નારીસંપદા : ટૂંકી વાર્તા/હવે મળીશું કોર્ટમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:25, 19 September 2024

હવે મળીશું કોર્ટમાં

ભાનુમતિ શાહ

ને એકવાર ન બનવાનું બની ગયું. નિયમિત ટાઇમમાં બેસનારી હું અઢી મહિના થયા, ટાઇમમાં ન બેઠી. મારી માએ મારી ખૂબ ઊધડી લીધી. પહેલાં તો થયું, અનિયમિતતા હશે. પણ પછી મને તરત યાદ આવ્યું, વચ્ચે અમે, હું ને વીરેન્દ્ર અચાનક જ બે ત્રણ વાર મળેલાં, ને ગોળીઓ લેવાઈ નહોતી. વીરેન્દ્રએ મને ગોળીઓ આપી હતી. પણ મળવાનું નક્કી ન હોય ત્યારે અમસ્તા રોજ તો ગોળી ન જ લીધી હોય... ને મને સહેજ ઝબકારો થયો. માએ વારંવાર પૂછ્યું, ક્યાંય કાળું કામ કરીને તો નથી આવી ને ! હું ચૂપ રહી, માએ મારી આંખમાં આંખ પરોવી પૂછ્યું, ‘સાચું કહે, ક્યાંય કુંડાળામાં પગ’... ને હું છૂટ્ટે મોંએ રડી પડી. માનો ગુસ્સો સાતમે આસમાને હતો. એણે મને જોરદાર હડસેલો માર્યો, ને હું અફળાઈ દીવાલ સાથે, માથામાં લોહીની ધાર શરૂ થઈ. મા સહેજ ઢીલી પડી. મને કહે, ‘બોલ કોણ છે એ?’... હું ચૂપ રહી. મા મને એક લેડી ડૉક્ટર (ગાયનેકોલોજીસ્ટ) પાસે લઈ ગઈ. મારું ચેકઅપ થયું, ને સાચે જ મારા ઉદરમાં વીરેન્દ્રના પ્રેમનું બીજ આકારિત થવા લાગ્યું હતું. ડૉક્ટરે કહ્યું, ‘ખુશખબર, તમારી દીકરી સગર્ભા છે.’ ને પાછો માનો મિજાજ ગયો. એય શું કરે? એ કહે, ‘તને ભણાવી ગણાવી તે આને માટે? હવે હું બધાને શું મોઢું બતાવીશ?’ ડૉક્ટર છોભીલાં પડી ગયાં. માએ પછી એની સરસ્વતી વાણી શરૂ કરી. ‘નાલાયક ! મારે પેટે તું કાં જન્મી, જન્મતાં જ મરી કેમ ન ગઈ? બોલ, આ કોનું પાપ છે? બોલ !’ ડૉક્ટર પણ કહે, ‘હવે જમાનો સુધર્યો છે. પહેલીવાત તો એ કે લગ્ન પહેલાં કોઈ પુરુષને શરીર સોંપાય જ નહિ, ને જુવાની હાથમાં ઝાલી ન જ રહેતી હોય, તો હવે તો ઘણાં સાધનોની સગવડ છે.’ પછી ડૉક્ટરે એબોર્શન માટે સલાહસૂચન કર્યાં. વેળાસર ન કરાવાય ને મોડું થઈ જાય તો... ને વીલે મોઢે મા અને હું ઘેર આવ્યાં. રીક્ષામાં બંને છેક સુધી ચૂપ રહ્યાં. ઘેર આવ્યાં પછી ફરી માના ગુસ્સાના લાવારસે વિકરાળ રૂપ ધર્યું... ‘તને કેટલા છોકરા બતાવ્યા. નજરમાં ન આવ્યા. ને હવે આમ આ છિનાળું કરીને આવી? કહે તો ખરી કે એ કોણ છે, તો કંઈક ખબર પણ પડે...’ ને મેં રડતાં રડતાં ભૂપતશેઠના દીકરા વીરેન્દ્રનું નામ દઈ જ દીધું. નામ સાંભળીને માનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. એ છાતી કૂટવા માંડી. રડતી ગઈ ને મનેય મારા માથામાં, પાછળ પીઠ પર ગુમ્બા મારતી ગઈ... ને થોડીવાર પછી મા એકદમ શાંત થઈ ગઈ. કંઈક વિચારતી હોય એમ લાગ્યું, પછી જાણે એની આંખમાં એક અનેરી ચમક આવી. મને કહે, ‘ના દીકરી, હવે ગર્ભપાતનું પાપ નહિ જ.’ એ થોડી ઢીલી પડી, ત્યારે મેં બધી માંડીને વીરેન્દ્ર સાથેના મારા પ્રેમસંબંધની વાત કરી. માને સમજાયું કે આમાં મારી એકલીનો વાંક ન હતો. પણ એની આંખમાં પાછો ભયસંચાર જોયો, એના શરીરમાં ધ્રૂજારીનું એક લખલખું પસાર થતું મેં જોયું. એણે કહ્યું, “દીકરી, આ બધા મોટા લોકો કહેવાય. એમના ભરોસા ન રખાય. ક્યારે ફરી જાય એ કંઈ કહેવાય નહિ. છતાં, તું એક કામ કર, વીરેન્દ્રને મળ ને બધી જ વાત કર.” મા વ્યથિત અને અસ્વસ્થ હતી. પણ મને કોણ જાણે કેમ વીરેન્દ્રમાં અને અમારા પ્રેમમાં અતૂટ વિશ્વાસ હતો. હમણાં જ ચાર પાંચ દિવસ પહેલાં રામનવમીનો ઉત્સવ ગયો. ‘ઠુમક ચલત રામચંદ્ર, બાજે પૈજનિયા...’ મને ખાતરી છે કે, વીરેન્દ્ર આ વાત સાંભળ્યા પછી જરૂર લગ્નની ઉતાવળ કરશે જ, ને પછી તો કોઈ પ્રશ્ન નહિ રહે. અત્યારથી મને નાના નાના પગ, નાના બચુકડા હાથ, ટમ ટમ તારલા શી આંખો – દેખાઈ રહ્યા છે. મેં વીરેન્દ્રને ભરપૂર પ્રેમ કર્યો છે, ને વીરેન્દ્રએ મને. આખી રાત, વિચારોના વમળમાં જાગતાં જ પસાર થઈ ગઈ. મારા ઉદરમાં જ નહિ, મારા હૈયામાંય ઉલ્લાસનો દરિયો લહેરાવા લાગ્યો. બસ, પછી હું, વીરેન્દ્ર ને અમારું સંતાન... સરસ મઝાની થનગનતી હશે અમારી દુનિયા... બીજી સવારે વહેલી તૈયાર થઈ જાઉં છું. મારી બેનપણી સરલાને ત્યાં જાઉં છું. એને મારા અને વીરેન્દ્રના સંબંધની જાણ છે. પણ મારી આ અવસ્થા વિશે એને કહેવાની હિંમત કરી શકતી નથી. સરલા દ્વારા જ વીરેન્દ્રને મને મળવાનું કહેવડાવું છું. આમ તો વીરેન્દ્રને ઘેર પણ જઈ શકાય. પણ ત્યાં વીરેન્દ્રને એકલાં મળવાનું શક્ય ન હતું. એને બંગલે ઘણીવાર જતી, નાનપણમાંય મા એ બંગલો વાળવા જતી, ત્યારે દર રવિવારે એની સાથે જતી. શેઠાણી ઘણાં પ્રેમાળ ને પરગજુ. અનેકવાર મને સરસ ડ્રેસ અપાવતાં. સરલાએ સમાચાર આપ્યા કે, વીરેન્દ્ર ધંધાને કામે બહારગામ ગયો છે. વળી, ત્રણચાર દિવસ અજંપામાં પસાર થયા. જોકે, અંદરથી એવી શ્રદ્ધા હતી કે, વીરેન્દ્ર તો જરૂર આ વાત સ્વીકારીને ખુશ થઈ, મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે; ને અમે ક્યાં પાપ કર્યું છે? પ્રેમ કર્યો છે, મન ભરીને પ્રેમ કર્યો છે, પૂરેપૂરું હૈયું ઠાલવ્યું છે... ચોથે દિવસે વીરેન્દ્ર આવી ગયાના સમાચાર મળ્યા. સરલાનો ભાઈ વીરેન્દ્રનો મિત્ર હતો. તેથી એની સાથે, પછીના દિવસે સાંજે પાંચ વાગ્યે ફાર્મહાઉસ પર મળવાનું વીરેન્દ્રને કહેવડાવ્યું. વીરેન્દ્રને આશ્ચર્ય તો થયું હશે. કારણ, આમ સામેથી મળવાનું કદી હું કહેતી ન હતી. જોકે, મારી વાત એ ટાળી ન શક્યો... ને પછીના દિવસે સાંજે પાંચેક વાગ્યે હું પહોંચી ગઈ. ત્યાંનો ચોકીદાર મને સારી રીતે ઓળખતો હતો. કારણ, અમે વારંવાર એ ‘ફાર્મહાઉસ’માં જ મળતાં હતાં. એક એક મિનિટ એક યુગ જેવડી લાગતી હતી. બરાબર સવાપાંચ વાગ્યે વીરેન્દ્ર એની કારમાંથી નીચે ઊતર્યો. મને કહે, “ઓહો ! આજ તો તેં મને સામેથી બોલાવ્યો? શું વાત છે? બહુ ઉમળકો ઊભરાઈ આવ્યો કે શું?” બંને વાતોએ વળગ્યાં. થોડીવાર પછી હંમેશ મુજબ મારો હાથ પકડી, મને એ અંદર લઈ જવા લાગ્યો. મારો મુડ ન હતો. પણ મેં આનાકાની ન કરી. મારે નિરાંતે બધી વાત કરવી હતી. મારા મોં પર ઉત્સાહ ન હતો. એ એણે જોયું, મને કહે, ‘અરે, આ તારું મોં આમ કેમ લેવાઈ ગયું છે? સામેથી બોલાવ્યો, ને આ ઉદાસી શાને? ને ગાલ પર શરમના આ શેરડા? ચાલ હવે, આપણે કાંઈ પહેલીવાર થોડા મળીએ છીએ?’ ને પછી વધુ એકવાર હું સમર્પિત થઈ... થોડીવાર આડીઅવળી વાતો કરી. પછી એનો હાથ મારા હાથમાં લઈ મેં કહ્યું, ‘વીરેન્દ્ર, ચાલો ને, આપણે લગ્ન કરી લઈએ.’ એ કહે, ‘શું ઉતાવળ છે? હજુ તો આપણે ઘણાં નાનાં કહેવાઈએ. પહેલા મઝા માણી લઈએ, પછી લગ્નની- સંસારની જંજાળ તો છે જ ને? મને ધંધામાં સ્થિર થવા દે.’ મેં કહ્યું, ‘વીરેન્દ્ર, વધુ રાહ જોવાય એમ નથી. આપણા પ્રેમનો અંકુર મારા ઉદરમાં પાંગરી રહ્યો છે.’ ને એ સડાક દઈને ઊભો થઈ ગયો. લાલપીળો એનો ચહેરો જોઈ હું ધ્રૂજી ઊઠી. એ કહે, ‘તને ગોળીઓ લેવાનું તો કહ્યું હતું.’ મેં કહ્યું, ‘તારી વાત સાચી છે. પણ આપણે ઘણી વાર તો રસ્તામાં જ અચાનક મળી જતાં, ને અહીં આ ‘ફાર્મહાઉસ’માં તું મને લઈ આવતો ને નક્કી કર્યા વિના મળ્યાં હોઈએ, ત્યારે ગોળી કેવી રીતે લીધી હોય !’ વીરેન્દ્રના ગલ્લાતલ્લાથી હું સાવધ બની ગઈ. ગભરાઈ પણ ખરી, છતાં કહ્યું, ‘પણ લગ્ન વિના બીજો કોઈ ઉપાય જ નથી, ને આપણે તો પ્રેમ કર્યો છે.’ ‘પ્રેમ’ શબ્દ સાંભળતા જ એ છંછેડાયો. અટ્ટહાસ્ય કરી કહે, ‘પ્રેમ ! શાનો પ્રેમ? આ તો બે ઘડી ગમ્મત.’ મેં કહ્યું, ‘ગમ્મત ! વીરેન્દ્ર, તને ગમ્મત સૂઝે છે? આવી મજાક ન કર.’ વીરેન્દ્ર કહે, ‘આ મજાક નથી. તારી સાથે લગ્ન? ક્યાં અમારું ખાનદાન, ને ક્યાં તું...!’ મેં કહ્યું, ‘સંબંધ બાંધતાં તને મારા ખાનદાનનો વિચાર નહોતો આવ્યો?’ વીરેન્દ્ર ફરી તાડૂક્યો : ‘અરે જા જા – આમ ગળે ન પડ. તમારા જેવાઓને ઓળખું છું, પૈસાદારોના દીકરાઓને ફસાવી પૈસા પડાવવાનું તમને સારું ફાવે છે.’ મેં કહ્યું, ‘બસ વીરેન્દ્ર, બસ, વધુ ન બોલીશ. મેં માત્ર તને જ પ્રેમ કર્યો હતો, તને જ. કમનસીબે મારો જન્મ તમારી કહેવાતી ઉજળિયાત કોમમાં થયો નથી એટલું જ. બાકી અમારેય સંસ્કાર, આમન્યા હોય હં...’ એ એવું ગંદુ હસ્યો ! કહે, ‘સંસ્કાર, આમન્યા? તો પછી લગ્ન પહેલાં આમ...’ મેં કહ્યું, ‘વીરેન્દ્ર, તાળી એક હાથે નથી પડતી. મને ખબર ન હતી કે લગ્નનું વચન આપી, તું આમ ફરી જશે.’ વીરેન્દ્રે કહ્યું, ‘હવે જા જા, તારા જેવી કેટલીય મારી મુઠ્ઠીમાં છે, મારે આંખને ઇશારે નાચવા તૈયાર છે. જા ઘર ભેગી થઈ જા, લગ્ન કેવા ને વાત કેવી? જો એબોર્શન કરાવી લે, તારે એની ક્યાંથી નવાઈ હશે?... આવાં તો કંઈ કેટલાય...’ ને મેં સડાક દઈને એને તમાચો ચોડી દીધો, ને એક મક્કમ નિર્ધાર સાથે ત્યાંથી પાછી ફરી. ઘેર આવી. ધરતી મને ગોળ ગોળ ફરતી લાગી. સ્વપ્ન વેરાઈ ગયું. પેલો બાળકના ઠુમક ઠુમક ચાલવાનો અવાજ વિરમી ગયો. પૈજનિયા વાગવા બંધ થઈ ગયા. ને હું મારી પથારીમાં ફસડાઈ પડી, મા હજુ આવી ન હતી, તેથી ધરપત થઈ. સાંજે કામેથી મા પાછી આવી. ખપ પૂરતી જ વાત થઈ. એણે મને કંઈ પૂછ્યું નહિ, મેં કહ્યું નહિ. કદાચ મારી આંખોના ભાવ એ સમજી ગઈ હશે. સાંજે રસોઈ બનાવી, સહેજ નહિ જેવું જ જમી. મા પણ વ્યથિત હતી. રાત્રે સૂતી વખતે માએ પૂછ્યું, ‘વીરેન્દ્ર મળ્યો?’ ને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મેં કહ્યું, ‘મા, હું ખરાબ નથી. મા સાચે જ મને વીરેન્દ્રે લગ્નનું વચન આપ્યું હતું.’ – પછી મા પણ સહેજ ઢીલી પડી, મને કહે : ‘મેં કહ્યું હતું ને, આ કહેવાતા મોટા લોકોનો ભરોસો ન કરાય. પણ કંઈ નહિ. ચાલ, હવે વધુ આંસુ નહિ. છાની રહે. કંઈક કરવું પડશે. આ ઉજળિયાતોની જમાતને, શરીફ બદમાશોને ખુલ્લા પાડવા જ પડશે.’ – ને પંદરેક દિવસ પછી, મા કોઈની પ્રશ્નભરી નજર મારી પર, મારા ઉદર પર પડે એ પહેલા, મારા ભાઈને પટાવી, એને મામાને ઘેર મૂકી, મામાને મૂરતિયો જોવા જઈએ છીએ, એમ કહી, બહારગામ લઈ ગઈ. પછી ત્યાંથી તબિયતનું બહાનું કાઢી, આવતાં મોડું થશે, એવા સમાચાર પણ મામાને ત્યાં મોકલી આપ્યા. દૂરના એક ગામમાં – જે ગામ સાવ નાનકડું ન હતું તેથી સારા દવાખાનામાં નામ લખાવી શકાયું – અવારનવાર બતાવવા જતી. પતિનું નામ લખાવવાની વાત આવતાં મૌન રહેવું પડ્યું. ડૉક્ટર એક સંસ્કારી સન્નારી હતાં, અમારાં મૌનને સમજી ગયાં. કહે, ‘કંઈ વાંધો નહિ, તમે એના મા છો ને ! તમારું નામ લખાવો.’...ને મારી મા જ મારા પિતા બની. મારું સર્વસ્વ બની. પિતા તો મને નાનપણમાં જ મૂકીને સ્વર્ગે સિધાવ્યા હતા. માએ જ મને ઉછેરી, ભણાવી-ગણાવી. ને આજે એ જ માને હું કેવું દુઃખ આપી રહી છું? એ વિચારે પાછી અસ્વસ્થ બની જતી. ડૉ. શૈલીબેન મને વારંવાર હિંમત આપતાં. ‘એમ ઢીલાપોચા નહિ થવાનું. વખત આવ્યે એવા લુચ્ચા લફંગાઓને પાઠ પઢાવવાનો.’... ને સાચે જ પછી મેં મારી વેદના ખંખેરી નાખી. સમય વહેતો રહ્યો. ક્યારેક રાત્રે વિચારે ચડી જતી, ત્યારે ઊંઘી ન શકતી. ભાવિ બાળકની ચિંતા સતાવતી. સમાજમાં એનું સ્થાન... ને હું બેબાકળી બની જતી. પણ ના, મારે પોચકા થવાનું નથી. મક્કમ બનવાનું છે. ભોળપણમાં જ છેતરાઈ ગઈ. પથારી જેવડી સોડ તણાય, એ વાત વીસરી ગઈ ને વીરેન્દ્રની એ જૂઠી પ્રેમજાળમાં ફસાઈ ગઈ. એમ કરતાં કરતાં મારો પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. નવ મહિના ને ઉપર બારેક દિવસ થયા હશે ને મને વેણ ઊપડી. મા અને હું દવાખાને પહોંચ્યાં. (એક રૂમ રાખીને અમે અમે રહ્યાં હતાં. પડોશમાં પૂછપરછ થોડી થઈ હતી પણ અમારે સહેજ જૂઠું બોલવું પડ્યું હતું. અમે કહેલું ‘એનો વર પરદેશ ભણવા ગ્યો છે.’)... દવાખાને પહોંચતાં જ પહેલાં તરત મને લેબર રૂમમાં ખસેડી દીધી. ભૂતકાળ નજર સમક્ષ તરવર્યો.... મેં સરસ દીકરીને જન્મ આપ્યો. સોનોગ્રાફી કરાવી જ ન હતી. ડૉક્ટરે પૂછેલું, અમે ‘ના’ પાડી હતી. અમારે ક્યાં પાપ કરવું હતું? દીકરી કે દીકરો, મારે તો જન્મ આપવો જ હતો. ઊલટું દીકરી જન્મી એનો અમને આનંદ હતો. દુઃખ એટલું જ થયું કે એનો પિતા આજે અમારી સમક્ષ હાજર ન હતો કે કદી હાજર થનાર પણ ન હતો. દીકરીને જોતાં જ એક આંખમાંથી હર્ષનાં ને બીજી આંખમાંથી દુઃખનાં આંસુ સરવા લાગ્યાં. માએ કહ્યું, ‘કેવી મજાની છે. પણ મૂઈ, કેવુંય ભવિષ્ય લઈને આવી હશે, કોને ખબર?’ આટલા માનસિક પરિતાપ વચ્ચેય મને નોર્મલ પ્રસૂતિ થઈ હતી એ વાતે સુખ હતું. ને તેથી જ ત્રીજે જ દિવસે મને દવાખાનેથી રજા મળી ગઈ. જેમ તેમ કરી મહિનો ત્યાં અજાણ્યા ગામમાં કાઢી નાખ્યો. ડૉ. શૈલીબેનનો આભાર માની અમે મા-દીકરી અને મારી મા પાછાં શહેરમાં આવી ગયાં. બે-ચાર દિવસ પસાર થયા. એક રવિવારે, સવારે દસેક વાગ્યે, અચાનક જ, મારી મા અને હું, આ મારી દીકરીને લઈને પહોંચી ગયાં, ભૂપત શેઠને બંગલે. માને કહ્યું, ‘આજે મને બોલવા દેજે.’... ત્યાં જઈ મોટેથી બરાડી ઊઠી, “ઓ ભૂપત શેઠ !” બેલ મારવો પડ્યો ન હતો. ભૂપત શેઠ અને શેઠાણીબા વરંડામાં જ હિંચકે ઝૂલતાં હતાં. મને અને મારી દીકરીને તથા મારી માને આમ સવાર સવારમાં જોઈ અચંબો પામ્યાં. વળી કેટલાય મહિનાથી મારી મા પણ બંગલો વાળવા ગઈ ન હતી. શેઠાણી કહે, ‘અરે શારદા ! આવ આવ. ક્યાં હતી આટલા મહિના? બીમાર હતી? ને તારી યામિની... લગન બગન કરી લીધા કે શું?... ને આ દીકરી, અરે વાહ ! દીકરી તો મઝાની છે ને કાંઈ?’ પણ આજે શેઠાણીબાના કોઈ પ્રશ્નોના જવાબ આપવાના મુડમાં અમે ન હતાં. હું જ ફરી બરાડી ઊઠી, “બોલાવો તમારા રાજકુંવરને...” મારો ગુસ્સો સાતમે આસમાને હતો. જાણે હું ચંડિકા બની ગઈ. એક તો સુવાવડમાંથી ઊઠેલી ને રૂપાળી તો પહેલેથી જ હતી. એ રૂપની તો બધી મોકાણ થઈ ને ! મારું રૂપ ઓર ખીલ્યું હતું ને એમાં પાછો તમતમતો ચહેરો. મારા લાલચટક મોં સામે શેઠ, શેઠાણી જોઈ જ રહ્યાં. હીંચકા પરથી ઊભાં થઈ ગયાં. આજે બોલવાનો વારો મારો હતો. “શેઠ ! આમ તો કહેવત છે, મોરના ઈંડાને ચિતરવાનાં ન હોય. હું કહેવત બદલું છું. નાલાયકની ઓલાદ નાલાયક જ પાકે.”... શેઠ રાતાપીળા થઈ ગયા. ‘તું શું બોલે છે, એનું તને ભાન છે? તું શું કહેવા માંગે છે?’ “કંઈ કહેવા માગતી નથી... આ મારા હાથમાં દીકરી છે ને ! ...એને ધારી ધારીને જુઓ તો ! એમાં કોનો અણસાર લાગે છે?” શેઠ કંઈક સમજ્યા તો લાગ્યા પણ ચૂપ રહ્યા. મેં શેઠાણીબા તરફ ફરીને કહ્યું, “શેઠાણી બા, તમે તો સ્ત્રી છો ને? અનુભવી સ્ત્રી. આ જુઓ ને ! આ દીકરીની મોં કળા, નાકનક્શી, નેણ, કપાળ, કોના જેવા લાગે છે?” એય બધું સમજી ગયાં પણ ખામોશ રહ્યાં. શેઠ કહે, ‘આને અહીં લઈને શું કામ આવી છે? શું છે આ બધું? શારદા, લઈ જા તારી દીકરીને તારે ઘેર, પાગલ થઈ ગઈ લાગે છે.’