ગુજરાતી બાળવાર્તા સંપદા/લેખક પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <big>'''લેખક પરિચય'''</big><br> {{Poem2Open}} '''ગિજુભાઈ બધેકા''' (જ.તા. ૧૫/૧૧/૧૮૮૫; અ. ૨૫/૬/૧૯૩૯) : બાળકેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વ પ્રથમ સમર્થ પુરસ્કર્તા. તેઓ ‘મુછાળી મા’ અને ‘બાળસાહિત્યના બ...")
(No difference)

Revision as of 14:57, 13 August 2024


લેખક પરિચય

ગિજુભાઈ બધેકા (જ.તા. ૧૫/૧૧/૧૮૮૫; અ. ૨૫/૬/૧૯૩૯) : બાળકેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વ પ્રથમ સમર્થ પુરસ્કર્તા. તેઓ ‘મુછાળી મા’ અને ‘બાળસાહિત્યના બ્રહ્મા’ તરીકે જાણીતા છે. ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થા નિમિત્તે તારાબહેન મોડકના સહકારથી બાળકો માટે વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. ઈ. સ. ૧૯૨૯નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને મળેલો. ઝવેરચંદ મેઘાણી (જ.તા. ૨૮/૮/૧૮૯૬; અ. ૯/૩/૧૯૪૭) : લોકસાહિત્યના સમર્થ સંશોધક-સંપાદક, પત્રકાર અને બાળસાહિત્યકાર. ‘યુગવંદના’ ગાંધીયુગનો પ્રતિનિધિરૂપ કાવ્યસંગ્રહ છે. ‘છેલ્લો કટોરો’, ‘શિવાજીનું હાલરડું’ વગેરે તેમની બહુ જાણીતી રચનાઓ છે. તેમની પાસેથી સુંદર બાળવાર્તાઓ ઉપરાંત બાળકાવ્યો પણ મળ્યાં છે. ઈ.સ. ૧૯૨૮નો પ્રથમ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એમને અપાયેલો. હંસા મહેતા (જ.તા. ૩/૭/૧૮૯૭; ૪/૪/૧૯૯૫) : કેળવણી, બાળસાહિત્ય અને અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં પહેલાં મહિલા ઉપકુલપતિ. સ્ત્રીવિકાસ અને કેળવણી બે મુખ્ય કાર્યક્ષેત્રો. ‘બાલવાર્તાવલિ’માં સુંદર બાળવાર્તાઓ આપી છે. ‘બાવલાનાં પરાક્રમો’ - તેમની ભાષાંતરિત લોકપ્રિય રચના છે. ૧૯૫૯માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળેલો. રમણલાલ ના. શાહ (જ.તા. ૧/૮/૧૮૯૮; ૨૫/૭/૧૯૮૭) : બાળસાહિત્ય અને સંપાદક. બાળસામયિક ‘બાલજીવન’નું લગભગ બાવન વર્ષ સુધી સંપાદન-સંચાલન કરેલું. તેમની પાસેથી મનોરંજક, રસપ્રદ, નીતિબોધક અને શૌર્યપ્રેરક એવું વિપુલ બાળસાહિત્ય મળ્યું છે. તેમણે બાળનાટકો પણ આપ્યાં છે. નાગરદાસ ઈ. પટેલ (જ.તા. ૧૬/૧૨/૧૮૯૮; અ. ૨૩/૨/૧૯૬૯) : ગુજરાતી બાળસાહિત્યના અગ્રણી સર્જક, અનુવાદક અને સંપાદક. ‘બાલવિનોદ’ કાર્યાલય દ્વારા તેમણે કરેલી બાળસાહિત્યની સેવા ખૂબ મૂલ્યવાન છે. એ નિમિત્તે તેમણે ૩૦૦ જેટલાં નાનાંમોટાં, સચિત્ર પુસ્તકોનું લેખન, સંપાદન, પ્રકાશન કર્યું છે. તેમણે માણસના ગુણ-દુર્ગુણને ઉપસાવતાં પાત્રો નિમિત્તે પણ સરસ વાર્તાઓ આપી છે. ચંદ્રશંકર મ. ભટ્ટ (જ.તા. ૨૧/૮/૧૯૦૧; અ. ૧૯/૧૦/૧૯૮૬) : ગુજરાતી બાળસાહિત્યમાં ઉલ્લેખનીય સર્જક. ‘બાલમિત્ર’ સામયિકના તંત્રી. થોડો સમય તે ‘બાલોદ્યાન’ સામયિકના પણ તંત્રી રહેલા. ‘બાલમિત્રની વાતો’, ‘બાલોદ્યાનની વાતો’, ‘વીરકથાઓ’, કિશોર કથાઓ તથા ચરિત્રો વગેરે તેમનું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન છે. વસંત નાયક (જ.તા. ૧૩/૫/૧૯૦૫; અ. ૧૧/૭/૧૯૮૧) : એક સારા બાળસાહિત્યકાર. ‘બાલમિત્ર’ના તંત્રી તથા વિવિધ બાળસામયિકોનું સંપાદન. બાળકોની વય અને અભ્યાસકક્ષાને ધ્યાનમાં રાખી બાળસાહિત્યનું લેખન. બાળકોની રોજિંદી રમતો અને રીતભાતમાંથી કથાઓ નિપજાવી છે. ‘ચાંદાપોળી’, ‘લલ્લુ, બલ્લુ ને કલ્લુ’, ‘ઘેલુના ઘોડા’ વગેરે તેમનું બાળસાહિત્ય ક્ષેત્રે પ્રદાન છે. તેમણે ચાતુરીકથાઓ પણ આપી છે. જીવરામ જોષી (જ.