સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
(+1)
Line 16: Line 16:
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
{{Block center|'''<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,</poem>'''}}
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 46: Line 46:
રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં પહેલી કડી હસ્તપ્રતમાં નીચે પ્રમાણે આવે છે :
રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં પહેલી કડી હસ્તપ્રતમાં નીચે પ્રમાણે આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,
{{Block center|'''<poem>સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>'''}}
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 59: Line 59:
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
Line 67: Line 67:
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ આ પૂર્વે મુદ્રિત થયેલ છે. (પ્રકા. શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮) તેમાં પડી ગયેલી પંક્તિઓની આ પ્રમાણે પૂર્તિ કરવામાં આવી છેઃ
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ આ પૂર્વે મુદ્રિત થયેલ છે. (પ્રકા. શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮) તેમાં પડી ગયેલી પંક્તિઓની આ પ્રમાણે પૂર્તિ કરવામાં આવી છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
[લીલા લચ્છી અતિ ઘણી, ધર્મઇ લહઇ સુખકંદ] ૬
[લીલા લચ્છી અતિ ઘણી, ધર્મઇ લહઇ સુખકંદ] ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
Line 76: Line 76:
પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :
પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
વિપ્રસુતાનઉ ઇંહાં કિણઇં, સુણિ ઉદાર પ્રબંધ. ૬
વિપ્રસુતાનઉ ઇંહાં કિણઇં, સુણિ ઉદાર પ્રબંધ. ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
Line 88: Line 88:
‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.
‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>'''}}
{{Block center|'''<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ
Line 96: Line 96:
અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે, પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઈ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફાર કરી લેવાનું આ૫ણને પ્રાપ્ત થાય :
અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે, પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઈ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફાર કરી લેવાનું આ૫ણને પ્રાપ્ત થાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર
{{Block center|'''<poem>બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>'''}}
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>'''}}
Line 103: Line 103:
‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થ સંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે. પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :  
‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થ સંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે. પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,  
{{Block center|'''<poem>કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,  
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>'''}}
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 121: Line 121:
લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :
લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫
{{Block center|'''<poem>દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫
દેવતત્ત્વ આરાધતાં, થાઇ નિર્મ્મલ બોધિ,
દેવતત્ત્વ આરાધતાં, થાઇ નિર્મ્મલ બોધિ,
નવઇ તત્ત્વ સૂધા ધરઇં, જઇ હોઇ ભાવવિસોધિ. ૬
નવઇ તત્ત્વ સૂધા ધરઇં, જઇ હોઇ ભાવવિસોધિ. ૬
Line 146: Line 146:
કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ
કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
{{Block center|'''<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>'''}}
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 153: Line 153:
જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની કવિલિખિત પ્રતમાં શબ્દો જ નહીં, આખી પંક્તિઓનો ક્રમભંગ થયેલો દેખાય છે તે બતાવે છે કે લેખનમાં આ પ્રકારની ભૂલ થવી અસ્વાભાવિક નથી. ત્યાં મૂળમાં બે કડી આ પ્રમાણે મળે છે :
જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની કવિલિખિત પ્રતમાં શબ્દો જ નહીં, આખી પંક્તિઓનો ક્રમભંગ થયેલો દેખાય છે તે બતાવે છે કે લેખનમાં આ પ્રકારની ભૂલ થવી અસ્વાભાવિક નથી. ત્યાં મૂળમાં બે કડી આ પ્રમાણે મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
{{Block center|'''<poem>તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,
Line 161: Line 161:
અત્યાર સુધી આપણે લહિયાના લેખનદોષોની વાત કરી. મધ્યકાળની કૃતિઓમાં લહિયાના લેખનદોષને કારણે જ પાઠસંપાદનના પ્રશ્ન ઊભા થતા નથી, મધ્યકાલીન લેખનપ્રથાને કારણે પણ ઊભા થાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં શબ્દો અંતર રાખીને, છૂટા પાડીને લખવામાં નહોતા આવતા. બધા અક્ષરો સળંગ જ લખાતા. શબ્દો છૂટા પાડવાનું કામ સંપાદકે કરવાનું હોય છે. આ કામ સીધુંસાદું નથી હોતું. શબ્દો છૂટા પાડવામાં ભ્રાન્તિ થાય એવાં સ્થાનો આવ્યાં કરતાં હોય છે. સંપાદકે ઘણું સાવધાન રહેવું પડે, મધ્યકાલીન ભાષાની સમજ બતાવવી પડે, ઉક્તિના અર્થનો ચોકસાઈથી વિચાર કરવો પડે. સાચી શબ્દરચના ત્યારે જ હાથમાં આવે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં મેં આમ વાંચી હતી :
અત્યાર સુધી આપણે લહિયાના લેખનદોષોની વાત કરી. મધ્યકાળની કૃતિઓમાં લહિયાના લેખનદોષને કારણે જ પાઠસંપાદનના પ્રશ્ન ઊભા થતા નથી, મધ્યકાલીન લેખનપ્રથાને કારણે પણ ઊભા થાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં શબ્દો અંતર રાખીને, છૂટા પાડીને લખવામાં નહોતા આવતા. બધા અક્ષરો સળંગ જ લખાતા. શબ્દો છૂટા પાડવાનું કામ સંપાદકે કરવાનું હોય છે. આ કામ સીધુંસાદું નથી હોતું. શબ્દો છૂટા પાડવામાં ભ્રાન્તિ થાય એવાં સ્થાનો આવ્યાં કરતાં હોય છે. સંપાદકે ઘણું સાવધાન રહેવું પડે, મધ્યકાલીન ભાષાની સમજ બતાવવી પડે, ઉક્તિના અર્થનો ચોકસાઈથી વિચાર કરવો પડે. સાચી શબ્દરચના ત્યારે જ હાથમાં આવે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં મેં આમ વાંચી હતી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,  
{{Block center|'''<poem>આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,  
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>'''}}
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 167: Line 167:
રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક કડી નીચે મુજબ વંચાયેલી :
રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક કડી નીચે મુજબ વંચાયેલી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,  
{{Block center|'''<poem>કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,  
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>'''}}  
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 183: Line 183:
અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ
અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,  
{{Block center|'''<poem>અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,  
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>'''}}
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં
અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,  
{{Block center|'''<poem>તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,  
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>'''}}
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 198: Line 198:
વધુ હસ્તપ્રતોનો પાઠ પ્રમાણભૂત એવો કોઈ અબાધિત નિયમ નથી. એટલે ઉપરનાથી ઊલટા જ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. મારા માર્ગદર્શન નીચે કીર્તિદા જોશીએ અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરી છે તેમાંથી આ ઉદાહરણ આપું છું. ચામખેડાના ખેલના દૃષ્ટાંતના સંદર્ભમાં ત્યાં નીચેની કડી આવે છે :
વધુ હસ્તપ્રતોનો પાઠ પ્રમાણભૂત એવો કોઈ અબાધિત નિયમ નથી. એટલે ઉપરનાથી ઊલટા જ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. મારા માર્ગદર્શન નીચે કીર્તિદા જોશીએ અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરી છે તેમાંથી આ ઉદાહરણ આપું છું. ચામખેડાના ખેલના દૃષ્ટાંતના સંદર્ભમાં ત્યાં નીચેની કડી આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,  
{{Block center|'''<poem>દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,  
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>'''}}
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 224: Line 224:
એક અંગ તે વિરામચિહ્નની વ્યવસ્થાનું છે. મધ્યકાળમાં એક અને બે દંડ સિવાય કોઈ વિરામચિહ્નો નહોતાં. આજે આ૫ણી પાસે વિરામચિહ્નોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિહ્નોનો ઉપયોગ ખાસ ઉપયોગી બને-અવતરણચિહ્ન, સંબોધનચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન. અવતરણચિહ્નને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉક્તિ જુદી પડતી નથી અને ઘણી વાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પદ્યમાં કોઈ વાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઉક્તિ આવતી હોય છે, કોઈ વાર ઉક્તિ એકથી વધુ પંક્તિ ને કડી સુધી ફેલાતી હોય છે, કોઈ વાર ટૂંકી ઉક્તિઓ જોડાઈ જતી હોય છે, કોઈ વાર ‘કહે છે’ જેવા શબ્દને અભાવે વાક્યને કોઈ પાત્રની ઉક્તિ તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,
એક અંગ તે વિરામચિહ્નની વ્યવસ્થાનું છે. મધ્યકાળમાં એક અને બે દંડ સિવાય કોઈ વિરામચિહ્નો નહોતાં. આજે આ૫ણી પાસે વિરામચિહ્નોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિહ્નોનો ઉપયોગ ખાસ ઉપયોગી બને-અવતરણચિહ્ન, સંબોધનચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન. અવતરણચિહ્નને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉક્તિ જુદી પડતી નથી અને ઘણી વાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પદ્યમાં કોઈ વાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઉક્તિ આવતી હોય છે, કોઈ વાર ઉક્તિ એકથી વધુ પંક્તિ ને કડી સુધી ફેલાતી હોય છે, કોઈ વાર ટૂંકી ઉક્તિઓ જોડાઈ જતી હોય છે, કોઈ વાર ‘કહે છે’ જેવા શબ્દને અભાવે વાક્યને કોઈ પાત્રની ઉક્તિ તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,  
{{Block center|'''<poem>એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,  
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>'''}}
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 241: Line 241:
મધ્યકાલીન પદ્યમાં વાક્યાન્વય એકમાંથી બીજી પંક્તિમાં જ નહીં, એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અર્થની ગરબડ થવાનો કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. આવે સ્થાને પણ વાચકની મદદે જવું ઇષ્ટ ગણાય. એક-બે ઉદાહરણ જોઈએ :
મધ્યકાલીન પદ્યમાં વાક્યાન્વય એકમાંથી બીજી પંક્તિમાં જ નહીં, એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અર્થની ગરબડ થવાનો કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. આવે સ્થાને પણ વાચકની મદદે જવું ઇષ્ટ ગણાય. એક-બે ઉદાહરણ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા ઇહાં તાણઉ”,  
{{Block center|'''<poem>કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા ઇહાં તાણઉ”,  
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
Line 248: Line 248:
અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.
અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“કાલિ કહિસું મુંકું હવઇ રે”, “ઢીલ તુ ખિણ ન ખમાઇ”,  
{{Block center|'''<poem>“કાલિ કહિસું મુંકું હવઇ રે”, “ઢીલ તુ ખિણ ન ખમાઇ”,  
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦  
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦  
“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,
“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,

Revision as of 05:47, 18 April 2025


મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન ત્રણ પગલાંની સંશોધનયાત્રા

મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ પરત્વે આપણે ત્યાં વિરોધાભાસી વલણો પ્રવર્તતાં હોવાનું પ્રતીત થાય છે. એક બાજુથી એનો અભ્યાસ પાંખો પડી રહ્યો છે. કૉલેજકક્ષાએ ચીલાચાલુ રીતે મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ અને કેટલીક કૃતિઓ ભણાવાયે જાય છે પણ ત્યાં કશો પડકાર રહ્યો નથી એટલે આ ક્ષેત્રે જે કંઈ નવાં સંશોધનો થતાં હોય તેનાથી પરિચિત રહેવાની અધ્યાપકને કશી આવશ્યકતા ઊભી થતી નથી. એ સિવાય પણ મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનને માટે પ્રોત્સાહક પરિસ્થિતિ ભાગ્યે જ છે. પહેલાં તો પ્રકાશનનાં ફાંફાં. પછી આ ક્ષેત્રમાં થયેલું કામ જુએ કોણ અને એની ઉચિત કદર કરી શકે એવા માણસો પણ કેટલા? આમ છતાં, બીજી બાજુથી, કેટલાક ખાસ પ્રયોજનથી મધ્યકાલીન સાહિત્યના અભ્યાસનો આશ્રય લેવાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.ના એક પ્રશ્નપત્રમાં એક મધ્યકાલીન અથવા અર્વાચીન સર્જકનો અભ્યાસ કરવાનો હોય છે. આમાં કેટલાક વિદ્યાર્થીઓ મધ્યકાલીન સર્જકનો અભ્યાસ કરવાનું પસંદ કરે છે, એટલા માટે કે તેમાં મર્યાદિત અભ્યાસ કરવાનો આવે છે, જૂની-જાણીતી વિવેચનસામગ્રીથી કામ ચાલે છે, પ્રશ્નોમાં પણ બહુ વૈવિધ્ય સંભવતું નથી. પીએચ.ડી.ની ડિગ્રી માટે મધ્યકાલીન વિષય લેવામાં આવે છે ત્યારે એની પાછળનું પ્રયોજન પણ ઘણી વાર સરળતાનું જ રહ્યું હોય છે. આ પરિસ્થિતિ એમ બતાવે છે કે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ એના ખરા રસથી બહુ ઓછો હાથમાં લેવાય છે. એ સરળ હોવાની તો ભ્રાંતિ છે, કારણ કે એની ખરી સમસ્યાઓની આપણને પૂરી જાણકારી જ નથી. મધ્યકાલીન સાહિત્ય લેખનરૂઢિથી માંડીને જીવનસંઘર્ષ સુધીની આપણાથી ઘણીબધી જુદી દુનિયાની સરજત છે. એને પૂરેપૂરું પામવા માટે આપણે એ દુનિયાના બનવું પડે, ઘણી સજ્જતા કેળવવી પડે, જે દીર્ઘ શ્રમે જ શક્ય છે. એટલે એમ લાગે છે કે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસમાં બહુ મોટો વર્ગ રસ લે એ સંભવિત નથી. એ વિશેષજ્ઞોનું કાર્યક્ષેત્ર રહેવાનું અને આ વિશેષજ્ઞો આપણે તૈયાર કરવા પડવાના. એમ પણ લાગે છે કે યુનિવર્સિટીઓમાં મધ્યકાલીન સાહિત્યના ખાસ અભ્યાસક્રમો આપવામાં આવે, એના ખાસ સંશોધનવિભાગો ઊભા કરવામાં આવે તો જ આ અભ્યાસ હવે ટકી શકશે, એમાં અપેક્ષિત ઊંડાણ આવશે અને વિશેષજ્ઞો તૈયાર થશે. અને આમ કરવું અનિવાર્ય છે, કેમકે આપણી પાસે કોઈ પણ પ્રજાને ઈર્ષ્યા આવે એવો મધ્યકાલીન સાહિત્યનો મોટો અને સમૃદ્ધ વારસો છે. ઘણું હજુ અપ્રકાશિત અને વણસંશોધાયેલું છે. આપણા મોટા કવિઓની કૃતિઓની પણ પૂરેપૂરી અધિકૃત વાચનાઓ આપણે આપી શક્યા નથી. આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિથી કર્તૃત્વના ને એવા બીજા ઘણા કોયડાઓ હજુ ઉકેલવાના બાકી રહે છે. મધ્યકાલીન સાહિત્યમાં સચવાયેલી શબ્દાર્થની, પદ્યની, કાવ્યરચનાની, સામાજિક સંસ્કારની પરંપરાઓનો સૂક્ષ્મ સઘન પરિચય કેળવી એનો આત્મવિકાસક વિનિયોગ કરવાનો બાકી છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનનાં આગવાં પ્રશ્નો અને લક્ષ્યો છે. એ એક જુદી જ શિસ્ત માગે છે અને જુદી સજ્જતાની અપેક્ષા રાખે છે. એનાં અનેકવિધ પાસાંઓ છે. વિસ્તૃત અને વ્યવસ્થિત અભ્યાસ કરીને આ બધાં પાસાંની વીગતે ચર્ચા કરતા એક ગ્રંથની આવશ્યકતા છે. મધ્યકાલીન સાહિત્યના વિષયમાં કંઈકંઈ કામ તો આપણે ત્યાં ચાલ્યા કરે છે અને ચાલ્યા કરવાનું. એમાં નક્કર માર્ગદર્શન આપતો ગ્રંથ હોય તો એ કામો સધ્ધર અને સાર્થક બને એવો ગ્રંથ તો બને ત્યારે ખરો. અત્યારે આપણી પાસે એક પ્રવેશપોથીયે નથી. આ સંયોગોમાં મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યકૃતિના સંપાદનને અનુલક્ષીને મારા અનુભવમાં આવેલા કેટલાક મુદ્દાઓ રજૂ કરવા ઇચ્છું છું. આશા છે કે અભ્યાસીઓને એ ઉપયોગી લાગશે.

