સાત પગલાં આકાશમાં/સ્ત્રીની યાત્રા : કારાગારથી કૈલાસ સુધી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 181: Line 181:
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |નંદિગ્રામ, 
પોસ્ટ વાંકલ 
જિ. વલસાડ ૩૯૬ ૦૦૭ }} <br>
{{Right |નંદિગ્રામ, 
પોસ્ટ વાંકલ 
જિ. વલસાડ ૩૯૬ ૦૦૭ }} <br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Poem2Open}}
પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વખતે ફક્ત એટલું કહેવાની ઇચ્છા છે કે એવો સમય જલદી આવે, જ્યારે આ નવલકથામાં આલેખેલી પરિસ્થિતિ સંપૂર્ણપણે ભૂતકાળની બાબત બની ૨હે.
દરમ્યાન, આ નવલકથા લખાયા પછીનાં સાત વર્ષોમાં અનેક સામાજિક પરિવર્તનો આવ્યાં છે, સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી બદલાઈ છે, એમાં અલ્પપણે આ લખાણનો પણ ફાળો છે અને એનો મને આનંદ છે.
{{Right |કુન્દનિકા કાપડીઆ }} <br>
{{Right |નંદિગ્રામ, 
માર્ચ ૧૯૯૧ }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 00:12, 15 April 2025


સ્ત્રીની યાત્રા : કારાગારથી કૈલાસ સુધી

કુન્દનિકા કાપડીઆ


‘દુનિયામાં બધા અસમાન છે, પણ

સ્ત્રીઓ વધુ અસમાન છે.’