... મારી મા અત્યાર સુધી ચૂપ હતી. પછી એનોય મિજાજ ગયો. એ કહે, “ક્યાં ગયો તમારો પરાક્રમી, બહાદુર, લાડલો દીકરો? ઘરમાંથી બોલાવો એને બહાર. હા, હજુ પોઢી રહ્યા હશે. કે પછી મારા જેવી બીજી કોઈ કબૂતરીને પીંખવાનું સ્વપ્ન જોતા હશે, ખરું? પણ ના, હવે હું એમ નહીં થવા દઉં. હવે અમે ચૂપ નહીં રહીએ. અમે દલિત, ગરીબ, તેથી શું થઈ ગયું? અમને માન, સન્માન, અધિકાર કશું નહીં? પહેલાં ગરજ હોય ત્યારે લટુડા પટુડા કરતા પ્રેમનાં નાટકો કરો, ને પછી જાણે કંઈ જ ન બન્યું હોય, એમ ઓળખવાની પણ ના પાડો?” ભૂપતશેઠ મારી માના ગુસ્સાથી સહેજ ઢીલા પડ્યા. થયું કે, હવે છૂટકો જ નથી, એટલે વીરેન્દ્રને બૂમ પાડી. વીરેન્દ્રકુમાર એમની મેડીએથી નીચે પધાર્યા. મારી સામે ટીક ટીક જોઈ રહ્યા. મેં મારી દીકરીને એની સામે ધરતા કહ્યું, ‘ઓળખો છો આને? આ તમારી ને મારી દીકરી છે.’ ને વીરેન્દ્રકુમાર બરાડી ઊઠ્યા, ‘અરે જા, જા, ખબરદાર ! મારું નામ લીધું છે તો – શી સાબિતી કે આ મારી જ દીકરી છે. અરે, તમે તો સત્તર ઘાટનાં પાણી પીને આવો, ને પછી અમારા જેવા પૈસાદારોને ગળે પડો...’ ના, મારે આંસુ લાવવા ન હતાં. હું મક્કમ બની. મારો ચહેરો વધુ તંગ બન્યો. શેઠ અને શેઠાણીની સામે જોઈ કહ્યું, ‘તે હેં શેઠાણીબા, શેઠસાહેબ, આ તમે રોજ ટીલાંટપકાં કરી મંદિરે જાઓ, એટલે તમારાં પાપ ભુંસાઈ જાય? થયું ન થયું થઈ જાય? જુઓ, હવે એમ હું કાંઈ ડરી જવાની નથી. તમને બધાને ખુલ્લા પાડીશ. હું ભણેલી છું, બધા કાયદાકાનૂન જાણું છું.’ વીરેન્દ્ર કહે, ‘એટલે તું કહેવા શું માંગે છે?’ મેં કહ્યું, ‘ના, ના, તારી સાથે મારે લગ્ન કરવા નથી. તું તૈયાર થાય તો પણ નહીં. હું તો વાઘણ છું વાઘણ. તારા જેવા કાયરનું ઘર ન માંડું. મને તો મારી જ નાતનો ભણેલો ગણેલો ડૉક્ટર છોકરો મળી ગયો છે. એને મેં બધી જ વાત કરી છે. મારી બેનપણીનો ભાઈ થાય, ને મને દીકરી સાથે એ અપનાવવા તૈયાર થયો છે. મારે તો બસ, તમારા આ ઊજળાં કપડાં નીચે, અમ જેવી કબૂતરીઓને ડસવા, ફણીધર નાગ બેઠો છે ને, એનાં ઝેર ઉતારવાં છે. એની વાત જાહેરમાં પ્રગટ કરવી છે. આ મારી મા પોચકી હતી તે વર્ષો સુધી એણે તમારી આણ, આમન્યા રાખી... અને હા, ભૂપતશેઠ ! તમેય મારી વાત સાંભળી લો. તમને દેવની જેમ પૂજતાં, આ શેઠાણીબાને, તમારા આ ઘરવાળાંને તમારી જંગાલિયતનું ચિત્ર બતાવવા દો. વર્ષો પહેલાનો કિસ્સો, યાદ છે શેઠ ! ...ને તોય, મેં તમારા દીકરામાં વિશ્વાસ મૂક્યો ને પ્રેમની છેતરામણી જાળમાં ફસાઈ. ભૂલી ગઈ કે એય અંતે દીકરો તો તમારો જ ને ! ભૂપતશેઠનો જ ને?’ શેઠ ધ્રુજી ઊઠ્યા. ઇશારાથી મને મૌન રહેવા કહ્યું પણ હું તો આજે કોઈનીય ઝાલી ઝલાઉં એમ ક્યાં હતી? શેઠાણી શેઠ સામે ટગર ટગર જોઈ રહ્યાં. ‘શેઠાણીબા, સાંભળો તમારા પતિદેવના, એ વર્ષો પહેલાના પરાક્રમની વાત. તમને તો ખબર છે કે હું નાની હતી, ત્યારે મારી નિશાળમાં રજા હોય, ત્યારે મારી મા સાથે તમારે બંગલે આવતી, ને માને બંગલો વાળવામાં મદદ કરતી. મારી ઉંમર એ વખતે માંડ આઠ-નવની. ઘણીવાર આ ભૂપતશેઠ, મને એમની નજીક, ઇશારાથી બોલાવતા, ગાલ પર હાથ ફેરવતા, મારા હાથ પકડતા ને ચોકલેટ આપતા. પણ એટલી નાની ઉંમરે તો ક્યાંથી ખ્યાલ આવે કે, એ સ્પર્શ કોઈ વત્સલ પિતાનો ન હતો. એ નજરો પણ વાત્સલ્યઝરતી