તા. ૬/૭/૧૯૦૫; અ. ૨૭/૪/૨૦૦૪) : અગ્રણી બાળસાહિત્યકાર અને ગુજરાતી બાળસાપ્તાહિક ‘ઝગમગ’નો પ્રારંભ કરનાર. તેમને પાસેથી ૫૦૦થી વધુ પુસ્તકો મળ્યાં છે. ‘મિયાં ફૂસકી’, ‘છેલ-છબો’, ‘છકો-મકો’, ‘અડૂકિયો-દડૂકિયો’, માનસેન સાહસી જેવાં તેમનાં પાત્રો, બાળકોમાં ખૂબ પ્રિય છે. રાજ્ય સરકાર થકી સન્માનિત. વિનોદિની નીલકંઠ (જ.તા. ૯/૨/૧૯૦૭; અ. ૨૯/૯/૧૯૮૭) : ગુજરાતી લેખિકા, બાળસાહિત્યકાર અને સમાજસુધારક. સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત. ‘ગુજરાત સમાચાર’માં ‘ઘર ઘરની જ્યોત’ નામની કૉલમ વર્ષો સુધી ચલાવેલી. તેમણે નિબંધો, વાર્તાસંગ્રહો અને નમૂનારૂપ બાળવાર્તાઓ આપી છે. તેમને રાજ્ય સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. રમણલાલ પી. સોની (જ.તા. ૨૫/૧/૧૯૦૮; અ. ૨૦/૯/૨૦૦૬) : ગાંધીજી પાસેથી ‘જનસેવા’ની દીક્ષા લીધેલી. મોડાસાની શાળામાં પ્રથમ શિક્ષક અને પછી આચાર્ય. બાળસાહિત્ય અને અનુવાદ - એ બે ક્ષેત્રે ઉત્તમ કામગીરી. તેમની પાસે વાર્તા, કાવ્ય, નાટકો વગેરે ક્ષેત્રે ઉત્તમ બાળસાહિત્ય મળ્યું છે. ગલબા શિયાળનાં પરાક્રમોનાં તો ત્રણ-ચાર સંગ્રહો મળ્યાં છે. ૧૯૮૧માં ગુજરાત રાજ્ય સરકારે સન્માનેલાં, ૧૯૮૬માં ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ અને ૧૯૯૬માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ મળેલો. જયભિખ્ખુ (જ.તા. ૨૬/૬/૧૯૦૮; અ. ૨૪/૧૨/૧૯૬૯) : જાણીતા નવલકથાકાર, પત્રકાર અને બાળસાહિત્યકાર. ‘ઈંટ અને ઇમારત’ તેમની લોકપ્રિય કૉલમ હતી. તેમની પાસેથી નવલકથાઓ, ચરિત્રો અને અનેક સંપાદનો મળ્યાં છે. જુદા જુદા ધર્મની પ્રાણીકથાઓ અને બાળકિશોર સાહિત્યની અનેક કૃતિઓ તેમણે આપી છે. તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પુરસ્કારો મળેલા. સોમાભાઈ ભાવસાર (જ.તા. ૧૩/૩/૧૯૧૧; અ. ૧૫/૫/૧૯૮૪) : કવિ, નિબંધકાર, ચરિત્રકાર અને બાળસાહિત્યકાર. જનસેવા એ જ એમનું જીવનકાર્ય. ‘ધાણીચણા’, ‘ચગડોળ’, ‘ખારેક ટોપરા’ વગેરે તેમના બાળ સાહિત્યનાં પુસ્તકો છે. તેમને ગુજરાત સરકાર તથા મુંબઈ રાજ્ય તરફથી પારિતોષિક મળેલાં. ઉમાશંકર જોશી (જ.તા. ૨૧/૭/૧૯૧૧; અ. ૧૯/૧૨/૧૯૮૮) : ગાંધીયુગના પ્રમુખ કવિ. સમર્થ એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ‘સંસ્કૃતિ’ સામયિકના સ્થાપક-તંત્રી-સંપાદક. ગુજરાત યુનિવર્સિટીમાં બે વાર કુલપતિપદે પસંદગી પામેલા. ૧૯૬૭માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર (અન્ય સાથે) મળેલો. તેમને ૧૯૩૯માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા આ સિવાય અનેક ચંદ્રકો-પુરસ્કારો મળેલાં. તેમણે સુંદર બાળકાવ્યો તથા પ્રસંગોપાત બાળવાર્તાઓ પણ આપી છે. અનંતરાય રાવળ (જ.તા. ૧/૧/૧૯૧૨; અ. ૧૮/૧૧/૧૯૮૮) : સંનિષ્ઠ અધ્યાપક, વિવેચક, સંપાદક. થોડો સમય ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં ભાષાનિયામક તરીકે રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી કરેલી. તેમની પાસેથી બધું મળી ૪૫ જેટલા ગ્રંથો મળ્યા છે. તેમને ૧૯૫૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખપદે રહેલા. પ્રસંગોપાત્ત બાળસાહિત્યમાં લેખન. પન્નાલાલ પટેલ (જ.તા. ૭/૫/૧૯૧૨; અ. ૬/૪/૧૯૮૯) : ૧૯૮૫નો જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળેલો. તેમની પાસેથી સામાજિક, પૌરાણિક નવલકથાઓ મળી છે. તેમણે ગ્રામજીવનને વાસ્તવિક રીતે આલેખતી વાર્તાઓ - નવલકથાઓ આપી છે. ૧૯૭૦ પછી સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. ‘દેવનો દીધેલ’ તેમની સુંદર બાલનવલ છે. તેમની વાર્તાઓ કથારસ સાથે જીવનશિક્ષણ આપે છે. તેમને ૧૯૫૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર અને અન્ય ચંદ્રકો/ઍવૉર્ડો મળ્યાં છે. દર્શક (જ.