ગુજરાતી અંગત નિબંધો/ચાલતાંચાલતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચાલતાંચાલતાં – વાડીલાલ ડગલી



ગુજરાતી અંગત નિબંધો • ચાલતાં ચાલતાં ⁠– વાડીલાલ ડગલી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


મારા ખાસ બે શોખ – ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો વધારે પ્રિય શોખ એ કહેવું મુશ્કેલ છે. જેની સાથે આપણે કાંઈ ન્હાવા-નિચોવવાનું ન હોય એવા વિષયો વિશે મિત્રો સાથે ચર્ચા કરું છું ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. પણ બને છે એવું કે આ ચર્ચા ચાલતાંચાલતાં વધુ ઉત્તેજક બને છે. આથી એકાદ મિત્ર સાથે ચાલતાં ચાલતાં ચર્ચા કરવાનો અવસર મળે તો હું રાજી થાઉં છું. ચાલતાં ચાલતાં ચર્ચા કરું છું ત્યારે મને ‘મોસાળમાં મા પીરસે’ તેવો બેવડો લાભ મળે છે. એવું નથી કે મને એકલા ચાલવાનો કંટાળો આવે છે. મને તો ચાલવાનો વિચાર જ એટલો રોચક લાગે છે કે કોઈ પણ ઘડીએ ચાલવાનું મળે તો હું એને વધાવી લઉં છું. ચાલીએ ત્યારે શરીરને વધુ ઑક્સિજન મળે છે અને શરીરની અંદર બળતણની ક્રિયા વધુ સક્રિય બને છે. આખાયે શરીરને મૃદુ વ્યાયામ મળે છે. મને ઘણીવાર એમ લાગે છે કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે શરીર એની જૂની કાંચળી ઉતારી નવી કાંચળી પહેરે છે. ચાલવા ગયા એ પહેલાં જે શરીર હતું એ શરીર ચાલવાનું પૂરું કર્યા પછી રહેતું નથી. આમ જોઈએ તો જ્યારેજ્યારે હું ચાલું છું ત્યારે મારો કાયાકલ્પ થાય છે. કાયાકલ્પ કેટલો થતો હશે એ વિશે હું ચોક્કસ માહિતી ન આપી શકું. પણ મારા મનમાં, ચાલતાંચાલતાં કોઈ નવા પ્રાણનો સંચાર થાય છે એ વિશે હું બેધડક કહી શકું. મને એમ લાગે છે કે જ્યારે હું ચાલું છું ત્યારે મારું મન આશાભરી સૃષ્ટિમાં પ્રવેશે છે. મન પરથી જડતાનાં જાળાં હટી જાય છે. મનના ઓરડામાં પ્રકાશ ફરી વળે છે. કશું જ મુશ્કેલ લાગતું નથી. હું કૉલેજમાં ભણતો હતો ત્યારે ઘણા યુવકોની જેમ હું પણ ક્યારેક કવિતા લખતો હતો. એક વખત ચાલતાંચાલતાં મારું મન એટલું આશાસભર થઈ ગયું કે મારી એ સમયની મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ તુચ્છ લાગવા માંડી અને આપણે ચાલતાંચાલતાં જ એવું કહી નાખ્યું :

હથેળી બે વચ્ચે મુસીબત ધરીને મસળશું.
નવી દૃષ્ટિ જોરે અનુકૂળ નવા ઘાટ ઘડશું.