૧૯૮૨ના જુલાઈથી શરૂ થઈ ૪૦ અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ ત્યારે એણે ઠીક ઠીક ઊહાપોહ જગાડેલો, ‘તમને જેલમાં મોકલવાં જોઈએ’થી માંડી ‘તમને નોબેલ પારિતોષિક અપાવું જોઈએ’ — સુધીની પ્રતિક્રિયાઓ સાંભળવા મળી હતી. મારા સદ્ભાગ્યે જેલમાં મોકલવાની ઇચ્છા રાખનારાઓની સંખ્યા જૂજ હતી. મારો મોટો પુરસ્કાર તો હતો ચારે ત૨ફથી મને મળેલા સેંકડો સ્ત્રીઓના પત્રો, જેમાં એક જ સૂર મુખ્ય હતો કે આ તો અમારી વાત છે, અમે જે સહ્યું છે ને કહ્યું નથી તે અમારી વેદના, અમારાં આંસુ, અમારા દબાયેલા આક્રોશની આ વાત છે. એટલે સુધી સ્ત્રીઓને વસુધાના જીવનમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાયું છે કે તેમણે મને ઘેર મળવા આવીને, પત્રો લખીને, ટેલિફોન કરીને, રસ્તામાં ઊભી રાખીને એ વિશે વાત કરી છે. સાવ અજાણી સ્ત્રીઓએ રાતવખતે ઘેર આવીને પોતાની વેદનાની કથાઓ મને સંભળાવી છે. રેખા જોષી નામનાં બહેને બહુ કલાત્મક રીતે લખેલું કે : ‘વસુધાનું પાત્ર! મને લાગે છે કે હું એને મળી છું, એને ઓળખું છું. ખૂબ યાદ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એ હું જ છું.’ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હંમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે એમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે. છતાં કેટલાક લોકોને એમ લાગ્યું છે કે નવલકથાનું આલેખન વાસ્તવિકતાથી દૂર છે. તેમને લાગે છે કે સ્ત્રીઓનું આ સમાજમાં હંમેશાં ગૌરવભર્યું સ્થાન રહ્યું છે. માતા તરીકે તે પૂજનીય ગણાઈ છે, પુરુષની પાછળ તેની જ શક્તિ કામ કરે છે. ‘ભારતીય સ્ત્રીત્વનો ખ્યાલ સદા ઊંચો રહ્યો છે અને તેના આધારે જ ભારતીય સમાજ હજી ટકી રહ્યો છે. વાસ્તવિકતા શી છે? વેદકાળમાં સ્ત્રીઓને વારસા-અધિકાર સિવાય ઘણીબધી બાબતોમાં પુરુષોની સમાન અધિકારો હતા. પછી મનુસ્મૃતિના કાયદા અને વર્ણવ્યવસ્થા આવ્યાં અને સ્ત્રીને શૂદ્રની હરોળમાં સ્થાન મળ્યું. છેક ત્યારથી સ્ત્રીઓ અને શૂદ્ર — બન્ને વર્ગના પ્રશ્નો લગભગ સમાંતર રહ્યા છે. સ્ત્રીની લગ્નવય ઘટાડી નાખવામાં આવી, તેથી તેનું શિક્ષણ પણ ઘટ્યું. આદર્શ સ્ત્રીની અનેક વ્યાખ્યાઓ બાંધવામાં આવી, જેમાં તેના સમગ્ર વ્યક્તિત્વને પુરુષ સાથેના સંબંધોમાં સીમિત કરી દેવામાં આવ્યું. પતિ ગમે તેવો હોય, પણ તેના પરત્વે સંપૂર્ણ આજ્ઞાધીનતાને સૌથી મોટો ગુણ ગણવામાં આવ્યો અને તેને આનુષંગિક ત્યાગ અને સહનશીલતા સ્ત્રીની જ વિશેષતા મનાઈ. સ્ત્રીને પતિની સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રોને જન્મ આપનાર સાધન જ માત્ર ગણવામાં આવી. સ્ત્રીની પવિત્રતા માટે અનેક નિયમો, પ્રતિબંધો રચાયા. પિતૃસત્તાક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધાં જ ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય સ્થપાયું. ‘પતિ એ જ પરમેશ્વર’ એ સ્ત્રી-જીવન માટે માર્ગદર્શક સૂત્ર બન્યું. તેના જીવનમાં બધાં સમીકરણો પતિ સાથેના સંબંધમાં જ રચાયાં. એક પુરુષને સંત થવા માટે દીર્ઘ પુરુષાર્થભરી સાધના કરવી પડે. સ્ત્રીને સતી થવા માટે કેવળ પતિનિષ્ઠાની જરૂર. એટલે જ સતીત્વ શબ્દમાં ‘સત’નો જે એક વધારાનો અર્થ છે તે ફક્ત સ્ત્રી માટે છે. ‘સતીત્વ’ જેવો, પુરુષને માટે વાપરી શકાય તેવો કોઈ શબ્દ નથી, કારણ કે પુરુષ માટે એવી કોઈ વિભાવના જ નથી. રામાયણ-કાળમાં રામે સીતાનો ત્યાગ કર્યો અને અમુક વર્ષે એ ત્યાગને બિરદાવ્યો, કારણ કે રામે વધુ ઊંચા મૂલ્ય માટે — પ્રજામત માટે — સીતાનો ત્યાગ કર્યો હતો. પણ સીતાએ કહ્યું કે હું તો રામની છાયાની જેમ તેમની સાથે જઈશ, કારણ કે તેના જીવનમાં રામ કરતાં વધારે ઊંચું મૂલ્ય બીજું નહોતું. સીતા માટે જીવનનું અંતિમ ગંતવ્ય રામ જ છે, રામ માટે અંતિમ ગંતવ્ય સીતા નથી. સીતાએ કહ્યું : ભવોભવ તમે જ પતિ તરીકે મળજો. રામે એવી કોઈ પ્રાર્થના કરી નથી. પિતાને માટે રામે રાજ્ય તજી વનવાસ લીધો હતો. પત્ની માટે તે રાજ્ય તજી વનમાં સાથે જઈ શક્યા નહિ. મહાભારતની વાત જોઈએ. યુધિષ્ઠિર દ્રૌપદીને દ્યૂતમાં હારી ગયા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું કે ધર્મરાજા પોતાની જાતને હારી ગયા છે, તો તે પછી મને હોડમાં મૂકવાનો તેમને અધિકાર છે ખરો? એટલે કે ધર્મરાજાનો દ્રૌપદીને હોડમાં મૂકવાનો અધિકાર હોત — જો તે પોતાને હારી ગયા ન હોત! આમ સ્ત્રી જીતવાની, હારવાની, શરતમાં મૂકવાની, દાનમાં આપવાની વસ્તુ ગણાઈ છે. આપણા એક પ્રખર ચિંતક દાદા ધર્માધિકારીએ ક્યાંક લખેલું : પુરાણકથાઓમાં સ્ત્રીઓનો મુખ્યત્વે શો રોલ હતો? કોઈ ઋષિમુનિને ચળાવવા હોય તો તેનો ઉપયોગ થતો. કોઈ રાજા ખુશ થાય તો કહે : અર્ધું રાજપાટ અને રાજકન્યા આપીશ. પ્રસન્ન થઈને રાજા કોઈ વસ્તુ ભેટ આપે તેમ રાજકન્યા પણ આપે. એ પણ એક આપવાની વસ્તુ. લગ્નમાં અપાતું ‘કન્યાદાન’ પણ કન્યાદાનની વસ્તુ હોવાનું સૂચવે છે. સ્ત્રીની એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ગણના થઈ ન હોવાથી અને તેના જીવનનું સમગ્ર મૂલ્ય પુરુષ સાથેના સંબંધમાં જ વણાયું હોવાથી, તેનાં નામરૂપ સહિત સઘળી ઓળખ પુરુષ-આધારિત છે. એક સ્ત્રી કાં તો પત્ની છે, કાં વિધવા છે. એક પુરુષની ઓળખાણ આપતાં તે શ્રી મોહન પટેલ છે, એમ કહીએ તો ચાલે. તે કવિ છે કે કામદાર છે, તેટલી ઓળખ બસ થાય. તે પરણેલો છે કે નહિ તે જાણવાનું અપ્રસ્તુત છે. પણ સ્ત્રીના નામ આગળ આખોયે વખત મિસ કે મિસિસ, કુમારી કે શ્રીમતી જેવાં વિશેષણો લગાડી તેની લગ્નસંબંધે શી સ્થિતિ છે તે જાહેર થતું રહે. પરણ્યા પછી સૌ. કે અ. સૌ. લગાડીને અને વિધવા થાય ત્યારે ગંગાસ્વરૂપ લગાડીને પણ તેની પતિવિષયક સ્થિતિની જાહેરાત થતી રહે. નામની જેમ વેશભૂષા પણ સ્ત્રી તરીકે પુરુષ-સંબંધમાં તે શું છે, તે વ્યક્ત કરવાનું કામ કરે છે. પતિ હોય, તો તે અમુક શણગાર કરે, સરસ કપડાં પહેરે. ન હોય તો મંગલસૂત્ર, નાકમાં ચૂંક, ચાંલ્લો વગેરે ધારણ ન કરી શકે. (હમણાંથી વિધવા થતાં કાળો ચાંલ્લો કરવાનું શરૂ થયું છે, જે પણ આ પ્રકારની જાહેરાતનું સૂચક છે અને તેથી એક ખોટી પ્રથા ઊભી થઈ છે.) અ. સૌ.માં પતિ જ સ્ત્રીનું સૌભાગ્ય એવું સ્પષ્ટ સમીકરણ છે. સ્ત્રી બીજી રીતે ગમે તેટલો યશ મેળવે, ઉત્તમ કાર્યો કરે, પણ પતિ ન હોય તો તેને સૌભાગ્યવતી ન કહી શકાય. સૌભાગ્ય એટલે કે સારાં ભાગ્યમાં માત્ર પતિ જ ગણાય. તે ગમે તેવો દુર્જન હોય ને તેનાથી છૂટતાં સ્ત્રીને હાશ થતું હોય, તોપણ, તે ન હોય તો સ્ત્રીનું ભાગ્ય આથમી ગયેલું જ ગણાય. વળી સ્ત્રીને આશીર્વાદ અપાય : ‘સૌભાગ્યવતી ભવ.’ અને એ દ્વારા પતિનું દીર્ઘાયુષ્ય ઇચ્છવામાં આવે. સ્ત્રીને સીધા ‘દીર્ઘાયુષી થા’ના આશીર્વાદ અપાતા નથી, કારણ કે એક પત્ની ગુજરી જાય તો બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લેવાનું પુરુષ માટે સહજ છે. જે લોકો ભારતીય સ્ત્રીની પ્રતિમાને ઊંચા આસને બેસાડી તેના ભણી અહોભાવથી જુએ છે તેમને પૂછીએ કે : ધારો કે સ્ત્રીનું આ સમાજમાં જે સ્થાન છે, અને એને કારણે તેને જે સહેવું પડે છે, તે પુરુષને ભાગે આવે તો? ધારો કે પુરુષને લગ્ન કરતાંવેંત માબાપથી વિખૂટા પડવાનું આવે તો? નાનપણથી પુરુષના મનમાં એમ જ ઠસાવાતું રહે કે પરણીને સ્ત્રી સાથે મેળપૂર્વક જીવવું અને સાસરિયાંની સેવા કરવી એ જ તેના જીવનનું લક્ષ્ય છે, તો? પરણતાંવેંત પુરુષનાં નામઠામ-અટક-ધર્મ બદલાઈ જતાં હોય, તો? સ્ત્રીને આજ્ઞાધીન થઈને રહેવામાં જ તેની સર્વોચ્ચ ગુણવત્તા ગણાતી હોય, તો? પત્ની મૃત્યુ પામતાં તેણે શોક પાળીને દિવસો સુધી ઘરમાં રહેવાનું હોય, મનપસંદ કપડાં ધારણ ન કરવાનાં હોય, પોતે વિધુર છે એવું પોતાના ૫હે૨વેશ અને નામ દ્વારા પ્રગટ કરતાં રહેવાનું હોય, તો? લગ્નની વિધિમાં ‘પુરુષદાન’ અપાતું હોય, પરણેલા પુરુષને ‘શ્રીમાન’ કે ‘સૌભાગ્યવાન’ અને વિધુરને ‘હિમાલય સ્વરૂપ’ જેવું વિશેષણ લાગતું હોય, તો? ઘ૨માં સ્ત્રીનું જ વર્ચસ્વ હોય, સંપત્તિનો વહીવટ તે જ કરતી હોય, પુરુષને ઊતરતા સ્થાને રાખવાના કાનૂન તેણે જ ઘડ્યા હોય, જન્મથી જ પુરુષ ત્યાગ અને સેવા માટે, સ્ત્રીનાં સુખ ને સગવડ માટે સર્જાયો છે એવો આદર્શ ઘડી તેને સરસ મજાનું નામ ૫હેરાવી પુરુષના મગજમાં ઉતારી દીધું હોય, તો? વિધુર થતાં તે અપશુકન ગણાતો હોય, તો? વિધુર પુરુષોનાં ટોળેટોળાં કાશી કે હરદ્વારમાં ગંગાના ઘાટ પર નિષ્ક્રિય જીવન ગાળતાં હોય, તો? અથવા તે ફરી પરણે તો, જેટલી વાર પરણે તેટલી વાર તેનાં નામ-અટક બદલાતાં હોય, તો? કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિ આ પ્રશ્નો વાંચીને અસ્વસ્થ થઈ જાય. અને સ્ત્રી આ અન્યાય સહે જ છે, સદીઓની સદીઓથી સહેતી આવી છે. નાનપણથી જ સ્ત્રીના જીવનની ગતિ પુરુષની દિશામાં રહી છે. છોકરીએ પરણીને બીજાના ઘેર જઈ ત્યાં આજ્ઞાધીન થઈને સમાધાનપૂર્વક રહેવાનું છે એ લક્ષ્ય ખ્યાલમાં રાખીને જ છોકરીને ઉછેરાય છે; કંઈક ભૂલ થતાં ‘સાસરે જઈને શું કરીશ?’નો ઉપાલંભ અપાય છે. એને અનુલક્ષીને જ તેને ભણાવાય છે કે ભણતી ઉઠાડી લેવાય છે. છોકરી પરણીને પતિને માબાપથી અલગ રહેવા પ્રેરે તો તેની ખૂબ ટીકા થાય છે, પણ લગ્ન પોતે જ છોકરીને તેનાં માબાપથી અલગ કરે છે, તે વિશે કોઈને કાંઈ અયોગ્ય લાગતું નથી. પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? પુત્રી અને પુત્રીનાં માબાપ વચ્ચે નહિ? છોકરી પોતાના ભવિષ્યનો પોતે નિર્ણય ભાગ્યે જ કરે છે. આ નવલકથા લખતાં — ૧૯૮૩માં — મેં ઘણી કૉલેજકન્યાઓ, કામ કરતી છોકરીઓ, કલા-પ્રવૃત્તિ કરતી તરુણીઓને પૂછેલું : ‘લગ્ન પછી તમે તમારું કામ ચાલુ રાખશો?’ એક-બે અપવાદ સિવાય બધી જ છોકરીઓએ કહેલું : ‘ઘર કેવું મળે છે તેના પર આધાર.’ ‘તમે જ તમારા ભવિષ્યના ઘડવૈયા છો.’ — એ પ્રેરણાત્મક સૂત્ર સ્ત્રી માટે નથી. પતિ કે સાસરિયાં ન ઇચ્છે તો તેઓ પોતાનું કામ, કલા, પ્રવૃત્તિ વગેરે છોડી દેવા તૈયાર છે, અને એમાં ગૌરવ પણ માને છે; કારણ કે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી કશી સિદ્ધિ મેળવવી તે નહિ, પણ પોતાની જાતનું વિલોપન કરવું તે પુરુષદત્ત આદર્શ સ્ત્રીના લોહીમાં વણાઈ ગયું છે. એ જ તેને પોતાનું ચરમ કર્તવ્ય લાગે છે. બૌદ્ધિકતા, નિર્ભયતા, સ્વતંત્ર અભિપ્રાય, વિકસિત વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ — એ પરણવા માગતી છોકરીના ગુણ ગણાતા નથી. પહેલાં રૂપ જોવાય છે, પછી વિનયવિવેક છે કે નહિ તે જોવાય છે અને એ વિનયને, સંકોચશીલતાને સંસ્કારિતાનું નામ અપાય છે. લગ્ન પહેલાં તેની અન્ય ક્ષેત્રની સિદ્ધિઓની પ્રશંસા થાય છે, પણ લગ્ન પછી તો ઘરકામની કુશળતા, સંપૂર્ણ આજ્ઞાંકિતતા ને લજ્જા જ તેનાં આભૂષણ ગણાય છે. કવિઓ-લેખકોએ ‘લજ્જા’ને શોભા ગણી તેનાં સુંદર આલેખનો કર્યાં છે, જેથી સ્ત્રીઓ લજાઈને પોતાના સ્પષ્ટ અભિપ્રાય ઉચ્ચારી ન શકે. હકીકતમાં લજ્જા કોઈ ખોટું કામ કર્યું હોય તેની, બાકી લજ્જામાં ગુણ જેવું છે જ શું? વિનય અને લજ્જા પર્યાય નથી. સરળતા, સ્પષ્ટતા, નિર્ભીકતા એ સરાહનીય તત્ત્વો છે. લગ્ન પછી સ્ત્રીની આખી યાત્રા આ સ્વતંત્ર હસ્તીના વિલોપનની યાત્રા છે. પરણવું એટલે પ્રભુતામાં પગલાં પાડવાં એ પુરુષનું કથન છે. લગ્નથી પુરુષને પ્રભુતા, એક વ્યક્તિ પર અધિકાર, તેની પાસેથી સેવાચાકરી પામવાનો હક મળે છે. સ્ત્રીને માટે એ આનંદભરી મુક્ત હલનચલનની વાટિકામાંથી ઘરકામ, જવાબદારી અને પ્રતિબંધોની બંધ હવેલીમાં પ્રવેશ છે. સ્ત્રી લગ્ન દ્વારા કોઈની સેવાચાકરી પામતી નથી. તેણે તો બધાંની સેવા કરી, બધાંને રીઝવી પોતાનાં અભિપ્રાય, ઇચ્છા, રુચિ, આગ્રહ જતાં કરી એક વ્યક્તિત્વવિહોણા યંત્ર જેવા થઈ ૨હેવાનું હોય છે, સાસરિયાંઓને શું લાગશે તેની સતત કાળજી કરીને જીવવાનું હોય છે, તેમના બધા સામાજિક વ્યવહાર સાચવવાના હોય છે. પુરુષની, પત્નીનાં સગાં પ્રત્યે ભાગ્યે જ કોઈ ફરજ ગણાય છે, સજ્જનતાવશ તે કોઈ ફરજ બજાવે તે જુદી વાત; જ્યારે સ્ત્રીની તો સાસરિયાં પ્રત્યે હજાર ફ૨જો હોય છે. લગ્ન થતાં પુરુષની જીવનવ્યવસ્થા ખાસ બદલાતી નથી. સ્ત્રીનું તો કેટલું બધું બદલાઈ જાય છે! તેનું ઘર ને કુટુંબ બદલાય છે, નામ અને અટક બદલાય છે, કામ બદલાય છે, ધર્મ બદલાય છે. ગઈ કાલે જ એક જુવાન છોકરી મળી. હમણાં જ એમ.બી.બી.એસ. પાસ થઈ છે. કહે : હવે મારું નામ સ્મિતા છે. મેં કહ્યું : તારું નામ તો સુનીતા હતું ને? કહે, લગ્ન પછી એ લોકોએ નામ બદલી નાંખ્યું, ઘ૨માં એ નામની બે વ્યક્તિઓ હતી. પણ ભાઈનું ને પતિનું નામ એક હોય, તો કોઈ સ્ત્રીએ પતિનું નામ બદલ્યું છે? આમ ઘરકુટુંબ-નામઠામગામ બદલવાને કારણે સ્ત્રીની મૂળ ઓળખ ક્યાંયે રહેતી નથી. એક જ કુટુંબના બે પુત્રોએ કોઈક ક્ષેત્રમાં નામ કાઢ્યું હોય તો તેના કુટુંબની તે રીતે પ્રતિષ્ઠા થાય, પણ એક કુટુંબની બે પુત્રીઓએ નામ કાઢ્યું હોય તો પહેલાં તો તે એક કુટુંબની છે તેની જ ખબર ન પડે, કારણ કે તેમની અટક બદલાઈ ગઈ હોય. પ્રસિદ્ધ શિક્ષણજ્ઞ ડૉ. મધુરીબહેન શાહ અને વહીવટી ક્ષેત્રે જાણીતાં જિલ્લા કલેક્ટર શ્રી મૃદુલાબહેન વશી બે બહેનો છે. કોઠારી કુટુંબની દીકરીઓ છે તેની લોકોને કેવી રીતે ખબર પડે? સરોજિની નાયડુ અને હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ભાઈબહેન થાય, એની ખબર પણ ઓછા લોકોને જ હશે. જ્યારે વિઠ્ઠલભાઈ ને વલ્લભભાઈ પટેલ બે ભાઈઓ થાય તેની તો તરત ખબર પડે. બન્ને જાણીતાં લેખિકા : વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા બહેનો છે અને લેખક ગુણવંતરાય આચાર્યની દીકરીઓ છે એની પણ સાધારણ વાચકસમાજને ખબર નહિ જ હોય. ધર્મ એક અત્યંત ઊંડાણભરી, ગંભીર, અંગત શ્રદ્ધાની બાબત છે. સ્ત્રીઓ વધુ ધર્મિષ્ઠ કહેવાય છે. પણ તેમને પોતાના ધર્મ જેવું હોય છે ખરું? તે બાળપણથી ધારો કે વૈષ્ણવ કુટુંબમાં હોય, પણ તે જૈન પતિ (કે સ્વામીનારાયણ કે કોઈ પણ)ને પરણે તો તે સહેલાઈથી જૈન ધર્મ અપનાવી લે. જાણે તેની પોતાની કોઈ આસ્થા જ નહિ, કોઈ વિચાર કે માન્યતા જ નહિ. સ્ત્રીએ વળી વિચાર કેવો કરવાનો? પતિનો ધર્મ એ જ તેનો ધર્મ. તેથી તો તેને ‘સહધર્મચારિણી’ કહી છે, પતિને ‘સહધર્મચારી’ કહ્યો નથી. કોઈ ઉદાર વિચારવાળા કહેવાતા કુટુંબમાં પત્નીને પોતાનો ધર્મ પાળવાની છૂટ હોય તોપણ, તેનાં બાળકો તો પતિના ધર્મનાં જ ગણાય. જ્ઞાતિ પણ બાળકોને બાપની જ મળે, માની નહિ. સ્ત્રીનું આમ સમગ્ર મૂલ્ય પુરુષ-આશ્રિત હોવાને લીધે જ પતિ ન હોય, તે તજી જાય તે મૃત્યુ પામે ત્યારે સ્ત્રીની ભારે દુર્દશા થાય છે. પહેલાંના સમયમાં વિધવાઓને માથે જે વીતતું તે વાંચીને આપણે કમકમી ઊઠીએ. પતિની ચિતા પર જીવતે જીવ તેને બાળી મુકાતી. હજી હમણાં સુધી તેના માથે મુંડન થતું. તે લાલ કે કાળો સાડલો જ પહેરતી. ઘરની બહાર ભાગ્યે જ નીકળતી. સમાજમાં તો નહિ, ઘરમાં પણ એની કોઈ કિંમત ન રહેતી. તેને ખાવાનું ઓછું આપી શરીર સૂકવી નખાતું, જેથી તેનું રૂપ કરમાઈ જાય, ભૂખના દુઃખે શારીરિક ઇચ્છાઓ મરી જાય અને તેની પવિત્રતા જળવાઈ ૨હે. જીવનના આનંદલોકમાંથી તેને સંપૂર્ણપણે બહિષ્કૃત કરવામાં આવતી. તે અપશુકન ગણાતી અને કોઈ મંગલ વિધિમાં ભાગ ન લઈ શકતી. સંપત્તિમાં તેનો ભાગ ન ગણાતો. તેની પરિસ્થિતિના થોડાંક સચોટ ચિત્રો આપણને શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં જોવા મળે છે. વિધવા સ્ત્રી ‘અમુકની વિધવા’ તરીકે ઓળખાય (પુરુષ ‘અમુકનો વિધુર’ એ રીતે કદી ઓળખાયો છે?) તેને મનગમતાં કપડાં પહે૨વાની, અલંકારો પહે૨વાની છૂટ નહિ. તેણે કપાળ કોરું રાખી (કે કાળો ચાંલ્લો કરી) પોતાની દયનીય સ્થિતિની જાણ કરતાં રહેવું પડે. પુરુષ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પરણે, નાની ઉંમરની કન્યા સાથે પરણે, બાળકો હોય તોપણ તેને પરણવામાં વાંધો ન આવે, પત્નીને મર્યાને ૨૪ ક્લાક પણ ન થાય ત્યાં લગ્નની ફરી વાતો ચાલે. પુરુષ પોતાની ઇચ્છાથી ન પરણે તે જુદી વાત, પણ તે પરણે તે સ્વાભાવિક લેખાય. જેમ લગ્નથી તેમ પત્નીના મૃત્યુથી પણ પુરુષની જીવનવ્યવસ્થામાં બહુ ફરક ન પડે, તેને માટે સ્ત્રી એ કાઢી નાખી શકાય તેવી વસ્તુ — એક્સપેન્ડેબલ કૉમોડિટી — છે. હજુ હમણાં સુધી તેને સંપત્તિ પર પણ કોઈ અધિકાર નહોતો. આજે મોટાં શહેરોના શિક્ષિત વર્ગમાં પરિસ્થિતિ થોડીક બદલાઈ છે, પણ બહોળા સમાજમાં તો આ જ સ્થિતિ છે. વિધવા થતાં સ્ત્રી ધર્મ તરફ વધુ વળે છે કારણ કે તેને કશુંક આલંબન જોઈએ છે. વિધવા — પુનર્લગ્નનું પ્રમાણ મધ્યમ વર્ગમાં આજે પણ ઘણું ઓછું છે. એટલું જ નહિ, કોઈ જાણીતી સ્ત્રી વિધવા થતાં ફરી લગ્ન કરે તો તેની ‘ઇમેજ’ને ક્ષતિ પહોંચે છે. અમેરિકી પ્રમુખ જૉન કૅનેડીના મૃત્યુ પછી, તેની પત્ની જૅકવેલિને ફરી લગ્ન કર્યાં ત્યારે મુંબઈના અગ્રગણ્ય વિદ્વાન અને આદરણીય ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ જેવાએ પણ તેની ટીકા કરતાં લખેલું કે ‘પ્રમુખ કૅનેડીની વિધવા તરીકે તે સંમાનનીય હતી પણ ફરી લગ્ન કરીને તેણે પોતાની જાતને ડુબાડી દીધી છે.’ આ એક વિધાન દ્વારા તેમણે સમસ્ત પુરુષશાહી માનસનું સ્ત્રી પ્રત્યેનું વલણ પ્રગટ કરી દીધું હતું. આમ ચારે બાજુથી મર્યાદાઓ આંકીને સ્ત્રીને માટે જે આ સ્થાન નક્કી કરવામાં આવ્યું છે તેની સામે તે વિદ્રોહ ન કરે, તે માટે આદર્શનાં અનેક દીપ્તિમંત નામોથી તેને મઢવામાં આવી છે, તેના સ્થાનને અનેક મહિમાઓથી મંડિત ક૨વામાં આવ્યું છે. આવું એક મહિમામય નામ છે : માતૃત્વ. આપણે ત્યાં માતૃત્વનું જે ગૌરવગાન કરવામાં આવ્યું છે તે એક ‘મિથ’ છે. હું તો એમ કહીશ કે તે એક મોટો દંભ છે. અરવિંદ આશ્રમનાં માતાજીએ એક વાર કહેલું કે ‘માતાને પોતાનાં બાળકો પ્રત્યે જે પ્રેમ હોય છે એના વિશે લોકોએ અદ્ભુત ચિત્ર ઊભું કરેલું છે… આ બાબતમાં માણસ પાસે શણગારેલી ભાષામાં વાત કરવાની જે શક્તિ છે તેને બાજુએ રાખીએ, તો પછી ઊંચા પ્રકારનાં પ્રાણીઓ — જેવાં કે આંચળવાળાં પ્રાણીઓ — મા પોતાનાં બચ્ચાં પ્રત્યે જે પ્રેમ હોય છે તે બરાબર આ જ પ્રકારનો હોય છે…’ બાળકને જન્મ પ્રત્યક્ષપણે માતા જ આપે છે; નવ મહિના ગર્ભ માના ઉદરમાં ઊછરે છે, આથી સ્વાભાવિક જ જન્મ-સમયે મા-બાળકનો એક આગવો સંબંધ બંધાય છે. જન્મ પછી લાંબા સમય સુધી બાળકના પોષણ-સંવર્ધન માટે માની કાળજી-હૂંફ-સેવાની જરૂ૨ છે. આ કાર્ય માટે પોતાનાં સુખસગવડ જતાં કરવાનું મા માટે સહજ છે, લગભગ ‘ઇન્સ્ટિંક્ટરૂપ’ છે. બાળકના જીવનસંરક્ષણ માટે માના પક્ષે આ અત્યંત જરૂરી છે, નહિ તો બાળકનો સ્વસ્થ ઉછે૨ મુશ્કેલ બને. પ્રાણીઓમાં પણ બરોબર આ જ વૃત્તિ બચ્ચાના ઉછે૨ માટે હોય છે. આમ સ્ત્રી એક એવું કાર્ય બજાવે છે, જે માનવ-જીવનમાં સાતત્ય માટે અનિવાર્ય છે. આ કાર્ય ફક્ત તે જ કરી શકે છે. આ એક અતિ વિશિષ્ટ કાર્ય માટે, તેણે ઘણો સમય જીવનનાં સમગ્ર ધ્યાન-શક્તિ રોકવાં પડે છે. પણ સ્ત્રીને આ અદ્વિતીય કામગીરી બજાવવા માટે પૂરતી સગવડ મળે છે? માતૃપદના ગૌરવ લેખે થોડાક શબ્દ-શણગારથી વધારે તેને કયું માન-સંમાન મળે છે? તેની વિશિષ્ટતાની ક્યાં ગણતરી થાય છે? કયાં કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, ક્રિયા-અનુષ્ઠાનો એવાં છે જેમાં માતાનું જ મુખ્ય સ્થાન હોય કે જેમાં માતા વગર ન જ ચાલતું હોય? માતૃત્વનું ગુણગાન ગાતા સમાજે માતાને કયા વિશેષ અધિકારો આપ્યા છે? પુત્રો માના મૃત્યુ પછી તેનું સ્મારક કરે છે, પણ મા જીવતી હોય ત્યારે તો તેને ઘણુંખરું પુત્રનાયે ઓશિયાળાં થઈને જ રહેવું પડ્યું હોય છે. વળી ‘મા’ — એ સ્થિતિનું ખરેખર જ ગૌરવ હોય તો કુંવારી માતા કે વિધવા થયા પછી બનેલી માતા કે બળાત્કારને પરિણામે પરાણે બનેલી માતાનું શું? તેને તો કેવી લાંછનભરી સ્થિતિમાં જીવવું પડે છે! બાળકનો તેણે ત્યાગ કરવો પડે છે કે દંભભરેલું જીવન ગાળવું પડે છે; નહિ તો પછી ‘કાશીનો દીકરો’ વાર્તામાં બને છે તેમ, જવાબદાર પુરુષને માથે તો કોઈ આપત્તિ આવી પડતી નથી, ભોગ બનેલી સ્ત્રીને જ જાતજાતની વ્યવસ્થાઓ ને સાચુંજૂઠું કરવું પડે છે. બાળકને જન્મ આપે તે મા — એ અર્થમાં તો આ સ્ત્રીઓ પણ માતાઓ જ છે. તો ક્યાં છે તેમની સંભાળ, તેમની રક્ષા? કોણ કરે છે તેમનું સંમાન? માતાને આમ પણ કોઈ વિશેષ માન મળે છે જ ક્યાં? પોતાના સંતાનને તે પોતાનું નામ નથી આપી શકતી. લગ્ન કે અન્ય આમંત્રણપત્રિકામાં ઘણીવાર માનું નામ નથી હોતું. ઘર છોડીને બીજી સ્ત્રી સાથે રહેવા ચાલ્યા જતા પુરુષને સંતાનના લગ્ન વખતે શોધી કાઢીને બોલાવવામાં આવે છે. તેના નામે પત્રિકા છપાય છે. સ્ત્રી ઘર છોડી ગઈ હોય તો તેનું નામનિશાન મિટાવી દેવાના પ્રયત્નો થાય છે. જે કાર્યથી સ્ત્રી જન્મભર કલંકિની બને છે એ જ કાર્ય પુરુષ કરે તો તેની થોડીક ટીકા થાય, બસ. કુટુંબના પ્રસંગોમાંથી તે બહિષ્કૃત થતો નથી. બાળઉછે૨ના કાર્યમાં પિતાઓ તો બહુ ઓછો ફાળો આપતા હોય છે. બાળકોને રમાડી તેમનામાંથી આનંદ તે લે છે, પણ બાળકોને દૂધ પાવાનું કે બાળોતિયાં સાફ કરવાનું કામ તે ભાગ્યે જ કરે છે. બાળકના ઉછેર માટે માતૃત્વ જેટલી જ પિતૃત્વની, હૂંફાળી ગોદ જેટલી જ બળશાળી હાથના ઉછાળાની જરૂ૨ હોય છે. પણ પુરુષ માટે સારા પતિ કે સારા પિતા બનવાનો કોઈ સામાજિક આદર્શ કલ્પવામાં આવ્યો નથી. તો શ્રેય બધું પિતાને અને કામ બધું માતાને — એ શ્રમવિભાજનનો કોઈ ખાસ પ્રકાર છે? વળી દરેક કન્યા એ સંભવિત માતા છે. છતાં પુત્રીજન્મનાં વધામણાં થતાં નથી કે તેના પેંડા વહેંચાતા નથી (આ નવલકથા વાંચ્યા પછી બે કુટુંબોએ પુત્રીજન્મ પર મીઠાઈ વહેંચી હતી) ‘ઘણા પુત્રો’ની માતા ગૌરવ અનુભવે છે, ‘ઘણી પુત્રીઓ’ની માતાના મનમાં સૂક્ષ્મ અપરાધભાવ રહે છે. લાખો સ્ત્રીઓ ‘પુત્ર’ માટે ઝંખે છે, ઝાંવાં નાખે છે, દવા કરે છે કે વ્રત કરે છે અને પુત્રી જન્મતાં નિરાશ થાય છે. સ્ત્રીને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ અપાય છે. ‘પુત્રીવતી ભવ’ના નહિ. પુત્રીજન્મને આમ સાવ નકારી દેતાં આ વલણો અને ઉક્તિઓમાં શું માનું એટલે કે સ્ત્રીનું ગૌરવ પ્રગટ થાય છે? એમ્બ્રીઓસેન્ટેસિસ — ગર્ભની જાતિ જાણવા માટે ગર્ભમાંના પ્રવાહીનું પરીક્ષણ — નો ઉપયોગ ગર્ભમાં છોકરી હોય તો ગર્ભપાત કરાવવા માટે એટલા મોટા પ્રમાણમાં થયો છે કે એક હેવાલ પ્રમાણે ગર્ભપાતના ૮,૦૦૦ કિસ્સાઓમાં ૭,૯૯૯ ગર્ભ બાળકીઓના હતા. છોકરીઓને દૂધપીતી કરવાનો, સાપનો ભારો ગણવાનો રિવાજ હતો. રાજસ્થાનમાં એક ગામમાં વર્ષોથી જાન નથી આવી, કારણ કે ત્યાં કોઈ કન્યાને જીવતી રહેવા દેવાઈ જ નથી. અદ્ભુત વાત તો એ છે કે આપણે ત્યાં ‘પુત્ર’ કે ‘પુત્રી’ના જન્મ માટે માતાને જવાબદાર ગણવામાં આવે છે, જ્યારે બાળકની જાતિનું નિર્ધારણ તો સોએ સો ટકા પુરુષના સેલના ક્રોમોસોમ ૫૨ જ અવલંબે છે. પુત્ર જન્મશે કે પુત્રી તેનો સંપૂર્ણ આધાર પુરુષ ૫૨ જ છે; પણ લાખો સ્ત્રીઓને આ વાતની ખબર નથી હોતી. માતૃત્વને જ સ્ત્રીના જીવનનું પરમ મૂલ્ય માનવાને લીધે, બહુપત્નીત્વની મનાઈનો કાયદો આવ્યો તે પહેલાં સ્ત્રી ગમે તેટલી સારી, સુશીલ હોય તોપણ, તેને બાળક ન હોય તો પુરુષ ફરી પરણે એ વાજબી ગણાતું. ઘણી વાર સ્ત્રી પોતે આગ્રહ કરીને પતિને બીજી સ્ત્રી સાથે પરણાવતી. સ્ત્રી માતૃપદ ધારણ ન કરી શકે તો તેને લાગે — પોતાનામાં કંઈક ખૂટે છે, લગ્નજીવનની શરતો પોતે પૂરી પાડી નથી. બાળકમાં માત્ર પુત્રી હોય તોયે પુરુષ ઘણી વાર બીજી સ્ત્રી પરણતો — પુત્ર થવાની આશાએ. વંધ્ય સ્ત્રીને માથે મહેણાંટોણાનો પાર નહિ. વંધ્યત્વનો સઘળો દોષ સ્ત્રીના માથે. આજે પણ નિઃસંતાન સ્ત્રીની સ્થિતિ દયનીય હોય છે. નવલકથા લખતી વખતે મને એવા પણ ઘણા આંસુભીના પત્રો મળેલા. પુરુષમાં પણ આ બાબતની ખામી હોઈ શકે એ હકીકતથી સ્ત્રીઓને જાણીજોઈને અજાણ રાખવામાં આવી હશે? કારણ કે, જો એવું પુરવાર થાય તો પુરુષની જેમ સ્ત્રી માટે પણ બીજાં લગ્ન કરવાનું વાજબી ઠરે. વળી સંતાનની ઇચ્છા માને વધારે હોય છે, તો એ માટે પણ પુરુષની ખામીથી બાળક ન થતાં હોય ત્યાં સ્ત્રીને ફરી પરણવાની છૂટ હોવી જોઈએ. પણ પતિ સારો હોવા છતાં, માત્ર બાળક માટે સ્ત્રી ફરી પરણી હોય એવાં ઉદાહરણો આપણે ત્યાં નથી. સ્ત્રી મા તરીકે જ સંપૂર્ણ બનતી હોય, તો તેને માતા થવા માટે તમામ શક્ય તકો આપવી ન જોઈએ? એટલે જ મેં કહ્યું કે સામાજિક દૃષ્ટિએ ‘માતૃત્વનું ગૌરવ’ એ એક ‘મિથ’ છે, દંભ છે. માતાનો નિઃસ્વાર્થ પ્રેમ એ પણ એક અતિશયતાભરી કલ્પના છે. માના પ્રેમમાં પણ ભેદભાવ હોય છે. દીકરા-દીકરી વચ્ચે તે ભેદ કરે છે. કમાઉ દીકરો તેને વધુ વહાલો લાગે છે. કુટુંબીજનોના પોતાને ઘેર સંજોગવશાત્ રહેવા આવેલા બાળક પ્રત્યે તે ઘોર ઉપેક્ષા ને અન્યાયથી વર્તી શકે છે, નાની ઉંમરના નોકરો પ્રત્યે કઠોર વર્તાવ કરી શકે છે, સાવકાં બાળકો પર જુલમ વરતાવી શકે છે, સંતાન માટે દેવીને રીઝવવા ક્યારેક બીજાના બાળકનો ભોગ પણ આપી શકે છે. ક્યાં જાય છે ત્યારે એનું માતૃહૃદય, એનો નિઃસ્વાર્થ પ્રેમ? ખરેખર તો માબાપ ‘પોતાનાં બાળકો’ની ચિંતામાં પુરાયેલાં હોય છે કારણ કે એ બાળકો તેમના ભવિષ્યનો આધાર છે, તેમના અહંનો વિસ્તાર છે, તેમનાં અધૂરાં સપનાં પૂરાં કરવાનું માધ્યમ છે. બાળકને બાળક ખાતર ચાહનારાં લોકો ઓછાં જ છે. એટલે જ આપણે ત્યાં બાળકોનો પણ મુક્ત સ્વતંત્ર વિકાસ થવા માટેનું વાતાવરણ નથી. આમ માનો પ્રેમ ખરેખર કેટલો નિઃસ્વાર્થ છે અને અભણ, અણઘડ મા કરતાં સુશિક્ષિત તાલીમ પામેલા માયાળુ શિક્ષકો કે સામાજિક કાર્યકરો બાળકને વધુ સારી રીતે સંભાળી શકે અને તેના વિકાસમાં સહાય કરી શકે કે કેમ, તે નવેસરથી શોધવાનો વિષય છે. સ્ત્રીના માસિક આવર્તન સાથે પણ વહેમ જોડી દઈ એ દિવસોમાં સ્ત્રીને અશુદ્ધ કરી દેવામાં આવી છે. ‘માસિક’ એ કેવળ એક શરીરગત પ્રક્રિયા છે, જેમાં શુદ્ધ-અશુદ્ધ જેવું કંઈ જ નથી, ને એ વખતે સ્ત્રીથી મંદિરમાં કે ધર્મકાર્ય માટે ન જવાય એ કેવળ વહેમ અને વહેમ જ છે, અને વહેમ સિવાય બીજું કશું નથી. આમ ચોમેરથી સ્ત્રીના મૂલ્યને મર્યાદિત કરી દઈને, કેવળ ‘નામ’ના ઢોળ ચડાવેલા સુવર્ણાસન પર બેસાડી તેના હાથપગ બાંધી દેવાયા છે. ચીનમાં પગ બાંધતા એ માત્ર બાહ્ય ક્રિયા હતી. ખરેખર તો સ્ત્રીનું વ્યક્તિત્વ, તેની બૌદ્ધિક અસ્મિતા બાંધી દેવાય છે. પછી કહેવતો ઘડાય છે કે, ‘સ્ત્રીની બુદ્ધિ પાનીએ’… ‘સ્ત્રી ને જમીન પીટો તેમ સુધરે…’ ત્યાગ અને સમર્પણના મહિમામય આદર્શ સામે સ્ત્રી કદી પડકાર ન ફેંકે, પ્રશ્ન ન પૂછે એ માટેની આ બધી તરકીબો છે. અને પછી સ્ત્રીને કુટુંબની, ધર્મની સંરક્ષક ગણવામાં આવે છે. તેની પવિત્રતા અને પુણ્યને લીધે સમાજ ટક્યો છે એમ કહેવાય છે. એમ કહીને પુરુષને સ્વૈરવિહારની છૂટ આપી છે અને સ્ત્રીના માથે કુટુંબ ને સમાજની નીતિમત્તા ને સ્થૈર્યની મોટી જવાબદારી નાખવામાં આવી છે. આથી તેના ભાગે જાતજાતનાં વ્રત કરવાનું આવે છે. બાકી ધર્મની ઊંડી બાબતોનું, ફિલસૂફીનું કે સિદ્ધાંતોનું સ્ત્રીને ભાગ્યે જ જ્ઞાન હોય છે. સ્ત્રીથી વેદ ન ભણાય અને ગાયત્રીપાઠ ન થાય તેવો નિયમ હતો. આજે પણ અમુક જૈન સમાજમાં સાધુ પ્રવચન આપી શકે છે, સાધ્વી નહિ. સાધુ ગમે તેટલી નાની વયના, તાજા દીક્ષિત હોય અને સાધ્વી ગમે તેટલી મોટી વયનાં, વિદ્વાન, લાંબા કાળથી દીક્ષિત હોય તોયે સાધ્વીએ સાધુને પ્રણામ કરવાનાં હોય છે. ગીતામાં પણ ‘સ્ત્રીઓ અને શૂદ્રો… પરમ ગતિને પામે છે.’ — કહીને સ્ત્રી અને શૂદ્રને એક હરોળમાં મૂક્યાં છે. આખા મહાભારતનાં મૂળ જ એક સ્ત્રી (દ્રૌપદી), એક કુંવારી માતા (કુંતી) અને એક શૂદ્ર (કર્ણ) પ્રત્યેના અન્યાયમાં રહેલાં છે. વ્યાસ મત્સ્યકુળમાં જન્મ્યા હોવાથી આ જોઈ શક્યા છે. સ્ત્રીઓના ઊતરતા દરજ્જાના આવા સેંકડો નહિ હજારો દાખલા મળે છે. અહીં નોંધ કરી છે તે તો ઝટ દઈને આંખે ચડે એવી બાબતો છે. આ સિવાયના પ્રચ્છન્ન ને સૂક્ષ્મ પ્રકારના અન્યાયોનો તો કોઈ અંત નથી. કોઈ અતિ રૂઢ કે અતિ જડ મનુષ્ય જ તે તરફ આંખ મીંચી શકે. બળાત્કારની વાત લો. તેમાં સંપૂર્ણપણે ગુનો બીજાનો હોવા છતાં, એ ગુનાની સંપૂર્ણ સજા નિર્દોષ સ્ત્રીને આખી જિંદગી ભોગવવી પડે છે. આ અત્યાચારથી તેના મન ૫૨ તો કારમો ફટકો પડે જ છે, વધુમાં સમાજની સહાનુભૂતિ મળવાને બદલે શ૨મ અને લાંછનથી તે આખી જિંદગી રિબાય છે. આ માનવીય કાનૂન છે? દહેજના દૂષણ પર તો એટલું બધું લખાય કે પુસ્તકોનાં પુસ્તકો ભરાય. ‘કન્યાદાન’માં કન્યા એ સંપત્તિ ગણાય છે, પણ કેટલાંક લગ્નોમાં એ સંપત્તિનીયે કિંમત નથી. એમાં પૈસા — ટી.વી. સેટ, ફ્રીજ, સ્કૂટ૨, કાર ઇ.નાં રૂપમાં — ઉમેરાય ત્યારે જ સ્ત્રી લગ્ન માટે સ્વીકાર્ય બને છે. આ દેશમાં હજારો સ્ત્રીઓને દહેજ માટે મારી નાખવામાં આવે છે કે મરવા ભણી ધકેલવામાં આવે છે, ફક્ત દિલ્હીમાં જ રોજનાં, નવવધૂઓનાં દાઝવાથી થતાં બે મૃત્યુ નોંધાયાં છે. વરસનાં ૬૯૦. ન નોંધાતા કિસ્સા જુદા. આખા દેશમાં કુલ કેટલા કિસ્સા બનતા હશે તેની કલ્પના કરી શકાય છે. રસોઈ કરતાં દાઝી જવાનું કારણ આગળ ધરવામાં આવે છે, તો રસોઈ કરતાં નવવધૂઓ જ કેમ દાઝી જાય છે? યુવાન નણંદ કે પ્રૌઢ સાસુ કેમ દાઝતી નથી? આમાંની કેટલીક સ્ત્રીઓ કદાચ આવેશમાં અસહિષ્ણુતાથી આપઘાત કરતી હશે, પણ એટલી હદ સુધી તેના પર ત્રાસ વર્તો છે એ કબૂલ કરવું જ પડશે. સમાજ બીજા ખૂનીઓ પ્રત્યે જે ઘૃણાથી જુએ છે તે ઘૃણા પત્નીને બાળી મૂકનાર પતિ પ્રત્યે નથી હોતી. થોડાં નારીવાદી સંગઠનો આ વિશે ઊહાપોહ કરે છે, પણ પુરુષ, દહેજ કેવળ સ્ત્રીનો જ પ્રશ્ન છે એમ માને છે. આખા સમાજની તંદુરસ્તીનો આ પ્રશ્ન છે એવું તેને લાગતું નથી. દહેજનો આ ત્રાસ એટલો ભયંકર છે કે કોઈ પણ જાગ્રત સહૃદય માણસ એનાં મૂળ શામાં છે તે વિચાર્યા વગર રહી ન શકે. પૈસા બરાબર સત્તા બરાબર પ્રતિષ્ઠાના સમીકરણવાળા આ સમાજમાં, સ્ત્રી પોતે પૈસા ઉત્પન્ન ક૨ના૨ ઘટક નથી, તેથી તેનું મૂલ્ય ઓછું છે, તેથી તેણે બાપ પાસેથી પૈસા કે ચીજવસ્તુઓ લાવવાં જોઈએ એમ મનાય છે. પણ સ્ત્રી પોતે ન કમાતી હોય તોપણ, કમાઈ આપનારા દીકરાઓ તો ઉત્પન્ન કરે છે જ ને! પણ તે પૂરતું ગણાતું નથી. એક તરફથી સ્ત્રી દહેજ લાવે એવી પ્રથા છે, બીજી તરફ દીકરીનાં માબાપ પરણેલી દીકરીના ઘેર જમે તો નહિ, પાણી પણ ન પીએ એવો નિયમ છે.

