ગુજરાતી અંગત નિબંધો/ગોટલાની ફિલસૂફી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 02:25, 20 August 2024


ગોટલાની ફિલસૂફી -- બકુલ ત્રિપાઠી

ગોટલો એ ક્ષુદ્ર વિષય નથી, ગોટલો એ કેરીનો આત્મા છે. આ દિવસોમાં, ગ્રીષ્મના પ્રલંબ દિવસોમાં શહેરમાં તો સર્વત્ર ગોટલા વ્યાપી ચૂક્યા છે. કેરી ક્ષણિક છે, ગોટલા ચિરંજીવ છે. એટલે ઉનાળાની ઋતુમાં રસ્તાઓમાં, ફૂટપાથો પર, ગલીને નાકે, શેરીને ખૂણે, ઠેરઠેર ગોટલા દેખાય છે. ક્યાંકક્યાંક ગોટલા જોડે ગાયો હોય છે; ક્યાંક ગાયોની રાહ જોતા ગોટલા પડ્યા હોય છે. કેટલાંય નાનાં ગામડાં એવાં છે કે જ્યાં ગાયો છે પણ એને માટે ગોટલા નથી! મુંબઈમાં ઘણાં એવાં પરાં છે કે જ્યાં ગોટલા છે, પણ ગાયો નથી. અલબત્ત મ્યુનિસિપાલિટી તરત ઝડપથી રોજેરોજ ગોટલા ઉપડાવી જાય છે અને રસ્તા સાફ રાખવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર મ્યુનિસિપાલિટી જીતે છે તો ઘણી વાર ગોટલા પણ જીતે છે. આખીય ગ્રીષ્મ ઋતુ ગોટલામય રહેવાની. ગોટલો એ ફેંકી દેવાની વસ્તુ નથી. અમે નાનપણમાં ગોટલાના ત્રણ ઉપયોગ કરતાં : એક તો અમે ગોટલો ખાતા... એટલે કે ગોટલાનો પૂરેપૂરો કસ કાઢતા! કેરી ચૂસવી સહેલી છે, પણ એમાંથી જે ગોટલો નીકળે તેને પૂરેપૂરો આસ્વાદ-અર્થે પ્રયોજવો એ ચતુર આસ્વાદકોનું કામ છે. કવિતા વાંચી તો કોઈ પણ શક,ે પણ એનો પૂરો કસ કાઢી શકે તે તો કાવ્યવિવેચક જ! ગોટલાનું પણ એવું છે. અમારા મોટા ઘરમાં કેટલાંક બિચારાં ગોટલા બાબતમાં નબળાં માણસો હતાં – એને ગોટલો ‘ખાવો’ ન ફાવે, એ સુંવાળાં લોકો, ચીરિયાંનાં ઘરાક! રસ એમને ભાવે; કેરી છોલીને કટકા કાપીને એ કટકા ગળે ઉતારી જવામાં એ કુશળ! પણ ગોટલો હાથમાં પકડતાં ન આવડે. ગોટલો પકડવો એક કળા છે. અમારામાંથી કેટલાક ગોટલા-નિષ્ણાત બની જતા. કેરી કપાતી હોય, ચીરિયાં રકાબીમાં પીરસાતાં હોય ત્યારે અચૂક બોલાય, ‘ગોટલો અતુલિયાને આપજો!’ અને ભાઈ શ્રી અતુલચંદ્ર, કે જે નામ હોય, તેની જ રકાબીમાં ગોટલો પીરસાય! ગોટલો એવી રીતે ખાવો જોઈએ કે એ હાથમાંથી છટકી ન જાય! ઘણા માણસો ગોટલો ખાવા જાય છે, તો પોતે ત્યાંના ત્યાં રહે છે અને ગોટલો અવકાશયાનની જેમ શૂટ થઈને, છટકીને, અન્યના ખોળામાં, અન્યની રકાબીમાં, ટેબલની વચ્ચે, પાણિયારાના માટલા પર, સામે બેઠેલાના નાક પર ‘લૅન્ડ’ થઈ જાય છે! શરમ છે આવા ગોટલા ખાનારાંઓને! શામળની ચતુરાઓમાં જરૂર એકાદ ચતુરા એવી હશે કે જે કહેતી હશે – જે પુરુષ સાત સાત ગોટલા ખાઈ શકે, એક્કેયને હાથમાંથી છટકી જવા ન દે, તેને જ હું પરણું! ગોટલો ખાતાં મોંએ મૂછો ન