આ ચાલવાના આશાભર્યા જાદુને કારણે મારા પગમાં એવી ગતિ આવી કે કોઈ પણ ખાસ સાધન-સગવડ વિના સાનફ્રાન્સિસ્કોની શેરીઓમાં હું ચાલવા પહોંચી ગયો. આને હું ચાલવાનો ચમત્કાર કહું તો વાચક મને માફ કરે. હું કોઈ ચમત્કારમાં માનતો નથી. આ એક જ ચમત્કારમાં માનું છું. આમ તો આપણે લગભગ ચોવીસે કલાક ભૌતિક જીવનમાં રમમાણ હોઈએ છીએ. ચાલીએ છીએ ત્યારે તંદ્રામાં પડેલું મન જાગે છે. જેવું મન જાગ્યું કે તરત માનસિક ચેતના આપણા વિચારોને વેગવંતા કરે છે. આનું પરિણામ એ આવે છે કે જે વસ્તુ ભૌતિક જીવન જીવતી વખતે સાવ અશક્ય લાગતી હતી એ વસ્તુ હવે એટલી અશક્ય લાગતી નથી. ઘટમાં ઘોડા નવી ક્ષિતિજો આંબવા થનગનાટ કરે છે અને કોઈ અણદીઠી ભોમ ઘરઆંગણા જેટલી પરિચિત લાગે છે. હું આને ચાલવાનો ચમત્કાર કહું છું. સાચું પૂછો તો હું ચાલું છું ત્યારે મારા મનમાં શેખચલ્લી પ્રવેશે છે. શેખચલ્લી પ્રત્યે મારો ખાસ પક્ષપાત છે. દુનિયા તો સફળતાના ઘરનાં પગથિયાં ઘસે છે. શેખચલ્લી સફળ ન થયો એ એનો ગુનો. અંગત જીવનમાં મને સફળતાના પરિણામ કરતાંયે સફળતા પહેલાંની પ્રક્રિયામાં વધુ રસ છે. હું ચાલું છું ત્યારે મારા મનમાં સ્વપ્નોની ભરતી આવે છે. આ સમયે શરીરનું બંધન મને ખાસ સતાવે છે. આથી ચાલતાંચાલતાં મેં એક વાર ગાઈ નાખેલુંઃ

મેરુ માપતા મનને આપી
પાતળી કાગળકાયા!

