ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની સંખ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 02:19, 28 August 2024

રસની સંખ્યા

આપણે જાણીએ છીએ કે મનનો ‘ભાવ’ વિભાવાદિ સામગ્રીથી જાગ્રત થઈ, ઉદ્દીપન પામી, પરિપુષ્ટ થઈ, રસરૂપે પરિણમે છે. પણ મનના ભાવો તો અસંખ્ય છે. આથી વ્યવસ્થાને ખાતર તેમજ સ્થાયિત્વના ગુણને અનુલક્ષીને આપણે કેટલાક ભાવોને જુદા તારવ્યા છે અને એમને જ રસરૂપે પરિણતા કલ્પ્યા છે. ભરતમુનિ આ રીતે આઠ રસ ગણાવે છે : શૃંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત, શાંતરસનો ‘નાટ્યશાસ્ત્ર’માં ઉલ્લેખ મળે છે, પણ એ પાછળનું ઉમેરણ હોય એમ માનવામાં આવે છે. પણ ભરતમુનિ પછીના આ કાવ્યશાસ્ત્રીઓ શાંતરસનો સ્વીકાર કરે છે. એના સ્થાયી ભાવ તરીકે નિર્વેદ અથવા શમ ગણાવાય છે. આચાર્ય અભિનવગુપ્ત જેવા એને તત્ત્વજ્ઞાન, ચૈતન્ય, આત્મા તરીકે પણ ઓળખાવે છે; કેમ કે આ નિર્વેદ અથવા શમ તત્ત્વજ્ઞાનમાંથી, જીવનની સાચી સમજણમાંથી, આત્માની ઓળખમાંથી સ્ફુરતો હોય છે. કોઈને પહેલી દૃષ્ટિએ એમ લાગે કે રસચર્ચામાં વળી આવી તત્ત્વની – આત્માની ગંભીર વાતને શું સ્થાન હોય? નિર્વેદ અને શમ તો વિરાગીપણાનાં ચિહ્ન છે, રસિકતાનાં નહિ. પણ આ દલીલ બરાબર નથી. રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે અને શમ કે નર્વેદ કે નિવૃત્તિ એ માનવમનનો જ એક ભાવ છે. વળી એને સ્થાયી ભાવ ગણવામાં પણ કાંઈ ભૂલ થતી હોય એમ જણાતું નથી, કારણ કે આ ભાવ માનવમાત્રને સામાન્ય છે. માનવ વિચારશીલ પ્રાણી છે અને ગમે તેવો માણસ પણ જીવનના અમુક પ્રસંગે જીવન તરફ ગંભીર-તત્ત્વચિંતનની વૃત્તિ રાખી શમ કે નિર્વેદનો ભાવ અનુભવ્યા વિના રહેતો નથી. બીજાં પ્રાણીઓથી માનવનું વ્યાવર્તક લક્ષણ જ કદાચ આ છે. આમ, શમ અથવા નિર્વેદ સ્થાયી ભાવ ગણાવા યોગ્ય છે અને તેથી શાંતરસનો પણ સ્વીકાર કરવાનો રહે છે. પણ કાવ્યનાટ્યમાં શાંતરસનું સંયોજન કેટલા પ્રમાણમાં થઈ શકે એ વિચારવા જેવું છે. કાવ્ય તો નિરાંતથી મનની અનુકૂળ અવસ્થામાં વ્યક્તિગત રીતે આસ્વાદી શકાય. ‘રઘુવંશ’ના આઠમા સર્ગમાં ‘अथ वीक्ष्य रघुः प्रतिष्ठितम्..’