ગુજરાતી બાળવાર્તા સંપદા/ચકલીનું ઝાંઝર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચકલીનું ઝાંઝર

હેમલ ભટ્ટ

નદી કિનારે આવેલ મોટા પથ્થરની બખોલમાં મીનુ નામની આનંદી ચકલી રહેતી હતી. એક દિવસ મીનુને નદી પાસે આવેલ ઝાડ નીચેથી નાનકડું સરસ મજાનું ઝાંઝર મળ્યું. મીનુ તો ઝાંઝર જોઈને ખુશ થઈ ગઈ. ઝાંઝર લઈને મીનુ કાકાકૌઆ સૌની પાસે ગઈ. મીનુએ કાકાકૌઆને કહ્યું, ‘આ ઝાંઝર તો મારા પગમાં બહુ મોટું પડે છે. તમે આ ઝાંઝરમાંથી મારા માપનાં ઝાંઝર બનાવવી આપો.’ કાકાકૌઆએ મીનુ ચકલીના પગનું માપ લઈ લીધું અને કહ્યું, ‘બે દિવસ પછી ઝાંઝર લઈ જજે.’ બે દિવસ પછી મીનુ કાકાકૌઆ પાસે આવી અને કહ્યું, ‘કાકા ઓ કાકા, મારાં ઝાંઝર તૈયાર થઈ ગયાં ?’ કાકાકૌઆએ કહ્યું, ‘અરે મીનુ તું આવી ગઈ, લે આ તારાં બે ઝાંઝર અને જો ઝાંઝર તો ઘણું મોટું હતું એટલે તારા પગના માપ પ્રમાણે બે ઝાંઝર બનાવ્યાં પછી તેમાંથી આ હાર અને ટીકો પણ બન્યાં છે. લે પહેરી લે.’ મીનુ તો ખુશ થઈ ગઈ. તેણે બંને પગમાં ઝાંઝર પહેલી લીધાં. ગળામાં હાર પહેરી લીધો અને માથે ટીકો લગાવી દીધો. મીનુ ખુશ થઈને બોલી, ‘કાકા તમે કેવા સારા છો !’ આજે મીનુ ચકલીનો આનંદ તો ક્યાંય માતો નહોતો. મીનુ તો પગમાં ઝાંઝર, ગળામાં હાર અને માથે ટીકો લગાવી છમછમ ઘૂમરીઓ ઘમકાવતી નાચવા લાગી. મીનુને નાચતી જોઈને વડના ઝાડ પર હમણાં જ આવીને બેઠેલા કલ્લુ કાગડાએ ચકલીને પૂછ્યું, ‘અરે ઓ મીનુ, આજ તો બહુ ખુશ છે ને કંઈ શું વાત છે ?’ મીનુ ઠુમક ઠુમક કરતી કલ્લુ પાસે આવી અને તેને ઝાંઝર, હાર અને ટીકો બતાવ્યાં. કલ્લુએ કહ્યું, ‘અરે વાહ ! આ તો બહુ જ સરસ છે.’ મીનુ તો ગોળ ફુદરડી ફરતી ઠૂમક ઠૂમક કરીને નાચવા લાગી. મીનુને નાચતી જોઈને કલ્લુએ તેને કહ્યું, ‘અરે મીનુ, તને તો બહુ સરસ નાચતાં આવડે છે. મને લાગે છે કે તારો નાચ જોઈને રાજકુમારી ખુશ થઈ જશે.’ મીનુએ કલ્લુને પૂછ્યું, ‘કઈ રાજકુમારી ?’ કલ્લુએ મીનુને કહ્યું, ‘મીનુ બાજુમાં રાજપુર ગામ છે ને ત્યાંની નાનકડી રાજકુમારીને કંઈક થઈ ગયું છે. એ નથી કંઈ બોલતી કે નથી હસતી. રાજપુરના રાજાએ જાહેર કર્યું છે કે જે રાજકુમારીને ખુશ કરશે તેને મોટું ઇનામ આપવામાં આવશે.’ મીનુએ કહ્યું, ‘જો મારા નાચથી રાજકુમારી ખુશ થતી હોય તો હું રાજપુર જરૂર જઈશ. આપણે કોઈને આનંદ આપી શકીએ એ તો કેટલું સારું કહેવાય, હેં ને કલ્લુભાઈ ?’ કલ્લુએ કહ્યું, ‘સાચી વાત કરી, મીનુ, તેં. કાલે તું તૈયાર રહેજે આપણે રાજપુર જઈશું.’ આટલું કહીને કલ્લુ કાગડો પોતાના કામે લાગ્યો. મીનુ ચકલીએ કંઈક વિચાર્યું અને ઊડતી ઊડતી મોજીલા મોર પાસે ગઈ. મીનુએ મોજીલા મોરને કહ્યું, ‘મને તારું સરસ મજાનું પીંછું આપ. મારે રાજકુમારીને ખુશ કરવી છે.’ મોજીલા મોરે તેનું સરસ મજાનું પીંછું મીનુને આપ્યું અને કહ્યું, ‘કોઈ ખુશ થતું હોય તો એક શું તું તારે બે પીંછાં લઈ જા.’ મીનુએ મોજીલા પાસેથી એક પીંછું લઈ લીધું અને પોતાની પૂંછડીમાં ભરાવી દીધું. ત્યાંથી મીનુ ઊડીને મીઠુ પોપટ અને ભોલુ હોલા પાસે ગઈ. મીનુએ મીઠું પોપટ અને ભોલુ હોલાને રાજકુમારી વિશે બધી વાત કરી અને કહ્યું, ‘હું કાલે રાજકુમારી સામે નૃત્ય કરું ત્યારે મીઠુભાઈ તમે તબલાં અને ભોલુભાઈ તમે હાર્મોનિયમ વગાડશો ?’ મીઠુ અને ભોલુ બંનેએ મીનુને કહ્યું, ‘આવા સારા કામમાં અમારી ના ન જ હોય ને !’ બીજે દિવસે કલ્લુ કાગડાની સાથે મીનુ ચકલી, મીઠુ પોપટ અને ભોલુ હોલો રામપુર જવા નીકળ્યાં. ઊડતાં ઊડતાં કલ્લુ કાગડાની નજર રસ્તા પર પડેલા કાપડના એક ચમકતા ટુકડા પર પડી. કલ્લુએ કપડાનો એ ટુકડો ઉપાડી લીધો અને મીનુને આપતાં બોલ્યો, ‘લે મીનુ આ તારી ઓઢણી.’ મીનુએ ચમકતી ઓઢણી ઓઢી લીધી. બધા રાજમહેલમાં પહોંચ્યાં ત્યારે સિંહાસન પર રાજા-રાણી અને તેમની વચ્ચે નાનકડી રાજકુમારી બેઠાં હતાં. તેની સામે ઊભો રહીને કોઈ માણસ ચિત્ર-વિચિત્ર અભિનય કરી રહ્યો હતો, પરંતુ રાજકુમારી તો સાવ સૂનમૂન જ બેઠી હતી. કલ્લુ કાગડાએ પ્રધાનજીને કહ્યું, ‘મીનુ ચકલી નૃત્ય કરીને રાજકુમારીને આનંદિત કરી દેશે.’ પ્રધાને કહ્યું, ‘સારું, તમારો વારો આવે ત્યાં સુધી એક તરફ બેસો.’ થોડી વાર પછી મીનુ ચકલીનો વારો આવ્યો. એક બાજુ મીઠુ પોપટ તબલાં અને ભોલુ હોલો હાર્મોનિયમ વગાડવા બેસી ગયા. મીનુ ચકલીએ નૃત્ય શરૂ કર્યું અને ગીત પણ ગાવા લાગી : ‘હું છું ચકલી નાની, નામ છે મારું મીનુ. પગમાં ઝાંઝર, ડોકે હાર, ચૂંદડીમાં છે તારલિયા ચાર માથે ટીકો ઝિલમિલ ઝિલમિલ, રાજકુમારી હસે ખિલખિલ ખિલખિલ, રાજકુમારી હસે ખિલખિલ ખિલખિલ.’ સરસ મજાના ઠૂમકા લગાવીને છમછમ નાચતી મીનુ ચકલીને જોઈને રાજકુમારી તો ખુશ થઈ ગઈ. એ તો તાળીઓ પાડીને હસવા લાગી. રાજદરબારમાં બેઠેલાં બધાં જ રાજકુમારીને હસતી જોઈને ખુશ થઈ ગયાં અને તાળીઓ પાડવા લાગ્યાં. મીનુ ચકલી નાચતી નાચતી રાજકુમારી પાસે પહોંચી. મીનુની સાથે સાથે રાજકુમારી પણ નાચવા લાગી. રાજપુર ગામમાં બધે જ આનંદ આનંદ થઈ ગયો. નૃત્ય પૂરું થયા પછી રાજાએ મીનુ ચકલી તથા તેના સાથીદારોને ઢગલાબંધ ઇનામો આપ્યાં.