નારીસંપદા : ટૂંકી વાર્તા/સેકન્ડ હેન્ડ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:42, 19 September 2024
મંજુલા ગાડીત
અનિતા છતને તાકી પડી રહી. જાણે છતમાં જ તેના પ્રશ્નનો જવાબ મળી જવાનો હોય ! ઘડિયાળમાં બારના ડંકા ક્યારના થઈ ગયા છે. કદાચ એક કે દોઢ પણ થવા આવ્યો હશે. તેણે નિર્ણય લેવાનો છે. જિંદગીનો મોટામાં મોટો નિર્ણય. જિંદગીની મોટામાં મોટી પસંદગી. કશુંક પસંદ કરવાનું છે. પણ સામે બીજા વિકલ્પ વિના. એક જ વ્યક્તિ તેની સામે ધરી દેવામાં આવી છે. અને તે તેના જીજાજી અર્થાત્ બનેવી. આજ સુધીના તેના જીજાજી. કાલે તેને પોતાના પતિને સ્થાને બેસાડવાના. કેવું બેહુદું લાગે છે ! બસ, રાતોરાત તેની સાથેના સંબંધો બદલાઈ જાય ! અને તેના પ્રત્યેના ભાવ પણ બદલવાના – કેટલી અઘરી વસ્તુ છે ! કેવું વિચિત્ર ! મનમાં કંઈ બેસતું નથી ! આમેય જિંદગીમાં તેણે પોતાની પસંદગીનું પહેર્યું પણ ક્યાં છે ! બધું જ સુલુનું ઉતરેલું. સુલુ એટલે સુલભા, તેની મોટી બહેન. બે જ વર્ષ મોટી, પણ બે વર્ષ મોડી જન્મવા માટે તેણે જિંદગીની મહામૂલી પસંદગી જેવી ચીજ જતી કરવી પડે છે. તેને આજ સુધીમાં પસંદગીનો કોઈ ચાન્સ જ મળ્યો નથી. તેને યાદ છે, છેક નાની હતી ત્યારથી જ મમ્મી સુલુનું નાનું પડી ગયેલું ફ્રોક તેને પહેરાવતી. તેમાં કદાચ તેની મમ્મીનો કોઈ ઇરાદો ન હોય, દરેક ઘરમાં આજ વણલખ્યો નિયમ હશે કે મોટાનાં કપડાં નાનાં ભાઈ-બહેન પહેરે જ. સુલભા પહેલા ખોળાનું બાળક એટલે આમેય તેના લાડકોડ વધુ પોષાય. તેને યાદ છે, સુલુ માટે જ્યારે નવું ફ્રોક લાવવામાં આવતું ત્યારે પોતે ઝઘડો કરતી. તેનું ફ્રોક ખેંચી લેતી, પણ પપ્પા મમ્મી તે ટાળતાં અને સમજાવતાં, ‘જો, સુલુનું ફ્રોક તો તને મોટું પડશે.’ અને કબાટમાંથી સુલુનું આગલા વર્ષનું નાનું પડેલું ફ્રોક કાઢી તેને પહેરાવતાં, ફોસલાવતાં, પટાવતાં, અને વાત પણ સાચી હતી. સુલુનાં કેટલાંક ફ્રોક તો તદ્દન નવા જેવાં. થોડો સમય પહેરીને નાનાં પડે અથવા ન ગમે તો તે કાઢી નાખતી અને તેને માટે નવાં આવતાં. પાછળ પહેરનાર તો છે જ માની મા-બાપ પણ મન મનાવતાં. એટલે અનિતાને ધીરે ધીરે સુલુનાં ઉતરેલાં કપડાં પહેરવાની જાણે કે ટેવ પડી ગઈ. તેને યાદ છે ત્યાં સુધી ચારેક વર્ષ પર તેણે પહેલીવહેલી સાડી પહેરી ત્યારે પણ સુલુની જ સાડી પહેરેલી, કારણ હજી તેને માટે સાડી પહેરવાનો સમય નહોતો. એટલે ખરીદાય કેવી રીતે? હમણાં હમણાંથી તો સુલુની ઉતરેલી સાડીઓ મમ્મી પણ ઘરમાં પહેરી નાખતી. ગયે વરસે જ સુલભાના લગ્ન વખતે ઢગલાબંધ સાડીઓ સુલભા માટે ખરીદાઈ. સાથે અનિતા માટે પણ પ્રસંગ નિમિત્તે એક ખરીદાઈ. અનિતાને પોતાની પસંદગીની વસ્તુ પહેરવાનો આનંદ હતો, પરંતુ સાસરેથી તેડું આવતાં સુલભા અનિતાની સાડી પહેરીને ગઈ. અનિતા ના ન પાડી શકી. તેના જીવનની એક અમૂલ્ય પળ, નવી વસ્તુ વાપરવા જેવી પળ જતી રહી. પણ તે ટેવાઈ ગઈ હતી. તેણે મનને મનાવ્યું. સુલભાને સાસરે જવા દે. પોતાના લગ્ન વખતે તો તેને માટે મમ્મી-પપ્પા નવી સાડી ખરીદશે ને ! ત્યારે થોડી સુલભાની ઉતરેલી વસ્તુ આપવાનાં ! પણ બન્યું કંઈક જૂદું જ. બે મહિના પહેલાં સુલભા તેના સાસરે સ્ટવ પેટાવતાં સખત દાઝી ગઈ. તેને બચાવવા જતાં જીજાજી જતીનકુમાર પણ હાથે દાઝ્યા. ખૂબ સેવા-ચાકરી કરી, પૈસો ખર્ચ્યો, પણ સુલભા બેઠી ન થઈ. પપ્પા-મમ્મી ભાંગી પડ્યાં. પહેલા ખોળાના લાડકોડમાં ઉછરેલા સંતાનને ચિતામાં પોઢાડતાં તેમને કેટલું કષ્ટ થયેલું. પપ્પાને માથાં પછાડીને આટલા બધા રડતાં તેણે પહેલવહેલાં જ જોયા. જતીનકુમાર તો બિચારા સાવ ડઘાઈ જ ગયા હતા. બોલવાના સુધબુધ નહોતા ! તેમાં પોલીસને સવાલના જવાબ આપવાના. કેમ દાઝી? સાસરે કંઈ અણબનાવ ખરો? ઘરમાં કંઈ કંકાસ-કજિયો? પણ પપ્પાની જુબાનીથી કામ સરળ બન્યું. તે પ્રશ્ન પત્યો ને છેલ્લા અઠવાડિયાથી જતીનકુમારને ત્યાં કન્યાઓનાં મા-બાપના ધક્કા શરૂ થયા. બે હજારનો પગાર. બીજવર તો કહેવાનો. હજી ઉંમર જ શું? માત્ર છવ્વીસ વર્ષ ! ન મળે છોકરું-છૈયું. અનિતાનાં મમ્મી-પપ્પા છોકરી જવાથી વ્યથિત તો હતાં જ, તેમાં આ સમાચારે વધુ વ્યથિત થયાં. સુલભાનું ખાલી સ્થાન કોઈ બીજી છોકરી લેશે ! સુલભા માટે ખર્ચેલા લાખ રૂપિયા વાપરવા પણ તે ન રોકાઈ ! પેટી ભરીને સાડીઓ, દર-દાગીના, સોફાસેટ, કબાટ, વાસણકુસણ, શું નથી આપ્યું? હવે તે બધી વસ્તુઓ બીજી કોઈ છોકરી વાપરવાની. આપેલું છે એટલે નવું કશું લેવું ય ન પડે. બહેનની જ ચીજવસ્તુઓ તેને વાપરવાની. પારકી છોકરી વાપરે એના કરતાં સુલુની બહેન જ તે વાપરે તો કેવું? સુલુના આત્માને પણ કેટલી શાંતિ થાય ! ‘હા ! શાંતિ થાય જ ને.’ અનિતાએ પડખું ફેરવ્યું, ઊભી થઈ. સ્વીચ ઑન કરી. ઘડિયાળમાં જોયું. અઢી ને પાંચ થઈ છે. પાણી પીધું, પાછી પથારીમાં પડી. કાલ તો મમ્મી-પપ્પાને જવાબ આપવો જ પડશે. કારણ કે તેમણે જતીનકુમારને ઘરે બોલાવ્યા છે. જતીનકુમારની ઇચ્છા તો પહેલાં પૂછી લીધી છે. તેમને શું વાંધો હોય ! આમેય અઠવાડિયે અઠવાડિયે તેઓ અહીં આવતા અને જમાઈ કરતાં ઘરના છોકરા જેવા વધુ થઈ ગયેલા. મમ્મી-પપ્પાને માબાપની જેમ માનતા. સુલભાને તે અનહદ ચાહતાં. સુલભા ઘણીવાર તેને સાથે લઈ જતી. રિક્ષામાં જતાં તે જતીનને વચમાં બેસાડતી અને નાનપણથી એક જાણીતી ટીખળ કરી લેતી. ‘આજુબાજુ દરવાજા, વચ્ચે બેઠા વરરાજા !’ તો જતીનકુમાર પણ ટીખળમાં પાછા ન પડતા અને ફિલ્મી સ્ટાઇલથી બોલતા, ‘બાત તો સહી હૈ, હું વરરાજા જ છું ને. અનુ પણ સાલી એટલે આધી ઘરવાલી તો ખરી જ ને.’ અને પોતે છેડાઈ પડતી. ફરીવાર જોડે ન આવવાનું જણાવી દેતી, પણ સુલુ તો તેને ખેંચી જ જતી. હોટેલમાં નાસ્તો કરવા કે ક્યારેક પિક્ચરમાં પણ સુલભા તેને લઈ જતી. તેને શરૂઆતમાં સંકોચ થતો પણ જતીનકુમારનો મળતાવડો સ્વભાવ જાણ્યા પછી સંકોચ જતો રહ્યો. પછી તો ક્યારેક તે પણ ટીખળ કરી લેતી. એટલે જતીનકુમાર તેને મન અજાણ્યા તો નહોતા. પ્રશ્ન માત્ર એટલો જ કે તેમના પ્રત્યે ભાવ શું તે બદલી શકશે? જીજાજી તરીકે જોયેલા તેને પતિ તરીકે તે અપનાવી શકશે? વચ્ચે સુલભાની યાદ નહિ આવે? અને તેણે શા માટે હા પાડવી જ પડે? પોતે ગ્રેજ્યુએટ છે. સુંદર છે. તેને બીજો કોઈ પતિ ન મળે? પણ પપ્પા...! તેને તરત ખ્યાલ આવ્યો કે સુલભાના લગ્નના ખર્ચે પપ્પા લગભગ ખાલી થઈ ગયા છે. બે વર્ષ પછી પણ તેનાં લગ્ન લેવાત ત્યારે તેમને લોન લેવી પડે કે દેવું કરવું પડે. તેના કરતાં...! શું ખોટું છે? જતીનકુમારમાં શી ખામી છે? તેનાં મા-બાપ પણ ભલાં છે. પપ્પા-મમ્મીની વાત કંઈ ખોટી નથી ! પપ્પાને કેટલી રાહત થઈ જાય ! વળી જાણીતી જગા. જાણીતા માણસો. સુલભાએ પસંદગી પણ હંમેશાં સારી વસ્તુની જ કરી છે. પછી તે સાડી હોય, હેર પીન હોય કે હસબન્ડ હોય. પણ કેટલાક માણસો વસ્તુ વાપરવા કરતાં વસાવવાના વધુ શોખીન હોય છે. સુલભા પણ તેમાંની કદાચ એક હોઈ શકે? ઠીક છે. સવાર તો પડવા દે ! કેટલા વાગ્યા હશે? ત્રણ...! ચાર...! ...અરે, આ તો પાંચ ડંકા થયા ! ચાલ જીવ, નિદ્રાદેવીને શરણે તારા ભાગ્યને લઈ જા. ‘અનુ...! એ અનુ...! ઊઠ તો બેટા, આઠ વાગી ગયા.’ મમ્મી અનિતાને ઢંઢોળતી હતી. અનુ સફાળી બેઠી થઈ ગઈ. ‘ઓહ મમ્મી ! હજી હમણાં તો પાંચના ડંકા થયા હતા !’ ‘તું ઊંઘી નથી શું?’ ‘ઊંઘ ! હા. કદાચ એવું જ. ચાલ મમ્મી, હમણાં પરવારી જાઉં છું.’ ‘ખબર છે? નવ વાગ્યે તો જતીનકુમારને બોલાવ્યા છે.’ ‘ખબર છે મમ્મી, મારી સંમતિ જણાવી દેજે. બસ, વધુ મારે કંઈ કહેવું નથી.’ ‘સાચ્ચે જ !’ ‘હા, પણ એક શરતે. ખર્ચો કશો પણ કરવાનો નથી.’ ‘તારે બે-એક સાડી લેવી હોય તો...!’ ‘ના જરૂર નથી.’ કહેતાં તે મનોમન બબડી, સુલુનો જતીન ચાલશે તો સાડીઓ નવી શું કામ?