થી શરૂ થતા શ્લોકોમાં રઘુના શમના ભાવનું જે વર્ણન છે તેની સાથે આપણે તન્મય થઈ શકીએ છીએ. પણ નાટકમાં તો બે બાજુથી મુશ્કેલી છે. એક તો, શમના ભાવનો અભિનય નટને માટે મુશ્કેલ બનવાનો સંભવ છે; અને બીજું, એ જાતનો અભિનય બધી કક્ષાના ભાવકોના ચિતને ક્યાં સુધી જકડી રાખી શકે એ એક પ્રશ્ન છે. એટલે શાંતરસને, એના રૂઢ અર્થમાં, નાટકમાં બહુ અવકાશ નથી. રસની સંખ્યામાં પાછળથી ઉમેરા થતા આવ્યા છે. રુદ્રટે પ્રેયાન્ રસ, ભોજે ઉદાત્ અને ઉદ્વત અને વિશ્વનાથે વત્સલ રસનો ઉમેરો કર્યો છે. એ ઉપરાંત પણ કેટલાક કાર્પણ્ય, લૌલ્ય, માધુર્ય, ભક્તિ, શ્રદ્ધા, બ્રાહ્મ આદિ રસોને ઉલ્લેખ કરે છે. રસની સંખ્યા આમ એટલી વધવા માંડી કે ‘કાવ્યાલંકાર’ના ટીકાકાર નમિસાધુને કહેવું પડ્યું કે : नास्ति काऽपि चित्तवृत्तिर्या परिपोषं गता न रसीभवति । પણ ઉપરના રસોમાંથી કેટલાકનાં ઉપાદાન, આપણે જેને વ્યભિચારી ભાવ ગણાવેલ છે કે ગણાવી શકીએ તેવા ભાવો છે. લૌલ્ય, કાર્પણ્ય કે શ્રદ્ધાને આપણે ભાગ્યે જ સ્થાયી ભાવ તરીકે સ્વીકારવા તૈયાર થઈએ. ઉદાત્ત અને ઉદ્ધત રસના સ્થાયી ભાવ તરીકે ભોજ અનુક્રમે મતિ અને ગર્વને ગણાવે છે; તેને તો શાસ્ત્રીય પરંપરાએ વ્યભિચારી ભાવ જ ગણાવેલ છે. આ પ્રમાણે વ્યભિચારી ભાવોમાં સ્થાયિત્વ આરોપીને રસની સંખ્યામાં વધારો કરવા જઈએ તો એનો ક્યાંય છેડો ન આવે. વળી આમાંથી કોઈ પણ ભાવમાં એવી ઉત્કટતા નથી કે એનો સ્વતંત્ર રસ તરીકે સ્વીકાર કરી શકાય. રુદ્રટ સ્નેહને પ્રેયાન્ રસનો સ્થાયી ભાવ ગણાવે છે. આ રસને શૃંગારથી ભાગ્યે જ જુદો પાડી શકાય. કદાચ વાત્સલ્યના ભાવને અંતર્ગત કરવા એણે આવા ભિન્ન રસની કલ્પના કરી હોય. એમ તો વિશ્વનાથ પણ જુદો વત્સલ રસ સ્વીકારે છે. મધુર અથવા માધુર્ય રસ તો વૈષ્ણવોએ શૃંગારને આપેલું નામ છે. તેમની ભક્તિ પ્રેમલક્ષણા છે અને તેનું ઉપાદાન છે દેવવિષયક રતિ. તેઓ કૃષ્ણને બાળસ્વરૂપે જુએ છે, તેમ ગોપીજનવલ્લભરૂપે પણ જુએ છે. આથી એમનો ભક્તિરસ વત્સલ કે શૃંગારને મળતો આવે. પણ શૃંગારનો રૂઢ અર્થ એમના આ ભક્તિભાવને વ્યક્ત કરવામાં કામ આવે તેમ નથી; કારણ કે સામાન્ય રીતે એને કામદેવના પ્રભાવનું ફળ માનવામાં આવે છે. આથી વૈષ્ણવોએ પોતાની પ્રેમલક્ષણા ભક્તિના ભાવને વ્યક્ત કરવા શૃંગારને બદલે મધુર અથવા માધુર્ય રસ એવો શબ્દ યોજ્યો છે. આમ જોઈએ તો વત્સલ કે ભક્તિ પણ શૃંગારથી તત્ત્વતઃ ભિન્ન નથી. બધાનું ઉપાદાન તો સમાન છે- રતિ. ભક્તિમાં દેવવિષયક રતિ છે, તો વત્સલમાં સંતાનવિષયક રતિ છે; ભેદ માત્ર આલંબનનો છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવળ દામ્પત્યવિષયક રતિ હોય તેને જ આપણે શૃંગારમાં સ્થાન આપી શકીએ કે કેમ? કાવ્યશાસ્ત્રીઓ તો દેવવિષક કે સંતાનવિષયક રતિને રસધ્વનિકાવ્ય નહિ, પણ ભાવધ્વનિકાવ્યમાં સ્થાન આપે છે; એટલે કે