત હતા કે ડરના માર્યા, પરંતુ નગરશેઠે કહ્યું તે મુજબનું કાર્ય થતું રહ્યું.’ હવે... હવે આમ જ ઊભા રહેશો કે પછી કંઈ સરભરા કરવાનું યાદ દેવડાવવું પડશે? જાવ, સરસ ચા-નાસ્તો લઈ આવો.’ ને સેવકો ઊપડ્યા. નગ૨શેઠે હાંક મારી, ‘ઓ...ય શેઠાણી, તમને પાછું નોતરું દેવાનું ? સમજાતું નથી કે અહીં આવી જવાનું હોય !’ યંત્રવત શેઠાણી હાજ૨ થઈ ગયાં. એમના મોં ઉપર ડર ડોકાઈ રહ્યો. ‘પાછું... બેસવાનું ય કહેવું પડશે તમને ?’ શેઠ તાડૂક્યા. પછી શેઠે કહ્યું, તમે કલાકાર છો, તમારા હાથની ઘડેલી પૂતળીઓ જીવંત બને છે. જો એવું હોય તો... મારી આ હવેલી જીવંત થાય એવી પૂતળીઓ બનાવો. માગ્યાં દામ મળશે પણ શરત છે આકરી... આ હવેલી જીવંત થવી જોઈએ.’ ‘નહીં થાય... શેઠજી, હવેલી જીવંત નહીં થાય...’ કલાકારે નિર્ભયપણે જણાવ્યું. ‘કેમ...કેમ... કેમ નહીં થાય ?’ નગ૨શેઠની આંખોમાં ગરમી વરતાઈ. નગરશેઠનો ગુસ્સો પામી જતાં કલાકારે કહ્યું, ‘માફ કરજો નગરશેઠ, પણ હું વચ્ચે એક પ્રશ્ન પૂછી શકું ?’ ‘હા...હા... એક શું, એકસો પ્રશ્ન પૂછી શકો.’ નગરશેઠ બોલ્યા. ‘આપને ત્યાં કોઈ સંતાન ?’ ડરતાં-ડરતાં કલાકારે પૂછ્યું. ‘ના એની જ તો રામાયણ છે. આ પૂતળીઓ મા૨ા ઘ૨માં ૨મશે, હસશે અને બોલશે તો... વાતાવરણ જીવંત બની જશે.’ ‘એમ જીવંત કદાપિ નહીં થાય, શેઠજી.’ કલાકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ‘તો....તો... કેમ જીવંત થશે ?’ શેઠે મૂંઝવણ વ્યક્ત કરી. ‘એનો ઉપાય છે શેઠજી, હું એ બતાવું... પણ કરવા રાજી છો ?’ ‘હા, પણ ઉપાય બતાવતાં પહેલાં તારી બોલું-બોલું કરતી પૂતળીઓ બતાવ. બહુ પ્રશંસા સાંભળી છે તારી અને તારા કામની. બતાવ તારી કારીગરી...’ નગરશેઠના આગ્રહને વશ થઈ કલાકારે હળવેથી પૂતળીઓને થેલામાંથી બહાર કાઢી. એક-એક કરીને પાંચ પૂતળીઓ શેઠની આગળ ઊભી કરી દીધી... પણ આ શું ? કોઈ પૂતળી ન હસે કે ના કોઈ ૨મે. ના કોઈ બોલે કે ના કોઈ હાલે. બધીય જડ બનીને ઊભી હતી. કલાકારે તો બધીયને હલાવી જોઈ, બોલાવી જોઈ. એમની સાથે રમવાના પ્રયત્નો કરી જોયા. પણ, કોઈના મોં ઉ૫૨ મલકાટ ન હતો. કલાકાર થાક્યો. એ પૂતળીઓ સામે જોઈ રહૃાો. એણે જોયું તો... બધીયની આંખોમાં આંસુ હતાં. કલાકારે આજીજીપૂર્વક કહ્યું, ‘શેઠજી, આ બધી તો મારા ઘરે દોડધામ ને મજાક-મસ્તી જ કર્યા કરે છે. જ્યારે અહીં આમ કેમ? સાવ સાચ્ચે જ શેઠજી, કસમથી... કહું છું. આ બધી આજે મારી આબરુ કાઢવા બેઠી છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો મારા ઘરે... તમને ત્યાં બતાવું.’ ‘આજે તો શક્ય નથી... વળી, મારે તૈયાર થતાં વાર લાગે. હું નગરશેઠ છું. મારાથી એમ જ તૈયા૨ી વિના ન નિકળાય. આવતીકાલે તારા ઘરના રસ્તા ભણી થઈને નીકળવાનો છું. તો ઘડીક આવી જઈશ. તું ક્યાંય બહાર ન જતો.’ ‘હા... હા... શેઠજી, આપ મારે આંગણે પધારવાના હોવ ને હું ક્યાંય જાઉં ? એવું કદી ન બને. તમે પ્રેમથી પધારજો અને તમારાં પાવન પગલાં પાડજો. ચાલો, હું અત્યારે જાઉં.’ કહી કલાકારે પૂતળીઓવાળો થેલો હાથમાં લીધો. ‘થેલો અહીં મૂકીને જ જાવ. ઘરે જઈ કદાચ પૂતળીઓ બદલી નાખો તો ?’ શેઠને જરાય વિશ્વાસ બેસતો ન હતો. પૂતળીઓને ભારે હૈયે ત્યાં જ રાખી કલાકાર આવ્યો હતો તેવી રીતે જ ઘોડાગાડીમાં રવાના થયો. શેઠે બધી પૂતળીઓ થેલામાંથી બહાર કાઢી હસાવી જોઈ, વાત કરી જોઈ, પણ બધીય મૌન ! કંટાળીને નગરશેઠે બધીયને થેલામાં મૂકી દીધી. બધી પૂતળીઓ એકબીજીને વળગીને બેસી ગઈ... ને ડરની મારી આંખો મીંચી પડી રહી. બગીમાં બેસી બીજા દિવસે નગરશેઠ નીકળી પડ્યા. સેવકોએ થેલો લીધો સાથે. બગી જોતજોતામાં કલાકા૨ના ઘ૨ આગળ આવી ઊભી રહી. નગરશેઠ ઊતર્યા, પાછળ સેવક થેલો લઈને આવી પહોંચ્યો. કલાકાર અને એની ધર્મપત્નીએ શેઠને હેતથી આવકાર્યા. એટલું જ નહીં. શેઠના ચરણસ્પર્શ કર્યા. ઘર નાનકડું હતું પણ મંદિ૨ જેવું લાગ્યું. ઘડીકમાં તો શેઠનું કઠોર દિલ મીણ જેવું પીગળવા લાગ્યું. એ આસપાસ બધું જોઈ રહ્યા હતા. ત્યાં તો ક્યાંકથી દોડી આવીને કલાકારની દીકરીઓ તેમના પિતાને વળગી પડી. એ જોઈને થેલામાં રહેલી પૂતળીઓ હરખાઈ ગઈ. એકબીજીને ટેકો આપી એ બધીય બહા૨ ધસી આવી, પછી તો સૌ સાથે હસવા લાગી... રમવા લાગી. નગરશેઠના આશ્ચર્યનો પાર ન રહૃાો. આ સ્વપ્ન નથી, સાચ્ચું જ છે. એને સાબિત કરવા પોતાના હાથે ઝીણી ચીમટી ખણી જોઈ. કલાકાર શેઠજીના વર્તણૂકની નોંધ લેતો હતો. નગ૨શેઠનો જીવ આ વાતાવરણ જોઈ હરખાઈ ઊઠ્યો. એકાએક શેઠજી બોલી ઊઠ્યા, ‘મારી હવેલી આમ ન હ૨ખે ?’ વાત પામી જતાં કલાકારે કહ્યું, ‘હરખે... હ૨ખે, શેઠજી, ચોક્કસ હ૨ખે... પરંતુ મારો ઉપાય તમને છે મંજૂર ? જો તમને મંજૂર હોય તો આપો વચન.’ ને શેઠે કલાકારને વચન આપી દીધું. કલાકારનો હરખ બેવડાયો, શેઠને સાથે લઈ નીકળ્યો. દૂરદૂર આવેલા એક અનાથ આશ્રમ આગળ બગી ઊભી રાખી. આશ્રમના સંચાલકને મળી જણાવ્યું કે, ‘નગ૨શેઠ બે નાનકડી હસતી-૨મતી દીકરીઓને દત્તક લેવા માગે છે.’ સંચાલકે રાજીપો વ્યક્ત કરતાં શેઠની સઘળી હકીકતો લઈ લીધી. સહી-સિક્કા સાથે બે નાનકડી અનાથ દીકરીઓ આપવાને સંચાલક બંધાયા. એ દિવસે શેઠજી ઘરે ગયા, પણ મન લાગતું ન હતું. ‘આ કલાકાર ઊંડો છે. મને કૂવામાં ઉતારે છે કે શું ? કશું સત્ય સમજાતું નથી. પૂતળીઓના સ્થાને જીવતી છોકરીઓ વળગાડી દે છે. વારસામાં મળેલું ધન એ છોકરીઓ પાછળ વેડફાઈ નહીં જાય ?’ આવા વિચારોમાં ને વિચારોમાં બે-ચાર દિવસ વીતી ગયા. નક્કી કરેલા દિવસે કલાકાર બંને નાની દીકરીઓને લઈ નગ૨શેઠની હવેલીએ પહોંચ્યો. નાની-નાની દીકરીઓ તો આવડી મોટી હવેલી ને અજાણ્યું સ્થળ જોઈ ગભરાઈ જ ગઈ, પરંતુ કલાકારે થેલો જ્યાં હળવેથી ખોલ્યો ત્યાં તો... પેલી પૂતળીઓ નાની-નાની દીકરીઓની સામે ગોઠવાઈ જ ગઈ. બધી એકમેક સામે ટગર-ટગર જોવા લાગી. પૂતળીઓ તો પૂતળીઓ... હતી એવી જીવંત બની ગઈ. પેલી નાની-નાની ઢીંગલીઓ જેવી બાળાઓ સામે જોઈ મલકાઈ ઊઠી. પેલી દીક૨ીઓ તો પૂતળીઓ જોઈ રાજી-રાજી થઈ-ગઈ અને સાથે રમવા લાગી. જોતજોતામાં તો ખિલ-ખિલ-ખિલ કરતી હસવા લાગી. નાના-નાના પગલે દોડવા લાગી. ટપલા-ટપલી કરતી જાય... ને જાણે કેટલાય સમયથી સાથે રહેતી હોય, ૨મતી હોય તેવી હળીભળી ગઈ. બધીય કાલું-ઘેલું બોલે, ને એકમેકને કહે, ‘લે... આ... વ, આ... વ પકડવા...’ ‘તો લે... દાવ...’ નાની દીકરી બોલી. ‘હું તો ના પકડાઉં...’ બીજી પૂતળી બોલી ઊઠી. નગરશેઠ તો જોઈ જ રહ્યા. દૂર ઊભા-ઊભા જોઈ રહેલાં શેઠાણીની આંખમાં આંસુ આવી ગયાં. શેઠે શેઠાણીને હેતથી બોલાવીને કહ્યું, ‘જો... જો... તું જો તો ખરી... આપણી હવેલી હસવા લાગી. આપણી હવેલી નાચી ઊઠી... સાચે જ, આપણી હવેલી જીવંત થઈ ગઈ.’ નગરશેઠે ઊભા થઈ કલાકારના પગ પકડી લીધા, તું માત્ર કલાકાર જ નથી. મહાન કલાકાર છે. મારી ભૂતિયા હવેલીને તેં હસતી કરી! આ બધીય પૂતળીઓની કિંમત શી ? તું કહે તે આપવા રાજી છું.’ ‘શેઠજી બધું જ આવી ગયું, એક ઉદાસ ઘ૨ને હસાવી જાણું છું. એક વેરાન રણમાં વસંત લાવી શકું છું... એવી કળા મને કુદરતે આપી છે. એ ઉપરવાળાનું ૠણ આજે ચૂકવ્યાનો મને આનંદ છે... બસ આપવું જ હોય તો... તો...’ કલાકારની વાત અધવચાળે કાપતાં શેઠે હાથ પકડી લીધા, ‘બોલ, બોલ... કલાકા૨ ! તને આપવા બંધાઉં છું. આ ખુશીના ખજાનાના બદલે મારું બધું જ દઈ દઉં... સાચ્ચે જ.’ ‘ના... ના... શેઠજી, આ થેલો ખાલી જ લઈ જાઉં છું. મારો હરખ તમારે ત્યાં છોડતો જાઉં છું, પણ આપી શકો તો... એમાં ભરી શકો તો... તમારો ગુસ્સો ને અહંકાર ભરી દો ! મારે એ લઈ જવાં છે.’ ચતુર શેઠ સમજી ગયા... કલાકારને માનભેર વિદાય આપી. કલાકારની પાછળ બીજી બગીમાં અઢળક ધન મોકલી આપ્યું ને એક નાનકડી ચબરખી પણ... એ ચબરખીમાં લખ્યું હતું, ‘હસતી હવેલીના માનમાં.