*

ઘરકામ કરતી સ્ત્રીઓ ઘણી વાર તનતોડ મહેનત કરતી હોય છે, પુરુષ ઑફિસમાં કરે એથી વધુ અને વિવિધ કામ ઘરમાં કરતી હોય છે, પણ એના કામનું પૈસામાં મૂલ્ય અંકાતું નથી. પુરુષ કમાય છે તેથી તે જ ‘ઘરનો અધિપતિ’ — ‘હેડ ઑફ ધ ફૅમિલી’ હોય છે, છતાં સ્ત્રીના ઘરકામનું આર્થિક વળતર આપવું જોઈએ એવી વિચારણા થાય તો હાહાકાર મચી જાય છે કે આ ભવ્ય ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમી, પરસ્પર સ્નેહ વિશ્વાસ સહકારના સંબંધ ૫૨ રચાયેલી કુટુંબવ્યવસ્થામાં પૈસા જેવી વ્યાપારી વિચારણા વચ્ચે કેમ લાવી શકાય? તો દહેજ એ વ્યાપારી વિચારણા નથી? દહેજની પ્રથા ન હોય ત્યાં પણ પિયરથી વહુ કેટલાં કપડાં ને દાગીના લાવી, બે વહુમાં કોણ વધુ વસ્તુઓ લઈ આવ્યું — એવી ગણતરી થતી નથી? આ ગણતરી શું વ્યાપારી નથી? વળી ઘણાં કુટુંબોમાં સ્ત્રી બહાર કમાવા જાય એથી કુટુંબની આબરૂને ક્ષતિ પહોંચતી હોવાનું મનાય છે. આમ કમાવાના રસ્તા એને માટે બંધ કરવામાં આવે છે અને પછી ‘તે કમાતી નથી’. — કહીને આર્થિક એકમ તરીકે કુટુંબમાં તેની કિંમત થતી નથી. આ બધી સ્ત્રીને મર્યાદામાં પૂરી રાખવાની તરકીબો નહિ તો બીજું શું છે? ઘરકામનું વળતર તો મળતું નથી. સ્ત્રી પગાર વગરના નોકરની જેમ ઘરમાં કામ કરે છે, અને પૈસાને લગતી બધી વ્યવસ્થા, બધા નિર્ણયો પુરુષના હાથમાં રહે છે. પત્નીને તે ‘પોતાને’ યોગ્ય લાગે તેટલા પૈસા વાપરવા આપે છે. પત્નીને તેનાં મુશ્કેલીમાં આવી પડેલાં સ્વજનો-મિત્રોને આર્થિક સહાય કરવી હોય તો ભાગ્યે જ કરી શકે. આ નવલકથામાં એક સ્થળે એવી પરિસ્થિતિનું આલેખન છે, તે વાંચીને એક વાચકે લખેલું કે સ્ત્રીના હાથમાં પૈસા સોંપાય જ નહિ, સ્ત્રી ઊર્મિલ અને અસમતોલ હોય છે, તેને પૈસાનો વહીવટ ન આવડે. મુશ્કેલીમાં મૂંઝાયેલાં પ્રત્યે લાગણી દર્શાવવી તે કાંઈ અસમતોલતા નથી. સ્ત્રી ઘર ચલાવે છે તેથી તો પુરુષ નિશ્ચિંતપણે કમાવા જઈ શકે છે. તો એ પૈસામાં સ્ત્રીનો હિસ્સો કહેવાય કે નહિ? અને પુરુષો બધા સમતોલ હોય છે? સમાજમાં ધૂમ ચાલી રહેલા ભ્રષ્ટાચાર, નફાખોરી, કાળાંબજાર, અનીતિ, શોષણ, રાજકર્તાઓના અહંકાર ને સરમુખત્યારી, શસ્ત્રોની બેફામ દોટ અને માનવિનાશ — બધું આ પુરુષસર્જિત નીતિઓનું પરિણામ છે. આ શું સમતોલપણાની નિશાની છે? પુરુષે પોતાની જાતને હંમેશા સ્ત્રી કરતાં ચડિયાતી માની છે, અને સ્ત્રીએ પણ એ કબૂલ કરી લીધું છે. તેથી તો પોતાનાં કરતાં પુરુષ વધુ ઊંચો, વધુ ભણેલો અને બન્ને કમાતાં હોય ત્યારે વધુ કમાતો હોય, એ પરિસ્થિતિ બન્નેને અનુકૂળ લાગે છે. સ્ત્રી વધુ કમાય કે પોતાના કરતાં વધુ પ્રભાવશાળી હોય તો પુરુષને ઝાંખપ લાગે છે, તેનો અહં ઘવાય છે. પણ પુરુષ વધુ પ્રભાવશાળી હોય, ઘણું કમાતો હોય તો સ્ત્રી તેમાં ગર્વ અનુભવે છે. સ્ત્રીમાં લઘુતાગ્રંથિ છે. તેને પ્રતિબિંબિત કીર્તિ (રિફ્લેક્ટેડ ગ્લોરી)માં રાચવાની ટેવ પડી છે. પતિ ને સંતાનોની સિદ્ધિને તે પોતાની સિદ્ધિ ગણી લે છે. દરેક પુરુષની પાછળ એક સ્ત્રીની મહેનત કે પ્રેરણા હોય છે એમ કહેવાય છે. એમાં સ્ત્રીએ આમ ‘પાછળ’ રહેવું જોઈએ એવું અપેક્ષિત છે. કોઈ સ્ત્રી મહાન થઈ હોય તો તેની ‘પાછળ’ પુરુષ નથી હોતો, ઘણુંખરું તે કુટુંબીજનો સાથે સંઘર્ષ કરીને મહાન બની હોય છે. સ્ત્રીને ‘કાર્યેષુ મંત્રી, કાર્યેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા’નું કર્તવ્ય બજાવવાનું કહેવામાં આવ્યું છે. તે મંત્રી છે, સેક્રેટરી તે છે, ‘પાછળ’ છે. પતિ કદી પત્નીનો સેક્રેટરી બનતો નથી. પત્નીને ‘વીર પુત્રોની માતા’ બનવાના આશીર્વાદ અપાય છે. પણ તે પોતે વી૨ બને, પરાક્રમી બને, ઊંચાં શિખરો સર કરે તેવું તેની પાસે અપેક્ષિત નથી. સ્ત્રીએ પુરુષના સંબંધમાં શું બનવાનું છે તેના સેંકડો આદર્શો છે, એ ‘રોલ’માં તે બંધબેસે તે માટે અનેક રીતે તેને પ્રશિક્ષિત કરાય છે, પણ પુરુષ સ્ત્રીના સંબંધમાં કશું વિશેષ બનવાનું હોતું નથી. સ્ત્રી કોઈ જગ્યાએ પૂજારી નથી, તે કોઈ પૂજાવિધિ કે લગ્નવિધિ કરાવતી નથી. મદ્રાસના પાર્થસારથિ મંદિરમાં એક હાથી બહુ તોફાની થઈ ગયો, ત્યારે તેને બદલે બીજા માદા-હાથીને લાવવાનું મંદિરના સત્તાવાળાઓએ સૂચવ્યું, તો ભક્તોએ વિરોધ કર્યો કે વૈષ્ણવો કપાળમાં ત્રણ આડી લીટીઓ કરે છે, તે માદા-હાથીને ન કરી શકાય. બેંગ્લોરમાં સિત્તેર વર્ષની એક ‘વિધવા’ મંદિરમાં સેવા-પૂજા માટે ગઈ, તો પૂજારીએ તેની પાસેથી પચાસ રૂપિયા લીધા, પણ ‘તીર્થમ્’ — ચરણામૃત ન આપ્યું, કારણ કે તે વિધવા હતી. વેંકટરામન મંદિરમાં પૂજા કરાવવા માટે કતાર લાગી હતી, પૂજારી એક પછી એક બધાંનાં ગોત્ર ઇ. નોંધતો ગયો પણ લાઇનમાં એક વિધવા ઊભી હતી ત્યાંથી ત્રણ વાર પસાર થવા છતાં તેણે તેના પ૨ નજ૨ નાખી નહિ. (વિધવાની વેશભૂષા ભિન્ન હોય ને કપાળ કોરું હોય તેથી આવી જાણ થાય, અને તેથી આવાં અપમાનિત થવાનો વારો આવે!) આની સામે પુરુષને કેટલા બધા વિશેષાધિકારો છે! ઘરનો તે અધિપતિ હોવાથી, ઘ૨માં તેની સગવડો પહેલી જોવાય છે. હજી હમણાં સુધી અનેકાનેક ઘરોમાં પુરુષવર્ગ જમી લે પછી જ સ્ત્રીઓ-વહુઓ જમી શકતી અને ત્યારે ઘણીખરી વાર શાક કે બીજી વસ્તુ ન પણ હોય. સ્ત્રી પુરુષની એઠી થાળીમાં જમતી, ને પુરુષ ઉદારતાથી ઘણી વાર થાળીમાં થોડુંક છાંડતો, જેથી સ્ત્રી તેનું ‘એઠું ખાવાનું પુણ્ય’ પ્રાપ્ત કરી શકે. એક બહેને મને આવીને કહ્યું કે તેનાં પ્રેમલગ્ન હોવા છતાં, પહેલી વાર તેના પતિએ તેને એટલા માટે મારી હતી કે પતિને ઘેર આવતાં બહુ મોડું થતાં, પત્નીએ પહેલાં જમી લીધેલું. આમ પણ સામાન્ય પ્રથા છે કે પતિને જમાડીને જ પત્ની જમે. કારણ એ પુરુષ કમાય છે. સમાજમાં તેનો પોતાનો માનમોભો છે, કોઈ સ્ત્રીના પતિ તરીકે નહિ. પણ સ્ત્રીનો મોભો ઘણુંખરું કોઈની પત્ની તરીકે હોય છે. સામાજિક આર્થિક રાજકીય ક્ષેત્રે પુરુષ સિદ્ધિઓ મેળવે છે, પ્રભાવ પાડી શકે છે, તે નીતિઓ ઘડે છે અને વહીવટ કરે છે. પુરુષ કમાય અને સ્ત્રી ઘર ચલાવે અને બાળકો ઉછેરે… બન્ને સહકારથી રહે — તેમાં ખોટું શું? એમ ઘણા લોકોનો અભિગમ છે. એનો જવાબ ઉપરના ચિતારમાંથી મળી રહે છે. પૈસો એ સત્તા છે; સ્ત્રીના હાથમાં એ સત્તા નથી. ગૃહકાર્ય જ તેના જીવનનું લક્ષ્ય હોય તો તેના સર્વાંગી વિકાસની જરૂર રહે નહિ. તેનું શિક્ષણ મર્યાદિત બને. મિલકત, વારસાઈ અધિકારો છિનવાઈ જાય કે મર્યાદિત બને. આમ સ્ત્રી-પુરુષની આ ભૂમિકા માની લેવાથી અસમાનતાની દીર્ઘ પરંપરા ઊભી થાય છે. આને લીધે સ્ત્રી પુરુષ ૫૨ આધારિત રહે છે. તેની બૌદ્ધિક શક્તિ-રુચિ-આવડત, તર્કશક્તિ ખીલતાં નથી. પછી પુરુષ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે ત્યારે કહે છે — મારી પત્નીને તો હળદર-મસાલાની માત્ર ખબર પડે છે, કલા-કવિતામાં તે કશું સમજતી નથી, મારે બૌદ્ધિક સ્તરે પણ સહચાર જોઈએ. અને એમ કહીને બીજી સ્ત્રી સાથેનો પોતાનો સંબંધ વાજબી ઠેરવવા તે પ્રયત્ન કરે છે. ઘણાનું કહેવું છે કે એમ તો સ્ત્રીઓ પણ જબરી હોય છે, અને ઘણાં ધરોમાં તેનું જ ચલણ હોય છે. અહીં વ્યક્તિગત રીતે થોડીક સ્ત્રીઓ કે થોડાંક ઘરોની વાત નથી; સમાજમાં પ્રચલિત વલણ અને પ્રથાઓ શું છે તેની વાત છે. આખી સમાજવ્યવસ્થા, તેનો ધર્મ, રિવાજ, પરંપરાઓ પુરુષને જ ઉચ્ચ સ્થાને રાખીને રચાયેલાં છે. આચાર્ય રજનીશે તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે સ્ત્રીઓએ વિજ્ઞાન ભણવાની જરૂ૨ નથી, વિજ્ઞાનથી ફૅક્ટરી ચાલે, ઘર ન ચાલી શકે. પુરુષને જે જોઈએ છે તે આ પ્રકારનું શિક્ષણ પામેલી સ્ત્રી પાસેથી નહિ મળી શકે. આ વિચારધારા પુરુષ-માનસની એકપક્ષી હિતો જોવાની દૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે. ‘ગૃહસ્થ’ પાસે સામાજિક અપેક્ષા હોય છે, ‘ગૃહિણી’નો અર્થ ગૃહ પૂરતો મર્યાદિત છે. ઘ૨ સ્ત્રીએ જ ચલાવવાનું તેમાં ગૃહીત છે. પુરુષની જરૂરિયાતનો તેમાં વિચાર કરવામાં આવ્યો છે. સ્ત્રીને પુરુષ પાસેથી શું જોઈએ, સમાજ પાસેથી શું જોઈએ, પોતાની પાસેથી શું જોઈએ — તે બાબતની તેમાં ઘોર ઉપેક્ષા છે, અને છતાં આચાર્ય રજનીશ કહે છે કે હું માનું છું કે સ્ત્રીપુરુષ સમાન છે… પણ… ઇત્યાદિ. વિખ્યાત ગણાતા વિચારક, ધર્મગુરુઓ, ઉપદેશકોના આવા વિચારો ભોળા જનમાનસને ભરમાવવાનું કાર્ય કરે છે. શાસ્ત્રો, સાહિત્ય, ફિલ્મોમાં સ્ત્રીઓની આ જ ભૂમિકા દર્શાવાઈ છે. એ વાત જુદી છે કે બધી સ્ત્રીઓ આ અસમાનતા ને અન્યાય પ્રત્યે સભાન નથી. તે આ ભૂમિકાનો હંમેશાં સ્વીકાર કરતી આવી છે. ફિલ્મોમાં સ્ત્રી જ હંમેશાં પુરુષના પગે પડતી બતાવાય છે. પરણેલી સ્ત્રી વિધવા થાય તોપણ તેના પૂર્વ પ્રેમીની સાથે તેનાં ફરી લગ્ન કરાવી આપવાનું કોઈ ફિલ્મનિર્માતા કે દિગ્દર્શકને કબૂલ નથી હોતું. જાહેરખબરોમાં પુરુષ સોફા પર બેઠો હોય છે, સ્ત્રી નીચે તેના પગ પાસે બેઠી હોય છે, પછી ભલે તેણે પહેરવેશ આધુનિક પહેર્યો હોય. સ્ત્રીને ગૃહકાર્ય માટે જ પ્રશિક્ષિત ક૨વામાં આવતી હોવાથી તે વિનયી, આજ્ઞાંકિત રહે તે રીતે તેના વ્યક્તિત્વને ઘડવામાં આવે છે. તે સ્વાયત્ત, તેજસ્વી, વિદ્વાન, સ્પષ્ટ વિચારો અને દૃઢ અભિપ્રાયોવાળી હોય એ વાત પુરુષને ખપતી નથી. તેને તો પોતે ‘વાચસ્પતિ’ હોય ત્યારે વર્ષો સુધી બારણે દીવો લઈ મૂંગી ઊભી રહેતી ‘ભામતી’નો આદર્શ ખપે છે. પતિ વિદ્વાન, કલાકાર કે સર્જક હોય તો પત્નીએ થોડો કે વધુ ભોગ આપીને પણ, પતિને સિદ્ધિ મેળવવામાં સહાય કરવી જોઈએ અને પતિની બેદરકારી કે આત્મવિસ્મૃતિ કે ક્યારેક તેનું સ્ખલન પણ સર્જકતાના અનિવાર્ય ભાગરૂપે ક્ષમ્ય ગણવું જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. પણ સ્ત્રી કલાકાર કે સર્જક હોય તો પતિ કદાચ તેમાં વાંધો ન લે, તોપણ પોતે ભોગ આપીને કે અગવડ વેઠીને તેને વધુ અનુકૂળતા કરી આપે એવું તો હજારે એકાદ કિસ્સામાં બને; કારણ કે સ્ત્રીના આ પ્રકારના કોઈ પણ વિકાસને સમાજ ઝાઝું મહત્ત્વ આપતો નથી. સર્જન-વ્યાપાર એક ગૂઢ વ્યાપાર છે. કઈ પળે તેનો ઉન્મેષ પ્રગટ થશે એ પૂર્વ-નિર્ણીત નથી હોતું. પણ સ્ત્રી માટે ઘરકામ અગ્રતાક્રમે છે. બધું ઘરકામ પતાવી, પતિ-બાળકોની જરૂરિયાતો પૂરી કરી પછી બચેલા સમયમાં જ તે સર્જન કરી શકે છે. આ નવલમાં ‘એના’ નામનું પાત્ર આવી પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે બીજી રીતે નવલકથાના અભિગમ સાથે સંમત થનારા વાચકોએ પણ કહેલું કે ‘એના’નો પ્રતિભાવ બરોબર નથી. પણ એ સ્થાને કોઈ પુરુષને મૂકી જુઓ, તો ખ્યાલ આવશે કે પુરુષની વિરલ સર્જનાત્મક ક્ષણોમાં તો પત્ની વિક્ષેપ ન કરે, ઘરમાં શાંતિ જાળવે, ઘોંઘાટ કરતાં બાળકોને છાનાં રાખે, બીજા વ્યવહારો સાચવી લે — તેવી અપેક્ષા રાખવાનું સ્વાભાવિક મનાય છે, જે આ જ નવલકથામાં સતીશ-વાસંતીના જીવનમાં વ્યક્ત થાય છે. આપણા બંધારણે સ્ત્રીપુરુષના સમાન અધિકાર ગણ્યા છે, પણ માત્ર કાયદાકીય હક્કથી શું વળે? નોકરી કરતી પરિણીત સ્ત્રીઓને તો નોકરી ઉપરાંત ઘરકામ, પતિ-બાળકોની સંભાળ અને સામાજિક સંબંધોની જવાબદારી નિભાવવાં જ પડે. આમ તેના કામનો બોજો ત્રણગણો થઈ જાય છે. કદાચ પુરુષ ઘરમાં કામ કરાવે તોપણ, ઘર બન્નેનું છે આથી ઘરનું કામ પણ બન્નેએ ક૨વું જોઈએ તેવા ભાવથી નહિ, પણ પોતે સહૃદય છે આથી સ્ત્રીને કામમાં ‘મદદ’ કરવી જોઈએ તેવા ભાવથી અને એટલે તે ગમતાં કામ જ કરે છે. સ્ત્રીને તો ‘ગમતાં કામ — ન ગમતાં કામ’ એવો ભેદ પાડવાનું પોસાય જ ક્યાંથી? તેણે તો બધાં જ કામ કરવાનાં જ. કોઈ સ્ત્રી કહે કે મને રસોઈ કરવી નથી ગમતી તો તેનાં સાસરિયાં ઉપરતળે થઈ જાય. પુરુષ રસોઈ કરવી, ઝાડું મારવું, વાસણ માંજવાં, ફાટેલાં કપડાં સીવવાં, બટન ટાંકવાં ઇ. કામોને હલકાં ગણે છે. કદાચ છે ને તે કરે, તોયે બહારથી તે વખતે કોઈ આવી ચડે તો સંકોચ પામી મૂકી દે છે. અને બહારથી આવનાર પણ (સ્ત્રીઓ સુધ્ધાં) ટીકા કરીને કહેશે, ‘કેમ તમે કામ કરો છો?