મારી હકીકત/તા. ૧૦મી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| તા. ૧૦મી | }} {{Poem2Open}} ડા0 હંમેશને માટે પુછો છે કે મુદતને વાસ્તે? ન0 હંમેશને માટે, મુદત નહિ. ડા0 આટલાં વર્ષ આમ,આટલાં વર્ષ આમ, એવી રીતે મુદતસર હું રહેવાને ઇચ્છું છું. ન0 વારૂ, બોલ તો ખરી...")
(No difference)

Revision as of 01:47, 16 March 2025


તા. ૧૦મી

ડા0 હંમેશને માટે પુછો છે કે મુદતને વાસ્તે?

ન0 હંમેશને માટે, મુદત નહિ.

ડા0 આટલાં વર્ષ આમ,આટલાં વર્ષ આમ, એવી રીતે મુદતસર હું રહેવાને ઇચ્છું છું.

ન0 વારૂ, બોલ તો ખરી.

ડા0 હજી મેં પાકો વિચાર કીધો નથી.

તા. ૧૩મી સપટેમ્બર ભાદરવા સુદ ૧ બુધ.

ન0 – ત્યારે કેમ?

ડા0 એકેક વર્ષની મુદત માગું છું.

ન0 એમ હું ઇચ્છતો નથી, કેમકે વારેવારે વ્યવસ્થા કરવી એ ઠીક નહીં.

ને તારાથી ઠરીને એક પણ સ્થિતિમાં વર્તાય નહિ.

ડા0 જો એક સ્થિતિ અનકૂળ નહિ આવે ત્યારે બીજી બદલવાની ઇચ્છા થશે ને જે લીધી તે અનુકૂળ આવી, તો બીજીનું શું કામ છે?

ન0 ત્યારે પહેલી કેઈ લેવી છે?

ડા0 ખુંદ્યાં ખમવાની.

ન0 એ તુને ભારે પડશે. હું ઇછું છું કે પ્રથમ બીજી કોઈ લે ને છેલ્લી તે લેજે.

ડા0 બીજી કોઈ લેવાને હાલ મને અનુકૂળતા નથી.

ન0 વારૂ, ઘર ઉઘાડી ત્યાં સ્વતંત્ર રહેવાને કહું તો?

ડા0 મારે ઘર સાથે કંઈ સંબંધ નથી. જ્યાં સગવડ હોય ત્યાં રહેવું.

ન0 ત્યારે હવે એવી તજવીજ કરી આપું કે તારે માટે ઘર ભાડે રાખું ને તું એકલી રહે તો કેમ?

ડા0 છેક એકલાં તો કેમ રહી શકાય?

ન0 સારો પડોસ આપું.

ડા0 હાલ મેં જે ઉપલી કલમ કબૂલ કીધેલી છે, એટલે એ બીજા સવાલોની જરૂર નથી.

ન0 ઠીક, આવી ઠેકાણે.

ડા0 ના, આટલા માટે કે એક વાતનો પાકો અનુભવ કરી લેઈ પછી તેમાં ના પાલવ્યું ને બીજું લેઈએ તો તો પશ્ચાત્તાપનું કારણ ન રહે.

ન0 બહુ સારૂં.

ડા0 હું મારા મન સાથે કોઈ રીતનો વેરાગ રાખવા ઇચ્છું, તો તેના ઉપર મારી સત્તા ખરી કે નહીં?

ન0 – વેરાગનો પ્રકાર જાણી લીધે કહેવાય, ને જ્યારે ખુંદ્યાં ખમવાની કબૂલાત છે તો તારે કોઈ પણ વાતે તારી પોતાની સત્તા રાખવાની ઇચ્છા કરવી એ વળી શું?

ડા0 મારાં મન થકી હું કોઈ પણ પ્રકારના નિયમથી રહેવા માગું તો હું નથી ધારતી કે તેમાં તમને અડચણ જેવું હોય.

ન0 તું જે નિયમ પાળવાને ઈછે તે કહી જણાવવાને તુંને રજા છે, પણ અમલમાં આણવાને તો મારી પ્રસન્નતા ને આજ્ઞા હોય તો જ તારાથી તે નિયમ પળાય. તું કહીશ ખરી કે ફલાણું વ્રત કરૂં, પણ હું રાજી હોઉં ને આજ્ઞા આપું તો જ તારે વ્રત પાળવું, બાકી નહિ. હજી તારે ખુંદ્યાં ખમવાનું નાકબૂલ કરવું હોય તો સુખે તેમ કર. મારી ઈછા તો એવી ખરી કે બીજા અનુભવ કરીને છેલ્લે ખુંદ્યાં ખમવાં પર આવવું. હજી વિચાર કર, પહેલી કોઈ સ્થિતિનો ભોગ કરવો તે. ખુંદ્યાં ખમવાની કે સ્વતંત્ર રહેવાની? બીજે વર્ષે સ્વતંત્રતા લેઈ પાછી પાછી ખુંદ્યાં ખમવા પર આવે તે તો હું ન જ અંગીકાર કરૂં, કેમકે ત્યારે તું અતિનષ્ટા હોય.

ડા0 સ્વતંત્ર રહીને પણ શું હું તમને દુષણ લગાડવાની છું? ને દુષણ લાગે તેવું તમે ન જુઓ તો ફરી રાખવામાં શો વાંધો?

ન0 એ વાતમાં હવે તો હું ઉદાહર નહીં થાઉં. પહેલી કોઈ સ્થિતિ તે કહી દે.

ડા0 થવાનું હશે તેમ થશે, પણ મેં તો જે પહેલું કબૂલ કીધું છે તે જ કબૂલ છે.