હસ્તપ્રતવાચન

મધ્યકાલીન સાહિત્યકૃતિના સંશોધનનું કામ હસ્તપ્રતવાચનથી આરંભાય છે. મધ્યકાલીન હસ્તપ્રતો લખાઈ તો છે નાગરી લિપિમાં, પરંતુ એના કેટલાક વિશિષ્ટ મરોડો છે, જોડાક્ષરોની ચોક્કસ વ્યવસ્થા છે, પાછળથી કરવાના આવતા સુધારાવધારાની આગવી પદ્ધતિ છે, કેટલીક લેખનરૂઢિઓ પણ છે. સંશોધકે સૌ પહેલાં આનું જ્ઞાન મેળવવું પડે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકે ચાર્ટ સાથે મધ્યકાલીન લિપિનો પરિચય તૈયાર કર્યો છે. એમાં ઘણી ઝીણી માહિતી છે પણ હજુ છટકી ગયેલી વીગતોને ઉમેરીને એમણે એક પુસ્તિકા તૈયાર કરવી જોઈએ એવું મારું એમને ઘણા લાંબા સમયથી સૂચન છે. અહીં હું એમાં નહીં જઉં પણ મધ્યકાલીન લિપિ ઉકેલતાં આવડ્યા પછી પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે એ વિશે વાત કરીશ. મધ્યકાલીન લિપિજ્ઞાન પછીયે કયો અક્ષર વાંચવો તેનો સંભ્રમ થાય એવાં સ્થાનો રહે છે. મધ્યકાલીન લિપિના કેટલાક અક્ષરોની આકૃતિઓ મળતીભળતી છે (જે લક્ષ્મણભાઈએ બતાવેલી છે), તે ઉપરાંત લેખનમાં મુદ્રણ જેવી સુરેખ સુનિશ્ચિતતા સંભવિત નથી તેથી એક અક્ષરની આકૃતિ બીજા અક્ષર જેવી લાગવાનું બની જતું હોય છે. કોઈ વાર લહિયાની એવી ખાસિયત પણ હોય. કોઈ વાર શાહી ખવાઈ જવા વગેરે કારણથી પણ એક અક્ષર બીજા અક્ષરને મળતો થઈ જાય. આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :

તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,

પાદપ્રક્ષાલનની વાત આપણને પરિચિત હોવાથી ‘પાયપખાલણ’ વાંચવામાં કશો અવરોધ આવતો નથી, પરંતુ આખી કડીના અર્થનો આપણે વિચાર કરીએ ત્યારે મૂંઝવણ થયા વિના રહેતી નથી. આ તો ગુરુગુણનું વર્ણન કરતી કડી છે. ગુરુને પાદપ્રક્ષાલન કરનાર નીર કેવી રીતે કહી શકાય? શિષ્યને માટે એમ કહી શકાય ખરું. ગુરુને તો પાપનું પ્રક્ષાલન કરનાર – એને ધોઈ નાખનાર નીર સાથે સરખાવી શકાય. જાણકારને તો યાદ પણ આવે કે મધ્યકાળમાં દેવ-ગુરુને માટે આવી ઉક્તિ અવારનવાર પ્રયોજાય છે. આથી એમ લાગ્યું કે પાઠ ‘પાયપખાલણ’ નહીં, ‘પાપપખાલણ’ જોઈએ, આ લહિયાનો દોષ ગણવો જોઈએ. પણ બીજે તબક્કે હસ્તપ્રતને ધ્યાનથી જોતાં પકડાયું કે હસ્તપ્રતમાં જેને પહેલાં ‘ય’ તરીકે વાંચ્યો હતો એને ‘પ’ તરીકે વાંચી શકાય એવું છે જ, કેમકે આજે આપણને થોડો ‘ય’ જેવો લાગે એવો ‘પ’ એ હસ્તપ્રતમાં આજુબાજુમાં જ જોવા મળે છે. વિશેષ તપાસ કરતાં નજરે ચડ્યું કે હસ્તપ્રતમાં ‘ય’ તો આનાથી સ્પષ્ટ જુદી રીતે લખાયેલો છે એટલે અહીં ‘ય’ વાંચવાને અવકાશ જ નથી, ‘પ’ જ વાંચવો જોઈએ. છેવટે ‘પાયપખાલણ’ એ લેખનનો નહીં’, વાચનનો જ દોષ ઠર્યો. એ જ કૃતિમાં જ્યાં ‘વિનયચંદ્ર’ ગુરુનામ વંચાયું હતું ત્યાં ‘વિજયચન્દ્ર’ હોવું જોઈએ એમ, કેટલાંક કારણોથી જણાયું. હસ્તપ્રત ફરીને જોતાં પહેલી દૃષ્ટિએ તો ‘ન’ જ વંચાયો પરંતુ પ્રતમાંના બીજા ‘ન’ની સાથે મેળવતાં દેખાયું કે આ ‘ન’માં મીંડું પોલું છે તે અન્ય કોઈ ‘ન’માં નથી. ‘ન’ તરીકે વંચાતા આ અક્ષરને પ્રતમાંના ‘જ’ સાથે મેળવતાં ખ્યાલ આવ્યો કે આ ‘જ’ જ છે, એનો સામાન્ય રીતે છૂટો રહેતો છેડો ઉપલા ભાગને અડવા સુધી વળી ગયો છે અને એ ‘ન’ જેવો લાગે છે. એટલે કે ‘વિનયચંદ્ર’ એ ખોટું વાચન છે, ‘વિજયચંદ્ર’ જ વાંચવું જોઈએ. (‘આરામશોભા રાસમાળા’, સંપા. જયંત કોઠારી, ૧૯૮૯માં આ હસ્તપ્રતનું છેલ્લું પાનું છાપ્યું છે તેમાંથી જિજ્ઞાસુ આ બધા મરોડોની ખાતરી કરી શકશે.) જયવંતસૂરિકૃત ‘શૃંગારમંજરી’ (સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮)માં ૧૦૦મી કડીમાં એક પંક્તિ આમ મળે છે : ‘કાઠલક્ષણ મુરખ પ્રીઈં, દિન માંહિ સુવાર’. મને લાગે છે કે ‘લક્ષણ’ એ વાચનદોષ હોવો જોઈએ (અથવા છાપભૂલ પણ હોઈ શકે), હસ્તપ્રતમાં ‘ભક્ષણ’ પાઠ જ હશે. પ્રાચીન લિપિમાં ‘લ’ અને ‘ભ’ વચ્ચે સંભ્રમ થવાનું સંભવિત છે. ‘કાઠભક્ષણ’ મનમાં ન બેસે એટલે ‘લક્ષણ’ વંચાઈ જવું સ્વાભાવિક છે. પણ ‘કાઠભક્ષણ’ (કાષ્ઠભક્ષણ) એટલે અગ્નિપ્રવેશ, બળી મરવું તે. પંક્તિનો અર્થ એ છે કે મૂરખ પ્રિયતમ હોય તો દિવસમાં સો વાર બળી મરવા જેવું થાય. મધ્યકાલીન લિપિવાચન ઘણો મહાવરો અને ઝીણી નજર માગે છે. પૂરતો મહાવરો અને ઝીણી નજર ન હોય તો ખોટું વાચન થવાની ઘણી બધી શક્યતા છે. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચઉઘઈ’ (સંપા. નવીનચંદ્ર એન. શાહ, સ્વાધ્યાય, પુ. ૧૫ અંક ૨, ૩, ૪)માં ‘ભયભંજણ’ને સ્થાને ‘નયનંજણ’ (કડી ૧), ‘ભાવચ્ચણિ’ને સ્થાને ‘ભાવથણિ’ (૮), ‘ધરીજણઉં’ને સ્થાને ‘ઘરીજણઉ’ (૨૯), ‘તાત તિ’ને સ્થાને ‘તાતનિ’ (૩૧), ‘ઉન્નત’ને સ્થાને ‘ઉભત’ (૭૬), ‘છાહ’ને સ્થાને ‘બાહ’ (૭૬), ‘કુલવટ’ને સ્થાને ‘ઉલવટ’ (૯૧), ‘ચલાવીયા’ને સ્થાને ‘વલાવીયા’ (૯૭), ‘મૂસાને સ્થાને ‘સૂસા’ (૧૨૭), ‘પૂગા’ને સ્થાને ‘પૂણ’ (૨૦૧), ‘ત્ર્યાસિયે’ને સ્થાને ‘આ સિયે’ (૨૪૮) વગેરે વાચનદોષો, મૂળ પ્રત જોતાં, દેખાય છે તે મધ્યકાલીન લિપિવાચનની મુશ્કેલીઓનો સંકેત કરે છે. આગળ આપણે ચર્ચેલાં ઉદાહરણોમાંથી એ સ્ફુટ થાય છે કે વાચનદોષનો ઉપાય કેટલેક અંશે હસ્તપ્રતમાં જ રહેલો હોય છે. મળતાભળતા અક્ષરોના લેખનમાં લહિયાની એવી કોઈક નાનકડી ખાસિયત ઘણી વાર હોય છે જે બે અક્ષરોના સંભ્રમ વખતે ચાવીરૂપ બને. અક્ષરનિષ્ણાતની અદાથી આપણે લહિયાની આવી બધી ખાસિયતો પકડવી પડે. કેટલીક વાર લહિયાઓ વિલક્ષણ ખાસિયતો પ્રગટ કરે છે. દાખલા તરીકે, સાહિત્યકોશની કામગીરી દરમ્યાન ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રતયાદીમાં એક કવિનું ‘અણાત્ર’ એવું નામ નોંધાયેલું મળ્યું. આવું નામ હોવા વિશે શંકા થઈ. કૃતિના અંતભાગની ઝેરોક્ષ નકલ મળતા એમાં આવી પંક્તિ મળી : ‘કહે કવિઅણાત્રવર્ધ(ધે) કર જોડી’. આમાં ‘અણાત્ર’ કવિનામ વંચાય એવું હતું પણ ‘વર્ધ’ કે ‘વધે’નો કશો અર્થ બેસતો નહોતો અને ‘અણાત્ર’ નામ હોઈ શકે એ તો મનમાં બેસતું જ નહોતું. આથી ભાયાણીસાહેબનું માર્ગદર્શન માગ્યું. એમણે પ્રતનું પાનું જોઈને શોધી કાઢ્યું કે ‘ણ’ને સ્થાને ‘ણા’ લખવાની આ લહિયાની ખાસિયત છે. ‘ણા’ દેખાય છે ત્યાં આપણે તો ‘ણ’ વાંચવાનો છે. તેથી પંક્તિ આપણે આમ વાંચવાની છે : ‘કહે કવિઅણ ત્રવધે (=ત્રિવિધે) કર જોડી’. ‘કવિઅણ’ (=કવિજન, કોઈ અજ્ઞાતનામા કવિ)ના નામથી મધ્યકાળમાં ઘણી કૃતિઓ મળે છે, તેવી આ છે. દેખીતી રીતે જ આવા દાખલાઓમાં સામાન્ય લિપિજ્ઞાન પૂરતું ન થાય, હસ્તપ્રત જ આપણને એનું લિપિવાચન શિખવાડી શકે. ‘ણ’ને વધારાના કાના સાથે લખવાની આ ખાસિયતના જેવી એક બીજી ખાસિયત એને વધારાની માત્રા સાથે-એ એમ લખવાની કેટલીક હસ્તપ્રતોમાં જોવા મળી છે. ત્યાં એને આપણે ‘ઐ’ તરીકે નહીં, ‘એ’ તરીકે જ વાંચવાનો હોય છે. ‘ઇ’-‘ઈ’ પણ કોઈક વાર ઇ-ઈ એમ લખાયેલા મળે છે તે પણ આ જ પ્રકારનો દાખલો છે. લખાયેલો એક અક્ષર હોય અને વાંચવાનો બીજો હોય એવી કેટલાક અક્ષરોની બાબતમાં મધ્યકાલીન રૂઢિ છે. મધ્યકાળમાં ‘ખ’ને માટે ષ લિપિચિહ્ન હતું. એ જાણીતી વાત છે. ‘ષલકતી’ અને ‘મેષલા’ને આપણે ‘ખલકતી’ અને ‘મેખલા’ તરીકે જ વાંચવાના હોય છે. પણ તત્સમ શબ્દોમાં આપણને મૂંઝવણ થવાની. ‘પુરુષોત્તમ’, ‘કાષ્ઠ’ જેવા શબ્દોમાં આપણે ‘ષ’ જ વાંચવાનો રહે પણ ‘વિષ’, ‘ઋષિ’માં ‘વિખ’ ‘રુખિ’ એમ પણ અવશ્ય વાંચી શકાય. ‘મયૂખ’ની સાથે પ્રાસમાં ‘પીયૂષ’ આવે ત્યારે કવિને ‘પીયૂખ’ અભિપ્રેત છે એમ અર્થ થાય. ‘ષ’ અને ‘ખ’નો વિવેક મધ્યકાલીન ભાષારૂઢિનો લાંબો અભ્યાસ માગે. મધ્યકાલીન લિપિમાં ‘વ’-‘બ’નો કેટલેક અંશે અભેદ છે. એટલે કે અભિપ્રેત હોય ‘બ’ અને લખાય ‘વ’, તેમ અભિપ્રેત હોય ‘વ’ અને લખાય ‘બ’. ‘બ્રાહ્મણ’ને સ્થાને ‘વ્રાહ્મણ’ ને ‘બાપ’ને સ્થાને ‘વાપ’ લખાય, તો ‘વિલંબ’ને સ્થાને ‘વિલંવ’ ને ‘વિહુણઉ’ને સ્થાને ‘બિહૂણઉ’ લખાય. ‘વાંટઈ વ્રાહ્મણ સીરણી’માં આપણે ‘બાંટઈ’ (=વહેંચે છે) ન વાંચી શકીએ કે ‘રાઈરાણી અતિ બાધ્યઉ પ્રેમ’માં ‘વાધ્યઉ’ ન વાંચી શકીએ તો આપત્તિ થાય. છતાં ‘જબ, અપૂરબ, બધાવિયઉ’ જેવા શબ્દોમાં ‘બ’નો ‘વ’ કરવો કે કૃતિમાં હિંદી ભાષાની છાંટ તરીકે એ શબ્દોને એમ ને એમ સ્વીકારી લેવા તેની દ્વિધા આપણને થવાની. કૃતિમાંના સામાન્ય ભાષાવલણને અનુલક્ષીને જે-તે નિર્ણય કરવો પડે અને છતાં એ આખરી નિર્ણય ન હોઈ શકે. મધ્યકાળમાં ‘જ’ને સ્થાને ‘ય’ લખવાની પણ એક રૂઢિ હતી. આપણે તો ત્યાં ‘જ’ જ વાંચવો જોઈએ. ‘યયુર્વેદી’ તે આપણે માટે ‘યજુર્વેદી’ છે ને ‘યો યો’ તે ‘જો જો’. આમ છતાં ‘યોગને’ ‘જોગ’ તરીકે ને ‘યતન’ને ‘જતન’ તરીકે વાંચવું કે કેમ એ પ્રશ્ન રહેવાનો. મધ્યકાલીન કૃતિના સંપાદનમાં પહેલો તબક્કો તો હસ્તપ્રતને જેમ છે તેમ વાંચવાનો છે. જે છે તે વાંચવું એ પણ કેટલું અઘરું કામ છે ને એ કેટલી સજ્જતા તથા કાળજી માગે છે એનો ખ્યાલ હવે આવ્યો હશે. અનુભવ તો એવો છે કે જેટલી વાર મૂળ પ્રત સાથે આપણી વાચનાને મેળવીએ તેટલી વાર કોઈક નાનોમોટો વાચનદોષ પકડાયા કરે છે. આથી જ મધ્યકાલીન કૃતિનું સંપાદન કરનારાઓને એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ૧. હસ્તપ્રત ખૂબ ધીમેથી અને ધૈર્યપૂર્વક વાંચવી. ૨. પોતાના વાચનને એકબે વખત મૂળ સાથે મેળવી જવું. ૩. બને તો લિપિવાચન સારી રીતે જાણનાર કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાનું વાચન ચકાસાવડાવી લેવું. આપણે કરેલા વાચન પછી મૂળ હસ્તપ્રત સુધી જવાનું ભાગ્યે જ કોઈ અભ્યાસી માટે શક્ય હોય છે, તેથી આપણી જવાબદારી ઘણી વધી જાય છે. વાચનની ભૂલની શક્યતા અલ્પતમ કરી નાખવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ.