… બહેન નથી?’ સુશિક્ષિત કુટુંબોમાં પણ, પુરુષ બાળકને સાફ કરે તો એ કંઈક હાસ્યનો, કંઈક કટાક્ષનો વિષય બને છે. અમુક કામ હીણાં છે ને પોતાથી તે કરાય નહિ, તેવા પુરુષ-માનસની આ વાત છે. સ્ત્રી તે કામ કરે તો ચાલે. અને આ ભાવ એટલો વ્યાપક છે કે ઘેર મહેમાન આવ્યા હોય તો, ઘરમાં સ્ત્રી હોય ત્યાં સુધી પુરુષ પાણીનો પ્યાલો આપતો નથી કે ચા બનાવતો નથી. નોકરી કરીને આવેલી પત્નીને પાણી કે ચા આપવાની તો વાત જ ક્યાંથી આવે? પુરુષમાં સ્નાયુશક્તિ વધારે હોય છે, છતાં ઑફિસેથી ઘે૨ આવી આરામખુરશીમાં બેસવાનો અધિકાર તેને છે. સ્ત્રીને તો ઑફિસેથી આવી ઝટપટ રસોડામાં જ ઘૂસવાનું રહે. સ્ત્રી બહારનાં કામ કરે એ હવે જેટલું સ્વાભાવિક છે તેટલું પુરુષનું ઘરમાં કામ કરવું સ્વાભાવિક બન્યું નથી. સ્ત્રીઓ ઘણાં કામો કરી શકે છે, તે વિમાની, એન્જિન-ડ્રાઇવર અને અવકાશયાત્રી થઈ શકે છે. પોતાની વિવિધ શક્તિઓ તેણે પુરવાર કરી છે. કેટલીક સ્ત્રીઓ ઊંચા પદે પહોંચે પણ છે. લોકોને તે જોઈને લાગતું હોય છે કે ‘જેને કરવું જ છે તેને કોઈ અટકાવી શકતું નથી.’ પણ સમાજની માન્યતાઓ, પરંપરા, રીતરિવાજ આ માટે અનુકૂળતા કરી આપે છે? તેનું મહત્ત્વ સ્વીકારે છે? એકાદ ઇન્દિરા ગાંધી, ગોલ્ડા મેયર, કે સિમોન વેઈલ પાછળ લાખો-કરોડો સ્ત્રીઓ અંધારામાં છે તેનું શું? આ દેશમાં પુરુષોમાં અક્ષરજ્ઞાન ૪૬.૭૬ ટકા અને સ્ત્રીઓમાં ૨૪.૮૮ ટકા છે. ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ તો ૩ ટકાથી ઓછી છે. આઝાદી પછી ભારતનો જે કાંઈ વિકાસ થયો તેનો લાભ મુખ્યત્વે શહેરી સ્ત્રીઓને મળ્યો છે. બહોળો સ્ત્રીસમુદાય હજી દેશના મધ્ય પ્રવાહથી અળગો થઈને જીવે છે. સ્ત્રીવર્ગ સમાજનિર્માણના કાર્યમાં સમૃદ્ધ ફાળો આપતો વર્ગ છે તેમ જ મા તથા પત્નીની ભૂમિકામાં પણ તે રાષ્ટ્રીય સંપત્તિ છે એવું પ્રસ્થાપિત થયું નથી. કામ કરતી સ્ત્રીઓનો ૮૪.૮ ટકા ભાગ ખેતી જેવાં કામોમાં સખત મજૂરી કરે છે, પણ ઘરની ખેતી હોવાથી તેમને પૈસાના રૂપમાં વળતર મળતું નથી. આપણી આટલી વિકાસ-યોજનાઓ, વિજ્ઞાનની આટલી પ્રગતિ છતાં સ્ત્રીનો, ખાસ તો ગામડાંની સ્ત્રીનો ઘસડબોળો ઓછો થતો નથી, કારણ કે ભારતના સામાજિક માળખામાં પુરુષની જ સગવડ જોવાય છે, પુરુષની જરૂરિયાતોને અનુલક્ષીને જ વિચારણા થાય છે. ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં પ્રયોગ લેખે સરકારે, સ્ત્રીઓને રાંધવાનો ગૅસ મળે તે માટે ગોબર ગૅસપ્લાન્ટ બાંધી આપ્યો, તો શરૂઆતના ઉત્સાહ પછી કામ મંદ પડ્યું અને સ્ત્રીઓ ફરી બળતણ વીણવા સીમમાં બળતા બપોરે રખડવા લાગી, કારણ કે પુરુષને રાંધણગૅસમાં નહિ, ખેતરનાં યંત્રો માટે વીજળીમાં રસ હતો. યોજનાઓ ઘડવામાં સ્ત્રીઓને સાથે ન લેવાથી ઘણી વિકાસ-યોજનાઓ નિષ્ફળ જાય છે. આમ નીતિઓ ઘડવાનું, મોટા મહત્ત્વના નિર્ણયો લેવાનું કામ પુરુષો જ કરે છે. રેવન્યુ કાયદા માટે હિન્દુ અવિભક્ત કુટુંબમાં ‘કર્તા’ પુરુષ જ હોય છે. ખેતીમાં જ્યાં કામ સમાન હોય, ક્યારેક તો સ્ત્રીઓનું કામ વધારે હોય તોપણ, વળતર તેમને ઓછું મળે છે. નોકરિયાત સ્ત્રીઓને બાળઉછે૨માં મુશ્કેલીઓ પડે છે. મૅટર્નિટી લીવ આપવી પડતી હોવાથી ઘણી જગ્યાએ સ્ત્રી-કર્મચારીઓને ઓછી પસંદ કરવામાં આવે છે. જાતે વ્યવસાય કરતી (શાકવાળી, રેંકડીવાળી ઇ.) સ્ત્રીઓને તેમની આવડત ને કૌશલ્ય ખીલવવા માટેની તક કે ધંધો વિકસાવવા લોનની સગવડ ભાગ્યે જ મળે છે. આવી સ્ત્રીઓમાં ભણેલી સ્ત્રીઓ દસ ટકાથીયે ઓછી હોય છે. પુરુષ પરિણીત, વિધુર, બાળકોવાળો — ગમે તે હોય, તેના કામ સાથે એ બાબત અપ્રસ્તુત છે, જ્યારે સ્ત્રીને માટે એ તેના સમગ્ર કામ ને જીવન ૫૨ મહત્ત્વની અસર કરનારી બાબત છે. છતાં એ માટે તેને સગવડો ઘણી ઓછી મળે છે. આથી ઉચ્ચ પદોએ પહોંચવામાં તેને અવરોધ નડે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોમાં આજ સુધીમાં એક પણ સ્ત્રી આવી નથી અને હાઈકોર્ટ-ન્યાયાધીશ માત્ર સાત છે. વ્યવસાયમાં સ્ત્રીઓનું કામનું પ્રમાણ વધ્યું છે, પણ ક્યાંક વિકાસની અવળી અસર થઈ છે, જેમ કે પંજાબમાં ખેતીમાં યંત્રો આવવાથી સ્ત્રીઓની કામમાં ભાગીદારી ઘટી છે. કાપડ મિલોમાં પ્રસૂતિરજા, ધોડિયાંઘર વગેરેની વ્યવસ્થા કરવી પડતી હોવાથી તેમાં પણ સ્ત્રી-કામદારોને લેવા ત૨ફ માલિકોનું વલણ ઘટ્યું છે. દૈનિક વેતન પર કામ કરતી સ્ત્રીને ઘણું ઓછું વળતર મળે છે અને તે વિરોધ કરવા જાય તો તેને સહેલાઈથી કાઢી મૂકી શકાય છે. નોકરી ટકાવી રાખવા સ્ત્રીઓને પોતાના શરીર વડે લાંચ આપવી પડે એ ભયંકરતા તો ઉપરથી નીચે સુધીના આખાયે નોકરી-માળખામાં વ્યાપક છે. વ્યવસાય-નોકરીઓમાં પણ માતૃત્વની ભૂમિકાનો વિસ્તાર હોય તેવાં — ડૉક્ટ૨, નર્સ, શિક્ષણ ઇ. ક્ષેત્રનાં કાર્યો સ્ત્રીને માટે વધુ અનુકૂળ મનાય છે. ભારતમાં ગાંધીજીએ સ્ત્રીઓને ઘર છોડી દેશમુક્તિના આંદોલનમાં જોડાવા પ્રે૨ી ત્યારથી જાહેર જીવનમાં સ્ત્રીઓનો પ્રવેશ બીજા દેશો કરતાં ઘણો વધુ સરળ બન્યો છે. અહીં ઉચ્ચપદે સ્ત્રીઓ ભલે ઓછી, પણ છે ખરી; બીજા દેશોમાં પુરુષોનો આ સામેનો વિરોધ વધુ છે. અહીં સ્ત્રી ડિરેક્ટર હોય, બૉસ હોય અને પુરુષ સેક્રેટરી હોય તેવું ભલે ઓછું, પણ બને છે અને તે સ્વીકારાય છે. પણ વિદેશોમાં ઘણી જગ્યાએ પુરુષોનું વલણ જુદું છે. અત્યાર સુધી આપણે ભારતની, મુખ્યત્વે હિંદુ સમાજની વાત કરી. પણ બીજા ધર્મોમાં, બીજા દેશોમાં પણ સ્ત્રીઓ એક યા બીજા રૂપે ઊતરતા દરજ્જાની જ ગણાઈ છે. ઇસ્લામમાં તો કુરાનમાં સ્પષ્ટ કહ્યું છે કે ખુદાએ પુરુષને સ્ત્રી કરતાં ઊંચો બનાવ્યો છે; અને સદ્ગુણી સ્ત્રી તે છે, જે સંપૂર્ણપણે પતિને આજ્ઞાધીન છે. સ્ત્રી જો બળવો કરશે એવું લાગે તો તેને પથારીમાં એકલી પડી રહેવા દેવી અને મારવી. ધર્મના માર્ગ પર ઇસ્લામે સ્ત્રી-પુરુષ બન્નેને સમાન યાત્રી ગણ્યા છે, પણ મુસ્લિમ સંસ્કૃતિમાં સ્ત્રી પર ઘણા અંકુશો છે. ઘણી સ્ત્રીઓ હજુ બુરખા પહેરે છે, લગ્ન અને તલાક બાબત પુરુષોને વધુ અધિકારો છે. મુસ્લિમ સ્ત્રીને વારસાનો હક છે, પણ વ્યવહારમાં તેમ બનતું નથી. હિન્દુ કોડ બિલ પછી હિન્દુ સ્ત્રીને પિતાની સંપત્તિમાં સમાન વારસો મળવો જોઈએ, પણ ભાઈઓ તેનો અમલ કરતા નથી અને સ્ત્રીઓ પિયર સાથે સંબંધ જાળવવો હોવાથી, તે માટે આગ્રહ રાખતી નથી કે કોર્ટમાં જતી નથી. મુસ્લિમ સ્ત્રીઓની પણ એ જ સ્થિતિ છે. અક્ષરજ્ઞાનનું પ્રમાણ તેનામાં ઘણું ઓછું છે. ઇસ્લામી કાનૂનોની પુન:સ્થાપનાના પ્રયત્નો જે જે દેશોમાં ચાલે છે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી મુશ્કેલ બની છે. પાકિસ્તાનમાં એક પુરુષ બરાબર બે સ્ત્રીઓ ગણવાના સૂચિત કાયદા-સુધારા સામે મહિલાઓએ દેખાવ કર્યા ત્યારે પોલીસે બહુ નિષ્ઠુરતાથી તેમના પર લાઠીમાર કરેલો. ૧૯૮૨માં એશિયાડના ૨મતોત્સવ વખતે ઈરાનની ટુકડીએ પોતાની આગળ સ્ત્રી ઝંડો લઈને ચાલે તેનો વિરોધ કરેલો, તે તો બધાંને જ યાદ હશે. ખ્રિસ્તી ધર્મમાં બાઇબલે સ્ત્રીની છબી ‘પ્રલોભાવનાર, ચળાવનાર’ વ્યક્તિ તરીકેની આલેખી છે, તેથી પુરુષનો સ્ત્રી અને મિલ્કત પર અધિકાર સ્થાપિત થયો છે, છતાં બન્નેની પારસ્પરિક ફરજો અને આદર પર ભાર મુકાવાને કારણે, કુટુંબનું સ્વરૂપ નાનું રહ્યું છે અને સાસરિયાંઓનો વહુ પર ખાસ અધિકાર હોતો નથી. પતિ સાથે તે મુક્તપણે હરીફરી શકે છે. એક પત્નીત્વના માન્ય નિયમને કારણે પણ સ્ત્રીનું સ્થાન ત્યાં પ્રમાણમાં ઊંચું રહ્યું છે. સ્ત્રીનું એકમાત્ર જીવનધ્યેય લગ્નમાં પરિપૂર્ણ થાય છે, એવું મનાતું નથી. પણ હિન્દુ સ્ત્રી કરતાં તેનું સામાજિક સ્થાન ઊંચું હોવા છતાં, તે પુરુષોની સમાન તો નથી જ. પારસીઓમાં પુરુષ બિનપારસીને પરણે તો તેનાં બાળકો પારસી ગણાય છે, પણ સ્ત્રી બિનપારસીને પરણે તો તેનાં બાળકો પારસી ગણાતાં નથી, સાથે એ સ્ત્રીનો ‘અગિયારી’માં પ્રવેશવાનો અધિકાર છિનવાઈ જાય છે. આપણે ત્યાં આઝાદી આવી ત્યારે, ગાંધીજીને કારણે સ્ત્રીઓની સ્વતંત્રતાનો અમુક અંશ સિદ્ધ થઈ ચૂક્યો હતો. નવા બંધારણમાં કંઈ નહિ તો સૈદ્ધાંતિક રૂપે સ્ત્રી-પુરુષની સમાનતા સ્થાપિત થઈ હતી. પણ પશ્ચિમના ઘણા દેશોમાં તો સ્ત્રીઓને મતનો અધિકાર મેળવવા પણ લાંબા સમય સુધી લડત આપવી પડી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં છેક ૧૯૭૧માં સ્ત્રીઓને મતનો પૂરો અધિકાર મળ્યો. સમાન કામ માટે સમાન વળતરનો કાયદો કેટલાક દેશોમાં થોડાં વર્ષથી જ પસાર થયો છે. અમેરિકામાં ‘ઇકવલ રાઇટ્સ ઍક્ટ’ (ઇ.આર.એ.)