કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કેટલું અંધેર છે સાકી!
કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી!
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી!
અહીં દુઃખ એ જ છે મોટું સમજમાં ફેર છે સાકી!
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી!
દુઃખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી!
છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી!
ખબર હોતે તિખારા છે તો અશ્રુઓ નહીં લેતે,
અમોને એમ કે એ મોતીઓની સેર છે સાકી!
ખબર નો'તી સમય આ રંગ પણ દેખાડશે અમને,
હતાં જેમાં અમી એ આંખડીમાં ઝેર છે સાકી!
જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું!
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી!
કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી!
જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા જ્યાં બધું જાહેર છે સાકી!
પરાઈ આશ પર મજબૂર ના કર જીવવા મુજને,
દવાના રૂપમાં એ એક ધીમું ઝેર છે સાકી!
નહીં મસ્તી, નહીં સાહસ, નહીં પૌરુષ, નહીં ઓજસ,
અમારી જિંદગી ને મોતમાં શો ફેર છે સાકી!
એ તારે ભૂલવું ના જોઈએ કે ચૌદે રત્નોમાં,
સુરા શામિલ ન હો તો ચૌદે રત્નો ઝેર છે સાકી!
પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી!
કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ‘ઘાયલ' તણું વર્ષો થયાં ખંડેર છે સાકી!
૨-૧૦-૧૯૫૦(આઠોં જામ ખુમારી, પૃ. ૧૮૬)