પાઠસંપાદન

એ જાણીતી વાત છે કે કોઈ પણ હસ્તપ્રત સો ટકા શુદ્ધ કે પ્રમાણભૂત પાઠ ભાગ્યે જ રજૂ કરતી હોય છે. લેખનદોષ સ્વાભાવિક છે, કર્તાએ પોતે લખેલી પ્રતોમાં પણ લેખનદોષ જોવા મળે છે તે ઉપરાંત લહિયાઓનું અજ્ઞાન (કે ડહાપણ પણ!), એક પ્રત ઉપરથી બીજી પ્રત તૈયાર કરતાં સ્વાભાવિક રીતે ઉમેરાતી ભૂલો, મૌખિક પરંપરાનો પ્રભાવ વગેરે અનેક કારણોથી પાઠ પરિવર્તન પામતા હોય છે, અશુદ્ધ બનતા હોય છે. જ્યાં એકથી વધુ હસ્તપ્રત પ્રાપ્ય બને છે ત્યાં આ વાત ચોખ્ખી દેખાઈ આવે છે. એટલે સંશોધકે પ્રમાણભૂત પાઠ નક્કી કરવાની સ્થિતિ ઊભી થાય છે. અત્યાર સુધીની કામગીરી એક લિપિવાચકની કામગીરી હતી, હવે જ ખરેખર સંશોધકની કામગીરી શરૂ થાય છે. પાઠસંપાદનના અનેક જટિલ પ્રશ્નો છે : અનેક પ્રત મળતી હોય ત્યાં એક પ્રતને મુખ્ય ગણી પાઠ આપવો કે બધી પ્રતોમાંથી પસંદ કરેલો પાઠ આપવો, મુખ્ય પ્રત કેવી રીતે નક્કી કરવી, જોડણીભેદો એમ ને એમ રહેવા દેવા કે કોઈ એકધારી જોડણી વ્યવસ્થા નિપજાવવી, પાઠાંતરોની નોંધ કેવી રીતે લેવી વગેરે. આની વિગતે ચર્ચા પાઠસંપાદન વિશેના શાસ્ત્રીય ગ્રંથમાં જ થઈ શકે (આ સમસ્યાઓનું ટૂંકું ઉપયોગી દિગ્દર્શન હરિવલ્લભ ભાયાણીની ‘હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન’ (૧૯૮૭) એ પુસ્તિકામાંથી મળશે). અહીં એમાં જવાનું ઇચ્છ્યું નથી, પરંતુ પાઠસુધારણા અને પાઠપસંદગીના પ્રશ્નો કેમ ઊભા થાય છે અને એનો કેવી રીતે ઉકેલ થઈ શકે છે તે અંગેના થોડા મુદ્દાઓ, દૃષ્ટાંતોને આધારે, રજૂ કરવાનું ધાર્યું છે. કૃતિનો પાઠ ત્યારે જ સુધારવાનો થાય, જ્યારે આપણને એમાં લેખનદોષ જણાય. પણ આ લેખનદોષ નક્કી કરવાનું કામ હંમેશાં સહેલું નથી હોતું. સંભવ છે કે જેને આપણે ભ્રષ્ટ લેખન માની લઈએ તે મધ્યકાળની કોઈક ઉચ્ચારણસ્થિતિને રજૂ કરતું હોય. આથી પાઠને સુધારવા જતાં આપણને મૂંઝવણ થાય. આનું એક લાક્ષણિક ઉદાહરણ મહેન્દ્ર અ. દવે સંપાદિત વિશ્વનાથ જાનીકૃત ‘ચતુરચાલીસી’ના સંપાદન (૧૯૮૬)માં જડે છે. પ્રાપ્ત હસ્તપ્રતમાં વ્યાપક રીતે માત્રાનું લેખન છોડી દેવામાં આવ્યું છે, જેમકે, ‘ગહલી’ (ગહેલી, ગેહલી), ‘અહનું’ (એહનું), ‘તહના’ (તેહના), ‘વ્રહ’ (વેહ), ‘અટલો’ (એટલો) વગેરે. આને લહિયાની લેખનશિથિલતા ગણવી કે કોઈ ઉચ્ચારણ-ખાસિયતનું પરિણામ ગણવું? પ્રતમાં બીજી ઘણી લેખનશિથિલતાઓ ને લેખનદોષો જોવા મળે છે (‘બે’ને સ્થાને ‘બો’, ‘ચંદન’ને સ્થાને ‘વંદન’, ‘વીષ’ને સ્થાને ‘વીથ’, ‘ચંપક’ને સ્થાને ‘પંચક’ વગેરે) ને ‘ઘેહલી’ (૨.૫), ‘ઘેહલા’ (૪.૧), ‘તેહનું’ (૪.૧), ‘એહવી’ ‘તેહનો’ ‘તેહની’ (૪.૨) એ પ્રકારે, સામે, લેખન થયેલું મળે છે તેથી ‘ગહલી’ વગેરેને લેખનદોષ ગણીને ‘ગેહલી’ વગેરે કરી લેવાનું આપણે માટે સરળ બને છે પણ ‘કમ’ ‘જમ’ જેવા શબ્દોમાં ‘કેમ’ ‘જેમ’ કરી નાખવું કે કેમ તે પ્રશ્ન થાય, મહેન્દ્ર દવેએ આ શબ્દો એમ ને એમ રહેવા દીધા છે (૧૧.૩) એનું કારણ એ જણાય છે કે ‘ક્યમ’ ‘જ્યમ’ એવાં ઉચ્ચારણો શક્ય છે અને ‘ય’ શ્રુતિને લોપ થતાં એમાંથી ‘કમ’ ‘જમ’ એ શબ્દરૂપો પ્રાપ્ત થાય. એમણે એ રીતે આ શબ્દોને પ્રમાણભૂત માન્યા છે. ‘ય’ શ્રુતિના લોપના અહીં બીજા દાખલા પણ જોવા મળે છે – અત (૨૨.૪) (અતિ, અત્ય), અન (૨.૫) અંન (૧૫.૮) (અન્ય), કોટ (૧૫.૧) (કોટિ, કોટ્ય), થે (૨૪.૪) (થયે, થ્યે) વગેરે. અહીં ‘ય’ શ્રુતિના ઉપયોગના ભલે થોડા પણ દાખલા મળે છે ને ‘અતી’ તો ઘણી વાર મળે છે તેથી કોઈ ‘ય’ શ્રુતિ ઉમેરી લેવાનું કે ‘અતિ’ કરી લેવાનું પસંદ કરી શકે. તો બીજી બાજુથી ‘અતિ’-‘અત’ જેવા વૈકલ્પિક પ્રયોગો ભાષામાં હોવાનું પણ સ્વીકારી શકાય. અનુસ્વારની બાબતમાં હસ્તપ્રતોમાં કેટલીક વાર અતંત્રતા જોવા મળે છે. કેટલાક લહિયાઓને જાણે જ્યાંત્યાં અનુસ્વારો છાંટતા જવાનું ગમે છે. તો કેટલાક અનુસ્વારોનો લોપ કરી નાખે છે. આમાં કેટલે અંશે ઉચ્ચારણખાસિયત ભાગ ભજવે છે ને કેટલે અંશે એ લહિયાની એ વૈયક્તિક લેખનખાસિયત છે એ નક્કી કરવાનું મુશ્કેલ બની જાય. આવા કિસ્સાઓમાં કોઈ જડ, ચુસ્ત નિયમથી ચાલવાનું શક્ય નથી હોતું અને ઉચિત પણ નથી હોતું. રાજસિંહની ‘આરામશોભાચોપાઈ’માં મને ‘અછં’ (‘છું’ના અર્થમાં) પહેલી વાર દેખાયો ત્યારે મેં એને લહિયાનો લેખનદોષ ગણી ‘અછું’ કરી નાખ્યું પણ પછી ફરીને આ શબ્દપ્રયોગ આવ્યો ને મને લાગ્યું કે આ એક માન્ય લઢણ હોવા સંભવ છે. એટલે મેં ‘અછ’ જ રહેવા દીધું. એ જ રીતે ‘મિટાઈ’ શબ્દ પણ એકથી વધુ વાર મળ્યો (અને પ્રતમાં ‘ઠ’ને સ્થાને ‘ટ’ લખવાનું વલણ અન્યત્ર જોવા નહોતું મળતું) એટલે એક ઉચ્ચારણખાસિયત લેખી એ શબ્દ મેં એમ ને એમ જ રહેવા દીધો. આવી બાબતોમાં ઘણાં પાસાંઓ લક્ષમાં લેવાનાં થતાં હોય છે અને તેથી બે માણસોના વિવેક જુદા પડે એમ બને; પણ મુખ્ય વાત એ છે કે મધ્યકાળનું ભાષાપ્રયોગવૈવિધ્ય લુપ્ત થઈ જાય એવું સ્ટીમરોલર ફેરવી તો ન જ દેવું જોઈએ. લહિયાની લેખનખાસિયત સાથે સંબંધ ન ધરાવતા ને તત્કાલીન ઉચ્ચારણસ્થિતિને પ્રતિબિંબિત કરતા હોવાનો વહેમ ન જગાડતા સ્પષ્ટ લેખનદોષો પણ હોય છે. એ લેખનદોષો પણ હંમેશાં સહેલાઈથી પકડી શકાતા ને સુધારી શકાતા નથી હોતા, કેટલીક ચાવીઓ આપણા હાથમાં હોય તો જ એ શક્ય બને છે. મધ્યકાલીન ભાષારૂઢિ, શબ્દાર્થ, લિંગ-વચનનો સંવાદ, વાક્યરચના, કૃતિનો વસ્તુવિચાર-અર્થસંદર્ભ, પ્રાસ, છંદ વગેરે બાબતો ભૂલો પકડવાની ને ભૂલોને યોગ્ય રીતે સુધારવાની ચાવી તરીકે કામ આપે છે. થોડા દાખલાઓથી આ આપણે સમજીએ. કોઈ વાર લહિયાથી કોઈ અક્ષર, શબ્દ, પંક્તિ લખવાનાં રહી જાય છે. અક્ષર પડી ગયો હોય તે સંદર્ભથી જ ઘણી વાર પકડી શકાય. છે. જેમકે, ‘બ્રાહ્મણ સૂતો દ્રાવસઇ’ મળે તો આપણને તરત સમજાઈ જાય કે અહીં ‘બ્રાહ્મણ સૂતો નિદ્રાવસઇ’ જ જોઈએ. રાજસિંહકૃત ‘આરામશોભાચોપાઈ’માં પુત્રને રમાડવા ગયેલી આરામશોભાના વર્ણનમાં એક પંક્તિ આમ આવે છે : ‘તનડુ હો ઉલ્હસુ નયણે જલવઇ હો’. ‘જલવઇ’નો કશો અર્થ થઈ શકતો નથી ને ‘નયણે જલ વહાઇ હો’ કહેતાં આનંદનાં આંસુનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. એથી વચ્ચેથી ‘હ’ પડી ગયો હોવાનું આપણે નક્કી કરી શકીએ છીએ. એ જ કૃતિમાં એક પંક્તિ આમ આવે છે : ‘પણિ ગારુડી મંત્ર દેતા રે, તસુ આન્યા ન મિટાઈ રે.’ પહેલી દૃષ્ટિએ તો આપણે અર્થ બેસાડી લઈએ કે ગારુડીઓ જે મંત્ર બોલે છે તેની આજ્ઞા ઉથાપી શકાતી નથી. પણ જરા વિચાર કરીએ તો ‘મંત્રની આજ્ઞા’એ રચનામાં કંઈક અસ્વાભાવિકતા લાગે અને આરામશોભાકથાની પરંપરાનો અભ્યાસ હોય તો પકડાઈ જ જાય કે અહીં ‘મંત્રદેવતા’ જોઈએ. અર્થ આમ થાય : ગારુડિક મંત્રની દેવતા છે, તેની આજ્ઞા મારાથી ઉથાપી શકાતી નથી. એટલે કે અહીં ‘વ’ પડી ગયો છે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં પહેલી કડી હસ્તપ્રતમાં નીચે પ્રમાણે આવે છે :

સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.