ની હિલચાલને સંપૂર્ણ સફળતા મળી નથી. અમેરિકામાં ૧૯૭૬-૮૦માં જિમી કાર્ટર પ્રમુખ હતા ત્યારે તેમણે કહેલું કે આપણે સ્ત્રીઓને વ્યાપક જીવનમાં સંડોવવી જોઈએ; આપણે એવી નીતિ ઘડવી જોઈએ કે પ્રજાના પ૦ ટકા ભાગની, એટલે કે સ્ત્રીઓની પ્રતિભા, દક્ષતા, આવડતનો લાભ આખા દેશને મળી શકે. અમેરિકામાં ૧૯૬૦વાળા દાયકામાં બેટી ફીદાન નામનાં લેખિકાએ ‘ફેમિનિન મીસ્ટિક’ નામનું પુસ્તક લખી અનેક સ્ત્રીઓના ગુપ્ત અસંતોષને વાચા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પુરુષો લડાઈમાં ગયા ત્યારે સ્ત્રીઓએ ઘ૨આંગણે ઘણા મોરચા સફળતાથી સંભાળ્યા હતા. યુદ્ધ પૂરું થયે પુરુષો પોતાના કામ પર પાછા આવ્યા ને સ્ત્રીઓ ફરી ચાર દીવાલ વચ્ચે પુરાઈ ત્યારથી તેમના મનમાં એક અસંતોષ સળગવા લાગ્યો. તે પહેલાં ફ્રેન્ચ લેખિકા સીમોન દ. બુવાના ‘સેકન્ડ સેક્સ’ (૧૯૪૯) નામના પુસ્તકે ઘણો ખળભળાટ મચાવેલો જ હતો. ત્યાં સુધી પરામાં એક સરસ ઘર હોય, પતિ સારું કમાતો હોય, સુખસગવડનાં સાધનો હોય, હોશિયાર સંતાનો હોય — બસ એટલું સ્ત્રીની સાર્થકતાની વ્યાખ્યા માટે પર્યાપ્ત ગણાતું. બહુ તો તે થોડુંક ચર્ચનું અને માનવ-કલ્યાણ-સંસ્થાઓનું કામ કરતી. પણ ઉપર જણાવ્યાં તે અને બીજાં પુસ્તકો પછી સ્ત્રીઓમાં જાગૃતિનો એક જુવાળ આવ્યો, પરિણામે ‘વીમેન્સ લિબરેશન મૂવમેન્ટ’ — ટૂંકમાં ‘વીમેન્સ લિબ’ નામે ઓળખાતી પ્રવૃત્તિ શરૂ થઈ, જેના પડઘા આખી દુનિયામાં પડ્યા. શરૂઆતમાં તો પ્રતિક્રિયાનું લોલક સામા છેડે ગયું અને સ્ત્રીઓએ પુરુષ સાથેના જીવનનો — પતિ, કુટુંબ-બાળકો, લગ્નનો જ ઇનકાર કરવાને પોતાનું લક્ષ્ય ગણ્યું. અનેક સદીઓથી અંદર ધરબાયેલા અસંતોષનો એ પ્રસ્ફોટ હતો. ૧૯૭૦ પછી એ ઉગ્રતા ઓછી થઈ, પણ અત્યારે હવે, સ્ત્રી એટલે ઘરકામ, રસોઈ, બાળઉછેર — એ ખ્યાલ ત્યાં રહ્યો નથી. સ્ત્રીઓ પહેલાં જેટલી પુરુષ-આધારિત નથી. બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને પિતાઓએ બાળઉછેરના કામમાં ભાગ લેવા માંડ્યો છે. સ્ત્રીઓ કામ પર જાય ત્યારે બાળકોને સંભાળવા માટેનાં કેન્દ્રો છે, જેમાં ઘણી વાર પ્રશિક્ષિત પુરુષો પણ કામ કરે છે. આમ છતાં ત્યાં પણ સ્ત્રી હજુ સમાન નથી. એક સ્ત્રી માટે બહાર કામ કરવાનું શક્ય છે, પણ ટોચના સ્થાને પહોંચવાનું મુશ્કેલ છે. અત્યાર સુધીમાં એક પણ સ્ત્રી અમેરિકાની પ્રમુખ બની નથી અને સેનેટમાં પણ તેની સંખ્યા ઘણી ઓછી છે. જેમ પદ ઊંચું અને પગાર વધારે, તેમ તે સ્થાને સ્ત્રીઓ ઓછી. ઘ૨કામમાં પૂરો સાથ આપવાનું વલણ પણ આખા સમાજમાં વ્યાપક નથી. સ્ત્રીને માથે, બહારના કામની સાથે માતા બનવું, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો, કારકિર્દી ઘડવી અને તે ઉપરાંત બાળકો સંભાળવાં એ બોજો વધારે પડતો છે જ. સ્ત્રીઓના મનાતા ક્ષેત્રમાં પુરુષો આવ્યા છે, પણ પુરુષોના ક્ષેત્રમાં સ્ત્રીના પ્રવેશ વિષે પુરુષો સાશંક છે, વિરોધભાવ સેવે છે. સ્ત્રીનો ઘર બહારની પ્રવૃત્તિમાં રસ અને તેમાં તેને મળતી સફળતાને લઈને પુરુષમાં એક નવો ભય જન્મ્યો છે. અત્યાર સુધી જેને ઊતરતી કક્ષાની ગણી તે સ્ત્રીઓ સાથે વ્યાવસાયિક સ્પર્ધામાં ઊતરવાનું તેને આવ્યું છે. એમાં ક્યારેક તેની હાર પણ થાય છે. કેટલાક વિચારકોનું માનવું છે કે અમેરિકામાં સ્ત્રી ૫૨ થતી મારપીટ, બળાત્કાર અને જાતીય અપરાધોની વધી રહેલી ઘટનાઓ પાછળ પુરુષનો આ ભય રહેલો છે. સ્ત્રીના આ નવા વિકાસમાં, પુરુષ પોતાના સહજીવનને વધુ સમૃદ્ધ બનાવવાની શક્યતા જોવાને બદલે પોતાની ને કુટુંબની સામે જોખમ જુએ છે. તેને અજાણ ભય છે કે સ્ત્રીઓ ૫૨ આ૫ણે કાબૂ નહિ રાખી શકીએ તો તે આપણા પર સત્તા જમાવશે. સ્ત્રીઓએ માત્ર પોતાની અસ્મિતા પ્રગટ કરવા માંડી છે, પણ પુરુષને તેમાં આક્રમકતા દેખાય છે. સાધારણ એમ ખ્યાલ છે કે પશ્ચિમમાં સ્ત્રીઓની પરિસ્થિતિ વધુ સારી છે, પણ એ ખ્યાલ સાચો નથી. ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગનો પુરુષ-સમાજ હજુ પણ સ્ત્રીઓનું ખરું સ્થાન ઘરમાં જ છે એવી માન્યતા ધરાવે છે. નોકરી કરતી સ્ત્રીઓ — પિંક કૉલર વર્કર્સ — નું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે, પણ બૌદ્ધિક કુશાગ્રતા, ઉચ્ચ કાર્યક્ષમતા, કલ્પનાશીલતા માગી લેતું, ઘણા માણસો સાથે જેમાં કામ પાડવું પડતું હોય, જેમાં ચોવીસે કલાક (ઊંઘના કલાકો બાદ કરતાં) ધ્યાન આપવાની જરૂર પડતી હોય એવું મોટા ગજાનું કામ સ્ત્રીઓ ભાગ્યે જ કરે છે. તેમનું કામ નીરસ, એકધારું, ઓછા કૌશલ્યની જરૂ૨વાળું અને ઓછા વળત૨વાળું છે. ‘ધ રિયલ મટિલ્ડા’ (૧૯૭૬) નામના પુસ્તકની લેખિકા મિરિયમ ડિક્સને લખ્યું છે કે, ઑસ્ટ્રેલિયામાં સ્ત્રી (ફૂલના તોરણ જેવી) એક વસ્તુ છે, સંપત્તિની એક ચીજ છે. ઉચ્ચ શિક્ષણક્ષેત્રમાં આટલી ઓછી સ્ત્રીઓ કેમ છે? — એ અંગેના એક અભ્યાસ ‘વ્હાય સો ફ્યુ?’ — માં જોન બિએત્સકી નામની લેખિકાએ જણાવ્યું હતું કે મોટા ભાગે અપરિણીત અથવા બાળકો વગરની સ્ત્રી જ આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. સોનિયા હમ્ફીના કહેવા પ્રમાણે એ અભ્યાસ દર્શાવે છે કે ‘લગ્ન પુરુષને ટેકાનું બળ આપે છે, લગ્નથી પુરુષ ખીલે-ફૂલે છે, પણ લગ્નથી સ્ત્રીનો હ્રાસ થાય છે, ઑસ્ટ્રેલિયામાં કામ કરતી અને કુટુંબ સંભાળતી સ્ત્રીને બમણો બોજો ઉઠાવવો પડે છે એ નિર્વિવાદ છે. પુરુષને ઘરનું કામ કરવા વધુ પ્રે૨વા માટે કે કુટુંબનો થોડોક બોજ સમાજ ઉપાડી લે તે માટે કોઈ સરકારી નીતિઓ ઘડાઈ નથી. કેટલાક પશ્ચિમી દેશોમાં બાળકોની સંભાળ માટે કરવેરામાં કપાત આપવામાં આવે છે જે ઑસ્ટ્રેલિયામાં નથી. રશિયામાં ૧૯૧૭માં માર્ચની ૮મીએ મિલકામદાર-સ્ત્રીઓ હડતાળ પર ઊતરી તે પછી ક્રાન્તિનું બ્યૂગલ ફૂંકાયું હતું. ઝારના સમયમાં સ્ત્રીઓને બુરખા પહેરવા પડતા. વાંચવા-લખવાનો તેને અધિકાર નહોતો અને પુરુષને સ્ત્રીને મારઝૂડ કરવાનો કાયદાથી હક હતો. ફ્રેડરિક એન્જલ્સે કહેલું કે ‘જીવનની પરિસ્થિતિ બદલવા માટે આપણે તેને સ્ત્રીની આંખોથી જોતાં શીખવવું જોઈશે.’ અને ટ્રોટ્સ્કીનું કથન હતું : ‘સ્ત્રીને મુક્ત કરવી એટલે લોકોને અંધારા વહેમી ભૂતકાળ સાથે જોડતી નાળ કાપી નાખવી.’ ક્રાન્તિ પછી સ્ત્રીઓની મુક્તિ માટે, તેનાં બે મોટાં કામ — ઘરકામ અને બાળસંભાળ — માં તેને રાહત આપવા સામૂહિક રસોડાં અને બાળસંભાળનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં. લગ્નમાં બન્ને પક્ષ એકબીજાનું નામ ધારણ કરી શકે કે પોતાનું મૂળ નામ રાખી શકે એવો કાયદો પસાર થયો. ટૉટ્સ્કીએ પોતાના નામમાં પત્નીનું નામ રાખ્યું હતું. પણ સ્ટેલિનના સમયમાં પ્રતિક્રાન્તિની પ્રક્રિયા ચાલી. સ્ત્રી ફરી ઘરકામની સીમાઓમાં બંધાઈ. ૧૯૪૩માં સહશિક્ષણ પણ કાઢી નખાયું. આજે સોવિયેટ નારી તેના પાશ્ચાત્ય બહેન કરતાં બહુ આગળ નથી. તે બધાં ક્ષેત્રોમાં કામ કરે છે, પણ ઊતરતાં સ્થાનો પર માત્ર ડૉક્ટરોમાં ૭૯ ટકા સ્ત્રીઓ છે, પણ તેમને કુશળ કારીગર — સ્કિલ્ડ વર્કર — કરતાં ૨/૩ પગાર મળે છે. ‘સોવિયેટ એકૅડમી ઑફ સાયન્ટિસ્ટ’માં ૨૦૪ સભ્યોમાં સ્ત્રીઓ ફક્ત ૨૪ છે. સામ્યવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના ૧૯૫ સભ્યોમાં ફક્ત ૩. ગૃહકાર્ય સ્ત્રીના દરજ્જાને મર્યાદિત બનાવે છે તેમ જ તેને કારણે સમાજમાં તેનું સ્થાન નીચું ઊતરે છે, અને સ્ત્રીઓને સમાજમાં આર્થિક સ્તરે સમાવિષ્ટ કરવી જોઈએ — એવી માર્ક્સ, એન્જલ્સની વિચારણા સામ્યવાદી ચીને અપનાવી હોવા છતાં ઘરમાં તેમ જ જાહેર ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા હજી ત્યાં નિવારી શકાઈ નથી. મૂડીવાદી સમાજ જેટલું જ સ્ત્રીનું શોષણ સામ્યવાદી સમાજમાં પણ થાય છે તેવું જ્યુડિથ સ્ટેસીનું વિશ્લેષણ કહે છે. એલિઝાબેથ કોલે રશિયા, ચીન, ક્યુબા અને તાંઝાનિયા આ ચાર સમાજવાદી સમાજોનો અભ્યાસ કરીને લખ્યું હતું કે સમાનતાનો સિદ્ધાંત અને સ્ત્રીઓનો એ વિશેનો અનુભવ બે વચ્ચે ઘણી મોટી ખાઈ છે. સ્ત્રીઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં કામ કરે છે એ વાત ખરી છે. ચીનમાં સ્ત્રી વિમાનચાલક છે, સર્જક છે, ટરબાઈન જનરેટ૨ ઑપરેટર છે, તે લેથ ફેરવે છે, કૂવા ખોદે છે, ગામડામાં તે કૃષિ-ઇજનેર છે અને ટ્રૅક્ટર ચલાવે છે. ચીનમાં નીતિની મૂળ આચારસંહિતા ઘડનાર કૉન્ફ્યૂશિયસે તો સ્ત્રીઓને ‘ગુલામ’ની કક્ષામાં મૂકી ‘ઘરની અંદરની મનુષ્ય’ (નેઈ રેન) ગણી હતી. દસમી સદીથી એક ભયંકર પ્રથા શરૂ થયેલી, જેમાં સ્ત્રી ‘ચાહવાને વધુ યોગ્ય પાત્ર’ બની ૨હે તે માટે, જન્મ પછી પાંચમા દિવસથી જ છોકરીના અંગૂઠા પગમાં વાળી ઉપર પાટા બાંધી, લોહીનું પરિભ્રમણ અટકાવી પગને નાના, સુંદર, શક્તિ વગરના બનાવી દેવાતા. સ્ત્રી પરના આ ને આવા બીજા અન્યાયો-અત્યાચારો સામે ૧૮૨૫માં લી રૂઝેન નામની લેખિકાએ ‘દર્પણમાં ફૂલો’ નામની નવલકથા લખી હતી, જેમાં તેણે સ્ત્રી અને પુરુષની ભૂમિકાઓ ઉલટાવી નાખીને સ્ત્રીની અસમાનતા અને સમાજનાં નીતિનાં બેવડાં ધોરણો સામે પડકાર ફેંકેલો. સામ્યવાદી સરકાર આવ્યા પછી, માઓ ત્સે તુંગે સમાજને બદલવાની સ્ત્રીની શક્તિ પ્રત્યે સ્ત્રી પોતે જાગ્રત થાય તે માટે સરકારી ધોરણે નીતિઓ ઘડી. ઘરની અંદર ચાલતી પિતૃસત્તાક વિચારધારાવાળી વ્યવસ્થા બદલવાનું કામ બીજા કોઈ પણ દેશ કરતાં વધુ ચીને કર્યું છે. આજે ત્યાં ઘરમાં પતિ-પત્નીની સમાન સત્તા છે, કુટુંબની સંપત્તિ અને આવકની વ્યવસ્થામાં બંનેનો સમાન અવાજ છે, લગ્ન પછી સ્ત્રી પોતાનું મૂળ નામ ૨ાખે તે પ્રચલિત વ્યવહાર છે. સામૂહિક વસવાટ-આયોજનમાં સ્ત્રીના ઘર અને કામના સ્થળે જ દુકાનો, પ્રાથમિક શાળા, આરોગ્ય-કેન્દ્ર, બાળસંભાળકેન્દ્રો ઊભાં કરાયાં છે. આમ છતાં પૂર્ણ મુક્તિ અને સમાનતા હજુ દૂરનું સપનું છે. હજુ ત્યાં પુત્રી કરતાં પુત્રનું મહત્ત્વ ઘણું વિશેષ છે, અને પુત્રીઓને મારી નાખવાના બનાવો છાપાંમાં ચમકે છે. યુનિવર્સિટી-પ્રોફેસર જેવાં ઊંચાં પદોએ પુરુષો જ છે, અને હજુ પણ ઘરકામ ને બહારના કામનો ઘણો મોટો બોજો સ્ત્રીને માથે છે. સ્ત્રી-મુક્તિ માટે પુરુષોનું વલણ બદલાવું જોઈએ, જે કાર્ય ત્યાં હજી પૂરેપૂરું સિદ્ધ થયું નથી. દુનિયાના લગભગ બધા જ દેશોમાં, બધા જ ધર્મોમાં, બધી જ સંસ્કૃતિઓમાં સ્ત્રીનો દરજ્જો આમ સદૈવ બે વેંત નીચો રહ્યો છે. કેનિયામાં મોટા ભાગના ખેડૂતો સ્ત્રીઓ છે, જે ઘણુંખરું અભણ હોય છે. ખેતરમાં તે કાળી મજૂરી કરે છે. ઉપરાંત પાણી લાવવું, ઘર સંભાળવું, રસોઈ કરવી, બાળકો ઉછેરવાં — તે તો ખરું જ. પુરુષો શહે૨માં કામે જાય છે, કમાઈને પોતાનો પગાર દારૂ ને મોજમઝા પાછળ વાપરી નાખે છે. ૮૦ ટકા પાક સ્ત્રીઓ ઉગાડે છે, પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું પુરુષોના હાથમાં છે.

