ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/નર્મદાશંકર ભોગીલાલ પુરોહિત: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:34, 7 February 2025
એઓ ઇડર સ્ટેટના બાયડ ગામના વતની, જાતે શ્રીગૌડ બ્રાહ્મણ છે. એમનો જન્મ બાયડ ગામે તારીખ ૮મી ઓગસ્ટ ૧૮૯૭ના રોજ થયો હતો. એમના પિતાનું નામ ભોગીલાલ અનોપરામ અને માતાનું નામ શ્રીમતી મંછાબા કુબેરભાઈ ઉપાધ્યાય છે. એમનું લગ્ન સન ૧૯૧૭માં ઠાસરા તાલુકાના વનોડા ગામે શ્રીમતી સરસ્વતીબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક અભ્યાસ એમણે બાયડ તથા અમદાવાદ કર્યો હતો, માધ્યમિક અમદાવાદ તથા ઉમરેઠમાં અને કૉલેજ શિક્ષણ ગુજરાત કૉલેજમાં લીધું હતું. સન ૧૯૧૯માં તેઓએ બી. એ.,ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં સંસ્કૃત ઑનર્સ સાથે પાસ કરી હતી. તે પછી એક વર્ષ કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું હતું, અને સને ૧૯૨૧માં સંસ્કૃત અને ઇંગ્રેજી વિષયો લઈને એમ. એ; થયા હતા. સને ૧૯૨૧ થી ૧૯૨૩ સુધી તે ગુજરાત કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. હાલમાં તેઓ જુનાગઢમાં બહાઉદ્દિન કૉલેજમાં સંસ્કૃતના મુખ્ય અધ્યાપક તરીકે કામ કરે છે. સાહિત્ય અને તત્ત્વજ્ઞાન એમના પ્રિય વિષયો છે. શંકરાચાર્યનું તત્વજ્ઞાન એમને ખાસ આકર્ષક છે, અને કૉલેજ જીવનમાં પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવે એમના પર ઉજ્જવળ સંસ્કાર પાડયા હતા. વળી એમણે ૧૯૨૬માં બી. ટી.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી હતી. જુનાગઢ આર્કીલૉજીકલ સોસાઇટીના તેઓ માનદ મંત્રી નિમાયલા છે. ભાસનાં બે નાટકો स्वप्नवासवदत्त અને प्रतिमानाटक એમણે ઈંગ્રેજી અનુવાદ અને ઉપોદ્ઘાત સાથે સંપાદન કરેલાં છે, અને વિદ્વદવર્ગે તેની પ્રશંસા કરેલી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને એમણે પ્રો. કિથકૃત સંસ્કૃત નાટકનો તરજુમો ગુજરાતીમાં કરી આપ્યો હતો તે બે ભાગમાં છપાયો છે.
-: એમની કૃતિઓ :-
| ભાસકૃત स्वप्नवासवदत्त | ૧૯૨૯ |
| ” प्रतिमानाटक | ૧૯૩૦ |
| સંસ્કૃત નાટક કીથકૃત–અનુવાદ ભા. ૧ | ૧૯૩૩ |
| ”” ભા. ૨ | ૧૯૩૪ |