કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/રસ્તો કરી જવાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:19, 18 November 2024

૫. રસ્તો કરી જવાના

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઈ નથી ભય તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

૧૭-૫-૧૯૪૪(આઠોં જામ ખુમારી, પૃ. ૨૦૨)