*

સ્ત્રીઓની આ જગત-વ્યાપી પરિસ્થિતિની પડછે, ભારતીય હિન્દુ (અને ક્યારેક ગુજરાતી) સમાજની વર્તમાન પરિસ્થિતિની પૃષ્ઠભૂ પર ‘સાત પગલાં આકાશ’માં લખાઈ છે, આ માત્ર નવલકથા નથી. હજારો સ્ત્રીઓની જીવનકથા છે. જેમ અસ્પૃશ્યોનું શોષણ થયું છે તેમ સ્ત્રીઓનું પણ થયું છે. પુરુષે વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે સ્ત્રીને નબળી સ્થિતિમાં રાખી તેનો પોતાના હિત માટે લાભ લીધો છે, અને તેને આદર્શનું રૂપ આપ્યું છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ, ‘નારીરત્નોનાં ગુણગાન ગાઈ સાધારણ માનવીના હકોને ભોગે તેને આસમાની આદર્શો ઉપદેશવા એ સામાજિક બંધાઈ છે.’ શોષણ ઘણી વા૨ એવા સૂક્ષ્મ સ્વરૂપનું હોય છે કે શોષણનો ભોગ બનનારને પણ એનો ખ્યાલ ન આવે. ઘણીખરી સ્ત્રીઓ આ અવસ્થામાં છે, એટલું જ નહિ, જાણ્યે-અજાણ્યે તે પોતાના શોષણમાં પોતે જ સાથ આપે છે. સ્ત્રી જ્યારે (પોતાની જ જાતિની) પુત્રીનો જન્મ વધાવી શકતી નથી, એક સાસુ કે નણંદ થઈને જ્યારે વહુ પર ત્રાસ ગુજારે છે, દીકરા માટે દહેજ માગે છે, દીકરા-દીકરીમાં ભેદ કરે છે, સ્વાયત્ત સ્ત્રીની ટીકા કરે છે, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પરત્વે તુચ્છકારથી જુએ છે કે વિધવાને નિષેધોની વાડમાં પૂરે છે, ત્યારે પોતે પોતાની જાતિનો દ્રોહ કરે છે, પોતાનાથી નબળી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીનું શોષણ કરવાનું પાપ કરે છે અને એ રીતે સ્ત્રી જ ખરેખર ઘણી વાર સ્ત્રીની દુશ્મન બને છે. એક પ્રશ્ન ઘણી વાર ઉઠાવવામાં આવે છે કે જે સ્ત્રીએ વહુ તરીકે ખૂબ વેઠ્યું હોય તે સાસુ બનતાં વહુ પર એવો જ ત્રાસ કેમ ગુજારે છે? આ એક પેચીદો માનસશાસ્ત્રીય પ્રશ્ન છે. ઘરમાં વહુ આવતાં, પોતાના એકચક્રી શાસનમાં (જેટલું હોય તેટલું) ભંગ પડતો હોય, ‘પારકા ઘરની દીકરી પાછળ થતા ખર્ચની સભાનતા રહેતી હોય, દીકરાના પ્રેમમાં ભાગ પડાવનાર વ્યક્તિ આવી છે અને તે પોતાનું અવલંબન પોતાની પાસેથી ઝૂંટવી લેશે એવો ભય હોય — તે બધાં જ કારણો શક્ય છે. જે ઉત્સાહથી મા દીકરાને પરણાવે છે તે જ ઉત્સાહથી તે નવી વહુને પોતાના હૃદયમાં સ્વીકારી શકતી નથી.’ પણ એક બીજો ખુલાસો પણ આનો હોઈ શકે. બ્રાઝિલના કેળવણીકાર પોલો ફેરેએ અવિકસિત દેશોમાં શોષકો અને શોષિતોના માનસને સમજવા, તેમનાં પુસ્તકોમાં એક દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, તેમાં કદાચ આનો ઉત્તર સાંપડે. ફેરે શોષિતનાં વૃત્તિ-વલણને ‘મૌનના સંસ્કાર’ કહે છે. શોષણકારના વલણને ‘આધિપત્યના સંસ્કાર’. મૌનના સંસ્કારને કારણે શોષિતો પોતાના મનમાં વાસ્તવિકતાથી વેગળું એક કલ્પિત જગત સાચવી રહે છે, અને અજાણપણે એ જગત પર શોષણકારના વલણ-વર્તાવનો પ્રભાવ હોય છે. પેઢી દરપેઢી બન્ને વર્ગના ઉત્તરાધિકારીઓનાં વલણો તેનાથી ઘડાતાં રહે છે. આથી જ્યારે ભૂમિ-મજૂરો જમીનસુધારા માટે આંદોલન કરે છે ત્યારે તે માલિક-મજૂ૨-સંબંધમાં પરિવર્તન નથી તાકતા પણ પોતે જમીનદાર થવા તાકે છે અને માલિક બનતાં જ માલિકના જેવું વર્તન કરવા લાગે છે. સ્ત્રીની સાસુ થવાની પ્રક્રિયા કદાચ આવી જ હોય. સ્વતંત્રતા શું, તેનો સ્વાદ તેણે કદી ચાખ્યો નથી. મનુષ્યને વિચારશીલ સક્રિય વ્યક્તિ તરીકે જોવાની કેળવણી તેને મળી નથી. આ વિશે તો સ્ત્રીએ પોતે જ જાગ્રત થવાનું છે, સ્ત્રી તરીકે સમસ્ત જગતની સ્ત્રીઓ સાથે ભગિનીત્વની ભાવના કેળવવાની છે. આ નવલકથામાં પતિ દ્વારા થતી મારઝૂડનો પ્રસંગ આવે છે, તે વાંચી કેટલાકને પ્રશ્ન થયો હતો કે ભણેલીગણેલી સ્ત્રી આવું થોડું જ ચલાવી લે? શરૂઆતમાં મેં કહ્યું છે તેમ, આમાંના ઘણા પ્રસંગો સત્ય ઘટના પર આધારિત છે. મુંબઈનાં ફ્લેવિયા ડી’મેલોએ આ વિષય પર રજૂ કરેલા એક પેપરમાં જણાવેલું કે શિક્ષિત સંસ્કારી ગણાતા વર્ગોમાં, ડૉક્ટરો-વકીલોની કક્ષાના પતિઓ પણ પત્નીઓને મારતા હોય એવા કિસ્સાઓ, માનવામાં ન આવે એટલી હદ સુધી બને છે. ભણેલા પુરુષ મારઝૂડ કરે એવું જેમને ગળે ઊતરતું ન હોય, તેમણે દિલ્હીથી પ્રગટ થતી ‘માનુષી’ પત્રિકાના અંકો જોવા. સ્ત્રી ભણેલી અને કમાતી હોય છતાં પણ તેના પર દેખીતા જુલમો અને તેના વ્યક્તિત્વને છિન્ન કરવાના કેવા સૂક્ષ્મ પ્રયાસો થતા હોય છે તેનો તેમાંથી ખ્યાલ આવશે. સ્ત્રીઓ આ પરિસ્થિતિનો પ્રતિવાદ કર્યા વિના સંસાર ચલાવ્યા કરે છે તેનું કારણ શું? ‘મૌનના સંસ્કાર.’ ઘરની વાત બહાર ક્યાં કહેવી, તેવું વલણ. માર્ટિન સેલિગ્રન નામના માનસશાસ્ત્રીએ કૂતરાઓને પાંજરામાં પૂરી વીજળિક આંચકા આપી એક પ્રયોગ કરેલો. શરૂઆતમાં કૂતરાઓ પાંજરામાંથી નાસી છૂટવા માથાતોડ પ્રયત્નો કરતા, પણ નીકળવાનો કોઈ રસ્તો નથી જ, એમ મનમાં ઠસી જતાં તેઓ અત્યાચાર સામે ‘અસહાય અને અક્રિય’ થવાનું શીખી ગયા હતા. સ્ત્રીઓ પણ આમ ત્રાસ પરત્વે ઉદાસીન ‘પૅસિવ’ — થઈ જાય છે. આબરૂ, બીજાં ભાઈબહેનોના લગ્ન-સંબંધે મુશ્કેલીની શક્યતા ઇ. ભયને કારણે તે ચૂપચાપ બધું સહન કરી લે છે. ઘર છોડી દે તો પોતે ક્યાં જાય, જીવનનિર્વાહ કેમ કરે, માબાપ પર બોજ બનીને કેમ રહેવાય એવાં ભય અને મૂંઝવણ તેમ જ બહારનું કામ કદી ન કર્યું હોવાથી આત્મવિશ્વાસનો અભાવ અને બાળકો હોય તો તેમના ભવિષ્યની ચિંતા ઇ. કારણો સ્ત્રીને ઘર છોડતાં અટકાવે છે અને મારઝૂડ સહી લેવા પ્રેરે છે. મારઝૂડ-બૅટરિંગ-નો પ્રશ્ન અહીં છે તેવો અમેરિકામાં પણ છે અને ઑસ્ટ્રેલિયામાં પણ છે, બધા જ દેશોમાં છે. જગત-સમસ્તમાં સ્ત્રીઓ પ્રત્યે આ જે ઊતરતાપણાનો ભાવ છે તે જ ‘સાત પગલાં આકાશમાં’માં વ્યક્ત થયો છે. વ્યોમેશ આ પુરુષશાહી માનસને પ્રતિબિંબિત કરતું પાત્ર છે. તે અને ફૈબા વર્તમાન આર્થિક વ્યવસ્થા અને સામાજિક પ્રણાલીઓના અંધ વા૨સ અને ઉપાસક છે, મોટા ભાગનો જનસમુદાય તે પ્રકારનું જ વલણ ધરાવે છે. વસુધા આ દેખાતા, ન દેખાતા વિવિધ અન્યાયોનો ભોગ બનતી સ્ત્રી છે, જેમાં સેંકડો સ્ત્રીઓએ પોતાનું પ્રતિબિંબ જોયું છે. વસુધા અને વ્યોમેશ બન્ને સામાન્ય પરિસ્થિતિઓમાં મુકાતાં, સામાન્ય મધ્યમ વર્ગનાં પાત્રો છે. આથી ઘણી વધારે આક૨ી, કઠોર, ક્રૂર પરિસ્થિતિઓમાં લોકો એક યા બીજા કારણે મુકાતાં હોય છે. પણ અહીં રોજિંદા જીવનની રોજિંદી વાતો છે, હજારો ઘરોમાં હ૨૨ોજ ઘટતી ઘટનાઓ છે. પછી એક વળાંક આવે છે, વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે. આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે. તે મથામણ કરે છે, તેની અંદર સંઘર્ષ જાગે છે, અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતા કરે છે. છેવટે વસુધા મુક્તિના રાહ પર પગલાં માંડે છે. કોઈ પણ શોષિત સમાજ સભાન બની સંઘર્ષ કરે, ત્યારે તે એવી જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોઈ વાચકને કદાચ લાગે કે અમુક વર્ગવિશેષના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવાથી તે પ્રચારકૃતિ બને છે, સાહિત્યકૃતિ નહિ. મારી દૃષ્ટિએ, આ સંવેદના સર્જકતા પાછળનું બળ છે. ગોર્કીની ‘મધર’ જેવી ઘણી મહાન કૃતિઓ આવી રીતે વર્ગવિશેષની વેદનાનું આલેખન કરે છે. સાહિત્ય સમાજ અને જીવનના પ્રશ્નોથી વિમુખ કે વેગળું હોઈ શકે નહિ. વસુધાનો માર્ગ પલાયનનો છે? પલાયન એટલે પરિસ્થિતિનો સામનો કરવાની અશક્તિમાંથી ભરાયેલાં નબળા માણસનાં પગલાં. સાંકડી વાડને તોડી બૃહદ્ વિસ્તારમાં પગલાં માંડવાં તે પલાયન નથી. કૂવામાંથી દેડકો બહાર નીકળે તે પલાયન નથી. વસુધા હારેલી વ્યક્તિ નથી, સમર્થ વિજેતા છે. તેનું એક કુટુંબ તૂટે છે (તેનું કારણ વસુધા નથી), પણ બીજું વિશાળ કુટુંબ રચાય છે, એ તેની સિદ્ધિ છે. કેટલાક વાચકોએ નવલકથા વાંચતાં ફરિયાદ કરેલી કે એમાં સ્ત્રીઓને સારી ચીતરી છે, પુરુષોને ખરાબ ચીતર્યા છે. સ્વરૂપ, આદિત્ય, વિનોદ જેવાં વિકસિત મનુષ્યોનાં પાત્રો નજરે ન ચડે એટલી હદે તેમની દૃષ્ટિ પૂર્વગ્રહથી ગ્રસ્ત હશે? બધા પુરુષોને ખરાબ કેમ કહેવાય? સતીની પ્રથા બંધ કરાવનાર રાજા રામમોહન રાય પુરુષ હતા. મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે કરેલા કામથી કોણ અજાણ છે? અને ગાંધીજીએ તો કેટલું બધું કર્યું? તેમણે પુરુષ સાથે સંબંધાયા વગર પણ સ્ત્રીમાં અસ્મિતા છે, તેનું સ્ત્રીને ભાન આપ્યું, સ્ત્રીને તેનું પોતાપણું આપ્યું. પહેલીવાર તેમણે જ કહ્યું કે પત્નીની ઇચ્છા વિરુદ્ધ પતિ તેની સાથે શરીર-સંબંધ બાંધે તે બળાત્કાર જ છે. પણ હજી ઘણું બાકી છે, સ્ત્રીએ સ્ત્રી માટે ઘણું ક૨વાનું છે. શોષક કોઈ દિવસ ક્રાંતિ કરી શકે નહિ. શોષિતોએ જ એ માટે પ્રયત્ન કરવાનો છે. આ તોડફોડ કરનારી લોહિયાળ ક્રાંતિ નથી; આ મૂલ્યોની ક્રાંતિ છે, જીવનનાં સ્વરૂપો અને માળખાંઓની ક્રાંતિ છે. નવલકથામાં એક ઇંગિત એ પણ છે કે સ્ત્રીની સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર, પુરુષના સાથનો ઇન્કાર નહિ. સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ, એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્રોત છે. આ પ્રેમ ને સંબંધ દ્વારા બન્ને ઘણું પામે છે, પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. સ્ત્રીમુક્તિમાં પુરુષવિહોણા જીવનની કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ-સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પણ આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે. સમાનતા એટલે શું? વારંવાર કહેવાતું હોય છે કે સ્ત્રીઓએ પુરુષોની સ્પર્ધા ન કરવી જોઈએ. એક અગ્રણી સાહિત્યકારે મને કહેલું : પુરુષ અડધી રાતે ગમે ત્યાં જઈ શકે, સ્ત્રી ન જઈ શકે. એક ભાઈએ લખેલું : ‘સ્ત્રીઓ તો કાલે પુરુષોને કહેશે કે અમારી પ્રસૂતિપીડામાં પણ ભાગ પડાવો.’ આ વાક્યમાં સમાનતાનો અર્થ સમજ્યા વિના તેની હાંસી ઉડાવતું મૂર્ખ માનસ પ્રગટ થાય છે. (માહિતી ખાતર કહું કે કોલીના ‘મીસ્ટિક રોઝ’ પુસ્તકમાં વ્હાઈટ નાઇલ અને ચીની તુર્કસ્તાનનાં પ્રાચીન રાજ્યોમાં ચાલતા ‘કુવેડ’ નામના રિવાજની વાત છે, જેમાં બાળજન્મ વખતે પુરુષ પણ પથારીમાં સૂઈ પીડાનો દેખાવ કરતો, વેદનાની બૂમો પાડતો, અને એ રીતે પ્રસૂતિપીડા અનુભવવાનો પ્રયત્ન કરતો. વિખ્યાત સમાજસેવક શ્રી ચુનીલાલ મહારાજે મને કહેલું કે ગુજરાતમાં પણ અમુક કોમમાં આવી પ્રથા છે.) સમાનતા એ કાંઈ સ્પર્ધા નથી. હરિજનોને મનુષ્ય લેખે, સવર્ણ ગણાતા લોકોની સમાન ગણવા જોઈએ એમ આપણે કહીએ ત્યારે તેમાં સ્પર્ધાની વાત આવતી નથી. સ્ત્રી કરતાં પુરુષની સ્નાયુશક્તિ નિર્વિવાદપણે વધારે છે. બન્નેની શરીરરચના અને અંશત: માનસરચના ભિન્ન છે. સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે, પુરુષ નહિ. પણ આ ભિન્નતાને કારણે કોઈ ચડિયાતું કે ઊતરતું કેમ હોઈ શકે? એકને બીજા પર આધિપત્ય જમાવવાનો અધિકાર શી રીતે હોઈ શકે? ગોરાઓ અને કાળાઓ રંગમાં ભિન્ન છે, તેથી શું ગોરાઓને બિનગોરા પર અધિકાર સ્થાપવાની છૂટ છે? સમાનતાનો અર્થ એટલો જ છે કે સ્ત્રીને રાજકીય, કાયદાકીય, સામાજિક, આર્થિક, કૌટુંબિક ક્ષેત્રે પુરુષના જેટલો જ અધિકાર હોવો જોઈએ. તેને બૌદ્ધિક અને અન્ય શક્તિઓનો વિકાસ કરવા માટે પુરુષના જેટલી જ તક મળવી જોઈએ. સમાજનું ને કુટુંબનું માળખું એવું હોવું જોઈએ કે શ્રમ અને સંપત્તિમાં બન્નેનો સરખો હિસ્સો હોય. એવી મુક્ત હવા ધરાવતા સમાજમાં સ્ત્રી વસ્તુ નહિ, વ્યક્તિ હશે. ‘પુરુષ જેમ માત્ર સ્ત્રીના લાભ કે સુખ માટે સર્જાયો નથી, તેમ સ્ત્રી પણ ફક્ત પુરુષના લાભ કે સુખ માટે સર્જાઈ નથી.’ ભિન્ન વ્યક્તિત્વ છતાં સરખી શક્તિઓ ધરાવનાર વ્યક્તિઓ તરીકે ઉભયની ગણના થવી જોઈએ. સ્ત્રીની સલામતીની ઇચ્છાએ, તેની ગુલામીને થોડાંક સુંદર નામો આપી હોંશે હોંશે અપનાવી લીધી છે. સ્ત્રીની સૌથી મોટી નબળાઈ છે આ સલામતીની ઇચ્છા. એ વસ્તુએ જ તેને સ્વનિર્ભર, સ્વતંત્ર, આત્મદીપ્ત થતાં અટકાવી છે. સ્વતંત્ર થવા માટે શક્તિ જોઈએ છે, જવાબદારી જોઈએ છે, વિચારની જાગૃતિ જોઈએ છે. સ્ત્રીને એ ખપતું નથી, કારણ કે તેમાં મહેનત પડે છે. તેને કોઈ પોતાનું રક્ષણ કરે એ વાત રૂચે છે, એને માટે તે બધું જતું કરવા તૈયાર છે. પતિ જતાં, સ્ત્રી બીજું બધું હોવા છતાં પોતાને અસહાય અનુભવે છે, તે આ રક્ષણ છીનવાઈ જવાને કારણે જ. માણસની જે સૌથી મોટી નિર્બળતા, તે જ તેનું સૌથી મોટું બંધન. આથી તેણે મુક્તિ શોધવાની હોય તો અહીં શોધવાની છે. સ્ત્રીએ પોતે પોતાના પ્રયાસોથી પોતાનું ગૌરવ, શક્તિ, જીવનસિદ્ધિ પુનઃ પ્રાપ્ત કરવાનાં છે. આવી સ્ત્રીની ઉત્પાદક શક્તિઓનો રાષ્ટ્રને અને સમાજને પૂરો લાભ મળશે તે આખી પ્રજા અને દેશને લાભકર્તા જ થશે. આ માટે સામાજિક-કૌટુંબિક માળખાં બદલવાં પડશે. છોકરા-છોકરીઓને નાનપણથી અમુક ચોક્કસ ભૂમિકા માટે તૈયાર કરવાને બદલે સ્વતંત્રપણે પોતાની કારકિર્દી પસંદ કરવા મુક્ત રાખવાં પડશે. પરણવું કે કારકિર્દી ઘડવી? — સુખી લગ્નજીવન કે વ્યવસાયની સફળતા? એવી આકરી પસંદગી કરવાની સ્ત્રીને ફરજ ન પડવી જોઈએ. પુરુષ પણ પોતાના પૌરુષી ‘અહં’માંથી મુક્ત થઈ ઘરકામમાં અને કુટુંબવ્યવસ્થામાં પૂરો ભાગ લેવો પડશે. આવાં માબાપ પછી દહેજ નહિ માગે, કન્યાનું ‘દાન’ નહિ કરે. સ્ત્રીઓનાં વેશ-શણગાર-નામની ઓળખ પુરુષ-આશ્રયી નહિ હોય. કોઈ પુરુષને ઘેર રહી ઘર સંભાળવું હોય અને કોઈ સ્ત્રીને ટ્રૅક્ટર ચલાવવું હોય તો તેમ કરવામાં કશો અવરોધ ન નડવો જોઈએ. અમારા એક ડૉક્ટર મિત્રને ૨સોઈ ક૨વાનો ખૂબ શોખ છે. તે કહે છે : ‘મારે રસોઈયો બનવું જોઈતું હતું તેને બદલે હું ડૉક્ટર થઈ ગયો.’ આ સાંભળીને તેની પત્ની નાનપ અનુભવે છે. પણ રસોઈયો ને ડૉક્ટર બન્નેની જીવવા માટે જરૂ૨ છે. સ્ત્રી અને પુરુષ બેઉ, બેમાંથી કયું કામ કરવું તે મુક્તપણે પસંદ કરી શકવાં જોઈએ. છેલ્લે — કેટલાક લોકોને લાગે છે કે સ્ત્રી સ્વતંત્ર થશે તો ઉદ્ધત થશે, પુરુષની જેમ સત્તાલોભી ને સ્વૈરવિહારી બનશે, પશ્ચિમમાં થયું તેવું આપણે ત્યાં બનશે, કુટુંબ-વ્યવસ્થા તૂટી જશે. દરેક પ્રજાને પોતાના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોય છે. એના પર બીજી સંસ્કૃતિનું આક્રમણ ખાળવા તે મથે છે. સમય બદલાયો છે. સતીની પ્રથાથી આપણે ઘણાં આગળ નીકળી આવ્યાં છીએ. હવે ઘર ને કુટુંબ એટલે પુરુષ કમાય, સ્ત્રી ઘર ચલાવે ને છોકરાં ઉછેરે તે નહિ, હવે ઘર અને કુટુંબ એટલે સ્ત્રી-પુરુષ, બાળક દરેકને એકમેકનો સમૃદ્ધ સાથ અને દરેકને એ સાથ વડે પોતાની વિશિષ્ટતાઓ વિકસાવવાની સગવડ. પુરુષ સત્તાલોભી ને સ્વૈરવિહારી હોય તો તે અંગે ઉપાય કરવા જોઈએ. એને માટે થઈને સ્ત્રીની સ્વતંત્રતા છીનવી લેવી તે ક્યાંનો ન્યાય? હવે ઘરસંસાર ચલાવવાની જવાબદારી બન્નેની છે. પુરુષ સ્વતંત્ર હોવાથી ઘર જોખમાતું નથી, તો સ્ત્રી સ્વતંત્ર થતાં શા માટે જોખમાવાનો ભય રાખવો? પરિવર્તન અને થોડી ઊથલપાથલ જરૂર થશે. અન્યાયી, અત્યાચારી પ્રથાઓ વડે ઘણાં ઘર ટક્યાં છે, થોડાંક ઘર ન્યાય ખાતર કદાચ તૂટે પણ ખરાં. પણ હવે ઘર તૂટશે તો તેમાં બન્નેની જવાબદારી ગણાશે. ઘર સુંદર બનશે તો તે બન્નેનું સર્જન હશે. પુરુષો ઉદ્ધત નથી હોતા? કોઈમાં ઉદ્ધતાઈ હોય તો એ તેના વ્યક્તિગત અજ્ઞાન અને અણઘડતામાંથી ઉદ્ભવતી બાબત છે. સ્ત્રી અને પુરુષ બન્ને અપૂર્ણ છે, ગુણ ને દોષથી મુક્ત છે. બન્ને આ સંઘર્ષમાંથી બહાર નીકળી સમજ પામશે તો એકબીજાના સાથમાં વિકાસ સાધી શકશે. બહારથી લાદેલાં નિયંત્રણો અને વ્યક્તિની પોતાની સમજમાંથી પાંગરતી આંતરશિસ્ત તેમ જ સહજસ્ફુર્ત સ્નેહ પર રચાયેલા સંબંધો — બે તદ્દન જુદી બાબતો છે. દરેક વ્યક્તિને પોતાની સહજ સમજ ખીલવવાનો, તે અનુસાર જીવન ગોઠવવાનો, જીવનના ઊંડા અર્થોનું ઉદ્ઘાટન ક૨વાનો અધિકાર છે. સ્ત્રી પુરુષની પ્રતિસ્પર્ધી નથી કે તેની સ્વતંત્રતાથી પુરુષ ભય પામે. બન્ને એકમેકનાં સાથી છે, જીવનયાત્રાએ નીકળેલાં સહપ્રવાસી છે. સ્ત્રી મુક્ત નહિ હોય તો પુરુષ પણ બંદી જ રહેશે. આપણા સાથીનો સર્વાંગી વિકાસ થાય તે આપણા જ હિતમાં છે. સમાજમાં જેટલી વધુ વ્યક્તિઓ જાગ્રત, સ્વાયત્ત, વિચારશીલ બને તે સમાજના જ હિતમાં છે. પ્રજાના અડધોઅડધ ભાગને અજ્ઞાનમાં, મહત્ત્વની બાબતોમાં સક્રિય ભાગ ભજવવામાંથી વંચિત રાખીને કોઈ પ્રજા ઉન્નત થઈ શકશે નહિ. આ માટે સ્ત્રી ને પુરુષ બન્ને પોતાનાં વલણો બદલે, પોતાની માની લીધેલી ‘ઇમેજ’માંથી મુક્ત થાય, સ્ત્રીઓ પોતે સામૂહિક રસોડાં અને બાળસંભાળ-કેન્દ્રો ઊભાં કરી સ્ત્રીને સહુથી વધુ જકડી રાખતી કામગીરીને સામાજિક જવાબદારીની ભૂમિકા પર મૂકે તો સંબંધોની એક નવી તરાહ ઊભી થશે. આપણે સંવેદનાનું ફલક વિસ્તારીએ અને જગતના સર્વ મનુષ્યોને સમાનભાવે જીવવાનો ને સુખી થવાનો અધિકાર છે એમ સ્વીકારીએ તો માનવ ખરેખર માનવ બનશે અને જીવન વધુ જીવવા જેવું લાગશે. ફક્ત સ્ત્રીએ જ નહિ, આખા સમાજે મુક્તિયાત્રા માટે જાગ્રત થવાનું છે. એ પ્રક્રિયામાં આ નવલકથા યત્કિંચિત્ પણ ફાળો આપશે તો મારો અંતરાત્મા પ્રસન્ન થશે.