તા. ૨/૧૧/૧૯૧૪; અ. ૨૯/૮/૨૦૦૧) : અગ્રગણ્ય કેળવણીકાર, ચિંતક, સમર્થ નવલકથાકાર, નાટ્યકાર. મૂળનામ મનુભાઈ રાજારામ પંચોળી. ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના પ્રિય વિષયો. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટીસ’ વગેરે તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘કુરુક્ષેત્ર’ તેમની નોંધપાત્ર નવલકથા છે. તેમને ૧૯૬૪માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ૧૯૯૭માં ‘સરસ્વતી સન્માન’, ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ ઍવૉર્ડ, ૧૯૯૯નો ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ગૌરવ પુરસ્કાર મળેલો. લાભુબહેન મહેતા (જ.તા. ૧૭/૧૨/૧૯૧૫; અ. ૪/૭/૧૯૯૪) : વાર્તાકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક. અગ્રકોટિના લેખિકા. અનેક દૈનિકો-સામયિકોમાં આજીવન કટારલેખન. ‘તુલસીનાં પાન’, ‘એનું નામ અપૂર્વ’ જેવાં બાળવાર્તાસંગ્રહો તથા ‘જય જવાહર’, ‘સરદાર અને પંતુજી’ જેવા બાળચરિત્રસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ‘કલા અને કલાકાર’ તેમનું બહુ જાણીતું પુસ્તક છે. તેમણે બંગાળીમાંથી રસાવહ અનુવાદો કર્યા છે. શિવમ સુંદરમ્‌ (જ.તા. ૨૨/૩/૧૯૧૮; અ. ૧૧/૫/૨૦૦૪) : બાળસાહિત્યકાર, નવલકથાકાર અને સંપાદક. મૂળ નામ હિંમતલાલ મગનલાલ પટેલ. તેમની પાસેથી સર્જન, રૂપાંતર અને સંપાદન દ્વારા વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય મળ્યું છે. તેમણે અનેક કથામાળાઓ પણ આપી છે. ‘આપ સમાન બળ નહિ’ને રાજ્ય સરકાર અને ભારત સરકારનો પુરસ્કાર મળેલો. અન્ય સાહિત્યિક સંસ્થાઓનાં પારિતોષિકો પણ મળ્યાં છે. મોહનભાઈ શં. પટેલ (જ.તા. ૮/૬/૧૯૨૦; અ. ૨/૧/૨૦૦૨) : શિક્ષણવિદ્‌, કોશવિદ, વિવેચક. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૬ વર્ષ આચાર્યપદે રહેલા. બાળસાહિત્ય સંદર્ભે ખૂબ વિચાર્યું અને લખ્યું. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં વર્ષો સુધી સંપાદક-સલાહકાર રહેલા. ‘શિશુલોક’ સામયિકના તંત્રી. પાઠ્યપુસ્તક નિમિત્તે અનેક પાઠો લખેલા, જેમાં જીવનમૂલ્યો સાથે ભાષાજ્ઞાન આપ્યું. રતિલાલ સાં. નાયક (જ.તા. ૧/૮/૧૯૨૨; અ. ૨૮/૧/૨૦૧૫) : મુખ્યત્વે ગુજરાતીમાં શૈક્ષણિક તથા કોશસાહિત્યના નિર્માતા અને બાળસાહિત્યકાર. સાહિત્ય અને ભાષા પ્રત્યે ખૂબ લગાવ. તેમની પાસેથી ‘અલકમલકની વાતો’, ‘આનંદકથામાળા’, ‘બાળ જોડકણાં’, ‘બાળ ઉખાણાં’ - જેવું સુંદર બાલભોગ્ય સાહિત્ય મળ્યું છે. કોશ સંદર્ભે ઘણું કાર્ય કર્યું. તેમના ‘ગીતા’ પુસ્તકને એન.સી.ઈ. આર.ટી.નું પારિતોષિક મળેલું. ૧૯૯૨નો ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક મળેલો. મધુસૂદન પારેખ (જ.તા. ૧૪/૭/૧૯૨૩; અવ. ૨૮/૧/૨૦૨૩) : હાસ્યલેખક, બાળસાહિત્યકાર, વિવેચક, સંપાદક. ૧૯૭૪થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી અને ૨૦૦૬-૨૦૧૦ સુધી પ્રમુખ. ‘પ્રિયદર્શી’ના ઉપનામે ૧૯૬૦થી શરૂ કરેલ કટાર આજે પણ ચાલુ છે. તેમની પાસેથી અનેક હાસ્યનિબંધસંગ્રહો મળ્યા છે. બાળકો માટે અડવો, બુધિયો, મૂરખરાજ, મિયાં અકડુ, માખણલાલ વગેરે પાત્રો નિમિત્તે બાળકથાઓ આપી છે. તેમને અનેક ચંદ્રકો અને પુરસ્કારો મળ્યા છે. ઈ. સ. ૨૦૦૩માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળેલ. જયવતી કાજી (જ.તા. ૧૯૨૪) : નિબંધકાર અને બાળસાહિત્યકાર. તેમની પાસેથી ત્રીસેક જેટલાં પુસ્તકો મળ્યાં છે. તેમનાં લખાણોમાં તાજગી, આશા અને ખમીર જોવા મળે છે. વિવિધ વર્તમાનપત્રો/સામયિકોમાં તેમનાં પ્રેરણાત્મક નિબંધો પ્રકાશિત થતાં. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી તેઓ આકાશવાણીમાં બાળકો અને મહિલાઓ માટે કાર્યક્રમો કરતાં હતાં. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં ઇનામો મળેલાં છે. ધનંજય શાહ (જ.તા. ૨૯/૮/૧૯૨૫; અ. ૨૮/૭/૧૯૮૬) : જાણીતા બાળસાહિત્યકાર. તેઓ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ્‌ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમૅન હતા. ‘સોટી-પોઠી’, ‘જગો, ભગો ને મગો’, ‘લાલુ લપલપિયો’ જેવાં ચિરંજીવ પાત્રો તેમની પાસેથી મળ્યાં છે. તેમણે અનેક કથામાળાઓ આપી છે. ‘રૉબિનહૂડનાં પરાક્રમો’ અને ‘હર્ક્યુલસનાં પરાક્રમો’ - તેમની જાણીતી કૃતિઓ છે. ધીરુબહેન પટેલ (જ.તા. ૨૯/૫/૧૯૨૬; અવ. ૧૦/૩/૨૦૨૩) : ગુજરાતી સાહિત્યનાં નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, અનુવાદ અને બાળસાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. વ્યવસાયે અંગ્રેજીનાં અધ્યાપિકા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ રહેલાં. તેમને ૧૯૮૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો ગૌરવ પુરસ્કાર તથા ૨૦૧૫માં દિલ્હી સાહિત્ય અકાદમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળેલ છે. હરીશ નાયક (જ.તા. ૨૮/૧૦/૧૯૨૬; અવ. ૨૪/૧૦/૨૦૨૩) : લોકપ્રિય બાળસાહિત્યકાર તથા બાળવાર્તાકથક. આજેય તેઓ વાર્તાના વિમાનમાં બેસાડીને બાળકોને પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક અને વૈજ્ઞાનિક વાર્તાઓ કહી એક રોમાંચક વાર્તાસૃષ્ટિમાં વિહાર કરાવે છે. તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ગંજાવર કાર્ય કર્યું છે. તેમની પાસેથી લગભગ ૫૦૦ જેટલાં પુસ્તકો મળ્યાં છે. તેમને અનેક પુરસ્કારો મળ્યા છે. ઈ. સ. ૨૦૧૭નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે. નવનીત સેવક (જ.તા. ૮/૧૨/૧૯૩૧; અ. ૧૩/૩/૧૯૮૦) : નવલકથાકાર, વાર્તાકાર. આજીવિકા માટે વાર્તાલેખનનો વ્યવસાય. અનેક સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક નવલકથાઓ તેમની પાસેથી મળી છે. કેટલુંક સત્ત્વશીલ બાલકિશોર સાહિત્ય પણ તેમણે આપ્યું છે. ‘ઝગમગ’ નિમિત્તે અનેક સાહસકથાઓ આપી. ‘બાલસંદેશ’ના સંપાદક પદે પણ રહેલા. ટારઝનનાં લગભગ ૧૭ જેટલાં પુસ્તકો આપ્યાં છે. રજની વ્યાસ (જ.તા. ૨૩/૯/૧૯૩૩; અ. ૨૨/૮/.૨૦૧૮) : ચિત્રકાર, બાળસાહિત્યકાર, ચરિત્રકાર. પીંછી અને કલમ બંને પર પ્રભુત્વ. અનેક સામયિકો સાથે સંલગ્ન. તેમણે વિજ્ઞાન વિષયક સુંદર પુસ્તકો આપ્યાં છે. ‘અતુલ્ય ભારત’, ‘વિશ્વવિજ્ઞાનકોશ’ જેવાં સંદર્ભગ્રંથો અને ‘મૂઠી ઊંચેરા ગુજરાતીઓ’, ‘સકલ તીરથ જેનાં તનમાં રે’ - જેવાં ચરિત્રાત્મક પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. તેમને અનેક સંસ્થાઓ તરફથી તથા બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ. તેમને કટારલેખનનો ઍવૉર્ડ પણ મળ્યો છે. ઘનશ્યામ દેસાઈ (જ.તા. ૪/૬/૧૯૩૪; અ. ૨૯/૪/૨૦૧૦) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વાર્તાકાર અને બાળસાહિત્યકાર. કેટલાંક વર્ષો તેઓ ‘નવનીત-સમર્પણ’ના સંપાદક હતા. ‘ટોળું’ તેમનો આધુનિકતાની વિશિષ્ટ છાપ ધરાવતો વાર્તાસંગ્રહ છે. ‘મૌલિક કથામાળા’ અને ‘અભિનવ કથામાળા’માં સુંદર કલ્પનાપ્રધાન બાળવાર્તાઓ આપી છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. લાભશંકર ઠાકર (જ.તા. ૧૪/૧/૧૯૩૫; અ. ૬/૧/૨૦૧૬) : કવિ, વિવેચક, નાટ્યકાર, બાળસાહિત્યકાર. ‘લાઠાદાદાની બાળવાર્તાઓ’, ‘લા. ઠા. દાદ આવે છે નવી વાર્તા લાવે છે.’ - તેમના નિર્લોભ આનંદ અને વિશિષ્ટ રચનારીતિવાળા બાળવાર્તા સંગ્રહો છે. તેમને અનેક ઍવૉર્ડ અને ચંદ્રકો મળ્યા છે. ૧૯૮૧નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ૨૦૦૨નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તેમને એનાયત થયેલો. જયંતી ધોકાઈ (જ.તા. ૭/૯/૧૯૩૫) : વાર્તાકાર, બાળવાર્તાકાર અને સંપાદક. ઓખામાં ૨૦ વર્ષ સુધી શિક્ષક અને બેટ દ્વારકામાં ૧૩ વર્ષ આચાર્ય પદે રહેલા. તેઓ અનેક સંસ્થાઓ તરફથી સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલાં. તેમની પાસેથી આઠેક પુસ્તકો મળ્યાંં છે. ‘અમથાલાલનાં જાંબુ’, ‘આકાશને આમંત્રણ’ એ તેમનાં જાણીતાં બાળવાર્તાસંગ્રહો છે. અરુણિકા દરૂ (જ.તા. ૪/૮/૧૯૩૭) : મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.ની વિવિધ કૉલેજમાં અધ્યાપિકા રહેલાં, પછી વલસાડમાં નિવાસ. તેમની પાસેથી ત્રીસ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. ‘કુલીન-ગણેશનાં પરાક્રમો’, ‘બીલબલ બુદ્ધિ શારદત્ત’ વગેરે તેમની બાળપ્રિય રચનાઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો પણ મળ્યાં છે. તેમનાં અન્ય સ્વરૂપોનાં પુસ્તકો પણ પુરસ્કૃત થયાં છે. ચંદ્રકાન્ત શેઠ (જ.તા. ૩/૨/૧૯૩૮) : કવિ, નિબંધકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને લગભગ ત્રીસેક જેટલાં ચંદ્રકો / પુરસ્કારો / ઍવૉર્ડો મળ્યાં છે. તેમની પાસેથી બધું મળી લગભગ ૧૨૫ ઉપરાંત પુસ્તકો મળ્યાં છે. તેમના બાળકાવ્યસંગ્રહોમાં લયાત્મકતા, ચિત્રાત્મકતા તથા ભાષાશિક્ષણનો સુંદર સુમેળ થયો છે. તેમની પાસેથી જીવનનિષ્ઠાના પાઠ ભણાવતાં ચાર બાળવાર્તાસંગ્રહો મળ્યાં છે. તેમને ૧૯૮૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૦૬નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, આદ્યકવિ નરસિંહ મહેતા ઍવૉર્ડ તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૮નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે. યશવન્ત મહેતા (જ.તા. ૧૯/૬/૧૯૩૮) : બાલ સાહિત્ય અકાદમી નિમિત્તે બાલસાહિત્ય ક્ષેત્રે ખૂબ કાર્યનિષ્ઠ. તેમણે બાળકો માટે કાવ્યો, વાર્તાઓ, કિશોરકથાઓ, અનુવાદો, વિજ્ઞાનકથાઓ - એમ અનેક રીતે કાર્ય કર્યું છે. લગભગ ૪૫૦ જેટલાં તેમના પુસ્તકો પ્રકાશિત થયા છે. તે એક સારા સંપાદક પણ છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો પહેલો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને ૨૦૧૦માં પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં છે. સાં. જે. પટેલ (જ.તા. ૮/૭/૧૯૪૦) : પૂરું નામ સાંકળચંદ પટેલ. સારા શિક્ષક, લેખક-સંપાદનમાં સતત કાર્યરત. સો ઉપરાંત પ્રકાશનો છે. અનુવાદ માટે તેમને પારિતોષિક મળ્યું છે. આવતીકાલના બાળકો માટે તેમણે વાર્તાઓ આપી છે. ‘વિજ્ઞાનનાં રમકડાં’, ‘ઢબુબહેનનો ઓઢણો’, ‘દાદાજીની દુનિયા’ તથા અન્ય બાળવાર્તા સંગ્રહો અને નાટકો તેમની પાસેથી મળ્યાં છે. અનિલ જોશી (જ.તા. ૨૮/૭/૧૯૪૦) : ગુજરાતી ભાષાના એક સારા ગીતકવિ. નિબંધકાર. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાષાવિકાસ યોજનામાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર રહેલા. બાળકો માટે ‘ચકલી બોલે ચીં...ચીં...’ નામે સરસ વાર્તાસંગ્રહ આપ્યો છે. તેમાં બારાખડીના દરેક વર્ણ પર આધારિત કથાઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યાં છે. રમેશ પારેખ (જ.તા. ૨૭/૧૧/૧૯૪૦; અ. ૧૭/૫/૨૦૦૬) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. તેમની પાસેથી બારેક જેટલા કાવ્યસંગ્રહો મળ્યાં છે. બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન યાદગાર છે. તેમની પાસેથી ‘હાઉક’ અને અન્ય બાળકાવ્યસંગ્રહો તથા ‘હફરક લફરક’, ‘દે તાલ્લી’, ‘અજબગજબનો ખજાનો’ જેવા વાર્તાસંગ્રહો મળ્યાં છે. તેમને અનેક ચંદ્રકો/પુરસ્કારો મળ્યા છે. ૧૯૮૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૧નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ (મરણોત્તર) મળ્યો છે. યોસેફ મેકવાન (જ.