સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:14, 7 April 2025


સંપાદક-પરિચય : દર્શના ધોળકિયા

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી-લેખકોએ કરેલા પ્રદાનને જોતાં દર્શના ધોળકિયાનું નામ અગ્ર હરોળમાં છે. વિવેચન, સંપાદન, ચરિત્રલેખન, અનુવાદ, સ્મરણકથાનાં ૨૫ જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. દર્શના ધોળકિયાનો જન્મ ૧૧-૦૧-૧૯૬૨ ના રોજ ભુજ મુકામે થયો. પિતા ચમનલાલ, માતા રસિકબાળા. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષાનું શિક્ષણ એમણે ભુજની ઇંદ્રાબાઇ હાઇસ્કૂલ અને શ્રી આર.આર.લાલન કૉલેજમાં મેળવ્યું. એમણે ગુજરાતી સાહિત્ય સાથે ૧૯૮૨માં સ્નાતકની અને ૧૯૮૪માં અનુસ્નાતકની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૯૦માં એેમણે ‘નરસિંહ મહેતાનાં આત્મચરિત્રાત્મક પદોનું સમીક્ષાત્મક અધ્યયન : નરસિંહચરિત્ર અને સંતચરિત્રની પરંપરાના સંદર્ભમાં’ એ વિશે પ્રો. જયંત કોઠારીના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૮૫થી ૨૦૦૮ સુધી ડૉ. દર્શના ધોળકિયા ભુજની આર. આર. લાલન કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક અને પછીથી અધ્યક્ષ રહ્યાં અને જુલાઇ ૨૦૦૮થી જૂન ૨૦૨૪ સુધી, નિવૃત્તિપર્યંત કચ્છ યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી વિષયનાં પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યાં. રાજ્ય સરકાર દ્વારા બે વખત કચ્છ યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ પદે પણ એમની નિયુક્તિ કરવામાં આવેલી. એમના માર્ગદર્શનમાં પચીસ ઉપરાંત વિદ્યાર્થીઓએ એમ.ફિલ અને પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદે તેમ જ ભારતીય સાહિત્ય અકાદેમીની ગુજરાતી સલાહકાર સમિતિના સભ્યપદે પણ રહેલાં. દર્શના ધોળકિયાને તેમના સાહિત્યિક પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદનાં વિવિધ પારિતોષિકો, ડૉ. પ્રમોદકુમાર પટેલ સ્મૃતિનિધિ વિવેચન-ઍવોર્ડ, પ્ર. ત્રિવેદી ઍવોર્ડ, ડૉ. જયંત ખત્રી - બકુલેશ ઍવોર્ડ, તારામતી વિશનજી ગાલા પુરસ્કાર, ભારતીય સાહિત્ય અકાદેમીનો અનુવાદ પુરસ્કાર, મહર્ષિ અરવિંદ સુવર્ણચંદ્રક, હીરાબહેન પાઠક ઍવોર્ડ, કમલા પરીખ ઍવોર્ડ અને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયેલાં છે.

— મેહુલ પટેલ