ન હતી. એ સમજવાની મારી ઉંમર ક્યાં હતી? એ તો સમજતી થઈ, ત્યારે એ બધું યાદ આવતું ને સમજાતું કે એ તો વાસનાના ફણીધર નાગનો ડંખ હતો. એકવાર શેઠાણીબા, તમે સૌ બહાર ગયાં હતાં. શેઠ એકલા જ ઘરમાં હતા. માની સાથે હું અહીં બંગલે રવિવાર હોવાથી આવી હતી. મારી મા મને અહીં આ જ ઓટલા પર બેસાડી, બીજા બંગલા બાજુમાં વાળવા ગઈ હતી... ને, ઓહ ! એ બધું આજે યાદ કરું છું ને ધ્રુજી ઊઠું છું... મારી મા, સહેજ મોડી બાજુમાંથી આવી હોત તો... શેઠ મને હાથ પકડી એમની રૂમમાં લઈ ગયા. પાટ પર બેસાડી. હા, શેઠાણીબા, તમારી જ પથારી પર બેસાડી. પછી મારા ગાલે હાથ ફેરવ્યો. ગાલે બચી ભરી. મને કંઈ ન સમજાયું. પછી શેઠ, મારું ફ્રોક ઊંચું કરી મારા એ નાના નાના પગ પર એમનો પડછંદ હાથ ફેરવવા લાગ્યા, ને એમ કરતાં કરતાં છેક ઊંચે, ચદ્દી સુધી... ચદ્દીની અંદર હાથ ફેરવવા લાગ્યા... પછી મને કહે, ચાલ, આપણે બન્ને સૂઈ જઈએ. મને એ બધું ન ગમ્યું. મેં કહ્યું, ‘ના, મારે જવું છે, મને જવા દો...’ એમણે મને પ્રયત્નપૂર્વક સુવાડી...ને ફરી એમણે ફ્રોક ઊંચું કરી, પગ પર હાથ ફેરવવા માંડ્યો... હું એકદમ એમનો હાથ છોડાવી, ઊભી થઈ ગઈ. પાટની નીચે ઊતરી ગઈ. એમણે પાછી મને જોરથી પકડી, સહેજ ગુસ્સામાં કહ્યું, ‘ચાલ સૂઈ જા, કહું છું.’ ને અચાનક માની બૂમ સંભળાઈ - ‘યામિની !’ શેઠ પણ ચમકી ગયા. મને છોડી દીધી. કહે, ‘જા, તારી મા બોલાવે...’ મારી મા શેઠને સારી રીતે ઓળખતી હતી. મારી મા મને એકલી મૂકીને ક્યાંય ન જતી. એ દિવસે કોણ જાણે કેમ, મને ઓટલે બેસાડી એ બાજુના બંગલા વાળવા ગઈ. ને પછી દોડતી દોડતી હું બહાર આવી ગઈ. હસતી કૂદતી માને વળગી ગઈ. શેઠે આપેલો ચોકલેટનો ઢગલો બતાવ્યો હતો, ને કહેલું, ‘જો મા, ભૂપતશેઠ કેવા સારા છે. મને આટલી બધી ચોકલેટ આપી.’ માનો ગુસ્સો એ વખતે મને સમજાયો ન હતો. એણે મને બે ગાલ પર બે તમાચા મારી દીધા હતા, ને બધી ચોકલેટ અહીં આ આંગણામાં જ ફેંકી દીધી હતી. શેઠ સિંયાવિંયા થઈ ગયા હતા, પણ ચૂપ રહ્યા હતા. મને કંઈ સમજાયું નહિ, પણ માએ મારી તેથી રડવા લાગી હતી. માને કહેતી, ‘મારે કેમ છે? મેં શું કર્યું છે?’ ત્યારે એણે કહેલું, ‘તેં કંઈ નથી કર્યું, પણ ખબરદાર ! હવે શેઠ પાસે એકલી ગઈ છે તો.’ ઘેર ગયા પછી માએ મને પ્રશ્નો પૂછીને થકવી નાખી હતી. ‘શેઠે તારી સાથે શું કર્યું હતું બોલ?’ ને મેં ભોળા ભાવે બધું જ કહી દીધું... ને મારી માએ મને ઝૂડી નાખી હતી. ને પછી પોતેય રડવા લાગી હતી. અરે, હાય, મારાં કરમ ફૂટી ગયાં. મેં વળી તને ક્યાં એકલી મૂકી ! સમયસર આવી ન પહોંચી હોત તો...? પણ એ પછી તો હુંય થોડી સાવધ થઈ ગઈ હતી. મોટી થતાં તો ઘણું બધું સમજાઈ ગયેલું. આ મોટા લોકો અમારી મજબૂરીનો લાભ લેતા, નાની નાની છોકરીઓનેય ન મૂકે. પણ એવી વાત કરીએ પણ કોને? કોઈ અમારું સાચું ન માને. મારા બાપા અમને ભાઈબેનને નાનાં મૂકીને અવસાન પામ્યા હતા. મારી માને નોકરી