ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ|પ્રિન્સિપાલ અને પ્રો–વાઈસ ચાન્સેલર, બનારસ હિંદુ યુનિવર્સિટી – એમ. એ. એલએલ. બી.}} {{Poem2Open}} એમને જન્મ અમદાવાદમાં સંવત ૧૯૨૫(ઇ. સ. ૧૮૬૯)ના મહા માસમાં થયો હતો....") |
(No difference)
|
Revision as of 15:40, 6 September 2024
પ્રિન્સિપાલ અને પ્રો–વાઈસ ચાન્સેલર, બનારસ હિંદુ યુનિવર્સિટી – એમ. એ. એલએલ. બી.
એમને જન્મ અમદાવાદમાં સંવત ૧૯૨૫(ઇ. સ. ૧૮૬૯)ના મહા માસમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા પ્રથમ મહીકાંઠા એજન્સીમાં કારકુન અને પછી ક્રમે ક્રમે ચઢતાં કાઠિયાવાડ એજન્સીમાં દફતરદાર નિમાયા હતા; કાઠિયાવાડની નોકરીમાંથી પેન્શન લીધા પછી કેટલાંક રાજ્યના સીમાડા નક્કી કરવાના કામમાં સરકારે રોકેલા હતા. તેઓ થોડોક સમય વડોદરા રાજ્યના ત્યાંની રેસિડન્સી ખાતે વકીલ હતા. આનન્દશંકર એમના પિતાને સાત પુત્રીઓ વચ્ચે એકના એક પુત્ર હતા એટલે ન્હાનપણથી લાડકોડમાં ઉછરેલા. એમના પિતા ધર્મનિષ્ઠ અને પ્રાચીનપન્થી વ્યક્તિ હતા; અને એ ગુણોની છાયા–અસર એમના પુત્રમાં વારસામાં–hereditary ઉતરેલી પ્રતીત થાય છે. કેળવણીની શરૂઆત તે વખતના પ્રચલિત નિયમ મુજબ ગામઠી નિશાળેથી શરૂ થઈ હતી. પછી ગુજરાતી નિશાળમાં દાખલ થઈ પોતે અંગ્રેજી નિશાળમાં દાખલ થયા. ત્યાં પણ પોતે પોતાના શિક્ષકોને બુદ્ધિ અને જ્ઞાનથી સંતોષ આપ્યો હતો; અને તેઓ ઉત્તમ વિદ્યાર્થીની પંક્તિમાં ગણતા. મેટ્રિકની પરીક્ષા પોતે યુનિવર્સિટીમાં બીજે નંબરે પસાર કરી હતી. એમના ગુરુઓ પૈકી–જેમનાં નામ તે અદ્યાપિ સ્મરે છે તે – રણછોડલાલ ખંભાતા, પ્રોફેસર જમશેદજી અરદેશર દલાલ, વિષ્ણુ કાથવટે, કાવસજી સંજાણા, અને ભાસ્કર શાસ્ત્રી હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન પણ ઘણું ઉત્તમ અને સંપૂર્ણ મનાતું. અમદાવાદમાં તે વખતે મિથિલાપુરીના એક વિદ્વાન–સંસ્કૃત પંડિતશ્રી બચ્ચા ઝા–જેમનું નામ અસાધારણ વિદ્વત્તા અને તીક્ષ્ણ બુદ્ધિ માટે કાશી અને મિથિલામાં અદ્યાપિ સુધી પ્રખ્યાત છે–તેઓશ્રી રાજરાજેશ્વર શંકરાચાર્યના શાસ્ત્રીપદે પધાર્યા હતા અને અમદાવાદમાં નિવાસ કર્યો હતો. તેમનો તથા એમના ભાઈ યદુનાથ ઝા, નિધિનાથ ઝા વગેરે પંડિતોના નિવાસનો લાભ પણ ઘણાં વર્ષો પોતે પોતાના સંસ્કૃત જ્ઞાનની વૃદ્ધિ અર્થે એમ. એ., થતાં સુધી પરીક્ષા બહારના વિષયોમાં લીધો હતો. ગુજરાત કૉલેજમાં દાખલ થયા પછી પોતે તે વખતના સંસ્કૃત પ્રોફેસર કાથવટેની સારી પ્રીતિ સંપાદન કરી હતી. તે પણ તેમના સંસ્કૃત જ્ઞાનની પ્રશંસા કરતા હતા. તેમજ કૉલેજના પ્રિન્સિપાલ જમશેદજી અરદેશર દલાલ પણ શ્રીયુત આનન્દશંકરભાઈના અંગ્રેજી જ્ઞાનનાં પણ તેવાં જ વખાણ કરતા હતા. બંને અધ્યાપકોના એ પ્રિય શિષ્ય હતા. કૉલેજના જીવનમાં તે વખતની ફસ્ટ બી. એ.,ની પરીક્ષામાં ગણિતના વિષયમાં નિષ્ફળ જવાથી તે વર્ષે સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યા છતાં એમણે ઇનામ ગુમાવ્યું. તે પછીને વર્ષે ફર્સ્ટ બી. એ., અને બી. એ.ની પરીક્ષા એક સાથે આપી બીજે વર્ષે બંનેમાં ઉત્તીર્ણ થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાનથી તેમજ અભ્યાસથી તેમના પ્રોફેસર કાથવટે સાહેબ મુગ્ધ બન્યા હતા; એટલું જ નહિ પણ અમને મળેલી માહિતી ખરી હોય તો સ્વ. પ્રો. મણિલાલ નભુભાઇ દ્વિવેદી યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક પણ આનંન્દશંકરભાઈના સંસ્કૃત જ્ઞાન વિષે ઉચ્ચ મત ધરાવતા હતા. પરિણામે તેમની સાથે પરિચય થયો, જે આગળ જતાં મૈત્રીરૂપે ઉદ્ભવ્યો હતો તે સુવિદિત છે. બી. એ., થયા પછી એમ. એ; અને એલએલ. બી.