તા. ૨૦/૧૨/૧૯૪૦; અવ. ૨૫/૧૨/૨૦૨૨) : કવિ, નિબંધકાર અને બાલસાહિત્યકાર. લગભગ એકવીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમની બાળવાર્તાઓમાં આધુનિક સંદર્ભો સરસ રીતે જોવા મળે છે. તેમની પાસેથી ‘તોફાન’, ‘ડિંગડોંગ ડિંગડોંગ’, ‘કલરવ’ જેવા બાળકાવ્યસંગ્રહો અને ‘વાર્તા રે વાર્તા વાહ !’, ‘રુમઝુમ પતંગિયું’, ‘આવ હયા વાર્તા કહું’ જેવા બાળવાર્તાસંગ્રહો મળ્યા છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૨નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તથા અન્ય અનેક પુરસ્કારો તેમને મળ્યા છે. ફિલિપ ક્લાર્ક (જ.તા. ૨૩/૧૨/૧૯૪૦) : બાળસાહિત્યકાર અને કવિ. તેમણે મોટાંઓ માટે પણ સુંદર કાવ્યો લખ્યાં છે. તો ‘રમતાં રમતાં રાત પડી’, ‘રીમઝીમ રીમઝીમ’ તથા અન્ય અનેક પુસ્તકો બાળકાવ્યો અને બાળવાર્તાનાં મળ્યા છે. તેમને અનેક સાહિત્યિક સંસ્થા તરફથી ઈનામો મળ્યાં છે. ઈશ્વર પરમાર (જ.તા. ૬/૧૦/૧૯૪૧) : બાળસાહિત્યકાર અને કેળવણીકાર. દ્વારકામાં એજ્યુકેશન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કરેલ. બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન મૂલ્યવાન છે. તેમણે બાળકો ઉપરાંત શિશુઓ તથા કિશોરો માટે પણ કથાઓ લખી છે. બાળઉછેર અને શિક્ષણ માટે પણ તેમણે ઘણું વિચાર્યું છે ને લખ્યું છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો મળ્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૧૪નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને મળ્યો છે. રમેશ ત્રિવેદી (જ.તા. ૧૮/૧૧/૧૯૪૧) : જાણીતા કવિ, લઘુકથાકાર અને બાળસાહિત્યકાર, સંનિષ્ઠ શિક્ષક. તેમની પાસેથી ‘બસ હવામાં ઊડી’, ‘બાવાજીના દંડાજી’, ‘હીંચમ હીંચા’, ‘સૂરજ આંખો ખોલો રે’ - વગેરે બાળકાવ્ય અને બાળવાર્તાના સંગ્રહો મળ્યાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં અનેક પારિતોષિકો મળ્યાં છે. કરસનદાસ લુહાર (જ.તા. ૧૨/૮/૧૯૪૨) : સારા બાળવાર્તાકાર, બાળકવિ. તેમને શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ મળેલો. બાળકોને જગત અને જીવન જોવાની નરવી રીત સમજાવે છે. તેમની પાસેથી ૨૦થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યાં છે. કુમારપાળ દેસાઈ (જ.તા. ૩૦/૮/૧૯૪૨) : જૈનદર્શનના વિદ્વાન અને સારા સર્જક. પત્રકાર ક્ષેત્રે મૂલ્યવાન કાર્ય. અનેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંલગ્ન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ રહેલા. હાલ ગુજરાત વિશ્વકોશ વિદ્યાસંકુલના નિયામક. તેમની પાસેથી ચરિત્રો, વિવેચનસંગ્રહો અને સારા પ્રમાણમાં બાળસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ, ૨૦૦૯નો ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદેમીનો ૨૦૧૯નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યા છે. પુષ્પા અંતાણી (જ.તા. ૨૯/૩/૧૯૪૫) : બાળસાહિત્યકાર, આકાશવાણી ભુજ કેન્દ્ર પરનાં પ્રથમ મહિલા ઉદ્‌ઘોષક. તેમણે બાળકો અને મહિલાઓ માટે ઘણાં કાર્યક્રમો રજૂ કર્યા છે. તેમની પાસેથી ‘વાર્તાશોખીન જૂઈબહેન’, ‘બંટીના સૂરજદાદા’ વગેરે બાળવાર્તાના સંગ્રહો મળ્યા છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદેમીના ઈનામો મળ્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદેમીનો ૨૦૧૬નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે. હુંદરાજ બલવાણી (જ.