દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કિમિદં વ્યાહૃતું મયા: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/કિમિદં વ્યાહૃતું મયા to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કિમિદં વ્યાહૃતું મયા without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
(No difference)
| |
Latest revision as of 02:24, 7 May 2025
અક્ષર અક્ષર વચ્ચે
થોડું ખરબચડું
પણ સાચ હજો
થોડા પથરા
થોડા ઠળિયા
થોડાં પીંછાં
થોડી ચગદેલી આંગળીઓ
થોડું લોહી
થોડાં આંસુ
થોડો ખારો કડવો તેજાબી પણ સ્વાદ હજો
ડૂસકાં ચીસો રાડ
થથરતાં જાનવરોનો ભાંભરિયો ઘોંઘાટ
તૂટતાં નળિયાં બળતાં વળિયાંનો તતડાટ
તરડતા કાચ ભાંગતાં ઠામ
વછડતાં જોડાં
નીંદર હબક્યાં બાળ
બટકતી કળી ઉખેડ્યો છોડ
ખોખરાં કાઠ વહેરતી કરવતનો ખોંખાર હજો
અક્ષર અક્ષર વચ્ચે
થોડા ઘાવ ફફોલા રાખ ધુંવાડા
થોડો પણ સૂનકાર હજો
આ કોરા કાગળ ઉપર
ખોળવા લયને
ચારેકોર ખોદતો જાઉં
હાથમેં બિન ધાગે કી સ્યાહ ટપકતી સૂઈ લઈ કે
ટપકે ટપકે
લીટી
દોરો
ટપકું લીટી
લીટી ટપકું
ટપકું ટપકું લીટી ટપકું ટપકું
... - - - ...
લીટી ટપકે આંક્યા મારા અક્ષર વાંકા રાંક કગરતા
કાગળ પાસે
નથી ઝાઝું કંઈ જોતું
ફૂટ્યાં નસીબ
છોને અરથ મળે ના
મળે ફક્ત જો અવાજ
થોડો લીંટાતો લટ
ટીપે ટીપે કરી તરીશું
ખરબચડું સાચું ખારું કડવું તેજાબી
તતડ ખોખરો સૂનો
અક્ષર અક્ષર વચ્ચે
લય શોધું છું રામ