*

૧૯૫૩માં મેં સ્ત્રી-મુક્તિની પહેલી નવલિકા ‘તમારાં ચરણોમાં’ લખી ત્યારથી આ વિષય અંગે માહિતી, નોંધ, કિસ્સા ઇ. સામગ્રી મારી પાસે એકઠી થતી રહી છે. આ ૩૧ વર્ષ દરમ્યાન આ પ્રશ્નનાં વિવિધ પાસાં વિશે મેં ઘણા લેખો-વાર્તાઓ લખ્યાં છે. એ બધાનો પ્રસ્તાવના — નવલકથામાં ઉપયોગ કરવા ઉપરાંત નીચે નોંધેલી સામગ્રીએ પણ મને ઘણી મદદ કરી છે :       ૧.   ધ બાયોલૉજિક, ટ્રૅજેડી ઑફ વુમન : એન્ટન નેમિલોવ (મૂળ રશિયનમાંથી અનુ. સ્ટેફાની ઓ ફેન્તાલ)       ૨.   સ્ટેટસ ઑફ વીમેન ઇન ઇન્ડિયા : ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશ્યલ સાયન્સ રિસર્ચ (નવી દિલ્હી)નો રિપોર્ટ       ૩.   ધ રિબેલિયસ હોમ મૅકર્સ : ઇન્દિરા મહેન્દ્ર       ૪.   ટુડેઝ વીમેન : વૉઇસ ઑફ અમેરિકા સિરીઝ       ૫.   ધ ફેમિનિન મીસ્ટિક : બેટી ફીદાન       ૬.   ધ સેકન્ડ સેક્સ : સીમોન દ બુવા       ૭.   ધ રિયલ મટિલ્ડા : મિરિયમ ડિક્સન       ૮.   વીમેન ઍન્ડ ફૅમિલી : લિયો ટ્રોટ્સ્કી       ૯.   વીમેન્સ રૂમ : મેરીલિન ફ્રેન્ચ     ૧૦.   સિન્ડ્રેલા કૉમ્પ્લેક્સ : કોલેત્ત ડાઉલિંગ     ૧૧.   ધ મીસ્ટિક રોઝ : ક્રોલી     ૧૨.   વીમૅન ઍન્ડ વર્ક ઇન ઑસ્ટ્રેલિયા, ચાઇના ઍન્ડ ઇન્ડિયા : જાન કરી, કુંજબાળા કાપડીઆ     ૧૩.   મુંબઈના ‘પ્રવાસી’ દૈનિકમાં દર સોમવારે પ્રગટ થતી સોનલ શુક્લની કટાર     ૧૪.   વાયોલન્સ ઇન ધ ફૅમિલી : વાઇફ બીટિંગ : ફ્લેવિયા ડી’મેલો (ફ્રેમિનિસ્ટ રિસોર્સ સેન્ટ૨, મુંબઈ)     ૧૫.   ટ્રૅપર ફંડ રિપોર્ટ (ઇમ્પ્રુવિંગ ધ સ્ટેટસ ઑફ વીમેન) ઑક્ટો. ’૮૦     ૧૬.   ન્યૂઝલેટર : ઇક્વલ ઑપોર્ચ્યુનિટીઝ રિસોર્સ સેન્ટર, ઑસ્ટ્રેલિયા     ૧૭.   આસ્ક ધ વીમેન હુ ડુ વર્ક : ‘ન્યુ સાયન્ટિસ્ટ’માં અનિલ અગરવાલ અને અનિતા આનંદનો લેખ આ ઉપરાંત કેટલીક બહેનોએ સ્વહસ્તે લખી મોકલેલી પોતાની જીવનકહાની, આ વિષય પર એકત્રિત કરેલી અનેક નોંધો, રૂથ બેનેડિક્ટ અને માર્ગારેટ મીડ, બેટી ફ્રીદાનથી માંડી કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સલોમી પરીખ, મધુમિતા મજમુદાર, તારા અલી બેગ વ. લેખકોનાં વિવિધ પત્રોમાંનાં લખાણો, જે. કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન, ફિન્ડહૉન તથા યોગોદાના કેન્દ્રમાં ચાલતા પ્રયોગો, અને ‘ઇવ્ઝ’ વીકલી, ‘સ્પાન’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ટુડે’, ‘માનુષી’, ‘મૈત્રેયી’, ‘નવનીત-સમર્પણ’, ‘અનસૂયા’ ઇ. અનેક પત્ર-પત્રિકાઓમાં આ વિષયક પ્રગટ થયેલા અનેક લેખો… આ બધાનો સમગ્ર લેખનમાં અમૂલ્ય ફાળો છે અને તે માટે હું તે સર્વની આભારી છું. અને આભાર માનું છું —

*

સૌથી પહેલાં સેંકડો વાચકોનો, જેમણે પત્ર, ટેલિફોન કે પ્રત્યક્ષ 
મુલાકાત દ્વારા કથાની વાસ્તવિકતાને સમર્થન આપ્યું; શ્રી ત્ર્યંબકભાઈ મહેતાનો —‘અગનપિપાસા’ની જેમ આ નવલકથા પણ 
તેમના આગ્રહથી લખાઈ; ‘જન્મભૂમિ-પ્રવાસી’ના તંત્રી શ્રી હરીન્દ્ર દવેનો —વિવિધ પ્રત્યાઘાતોના 
વંટોળ વચ્ચે પણ તેમણે નવલકથા છાપી; કાન્તાબહેન મહેતા, ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ, પ્રો. કે. ટી. મરચન્ટનો; 
અને મારાં તરુણ મિત્રો સ્વાતિ, દીપ્તિ, ભારતી, રેખા, હિમાંશી, 
દીપિકા, વર્ષા, લીના, રાજુ, જ્યોતિનો — તેમણે પહેલેથી છેલ્લે 
સુધી સક્રિય રસ લીધો, ઉપયોગી વાતો કહી; મકરન્દનો…                             

— કુન્દનિકા કાપડીઆ
સી-૨૨૨, આનંદ સોસાયટી

૧૭, જૂહુ લેન 
અંધેરી (૫), મુંબઈ ૪૦૦ ૦૫૮

બીજી આવૃત્તિ વેળાએ

માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં આ નવલકથાની પ્રથમ આવૃત્તિની ૨૨૫૦ નકલો વેચાઈ ગઈ તેનું કારણ વાચકોએ આ નવલકથા સાથે અનુભવેલી એકાત્મતા છે. ઘરની વાત બીજાને ક્યાં કરવી? — એવું ચુસ્ત વલણ જરા હળવું પડે ત્યારે જાણવા મળે છે કે સ્ત્રીની જીવન-ઘટનાઓમાં કેટલું સામ્ય હોય છે! વાચકોએ આ નવલકથાને ક્રાંતિકારી ગણાવી છે. પણ એક બહેનનો પત્ર એમ હતો કે માત્ર લખવાથી શું વળે? તમે ગામેગામ ફરીને પ્રચાર કરો, પોતાના જીવનમાં ક્રાન્તિ કરી બતાવો તો તેનો કંઈક અર્થ કહેવાય. ખાલી શબ્દોથી કશું ન સરે. ક્રાન્તિ એમ ને એમ નથી આવતી. તેની પાછળ એક દર્શન હોય છે, વિચાર-પરિવર્તન અને મૂલ્ય-પરિવર્તન માટેની ભૂમિકા હોય છે. અહીં એ દર્શન અને ભૂમિકા રજૂ થયાં છે. શબ્દ તો માત્ર બીજ છે. તે કેવળ ઇંગિત કરે છે, કારાગારમાંથી નીકળવાના દ્વાર તરફ આંગળી ચીંધે છે. પછી એ શબ્દમાંથી સ્ફુલ્લિંગ દરેકે પોતે પ્રગટાવવાનો છે. એ દ્વાર જાતે ઉઘાડવાનું છે. સ્ત્રીઓનો હવે એ આત્મધર્મ બની રહે છે. આ શબ્દો સ્ત્રીઓના જીવનમાં સત્ય બનીને ઊગે અને જીવનમાંથી ઝમતાં ઝમતાં એનાં આંદોલનો છેક છેવટના સ્તર સુધી પહોંચી સમાજનું નવસ્થાપન કરે એવી અપેક્ષા છે. હજુ હમણાં જ વર્તમાનપત્રોમાં સમાચાર હતા કે અમુક એક જ્ઞાતિમાં, એક વિધવાના પુનઃ લગ્ન કરાવી આપવા માટે એક ભાઈ ૫૨ મહાજને નોટિસ મોકલેલી, સ્ત્રીઓના સામાજિક સ્થાન વિશે ખ્યાલ બાંધતી વેળા, ઉચ્ચ વ્યવસાય કરતી સુશિક્ષિત શહેરી મહિલાઓના ઉદાહરણની સાથે આવાં ઉદાહરણો પણ લક્ષમાં રાખવાં જોઈએ. કોઈ એકાદ સ્ત્રી પોતાના જોરે સંઘર્ષ કરીને ઇચ્છિત સ્થાન મેળવે તે પ્રશંસનીય છે, પણ આપણે સમગ્ર સમાજની મૂલ્ય-પ્રણાલી એવી બદલવાની છે કે બધી સ્ત્રીઓને પુરુષોની જેમ પોતાના સંવર્ધન માટે સહજપણે અવકાશ મળી રહે; સામાજિક વિષમતા ખાતર સ્ત્રીને ભલે સંઘર્ષ કરવો પડે, પણ માત્ર સ્ત્રી હોવા ખાતર તેને વિશેષપણે વંચિત ન થવું પડે. આ ક્રાન્તિ માટે ‘સાત પગલાં આકાશમાં’ એક મશાલ લઈને આવે છે — એમાંથી હજારો મશાલ પ્રજ્વલિત થાય એવી અપેક્ષા સાથે. નવલકથાને મળેલા સાર્વત્રિક આવકાર માટે હું વાચકોની આભારી છું. પ્રકાશકશ્રી ધનજીભાઈ (નવભારત સાહિત્ય મંદિર)નો આભાર માનવાનું પહેલી આવૃત્તિમાં સરતચૂકથી રહી ગયેલું, તે ક્ષતિ અહીં સુધારી લઉં છું. એપ્રિલ ૧૯૮૪
કુન્દનિકા કાપડીઆ

ત્રીજી આવૃત્તિ વેળાએ

દોઢ વર્ષના ગાળામાં આ નવલકથાની ત્રીજી આવૃત્તિ થઈ રહી છે, તે તેને મળેલા વ્યાપક આવકારનું સૂચક છે. આ દોઢ વર્ષમાં મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ઇ. અનેક મોટાં-નાનાં શહેરોમાં વિવિધ સંસ્થાઓ, મહિલા-સંગઠનો, સાહિત્યિક મંડળોએ એક અથવા બીજા રૂપે આ નવલકથા ૫૨ જાહેર ચર્ચા ગોઠવી છે. ’૮૪ની ઉત્તમ સાહિત્યકૃતિ તરીકે તેને સુવર્ણચંદ્રક મળ્યો છે. શિક્ષિત કહેવાતાં બહુ ઓછાં એવાં ગુજરાતી કુટુંબો હશે, જ્યાં આ પુસ્તક ચર્ચાયું કે વંચાયું ન હોય. આનું શ્રેય સંપૂર્ણપણે વાચકોને છે, જેઓ મૂલ્ય-પરિવર્તનની સામાજિક-પ્રક્રિયા માટે તૈયાર થયેલાં છે, એને નવલકથામાં વ્યક્ત થયેલી વિચારધારાને જેમણે ઉમળકાથી આવકારી છે; અન્યાય અને અસમાનતા પ્રત્યે વ્યક્ત થયેલો આ આક્રોશ જેમને પોતાના સુપ્ત કે દબાઈ રહેલા ભાવોના શંખધ્વનિ સમો લાગ્યો છે. નવલકથાના અનુસંધાનમાં મારા પર એટલા બધા પત્રો આવ્યા છે અને હજુ આવે છે કે બધાંનો હું વ્યક્તિગત જવાબ આપી શકી નથી. સૌથી વધારે આનંદ મને એવા યુવાનોના પત્ર વાંચીને થાય છે, જેઓ લખે છે કે આ પુસ્તક વાંચ્યા પછી લગ્નજીવનમાં સ્ત્રીની અસ્મિતાનો આદર કરીને કેમ જીવવું તે અમને સમજાયું છે. પ્રશાન્ત નામના એક ભાઈએ સ્વરૂપ-ઈશાનો, પૂર્ણ સ્વાતંત્ર્યના નામમાં ઊગેલા ચંદ્ર જેવો ઉજ્જ્વલ – શીતલ પ્રેમ પોતાના જીવનમાં પણ ઊગેલો હોવાનું જણાવ્યું છે. આ બધાને મારા ધન્યવાદ છે. નવલકથાના આકરા ટીકાકારો પણ છે, કોઈકે સ્ત્રીઓની સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ કે બેજવાબદારીવાળા વર્તાવનો દોષ નવલકથાના માથે ઢોળ્યો છે. કોઈકે કહ્યું કે આ નવલકથા લખીને મેં બહુ મોટી કુસેવા કરી છે. કોઈએ લડવાના મિજાજમાં ઘેર આવીને કહ્યું : ‘સ્ત્રીઓ સમજ વગરની, મૂર્ખ, “સ્ટુપિડ” હોય છે.’ વારુ, પુરુષો સમજ વગરના, મૂર્ખ, ‘સ્ટુપિડ’ નથી હોતા? તેઓ સ્વચ્છંદી, ઉદ્ધત, બેજવાબદાર નથી હોતા? અત્યારની દેશ ને દુનિયાની જે પરિસ્થિતિ છે તે પુરુષોએ કરેલી સેવાને આભારી છે કે કુસેવાને? આ નવલકથા પ્રગટ થયા પહેલાં પણ, પુરુષ કે સ્ત્રીના દોષે ઘણાં ઘર ભાગ્યાં છે, કોઈ પણ વ્યક્તિ — સ્ત્રી કે પુરુષ — કેટલી મૂર્ખ કે દૃષ્ટિવાન છે તે તેની વિકાસયાત્રાનો સવાલ છે. આ નવલકથામાં ભાર એ બાબત પર છે કે સમાજની પ્રથા-પરંપરા-રિવાજો એવાં ન હોવાં જોઈએ કે કોઈ એક વર્ગ કે એક સમૂહને બીજા વર્ગ કે સમૂહ પર આધિપત્ય જમાવવાનો અધિકાર મળે. એમ કરવું એ માનવના ગૌરવનો પાયામાં ભંગ છે. સમાજજીવન અને કુટુંબજીવન શાંતિ ને સુખથી ભરેલું રાખવું હશે તો સ્ત્રીને પરાધીન રાખીને એ સિદ્ધ થવાનું નથી. સ્ત્રી ને પુરુષ — બન્નેએ સમજદાર બનવું પડશે, પ્રેમ-વિશ્વાસ-આદર વડે જીવન સંવાદી બનાવવા બન્નેએ જાગૃત થવું પડશે, મહેનત કરવી પડશે. માત્ર સ્ત્રીની અધિનતાના પાયા પર ચણેલું ઘર કદી સાચી શાંતિનું સ્થાન નહિ બની શકે. આ નવલકથા માત્ર વિદ્રોહ માટે નથી, નવસર્જન માટે પણ છે : આમાં માત્ર વસુધા, એના, વાસંતી, લલિતા જ નથી, અહીં ઈશા – સ્વરૂપ, આભા – ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ પણ છે. જેઓ આ બધું જોઈ શકશે તે જોશે, સમજી શકશે તેઓ સમજશે.

*

પહેલી બે આવૃત્તિ વેળા પુસ્તકની કિંમત રૂ. ૬૦ હતી. ઘણાનું સૂચન હતું કે કિંમત થોડી ઓછી હોય તો પુસ્તક વધુ લોકોના હાથમાં પહોંચે. આ હેતુથી પુસ્તક ટૂંકાવવા કાપકૂપ કરી છે અને થોડુંક જોડ્યું પણ છે. પણ આ ગૌણ સ્વરૂપનું છે. જોકે આ દરમ્યાન કાગળ-છપાઈના ભાવ વધવાથી પુસ્તકનાં પાનાં ઓછાં થવા છતાં કિંમત ઓછી કરી શકાઈ નથી. (વધી નથી એટલું સદ્દભાગ્ય.) અંધેરી, ઑક્ટોબર ૧૯૮૫ 
કુન્દનિકા કાપડીઆ

ચોથી આવૃત્તિ વેળાએ

ત્રણ વર્ષમાં આ નવલકથાની ૪થી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, તે એક આશ્ચર્યભરી ઘટના છે. કોઈ એક પુસ્તકને છ-છ પારિતોષિક મળ્યાં હોય એવું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ વાર જ બન્યું હશે. આ બધાનું શ્રેય વાચકોને છે, સ્ત્રીઓને છે, જેમણે આ પુસ્તકને કલ્પનાતીત પ્રતિસાદ આપ્યો છે. ક્રાંતિની એક ચિનગારી પેટાવવાનો નવલકથાનો ઉદ્દેશ હતો; તે સિદ્ધ થયો છે તેનો મને આનંદ છે. આ ચોથી આવૃત્તિમાં થોડા સુધારાવધારા કરેલા છે. દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ભારતની બધી ભાષાઓમાં આ નવલકથાનો અનુવાદ પ્રગટ ક૨વાનું નક્કી થયું છે, તે આ ચિનગારીને વધુ પ્રજ્વલિત ક૨શે એવી આશા રાખું છું. કુન્દનિકા કાપડીઆ
નંદિગ્રામ, 
પોસ્ટ વાંકલ 
જિ. વલસાડ ૩૯૬ ૦૦૭

પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તે વખતે ફક્ત એટલું કહેવાની ઇચ્છા છે કે એવો સમય જલદી આવે, જ્યારે આ નવલકથામાં આલેખેલી પરિસ્થિતિ સંપૂર્ણપણે ભૂતકાળની બાબત બની ૨હે. દરમ્યાન, આ નવલકથા લખાયા પછીનાં સાત વર્ષોમાં અનેક સામાજિક પરિવર્તનો આવ્યાં છે, સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી બદલાઈ છે, એમાં અલ્પપણે આ લખાણનો પણ ફાળો છે અને એનો મને આનંદ છે.

કુન્દનિકા કાપડીઆ
નંદિગ્રામ, 
માર્ચ ૧૯૯૧