તા. ૯/૧/૧૯૪૬) : બાળસાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, સંપાદક. ગુજરાતી, હિન્દી અને સિંધી ભાષાની જાણકારી અને લેખન. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં વર્ષો સુધી કામગીરી. તેમની પાસેથી ‘ચોથો વાંદરો’, ‘અક્કડ ફક્કડ’, ‘એકવીસમી સદીનો ઉંદર’ વગેરે અનેક બાળવાર્તાસંગ્રહો તથા ‘ઝીણા ઝીણા બોર’ વગેરે બાળનાટકસંગ્રહો મળ્યાં છે. તેમને ગુજરાત સરકારનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તથા અન્ય અનેક ચંદ્રકો અને પુરસ્કારો મળ્યા છે. રક્ષા દવે (જ.તા. ૨૧/૨/૧૯૪૬) : બાળસાહિત્યકાર, વિવેચક અને પ્રવચનકાર. શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત. અધ્યાપિકા તરીકે નિવૃત્ત થયા બાદ ધાર્મિક પ્રવચનોમાં કાર્યરત. તેમની પાસેથી બધું મળી ૬૦થી વધુ પુસ્તકો મળ્યાં છે. ‘કૂકડે કૂક’, ‘વાર્તા લો’, ‘ટાઢ વાય ટાઢી’, ‘વ વાર્તાનો વ’, શિશુકથાસંગ્રહો તથા બાળવાર્તા અને બાળકાવ્યસંગ્રહો મળ્યા છે. વિવેચનસંગ્રહો અને અધ્યાત્મલેખ સંગ્રહો પણ મળ્યા છે. તેમને ૧૯૯૪નો ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ૨૦૨૩નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તથા અન્ય અનેક ચંદ્રકો/પુરસ્કારો મળ્યાં છે. અંજના ભગવતી (જ.તા. ૧૩/૧૦/૧૯૪૬) : બાળવાર્તાકાર, વિજ્ઞાનલેખિકા. બાળશિક્ષણનો અનેક પ્રકારનો અનુભવ. ચિત્રકલામાં ખૂબ રસ. હાલ તેઓ ગુજરાત વિશ્વકોશના વિવિધ કોશકાર્યમાં કાર્યરત. તેમની પાસેથી ‘કીડી કુંજર કરે કમાલ’ તથા અન્ય બાળવાર્તાસંગ્રહો મળ્યાં છે. તેઓ વિજ્ઞાનનાં સિદ્ધાંતોને વાર્તારૂપ આપે છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા અન્ય સાહિત્યિક સંસ્થાના પુરસ્કારો મળ્યાં છે. હિમાંશી શેલત (જ.તા. ૮/૧/૧૯૪૭) : નવલિકાકાર, બાળવાર્તાકાર. તેમની પાસેથી સુંદર નવલિકાઓ મળી છે. સ્ત્રીમાનસને તેમણે પોતાની વાર્તાઓમાં ધારદાર રીતે રજૂ કર્યું છે. તેમને ધૂમકેતુ પુરસ્કાર, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યાં છે. ‘રમતાં રમતાં’ તથા અન્ય તેમના બાળવાર્તાસંગ્રહો છે. બાળકો માટે નાટક પણ લખ્યાં છે. શ્રદ્ધા ત્રિવેદી (જ.તા. ૨/૮/૧૯૪૮) : બાળસાહિત્યકાર, વાર્તાકાર, વિવેચક તથા સંપાદક. ‘ગુજરાતીમાં બાલવાર્તા’ - પર સંશોધન - અભ્યાસ. બધું મળી લગભગ ૮૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત. ‘ઠેરના ઠેર’, ‘છમ્મકછલ્લો’, ‘પહેલું ઈનામ’, ‘કરામતી પટ્ટો’ તથા અન્ય મળી લગભગ ૧૨ વાર્તાસંગ્રહો તથા શિશુકથાસંગ્રહ મળ્યાં છે. તેમને ૧૯૯૬માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ફ્રેની રતન માર્શલ ચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં ઈનામો મળેલાં છે. દિલ્હી સાહિત્ય અકાદેમીનો ૨૦૧૩નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને મળ્યો છે. નટવર પટેલ (જ.તા. ૧૭/૧૧/૧૯૫૦) : બાળસાહિત્યકાર, નાટ્યકાર, પત્રકાર. બાળકો માટે કામ કરવામાં રસ અને આનંદ. બાળસાહિત્ય અને શિક્ષણક્ષેત્રનાં મળી લગભગ ૧૦૦ ઉપરાંત પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. અનેક સાહિત્યિક સંસ્થાઓ તરફથી તેમને પુરસ્કારો મળ્યાં છે. ‘તલ્લક છાંયો’, ‘એક બિલાડી જાડી’, ‘ટનટનિયો’, ‘ઉડણ ફુગ્ગો’, ‘નાના નાના નાટકો’, ‘બાળનાટક ઝિંદાબાદ’ વગેરે તેમના બાળસાહિત્યનાં પુસ્તકો છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો ઈ. સ. ૨૦૨૦નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે. ગિરિમા ઘારેખાન (જ.