મારે એ પણ કહેવું જોઈએ કે જે વખતે હું ચાલું છું તે વખતેે મન પોતાની વાત એટલા આવેગથી શરીરને કહે છે કે તે પણ ચાબુક વાગતાં ઘોડાગાડીના માયકાંગલા ઘોડાઓ દોડવા માંડે તેમ દોડવા માંડે છે. એમ જ્યારે હું ચાલું છું ત્યારે મારું મન અને શરીર બન્ને, સ્વપ્નો ચરિતાર્થ કરવા ઊંચાંનીચાં થાય છે. ઘણીવાર એવું બને છે કે ચાલવાનું અર્ધું મૂકીને મારે ઘરભણી પાછા વળવું પડે છે. પગ ટેલિફોન ભણી કે ટેબલ પરના લખવાના પેડ ભણી વળે છે અને જ્યાં લગી એ પ્રબળ વિચારનો નાના પણ કર્મમાં મોક્ષ થતો નથી ત્યાં લગી મારો અજંપો શમતો નથી. મને કેટલીક વાર એમ પૂછવામાં આવે છે કે ‘તમે પરિચય ટ્રસ્ટ કઈ રીતે ઊભું કર્યું?’ મારો ટૂંકો અને સાચો જવાબ એ છે કે ‘ચાલતાં ચાલતાં’. આ જવાબ કોઈને જરા ચાલાકીભર્યો લાગે તેવો સંભવ છે. પણ આ સાચો જવાબ છે. શ્રી યશવંત દોશી અને હું પરિચય ટ્રસ્ટ સ્થપાયું એ પહેલાં મુંબઈ શહેરના સાંતાક્રૂઝ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ અને ગ્રાંટરોડના રસ્તાઓ પર કેટકેટલા દિવસ કેટકેટલા માઈલો ચાલ્યા હોઈશું! ‘પરિચય ટ્રસ્ટ’ એ નામ પણ મને ચાલતાં ચાલતાં જ સૂઝેલું. આ નામ સૂઝ્યું ત્યારે મને એટલો આનંદ થયેલો કે એ સમયે પાઠકસાહેબની આ પંક્તિ મારા હોઠે ચડી ગઈઃ જંઘા સપુષ્પ થઈને ફળે છે ચાલનારની. પાઠકસાહેબની વાત નીકળી ત્યારે મારે કહેવું જોઈએ કે તેમનો ‘શતપથ બ્રાહ્મણ’ના શ્લોકોનો અનુવાદ ‘ચાલ્યા જ કર’ મારી એક પ્રિય કવિતા છે. મારા જીવનમાં આ કવિતાએ સાવ શબ્દાર્થમાં એન્જિન જેવું કામ કર્યું છે. મારી એવી એક મહત્ત્વાકાંક્ષા રહી છે કે નિયમિત સવારે ફરવા જવું. મહત્ત્વાકાંક્ષા હું એટલા માટે કહું છું કે આ હું કદી કરી શક્યો નથી. રાતના મોડે સુધી વાંચવાની મને આદત છે. સાચું પૂછો તો રાતના દસ વાગ્યા પછી જ મારું ખરું જીવન શરૂ થાય છે. રાતના વાંચવાનું પડતું મૂકું તો જ સવારે વહેલા ઉઠાય અને ફરવા જવાય. આમ થતું નથી એટલે મેં મારા મન સાથે આવું સમાધાન કર્યું છે. વહેલી સવારે સૂવું અને મોડી સાંજે ફરવા જવું અને ફર્યા પછી પથારીમાં પડ્યાંપડ્યાં વાંચ્યા કરવું. ફરતી વખતે અપાર્થિવ જગતની મનને જે છાલક વાગે છે એનો પુસ્તકોની દુનિયામાં થોડો વધુ સ્વાદ મળે છે. આમ જોઈએ તો ચાલવાનો અને વાંચવાનો આનંદ મને ઘણીવાર એકસરખો લાગે છે. ફરક કેવળ માત્રાનો છે. સાંજના ચાલવાની વાત કરું છું ત્યારે મારે એક બીજી વાત કરવી જોઈએ. સાંજના હું અને મારી પત્ની સાથે ફરવા જતાં હોઈએ છીએ. એનું પરિણામ એ આવ્યું છે કે સાથે નિરાંતે ચાલવાના પ્રતાપે અમે એકબીજાને વધુ ઓળખી શક્યાં છીએ. આને કારણે મેં દામ્પત્યજીવનની પ્રસન્નતા ઘણીવાર અનુભવી છે. કામની ધમાલમાં કે ઘરના રોજિંદા વાતાવરણમાં જે વસ્તુ મને અપ્રિય લાગે એ જ વાત ચાલતાંચાલતાં સાંભળું ત્યારે સાવ મામૂલી લાગે છે. અમે જ્યારે સાંજના સાથે ચાલવા જઈએ છીએ ત્યારે અમારા દામ્પત્યજીવનના તીક્ષ્ણ ખૂણાઓ પર કોઈ અદૃશ્ય રંદો ફર્યા કરે છે. સ્થૂળ દૃષ્ટિએ જ્યારે અમે સાથે ચાલતાં હોઈએ છીએ ત્યારે અમારાં મન એકબીજા ભણી ચાલતાં હોય છે. તમને એવો અનુભવ થયો છે કે તમે જ્યારે ચાલતા હો ત્યારે તમારું મન જરા ઉદાર બનતું હોય છે? આપણે કોઈની ક્ષુદ્રતા ઉપર ગુસ્સે થયા હોઈએ અને અનાયાસે ચાલવા જઈએ અને એ ક્ષુદ્રતાને યાદ કરીએ ત્યારે એકાએક પ્રમાણભાન આવે છે. આપણને એમ લાગવા માંડે છે કે એ વ્યક્તિની સારી બાજુઓ પણ એટલી બધી છે કે આ ક્ષુદ્રતાને એક અકસ્માત ગણવો જોઈએ. મને ચાલતાંચાલતાં આવા સમયે કેટલીક વાર એવા પણ વિચાર આવ્યા છે કે આવી ક્ષુદ્રતા મારા પોતાનામાંય ક્યાં નથી? આમ કેટલીક વાર ચાલતાંચાલતાં સામા માણસની ઊજળી બાજુ વધુ ઊજળી દેખાય છે. આપણી મર્યાદાઓ તરત નજરે ચડે છે. આ બેવડા દબાણને પરિણામે ક્રોધ ઓસરી જાય છે અને મન હળવું ફૂલ થઈ જાય છે. જ્યારે હું ચાલતો હોઉં છું ત્યારે મારું મન કાજીની ખુરશી ઉપરથી નીચે ઊતરી પડે છે અને સંસારને સમજવાનો પ્રયત્ન કરે છે.

[‘શિયાળાની સવારનો તડકો’,૧૯૭૫]