મધ્યકાલીન ભાષાના જાણકારને અહીં ‘કરિ’ ક્રિયાપદ ખૂંચે. કાં તો એ ‘કરઇ – કરે છે’ હોય અથવા ‘કરીને’ હોય. બન્ને રીતે એ બેસે નહીં. મધ્યકાલીન કવિરૂઢિનો પરિચય હોય તો યાદ આવે કે અહીં ‘હું’ સુહામણું કવિત કરીશ’ એવો પ્રસ્તાવ જ હોઈ શકે. ‘કરીશ’ માટેનો જૂનો શબ્દ તે ‘કરિસુ’. એટલે અહીં ‘કરિ’ નહીં પણ ‘કરિસુ’ હોવું જોઈએ. એમ કરવાથી દુહા-છંદ પણ સાફ બને છે. બે ‘સુ’ સાથે આવતાં એક લખવાનો રહી જાય એ સમજી શકાય તેવી ભૂલ છે. પડી ગયેલો અક્ષર છંદની ચાવીથી પકડાઈ આવે છે તેનું ઉદાહરણ પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં મળે છે. હસ્તપ્રતમાં પંક્તિ આમ મળે છેઃ ‘પાયક પરઘઉ સઘલુ મિલી, તે બઇઠા ઠામ અટકલી’. જોઈ શકાય છે કે અહીં ચોપાઈના બીજા ચરણમાં એક માત્રા ખૂટે છે. ‘ઠામ’નું ‘ઠામઈ’ કરતાં માત્રામેળ બરાબર થઈ જાય છે અને વાક્યરચના પણ ચોખ્ખી બને છે. છંદ ઉપરાંત પ્રાસ પણ પડી ગયેલો અક્ષર શોધવામાં સહાયરૂપ બને છે. એનાં થોડાંક ઉદાહરણો નીચે જુઓ. પડી ગયેલો અક્ષર [ ] કૌંસમાં મૂકી આપ્યો છે તેથી આખી વાત પકડાઈ જશે :

* જોવા લાગી અલગી થા[ઇ], માઇ નાંખી કૂયા માંહિ
* રે જિણવર દાખઇ એ ઉવએ[સ], જિ સુણિ ટલઇ કિલેસ.

અહીં પણ પડી ગયેલા અક્ષર મુકાવાથી વાક્ય ને અર્થ સાફ થાય છે. મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?

પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૭

અહીં બન્ને કડીમાં અંત્ય પ્રાસ મળતા નથી, પણ જોઈ શકાય છે કે છઠ્ઠી કડીની બીજી પંક્તિ અને સાતમી કડીની પહેલી પંક્તિનો પ્રાસ મળે છે. વળી છઠ્ઠી કડીમાં પુણ્યપ્રભાવની સામાન્ય વાત ચાલે છે, ત્યાં ‘રાજરધિ વલી દીધ’ એવી ભૂતકાળની વાક્યરચના બંધબેસતી થતી નથી. કોઈકને પુણ્યને કારણે રાજઋદ્ધિ મળ્યાનો સંદર્ભ હોઈ શકે પણ એ સંદર્ભ સ્ફુટ થયો નથી. પછીથી એ સંદર્ભ ચાલુ રહે છે અને છેલ્લે આરામશોભાનું નામ પણ આવે છે. વસ્તુતઃ આરામશોભાને નાગદેવતાનું સાન્નિધ્ય મળ્યું હતું. એટલે પહેલી પંક્તિ પછી આરામશોભાનો સંદર્ભ અપાયેલો હોવો જોઈએ અને એ પંક્તિ પડી ગયેલી હોવી જોઈએ. છેલ્લી પંક્તિમાં કોઈક કારણથી આરામશોભા નામ મળ્યાનો ઉલ્લેખ છે પણ કયા કારણથી તે આગળ આવતું નથી. તેથી એ પંકિત પૂર્વે પણ એક પંક્તિ પડી ગઈ હોવાનું અનુમાન થઈ શકે છે. પ્રાસભંગ થવાનું કારણ આ પડી ગયેલી પંક્તિઓ છે. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ આ પૂર્વે મુદ્રિત થયેલ છે. (પ્રકા. શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮) તેમાં પડી ગયેલી પંક્તિઓની આ પ્રમાણે પૂર્તિ કરવામાં આવી છેઃ

પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
[લીલા લચ્છી અતિ ઘણી, ધર્મઇ લહઇ સુખકંદ] ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. ૭
[પૂરવ સંચય પૂન્યનઉ, ઉદય હુઓ અભિરામ,]
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮

પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :

પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
વિપ્રસુતાનઉ ઇંહાં કિણઇં, સુણિ ઉદાર પ્રબંધ. ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. ૭
વિપ્રસુતા નિજ મસ્તકિ, સદા વહઇ આરાંમ,
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮

આ કેવળ તર્ક છે અને બેથી વધુ પંક્તિઓ પડી ગઈ હોય એમ માનવાને પણ થોડું કારણ રહે છે. લહિયાથી અક્ષર, શબ્દ વગેરે જેમ લખવાના રહી જાય તેમ વધારાના પણ લખાઈ જાય. આ પણ શબ્દસ્વરૂપ, અર્થ, છંદ, પ્રાસ આદિની ચાવીથી પકડી શકાય છે ને સુધારી શકાય છે. સર્પના વર્ણનમાં ‘કજ્જલ વનિ કાલઉ ઘણણઉ’ એવી ઉક્તિ મળે ત્યારે ‘ઘણણઉ’માં એક ‘ણ’ વધારાનો લખાઈ ગયેલ છે એમ તરત સમજાવું જોઈએ, કેમકે ‘ઘણણઉ’ જેવો કોઈ શબ્દ નથી ને એથી દુહાના પ્રથમ ચરણમાં એક માત્રા પણ વધે છે. ‘રૂપસોભ્યાગ્ય’ અને ‘વેદ તણ્યુ’માં ‘ય’ વધારાનો લખાયેલ છે તેમ નક્કી કરવા માટે મધ્યકાલીન ભાષાજ્ઞાન જ આપણી મદદે આવી શકે અને ‘સ્યું પસાયઇ મહારાયનઇ’માં અર્થસંદર્ભ. તેથી આપણે ‘રૂપસોભાગ્ય’ ‘વેદ તણુ’ ‘સુપસાયઇ’ એમ પાઠ સહેલાઈથી સુધારી શકીએ. ‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.

શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.

પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ વાક્યરચનાની દૃષ્ટિએ અહીં કંઈ મુશ્કેલી નથી, પણ કથાપ્રસંગ જાણીએ એટલે અર્થમાં મુશ્કેલી થાય છે. શ્રીદત્તનો સંદેશો લઈને નંદનને પાછા જવાનું હતું. નંદન અહીં ન રહે એટલે કે જાય, તો બીજા કોઈને મોકલવાનો પ્રસંગ ન આવે, નંદન અહીં રહે તો જ એવો પ્રસંગ આવે. એટલે શ્રીદત્ત નંદનને અહીં ‘ન રહે’ એમ કહે તે સંગત ન બને, ‘રહે’ એમ કહે તે જ સંગત બને. આમ ‘ન’ વધારાનો હોવાનો અર્થ થાય. પંક્તિમાં સુધારોવધારો કરવા જતાં કંઈક ગરબડ થઈ ગઈ છે એમ આપણે માનવાનું રહે. આ ચોપાઈ છંદ છે, પણ પહેલી પંક્તિમાં દેખીતી રીતે માત્રા ઘણી વધે છે, આપણે માત્રામેળ બેસાડવો પડે એવું છે પણ એક માત્રા ઓછી થવાથી છંદને અવશ્ય લાભ થાય છે. કોઈ વાર લહિયાથી આખો શબ્દ વધારાનો લખાઈ જાય એવું બનતું હોય છે. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની એમની પોતાની લખેલી પ્રતમાં આનાં ઉદાહરણો જડે છે. બધી રાણીઓને મોકલાવાયેલા લાડુ ‘સ્વાદુવંત તે ભક્ષણ કીધઉ, સહુનઇ હરખ ઉપાયઉ પાયઉ હો’ એમ એક પંક્તિ એમાં મળે છે. અર્થ તેમજ છંદ બન્ને દૃષ્ટિએ ‘પાયઉ’ વધારાનો લખાઈ ગયેલ છે એમ દેખાઈ આવે છે. ‘ઉપાયઉ’ એટલે ‘ઉત્પન્ન થયો’, ‘પાયઉ’ એટલે ‘મેળવ્યો’. બે ક્રિયાપદ બિનજરૂરી છે તે ઉપરાંત ‘પાયઉ’ સાથે ‘સહુનઇ’ નહીં, ‘સહુઇ’ જોઈએ. સરતચૂકથી ‘પાયઉ’ ઘટક બેવડાઈ ગયું છે એમ માનવું જોઈએ. આ જ રીતે ‘ખુસી થયઉ મન મનમઇં ઘણું, નયણે અમીય પઈઠ’ એ દુહાની પંક્તિમાં એક ‘મન’ વધારાનો છે એ સહેલાઈથી સમજાય એવું છે. અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે, પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઈ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફાર કરી લેવાનું આ૫ણને પ્રાપ્ત થાય :

બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)

આ પ્રકારના સુધારા કરવામાં કોઈ વાર પ્રાસ પણ મદદરૂપ થાય. ‘નરખ્યિ’ને ‘નરખિ’ના ‘ય’ શ્રુતિવાળા રૂપ તરીકે સ્વીકારી લેવાનું આપણે કદાચ વિચારીએ, પણ એના પ્રાસમાં ‘પરીખ્ય’ શબ્દ આવતો હોય તો ‘નરખ્યિ’ને લેખનદોષ ગણી એનું ‘નરિખ્ય કરવું જ રહ્યું. આખી ઢાળ ‘ગુંજારોજી’-’મહિકારોજી’, ‘હેતોજી’- ‘ચીતોજી,’ ‘હવોજી’ ‘ટેવોજી’ એમ ઓ’કારાન્ત પ્રાસ ધરાવતી હોય ત્યારે ‘સભાયોજી’ના પ્રાસમાં ‘ગાયુજી’ લેખનદોષ જ ગણાય અને આપણે એનું ‘ગાયોજી’ કરવું જોઈએ. ‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થ સંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે. પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :

કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.

અહીં સંદર્ભને બરાબર લક્ષમાં ન લઈએ તો ‘જોઇયઇ’નો અર્થ તાણી ખેંચીને આપણે કદાચ બેસાડી શકીએ, પણ જરા વિચાર કરીએ તો એમાં મુશ્કેલી લાગે જ. પતિએ તજેલી કુલધરકન્યાને અજાણ્યા નગરમાં ભટકવાનું થાય છે ત્યારે સુભાષિત તરીકે આ દુહો આવેલો છે. એમાં અજાણ્યા નગરમાં જવાનું થવાથી પડતી અગવડનું વર્ણન છે. એથી પહેલી પંક્તિમાં નિષેધ છે તે અજાણ્યા નગરમાં જવાનો જ હોય, જોવાનો નહીં. માટે પાઠ જોઇયઇ’ નહીં, પણ ‘જાઇયઇ’ જોઈએ. કેટલીક વાર લેખન દોષયુક્ત છે કે ખરું છે એને વિશે આ૫ણને અવઢવ રહે એવાં સ્થાનો પણ સામે આવતાં હોય છે. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં કુલધર પાસે આવી ચડેલા દરિદ્ર પરદેશીના વર્ણન પછી આ પંક્તિ આવે છે : ‘ચર પૂછિઉ, તાહરઉ ઘર કિહાં, કિણિ કારણિ આવ્યઉ છઇ ઇહાં.’ વસ્તુસંદર્ભ તો સ્પષ્ટ છે : કુલધર એ પરદેશીને પૂછે છે કે તારું ઘર ક્યાં છે વગેરે. પણ ‘ચર’ શબ્દને બેસાડવાની મુશ્કેલી છે. પરદેશીને માટે ‘ચર’ શબ્દ વપરાયો હશે? ‘ચર’ શબ્દનો એવો કોઈ અર્થ સાંપડતો નથી કે જેને કારણે આવી ચડેલા માણસનો નિર્દશ કરવા એને વાપરી શકાય. એવો તર્ક કરી શકાય કે અહીં ‘ચરિ’ (ચરિત, વૃત્તાંત) શબ્દ હોય તો કુલધરે પરદેશીને એનું વૃત્તાંત પૂછ્યું એમ ‘ચરિ પૂછિઉ’નો અર્થ થાય. પરંતુ ‘ચર’ શબ્દનો આપણને અજાણ્યો એવો પ્રયોગ અહીં છે કે એ લેખનદોષ છે ને ખરો પાઠ ‘ચરિ’ છે એ વિશે, કદાચ, અવઢવ રહે. તો સુધારો આપણે મૂળ પાઠની સાથે પ્રશ્નાર્થ પૂર્વક મૂકવાનો રહે. હસ્તપ્રતમાં સ્વર અક્ષરના ફેરફાર થઈ જાય છે તેમ અન્ય અક્ષરના ફેરફાર પણ સરતચૂકથી થઈ જતા હોય છે. આમાં પણ ક્યાંક ભાષાજ્ઞાનથી લેખનદોષ પકડી શકાય છે ને સુધારી શકાય છે. જેમકે, ‘ઇનિ વનિ’નું સહેલાઈથી ‘ઇણિ વનિ’ થઈ શકે, કેમકે ‘ઇનિ’ એ મધ્યકાલીન ગુજરાતીનો પ્રયોગ નથી. અન્યત્ર અર્થસંદર્ભ આપણને પાઠસુધારણા તરફ લઈ જાય છે. એનાં કેટલાંક ઉદાહરણો નીચે જુઓ (સુધારેલો પાઠ કૌંસમાં બતાવેલો છે) :

* દેવ પૂજાવઇં થાઇં [ધ્યાઇં] ધ્યાન.
* રડવડની [રડવડતી] ધરિ જાઇ.
* એક મોદક સુકિનઇ રે, દેઇ સંતોપુ [સંતોષુ] સયણ રે.
* સપ્રભાવ વિષ નહી એ પોટઉ [ખોટઉ].
* રત્ર [રાગ] બેલાઉલ હોઇ.
* ઇણિ અવસરિ પૂઠઇ [પૂછઈ] હવઇ, આરામસોભા નૃપનારિ.
* પતિનઉ ઠયઉ [થયઉ] વિછોહ લાલ રે.

આવો સુધારો હંમેશાં સરળ ન પણ હોય. મહાવીર ભગવાનની વાણીના સંદર્ભમાં ‘ભાસઇ જનનઉ તાય’ એમ પાઠ મળે ત્યારે દેખીતી રીતે એકેય શબ્દ ભ્રષ્ટ ન લાગવાથી આપણે અર્થ બેસાડવાની કોશિશ કરીએ પણ જ્યારે ‘તાય’ એટલે તાપ, સંતાપ, દુઃખ એમ આપણે નક્કી કરીએ ત્યારે ‘ભાસઇ’ને સ્થાને ‘ભાગઇ’ એ પાઠ આપણને સૂઝે. લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :

દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫
દેવતત્ત્વ આરાધતાં, થાઇ નિર્મ્મલ બોધિ,
નવઇ તત્ત્વ સૂધા ધરઇં, જઇ હોઇ ભાવવિસોધિ. ૬
દેવચ્ચણિ ભાવચ્ચણઇં, પૂજભેદ દોઇ જાણ,
ઇહ દુહ ભેદહ અંતરઇ, સરસવ મેર સમાણ. ૭
ભાવચ્ચણિ જિમ પામિયઉ, પરભવિ ઉત્તિમ ઠામ,
સુણિ આરામશોભા તણઉ, પ્રગટ કિયો નિજ નામ. ૮
*
માણિભદ્ર દેવચ્ચણ કરી, નાગદેવની ગતિ તિણિ વરી, ૨૪૧
*
ભાવચ્ચણ તઇ કીધઉ સાર, તિણિ પામ્યઉ માણસભવ ચારુ, ૨૪૨.

અહીં ‘દેવચ્ચણ’ (દેવાર્ચન) અને ‘ભાવચ્ચણ’ (ભાવાર્ચન)ને સ્પષ્ટ રીતે બે પૂજાભેદ તરીકે બતાવવામાં આવેલ છે. તર્કથી વિચારતાં આમાં મુશ્કેલી પ્રતીત થાય છે. ભાવપૂર્વકનું અર્ચન પણ દેવનું જ હોયને? તો દેવાર્ચન ભાવાર્ચનથી જુદું કઈ રીત પડે? જૈન પરંપરાના જાણકારને તો દ્રવ્યપૂજા અને ભાવપૂજા એવા પૂજાના બે ભેદ તરત યાદ આવે અને અહીં એ અભિપ્રેત હોવામાં જરાયે શંકા ન લાગે. કથા જાણીએ એટલે માણિભદ્રની દ્રવ્યપૂજા અને આરામશોભાની ભાવપૂજા એ વાત પણ બરાબર બંધબેસતી લાગે. પણ ‘દ્રવ્ય’ને સ્થાને ‘દેવ’ એ પાઠ કેમ ઊભો થઈ જાય એની ઘડ બેસે નહીં. પ્રાકૃત ‘દવ્વ’માંથી લેખનદોષથી આ રૂપ આવ્યું હશે? બન્ને પ્રતો ઠીકઠીક ભ્રષ્ટ છે તેમ છતાં જૈન પરંપરાના આટલાબધા જાણીતા શબ્દ પરત્વે લહિયા – એક પ્રતના લહિયા તો જૈન સાધુ છે – ગેરસમજ કર એ જલદીથી માન્યામાં ન આવે અને એમ થયા કરે કે ‘દ્રવ્ય’ના અર્થમાં ‘દેવ’ એ પાઠને દૂરદૂરનો પણ કોઈ આધાર હશે ખરો? ‘દેવચ્ચણ’ એટલે ‘દ્રવ્યાર્ચન’ (દ્રવ્યપૂજા) એ વિશે તો કોઈ સંશય રહેતો નથી, પણ બે વખત વપરાયેલા ‘દેવતત્ત્વ’નું શું? ત્યાં આપણને પરિચિત ‘દેવ’ શબ્દ છે કે ઉપર્યુક્ત દ્રવ્ય’નું ભ્રષ્ટ રૂપ છે? અર્થ દૃષ્ટિએ ‘દેવતત્ત્વ’ શબ્દ અસ્પષ્ટ છે. જૈન પરંપરામાં એનો કોઈ સંદર્ભ મળતો નથી. તત્ત્વ તો કૃતિમાં જ તરત નવતત્ત્વ તરીકે દેખા દે છે ‘દેવતત્ત્વ’માં ‘તત્ત્વ’ શબ્દ સામાન્ય અર્થમાં નહીં પણ જૈન સંપ્રદાયના નવતત્ત્વના અર્થમાં જ અભિપ્રેત હોવાનો વહેમ જાય. તો ‘દેવ’ શબ્દનો પરિચિત અર્થ છોડવાની સ્થિતિ ઊભી થાય. જૈન સંપ્રદાયમાં આત્મજ્ઞાન માટે જે અભ્યાસ આવશ્યક મનાયો છે તેમાં એક દ્રવ્યાનુયોગ છે. એમાં જૈન સંપ્રદાયસંમત દ્રવ્ય, તત્ત્વ વગેરેની સમજણનો સમાવેશ થાય છે. તેથી આત્મા-અનાત્માનો વિવેક કેળવાય છે. તો અહીં નિર્મલ આત્મપ્રકાશ માટે જેની આરાધના આવશ્યક ગણી છે, જેને શુદ્ધ સ્વરૂપે પામવાનું ઇષ્ટ ગણ્યું છે, તે દ્રવ્ય અને તત્ત્વ જ નહીં? આમ, અહીં પણ ‘દેવ’ એ ‘દ્રવ્ય-દવ્વ’નો ભ્રષ્ટ પાઠ હોવાની શક્યતા જણાય છે પણ પેલો પ્રશ્ન તો ઊભો જ રહે છે–લહિયાની આટલી મોટી ગેરસમજ માનવી કે ‘દ્રવ્ય’ને માટે ‘દેવ’ પાઠનો કોઈ આધાર હોવાનું માનવું? મધ્યકાલીન ભાષાપ્રયોગવૈવિધ્ય અપાર છે. એ આપણા હાથમાં પૂરેપૂરું આવી ગયાનો દાવો કદી ન થઈ શકે. તેથી એવાં સ્થાનો તો જડ્યાં કરવાનાં જ્યાં પાઠસુધારણા માટે આ૫ણને અવઢવ રહે અને વિકલ્પ ખુલ્લો રાખવાનું ઇષ્ટ લાગે. આરામશોભાની પૂર્વભવની કથામાં એ જાણીતું વૃત્તાંત છે કે કુલધરકન્યા સુકાયેલી વાડીને નવપલ્લવિત કરવા, માણિભદ્ર શેઠ વારે છે છતાં, અન્નજળનો ત્યાગ કરી જિનમંદિરમાં ધ્યાન કરવા બેસે છે. આ સંદર્ભમાં ‘સેઠઇ પાલી તી જઈ જિણમંદિર-બારિ, જિનસાસનદેવી સમરી ભાવઈ મન્નિ, કાઉસગ્ગ લેઈનઇ ઉભી રહી તજી અન્ન’ એવી પંક્તિ આવે એટલે ‘પાલી’ શબ્દ અસંગત લાગે. ત્યાં ‘વારી’ પાઠ જ બેસે, પરંપરાનો એને જ ટેકો મળે, પણ જે પ્રત એકંદરે ઘણી શુદ્ધ છે તેમાં આમ જુદો જ શબ્દ લહિયાથી આવી જાય ખરો? ‘પાલી’નો આપણને અજાણ્યો એવો કોઈ અર્થ ન હોય? અથવા અહીં ‘પાલી’ સાથે મળતો આવતો કોઈ અન્ય પાઠ ન હોય? આ બધા પ્રશ્નો વિકલ્પ ખુલ્લો રાખવા આપણને પ્રેરે. ‘અહો ધાસ્યઇં સીત’માં ઠંડી ચડી આવશે એવા અર્થમાં આપણને અજાણ્યો એવો ‘ધાસ્યઇં’નો પ્રયોગ છે કે એ ‘ધાસ્યઇં’ને સ્થાને થયેલો લેખનદોષ છે એ વિશે આ૫ણને ખસૂસ દ્વિધા થાય અને નિર્ણયાત્મક રીતે પાઠ બદલતાં આ૫ણને અટકાવે. આ જાતની પાઠસુધારણામાં પ્રાસની મદદ મળે છે ત્યારે નિર્ણય લેવો વધારે સરળ બને છે. નીચેનાં ઉદાહરણોમાંથી એ પ્રતીત થશે :

* મૂલિ પિતાનઇં નવિ કહઇ, રખે કરઇ ઉચાટ,
  સિરજ્યઉ લાભઇ આપણઉ, મૌન ભલઉ તસ માત [માટ].
* માણિભદ્રિચંપા સુધિ કરી, બેટી કુલધર નવિ આરી [અવરી].
* રાજા જાણી તસુ ગુણગાંન [ગ્રાંમ], આરામશોભા ઠવીઉ નામ-

પહેલું ઉદાહરણ અત્યંત સ્પષ્ટ છે. બીજામાં કથાસંદર્ભની જાણકારી ઉપયાગી બને છે. માણિભદ્રે પોતાને ત્યાં આવેલી સ્ત્રી તે કુલધરકન્યા છે, બીજી કોઈ નથી તે તપાસ કરાવી એવો પ્રસંગ બધે જ વર્ણવાયેલો છે. ત્રીજામાં ‘ગુણગાંન જાણી’ એ પ્રયોગ અસંગત છે. તેથી પ્રાસને અનુલક્ષીને ‘ગુણગ્રાંમ’ (ગુણોનો સમૂહ) એ પાઠ સુધી આપણે પહોંચીએ છીએ. કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ

માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.

આ પછી ‘રીખઇ’ના ‘ખ’ પર હરતાલ ફેરવી દેવામાં આવી છે, પણ એને સ્થાને બીજો અક્ષર લખવાનું રહી ગયું છે. ‘રીખઇ’ (ભાંખોડિયાભર ચાલે, રાજસ્થાનીમાં – વિલાપ કરે) દેખીતી રીતે જ અહીં ખોટો પાઠ છે. ‘રીઝઇ’ એ સાચો પાઠ છે એ સમજવામાં મુશ્કેલી પડે એવું નથી. રાજસિંહકૃત ‘આરામશોભાચોપાઈ’માં એક પંક્તિ ‘અમૃતમોદક ઘટ સૂર્યુ રે’ એમ લખાયેલી મળે છે. પહેલાં તો ‘સૂ’ ઉપર અનુસ્વારનો ભ્રમ થાય છે, પણ ‘સૂર્યુ’ કે ‘સૂંર્યું’નો કશો અર્થ કરવો મુશ્કેલ લાગે છે ને પછીથી ખ્યાલમાં આવે છે કે ‘સૂ’ પર અનુસ્વાર નથી પણ બે ઊભી લીટી કરી એ અક્ષર રદ કરવાની નિશાની કરેલી છે. એને સ્થાને બીજો અક્ષર તો જોઈએ જ, કેમકે અર્થ અને છંદ બન્ને એ માગે છે. એ અક્ષર લખવાનો રહી ગયો છે ને આપણે જ ઉમેરવાનો રહે છે. ઘડામાંથી ઝેરના લાડુ કાઢી લઈને એમાં અમૃતમય લાડુ ભર્યાની વાત અહીં છે, તેથી ‘સૂ’ને સ્થાને ‘પૂ’ પાઠ હોવાની કલ્પના કરી શકાય છે – ‘અમૃતમોદક ઘટ પૂર્યું રે’. લહિયા દ્વારા થતી એક ભૂલ તે શબ્દો આડાઅવળા એટલે કે ક્રમભંગથી લખાઈ જવાની છે. ‘નારી અમૂલિક દીઠી જાસ, બઇઠી રાજા સોહઇ પાસિ’ એ પંક્તિનો શબ્દાન્વય અસંગત છે. ‘બઇઠી સોહઇ રાજા પાસિ’ એમ કરીએ ત્યારે એ સંગત બને છે. અહીં લહિયાનો લેખનદોષ થયાનું માનવું જોઈએ. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની કવિલિખિત પ્રતમાં શબ્દો જ નહીં, આખી પંક્તિઓનો ક્રમભંગ થયેલો દેખાય છે તે બતાવે છે કે લેખનમાં આ પ્રકારની ભૂલ થવી અસ્વાભાવિક નથી. ત્યાં મૂળમાં બે કડી આ પ્રમાણે મળે છે :

તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,
વર કરિ વરવર્ણિની રે, એ જિતશત્રુ ભૂપાલ રે. ૭

જોઈ શકાય છે કે છઠ્ઠી કડીની બીજી પંક્તિમાં મંત્રીની બાળા (વિદ્યુત્પ્રભા) પ્રત્યેની ઉક્તિ છે. સાતમી કડીની પહેલી પંક્તિમાં ‘કહઇ કુમારી બાલ રે’ એમ આવે છે તેથી પછીની પંક્તિ એની ઉક્તિ છે એવો અર્થ થાય, પરંતુ પછીની પંક્તિમાં તો ‘તું જિતશત્રુને પરણ’ એવી વાત આવે છે, એ વિદ્યુત્પ્રભાની ઉક્તિ કેવી રીતે હોઈ શકે? એ મંત્રીની ઉક્તિનો જ ભાગ બની શકે. વિદ્યુત્પ્રભાની ઉક્તિ, પછી, આઠમી કડીમાં આવે છે – ‘તે કહઇ ઇણિ ગામઇં વસઇ રે કાંઇ’ વગેરે. આથી સમજાય છે કે સાતમી કડીમાં પંક્તિઓ ઊલટસૂલટ થઈ ગઈ છે. બીજી પંક્તિ પહેલી હોવી જોઈએ, પહેલી પંક્તિ બીજી. એથી પ્રધાનની આખી ઉક્તિ સંકલિત થઈ જશે અને ‘કહઇ કુમારી બાલ રે’ સાથે આઠમી કડી સંધાઈ જશે. આ પ્રમાણે આપણે પાઠ સુધારવાનો રહે. અત્યાર સુધી આપણે લહિયાના લેખનદોષોની વાત કરી. મધ્યકાળની કૃતિઓમાં લહિયાના લેખનદોષને કારણે જ પાઠસંપાદનના પ્રશ્ન ઊભા થતા નથી, મધ્યકાલીન લેખનપ્રથાને કારણે પણ ઊભા થાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં શબ્દો અંતર રાખીને, છૂટા પાડીને લખવામાં નહોતા આવતા. બધા અક્ષરો સળંગ જ લખાતા. શબ્દો છૂટા પાડવાનું કામ સંપાદકે કરવાનું હોય છે. આ કામ સીધુંસાદું નથી હોતું. શબ્દો છૂટા પાડવામાં ભ્રાન્તિ થાય એવાં સ્થાનો આવ્યાં કરતાં હોય છે. સંપાદકે ઘણું સાવધાન રહેવું પડે, મધ્યકાલીન ભાષાની સમજ બતાવવી પડે, ઉક્તિના અર્થનો ચોકસાઈથી વિચાર કરવો પડે. સાચી શબ્દરચના ત્યારે જ હાથમાં આવે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં મેં આમ વાંચી હતી :

આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.

આરામશોભાની વાત ચાલે છે એટલે ‘બોલી’ ‘સુતા’ એ શબ્દો તરત પકડાય. પણ વિચાર કરતાં સંદર્ભમાં આને કંઈ અર્થ બેસાડી શકાતો નથી. આ કવિનો કથાપ્રસ્તાવ જ છે, એટલે પછી ‘બોલીસુ તાસ વિચાર’ એવું શબ્દવિભાજન સૂઝે. એ માટે અલબત્ત ‘બોલીસુ’ (=બોલીશ), ‘તાસ’ (=તેનો) બે શબ્દરૂપોનું જ્ઞાન આવશ્યક બને. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક કડી નીચે મુજબ વંચાયેલી :

કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.

કોઈ પણ પાઠને, આપણને પરિચિત શબ્દો રૂપે વાંચવાનું આપણું સામાન્યપણે વલણ હોય છે. અહીં એ દોષ થયો છે. ‘નીરખ્યા’ શબ્દ આ૫ણને પરિચિત છે તેટલો ‘રખ્યા’ નથી. પણ ‘રતનાં નીરખ્યા એહ રે’ એ શબ્દોને સંદર્ભમાં બિલકુલ બેસાડી શકાતા નથી. સંદર્ભ તો આરામશોભાનો પાણીમાં વિષ આપીને કોઈ મારી ન નાખે તેથી કૂવો ખોદાવવાને છે. ‘રખ્યા’ (=રક્ષા) શબ્દને આપણે જાણતા હોઈએ તો એ આ સંદર્ભમાં ઉપકાર શબ્દ લાગે. પછી ‘રતનાં’ એટલે રત્ન જેવી દીકરી એમ પણ સૂઝે. એટલે પંક્તિ આમ વાંચવાની આવે : ‘રતનાની રખ્યા એહ રે’ (=આ રત્ન જેવી દીકરીની રક્ષા માટે કરેલું છે). જયવંતસૂરિકૃત ‘શૃંગારમંજરી’ (સંપા. કનુભાઈ શેઠ)માં એક પંક્તિ આમ મળે છે : ‘ધરમ લહીનઇ આલિં ન ગમીઇ, પાતિકડાં પરિહરીઇ રે’. અહીં પણ મને પરિચિત શબ્દ વાંચવાનો દોષ થયેલો દેખાય છે. ‘પરિહરીઇ’ એટલે ‘પરહરીએ’, તેમ ગમીઇ’ એટલે ‘ગમીએ’ થાય. એને અહીં અન્વયમાં કેમ બેસાડી શકાય? વસ્તુતઃ અહીં ‘નગમીઇ’ (=નિર્ગમીએ) શબ્દ વાંચવો જોઈએ. ‘આલિં’ એટલે મિથ્યા. મિથ્યાત્વને કે મિથ્યાચારને દૂર કરીએ એમ એ ચરણનો અર્થ થાય. એ કૃતિમાં જ ‘પરિમલ રસ પરિ પંથ એ, મંથ એ માનિની માન’માં પણ ‘મંથએ’ને ક્રિયાપદરૂપ તરીકે જોઈ શકાયું નથી અને ‘પરિપંથી’ (=દુશ્મન) એ શબ્દની જાણકારીનો અભાવ અગવડરૂપ બન્યો છે. અહીં ‘પરિપંથએ’ (=વેરીનું કામ કરે છે), અલબત્ત, ક્રિયાપદ છે. એટલે પાઠ ખરેખર આમ જોઈએ – ‘પરિમલરસ પરિપંથએ, મંથએ માનિનીમાન.’ એનો અર્થ થાય : પરિમલનો રસ દુશ્મનનું કામ કરે છે, માનિનીઓના માનનું એ મથન કરી નાખે છે, એના ચૂરા કરી નાખે છે. યોગ્ય શબ્દભેદ ન થવાથી કેવા અર્થહીન અને ભ્રષ્ટ પાઠ ઊભા થાય છે તેનું એક જ ઉદાહરણ લઈએ. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’ (સંપા. નવીનચંદ્ર એમ. શાહ, સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૨)માં એક પંક્તિ આમ છપાયેલી છે : ‘તવ બંભણિ કાઈ મા હણી, સંગ હણઇં કીધી પરતણી’. આનો કંઈ અર્થ થાય છે? પ્રસંગ તો છે વિદ્યુત્પ્રભાનો બાપ એના કહેવાથી બીજી સ્ત્રી પરણે છે તેનો. એમાં હણવાની વાત તો આવે જ કેમ? એટલે. ‘તવ બંભણિ કાઇ મા હણી, સંગ હણઇં કીધી પરતણી.’ એવો પાઠ વિચારી શકાય અને ‘માહણી’ એટલે બ્રાહ્મણી અને ‘સંગહણઇં’ એટલે સ્વીકાર એમ અર્થ હાથમાં આવે ત્યારે એ પાઠ સાચો હોવાનું પ્રતીત થાય. ખોટા શબ્દભેદનાં, સૂચિત સુધારા સાથેનાં, કેટલાંક બીજાં ઉદાહરણો પણ જુઓ. આવશ્યક જણાયું ત્યાં ઉક્તિનો અર્થ પણ આપ્યો છે, તેમાંથી એ સુધારાનું સમર્થન મળી રહેશેઃ

* ઉત્તમ કિમહિ નઉ ભંજઇ [ન ઉભંજઉ], આદરીયાં સય હાથિ, (પોતાના હાથે–જાતે જ જેનો સ્વીકાર કર્યો તેના પ્રત્યે ઉત્તમ માણસો કેમેય ઉદ્વિગ્ન થતા નથી, એનો અનાદર કરતા નથી.)
* લેસુ રહી (લે સુરહી) વનિ જાઇ. (ગાયો લઈને વનમાં જાય છે.)
* હાથિ હલ દલિયઇં [હલદ લિયઇં] ચંગિ એ.
* વર માઈ ધરિહિં [માઇધરિહિં] બઇસારિ એ.
* હણિ કરે વાપરનઇં [કરેવા પરનઇ] લીણ.

અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ

અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.

અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં

તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.

એ કડીમાં ‘માંમ’ પાઠ સુધારીને ‘નાંમ’ કરવો પડ્યો હતો (વૃક્ષો જ નહોતાં ત્યાં એનાં નામ કેમ અપાય? – એ સ્પષ્ટ અર્થને અનુલક્ષીને; પછીથી વનની વાત આવે છે ત્યાં કવિ વૃક્ષનામે આપે જ છે) તથા એક જ શબ્દથી રચાતા પ્રાસની સ્થિતિ સ્વીકારવી પડી હતી, પરંતુ મારો અનુભવ એવો છે કે મધ્યકાળમાં એક જ શબ્દથી પ્રાસ સામાન્ય રીતે મેળવાતો નથી, સિવાય કે શબ્દ બંને સ્થાને જુદા અર્થમાં હોય. એટલે એક શબ્દથી પ્રાસ મેળવાય ત્યાં હું શંકાની નજરે જોઉં છું. પહેલાં તો હસ્તપ્રતવાચનમાં કંઈ ભૂલ નથી થઈને એ ચકાસ્યું. પણ હસ્તપ્રત બરાબર ‘વાત’ જ આપતી હતી. એ પછી શંકાને બળવત્તર બનાવનાર એક બીજી વસ્તુ તરફ લક્ષ ગયું – ‘દૂધનિ’ના હ્રસ્વ ‘નિ’ તરફ. આ હસ્તપ્રતોમાં જોડણીનું સુનિશ્ચિત એકધારાપણું નથી, તેમ છતાં સંબંધ વિભક્તિમાં ક્યાંય હ્રસ્વ ‘નિ’ આવતો હોય એવું સ્મરણમાં ન આવ્યું, ન જડ્યું. એટલે થયું કે અહીં ‘દૂધ-નિવાત’ એવો શબ્દ તો ન હોય? પણ ‘નિવાત’નો અર્થ શો કરવો? સંસ્કૃત ‘નિર્વાત’ કે ‘નિપાત’ કંઈ કામ આવે એવા ન લાગ્યા. પ્રાકૃતકોશે પણ કંઈ મદદ ન કરી. અંતે રાજસ્થાનીકોશે ચાવી ખોલી આપી. ‘નિવાત’ એટલે ખાંડ, સાકર. ‘દૂધસાકર જેવી મીઠી વાત સાંભળ’ એમ અન્વય સરસ રીતે બેસી ગયો. અહીં લગ્નની વાત હતી, તેથી દૂધસાકરનું મિશ્રણ સમુચિત ઉદાહરણ પણ બને. આમ, સાચું શબ્દવિભાજન હાથ લાગી ગયું. અત્યાર સુધી પાઠસંપાદનના પ્રશ્નોની આપણે ચર્ચા કરી તે એક હસ્તપ્રત જ પ્રાપ્ય હોય એવી સ્થિતિ કલ્પીને કરી છે. પણ મધ્યકાળની ઘણી કૃતિઓની એકથી વધારે હસ્તપ્રતો પ્રાપ્ય હોય છે. ત્યાં પાઠસંપાદનની પ્રક્રિયા સ્વાભાવિક રીતે જ જટિલ બને. કોઈ હસ્તપ્રતમાંથી ચોખ્ખો પાઠ પ્રાપ્ત થઈ જાય ત્યાં કામ સરળ થઈ જાય, એમાં ઘણે સ્થાને ઉપર્યુક્ત ધોરણોથી પાઠપસંદગી કરી શકાય, પણ વૈકલ્પિક પાઠો મળે ત્યારે કઈ હસ્તપ્રત કે હસ્તપ્રતોને વધારે આધારભૂત માનવી એની મૂંઝવણ થાય. અનેક હસ્તપ્રતોને આધારે પાઠસંપાદનનાં વિવિધ પાસાંઓમાં જવાનું અહીં શક્ય નથી, પણ વૈકલ્પિક પાઠોમાંથી પસંદગી કરવાની પ્રક્રિયાનું દિગ્દર્શન એક-બે ઉદાહરણથી કરીશું. ‘અખાના છપ્પા’માં ઉમાશંકર જોશી એક પંક્તિનો પાઠ આ પ્રમાણે આપે છે : ‘પૂરણતામાં સર્વ સમાય, જ્યમ નદી વહી સાગરમાં જાય’. આ પંક્તિનું એક પાઠાંતર મળે છે : ‘જ્યમ નદી વડે સાગર ન ભરાય’. ઉમાશંકરે જોયેલી ૮ પ્રતોમાંથી ૪ પ્રતો (એમની મુખ્ય આધારભૂત પ્રત સાથે) ‘નદી વડે સાગર ન ભરાય’ એ પાઠ આપે છે. એક પ્રતમાં ‘વડે સાગર ન ભરાય’ છેકીને ‘વહી સાગરમાં જાય’ કરેલું છે. બાકીની ત્રણ પ્રતો ઉમાશંકરે સ્વીકારેલો પાઠ આપતી હશે એમ માની શકાય. બહુમતી અને સામાન્ય રીતે વધારે આધારભૂત મનાયેલી હસ્તપ્રતો ‘નદી વડે સાગર ન ભરાય’ એવો પાઠ આપતી હોવા છતાં ઉમાશંકરે બીજો જ પાઠ સ્વીકાર્યો છે. એનું કારણ એ જણાય છે કે એ પાઠમાં અર્થ સહેલાઈથી બેસી જાય છે : નદી વહીને સાગરમાં જાય છે તેમ સર્વ પદાર્થો પૂર્ણતામાં સમાય છે, ભળે છે. ‘નદી વડે સાગર ન ભરાય’નો અર્થ બેસાડવામાં મુશ્કેલી પડે એવું છે. અહીં વિચારવાનું એ છે કે ‘નદી વહી સાગરમાં જાય’ એવો સરળ પાઠ મૂળ પાઠ હોય તો એ પાઠને સ્થાને ‘નદી વડે સાગર ન ભરાય’ એવો દુર્બોધ પાઠ કેવી રીતે આવે? દુર્બોધ પાઠ ન સમજાતાં સરળ પાઠ આવી જાય એવું બને. એક પ્રતમાં ‘નદી વડે સાગર ન ભરાય’ એ છેકીને ‘નદી વહી સાગરમાં જાય’ એમ કરવામાં આવ્યું છે તેને જ પાઠપરિવર્તનની આ પ્રક્રિયાના સરળ ઉદાહરણ તરીકે જોઈ શકાય. આથી સરળ અને દુર્બોધ બે પાઠ મળતા હોય ત્યાં સરળ પાઠને શંકાની નજરે જોવો અને દુર્બોધ જણાતા પાઠનો ખુલાસો મેળવવા પ્રયત્ન કરવો એ વધારે હિતાવહ છે. અહીં, વળી, બહુમતી અને સામાન્ય રીત વિશેષ વિશ્વસનીય ગણેલી પ્રતો દુર્બોધ જણાતો પાઠ આપે છે. આ પુરાવાને સહેલાઈથી કેમ અવગણી શકાય? એ પાઠને અર્થઘટનના પડકાર સાથે સ્વીકારવો ન જોઈએ? એક વખત દુર્બોધ જણાતો પાઠ પ્રમાણભૂત હોવાનો સંભવ સ્વીકારીએ – અને એ સ્વીકારવો જોઈએ – તો અર્થઘટનનાં દ્વાર ખૂલે એમ પણ બને. અહીં એવું બને જ છે. ‘નદી વડે સાગર ન ભરાય’ એ ઉક્તિને એ અર્થમાં સમજી શકાય કે ગમે તેટલી નદી સાગરમાં પડે, સાગર કદી પૂરેપૂરો ભરાઈ જતો નથી, એટલે કે બીજી નદીઓ એમાં ન સમાય એવું થતું નથી. એ જ રીતે પૂર્ણ બ્રહ્મમાં જેટલું નાખો એટલું સમાઈ જાય છે. પૂર્ણ બ્રહ્મની પૂર્ણતાની લાક્ષણિક વિભાવના આ ઉક્તિમાં પ્રગટ થાય છે. એ ‘નદી વહી સાગરમાં જાય’ એ ઉક્તિમાં પ્રગટ થતી નથી. તત્ત્વવિચારની સૂક્ષ્મતાને અનુરૂપ એક વિલક્ષણ ઉક્તિ અખાજીએ ઘડી છે એમ અંતે લાગ્યા વિના રહેતું નથી. મને પોતાને નદી વડે સાગર ન ભરાય’ એ પાઠ જ પ્રમાણભૂત પાઠ જણાય છે. (શ્રી ભૂપેન્દ્ર ત્રિવેદી અને ડૉ. જેસલપુરાએ આ પાઠ જ સ્વીકાર્યો છે અને ડૉ. જેસલપુરાને તો આ પાઠ માટે વધુ ત્રણ હસ્તપ્રતોનું સમર્થન સાંપડ્યું છે.) વધુ હસ્તપ્રતોનો પાઠ પ્રમાણભૂત એવો કોઈ અબાધિત નિયમ નથી. એટલે ઉપરનાથી ઊલટા જ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. મારા માર્ગદર્શન નીચે કીર્તિદા જોશીએ અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરી છે તેમાંથી આ ઉદાહરણ આપું છું. ચામખેડાના ખેલના દૃષ્ટાંતના સંદર્ભમાં ત્યાં નીચેની કડી આવે છે :

દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.

આઠ હસ્તપ્રતો પ્રાપ્ત થયેલી તેમાંથી બે જ પ્રતો ‘ઠાઠ’ પાઠ આપે છે, બાકીની છ ‘ઘાટ’ કે ‘ઘાટ્ય’ પાઠ આપે છે. ‘ઘાટ’થી પ્રાસ વધારે ચોખ્ખો બને છે અને અર્થ તો બેસાડી જ શકાય. ‘ઠાઠ ચાલે’ના અર્થનો જ એ પ્રયોગ બને. પણ અહીં પણ એવો પ્રશ્ન સહજ રીતે ઊઠે કે ‘ઘાટ’ જેવા ચોખ્ખા પ્રાસવાળો પાઠ ‘ઠાઠ’ એ પ્રાસમાં પરિવર્તન કેમ પામે? વળી અહીં ભલે લઘુમતી પ્રતો પણ મુખ્ય આધારભૂત ગણેલી પ્રતો જ ‘ઠાઠ’ પાઠ આપે છે. અહીં પાઠપસંદગીની ભારે મૂંઝવણ થાય. પણ અહીં અખાજીનાં જ અન્ય ભાષાપ્રયોગો ને પ્રાસયોજનાઓ મદદે આવે છે. અહીં જે અર્થમાં ‘ઠાઠ’ શબ્દ છે તે અર્થમાં છપ્પામાં તે અનેક વાર વપરાયો છે અને એનો પ્રાસ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છેઃ

* ચૌદલોક અખા એક ઠાઠ, ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ.
* વિચાર કરતાં બેઠું ઘાટ, એ ચાલ્યો જાય સતમિથ્યા ઠાઠ.
* અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે આપ ચૈતન્યનો ઠાઠ.
* કળ ભરાવ્યે ચાલે ઠાઠ, મન આદિ સઘળો આઠકાઠ.

આમાંથી બે-ત્રણ વસ્તુ દેખાઈ આવે છે. એક તો ‘ટ’ અને ‘ઠ’નો પ્રાસ મેળવવો એ એક માન્ય રૂઢિ છે. એ પ્રાસને કાચો પ્રાસ માનવાની જરૂર નથી. બીજું, ‘વૈભવ, વિસ્તાર, સાજ, સરંજામ, પ્રપંચ’ એ અર્થમાં ‘ઠાઠ’ શબ્દ ઘણો રૂઢ છે. ત્રીજું, ‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ પણ અન્યત્ર મળે છે. ‘ઘાટ’ શબ્દ આ રીતે વપરાતો હોવાની રૂઢિ દેખાતી નથી. ‘ઘાટ બેઠું’ જેવો પ્રયોગ મળે છે, પણ ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ મળતો નથી. આ બધું ‘ઠાઠ’ પાઠને વધુ પ્રમાણભૂત ઠેરવે છે. સમુચિત પાઠપસંદગી માટે કેટલી વિશાળ પરંપરાને લક્ષમાં લેવાની થાય છે તેનું આ દ્યોતક ઉદાહરણ છે. પાઠસંપાદનનો ભાગ ન ગણાય છતાં તેની સાથે સંકળાયેલી એક વાત કહેવાની મને જરૂર લાગે છે. શ્રમપૂર્વક સંશોધિત કરેલી વાચના પ્રકાશિત કરવામાં આવે ત્યારે એના મુદ્રણમાં જો ચોકસાઈ ન રહે તો ભ્રષ્ટ પાઠ દાખલ થઈ જાય છે અને સંશોધનનો શ્રમ એટલે અંશે એળે ગયા જેવું થાય છે. હસ્તપ્રત હાથમાંથી ચાલ્યા ગયા પછી એ છાપભૂલ સંશોધકના મનમાં પણ ગૂંચવણ ઉત્પન્ન કરે. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ (સંપા. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ૧૯૮૩)માં એક પંક્તિ આ રીતે છપાયેલી મારી નજરે પડીઃ ‘સોભાગિણિ દક્ષ વિનીતા, અષ્ટ વચ્છર તાસ વિનીતા હો.’ એક જ શબ્દથી મેળવાતા પ્રાસને હું શંકાની નજરે જોઉં છું તે ઉપરાંત અહીં તો બીજી વાર આવતા ‘વિનીતા’ શબ્દનો અર્થ બેસાડવાનું મુશ્કેલ બને છે. ‘ની’ (=દોરવું, લઈ જવું) ધાતુ પરથી ‘વિનીત’ એટલે ‘પસાર થયેલું’ એવો અર્થ ઘટાવવો? આવી રીતે એ શબ્દ વપરાતો તો નથી. સદ્‌ભાગ્યે હસ્તપ્રત પરથી ઉતારેલી એક નકલ સચવાયેલી હતી. તેમાં જોતાં અહીં પાઠ ‘વિતીતા’ (=વ્યતીત થયા) એ પાઠ મળ્યો. પ્રકાશિત કૃતિમાં મુદ્રણદોષ જ થયો હતો. ‘શૃંગારમંજરી’માં ‘કાઠલક્ષણ’ એ પાઠની આપણે ચર્ચા કરી તે ‘કાઠભક્ષણ’ને સ્થાને થયેલો મુદ્રણદોષ જ કદાચ હોય. નાગરી લિપિમાં છપાયેલા પુસ્તકમાં ‘ઘ’ અને ‘ધ’નો તો અનેક ઠેકાણે ગોટાળો થયો છે ને ‘ચ-વ’, ‘હ-ડ’, ‘ખ-સ્વ’ની પણ ગરબડો હોવાનું દેખાય છે. ‘શસ્ત્રાભ્યાસ’ને સ્થાને ‘શાસ્ત્રાભ્યાસ’ થઈ ગયું છે. મધ્યકાલીન કૃતિમાં નાનકડી ભૂલ પણ વાચકને ગોથાં ખવડાવી શકે છે એટલે સંશોધકની જવાબદારી ઘણી વધી જાય છે. વાચના યથાતથ છપાય તે માટે એણે શક્ય તેટલા પ્રયત્નો કરી છૂટવા જોઈએ. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’ (સંપા. નવીનચંદ્ર શાહ)માં અનેક ભ્રષ્ટ પાઠો દેખાય છે તેમાં છાપભૂલોનો પણ ઠીક ઠીક ફાળો હશે એમ લાગે છે.

અર્થનિર્ણય

મધ્યકાલીન કૃતિના સંપાદનમાં અર્થનિર્ણયની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. સામાન્ય રીતે કૃતિની વાચના તૈયાર કર્યા પછી એના અર્થઘટનની કામગીરી આપણે હાથ ધરીએ છીએ. શબ્દાર્થો કે ટિપ્પણ દ્વારા આપણે એ કામ કરીએ છીએ. પણ ચોકસાઈથી અર્થનિર્ણય કરવા જનારને એ અનુભવ થયા વિના રહેતો નથી કે એ પ્રક્રિયા પાઠસંપાદન પછીની પ્રક્રિયા નથી, પાઠસંપાદનની જ એક પ્રક્રિયા છે, કેમકે ચોકસાઈથી અર્થનિર્ણય કરવા જતાં પ્રાપ્ત પાઠની પ્રમાણભૂતતા વિશે શંકા જવાના, ભ્રષ્ટ પાઠ પકડાવાના અને પાઠસુધારણા થવાના પ્રસંગો આવે છે. આગળ આપણે પાઠસુધારણાના જે દાખલાઓ ટાંક્યા તેમાં કેટલેબધે ઠેકાણે અર્થદૃષ્ટિએ વિચારતાં જ પાઠ ભ્રષ્ટ જણાયા છે! ‘દેવ’માંથી ‘દવ્વ’, ‘દૂધનિ વાત’માંથી ‘દૂધ-નિવાત’ જેવી પાઠસુધારણા તથા ‘નદી વડે સાગર ન ભરાય’ જેવી પાઠપસંદગી કેવા સૂક્ષ્મ અર્થનિર્ણય પર આધારિત છે! પાઠશુદ્ધિ અને અર્થનિર્ણય પરસ્પર કેવાં સંકળાયેલાં છે તેનું એક વિશેષ ઉદાહરણ આપણે જોઈએ. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’ (સંપા, શિવલાલ જેસલપુરા, ૧૯૮૧, પૃ. ૮)માં ‘પુત્રવિવાહનાં પદ’માં નરસિંહ એના પુત્રના વિવાહપ્રસંગે પોતાને તેડે એવી ઇચ્છા રુક્મિણી વ્યક્ત કરે છે તે પછી નીચેની પંક્તિ આવે છે : ‘પાળજો, માતજી! વચન તે તમ તણું, નિશ્વે જાણી સોણ ગાઢ બાંધી.’ ડૉ. જેસલપુરા પાસે બે હસ્તપ્રતોનો ‘શોણ ગાઠ’, એક હસ્તપ્રતનો ‘શોન ગાઢ’ અને ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહને ‘સોના ગાંઠ’ એ પાઠો હતા. એમણે એ પણ જોયું જ હશે કે ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (સંપા. કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯-૭૦)માં ‘શોણ-ગાંઠ’ પાઠ સ્વીકારવામાં આવ્યો છે. (ડૉ. જેસલપુરાએ ઉપયોગમાં લીધેલી ત્રણ હસ્તપ્રતો જ શાસ્ત્રીએ ઉપયોગમાં લીધેલી છે. શાસ્ત્રીએ કોઈ પાઠાંતર નોંધ્યું જ નથી. તો ડૉ. જેસલપુરાએ હસ્તપ્રતમાંથી નોંધેલો ‘શોન ગાઢ’ પાઠ ખરો કે શાસ્ત્રી ચૂકી ગયા છે?) આ પછી પણ ડૉ. જેસલપુરાએ ‘શોણ ગાંઠ’ પાઠ સ્વીકાર્યો નથી એ એમ બતાવે છે કે એનો અર્થ એમને બેઠો નથી. ‘સોણ’ વિશે શબ્દકોશમાં એમણે આ પ્રમાણે નોંધ કરી છે : ‘સોણ-કમર, કેડ, સં. શ્રોણિ, પ્રા. સોણિ. સોણ બાંધી (રૂ.પ્ર.) = બરાબર તૈયારી કરી.’ આ અર્થ આમ તો બેસી જાય છે, પણ જરા ઝીણો વિચાર કરતાં એમ સવાલ થાય કે અહીં તૈયારી કરવાની વાત કઈ રીતે પ્રસ્તુત ગણાય? હજુ તો પુત્રનો સંબંધ પણ થયો નથી. પુત્રનો સંબંધ કરવા માટે એણે કમર કસી એવુંયે ઘટાવી એવું નથી, કેમકે નરસિંહ આ પછી કશો જ પ્રયત્ન કરતા નથી, એ તો કૃષ્ણ પર વિશ્વાસ રાખીને જ રહે છે. આ પાઠ અર્થદૃષ્ટિએ શંકાસ્પદ લાગે તો વધારે હસ્તપ્રતોના ટેકાવાળા ‘સોણ-ગાંઠ’ પાઠ તરફ ફરીને જવાનું થાય ને એનો અર્થ શોધવાનો થાય. હરિવલ્લભ ભાયાણી (કૃષ્ણકાવ્ય, ૧૯૮૬, પૃ. ૧૩૯) એ શબ્દપ્રયોગનો અર્થ ને આ સંદર્ભમાં એની ઉપયુક્તતા પણ સ્ફુટ કરી આપે છે : “હકીકતે ‘શોણ-ગાંઠ’ પાઠ જ સાચો છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં જાણીતી એક પ્રથા અને શબ્દપ્રયોગની જ પરંપરા અહીં જળવાઈ છે. શકુન-ગ્રંથિ એવો સંસ્કૃત પ્રયોગ મળે છે. પ્રાકૃત સઉણ-ગંઠી ને તે પરથી સોણ-ગાંઠ કે શોણ-ગાંઠ. અસંભવપ્રાય એવા કોઈ ઈષ્ટ કાર્યની સિદ્ધિ જ્યારે મન ઝંખતું હોય, તે વેળા જ કોઈના મોંમાંથી અજાણ્યે નીકળેલા ‘સિદ્ધિ થજો’, ‘સફળ થાઓ’, ‘પ્રાપ્તિ થશે’ એવા શબ્દો સાંભળવામાં આવે, એટલે સારાં શુકન થયાં ગણાય, અને એ શુકન જળવાઈ રહે, પ્રભાવક બને, તે માટે શ્રોતા પોતાના વચ્ચે એક ગાંઠ વાળી દે છે જેથી શુભ શુકન સરી ન જાય! એક પ્રાકૃત ગાથામાં નાયકની પ્રતીક્ષા કરતી મુગ્ધા નાયિકાનું ઉત્તરીય આવી શકુનગ્રંથિથી ગંઠાઈ ગયું હોવાનું વર્ણન છે. પ્રસ્તુત પદમાં રુક્મિણીએ પુત્રવિવાહને પ્રસંગે, કૃષ્ણસહિત ઉપસ્થિત રહેવાની ઇચ્છા વ્યક્ત કરી તેથી, અણધારી આ ઇષ્ટાપત્તિથી હરખેલો નરસિંહ ‘શોણગાંઠ’ બાંધે છે.” નરસિંહની આ કૃતિ હરિદાસની આ જ વિષયની કૃતિ સાથે અત્યંત મળતાપણું બતાવે છે – પ્રસંગનિરૂપણમાં અને ભાષાપ્રયોગોમાં. (અને એક ધારણા એવી છે કે નરસિંહને નામે મળતી કૃતિ હરિદાસની કૃતિને આધારે મોડા સમયમાં રચાયેલી છે.) ‘પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ’ (સંપા. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ૧૮૯૦)માં મુદ્રિત હરિદાસકૃત ‘શામળદાસનો વિવાહ’માં આ પ્રસંગે ‘શર્ણગાંઠ’ શબ્દ છે. ત્યાં પાઠાંતર નોંધવાની પ્રથા જ સ્વીકારવામાં આવી નથી, પરંતુ મને પાકો વહેમ છે કે હસ્તપ્રત ‘શોણ’ શબ્દ જ આપતી હોવી જોઈએ અને એ શબ્દ ન બેસતાં સંપાદકોએ ‘શર્ણ’ કરી નાખ્યું હોવું જોઈએ. હરિદાસની કૃતિની અનેક હસ્તપ્રતો છે અને જૂની પણ છે. એમાં ‘શોણ’ પાઠ સાચવ્યો ન હોય અને છેક ઓગણીસમી સદી નજીકની નરસિંહની કૃતિની હસ્તપ્રતોમાં એ સચવાયો હોય એ સંભવિત નથી. ‘શર્ણગાંઠ’નો અર્થ પણ આ સ્થાને મારીમચડીને જ બેસાડવો પડે, એવો પાઠ કલ્પવા કરતાં હસ્તપ્રતોમાંથી મળતો પાઠ રાખી અર્થ વિશે સંદેહ વ્યક્ત કરવો એ જ ઉચિત કહેવાય. સૂક્ષ્મ સર્વાંગી અર્થનિર્ણયને હું મધ્યકાલીન સાહિત્યકૃતિના સંપાદનનું અનિવાર્ય અંગ ગણું છું. લિપિવાચન કરવું, શબ્દો છૂટા પાડી આપવા, પાઠપસંદગી અને પાઠશુદ્ધિ કરવી, ત્યાં સંપાદકનું કામ પૂરું થતું નથી. સંપાદક કૃતિનો અર્થ પૂરેપૂરો પામે ત્યારે જ એણે કૃતિને પામી એમ કહેવાય અને એવી અર્થસમજણ સાથે વાચના આપે ત્યારે જ એણે પોતાની વાચના આપી કહેવાય. આ એક આદર્શ છે, પણ એ આદર્શની શક્ય તેટલી સિદ્ધિ માટે મથવું એ સંપાદકનું કર્તવ્ય છે, એમાં જ સંપાદન પ્રવૃત્તિની સાર્થકતા છે. અર્થનિર્ણયની કામગીરીનાં બેત્રણ અંગો હોઈ શકે. એક અંગ તે વિરામચિહ્નની વ્યવસ્થાનું છે. મધ્યકાળમાં એક અને બે દંડ સિવાય કોઈ વિરામચિહ્નો નહોતાં. આજે આ૫ણી પાસે વિરામચિહ્નોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિહ્નોનો ઉપયોગ ખાસ ઉપયોગી બને-અવતરણચિહ્ન, સંબોધનચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન. અવતરણચિહ્નને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉક્તિ જુદી પડતી નથી અને ઘણી વાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પદ્યમાં કોઈ વાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઉક્તિ આવતી હોય છે, કોઈ વાર ઉક્તિ એકથી વધુ પંક્તિ ને કડી સુધી ફેલાતી હોય છે, કોઈ વાર ટૂંકી ઉક્તિઓ જોડાઈ જતી હોય છે, કોઈ વાર ‘કહે છે’ જેવા શબ્દને અભાવે વાક્યને કોઈ પાત્રની ઉક્તિ તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,

એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.

અહીં ‘હોસ્યઇ વંછિત હિવ રલી’ (હવે આનંદ આપનારું મનવાંછિત થશે) એ આરામશોભાની અપરમાનો મનોભાવ છે. એને અવતરણચિહ્નમાં ન મૂકેલો હોય તો એ કવિનું કથન ગણાઈ જવાનો ભય રહે છે. પરણઉં તુઝ મુઝ પૂછઉ તાત. આમાં અવતરણચિહ્ન ન હોય તો ‘પરણઉં તુઝ’ ‘મુઝ પૂછઉ તાત’ એ બે જુદાં પાત્રોની જુદી ઉક્તિઓ છે એ તરત ન સમજાય. આ જ રીતે સંબોધનચિહ્ન ન હોય ત્યારે નામ બીજા કોઈ સંબંધે વાક્યમાં જોડાઈ જવાનો સંભવ રહે છે. આ વિરામચિહ્નો મૂકવામાં ક્યાંક મૂંઝવણનો અનુભવ થવાનો, પણ એવી મૂંઝવણ તો પાઠનિર્ણયમાં પણ અનુભવવાની આવતી હોય છે અને સંપાદકે કોઈક રસ્તો લેવો પડતો હોય છે. આપણે ત્યાં આ રીતે વિરામચિહ્નો ઉમેરવાની પદ્ધતિ રૂઢ થઈ નથી, પણ એ રૂઢ કરવા જેવી છે એમ મને લાગે છે. જેમ મધ્યકાલીન હસ્તપ્રતની શબ્દો ભેગા લખવાની રૂઢિને છોડીને આપણે શબ્દો છૂટા લખીએ છીએ, તેમ એની વિરામચિહ્ન વ્યવસ્થાને છોડીને આપણી વિરામચિહ્નવ્યવસ્થા કેમ ન અપનાવી શકાય? અર્થનિર્ણયનું બીજું અંગ શબ્દકોશ છે. શબ્દકોશ સંપાદકના અર્થનિર્ણયનું પ્રતિબિંબ પાડે છે. મધ્યકાલીન કૃતિમાં ઘણા અજાણ્યા શબ્દો મળવાના, પરિચિત શબ્દોના આપણા અર્થ છોડવા પડે ને નવા અર્થ શોધવા પડે એવું પણ બનવાનું. આ બધા માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દેશ્ય, રાજસ્થાની, હિંદી, ફારસી શબ્દકોશો સુધી જવું પડે, અન્ય મધ્યકાલીન કૃતિઓમાંના પ્રયોગોની સહાય લેવી પડે એવું બનવાનું. પણ આ શ્રમનું વળતર અનન્ય હોવાનું. કૃતિના શબ્દાર્થજગતના અનેક ખૂણાઓ પ્રકાશિત થતાં તૃપ્તિ અને ચમત્કારનો અનુભવ થવાનો. અર્થનિર્ણયની આ સૂક્ષ્મતા અને વ્યાપકતા સમજવા માટે મારા અનુભવમાંથી થોડા દાખલા આપીશ. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં પતિથી તરછોડાયેલી કુલધરકન્યાના વર્ણનમાં એક પંક્તિ આમ આવી : ‘વેગિ ગઈ વહી ચકિત હૂઈ ઘણું હે, યૂથભ્રૃષ્ટ જિમ એણી હે.’ ‘એણી’ મધ્યકાળમાં ‘એ’ના અર્થમાં સ્ત્રીલિંગમાં વપરાતો શબ્દ છે તેથી પહેલાં તો એ શબ્દ જ અહીં હોવાનું માની લીધું. કુલધરકન્યા પોતાને સાથથી છૂટી પડી ગયેલી, પછી, કહે જ છે. પણ બીજે તબક્કે લાગ્યું કે ‘યૂથભ્રષ્ટ જિમ એણી હે’ એ તો અહીં ઉપમાવાક્ય છે, એમાં ‘એણી’ કોઈ સંજ્ઞા હોવી જોઈએ, ‘એ’ના અર્થનો શબ્દ નહીં. સંજ્ઞા તરીકે આ શબ્દ મને પરિચિત નહોતો એટલે એના અર્થની શોધખોળ આદરી. અંતે સંસ્કૃત ‘એણી’ શબ્દ જ ‘હરણી’ના અર્થનો મળી આવ્યો અને સંદર્ભે ચોખ્ખો થઈ ગયો. પણ આ સંસ્કૃત શબ્દ સુધી હું પહોંચ્યો હતો હિંદી કોશ દ્વારા, કેમકે મને એ સંસ્કૃત શબ્દ હોવાનો વહેમ જ નહીં ગયેલો. આ રીતે તમે ભળતા અર્થમાં શબ્દને સમજી લો અને ખરેખર એ શબ્દ જુદા જ અર્થમાં હોય, એ અર્થમાં એ સંસ્કૃતપ્રાકૃત-દેશ્ય પરંપરામાં પડેલો જ હોય પરંતુ તમે એનાથી અજાણ હો, તમને એનો વહેમ પણ ન આવે. આથી જ લાગે છે કે મધ્યકાલીન કૃતિનું સંપાદન સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાસાહિત્યની સજ્જતા વિના થાય ત્યારે ઊણું-અધૂરું જ રહે. સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાસાહિત્યોનો શબ્દાર્થ, સામાજિક સંસ્કારો વગેરેનો ઘણો વારસો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને મળ્યો છે. એ એક સમાન પરંપરા છે અને એ પરંપરાનો અભ્યાસ મધ્યકાલીન કૃતિના સંપાદક માટે આવશ્યક બનવો જોઈએ. સમયપ્રમોદકૃત ‘આરામશોભાચોપાઈ’માં અકબર માટે ‘દીન-દુની-પતિસાહ’ એવો પ્રેયોગ મળ્યો. ‘દુની’ (=દુનિયા) એ હિંદી શબ્દ ગુજરાતી કૃતિઓમાં કેટલેક ઠેકાણે મળેલો અને ‘દીન’ એટલે ગરીબ એમ તરત બેસી જાય. ‘ગરીબનવાજ’ વિશેષણ જાણીતું છે. તેથી અહીં ગરીબવર્ગને માટે શિરતાજરૂપ એવો અર્થ માની લીધો. પણ બીજે તબક્કે આ અર્થમાં શંકા થઈ. અહીં ‘દીન’ એ સંસ્કૃત શબ્દ રહેલો માનવો એ યોગ્ય છે? તરત વાત તો અકબરે જિનચંદ્રસૂરિને બોલાવ્યાની આવે છે. એટલે અહીં સંદર્ભ તો અકબરની ધાર્મિકતાનો છે. તો પછી ‘દીન (=ધર્મ) એ ફારસી શબ્દ જ અહીં રહેલો હોવાનું ન માનવું જોઈએ? ‘દીન-દુની-પતિસાહ’ એટલે ધાર્મિક સમાજનો અગ્રણી. ફારસી શબ્દનો આજે આપણને વિલક્ષણ લાગે એવો પ્રયોગ પણ મળ્યો. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં ‘ગુનો બક્ષો’ એવો પ્રયોગ બે વાર આવ્યો. ‘બક્ષવું’ એટલે દાન કરવું, ભેટ આપવું એ અર્થમાં આપણને એ જાણીતો શબ્દ છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ’ (સંપા. છોટુભાઈ નાયક) પણ મૂળ ફારસી ‘બખ્શ’ શબ્દને આવા અર્થમાં જ નોંધે છે એ અર્થ તો અહીં અસંગત થતો હતો, ‘માફ કરવું’ એ ચોખ્ખો અર્થ હતો. એમ લાગ્યું કે ગુજરાતી કવિએ આ શબ્દ ભળતા અર્થમાં વાપર્યો છે, પરંતુ પછીથી ફારસી ભાષાના જાણકારને પૂછતાં જાણવા મળ્યું કે ‘બક્ષ’ શબ્દનો મૂળ અર્થ ‘જતું કરવું’ એ જ છે ને ‘માફ કરવું’ એ અર્થમાં એનો પ્રયોગ માન્ય છે. મધ્યકાલીન ગુજરાતી કવિ પાસે ભાષાની આ અર્થછાયા હતી એ હકીકત. વિસ્મયકારક લાગી. એક કૃતિમાં ફારસી ‘પેસ’ (=શ્રમ) જેવો વિરલ શબ્દ વપરાયેલો જોયો ત્યારે મધ્યકાલીન ભાષામાં ફારસી શબ્દોનો પગપેસારો કેટલો થયેલો છે એનો ખ્યાલ આવ્યો. કેટલાક કવિઓ પાસે ફારસી ભાષાની ઠીક સજ્જતા દેખાય છે. ‘રીખઇ’ મધ્યકાલીન ગુજરાતીમાં ભાંખોડિયાભર ચાલવાના અર્થમાં જાણીતો શબ્દ છે. માતા મૃત્યુ પામતા વિદ્યુત્પ્રભાને થયેલા દુઃખના વર્ણનમાં ‘રોવઇ રીંખઇ દુખુ ન ખમાઇ’ એવી પંક્તિ મળી એટલે પહેલાં ત્યાં ‘રીખઇ’નું જ સાનુસ્વાર રૂપ માની ‘ભાંખોડિયાભર ચાલે’ એ અર્થનો વિસ્તાર કરી ‘પેટ ઘસડે, આળોટે’ એવો અર્થ બેસાડ્યો. પણ આ સંદર્ભમાં આ અર્થ વિશે શંકા રહ્યા કરી. છેવટે ‘રોવું, વિલાપ કરવો’ એ અર્થનો રાજસ્થાની શબ્દ ‘રીંકણો’ મળી આવ્યો. ‘રીંખઇ’ એનો જ ઉચ્ચારભેદ હોવાનું સમજાયું. ‘રોવઇ-રીંખઇ’ એટલે ‘રોવેકકળે’ના જેવો દ્વિરુક્ત પ્રયોગ. ‘વિરામ’ શબ્દ પહેલી વાર આવ્યો ત્યારે એના સંસ્કૃત અર્થોમાંથી તાણીખેંચીને ‘મૃત્યુ, અંત, પરિણામ’ એવા અર્થમાં બેસાડ્યો. પણ પછી તો બીજા ચારેક પ્રયોગો મળ્યા અને આ અર્થ પણ બેસાડવો મુશ્કેલ બન્યો. છેવટે એની ચાવી પણ રાજસ્થાની કોશમાંથી મળી. એમાં આ શબ્દની બીજા અર્થોની સાથે ‘કષ્ટ, પીડા, ઉત્પાત, ઉપદ્રવ’ એ અર્થો નોંધાયેલા મળ્યા અને બધા સંદર્ભમાં બરાબર બેસી ગયા! આરામશોભાવિષયક કૃતિઓના શબ્દાર્થના ઘણા કોયડા તો રાજસ્થાની કોશે ઉકેલી આપ્યા એટલે એમ લાગે છે કે જૈન પરંપરાની ગુજરાતી કૃતિઓના અભ્યાસમાં રાજસ્થાની ભાષાનું જ્ઞાન ઘણું ઉપયોગી થાય. અર્થનિર્ણયનું ત્રીજું અંગ ટિપ્પણ છે. શબ્દકોશમાં જે ન સમાઈ શકે તે ટિપ્પણમાં આવે. શબ્દાર્થની વિશેષ ચર્ચા આવશ્યક હોય તે અહીં આવે. રૂઢિપ્રયોગો વગેરે તરફ પણ અહીં લક્ષ ખેંચી શકાય. વિલક્ષણ શબ્દઘડતરોની સમજૂતી આપી શકાય. પારિભાષિક, સાંસ્કૃતિક ને ઐતિહાસિક સંદર્ભો સ્ફુટ કરી શકાય. આ ઉપરાંત પદ્યમાં વાક્યાન્વય સ્વાભાવિક રીતે જ કેટલીક છૂટછાટવાળો હોવાનો, કેટલીક વાર અછડતો–અધ્ધર પણ રહેવાનો. જ્યાં સંભ્રમ થવાની શકયતા હોય ત્યાં યોગ્ય વાક્યાન્વય જોડી આપી શકાય. ‘જ્ઞાન દેખિ’ એ ‘જ્ઞાનિ દેખિ’ (જ્ઞાનથી જુએ છે) ના અર્થમાં કે ‘કહ્યઉ નાગ’ એ ‘નાગને કહ્યું’ એ અર્થમાં હોય તો એની સ્પષ્ટતા થઈ શકે. ‘સહૂઇ ખરચ ચલાવિસ્યું, મ મ વિમાસિ એ વચન મ્હારઉ’ એ ઉક્તિનો અન્વય ‘સર્વ ખર્ચ હું ઉપાડીશ-એ મારું વચન છે, માટે વિચાર ન કર’ એમ કરવાનો છે એ બતાવી શકાય. મધ્યકાલીન પદ્યમાં વાક્યાન્વય એકમાંથી બીજી પંક્તિમાં જ નહીં, એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અર્થની ગરબડ થવાનો કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. આવે સ્થાને પણ વાચકની મદદે જવું ઇષ્ટ ગણાય. એક-બે ઉદાહરણ જોઈએ :

કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા ઇહાં તાણઉ”,
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
રાય તણઇ પાસિ આણી, ચોર સરખીય જાણી. ૧૮૮

અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.

“કાલિ કહિસું મુંકું હવઇ રે”, “ઢીલ તુ ખિણ ન ખમાઇ”,
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦
“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,
તું જીવન તું આતમા રે, કિમ કરીવા દ્યઉં ગુંણ.” ૨૫૧

અહીં પહેલી ઉક્તિ આરામશોભાની છે, બીજી રાજાની છે, ત્રીજી પણ રાજાની છે. રાજાની બે ઉક્તિ વચ્ચે આરામશોભાની ઉક્તિ રાજાએ સાંભળ્યાની વાત મૂકી છે. આ જાતના અન્વયથી ઘણો સંભ્રમ થાય એવું છે. આપણે એમ સમજવાનું છે કેઃ ‘કાલે કહીશ. હમણાં મને જવા દો’ એવું આરામશોભાનું વચન સાંભળી રાજા મનમાં પ્રેમ ધરીને કહેવા લાગ્યો, ‘હવે તો એક ક્ષણની પણ ઢીલ ખમાય એમ નથી. ચિંતામણિ હાથમાં આવ્યા પછી એની પકડ કોણ છોડે?’ વગેરે. અર્થની આટલીબધી ચોકસાઈનો આગ્રહ એટલા માટે છે કે આપણે મધ્યકાળની સૃષ્ટિથી ઘણા દૂર નીકળી ગયા છીએ. સરેરાશ વાચકને માટે તો એમાં ઘણું બધું દુર્બોધ હોય છે. અભ્યાસીઓને પણ કૃતિને પૂરેપૂરી આત્મસાત્‌ કરવામાં અગવડ પડતી હોય છે ત્યારે આ જાતનો સંપાદકશ્રમ જ આપણને કૃતિની સંનિકટ લઈ જવામાં સફળ થતો હોય છે. અર્થનિર્ણય પરત્વે એક છેલ્લી વાત કહેવી જોઈએ, ભરપૂર શ્રમ પછી પણ મધ્યકાલીન કૃતિમાં સંદિગ્ધ સ્થાનો રહેવાનાં. સંપાદક એની નોંધ જરૂર લે, જેથી બીજાઓનું એના તરફ ધ્યાન ખેંચાય અને શક્ય હોય ત્યાં મદદે આવી શકે. આ રીતે જ મધ્યકાલીન કૃતિનો આપણો બોધ સંપૂર્ણતાને પામી શકે. લિપિવાચનથી અર્થનિર્ણય સુધીની આપણી યાત્રા અહીં પૂરી થાય છે. કૃતિના વિરાટ વિશ્વને માપવાનાં ત્રણ જ પગલાં. તો એ પગલાં પણ કેટલાં વિશાળ જોઈએ? એવાં વિશાળ પગલાં ભરવાની ક્ષમતા આપણે કેળવીએ.