ઉપરાંત આવા બંગલા વાળવા જ પડે. અમને બન્નેને ઉછેરવા, ભણાવવા, એમને વધુ કામ કરવું જ પડે તેમ હતું. પણ મારી મા તો ખૂબ જ જાત સાચવીને રહેતી... આ હું જ આજે, અત્યારે આમ, શેઠના દીકરાની ચુંગાલમાં ફસાઈ ગઈ. આ તમારા ઘરવાળા બહાર ભલે ‘ભૂપતશેઠ’ તરીકે પૂજાતા હોય, પણ અમારી નાતમાં એની જરાય સારી છાપ નથી. મારી મા તો ખૂબ ચકોર ને હોશિયાર, એટલે છટકી જઈ શકી. બાકી એ વિધવા થયા પછી એને ફસાવવા, ફોસલાવવા એમણે ઘણા પ્રયત્ન કર્યા હતા. મારી માએ તો રોકડું પરખાવી દીધું હતું. ‘હું ભિખારી નથી. સ્વમાનભેર કામ કરીને કમાવામાં માનું છું. તેં મને એવી ધારી? જા... જા... આ તો શેઠાણીબા ભગવાનું માણહ છે, ને તેથી તમારો બંગલો વાળવા આવું છું. નહિ તો મારે કામના તોટા નથી. તમારે બંગલે તો પગ પણ ન મૂકાય...’ ને એ જ શેઠનો દીકરો વીરેન્દ્ર એમના જેવો જ વરણાગી ને વિલાસી. મને પ્રેમનું નાટક કરી ભોળવી. ને આમ અધવચ છોડી દીધી... મનેય વળી થોડું ભણી, કૉલેજની હવા લાગી. ઊંચા ઊંચા સ્વપ્નાં જોવા લાગી. હવામાં મિનારા બાંધવા લાગી. ને વિશ્વાસે દિલ ને દેહ બન્ને તમારા આ દીકરાને દઈ બેઠી. જાહેરમાં તો એ મારી સાથે ફરી ન શકે, તમારા મોટા લોકોની પ્રતિષ્ઠા જોખમાય ને ! તેથી અમે ફાર્મ હાઉસમાં મળતાં. મને એમ કે લગ્ન કરવાનો જ છે, પછી શું વાંધો? પણ મેં ભૂલ કરી, તમારા જેવા કહેવાતા મોટા લોકોની જાળમાં ફસાઈ. અમે અવારનવાર મળતાં. હું સગર્ભા થઈ. એની પણ મેં એને જાણ કરી. લગ્ન કરવા સમજાવ્યો હતો, પણ એ તો કાયર નીકળ્યો. સાવ કાયર... મારી વાત માનવા તૈયાર ન થયો. ગુસ્સે થઈ ગયો. મેં મારું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. પણ મેં તો પ્રેમ કર્યો હતો ને મારે પાપનાં પોટલાં બાંધવા ન હતાં. તેથી મારી મા મને બહારગામ લઈ ગઈ ને ત્યાં જ મારી પ્રસૂતિ કરાવી. હવે તો વીરેન્દ્ર સંમત થાય તોય મારે લગ્ન નથી કરવા. ના, આ દીકરી પણ તમને નહિ સોંપું. સડેલા વૃક્ષને મારી આ નાજુક કોમળ વેલ મારે નથી સોંપવી. વીરેન્દ્ર ! તેં ભલે પ્રેમનું નાટક કર્યું, મેં તો સાચા દિલનો પ્રેમ કર્યો હતો. મારી આ દીકરીને સ્વીકારનાર ડૉક્ટર યુવક મને મળી ગયો છે. અમે બંને એને પ્રેમથી ઉછેરીશું, ભણાવીશું ને પછી અમે સૌ, આ તમારા ઉજળિયાતોના ભાંડા ફોડીશું. – કોર્ટમાં જઈશું. તમારી આબરૂના લીરેલીરા ઉડાડશું. તમને સૌને કોર્ટમાં ઘસડી જઈશું. ત્યાં સુધી થોડા દિવસ આબરૂની ચાદર ઓઢી સૂઈ જાઓ. પછી લીરાને ક્યાંથી ઓઢશો? ચાલો મા.’ ‘ચાલ દીકરી !’ દીકરીની નાની ટમટમતી આંખો સામે જોઈ મીઠું મલકી... પગથિયાં ઉતરતાં પાછી બોલી ઊઠી, ‘શેઠ ! વીરેન્દ્ર, આવજો ત્યારે, હવે મળીશું કોર્ટમાં... ને હવે જીત અમારી હશે. વર્ષોથી, યુગોથી સત્ય પર અસત્યના વાઘા પહેરી ફર્યા છો, એ ઉતારી નાખીશું, ને તમે, શું છો, કેવા છો,... એ સૌને બતાવશું. ને હવે વિજ્ઞાનની શોધ જરૂર સત્યને પ્રગટ કરશે. વિજય સત્યનો જ થશે.’