દામ્પત્યવિષયક, દેવવિષયક, સંતાનવિષયક આદિ રતિની સજાતીયતા તેઓ સ્વીકારે છે, પણ દેવવિષયક કે સંતાનવિષયક રતિ માત્ર ભાવરૂપે આસ્વાદ્ય બને, રસરૂપે ન પરિણમે એમ તેઓ કહે છે. આનું કારણ એવી માન્યતામાં રહેલું જણાય છે કે સંતાન, દેવ આદિ વિષયોમાં ચિત્ત એટલું દ્રવણશીલ ન બની સકે. જેટલું દામ્પત્યવિષયમાં બની શકે છે. એટલે પ્રશ્ન અંતે તો માન્યતાનો આવીને ઊભો રહે છે. આપણે જો એમ માનતા હોઈએ કે સંતાન, દેવ આદિ વિષયોમાં પણ આપણું ચિત્ત એટલું જ દ્રવણશીલ બની શકે, તો સંતાન, દેવ આદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પી શકીએ. વત્સલ, ભક્તિ આદિ રસનો પાછળથી થયેલો સ્વીકાર આવા માન્યતાભેદને આભારી છે. આ પ્રમાણે દેવસંતાનાદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પીએ, છતાં એના ભિન્ન રસો કલ્પવા બરોબર છે? શૃંગારની અંદર એમને સમાવિષ્ટ ન કરી શકાય? શૃંગાર અને રતિની, ભરતમુનિએ આપેલી ‘यत् किञ्चित् लोके शुचि मेध्यम् उज्जवलं दर्शनीयं वा तत् शृङ्गारेण उपमीयते ।’૧[1] અને ‘रतिर्मनोनुकूलेऽर्थे मनसः प्रवणायितम् ।’૨ [2] એવી વ્યાપક વ્યાખ્યાઓ સ્વીકારીએ તો દેવસંતાનાદિવિષયક રતિને શૃંગારરસરૂપે પરિણમતી કલ્પી શકાય. પણ શૃંગાર શબ્દનો જે રૂઢ અર્થ છે તે દામ્પત્યવિષયક રતિને જ અનુલક્ષે છે અને ભારતીય કાવ્યશાસ્ત્રીઓ પણ સામાન્ય રીતે એ જ અર્થમાં એને પ્રયોજે છે. આથી જ તો જેમણે દામ્પત્ય સિવાયની રતિને રસરૂપે પરિણમતી કલ્પી, તેમણે એને માટે જુદાં જ નામો યોજ્યાં. ભક્તિને ભરતમુનિએ શાંતરસની અંતર્ગત માનેલ છે. એમ કહી શકાય કે ભક્તિ જ્યારે તત્ત્વચિંતનથી પ્રેરાયેલી હોય ત્યારે એનો શાંતમાં સમાવેશ કરીએ; જેમ કે અખાની ભક્તિ. પણ એ જ્યારે પ્રેમલક્ષણ હોય ત્યારે એને કાં તો શૃંગારની અંતર્ગત માનવી પડે કે એને માટે વૈષ્ણવોની જેમ માધુર્ય રસ અથવા તો ભક્તિરસની યોજના કરવી પડે. આપણે આરંભમાં જ જોયું કે રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે. પ્રજાજીવનનો લાંબો ગાળો લઈએ તો કેટલાક ભાવો ઓછા ઉત્કટ થતા જાય, કેટલાક વધારે ઉત્કટ થતા જાય, કેટલાક નવા ભાવો પણ જાગે. આને લીધે રસની સંખ્યામાં પણ ફેરફાર કરવાનો પ્રસંગ આવે. ઉદાહરણ તરીકે, આજે આપણા જીવનમાં દેશભક્તિનો જે ભાવ જાગ્યો છે તે નવો છે. એ ભાવ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય પણ છે. એટલે એને માટે જુદો રસ કલ્પવો જોઈએ.