રાજેન્દ્ર પટેલની કવિતા/એક શાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:26, 26 August 2024
૩૦. જાગી જવાની વેળા...
૩૨. એક શાલ
કારણ કે —
આ શાલ કોઈ માન-સન્માનમાં
મળી નહોતી
એટલે સાવ ચોખ્ખી છે.
એ કોણે આપી? ક્યારે મળી?
કશી જ ખબર નથી.
પરંતુ એટલી ચોક્કસ ખબર છે
એમાં બાએ થીગડાં મારેલાં.
જ્યારે આખી રાત ઊંઘ આવે નહિ
ચિંતા અને ઉચાટમાં પડખાં ફેરવતો હોઉં
ત્યારે એ થીગડાંવાળી શાલ
જાણે હળવે હળવે મને પંપાળતી હોય છે.
આ જૂનીપુરાણી સુંવાળી શાલ એવી છે
જે ઉનાળામાં ઠંડક આપે છે
અને શિયાળામાં હૂંફ આપે છે.
હવે,
આ જીવનની યાત્રાના અંતિમ દિવસે
મારી ચામડી કરતાં અધિક ચાહી છે તે
માત્ર આ થીગડાંવાળી શાલ રહે,
બીજું કંઈ જ નહિ.
હું જ્યારે નિઃશેષ થતો હોઈશ ત્યારે
આ થીગડાંવાળી શાલના
એકાદ છેડાને પકડી
અહીં જ રહીશ,
કાયમ.