ની પરીક્ષાનો અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા. ઇ. સ. ૧૮૮૨માં તેમનું પ્રથમ લગ્ન થયું હતું. સન ૧૮૯૦માં વિધુરાવસ્થા પ્રાપ્ત થતાં, સન ૧૮૯૧માં ફરી લગ્ન થયેલું; અને સન ૧૯૦૩માં એમના બીજા પત્ની મૃત્યુ પામેલાં. તે પછી એમણે ફરી લગ્ન કર્યું નથી. એમના સંતાનમાં બે પુત્રીઓ અને બે પુત્રો છે, જેમાંના એક ધ્રુવભાઇ ઓક્સફર્ડની ડીગ્રી લઈ આવેલા છે અને બીજા ન્હાના પુત્ર પ્રહ્લાદભાઈ હાઈકોર્ટ વકીલ છે. સન ૧૮૯૩માં પ્રો. કાથવટેની બદલી થતાં, તેમને સંસ્કૃતના અધ્યાપક નિમવામાં આવ્યા હતા. કૉલેજમાં જેટલો સમય રહ્યા તેટલો સમય માત્ર સંસ્કૃત ન શિખવતાં અંગ્રેજી, ન્યાય, તત્ત્વજ્ઞાન વગેરે વિષયોના વર્ગ લેતા અને છેવટે પ્રિન્સિપાલ તરીકે પણ તેમણે કેટલોક સમય કાર્ય કર્યું હતું. સરકાર હસ્તક કૉલેજ સોંપાયા બાદ કેટલેક વર્ષે તેમની બદલી એલ્ફીન્સ્ટન કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થઈ; પરંતુ તે જ અરસામાં બનારસ હિંદુ યુનિવર્સિટી માટે પંડિત મદનમોહન માલવિયાજીએ એક સારા પ્રિન્સિપાલની માગણી કરતાં, મહાત્મા ગાંધીજી અને સર લલ્લુભાઈએ એમનું નામ સૂચવ્યું. ત્યારથી (૧૯૨૦) તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને પ્રો–વાઇસ ચાન્સેલર તરીકે કામ કરે છે; અને એમનું એ કાર્ય યશસ્વી નિવડ્યું છે, એમ ચોદિશામાંથી સાંભળવામાં આવતી પ્રશંસા પરથી કહી શકાય. શરૂઆતમાં તેઓ સ્વ. મણિલાલ નભુભાઈના ‘સુદર્શન’માં લેખો લખતા અને પાછળથી એમના મૃત્યુ બાદ કેટલોક સમય તે માસિકને ચલાવેલું; પણ સ્વદેશ અને માતૃભાષાની જરૂરિયાત લક્ષમાં લઈને સન ૧૯૦૨માં “વસન્ત” નામનું નવું માસિક કાઢ્યું, જેનો રજત મહોત્સવ સન ૧૯૨૭માં ભારે દબદબાથી ઉજવવામાં આવ્યો હતો. સન ૧૯૨૮માં તેઓ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા અને તેના આગલા વર્ષે બીજી ગુજરાતી પત્રકાર પરિષદના સ્વાગત મંડળના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. તેમજ સન ૧૯૨૦માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં મળેલી તેનું સ્વાગત કરવાનું માન પણ એમને મળેલું. ગુજરાતમાં જ નહિ પણ અખિલ ભારતવર્ષમાં એક પ્રતિષ્ઠિત તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે; અને એથી જ સન ૧૯૨૮માં મદ્રાસમાં મળેલી ચોથી ફિલોસોફિકલ કૉન્ગ્રેસના તેમને પ્રમુખ નિમવામાં આવ્યા હતા અને તે આગમચ બનારસમાં મળેલી બીજી ફિલોસોફિકલ કૉન્ગ્રેસના ઇન્ડિયન સેકશનના તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા. તેઓ હિન્દુસ્થાનની સર્વ યુનિવર્સિટીના મંડળના (ઇન્ટર યુનિવર્સિટી બોર્ડના) આ વર્ષે ચેરમેન નીમાયા છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં તેઓ ઉંચું સ્થાન ભોગવે છે અને તેમના લખેલા ગ્રંથો અને લેખો અનેક છે.
એમના ગ્રંથોની યાદી:
શ્રીભાષ્ય ભા. ૧, ૨ {{right|સન ૧૯૧૩
ધર્મવર્ણન ” ૧૯૧૩
નીતિશિક્ષણ ” ૧૯૧૪
આપણો ધર્મ ” ૧૯૧૬
હિન્દુ ધર્મની બાળપોથી ” ૧૯૧૮
હિન્દુ વેદધર્મ ” ૧૯૧૯