૧[3] સંસ્કૃત કવિતામાં પ્રકૃતિવર્ણન આવતું, પણ કાવ્યશાસ્ત્રીઓએ પ્રકૃતિને ભાવના આલંબન તરીકે નથી જોઈ. એને માત્ર ઉદ્દીપનવિભાવ જ ગણી છે. આજે કવિઓ પ્રકૃતિને માત્ર પ્રકૃતિરૂપે જોઈ એની રમણીયતાનું વર્ણન કરે છે. આવાં શુદ્ધ પ્રકૃતિવર્ણનના કાવ્યોમાં કોઈક જુદો રસ કલ્પવો પડશે. (જોકે પ્રકૃતિ ઘણી વાર અદ્ભુત કે ભયાનક રસનો આલંબનવિભાવ બને છે.) પ્રકૃતિનું રમણીય દર્શનીય તત્ત્વરૂપે વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે ભાવ તો જાગે છે રતિનો; તેથી એને કાં તો શૃંગારમાં સમાવિષ્ટ કરવો પડે, અથવા ભક્તિની જેમ કોઈ જુદો રસ સ્વીકારવો પડે. આમ, રસની સંખ્યા અંગે ફેરફાર તેમજ મતભેદને અવકાશ છે. કાવ્યશાસ્ત્રીઓએ એમાં જડતા બતાવી નથી, આપણે પણ બતાવવાની જરૂર નથી. રસની સંખ્યા અંગે કેટલીક વાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે રસ એ રસ, એનું સ્વરૂપ એક એને અખંડિત છે, એ કેવળ આનંદસ્વરૂપ છે, એના ભેદપ્રભેદ કેવી રીતે હોઈ શકે? પણ આપણે આરંભમાં જ જોયું તેમ રસનો આત્મા આનંદ ખરો, પણ એ આનંદનું પૃથક્કરણ કરતાં જ આપણને એનાં ભિન્ન ભિન્ન રૂપો પ્રાપ્ત થાય છે. જેમ ભોજનના છયે રસો આનંદદાયક છે, પણ દરેકમાં સ્વાદ જુદો જુદો છે, તેમ ભિન્ન ભિન્ન રસોનો અનુભવ આનંદદાયક છે, પણ એમાં આસ્વાદ જુદો જુદો છે. આનું કારણ એમની ઉપાદાનસામગ્રીમાં રહેલો ભેદ છે. કવિ કર્ણપૂર આ હકીકત સરસ રીતે સ્પષ્ટ કરે છે. એ કહે છે કે રજોગઉમ ને તમોગુણથી અલિપ્ત એવા વિશુદ્ધ સત્ત્વગુણસંપન્ન ચિત્તનો આસ્વાદકંદ નામનો કોઈક અપૂર્વ અને વિશિષ્ટ ધર્મ છે; સર્વ રસાસ્વાદમાં મૂળભૂત એ જ સ્થાયી છે અને એ જ રસ છે. આનંદ એનો ધર્મ હોઈ એનું હમેશ ‘ઐકધ્ય’ હોય છે. એમાં વિવિધતા સંભવતી નથી. વિવિધતા છે તે ઉપાધિભેદને લીધે છે. જેમ સૂર્યનું કિરણ એક હોવા છતાં ભિન્ન ભિન્ન સ્થાને પ્રતિફલિત થઈને ભિન્ન ભિન્ન રૂપ ઉત્પન્ન કરે છે, તેમ રતિ આદિ ભાવોરૂપ ઉપાધિને કારણે એમાં વિવિધતા દેખાય છે. એટલે કે જે ભેદ છે તે ઉપાધિઓમાં છે, રસના આનંદસ્વરૂપમાં નહિ. અભિનવગુપ્ત પણ મૂળ એક અનામિક મહારસ છે અને રસના પ્રકારો એ મહારસના વિવર્તો છે એમ સમજાવે છે.


  1. ૧. જગતમાં જે કાંઈ પવિત્ર, કલ્યાણકારી, ઉજ્જવળ અને દર્શનીય છે, તેને શૃંગારની ઉપમા આપવામાં આવે છે.
  2. ૨. મનની અનુકૂલ એવા અર્થ - પદાર્થ કે વસ્તુ પ્રત્યે મન ઉન્મુખ કે દ્રવણશીલ બને એનું નામ રતિ.
  3. ૧. જુઓ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘રસપરામર્શશક્તિની વિકાસક્ષમતા ને સામાજિકની તટસ્થતા’ એ લેખ : ‘ઉપાયન’ : પૃ.૧૩૯-૧૪૨