થઈ જવી જોઈએ, સોનેરી રંગની. ગોટલો ખાવા જતાં મોંફાડની ઉપરનીચે – જમણે ડાબે કેરીનો રસ પ્રસરી જાય છે... આ અણઘડપણાની નિશાની છે. જોકે આ લગભગ અનિવાર્ય છે. અમે પોતે નાનપણમાં આ થવા દેતા, આજે તો બાળક સુધ્ધાં આવું ન કરે! બહેતર છે કે એ ગોટલો ન ખાય, ગોટલાનો ત્યાગ કરે; પણ મોં બગડવા દેવું એ સંપૂર્ણ આઉટ ઑફ ફૅશન ગણાય છે. ગોટલાનો પૂરો કસ કાઢ્યા પછી પણ અમે ગોટલાને ફેંકી ન દેતા. અમે આંબા વાવતા! એમાંથી પૂરા આંબા કદી ન થતા, પણ તેથી શું? જો આંબો થવાનો જ હોય અને કેરીઓ થવાની જ હોય તો જ ગોટલો વાવવો એવી સંકુચિત જીવનફિલસૂફી એ જ આજની સંસ્કારદરિદ્રતાનું કારણ છે. શ્રીકૃષ્ણ પ્રભુએ કહ્યું છે : કૃપણાઃ ફલહેતવા... કેરી વધારે ને વધારે મોટી હોય અને ગોટલો વધુ નાનો હોય એવી કેરીઓ ઉછેરવાનો વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. હમણાં તો એક અત્યંત આઘાતજનક સમાચાર વાંચ્યા... મધ્યપ્રદેશની લેબોરેટરીઝમાં તદ્દન બી વિનાનાં સંતરાં લગભગ તૈયાર થઈ ગયાં છે! શું થવા બેઠું છે આપણી સંસ્કૃતિનું? બી વિનાની નારંગીની પેશી ખાવી એમાં મઝા શી? એ તો ટિનમાં નારંગીનો રસ આવે જ છે ને? પીધા કરો ઘટકઘટક! એ લોકોને અમે અટકાવવાના નથી. પણ અમને અમારી બી સાથેની નારંગી ખાવા દો! કેળાંની છાલ કમળની પાંદડીઓના આકારે ઉતારવી એમાં આનંદ છે. નારંગીની છાલ સહેજ ઉતારી એમાંથી પેશી કાઢી, એના મધ્ય ભાગમાંથી પેલો કેન્દ્રવર્તી તંતુ કાઢી નાખવો અને પછી એક છેડેથી દાંત વડે છિદ્ર પાડી પેશીમાંથી રસ ચૂસવો, બિયાં મોંમાં ન આવે, ને રસ ચુસાય અને પછી છેલ્લે બી સાથેની પેશીનો વધેલો ભાગ મોંમાં નાખવાનો, સમગ્રને મમળાવવાનું અને બી ચાવવામાં ન આવી જાય પણ નારંગીનો પૂરો રસ પમાય એમ ચતુરાઈપૂર્વક જિહ્‌વાકાર્ય કરીને છેવટે જે વધે તેનો મુખ થકી ત્યાગ કરવો... આ છે ભારતીય શાસ્ત્રીય સંગીત : આ પાશ્ચાત્ય પૉપ સંગીત નથી. ઉતાવળાઓ, અધીરિયાઓ, છીછરાઓ, આકળાઓનું અહીં કામ નથી. તેઓને માટે તૈયાર ઓરેન્જ જ્યુસનાં ટિન ભર્યાં છે...જાઓ પીઓ, ચૂસો ઘટકાવો...તમને મુબારક તમારાં ટિન્સ; અમને મુબારક અમારી બિયાંવાળી પ્રાણપ્યારી સુગંધી નારંગી... ચણીબોરમાં તો લગભગ ઠળિયો જ હોય છે, બોર જેવું ઘણું ઓછું હોય છે – ને છતાંય એ ચણીબોરનો સ્વાદ, ચણીબોરને આસ્વાદવાની એ ઉંમર, ચણીબોરમાં અમૃતફળ જોઈ શકનારી એ સૌદર્યમુગ્ધ હસતી ચમકતી આંખો...ક્યાં ગઈ એ? જીવનભર શોધતા રહીએ છીએ એને! સૌન્દર્ય લુબ્ધ બનતાં જઈએ છીએ આપણે અને સૌન્દર્યમુગ્ધ બનવાની સાહજિક કળા વીસરતાં જઈએ છીએ આપણે!

[‘હિંડોળો ઝાકમઝોળ’, ૧૯૯૨]