તા. ૨૮/૨/૧૯૫૫) : વાર્તાકાર અને બાળસાહિત્યકાર. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ. અનેક સામયિકોમાં વાર્તાલેખન અને ઈનામપ્રાપ્તિ. તેમની પાસેથી બધું મળી દસેક પુસ્તકો મળ્યાં છે. તેમની બાળવાર્તાઓ અને વાર્તાઓ અનેક સંસ્થા તરફથી પુરસ્કૃત થઈ છે. તેમની વાર્તાઓનાં અન્ય ભાષામાં અનુવાદો પણ થયાં છે. ઉદયન ઠક્કર (જ.તા. ૨૮/૧૦/૧૯૫૫) : કવિ અને બાળસાહિત્યકાર. તેમની પાસેથી રજૂઆતનું વૈશિષ્ટય ધરાવતી બાળવાર્તાઓ મળી છે. કાવ્યસંગ્રહ અને બાળસાહિત્ય મળી તેમની પાસેથી આઠેક પુસ્તકો મળ્યાં છે. ‘ઝટપટ સસલી’, ‘રાજુ રંગારો’ વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. તેમને એન.સી.ઈ.આર.ટી. તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. આઈ. કે. વીજળીવાળા (જ.તા. ૧૪/૭/૧૯૬૦) : મૂળ નામ ઇનુસ કાસમભાઈ વીજળીવાળા. નિબંધકાર, બાળસાહિત્યકાર. વ્યવસાયે તબીબ. ‘મોતીચારો’ - એ શ્રેણી તેમની ખૂબ લોકપ્રિય થયેલી. તે એક સારા ભાવાનુવાદક છે. ‘ટપાકો અને જાદુઈ ચંપલ’માં તેમણે સુંદર ભાવાત્મક અને મૂલ્યનિષ્ઠ, કલ્પનાપ્રધાન બાળવાર્તાઓ આપી છે. પ્રજ્ઞા પટેલ (જ.તા. ૧૫/૧૧/૧૯૬૦) : સરકારી નોકરી સાથે વાર્તા, કાવ્ય, નિબંધ અને બાળસાહિત્યમાં લેખન. એક સારાં પ્રવાસી. ‘આત્મન્‌ ફાઉન્ડેશન’નાં સ્થાપક. બાળકોના ઉત્કર્ષ અને આનંદ માટે ગાઢી નિસબતથી કાર્ય કરે છે. ‘નટખટ નિરાલી’ તેમનો જાણીતો બાળવાર્તાસંગ્રહ છે. તેમના અનેક પુસ્તકોને પુરસ્કારો મળ્યા છે. ગિરા પિનાકીન ભટ્ટ (જ. તા. ૪-૧૨-૧૯૬૨) : બાળસાહિત્યકાર અને કવયિત્રી. ઈ. સ. ૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં તેમનાં ૬૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમાં વયસ્કો માટે કાવ્યસંગ્રહ, લઘુકથાસંગ્રહ નવલિકાસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. લગભગ ૫૦ જેટલાં પુસ્તકો બાળસાહિત્યનાં છે. તેમનાં બાળસાહિત્યનાં કેટલાંક પુસ્તકોનો હિંદીમાં અનુવાદ થયો છે. તેમને ગુજરાતની અનેક સંસ્થાઓ તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર; ગુજરાત સાહિત્ય અકાદમી; ગુજરાતી સાહિત્ય પરિષદ; બાળસાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. તેમને ૨૦૧૫માં અંજુ નરસી પારિતોષિક મળેલ અને સ્મિતા પારેખ ઍવૉર્ડ વગેરે પણ મળેલ છે. ઈ. સ. ૨૦૨૪નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ તેમને મળ્યો છે. હેમલ ભટ્ટ (જ.તા. ૩/૧૨/૧૯૬૬) : સાહિત્ય, સમાજસેવા અને કેળવણીના ક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો સંદર્ભે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે એક સક્ષમ બાળવાર્તાકાર છે. ‘વર્ષાનું વાવેતર’, ‘ચુલબુલ ચુન્નુ-મુન્નુ’ વગેરે મળી લગભગ ચારેક બાળવાર્તાસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. તે એક સારા સંપાદિકા પણ છે. કિરીટ ગોસ્વામી (જ. તા. ૪-૮-૧૯૭૫) : આધુનિક બાળસાહિત્યકાર અને શિક્ષક. તેમનાં ૩૦ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગુજરાત રાજ્યની ૪૦૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં તેમણે બાળસાહિત્યના કાર્યક્રમો આપ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં તેમનાં કાવ્યો અભ્યાસમાં સામેલ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી; ગુજરાતી સાહિત્ય પરિષદ; બાળસાહિત્ય અકાદમીનાં પારિતોષિકો મળ્યાં છે. તેમને અંજુ નરસી ગૂર્જર બાળસાહિત્ય વૈભવ પુરસ્કાર મળ્યો છે. તેમજ બાળસાહિત્યમાં પ્રશસ્ય પ્રદાન બદલ ઈ. સ. ૨૦૨૨નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે.