ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 15:00, 22 April 2025

મગનલાલ લાલભાઈ દેસાઈ

‘કોલક’ના નામથી કાવ્યોનો પ્રવાહ વહાવતા આ કવિનો જન્મ સુરત જિલ્લાના પારડી તાલુકાના સોનવાડા ગામમાં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ.સ. ૧૯૧૪ના મે માસની ૩૦મી તારીખે થયેલો. તેમના પિતાનું નામ લાલભાઈ ભગવાનજી દેસાઈ અને માતાનું નામ તાપીબહેન. તેમનું મૂળ વતન સુરત જિલ્લાનું ગામ ટૂકવાડા. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૯માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે. તેમનો અભ્યાસ પ્રવિયસ સુધીનો છે. મેટ્રિકની પરીક્ષા તેમણે મુંબઈની બાઈ કબીબાઈ હાઈસ્કૂલમાંથી ઈ.સ. ૧૯૩૩માં પસાર કરી હતી. એ પરીક્ષામાં તેમની શાળાના ૭૦ વિદ્યાર્થીઓમાં તેઓ પ્રથમ આવેલા. તેઓ હાલમાં વેન્ગાર્ડ સ્ટુડીઓઝના જાહેરખબર વિભાગમાં કામ કરે છે અને ‘કવિતા’ માસિકનું તંત્રીપદ સંભાળે છે. પહેલાં થોડોક વખત ‘માધુરી’ નામનું ત્રૈમાસિક પણ તેમણે ચલાવેલું. તેઓ મેટ્રિકમાં હતા ત્યારથી કવિતાઓ–ગીતો વગેરે રચતા. કવિ ખબરદારનાં કાવ્યોના વાચનમનને તેમ કવિશ્રીના નિકટ પરિચયે તેમની લેખનપ્રવૃત્તિને વિશેષતઃ ઉત્તેજી છે. તેમનાં પ્રિય પુસ્તકોમાં ટેનિસનનું ‘ઇન મેમોરિયમ’, કવિ ખબરદારનું ‘દર્શનિકા’, ગ્રેનું ‘એલિજી રીટન ઇન એ કન્ટ્રી ચર્ચયાર્ડ’ કાલિદાસનું ‘મેઘદૂત’ અને ગાંધીજીની ‘આત્મકથા’ મુખ્ય છે. કાવ્યવાચન જીવનની વિષમતાને ઘડીભર ભુલાવી શકે છે એટલે કવિતા માટે પોતાને પક્ષપાત છે એમ તેઓ કહે છે. તેમનાં પ્રિય અભ્યાસવિષયો આત્મકથા, ઇતિહાસ અને કાવ્યશાસ્ત્ર છે. તેમનું પ્રથમ પુસ્તક ‘પ્રિયા-આગમન’ નામે એક ખંડકાવ્ય, ઈ.સ. ૧૯૩૭માં પ્રગટ થયેલું. ઈ.સ. ૧૯૪૬માં રા. બ કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળાના ઉપક્રમથી સુરતમાં ‘કવિતા’ ઉપર વ્યાખ્યાન આપવાનું વિશિષ્ટ માન તેમને મળ્યું હતું. તેઓ વિલેપાર્લેની સાહિત્ય સભા, મુંબઈ લેખકમિલન વગેરે સંસ્થાઓની કાર્યવહી સમિતિઓનાં સભ્ય છે. તેમની કવિતામાં ભગ્નહૃદયનો પ્રલાપ સંભળાય છે. કવિના ચિત્ત ઉપર ખબરદારની તરંગલીલા અને ભાષાલાલિત્યનો પ્રભાવ પડેલો છે. કવિનો વિવિધ છંદો પરનો કાબૂ પ્રશસ્ય છે.

કૃતિઓ:

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક મૌલિક કે અનુવાદ?
૧. પ્રિયા-આગમન *ખંડકાવ્ય *૧૯૩૭ *સી. જમનાદાસ એન્ડ કું. મુંબઈ *મૌલિક
૪૨. સાંધ્યગીત *કાવ્યો *૧૯૩૮ *પોતે *મૌલિક
3. સ્વાતિ *કાવ્યો *૧૯૪૦ *પોતે *મૌલિક
૪. પ્રેમ-ધનુષ્ય *સળંગ કાવ્ય *૧૯૪૨ *પોતે *મૌલિક

અભ્યાસ-સામગ્રી

તેમના જીવન તેમજ સાહિત્ય માટે-૧. ‘ચયનિકા’નો ઉપોદ્ઘાત.
૨. ‘સાન્ધ્યગીત’ની પ્રસ્તાવના.
‘સાન્ધ્યગીત’ માટે – ‘ઊર્મિ’, માર્ચ ૧૯૩૯.
  ‘પ્રેમ-ધનુષ્ય’ માટે-‘ઊમિ’ એપ્રિલ ૧૯૪૫.
આ ઉપરાંત ગુજરાત સાહિત્યસભાનાં વાઙ્મયો.

***